તુલસીએ કહ્યું, "માએ બેબીનું નામ દીપ્તિ રાખવાનું નક્કી કર્યું છે. અને માએ મને હરખમાં એમનો સોનાનો ચેન ભેટરૂપે આપ્યો છે. મા આ બેબીને જોઈને ખૂબ જ ખુશ હતા."
"હા મા ખુબ ખુશ છે. એમણે પેલી નર્સને પણ સોનાની વીંટી ભેટરૂપે આપી છે. આખી હોસ્પિટલને પેંડા આપવાની એમની ઈચ્છા મારી પાસે રજૂ કરી છે. આટલી ખુશ તો માં આદિત્યના જન્મ વખતે પણ નહોતી!"
હું આદિત્યને લઈને બહાર નીકળ્યો હતો. મેં માવા ના પેંડા આખી હોસ્પિટલમાં બધાને હરખથી ખવડાવ્યા હતા. હોસ્પિટલ ના સ્ટાફના દરેક વ્યક્તિના મોઢે એક જ વાત હતી, આ પહેલી બેબી એવી હશે કે, જેના હરખના પેંડા આખી હોસ્પિટલમાં ખવડાવાય રહ્યાં છે, બાકી જ્યારે કોઈને ત્યાં દીકરીનો જન્મ થાય તો અમે મોટે ભાગે એમના ચહેરા ઉતરેલા જ જોયા છે.
માને સમાચાર આપેલ નર્સ તો બોલી, "મારા જીવનમાં આ પહેલી વખત કોઈ ખુશ થઈને સોનાની વસ્તુ ભેટ તરીકે આપી છે! આ તમારી ભેટ મને આજીવન યાદ રહેશે! તમારી આ દીકરી ખુબ પ્રગતિ કરશે અને તે દેશ વિદેશમાં નામના કમાશે આ મારા અંતરના એને આશીર્વાદ છે."
મને નર્સના શબ્દો ફરી વાસ્તવિકતામાં ખેચી લાવ્યા હતા.
************************************
મારુ મન દીપ્તિને મળવા માટે ખૂબ જ આતુર થઈ ગયું હતું. મનમાં એકદમ જ થયું કે, કાશ દીપ્તિને મળી શકાતું હોત! દીપ્તિ થોડી અહીં દેશમાં હતી કે, એટલી સરળતાથી મળી શકાય! હું મારા વિચારોમાં ખોવાયેલો હતો, એ જોઈને તેજો તરત જ બોલ્યો, "તું શું વિચારમાં પડી ગયો છે?"
સિગરેટ નો એક દમ પીધો અને બધા જ વિચારોને દૂર કરી દીધા હતા. મે તેજાના પ્રશ્નને અવગણીને કહ્યું, "ચાલ થોડીવાર આપણે આરામ કરીએ! તું પણ બહુ જ દૂરથી આવ્યો છે તને પણ થાક લાગ્યો હશે, થોડીવાર આરામ કર, મને પણ બપોરે આરામ કરવાની હવે ટેવ પડી ગઈ છે. આથી હું પણ આરામ કરું!"
"હા ખુબ સવારે વહેલો જાગીને નીકળ્યો હતો. આથી ઊંઘ તો મને પણ આવે જ છે ચાલ થોડીવાર આરામ કરીએ."
ગરમીનુ પ્રમાણ સહેજ વધ્યું હતું આથી મેં એસી ચાલુ કર્યું હતું! ને અમે બંને ઊંઘવાની કોશિશ કરવા લાગ્યા હતા.
હું ખૂબ ઊંઘમાં હતો ત્યારે મારી નજીક કોઈ આવ્યુ એવો મને ભાસ થયો હતો. એક નરમ સ્પર્શ મારા ચહેરા પર થયો હતો. ઊંઘ એટલી સરસ આવી રહી હોવાથી મેં ઊંઘમાં જ એ સ્પર્શને માણ્યો હતો. મને એવું લાગી રહ્યું હતું, કે એક સુંદર મોરપંખ મારા ચહેરા પર કોઈ ફેરવી રહ્યુ છે. મોરપંખ મારા હોઠ પાસેથી ફરકતું મારા ગળા પાસે સ્પર્શી રહ્યું હતું. મને આ સ્પર્શ થતા તરત જ તુલસી યાદ આવી હતી! તુલસી આવી રીતે મને ઘણીવાર જગાડતી હતી. મારી ઊંઘ ઉડી ગયા બાદ પણ ધરારથી હું ઊંઘવાનું જ નાટક કરતો હતો, અત્યારે પણ મેં એવું જ કર્યું હતું. આંખ બંધ કરીને એનો અહેસાસ માણી રહ્યો હતો. એણે હંમેશની જેમ મારા કાનમાં હળવું ચુંબન કર્યું હતું. અને જેવુ એ મને ચુંબન કરે છે કે, હું એને મારા આલિંગનમાં લઈને મારી તરફ ખેંચી એના પ્રેમમાં ઓતપ્રોત થઈ જતો હતો. આ ક્ષણ મને ખૂબ જ ખુશ કરી ગઈ હતી. હું તુલસીને જોવા મારી આંખ ઉઘાડવા જતો હતો ત્યારેજ મને તુલસીએ જન્મદિવસની શુભેચ્છા પાઠવતા મારા હોઠ પર એક પ્રગાઢ ચુંબન કર્યુ અને મેં આંખ ઉઘાડી! જેવી મેં આંખ ઉઘાડી કે ત્યાં કોઈ જ ન હતું. હું સુંદર સ્વપ્નમાંથી જાગ્યો હતો. જેવો હું સપનામાંથી જાગ્યો કે, ખરેખર મેં આંખ ખોલી હતી. હું એટલી ગાંઢ નીંદરમાં ગરકાવ થઈ ગયો હતો કે, મને ઊંઘમાં તુલસી નજર આવી હતી.
