વિઠ્ઠલ તીડી Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિઠ્ઠલ તીડી

વિઠ્ઠલ ત્રિભુવન ત્રિપાઠી પુરા નામ હાંય.... જવા દો અમિતાભ બચ્ચનના વહેમમાં નથી જીવવું પણ મને અમિતાભ બચ્ચન બહુ ગમે, તેના જેવું જેકેટ પણ સિવડાવવું હતું પણ સાહેબ બધું સંજોગો ને આધીન હોય છે મને મારા રચયિતાએ એવી સગવડ જ ન આપી કે હું એવું જેકેટ સિવડાવી શકું. શું કરું અમારી આર્થીક પરિસ્થિતિ જ ખરાબ હતી કે હું મારી બહેન માટે સરસ ડ્રેસ સિવડાવી શકું કે પછી પોતાના માટે જેકેટ. મેં પહેલો વિકલ્પ માન્ય રાખ્યો, ગમે તેવો તોય સંસ્કારી અને પરિવારપ્રેમી ખરો ને !


અરે હું પણ ક્યાં વચ્ચેથી જ શરુ થઇ ગયો ! ચાલો શરૂઆતથી બધી વાત કરું. હું વિઠ્ઠલ ત્રિભુવન ત્રિપાઠી ઉર્ફ વિઠ્ઠલ તીડી. તીડી નામનું છોગું મારા નામ સાથે જોડાયું તેની પાછળ એક નાની કથા છે. મારા દાદા રેવાશંકર ત્રિપાઠી એટલે પત્તાંના ખેલાડી અને તેમનો આ ગુણ મારા બાપુજી ત્રિભુવન ત્રિપાઠી ઉર્ફ તભાગોરને વારસામાં મળેલો અને તેમની પાસેથી મને મળ્યો જો કે એ વાતની ખબર મને મોટાં થયા પછી જ પડી. હું નાનો હતો ત્યારથી જ મારા બાપુજી પાસે બેસીને તેમને પત્તાં રમતાં જોતો અને એને લીધે મને પત્તાં અને આંકડાની સારી ઓળખાણ. નિશાળમાં આવ્યા પછી અમારા બેને એક દિવસ એક થી દસ આંકડા વિષે ભણાવ્યું અને બીજે દિવસે મૌખિક પરીક્ષા લીધી. બાકી બધા જવાબ આપી રહ્યા હતા. મને એક આંકડો લખ્યા પછી બેને પૂછ્યું કે આ કયો આંકડો છે. હું તે આંકડો સારી રીતે ઓળખતો હતો. એ આંકડાને પત્તાં ઉપર ચીતરેલો જોતો એટલે તરત મેં જવાબ આપ્યો, “તીડી” અમારાં બેને કહ્યું, “એ તગડો છે.” પણ એ વાત મારા ગળે ન ઉતરી એટલે મેં એ વાત સમજાવવા તેમને પત્તાં પણ દેખાડ્યા. બસ એ દિ છે ને આજનો દિ છે, મારા નામ સાથે તીડી નામનું છોગું ચોંટી ગયું જો કે એ મને હંમેશા ગમ્યું છે. સારું થયું અમારા બેને દસનો આંકડો નહોતો લખ્યો નહીંતર મારું નામ વિઠ્ઠલ મીંડી પડી ગયું હોત પણ તીડીમાં જે મજા છે એ મીંડીમાં નથી.


અમે ત્રણ ભાઈ બહેન પ્રમોદ, વંદના અને હું. પ્રમોદભાઈ નાનપણથી મામા પાસે ઉછરેલા એટલે એમને તો બાપુજીની અને ગામની માયા નહોતી પણ મને ગામ અને મારા બાપુજીની બહુ માયા હતી. નાનપણમાં અમારા નવા આવેલા પી.ટી. ના શિક્ષક ઝાપોદરા સાહેબે મને વગર કારણે થપ્પડ મારી અને મેં એમનાં માથામાં એક પથ્થર મારી દીધો. બસ, એ પછી તો નિશાળ મૂકી દીધી. પ્રમોદભાઈ ગ્રેજુએટ થયા અને વંદના પણ બારામા સુધી ભણી હતી અને મને નામ લખતાં આવડતું એટલું જ પણ હું પત્તાંનો જાદુગર હતો. પ્રમોદભાઈ ભણ્યા ત્યાં સુધી તેમનો ખર્ચ મેં પત્તાં રમીને જ કાઢ્યો જો કે એ તો કંઇ મોટું કામ નહોતું કારણ એ તો મારી ફરજમાં આવતું હતું. મારા બાપુજી શિવમંદિરના પુજારી પણ પૂજારીઓને શું મળે એક બધાં જ જાણે છે અને એમાં પણ મારા બાપુજીએ દક્ષિણા માટે કોઈને સામે હાથ ફેલાવ્યો નહોતો અને મેં પણ ક્યારેય હાથ નહોતો ફેલાવ્યો. મેં મારા હાથમાં જે કસબ હતો તે આજ્માવ્યો. શરૂઆતમાં હું મારા ગામના મિત્રો સાથે જ રમતો. જગો, હરિયો, રવલો રાંટો અને હું ગામની બહાર વડલા નીચે પત્તાં જ રમતાં મળીએ. હું નસીબમાં માનતો જુગારી નહોતો પણ પત્તાંના પ્રેમમાં પડેલો ખેલાડી હતો. પત્તાં એ મારા માટે નશો હતો, દુનિયા ભલે એને ખરાબ માનતી હોય પણ એ તો હાથની કળા હતી. મારી નજર હંમેશા સામેવાળા ખેલાડી ઉપર રહેતી. તે ક્યારે સાચું રમશે અને ક્યારે બ્લફ કરશે એ હું જલ્દી જાણી જતો અને એ જ મારી સફળતાનું રહસ્ય.


