માર્ગ Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માર્ગ

વર્ષ : ૧૯૨૯


સ્થળ : અમદાવાદ




બહારથી મોહમદભાઈએ અવાજ આપ્યો,”ભોલાભાઈ, ઓ ભોલાભાઈ! ચાલો આવવું નથી સભામાં! સમય થઇ ગયો છે.”


ભોળાશંકર અંદરથી ક્રોધિત હતા પણ તેમને લાગ્યું કે આ યોગ્ય સમય નથી તેથી દરવાજે આવીને કહ્યું,”મામદભાઈ, આપ આગળ પધારો, અત્યારે થોડો વ્યસ્ત છું, હું મોડેથી આવીશ. તમે જાણો છો ઈશ્વરનો અનાદર ન થાય. કલાક થશે મને ત્યાં પહોંચતા.”


“અરે પણ આપણું નક્કી થયું હતું ને કે સભામાં બે કલાક વહેલા પહોંચીને આગળની જગ્યા રોકીશું જેથી ભાષણ સંભળાય. સાંભળ્યું છે કે આજે વલ્લભભાઈ પટેલ પણ આવવાના છે.”


“હશે ભાઈ, હું ચોક્કસથી આવવાનો છું.”


“સારું, હું તમારી જગ્યા રોકું છું.”


એટલું કહીને મોહમદભાઈ રવાના થયા.


ભોળાશંકર એટલે કે ભોળાભાઈએ પોતાની પત્ની તરફ જોઇને કહ્યું,”જોયું કેટલો કાબો છે. તેને લાગે છે આપણે નહિ જાણતા હોઈએ.”


ભોળાભાઈના પત્ની એટલે પાર્વતીએ છણકો કરતાં કહ્યું,”હવે શીદને માથું ફૂટો છો, તેમને પોળમાં મકાન તો તમે જ અપાવ્યું હતું, પેલા ગાંધીના વાદે ચડીને, તે વખતે બધા એક છે. અરે! હોય મલેચ્છ તો રહે ને તેમના જેવા લાકો વચ્ચે. અહીં આપણી ઉજળીયાતની વસ્તીમાં મલેચ્છનું શું કામ છે.”


ભોળાભાઈએ ઊંડો નિશ્વાસ નાખીને કહ્યું,”સાચી વાત છે તમારી, ભૂલ મારી જ છે. મેં જો તે વખતે તમારી વાત ધ્યાનમાં લીધી હોત તો આજે આ દિવસ ન જોવો પડત. કેવો ડાહ્યો હતો છોકરો મારો પણ આ મામદની દીકરી પાછળ ગાંડો થઇ ગયો.”


“મેં તો કહ્યું હતું મોહનના લક્ષણો ઠીક નથી લાગી રહ્યા. તેનો વિવાહ તો નાનપણમાં જ નક્કી થઇ ગયો છે, હવે બસ જાન જોડીને જવાની વાર છે. હું તો કહું છું આજે જ ટપાલ લખો તમારા મિત્રને અને મુરત કઢાવો નહીંતર છોકરો આપણા હાથમાં નહિ રહે. મુઈ રા.... ખબર નહિ કેવા કામણ કર્યા છે કે આખો દિવસ તેની પાછળ ફરે છે.”


“હજી પંદર દિવસ પહેલાં તો ટપાલ આવી હતી. તેમાં લખ્યું હતું કે ઓણ સાલ મોલ બરાબર ઉતર્યો નથી તો આવતીસાલનું મુરત કાઢીએ. પાછું બમણો કર ભરવાનો છે એટલે થોડી રકમ પણ મોકલાવવા કહ્યું હતું. કહેતો હતો કે કરિયાવર સાથે દુધે ધોઈને રકમ પછી આપશે.”


