ભીતરમન - 42 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભીતરમન - 42

હું તુલસીની વાત કરતા થોડો ગમગીન થઈ ગયો હતો. મારી આંખમાં આંસુઓ છવાઈ ગયા હતા. મન ખૂબ રડું રડું થઈ રહ્યું હતું. તેજાને સામે જોઈને હું મારા મન પરનો કાબુ ગુમાવી ચુક્યો હતો. તેજો પણ જાણે મારા મનની સ્થિતિ જાણી ચૂક્યો હોય એમ બોલ્યો, "રડી લે તું મન ભરીને! મારી પાસે મનમાં ભરીને કંઈ ન રાખ!"

તેજાના શબ્દ સાંભળીને મારાથી ખૂબ રોવાઈ ગયું હતું. થોડી વાર તેજાએ મને મારું મન હળવું કરવા દીધું, ત્યારબાદ એ હળવેકથી બોલ્યો,"તું આમ રડે છે તો એની આત્માને અવશ્ય દુઃખ થશે! તું કહે છે કે એ પ્રત્યેક ક્ષણ તારી સાથે છે તો બસ એ એહસાસ સાથે જીવતા શીખી જા! હવે રડીશ નહીં. તુલસીની વાત તને યાદ છે ને? એ હંમેશા કહેતી 'જે છે એમાં ખુશ રહેતા શીખવાનું!' બસ એના એ શબ્દ યાદ કરી હિંમત રાખ અને સુખેથી જીવન વિતાવ."

તેજાએ મને મારા રૂમની ટીપોઈ પર પડેલ પાણીના જગમાંથી પાણી આપ્યું હતું. હું એ પાણી પીને શાંત થઈ ગયો હતો. ઘણા સમયથી મન હળવું કરવા કોઈ ખંભો મળ્યો નહતો, એની ખોટ આજે પૂરી થઈ હતી. મારું મન ખરેખર ખૂબ જ હળવું થઈ ગયું હતું. રૂપિયા મુકવા તો ઘણી બેન્ક મળી જાય છે પણ દિલનું દર્દ અથવા દિલની વાત કહેવા કોઈ બેંક હોતી નથી એના માટે અંગત મિત્ર જ જરૂરી છે.

મારા ફોનની રીંગ રણકી હતી. મેં જોયું પૂજાનો ફોન આવી રહ્યો હતો.

મેં ફોન ઉપાડ્યો, "હા બેટા! કેમ ફોન કરવો પડ્યો તારે તો મીટીંગ ચાલુ હશે ને?"

"હા પપ્પાજી! મીટીંગ ચાલુ છે. ટી બ્રેક પડ્યો એટલે તમને સમાચાર આપવા ફોન કર્યો કે, આજે અપૂર્વ સ્કૂલથી જ એના મિત્રને ત્યાં ગયો છે. એ સાંજે પાછો આવશે. આવતીકાલે સરપ્રાઈઝ ટેસ્ટ એની સ્કૂલમાં હોવાથી એની તૈયારી કરવા એના મિત્રને ત્યાં ગયો છે. એને આવવામાં લેટ થશે, તમે ચિંતા ન કરશો. ઓકે પપ્પાજી! હું ફોન મુકું છું. મારે ફરી મીટીંગ એટેન્ડ કરવાની છે તમે લંચ કરી લેજો. જય શ્રી કૃષ્ણ પપ્પાજી!"

હું પૂજાને તેજો અહીં આવ્યો છે એ સમાચાર આપું એ પહેલા તો પૂજાએ ઉતાવળમાં ફોન મૂકી જ દીધો. ફરી મારા શબ્દો મારા મનમાં જ રમી રહ્યા! મને થયું કંઈ વાંધો નહીં સાંજે તો બધા ભેગા જ છીએ ને ત્યારે ઓળખાણ કરાવીશ. મને વિચારમાં તલ્લીન જોઈને તેજો બોલ્યો, "કોનો ફોન હતો?"

"મારી પુત્રવધુ નો ફોન હતો. મારો પૌત્ર અપૂર્વ એના મિત્રને ત્યાં આવતી કાલે પરીક્ષા છે એની તૈયારી માટે ગયો છે એ જાણ કરવા પુત્રવધુ પૂજાએ ફોન કર્યો હતો."

"તારી પુત્રવધુ પણ નોકરી કરે છે?"

"હા એ પણ નોકરી કરે છે બહુ જ મોટી કંપનીમાં મેનેજર છે. ચાર કંપનીઓ નું સંચાલન મારી પુત્રવધુ કરે છે. ભણેલી છે અને સંસ્કારી પણ ખરી! મારો રવિ ખૂબ નસીબદાર છે."

"તારી પુત્રવધુ નોકરી કરે તો તને ગમે ખરું? ઘરની લક્ષ્મી બહાર જઈ બધા પુરુષોના સંપર્કમાં આવે એ તને ગમે? તું ખોટું ના લગાડજે પણ હજી એ બાબતે તો મારા વિચાર જુનવાણી જ છે."