મારા હાથમાં કળા હતી પણ મારું નસીબ એટલું જ કઠણ હતું. મારા ગામના ભગા પટેલની દીકરી મનીષા મને બહુ ગમતી અને નાનપણથી તેનાં જ સપનાં જોયાં હતાં. પણ નાતજાતના વાડા વિષે તો તમે જાણો જ છો પાછું મારે કોઈ કામકાજ કે સ્થાઈ નોકરી ક્યાં હતી કે મનીષાને મારા પ્રેમ વિષે કહું. હશે જેવા મારા નસીબ એમ સમજીને મેં તેને જતી કરી.


એ પછી મેં દશા બાપની ડેલીએ પગ મુક્યો અને ત્યાં રમવાનું શરુ કર્યું. થોડા જ સમયમાં હું સૌથી વધારે જીતતો ખેલી બની ગયો. એક વખત તો મેં પોતાને પત્તાંના બાદશાહ સમજતા કનુ ડટ્ટીને પણ ભૂ પાઈ દીધું હતું. જો કે અમારી બંને વચ્ચે ક્યારેય દુશ્મની ન થઇ. એ પણ મારા કસબને માની ગયો.


હું જો જીવનમાં સૌથી વધારે નિરાશ થયો હોઉં તો એ મારા મોટાભાઈ પ્રમોદથી. એમણે અમદાવાદમાં જ પોતાના લગ્ન લીધા. બાપુજીને તેમના લગ્નનો બહુ હરખ હતો પણ એમણે ત્યાં લગ્ન તો કરી લીધાં પણ લગ્ન પછી અમે જમણવાર રાખ્યો તેમાં પણ ન આવ્યા. મેં પહેલીવાર બાપુજી ભાંગતા જોયા. મારી માનું નાનપણમાં મૃત્યુ થયું તે વખતે પણ મારા બાપુજી અડીખમ રહ્યા હતા. તેમને બધાંએ બીજા લગ્ન કરવા બહુ દબાણ કર્યું હતું પણ મારા બાપુજી એક ના બે ન થયા અને અમારો ઉછેર એકલે હાથે કર્યો. પ્રમોદભાઈ વખતો વખત વહેવારમાં ચુક્યા. વંદનાના લગ્નમાં એ માટે ન આવ્યા કે બાપુજીએ તેમને બરક્યા નહીં. સગી બહેનના લગ્નમાં તે નોતરું હોય !


વંદુડી એટલે વંદના, મારી બહેન મારા જીવથી પણ વહાલી, તેના લગ્ન માટે ત્રણ દિવસ અને ત્રણ રાત દશા બાપની ડેલીએ અખંડ ધૂની ધખાવી અને જેટલા રમનાર મારી સામે આવ્યા તેમને હરાવ્યા. હું રમીને બહાર નીકળ્યો ત્યારે જોયું કે મેં જેને હરાવ્યો હતો તે ભોજા આતાને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. એ શા કારણથી રમવા આવ્યો હતો એ તો ડેલામાં ખબર નહોતી પડી પણ તેને બચાવનાર છોકરાએ કહ્યું ત્યારે ખબર પડી કે તે દીકરીના દહેજ માટે રમવા આવ્યો હતો. મારે તો રકમની જરૂર બહેનના લગ્નમાં વટ પાડવા માટે જરૂર હતી પણ ભોજાને જરૂર તેની દીકરીના લગ્ન માટે હતી. હું ધર્મસંકટમાં મુકાઈ ગયો, એક તરફ મારી બહેન અને બીજી તરફ ભોજાની દીકરી. આ વખતે મેં બીજો વિકલ્પ માન્ય રાખ્યો અને જીતેલી રકમ મેં ભોજાને આપી દીધી. જુગાર રમનાર ખેલાડી હતો ખૂની નહીં, મારા હૈયે તો મહાદેવનો વાસ હતો. હું અગિયાર મહિના ભલે જુગાર રમું પણ શ્રાવણમાં ક્યારેય પત્તાંને હાથ ન લગાડતો. શ્રાવણમાં તો એ ય હું ને મારા મહાદેવ, મારા ભોળા શંભુ.