“બળ્યા તમે વહેવાઈ ગોત્યો એ પણ કંગાળ! હું તો કહું છું તમે ટપાલ લખીને વિવાહ ફોક કરી દો. મારી બેનના દિયરની દીકરીનું હજી ગોઠવાયું નથી. ગાડું ભરીને કરિયાવર આપશે અને કન્યા છે પણ રૂપાળો! નામ બળ્યું ભૂલી ગઈ, હા ! કંકુ. એ કંકુ પગલી આવશે એટલે આપણો મોહન કેવો ધંધે ચઢી જશે જુઓ. તમે જ કહેતા હતા ભણાવવો છે, બારીસ્ટર બનાવવો છે. ભણીને છોકરો વંઠી ગયો. બામણના દીકરાને પીતાંબર અને હાથમાં ટીપણું શોભે, કાળા કોટ તે પહેરાતા હશે!”


ભોળાભાઈએ નકારમાં માથું હલાવ્યું અને કહ્યું,“અમે તો આખો જન્મારો કાઢ્યો સીધુ માંગવામાં પણ મારા દીકરાને એ નહિ કરવા દઉં. આ પટેલ અને વાણીયાઓના દીકરા વિલાયત જઈને બારીસ્ટર બની ગયા અને આજે જો કોર્ટ ગજવે છે ને સભાઓ ગજવે છે અને અમે ત્યાં બેસીને તેમની વાતો સાંભળીને તાળીઓ વગાડીએ છીએ. મોહનને તેનું ભવિષ્ય બનાવવું હોય તો બારીસ્ટર તો બનવું જ પડશે.”


“તે બનાવો બારીસ્ટર, મોકલો વિલાયત. બેનના દિયર તો એ પણ ખર્ચો કાઢશે.”


હજી વાત આગળ વધે ત્યાં જ બહારથી અવાજ આવ્યો,”મહારાજ છે ઘરમાં?”


આવનાર વ્યક્તિ હતો રસિકલાલ જે પોળની નાકે રહેતો હતો. વાતો અહીંથી ત્યાં કરવી એ તેના મનહેઠે આવતું કામ હતું. કોઈના ઘરમાં થોડો મોટો અવાજ સાંભળે એટલે તરત તેના કાન સરવા થઇ જતા અને મન તે વાત જાણવા તલપાપડ થઇ જતું અને એકવાર જાણી લે એટલે જીભ વાતને આગળ વધારતી. તેનો પરચો મેત્લવી ચુકેલા લોકો તેની હાજરી પકડાતા સતર્ક થઇ જતા.


ભોળાભાઈએ અવાજમાં મીઠાશ ભેળવતા મીઠો આવકાર આપતા કહ્યું,”આવો આવો રસિકલાલ, કેમ છો?”


ઘરમાં પ્રવેશ્યા પછી પાર્વતીબેન પાણી આપી ગયા અને ધીમેથી ભોળાભાઈને પૂછ્યું,”ચા ચૂલે ચડાવું?”


“હા હા ! ચા તો મુકવી જ જોઇને રસિકભાઈ કેટલાં સમયે આપણે ત્યાં આવ્યા છે અને સાથે જ કોઈ નાસ્તાની તૈયારી પણ કરજો. એક કામ કરો ભજીયા કરો. રસિકભાઈ, ભજીયા ફાવશે ને?”


રસિક સમજી ગયો હતો કે તેઓ શું કહેવા માગે છે એટલે તરત કહ્યું,”ના ના મારે થોડી ઉતાવળ છે, સભામાં જવું છે. આપ ગયા નહિ મામદભાઈ જોડે?”


ભોળાભાઈ તેની આગવી પદ્ધતિ જાણતા હતા તેથી કહ્યું,”ના, હું પૂજામાં હતો એટલે થોડો મોડો પડ્યો. મામદભાઈ જગ્યા રોકીને બેઠા હશે. ચાલો ઝડપથી નીકળીએ.”


પછી થોડા મોટા અવાજે કહ્યું,”સાંભળો છો! અમને ઉતાવળ છે, ચાનું રહેવા દેજો. રસિકભાઈ આવશે ફરીવાર ચા પીવા.”


