ભીતરમન - 45 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભીતરમન - 45

મેં જોયું કે, ફારુકે કરેલા પ્રશ્નનોનો મરાઠી પરિવારે ખૂબ જ અકડાઈને જવાબ આપ્યો હતો. છતાં મને હજુ મૌન રહેવું જ ઉચિત લાગતું હતું. ફારુક ફરી શું જવાબ આપે છે હું એ જાણવાની રાહમાં જ હતો.

"એ લોકોના બાપદાદા ની આ જમીન હોય એમને અહીં રહેવા આવવું છે, આથી એમની જમીન એમનો હક એમને પરત જોઈએ છે. એ વાત તો એમની ખરી છે ને!" ફારુકે ગુજરાતી પરિવારની તરફેણમાં જવાબ આપ્યો હતો.

"હા વાત એમની ખરી જ છે, પણ અમે એમની મોઢે માંગેલ કિંમત એમને આપવા તૈયાર જ છીએ છતાં એ લોકો એવી દાદાગીરી કરે કે, 'તમારે અહીંયા રહેવાનું જ નથી અને અમારી જગ્યા અમને આપો.' આવું વટથી કહે તો એ અમને મંજૂર નથી!"

"એમણે જે અવિવેકથી વાત કરી એની અમે માફી માંગી લઈએ તો પણ શું તમે થોડું જતું નહીં કરો!" મેં થોડા વિવેકથી એમને જણાવતા અત્યાર સુધીનું મારું મૌન મેં તોડ્યું હતું.

એ લોકો મારી વાત સાંભળી અને હજુ વિચાર કરી રહ્યા હતા. એ એમનો વિચાર રજૂ કરે એ પહેલા મેં ફરી એમના મનમાં મારા વિચાર બેસાડવાના હેતુથી પ્રેમથી અને ખૂબ સમજીને વચ્ચેનો રસ્તો દેખાડતા વાતને થોડી વિસ્તારથી રજુ કરતા હુ બોલ્યો,"આ જમીનની અડોઅડ નો જે પ્લોટ ખાલી છે, જો એ પ્લોટ માં તમે રહેવા ઈચ્છો તો તમે રહી શકો છો! આ આખો એક જ પ્લોટ હતો ને! એ જમીન પણ એ લોકોની જ છે. એ જમીન નો કટકો તમે ખરીદી લો તો હું એમને આ વાત માટે તૈયાર કરું! શું આ મારી પહેલ તમને યોગ્ય લાગે છે?"

"મારી વાત સાંભળીને એ લોકો પણ તરત જ બોલ્યા, હા એ જમીન પણ એ લોકોની જ છે બસ ખાલી ચણતર કરેલું નથી!"

"જેમ તમને આ જમીન ફળી એમ એ જમીન પણ ફળશે જ ને! કારણ કે, જમીન તો એક જ પ્લોટ માંથી ભાગ કરેલ છે. તમે એ ખાલી પ્લોટ ખરીદી લો. આમ પણ તમે રૂપિયા આપવા તૈયાર જ છો તો એ પ્લોટની જે કિંમત થાય એ કિંમત તમે એમને આપી દો, અને એ પ્લોટ તમારા નામે લઈ લો. એમને તો આ મકાન સાથે એમના વડીલોની જે યાદો જોડાયેલી છે એટલા માટે આ મકાન વેચવું નથી. અને એમને ખુદ અહીં રહેવા આવું છે." મેં વિસ્તૃતમાં એમની વાત પ્રેમથી રજૂ કરી હતી.

મારી વાત કરવાની રજૂઆત તેમને પસંદ આવી કે, બધી જ વ્યક્તિઓના પ્રભાવના કારણે એ લોકો અંકુશમાં હોવાથી અમારી વાત માનવા તૈયાર થઈ ગયા એ હકીકત તો ભગવાન જ જાણે પણ આ વાતનો નિવેડો અમે લાવી ચૂક્યા હતા. મરાઠી પરિવાર રાજી થઈ ગયો એ પછી ગુજરાતી પરિવારના સભ્યોને પણ અમે ત્યારે જ હાજર કર્યા હતા. કલ્પના બહારનું કાર્ય ખુબ સરળતાથી થઈ ગયું હતું. બંને પરિવારો વચ્ચે સમાધાન થઈ ગયું હતું. કબજો કરેલી જગ્યા એ લોકો ખાલી કરી અને બાજુનો ખાલી પ્લોટ ખરીદવા માટે મંજૂર થઈ ગયા હતા. અને પ્લોટની કિંમત પણ જે થતી હશે એ આપવા માટેનો કરાર કરવામાં આવ્યો હતો. છ મહિના ની અંદર બાજુના પ્લોટ ઉપર ચણતર કરી લે એ પછી દસ્તાવેજ એમના નામ ઉપર કરી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અને એપ્લોટ ઉપર ચણતર થાય ત્યાં સુધી અહીં જ આજ મકાનમાં એ લોકો રહેશે એ પણ નક્કી થઈ ચૂક્યું હતું. બંને પક્ષ સામસામે પેટ છૂટી વાત કરી સંતોષ માની રાજી ખુશીથી છુટા પડ્યા હતા.