અમે બહેનના લગ્ન અમારી હેસિયત મુજબ પતાવ્યા. પ્રવીણકુમાર અને એમનાં માતાપિતા પણ સીધા માણસો એટલે બધું રંગેચંગે પતી ગયું. વંદનાએ જતી વખતે મારી પાસે વચન લઇ લીધું કે હવે પત્તાંને હાથ નહીં અડાડું અને મેં તેને ખુશી ખુશી આપી દીધું. જે બહેન માટે જીવ આપવાની તૈયારી હોય એના માટે જુગાર રમવાનું છોડવાનું વચન કઈ મોટી વાત હતી. બસ એ દિવસે મેં રમવાનું છોડી દીધું અને પછી મારી રમત જીંદગી સાથે શરુ થઇ.


મારા રચયિતા મુકેશ સોજીત્રાએ મારી રચના કરવામાં બહુ મહેનત કરી છે. મેં હમણાં જ મારા જીવન પર બનેલી વેબ સીરીઝ જોઈ ‘વિઠ્ઠલ તીડી’. બહુ મજા આવી.


આ સીરીઝના ડાયરેક્ટર અભિષેક જૈન એ નવી પીઢીના પ્રતિભાશાળી ડાયરેકટર છે. ગુજરાતી ફિલ્મોને વટ, વચન અને વેર વાળી લોકકથાઓમાંથી બહાર લાવનાર. તેમણે અર્બન ફિલ્મો બનાવવાનું શરુ કર્યું અને ગુજરાતી ફિલ્મો નવા યુગમાં પ્રવેશી. કેવી રીતે જઈશ અને બે યાર જેવી સફળ ફિલ્મો એમનાં નામે બોલે છે. તે સંજય લીલા ભણસાલીના આસિસ્ટન્ટ રહી ચુક્યા છે અને ગુજારીશ, યુવરાજ અને સાવરિયા જેવી ફિલ્મો બનાવવામાં એમનું યોગદાન આપ્યું છે.


હવે આવા મંજાયેલા ડાયરેકટર હોય એટલે સીરીઝ તો ભવ્ય જ બનવાની અને ભવ્ય બની પણ છે. મારી જીવનકથા અદ્ભુત રીતે ફિલ્માવી છે અને મારા રોલમાં પ્રતિક ગાંધીએ પોતાનો જીવ રેડી દીધો છે. મારા રોલમાં એ જ શોભી શકે. મારું પાત્ર બહુ સરસ રીતે ઉપસાવ્યું છે. આ પહેલાં તેણે બે યાર, રોંગ સાઈડ રાજુ, તંબુરો, લવની ભવાઈ, વેન્ટીલેટર, મિત્રો, ધુનકી અને લવની લવ સ્ટોરીસમાં કામ કર્યું છે પણ સાચી નામના તેને મળી સ્કેમ ૧૯૯૨ થી જેમાં તેણે બીગ બુલ હર્ષદ મહેતાનો રોલ ભજવ્યો હતો. લોકો તેને હર્ષદ મહેતાના નામથી ઓળખે છે પણ આ રોલ કર્યા પછી મને ખાતરી છે કે બધાં તેને વિઠ્ઠલ તીડીના નામથી ઓળખશે. સીરીઝમાં બાકી પણ મંજાયેલા કલાકારો છે. રાગી જાનીએ તભા ગોર એટલે કે મારા બાપુજીનો રોલ બહુ સરસ ઉપસાવ્યો છે. નાના ગામમાં ગોરપદું કરતા અને મંદિરના પુજારીના રોલમાં એ જ શોભે અને “બટા, આ દુનિયા ઝેર દે કે ખીર એના ઘૂંટડા હસતે મોઢે ઉતારવા પડે.” ડાયલોગ મારો ફેવરેટ થઇ ગયો છે. મારી બહેન વંદનાનો રોલ બ્રિન્દા ત્રિપાઠીએ ભજવ્યો છે હે આ અગાઉ સ્કેમ ૧૯૯૨ માં અશ્વિન મહેતાની પત્નીના રોલમાં દેખાઈ હતી.