"ના શરૂઆતમાં નહોતું ગમતું, પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમતેમ સમજાતું ગયું કે સંસ્કારી સ્ત્રી ક્યાંય પણ રહે એ સંસ્કારી જ રહે છે! બસ આ નાની વાત જ્યારથી મગજમાં બેસી ગઈ છે ત્યારથી એ કોઈ પણ પુરુષના સંપર્કમાં આવે મને ક્યારેય દુઃખ નથી થતું કે મારી પુત્રવધુ બહાર રૂપિયા કમાવવા જાય છે! ખરું કહું તો તેજા મને તો ગર્વ થાય છે, કે મારી પુત્રવધુ ના લીધે ચાર કંપનીઓના કારીગરોને રોજની રોજીરોટી મળી રહે છે. હું હવે ક્યારેય એ બાબતે ખોટા વિચાર મનમાં લાવતો જ નથી. પરિવર્તન જીવનમાં જરૂરી છે, તો જ બધા સુખેથી જીવી શકીએ છીએ. અને પુત્રવધુને પણ એની જિંદગી જીવવાનો હક તો છે જ ને! એ ફક્ત મારા દીકરાઓને પરણીને આવી છે એની ઈચ્છાઓ અને એની ખુશીઓને છીનવાનો આપણને અધિકાર નથી. એ લગ્ન પહેલા પણ પોતાની મરજીની માલીક હતી અને લગ્ન બાદ પણ છે જ! આ વાત મેં તુલસી પાસેથી સમજી હતી, અને આજ તને પણ કહી રહ્યો છું તું પણ તારી પુત્રવધુને અંકુશમાં રાખવાની બિલકુલ કોશિશ ના કરીશ."

"હા વિવેક તારી વાત સાંભળીને મને પણ થયું કે, હું ખરેખર કેટલી ખોટી માન્યતા બાંધીને બેઠો છું. દુનિયા કેટલી આગળ નીકળી ગઈ છે પરંતુ મારા વિચાર હજુ બદલાયા જ નથી. હું હવેથી અવશ્ય પ્રયાસ કરીશ કે, મારા કારણે મારી પુત્રવધુના ક્યારેય  સપનાઓ અધૂરા ન રહે!"

ખરેખર! જીવનમાં મિત્ર ખૂબ સમજી વિચારીને જ બનાવવા જોઈએ. કહેવાય છે ને કે, 'જેવો સંગ એવો રંગ.' અહીં તેજા અને વિવેકની મિત્રતા હંમેશા એકબીજાના જીવનને ખુબ સરસ અને સાચી રાહ જ દેખાડતી આવી છે. જ્યારે વિવેક ખૂબ મુશ્કેલીમાં હતો એ સમયે તેજાએ એનો સમય ફાળવી મદદ કરી હતી. આજે વિવેકે વાતમાં અને વાતમાં ખૂબ ગહન વાત તેજાને સમજાવી હતી. ખૂબ નાની અમથી એ વાત સ્ત્રીના આખા જીવનની આધારરૂપ હતી. બસ થોડો અમથો આધુનિક વિચાર દરેક પરિવાર અપનાવે તો અવશ્ય ઘરમાં બધા ખુલ્લા મને જીવી શકે.

હું અને તેજો લંચ કરવા માટે ડાઇનિંગ હોલમાં ગયા હતા. તેજો ટેબલ ઉપરની ભાત ભાત ની વાનગીઓ જોઈને બોલ્યો, "આમાં શું જમવું અને શું ન જમવું? કેટલી બધી વાનગીઓ છે. હું તો આટલી બધી વાનગી જોઈને જ ધરાઈ ગયો!" હસતા ચહેરે એ બોલ્યો હતો

"તને જે ઈચ્છા થાય એ તું જમ."

સવિતાબેને અમને પ્લેટ રેડી કરી આપી હતી. અમે બંને વાતો કરતા જમી રહ્યા હતા. અમે અનેક યાદો તાજી કરી હતી. અસંખ્ય મસ્તી તોફાનો, સુખદુઃખના દિવસો, અને પછી પરિવારની જવાબદારી! સવિતાબેન જોઈ રહ્યા હતા કે, અત્યારે હું ખૂબ ખુશ હતો અને રોજ કરતા વધુ જમી રહ્યો હતો. મારા ચહેરા ઉપર આવેલ આનંદ તેઓ પારખી ગયા હતા.

મેં અને તેજાએ જમી લીધા બાદ અમે ફરી રૂમમાં જતા રહ્યા હતા. મને હવે વેજા વિશે જાણવાની ઈચ્છા જાગી હતી. મેં તેજાને પૂછ્યું," વેજાના શું સમાચાર? એ ક્યાં છે અત્યારે?"

"વેજો તો હવે આ દુનિયામાં રહ્યો જ નથી. તે એને જેલમાં મોકલ્યો ત્યારબાદ એની સજા પૂરી થાય તે પહેલા તેણે જેલમાં પણ એક કેદી ઉપર હુમલો કર્યો હતો. આમ એ કંઈ ને કંઈ ગુના કરતો અને જેલમાં જ જીવતો હતો. એનો પરિવાર પણ એનાથી ખૂબ ત્રાસી ગયો હતો. એક વખત જેલમાં કોઈ સાથે બોલા ચાલી થઈ હતી એ એટલી વણસી ગઈ કે મારામારી કરી બેઠો હતો. બસ આજ મારામારીમાં એને માથામાં ગંભીર ઘા વાગ્યો હતો, મગજની નસ ફાટી જવાથી એ ત્યાં જ એ જ ક્ષણે મૃત્યુ પામ્યો હતો. અંતિમ સમયે પરિવારના હાથનું પાણી પણ એના ભાગ્યમાં નહોતું."

"ઓહો સાવ એવું જીવન એ જીવ્યો! અરે હા..એવું જ જીવે ને! બધાને ખૂબ પરેશાન કર્યા હતા. માને પણ કેટલી હેરાન કરી હતી એ વાત યાદ આવે તો આજ પણ મારા મનમાં ગુસ્સો ભડકી ઊઠે છે. એના જેવા પાપી અને દુષ્ટ સાથે તો આવું જ થવું જોઈએ!" મેં પણ મારો ગુસ્સો ઠાલવતાં કહ્યું હતું.

વિવેક મુંબઈના કેસને હવે કેવી રીતે આગળ વધારશે?

વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