મહાકુંભ : એક રહસ્ય, એક કહાની
ભાષા – હિન્દી
નિર્દેશક – અરવિંદ બબ્બલ
લેખક – ઉત્કર્ષ નૈથાની, દીપક પચોરી, મેધા જાધવ, અનિરુધ પાઠક
ભાગ – ૧૨૨
કલાકાર : સિદ્ધાર્થ નિગમ, ગૌતમ રોડે, પાયલ રાજપૂત, મનીષ વાધવા, રાહિલ આઝમ, કેતકી દવે, સીમા બિસ્વાસ
પ્રથમ પ્રસ્તુતિ : લાઈફ ઓકે (૨૦૧૪-૨૦૧૫)
ક્યાં જોવા મળશે : ડીઝની + હોટસ્ટાર
પુરાણોને સાંકળતી કથાઓ જયારે કહેવામાં આવે છે ત્યારે ઘણા લેખકો અને નિર્દેશકો પૌરાણિક કથાઓ અને પાત્રો સાથે ભયંકર છેડછાડ કરતા હોય છે અને પોતાની ધારણાઓ તેમ જ વિકૃત કલ્પનાઓ તે પાત્રોમાં ભરીને દર્શકો સામે પ્રસ્તુત કરતા હોય છે. ક્યારેક કોઈ પાત્રમાં કે કથામાં એ હદની વિકૃતિ ભરી દેતા હોય છે કે પૌરાણિક કથાઓ જેણે વાંચી હોય તે કોમામાં સરી પડે.
આવી ભયંકર પરિસ્થિતિમાં જયારે મહાકુંભ જેવી સારી સિરીયલ નજરે પડે ત્યારે મન ખરેખર પ્રસન્ન થઇ જાય. આ સિરીયલ છેક ૨૦૧૪-૨૦૧૫ માં લાઈફ ઓકે ટીવી ચેનલ ઉપર આવીને ગઈ. જો કે તે સમયે તો ન જોઈ, પણ હમણાં જ તેને ડીઝની હોટસ્ટાર ઉપર વેબસિરીઝની જેમ જોઈ. પુરાણકથાઓ સાથે ભયંકર છેડછાડવાળી ફિલ્મો અને સિરીયલો તેમ જ વેબસિરીઝોના વાવાઝોડામાં મહાકુંભ પવનની ઠંડી લહેરખી સમાન છે.
આ સિરીયલના નિર્દેશકને ન્યુયોર્કમાં આયોજિત આંતરરાષ્ટ્રીય ટેલીવિઝન અને ફિલ્મ એવોર્ડમાં શ્રેષ્ઠ નિર્દેશક તરીકે ૨૦૧૬ માં આ સિરીયલ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત શિકાગો આંતરરાષ્ટ્રીય ટેલીવિઝન એવોર્ડ્સમાં મહાકુંભને ‘સર્ટીફીકેટ ઓફ મેરીટ’ મળ્યું હતું.
બહુ જ લાંબી એવી આ સિરીયલની વાર્તા ઉપર નજર નાખી લઈએ. વાર્તાનો મૂળ આધાર છે અમૃતનો કળશ જે દર એકસો ચુમ્માલીસ વર્ષે મહાકુંભમાં બહાર આવે છે અને તે સમયે તેમની રક્ષા માટે સાત ગરુડોનો જન્મ થતો હોય છે. સમુદ્રમંથન વખતે પણ ગરુડોએ અમૃતની રક્ષા કરી હોય છે તેમ તેઓ અમૃતની રક્ષા માટે જન્મ લેતા હોય છે.