પછી રસિક તરફ જોઇને કહ્યું,”ફરી આવો ત્યારે ભજીયા ખાવા વિના નહિ જવા દઉં.”


રસિક પાસે કોઈ જવાબ નહોતો. આજે પહેલીવાર તેનો દાવ ઉંધો વળ્યો હતો. તેણે મનમાં વિચાર્યુ,”બેટમજી, મેદાન સુધી તો સાથે જ છો ને?”


ભોળાભાઈએ ધોતિયા ઉપર દૂધ જેવો સફેદ ઝભ્ભો પહેર્યો અને તેની ઉપર કાળો કોટ અને માથે સફેદ ટોપી. સભા ન હોય તો માથે પાઘડી પહેરતા પણ સભામાં તો ટોપી જ શોભે એ ન્યાયે તેમણે ટોપી પહેરો હતી. ખભે ગડી વાળેલી એક શાલ લીધી અને ખૂણામાંથી તેમની ચાંદીની મૂઠવાળી પ્રિય લાકડી ઉપાડી અને રસિક સાથે બહાર આવ્યા.


રસીકે સફેદ ધોતિય ઉપર થોતો પીળો પડી ગયેલો ઝભ્ભો અને માથે કાળી ટોપી પહેરી હતી.


ચાલતાં ચાલતાં રસિકે વાત કરવાનું શરુ કર્યું અને કહ્યું,” શાસ્ત્રીજી, હું શું કહેતો હતો કે હમણાથી મોહન દેખાતો નથી. પરીક્ષાઓ નજીક હશે નહિ?”


ભોળાભાઈએ લાંબો જવાબ આપવાને બદલે ફક્ત હમમ કહ્યું એટલે રસિકે આગળ કહ્યું,”ચાર દિવસ પહેલાં મામદભાઈની દીકરી સાથે જોયો હતો. બહુ હસી હસીને વાત કરતા હતા. આમ તો મને કોઈ વાંધો નથી, હું જાણું છું બંનેના મનમાં કંઈ નથી પણ કોઈ બહારની વ્યક્તિ જુએ તો કેટલું ખરાબ લાગે, અને તેમાય છોકરી બીજી નાતની.”


ભોળાભાઈએ લાંબો જવાબ આપવાને બદલે કહ્યું,”અચ્છા, હું કહીશ મોહનને. કોઈ ભૂલ થતી હોય તો તમે ટોકવાનો અધિકાર ધરાવો છો એક પોળનિવાસી હોવાને નાતે.”


હવે તેઓ મુખ્ય રસ્તા ઉપર આવી ગયા હતા. ઘણાબધા લોકો મેદાન તરફ જઈ રહ્યા હતા. રસિકે પોતાના પ્રયત્નો પડતા ન મુક્યા, તેણે આગળ કહ્યું,”હમણાં થોડા સમય પહેલા જગદીશલાલે મને એક ઘટના કહી હતી કે કોઈ નીચી જાતિની સ્ત્રીએ જાદુમંત્રથી એક બ્રાહ્મણને વશ કર્યો હતો તેની સાથે લગ્ન કર્યા હતા એતો ભલું થજો ગિરધારીબાબાનું તેમણે એક પવાલું પાણી પાઈને તે બાઈનું જાદુ ઉતારી નાખ્યું હતું. આ મામદભાઈના ઘરે પણ તેમના કોઈ મોલવી બહુ આવે છે.”


ભોળાભાઈ વિચારમાં પડી ગયા હતા. તેમને પણ લાગવા લાગ્યું હતું કે મામદભાઈની દીકરીએ મોહનને કઈક તો ખવડાવ્યું હશે નહીંતર મારી દીકરો આવું ન કરે. આવતીકાલે જ દેવશંકર મહારાજ પાસે લઇ જવો પડશે.