ઓર્ડર ઓર્ડર અને પાત્રમાં કામ કરી ચુકેલા પ્રશાંત બારોટ દશા બાપુના રોલમાં આંગળી ચીંધ્યું કામ કરી જાય છે. હેલ્લારો જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી શ્રદ્ધા ડાંગર મનીષાના રોલમાં આંખોથી ભાવવાહી અભિનય કરી જાય છે. કનુ ડટ્ટીના રોલમાં પ્રેમ ગઢવી મજા કરાવી જાય છે. બાકી કલાકારોએ પણ સરસ સાથ પુરાવ્યો છે.


મારા રચિયતા મુકેશ સોજીત્રા અને ભાર્ગવ પુરોહિતે ડાયલોગ અને સ્ક્રીન પ્લે વિભાગમાં સરસ કામ કર્યું છે અને આ સીરીઝનું જો સૌથી અફલાતુન પાંસુ હોય તો તે છે ચુસ્ત એડીટીંગ. હર્ષ આનંદાની અને હિરેન ચિત્રોડાએ એક પણ વધારાનો સીન રહેવા નથી દીધો. તપન વ્યાસની સીનેમેટોગ્રાફી પણ સરસ અને નયનરમ્ય છે. ભાર્ગવ પુરોહિત અને કેદાર ઉપાધ્યાયનું મ્યુઝીક જેમ્સ બોન્ડની ફિલ્મોની યાદ અપાવી દે. બેકગ્રાઉન્ડમાં વાગતી ફ્લુટ બહુ સુંદર અને મનને મોહી લે એવી છે, જો કે એ પણ કહીશ કે ક્યાંક એ વણજોઈતું લાઉડ થઇ ગયું છે. ‘વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરી ઓમ વિઠ્ઠલા’ યાદ રહી જાય એવું બન્યું છે.


એકંદરે મારા જીવનકવન ઉપર બનેલી આ સીરીઝ મને બહુ ગમી. તમે તરત કહેશો ‘વરને વરની મા તો વખાણવાની જ ને એમાં શું નવાઈ.’ મને બહુ ગમી ગયેલી સીરીઝની ખામીઓ પણ હું જ કહીશ. કદાચ હું ખોટો હોઉં તો મારા રચિયતા તરત કહેશે.


૧) પહેલાં ભાગમાં દેખાડેલાં મારા મામા મામી પ્રમોદભાઈને જોવા મહેમાન આવે તે વખતે બદલાઈ કેવી રીતે ગયા?


૨) બનતી ઘટનાઓ કયા વરસની જે એ નક્કી નથી કરી શકાતું. ક્યાંક જીજે- ૧૩ નંબરની ગાડી ફરતી દેખાય છે અને ક્યાંક જીટીએન નંબરની પ્લેટ. ૧૯૮૮ માં ગાડીઓના નંબર બદલાવા શરુ થયા હતા.


૩) ગામડાની દુકાનમાંથી હું બટનવાળા નંબરથી ફોન કરું છું અને સામે શહેરમાં પ્રમોદભાઈ ચકેડાવાળો ફોન વાપરે છે તે જરા સમજમાં ઓછું આવે છે. એસ ટી ડી કોલ કર્યો હોય તો દુકાનમાં બીલ માટેનું મશીન નથી લગાવ્યું.


૪) ગોવિંદાનો જે ફોટો જે તે લગભગ તેની કારકિર્દીની શરૂઆતનો નથી.


હવે હું પોતે જ આ બધા મુદ્દા તરફ ધ્યાન દોરું એ યોગ્ય નથી પણ શું કરવું આ સીરીઝનો નવો ભાગ પણ આવશે એટલે તેમાં આવી ઝીણી બાબતોનું ધ્યાન રાખવામાં આવશે.


બાકી એક વાત ચોક્કસ છે કે આ સીરીઝ ટ્રેન્ડ સેટર બની રહેશે અને જેમ ફિલ્મો નવા યુગમાં પ્રવેશી તેમ સારી સીરીઝો આગળ બનશે અને કોઈ સારી વાર્તાને આધારે સીરીઝો બને તે પગલું ગુજરાતી સાહિત્ય માટે આવકારદાયક પગલું કહેવાય.


ચાલો આવજો, હું ફરી આવીશ તમને મળવા મારી સીરીઝનો બીજો ભાગ રીલીઝ થયા પછી ત્યાં સુધી વિઠ્ઠલ તીડીના મહાદેવ !