વાર્તા શરૂ થાય છે કુંભમેળાથી જેમાં પોતાના પુત્ર રુદ્ર સાથે આવેલા શિવાનંદ (મનીષ વાધવા) નું અપહરણ એક ગુપ્ત સંગઠનના ઈશારે થાય છે. ૧૪૪ મા મહાકુંભને હજી સમય હોય છે. તે ગુપ્ત સંગઠન શિવાનંદને પોલેન્ડ લઇ જાય છે. નાઝીઓ દ્વારા સ્થપાયેલા આ સંગઠનમાં અનેક નામચીન હસ્તીઓ હોય છે. શિવાનંદ અમૃતના રહસ્યને વૈજ્ઞાનિક તરીકે ઉકેલી રહ્યો હોવાથી તેની પાસેથી જાણકારી મેળવવા માટે તેને પકડવામાં આવ્યો હોય છે. શિવાનંદનો પુત્ર રુદ્ર શિવાનંદના અપહરણ કરતી વખતે પૂલ ઉપર કરવામાં આવેલા વિસ્ફોટથી પાણીમાં પડી ગયો હોય છે. તે સમયે ઉડિયા બાબા (રોબીન દાસ) રુદ્રને બચાવે છે. સાધુ ઉડિયા બાબા નાના રુદ્રને અલાહાબાદથી કાશી (વારાણસી) લઈને આવે છે. કાશીના ઘાટ ઉપર સ્મશાનને દેખરેખ રાખતી માઈમુઈ (સીમા બિસ્વાસ)ને સોંપે છે. શરૂઆતમાં તેને ત્યાં રાખવાની ના પાડે છે, પણ રુદ્રની માસુમિયત જોઇને માઈમુઈ પીગળી જાય છે અને રુદ્રને પોતાની પાસે રાખી લે છે.
સમય વીતતો જાય છે અને રુદ્ર કિશોર બની જાય છે. તે સમયે ઉડિયા બાબાને ખોયે પાયે પાંડે (વિનીત કુમાર) વિષે ખબર પડે છે જે કુંભમાં વિછોહ પામેલા પરિવારના સભ્યોનો ભેટો કરાવે છે. ઉડિયાબાબા પત્ર લખીને રુદ્ર વિષે જાણકારી આપે છે. તે રુદ્રને લઈને ખોયે પાયે પાંડે પાસે જાય છે અને જયરે તે ખોયે પાયે પાંડેને પોતાના પિતાનું નામ જણાવે છે, ત્યારે પાંડે ચમકી જાય છે. ઉડિયા બાબાના ગયા પછી ખોયે પાયે પાંડે રુદ્રને કેદ કરે છે, પણ અસાધારણ શક્તિ ધરાવતો કિશોર બેડીઓ તોડીને ભાગે છે અને ફરી ઉડિયા બાબા સાથે જતો રહે છે. શ્રીસંથ સંસ્થાના પ્રમુખ સ્વામી બલીવેશ ખોયે પાયે પાંડેને રુદ્રને પકડવાને બદલે ફક્ત નજર રાખવા કહે છે.
સમય આગળ વધે છે અને રુદ્ર યુવાન અને શક્તિશાળી બને છે. રુદ્ર (ગૌતમ રોડે) ના જીવનમાં પ્રવેશ થાય છે માયા (પાયલ રાજપૂત)નો. ગુસ્સાવાળા રુદ્રથી વિરુદ્ધ શાંત સ્વભાવવાળી માયા રુદ્રને પ્રેમ કરવા લાગે છે. રુદ્ર પણ તેને પ્રેમ કરવા લાગે છે. રુદ્ર જેમને પ્રેમ કરતો હોય તે ઉડિયા બાબા અને માઈમુઈનું ખૂન થઇ જાય છે અને રુદ્ર ખેંચાઈ આવે છે અલાહાબાદ. રુદ્રની પીઠ ઉપર ગરુડનું ટેટુ હોય છે જે દર્શાવતું હોય છે કે તે એક ગરુડ છે. જો કે રુદ્રને ખબર નથી કે તે ટેટુનું રહસ્ય શું છે. ઘણીબધી ઘટનાઓ બને છે અને કથા આગળ વધે છે. રુદ્રને ખબર પડે છે કે તે એક બ્રહ્મનિષ્ઠ પરિવારથી છે અને તેમની અને શ્રીસંથની વચ્ચે દુશ્મની હોય છે. જેમ જેમ પાત્રો આવતાં જાય છે તેમ તેમ કથા ગૂઢ થતી જાય છે. બલીવેશ(અચલ નાગેશ સાલવાન)ના પિતા દેવેશ(રામ ગોપાલ બજાજ), પ્રોફેસર એપીજે રાવ (મોહન મહર્ષિ), ચાર્લ્સ (આઝાદ અન્સારી), ડીએમ તિવારી (નિસાર ખાન), કેથરીન (કલ્લીરોઈ ઝિયાફેટા), થપડીયા માઈ (કેતકી દવે), ગ્રેયરસન (ઝાકરી કોફીન), દાદી (સુરેખા સિક્રી).
