સ્કેમ ૧૯૯૨ Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્કેમ ૧૯૯૨

થોડા સમય પહેલાં કોઈની બાયોગ્રાફી બનાવવી હોય તો ઘણું કડાકૂટભર્યું કામ હતું. અઢી કે ત્રણ કલાકની ફિલ્મમાં કોઈનું પૂર્ણ જીવન કે મહત્વની ઘટના દર્શાવવી પડતી. વેબ સિરીઝે ઘણાબધા ડાયરેક્ટરોનું કામ આસાન કરી દીધું છે. હવે જે વાત અઢી કે ત્રણ કલાકમાં કહેતા હતા તે માટે સાત કે આઠ કલાકનો સમય મળે છે.


રાષ્ટ્રીય અવોર્ડ વિનર ડાયરેક્ટર હંસલ મહેતાએ બનાવેલી સીરીઝ ૧૯૯૨ સ્કેમ એ વાર્તા છે હર્ષદ મહેતાના ચડતી અને પડતીની. તેનો આધાર સુચેતા દલાલ અને દેબાશીષ બસુ લિખિત પુસ્તક “ધ સ્કેમ.”


શેરબજારના બિગબુલ ગણાતા હર્ષદ મહેતાને હીરો કે વિલન ગણવાને બદલે એક સામાન્ય માણસ ગણીને આપણે તેનું આકલન કરીએ. ઘાટકોપરની નાની ચાલીમાં રહેતો સંયુક્ત પરિવાર, પિતાજીનો કાપડની બીઝનેસ પડી ભાંગ્યો હતો. સાવ નાની ખોલીમાં રહેતો પાંચ જણનો પરિવાર. હર્ષદના સપનાં મોટા હતા, તેણે શરૂમાં નોકરી અને નાના ધંધા કરી જોયા પણ એકેયમાં તેને ઝડપથી આગળ વધવાનો મોકો ન હોવાથી તે શેરબજારમાં પ્રવેશ્યો. શરૂઆતમાં તે જોબર બન્યો અને પોતાની આવડતથી તે પ્રગતિ કરતો ગયો અને પોતાની બ્રોકરેજ ફર્મ ઉભી કરી. ત્રણ વરસમાં સારી એવી પ્રગતિ કર્યા પછી ફરી તેની પડતી થઇ. તે પડતીથી નિરાશા ન થતાં તેણે થોડા સમય પછી તેણે પોતાની કન્સલ્ટીંગ ફર્મ ઉભી કરી ગ્રોમોર.


આટલા સમયમાં તે શેરબજારની આંટીઘૂંટી સમજી ચુક્યો હતો. તેની નજર મની માર્કેટ ઉપર પડી જેનું વોલ્યુમ શેરબજાર કરતાં ઘણું મોટું હતું. તે ધીમે ધીમે તેમાં પ્રવેશ્યો અને તે વખતની સીટી બેંકની મોનોપોલી તોડવાનો પ્રયત્ન કર્યો જેના લીધે તેના ઘણાબધા દુશ્મનો ઉભા થયા. તે હવે હંમેશમાટે બધાનાં ટાર્ગેટ ઉપર આવી ગયો.


ત્યારબાદ તેણે સીસ્ટમના લુપહોલનો ઉપયોગ કર્યો અને બેંકમાંથી નાણાં લઈને શેરબજારને ફૂલાવવાનું શરુ કર્યું. તેમાં તે બહુ કમાયો અને તેના ઉપર વિશ્વાસ મુકનાર પણ ઘણું કમાયા. ૧૯૯૨ સુધી તે બીગબુલ તરીકે ખ્યાતી પામી ચુક્યો હતો. દોઢસો સ્ક્વેરફૂટની ખોલીમાંથી તે પંદર હાજર સ્ક્વેરના આલીશાન ઘરમાં રહેવા ગયો.


તેની સફળતા સમજવા માટે શેરબજારને સમજવું પડે. શેરના ભાવ કંપનીના પરફોર્મન્સની સાથે જ તેની ડીમાંડ ઉપર પણ રહે છે. હર્ષદે આજ વાતનો ફાયદો ઉઠાવ્યો અને અમુક નાની કંપનીઓના ભાવ તેણે નકલી ડીમાંડ ઉભી કરીને વધાર્યા અને તેમાંથી કમાણો. એક સમય એવો આવ્યો કે તે જે સ્ક્રીપ ઉપર હાથ મુકે તે બજારમાં ઉપાડી જતી અને તેના શેરના ભાવ એકદમ વધી જતા. વેબસીરીજમાં એક જગ્યાએ હર્ષદ (પ્રતિક ગાંધી)ને એક કંપનીના માલિક સાથે વાત કરતાં દેખાડ્યો છે કે તમારા શેર અન્ડરવેલ્યુ છે. તમારી કંપની અત્યારે જે પોઝીશન ઉપર છે, એવી કંપની શરુ કરવા જેટલા નાણાં જોઈએ તે તમારા શેરની વેલ્યુ છે.


બાકી બધા સીસ્ટમની જે નબળાઈનો ઉપયોગ કરતાં હતા એજ નબળાઈનો હર્ષદ મહેતાએ ઉપયોગ કર્યો અને તે સફળ થયો પણ તે હિસાબે કામ કરતો હતો તે પદ્ધતિઓ ખોટી હતી. બજારમાં પૈસા નાખીને તે બજારને ફુલાવી રહ્યો હતો. ૧૯૯૨ માં કહેવાતું કે હર્ષદભાઈના રાજમાં બજાર મોજમાં. તેણે મન્દોડીયાઓને પરાસ્ત કરી દીધા હતા અને એક આખી લોબી તેના વિરોધમાં આવી ગઈ હતી.