તેમને ચુપ જોઇને રસિક સમજી ગયો કે તેનું કામ થઇ ગયું. તેઓ સભાસ્થળ સુધી પહોંચી ગયા હતા. તેણે હાથની છાજલી કરી અને દુર બેસેલા મોહમદભાઈ તરફ આંગળી ચીંધીને કહ્યું,”એ રહ્યા મામદભાઈ, તમારા માટે જગ્યા પણ રોકી રાખી છે.”


“હવે એટલે સુધી કેવી રીતે જવાશે? લોકોને કેટલી અગવડ પડે, આપણે અહીં જ બેસીએ.” એમ કહીને ખભા ઉપર મુકેલી શાલ નીચે પાથરી અને તેના ઉપર બેસી ગયા.



બીજે દિવસે સવારે


ભોળાભાઈએ સવારે છ વાગે મોહનને ઢંઢોળીને કહ્યું,”મોહન, દીકરા ઉઠ હવે. આપણે સૂર્યોદય પહેલાં ઉઠી જવું જોઈએ અને સૂર્યપૂજા કરવી જોઈએ. મોડે સુધી સુવું એ બ્રાહ્મણોના સંસ્કાર નહિ. ચલ ઉઠીને તૈયાર થઇ જા આપણે દેવશંકર મહારાજના દર્શન કરવા જવાનું છે.”


મોડેસુધી વાચતા રહેવાને લીધે મોહનની ઊંઘ ઉડી ન હતી, તેણે અડધી ઊંઘમાં જ પૂછ્યું,”કોણ દેવશંકર મહારાજ?”


“ગુરુમહારાજને નથી ઓળખતો? કેમ ભૂલી ગયો? આપણે કેટલીવાર તેમના આશીર્વાદ લેવા ગયા છીએ.”


મોહનની ઊંઘ ઉધી ગઈ હતી,”ઓહ! ગુરુમહારાજ! ચાલો હો સ્નાનાદી પતાવું છું.” એમ કહીને મોરી તરફ આગળ વધ્યો.


નાની બાંધેલી ઝુંપડીમાં તેમનો વાસ હતો. તેમના આશ્રમમાં સાદાઈ તરત દેખાઈ આવતી હતી. અંદર દેવશંકર મહારાજ ધ્યાનમાં બેસેલા હતા.


મહારાજના શિષ્યે ભોળાભાઈ અને મોહનને બેસવા આસન આપ્યું અને અંદર સમાચાર આપવા ગયો.


તે હજી પહોંચ્યો ત્યાં જ મહારાજે આંખ ઉઘાડી અને કહ્યું,”ભોળો આવ્યો છે ને?”


સેવકે હકારમાં માથું હલાવ્યું એટલે તેમણે આગળ કહ્યું,”તેમને કહે થોડીવાર મારી પ્રતીક્ષા કરે. હું થોડા સમય પશ્ચાત આવું છું,ત્યાં સુધી તેમને દૂધ પીવા આપ.”


હજી દૂધ પીને તાંસળી મૂકી ત્યાંજ પીળા રંગનું પીતાંબર અને ખભે સફેદ રંગનું અંગવસ્ત્ર મૂકી દેવશંકર મહારાજ સામે આવ્યા.


ભોળાશંકર અને મોહન બંનેએ તેમના પગ દબાવીને આશીર્વાદ લીધા અને તેમની સામે પલાઠી વાળીને ગોઠવાયા.


દેવશંકર મહારાજે આંખો બંધ કરીને સ્મિત કર્યું અને કહ્યું,”લોકો જે કહે છે તે હંમેશા સત્ય નથી હોતું અને જે દેખાય છે એટલું પણ સત્ય નથી હોતું. સત્યની રાહ પર નીકળેલા વ્યક્તિને રોકવાવાળા ઘણા બધા હાથ હોય છે અને તારા પુત્રની ચિંતા કરવાની જરૂર નથી. તેના લગ્ન થઇ ગયા છે આઝાદી સાથે અને જેના વિશે તમે વિચારીને તમે મારી પાસે લઇ આવ્યા છો તે તેની જન્મજન્મોની સાથીદાર છે અને આ જન્મમાં તે તેની પથદર્શક છે જે તેને સત્યનો માર્ગ દેખાડી રહી છે.” એટલું કહીને તે ચુપ થઇ ગયા.