મને આ સ્વપ્ન જેટલું ખુશ કરી ગયું એટલો જ હું વાસ્તવિકતામા આવતા દુઃખી થઈ ગયો હતો! કાશ આ હકીકત હોત તો! શું ખરેખર તુલસીની આત્મા મારી પાસે આવી હતી? આજ સવારથી મને આવતી એની યાદ શું તુલસીને મારી સમીપ ખેંચી લાવી હતી? અમુક જ સમયમાં મારા મનમાં કેટલા પ્રશ્નો ફરવા લાગ્યા હતા. અને જવાબ બસ એક જ હતો, એનો મારા ધબકારમાં થતો અહેસાસ!
મેં ઘડિયાળમાં જોયું તો સાંજના ચાર વાગી ગયા હતા. મેં સવિતાબેન ને રૂમમાં ચા મોકલવા માટેનો ફોન કર્યો હતો. હું ફ્રેશ થઈને સોફા પર બેઠો. તેજો હજી ઊંઘી રહ્યો હતો. મેં મારો મોબાઇલ હાથમાં લીધો અને હું તુલસીના ફોટા જોઈ રહ્યો હતો. તુલસીના શરૂઆતથી લઈને એના અંત સમય સુધીના બધા જ ફોટાઓ મેં એક ફોલ્ડરમાં સેવ કરી રાખ્યા હતા. એના બધા જ ફોટા ઉપર નજર કરતા મારું એક ફોટામાં ધ્યાન કેન્દ્રિત થઈ ગયું હતું.
તુલસી ફરી ગર્ભવતી બની હતી, પણ આ વખતે પરિસ્થિતિ ગંભીર હોવાથી બાળકને ઓપરેશન કરીને એનો જન્મ લેવો પડે એમ હતું. ડોક્ટરના કહ્યા મુજબ બાળકના ગળામાં ગર્ભનાળ વીટળાયેલી હતી. આથી ઓપરેશન વગર પ્રસુતિ થાય એ શક્ય જ નહોતું. તુલસીની જીદ હતી કે ઘરેથી જતા પહેલા હું એનો એક ફોટો પાડીને યાદગીરી રૂપે રાખું! તુલસીને ઓપરેશનથી ખૂબ જ ડર લાગતો હતો, એને બીક હતી કે, એ હવે પાછી ઘરે આવશે જ નહીં! એણે સોગંદ આપી મારી પાસે આ ફોટો પડાવ્યો હતો. મેં કેમેરામાં રોલ ચડાવી એના ચાર પાંચ ફોટા પાડ્યા હતા. તેમાંનો આ ફોટો મને નજર આવતા, હું તુલસી ની યાદ માં ખોવાઈ ગયો હતો. તુલસીની એક તરફ આદિત્ય એની બાજુમાં બેઠો હતો, અને બીજી તરફ મા દીપ્તિને પોતાના ખોળામાં લઈને બેઠી હતી. આ ફોટો જોઈ મને એ સમયની તુલસીની કપરી પરિસ્થિતિ યાદ આવી ગઇ હતી.
***********************************
જે હોસ્પિટલમાં દીપ્તિ નો જન્મ થયો હતો એ જ હોસ્પિટલમાં આજે ફરી તુલસીને લાવ્યા હતા. માતા સહિત બાળક પણ એકદમ તંદુરસ્ત હતું. પણ નવમો મહિનો અડધો જતા, બાળકની આ પરિસ્થિતિ ઊભી થઈ હતી. આથી રૂટીન ચેકઅપમાં આવ્યા અને તરત જ ડોક્ટરે સાંજ સુધીમાં ઓપરેશન કરવાનું કહ્યું હતું. ઓપરેશનનું નામ સાંભળીને તુલસી ખૂબ જ ગભરાઈ ગઈ હતી. એના મનમાં ભય બેસી ગયો કે, આ ઓપરેશનમાં મારું મૃત્યુ નક્કી જ છે. ચિંતામાં આવા ખોટા વિચારો કરી એ માને બોલી," મા મારા ત્રણેય દીકરાઓને સાચવજો. સમય જતાં વિવેકને બીજા લગ્ન માટે રાજી કરજો. એમને સમજાવવાની જવાબદારી હું તમને સોપું છું. તમારે એમને કોઈ પણ હિસાબે રાજી કરવા જ પડશે, તો જ મારા ત્રણેય સંતાનોને માતાનું સુખ પ્રાપ્ત થશે. હું હંમેશા વિવેકની ખુશીમાં જ ખુશ રહીશ." એ ચિંતામાં બધું જ ઝડપથી માને કહી રહી હતી. એના શબ્દો માને ખૂબ તકલીફ આપી રહ્યા હતા.
અત્યાર સુધી મુંગે મોઢે સાંભળી રહી માએ સહેજ કડક શબ્દોમાં તુલસીને ઠપકો આપતા કહ્યું, "શું ગમે તેમ બોલી રહી છે? મને થયું હમણાં ચૂપ થાય, પણ તું કંઈ જ વિચાર્યા વગર અર્થહીન બધું બોલ્યા જ કરે છે. તને કંઈ જ થવાનું નથી. અમારા બધાનો પ્રેમ તને કંઈ જ નહીં થવા દે! તારું ઓપરેશન હમણાં થઈ જાય એટલે તું તારા બાળકની સાથે ખુબ સરસ જિંદગી જીવીશ! આવા બધા ખોટા વિચાર બંધ કર અને માતાજીનું નામ લઈને હિંમત રાખ!
ઓપરેશન બાદ કેવી હશે તુલસીની સ્થિતિ?
વિવેક અને તુલસીનું આવનાર જીવન કેવું હશે?
વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