ભીતરમન - 40 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભીતરમન - 40

તુલસી મારો પ્રેમ પામીને તરત બોલી, મારી સાચી વાતને પણ તમે તરત જ આમ જ ઉડાડી દો છો. હું ભલે ગુસ્સામાં બોલી પણ બધું જ સાચું કહ્યું છે. મને તમારા સિવાય બીજું કંઈ જ જોતું નથી. આ બધું સાંભળીને મારો જીવ ગભરાઈ રહ્યો છે. તમારી કલ્પના બહારની મને તમારી ચિંતા થતી હોય છે. આ બધું જ કામ હવે તમે ધીરે ધીરે છોડી દો અને પરિવારને સમય આપો. કારણકે, હવે આપણા પરિવારમાં એક નવું સદશ્ય પણ આવવાનું છે. એ સમય દૂર નથી કે, આદિત્ય મોટો ભાઈ થઈ જશે. મને તુલસીએ સહેજ શરમાતા જણાવ્યું હતું. તુલસીના શબ્દો મને ખૂબ ખુશ કરી ગયા હતા. મેં હરખાતા એને જણાવ્યું આ વખતે અવશ્ય તારી ઈચ્છા પૂરી થશે માતાજી આપણને દીકરીનું સૌભાગ્ય આપશે.

હું મુંબઈથી આવ્યો એને ત્રણ દિવસ થઈ ગયા હતા. મારા દુખાવામાં હવે ઘણી રાહત હતી. પણ ઘા હજું રૂઝાયો નહતો. મુક્તાર સવાર સાંજ ડોક્ટરને મારું ડ્રેસિંગ કરવા લઈ આવતો હતો. હું સતત ત્રણ દિવસથી ઘરે જ હતો, આથી આજની સાંજે મેં બધાને રણજીત સાગર ડેમ જોવા લઈ જવાનું નક્કી કર્યું હતું. મેં માને કહ્યું, "આજે આપણે બધા સાંજે ચાર વાગે રણજીત સાગર જશું."

અમે ઘણા સમય બાદ આજે બધા ફરવા નીકળ્યા હતા. આદિત્ય તો પહેલી જ વાર સમજણો થયો પછી નદી જોઈ રહ્યો આવ્યો હતો. પહેલા તો એ આટલું બધું પાણી જોઈને ડરી ગયો હતો, પણ પછી જ્યારે એ પાણીમાં અમારી સાથે નહાવા માટે આવ્યો ત્યારબાદ એનો ડર બિલકુલ જતો રહ્યો હતો. એને મને પાણીમાં તરતા જોઈને ખૂબ મજા આવતી હતી, થોડા જ પ્રયાસો બાદ એ પણ તરવાનો પ્રયત્ન કરતો હતો. મા અને તુલસી સાઈડના પથ્થર પર બેઠા હતા. મેં એ બંનેને પણ પાણીમાં આવવા કહ્યું હતું. મારા થોડા પ્રયાસ બાદ એ બંને પાણીમાં આવ્યા હતા.

માએ મને કહ્યું,"તુલસી ગર્ભવતી છે તું એની સાથે રહે. હું આદિત્ય સાથે રહું છું."

"હા માં તું તુલસીની ચિંતા કરીશ નહીં."

મા અને આદિત્ય કુદરતની પ્રકૃતિમાં ખોવાય ગયા હતા. બંને ખુબ ખુશ હતા. માં એની સાથે રમતો કરતી હતી. માછલીઓને મમરા ખવડાવતી હતી, ઘરેથી ઘઉંના લોટની નાની નાની ગોળીઓ બનાવીને લાવી હતી કે પણ ખવડાવતી હતી. એ બંને બા અને દીકરો એમનામાં મશગુલ હતા.

હું તુલસી સાથે નદીના પાણીમાં કમર સુધી પાણી પહોંચે ત્યાં સુધી અંદર ગયો હતો. પછી ત્યાં ઉભા રહીને અમે કુદરતી દ્રશ્યનો લહાવો લઈ રહ્યા હતાં. તુલસી ખૂબ ખુશ હતી તે હાથેથી પાણી ઉછાળીને પોતાના મોઢાને ધોઈ રહી હતી. એ કુદરતી વાતાવરણથી ખુશ હતી અને હું એને જોઈને ખુશ થઈ રહ્યો હતો. હું જ્યાં ઉભો હતો ત્યાંથી મેં આસપાસ બધે જ નજર ફેરવી હતી. ચોમાસુ હજુ ગયું જ હતું આથી ઝાડવાના ચોખ્ખાપાન સમગ્ર વાતાવરણમાં હરિયાળી ફેલાવી રહ્યા હતા. પક્ષીઓ નો કલરવ, સંધ્યાનો સૂર્ય નો કેસરીયો પ્રકાશ અને આ સુંદર માહોલમાં પ્રફુલિત થયેલું મારું મન તુલસી તરફ જઈને અટક્યું હતું.