મોહનને તેમની વાતમાં કંઈ ખબર ન પડી પણ ભોળાભાઈ સમજી ગયા હતા કે તેઓ શું કહી રહ્યા છે અને કોના વિશે કહી રહ્યા છે.


તે મહારાજને પગે લાગ્યા અને આશ્રમની બહારની તરફ નીકળ્યા. ભોળાભાઈ ઘર તરફ જવાને બદલે દીકરાને કાંકરિયા તરફ લઇ ગયા અને તેની પાળી ઉપર બેસીને પૂછ્યું,”મોહન, મને કહે તું અને રૂકસાર શું કરી રહ્યા છો?” આજે પહેલીવાર તેઓ પુત્રને મિત્રની વાત કરી રહ્યા હતા.


મોહન થોડો ખચકાટ અનુભવી રહ્યો હતો પણ તેણે પોતાના પિતાની આંખમાં જોયું અને મનમાં રહેલો ડર દુર થઇ ગયો અને કહ્યું,”હું અને રૂકસાર એચ આર એ સાથે જોડાયા છીએ, જ્યાં ચંદ્રશેખર આઝાદ, અશફાક ખાન જેવા ક્રાંતિકારીઓ છે. મને ગાંધીજી પ્રત્યે માન છે પણ તેમની લડત ઉપર વિશ્વાસ નથી. તેઓ હંમેશા પોતાની મરજી મુજબનો નિર્ણય કરે છે અને બધા ઉપર લાદે છે.”


“પણ ઘરના વડીલો જ ઘરના નિર્ણયો કરતાં હોય છે અને જુદી જુદી કમિટીઓ બની છે ને કોંગ્રેસમાં.”


મોહને ઉપાલંભ કરતાં કહ્યું,”કેવી કમિટીઓ! જે ગાંધીજીની પૂછીને પાણી પીએ તે કમિટીઓ? શું આપ જાણતા નથી. હું હંમેશા અખબાર વાંચતો હોઉં છું અને અમે મિત્રો ઊંડાણથી ચર્ચા પણ કરીએ છીએ.”


ભોળાભાઈએ હસીને કહ્યું,”ગુરુમહારાજે કહ્યું તેમ બધા કહે તે સત્ય નથી હોતું અને દેખાય એટલું જ સત્ય નથી હોતું. શક્ય છે ગાંધીજીના નિર્ણયો તમ યુવાનીયાઓ ને નહિ કઠ્યા હોય પણ એમાં તમારા દ્રષ્ટિકોણનો પણ દોષ હોઈ શકે. હું તને તારા માર્ગ ઉપર જતાં નહિ રોકું પણ ફક્ત એક વાત કહીશ, દરેક વાતને પૂર્વાગ્રહ છોડીને ન્યાયની રીતે તોળજે. બાકી સમય કહી આપશે કે કયો માર્ગ સાચો હતો. હિંસાનો કે અહિંસાનો, શાંતિનો કે ક્રાંતિનો. લાઠીનો કે બંદુકનો. ચાલ! હવે ઘર તરફ જઈએ તારી બા રાહ જોતી હશે.”


ભાવવિભોર થઇ ગયેલો મોહન ભોળાભાઈને પગે લાગ્યો અને તેમણે તેને પોતાના ગળે વળગાડ્યો. તેમનું આ મિલનનું સાક્ષી એટલે કાંકરિયા તળાવ.


પાછા વળતી વખતે પોળમાં પહેલું ઘર મોહમદભાઈનું હતું. બહાર ઉભા રહીને ભોળાભાઈએ અવાજ આપ્યો,”મામદભાઈ! કેમ છો? રૂકસાર દીકરી કેમ છે?”



સમાપ્ત