હું બધું જ લખાણ લખાવી અને ઔપચારિક કાર્યવાહી બધી જ પૂરી કરી ફરી જામનગર આવવા રવાનો થયો એ પહેલા મેં ફારુકનો અને પેલા બંને ક્રાઈમ બ્રાન્ચના માણસોનો પણ આભાર માન્યો હતો. જરૂર પડે ગુજરાતના કોઈપણ કામ માટે યાદ કરવાની ભલામણ પણ કરી હતી. અમે રસ્તામાં અમદાવાદ પેલા પોલીસ કોન્સ્ટેબલને મૂકી જામનગર પરત ફર્યા હતા. અમે જામનગર પહોંચીને સીધા મુક્તાર પાસે પહોંચ્યા હતા. હું કંઈ કહું એ પહેલા જ સલીમ મુકતારને પહેલેથી અંત સુધીની બધી જ વાત ખૂબ ઉત્સાહથી જણાવી રહ્યો હતો. સલીમ ની વાત કરવાની છટાં જોઈ, એને મારી વાતથી કેટલો સંતોષ છે એ હું અનુભવી રહ્યો હતો. એનો મારા માટેનો જે વિચાર હતો એ પણ હવે જળમુળથી એણે કાઢી નાખ્યો હોય એવું હું મહેસુસ કરતો હતો.

મુકતા૨ ખુશ થતા મને વળગી પડ્યો હતો. મુક્તાર બોલ્યો, "મને તારા પર પૂરો વિશ્વાસ હતો જ કે, તું જરૂર એ લોકોને મનાવી જ લઇશ. હંમેશા કામ બળથી કે રૂપિયાથી નથી થતું, ઘણી વખત બુદ્ધિ વાપરવાથી જ કામ થાય છે. અને આ કેસ તો ઘમંડ પર જઈને અટક્યો હતો આથી કોઈ સંજોગોમાં બળથી કે રૂપિયાથી કામ પતે એમ નહતું. સામસામે ભેગા થાય તો જ વાત પતે એમ હતું. તે ખૂબ જ સરસ રીતે આ કેસનો નીવેડો લીધો છે. પહેલા ગુજરાતી પરિવારએ મોં માંગી કિંમત આપણને આપવાની નક્કી કરી છે. હું ઈચ્છું છું કે આ કિંમત તું બોલ!"

"એ કામ તમારું છે અને તમારે જ એ કિંમત નક્કી કરવાની છે. હું જેમ તમારી સાથે કામ કરતો આવ્યો છું એમ જ કામ કરવાનું છું. આ કામ પણ તમારું જ હતું અને મેં ફક્ત પૂરું કર્યું છે. મને મહેરબાની કરીને શરમાવ નહીં!" મેં મારી મિત્રતા દાખવતા મુક્તારને સ્પસ્ટ શબ્દમાં કહ્યું હતું.

"અરે યાર તું તો કઈ માટીનો બનેલો છે? તને જરાય રૂપિયાનો મોહ નથી જાગ્યો? આ ધંધામાં આવનાર કોઈ લાલચુ ન બને એ ભાગ્યે જ જોવા મળે! મેં આજ દિવસ સુધી તારા મનમાં ક્યારેય લાલચ જોઈ જ નથી! ખરેખર તું ખૂબ અલગ જ પ્રકૃતિનો છે. હું ખૂબ ભાગ્યશાળી છું કે તુ મારા જીવનમાં આવ્યો છે." ગળગળા સ્વરમાં મુકતાર બોલી પડ્યો હતો.

"શું તું પણ યાર! મારા જીવનમાં પહેલા હંમેશા સબંધ જ રહ્યો છે અને એ જ રહેશે!" મુકતાર ને ભેટી પડતા હું બોલ્યો હતો.

સલીમ અમારા બંને વચ્ચેની વાતચીત સાંભળીને એક નજરે જોઈ રહ્યો હતો. મારું એની સામે ધ્યાન જતા હું બોલ્યો, "હવે તો તું પણ ખુશ છે ને મારાથી કે હજી કોઈ કચાશ છે મારામાં?"

"ના કોઈ કચાશ નથી! કચાશ તો મારા વિચારોમાં હતી! જે અલ્લાએ દૂર કરી છે." સહેજ ખચકાતા સ્વરે સલીમ બોલ્યો હતો.

હું એ લોકોની રજા લઈને મારા ઘર તરફ જવા નીકળ્યો હતો. મનમાં ખૂબ જ હરખ હતો. મારું કામ થઈ જવાનું હતું એ તો મને ખાતરી હતી જ પણ આટલું જલ્દી પૂરું થયું એટલે વધુ ખુશી હતી. અને બીજી ખુશી એ હતી કે, અચાનક મને આવેલ જોઈને તુલસી ખૂબ રાજી થવાની હતી! મારે એના ચહેરા પરના એ હાવભાવ જોવા હતા. એને અંદાજ પણ નહીં હોય કે હું છ જ દિવસમાં પાછો પરત ફર્યો છું. બસ, આ ક્ષણને મારે મન ભરીને માણવી હતી. તુલસીની ખુશી મારા જીવનની સૌથી મોટી તાકત હતી. એના ચહેરાનું હાસ્ય મને ખૂબ પ્રોત્સાહિત કરતું હતું. હું મારા વિચારોમાં જ ઘરે પહોંચી ગયો હતો.

વિવેકના અચાનક આગમનથી કેવા હશે તુલસી ના હાવભાવ?

વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