તુલસી એની મોજમા પાણીને ઉછાળીને પાણી સાથે ગેલ કરી રહી હતી. હું એને પ્રેમભરી નજરે નિહાળી રહ્યો હતો. ઉછળતું પાણી મારા હૈયામાં પણ પ્રેમનો ઉછાળો લાવી રહ્યું હતું. તુલસીના ચહેરા ઉપરથી નીતરતું પાણી જેમ સરકી રહ્યું હતું એમ મારું દિલડું તુલસીના રૂપ ઉપર મોહિત થઈ રહ્યું હતું. તુલસી એક પુત્રની મા બની ગયા બાદ પણ હજુ પહેલા જેટલું જ રૂપમાં લાવણ્ય ધરાવતી હતી. તુલસી આચ્છા વાદળી રંગની સાડીમાં ખૂબ આકર્ષિત લાગી રહી હતી. પાણીના લીધે ભીના થયેલા એના કપડાં એના દેહના મરોડને વધુ ઉભાર આપી રહ્યા હતા. મારી નજરમાં છલકાતો પ્રેમ તુલસીને સ્પર્શી જ ગયો હતો. એજ ક્ષણે તેણે મારી તરફ નજર કરી જોયું હતું. મારા મનમાં જાગેલો પ્રેમ મારી નજરમાં એ ભાળી જતા શરમથી એના ચહેરા પર ગુલાબી રંગના શેરડા એની સુંદરતામાં વધારો કરી ગયા હતા.

આ સમય મારા મનમાં એટલી શાંતિ અને આનંદ આપી રહ્યો હતો કે કાશ આ સમય અહીંયા જ અટકી જાય. મને સમયને રોકી રાખવાનું મન થઈ ગયું હતું. પણ સમય ક્યાં કોઈનો જાલ્યો રહે છે? સૂર્ય અસ્ત થવા આવ્યો હતો. બધે જ અંધારું થાય એ પહેલા જ અમે ઘર તરફ પ્રયાણ કર્યું હતું.

હું ઘરે આવીને તુલસી ક્યારે મારી પાસે આવે એ રાહમાં જ હતો, અને તુલસી રસોડામાં ગુંચવાયેલ હતી. રાત્રે જ્યારે એ પરવાડીને રૂમમાં આવી ત્યારે મારા મોઢેથી એના વખાણ સાંભળી એ હસી રહી હતી. અમારા લગ્ન જીવનના આ દિવસ સૌથી સુંદર દિવસો પસાર થઈ રહ્યા હતા. હું અને તુલસી અત્યારે જેટલો સમય સાથે રહ્યા છીએ એટલો સમય આની પહેલા ક્યારેય રહ્યા નહોતા.

**********************************

હું મારું મન ભાગવત સપ્તાહમાં પરોવી રહ્યો હતો. ભાગવત સપ્તાહમાં સુદામા ચરિત્ર નો પ્રસંગ આવી રહ્યો હતો. વ્યાસપીઠ પર બિરાજમાન કથાકાર ખુબ સરસ રીતે આ પ્રસંગને વર્ણવી રહ્યા હતા. એમનું વર્ણન એટલું અસરકારક હતું કે સાંભળનારના હૃદયને સ્પર્શી જ જાય! હું આ પ્રસંગમાં એટલો બધો ઓતપ્રોત થઈ ગયો કે મને મારો લંગોટીયો મિત્ર તેજો યાદ આવી ગયો હતો. મારી અને તેજાની મિત્રતા મારી આંખ સામે ઉપસ્થિત થઈ ગઈ હતી. હું અને તેજો ઘણા સમયથી મળ્યા જ નહોતા. આ પ્રસંગને માણતા હું ખૂબ યાદ કરવા લાગ્યો હતો. મારી દરેક મુશ્કેલીમાં એ હંમેશા મારી સાથે જ રહ્યો હતો. પણ જેમ જેમ મારી પ્રગતિ થવા લાગી તેમ તેમ અમારી વચ્ચે સમયના અભાવે અંતર થવા લાગ્યું હતું. હું અમદાવાદ રહેવા આવી ગયો હતો અને એ હજુ ખંભાળિયા જ રહેતો હતો. આથી મળવાના સંજોગ હવે ખૂબ ઓછા થઈ ગયા હતા. મારી પાસે એનો ફોન નંબર પણ મારા ફોનને ફોર્મેટ મારવાના લીધે જતો રહ્યો હતો. આથી ફોન દ્વારા જો એ મારો સંપર્ક કરે તો જ અમે મળી શકીએ એમ હતું. હું એને યાદ કરતો ખૂબ જ ભાવુક થઈ ગયો!  બસ એ જ સમયે મારા ફોનમાં એક રીંગ રણકી, નામ સેવ ન હતું એટલે નંબર જોઈ મેં ફોન ઉપાડ્યો," જય શ્રી કૃષ્ણ"

"જય શ્રી કૃષ્ણ! કેમ મારી યાદ નથી આવતી? કેટલો સમય થયો? આપણે ફોનમાં પણ વાત નથી થઈ? ક્યારેક તો પૂછ કેમ છે દોસ્ત?"

"ઓહો તેજા કેમ છે તું? શું કરે છે? તારું ખૂબ લાંબુ આયુષ્ય છે હજી હું તને યાદ જ કરી રહ્યો હતો, તારો નંબર મારા ફોનને ફોર્મેટ કરવાથી જતો રહ્યો છે અને મુક્તાર પાસેથી લીધેલો જૂનો નંબર તારો બંધ આવે છે. તું જ કહે કેમ તારો સંપર્ક કરવો? હું એનો અવાજ સાંભળી ખૂબ હરખાતા બોલી રહ્યો હતો.

"હું તારા ઘર પાસે જ છું તારી ડેલી પાસે મારી માહિતી માંગે છે બોલ શું માહિતી આપું વોચમેનને?"

"અરે! તારે કોઈ જ માહિતી આપવી નથી હું ખુદ તારી પાસે આવું છું."

આમ તેજાનું અચાનક આગમન મને ખુબ જ ખુશ કરી ગયું હતું. હું ખૂબ હરખાતો એની પાસે જવા લાગ્યો હતો.

વિવેક તેજાનું મિલન કેવું હશે? બંને મિત્રો ભેગા થઈ કેવો આનંદ પામશે?

વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