રહસ્ય ઘૂંટાતું રહે છે અને વાર્તા આગળ વધતી રહે છે. છેક પચાસ ભાગ પૂર્ણ થયા પછી કથાના મૂળ ખલનાયક નાગોનો પ્રવેશ થાય છે. કથાનો મુખ્ય ખલનાયક છે દંશ (રાહિલ આઝમ). અનેક અણધારી ઘટનાઓ સાથે કથા પોતાના અંત તરફ આગળ વધે છે.
આ સિરીયલનું મુખ્ય જમાપાંસુ છે તેની કથા. જેમાં અણધાર્યા વળાંકો આવતા રહે છે. એક્ટિંગને મામલે સૌથી ઉપર હાથ રહ્યો છે સીમ બિસ્વાસનો. માઈમુઈ અને ભૈરવીના રોલમાં તે રંગ રાખે છે. શિવાનંદના રોલમાં મનીષ વાધવા જમાવટ કરે છે. ગૌતમ રોડેએ રુદ્રનો રોલ એકદમ પરફેક્ટ રીતે ભજવ્યો છે. ધીમે ધીમે તેની અંદર આવેલ પરિવર્તન દર્શકોને બાંધી રાખે છે. શીઘ્રક્રોધી રુદ્રમાંથી શાંત અને સંયમિત તેમ જ જ્ઞાની રુદ્રમાં પરિવર્તન જરા પણ અસહજ લાગતું નથી. સિરીયલ શરૂ થઇ એ પહેલાં આ રોલ મોહિત રૈનાને ફાળે ગયો હતો, પણ અંતે ગૌતમના ભાગે આ રોલ આવ્યો. પુન્નુ તિવારી (પરિતોષ પંડિત) અને ચાર્લ્સે કોમેડીનો ડીપાર્ટમેન્ટ સંભાળવાનો પ્રયત્ન કર્યો છે, પણ તેમ નિષ્ફળ રહ્યા છે. માયાએ સુંદર દેખાવા સિવાય વધુ કંઈ કરવાનું ન હતું. દાદી તરીકે સુરેખા સિક્રી ભાવ ખાઈ ગઈ છે. કેતકી દવે પણ એટલી જ પ્રભાવશાળી લાગે છે. ખલનાયક તરીકે દંશ નાટકીય અને ઓવરએક્ટિંગ કરતો હોય એવું લાગે છે. તેનો અભિનય લાઉડ અને હોલીવુડના કલાકારોથી પ્રેરિત હોય એવું તરત દેખાઈ જાય છે. સામેના પાત્રની એકદમ નજીક આવીને તેના કાન પાસે ધીમી ડાયલોગ ડીલીવરી એકદમ અસહજ લાગે છે. તેના કરતાં બલીવેશ ખલનાયક તરીકે વધુ માર્ક્સ લઇ જાય છે. વિદેશી ખલનાયક ગ્રેયરસનની એક્ટિંગ પણ નકલી લાગે છે. કદાચ ભાષાના ભેદને લીધે એવું હોઈ શકે.
સિરીયલની જો સૌથી મોટી ખામી હોય તો તે તેની લંબાઈ છે. દરેક પાત્ર જવાબ આપવામાં એટલો સમય લે છે કે વેબસિરીઝ જોવાની આદત પડી ગઈ હોય એ દર્શકની ધીરજ ખૂટી જાય છે. કેટલાક સીન તો સાવ બાલીશ લાગે છે, પણ કન્ટેન્ટ મજબૂત હોવાને લીધે દર્શકો બંધાઈ રહે છે. કેટલાક ટ્વિસ્ટ ગળે ન ઉતરે એવા છે અને અતાર્કિક.
આટલી અમુક કમીઓ બાદ કરતાં આ સિરીયલ એકદમ મસ્ત. મહાકુંભમાં અનેક પાત્રો અને અનેક સબપ્લોટ છે. ફક્ત થોડા શબ્દોમાં વાર્તા વાંચવાને બદલે જોવામાં વધુ મજા આવે એમ છે. હજી અનેક પાત્રો અને વળાંકોનો ઉલ્લેખ નથી કર્યો એટલે કોઈનો રસભંગ થાય એમ નથી અને જોવામાં મજા આવશે. પૌરાણિક કથાઓને સાંકળતી સિરીયલોમાં મહાકુંભ પુરાણોની કથાઓ સાથે છેડછાડ નથી કરી તે માટે મને ગમી અને તે માટે લેખકને ફુલ માર્ક્સ.
સમાપ્ત