સુચેતા દલાલ નામની ખણખોદ કરનાર પત્રકારને સમાચાર મળ્યા કે હર્ષદ મહેતાએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે પાંચસો કરોડનું કૌભાંડ કર્યું છે અને તે તેની પાછળ પડી ગઈ અને તે સમાચાર ટાઈમ્સ ઓફ ઇન્ડીયામાં ચમકાવ્યા અને સરકારી એજન્સીઓ હરકતમાં આવી ગઈ અને તેની પડતીની શરૂઆત થઇ ગઈ, જેનો અંત ૨૦૦૧માં તેના મૃત્યુ સાથે આવ્યો. તેના ઉપર અગણિત કેસો નાખવામાં આવ્યા જેમાંથી તે ક્યારેય બહાર આવી શક્યો નહિ.


હવે વાત કરીએ વેબ સીરીઝની તો તેની ક્વોલીટી બાબત કોઈ શંકા નથી. તેને આઈ એમ ડી બી એ ૯.૬ નું રેટિંગ આપ્યું છે. હંસલ મહેતા વિષયને વફાદાર રહ્યા છે.સ્ક્રીન પ્લે ટાઈટ છે, છતાં ક્યાંક થોડી વધુ પડતી ટેકનીકલ ડીટેલ આવવાને લીધે થોડો અવરોધ ઉભો થાય છે.


એક્ટિંગને મામલે પ્રતિક ગાંધી બાજી મારી ગયો છે. તે હર્ષદ મહેતાના પાત્રને જીવી ગયો છે. શરીરે એકવડા બાંધાનો પ્રતિક હર્ષદ તરીકે એકદમ ફીટ રહ્યો. સાવ છેલ્લે છેલ્લે દેખાતો રજત કપૂર પણ બાજી મારી જાય છે. બોફોર્સ કાંડની તપાસ કરનાર કે. માધવનના રોલમાં તે બધાને પ્રભાવિત કરી જાય છે. હર્ષદ મહેતાના ભાઈના રોલમાં હેમંત ખેરે પણ સરસ એક્ટિંગ કરી છે. સુચેતા દલાલનો રોલ કરી કરી રહેલી શ્રેયા ધન્વન્થરી પણ જોરદાર. તે સમયે ફાયનાન્સીયલ સેક્શનમાં કોઈ સ્ત્રી પત્રકાર નહોતી જેને શ્રેયાએ સરસ રીતે પ્રસ્તુત કરી છે. ટીવી અને ફિલ્મોના મંજાયેલા કલાકારોનો અહીં મેળો છે. નીખીલ દ્વિવેદી(ત્યાગી), ચિરાગ વોહરા(ભૂષણ ભટ્ટ), સતીશ કૌશિક(બ્લેક કોબ્રા ઉર્ફ મનુ મુન્દ્રા),અનંત મહાદેવન ( આરબીઆઈ ચેરમેન એસ વેંકટરમણ), શાદાબ ખાન(અજય કેડિયા), પરેશ ગણાત્રા(માહેશ્વરી),વિવેક વાસવાની(એસ બી આઈ ચેરમેન), મીથીલેશ ચતુર્વેદી(રામ જેઠમલાની) અને ઘણા સમયથી ક્યાય ન દેખાયેલો મામિક(જો જીત વોહી સિકંદરમાં આમીર ખાનના મોટાભાઈના રોલમાં આવેલો)


મ્યુઝીક સેક્શનમાં અન્ચિત ઠક્કરે બહુ સરસ કામ કર્યું છે. હંસલ મહેતા જે તે સમયનું વાતાવરણ તાદ્રશ કરવામાં સફળ થયા છે. એવું લાગે કે તે ટાઈમમશીનમાં બેસીને ભૂતકાળમાં ગયા અને શુટિંગ કરીને પાછા આવ્યા છે.


હર્ષદ મહેતાની સ્ટોરી થોડા શબ્દોમાં કહીએ તો તે આવ્યો, તેણે જોયું, તેણે બજાર સર કર્યું અને તેની પડતી થઇ. તે હીરો હતો કે વિલન તે તો હું ન કહી શકું પણ તેનું કૌભાડ બહાર આવ્યા પછી ઘણા બધા નાણાં ડૂબ્યા હતા અને ઘણાબધા લોકોએ આત્મહત્યા કરી હતી. તે માટે જવાબદાર કોણ હર્ષદ મહેતા, લૂપહોલવાળી સીસ્ટમ, શેરબજાર કે કૌભાંડ બહાર લાવનાર પત્રકાર?


જો શેરબજાર ડીમાંડ અને સપ્લાય ને બદલે પરફોર્મન્સ ઉપર ચાલે તો કદાચ નવા કૌભાંડ ન થાય. હર્ષદ મહેતાના ગયા પછી શેરબજારમાં કૌભાંડો નથી થયા એવું તો નથી. એનીવે ચર્ચા તો ચાલતી જ રહેશે એટલે એ પડતી મુકો.


સોની લિવ ઉપર આવેલી આ જોરદાર સીરીઝ મીસ કરવા જેવી નથી.