ભીતરમન - 39 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભીતરમન - 39

મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "માલિક નાસ્તાની શરૂઆત સૌ પ્રથમ સ્ટીમ ઢોકળાથી કરશો ને કે પૌવા બટેકા આપું?"

"ના બહેન મને ફક્ત થોડું ફ્રુટ અને દુધ જ આપો. એ સિવાય મને કંઈ જ ખાવું નથી."

"માલિક આજ તો તમારો જન્મદિવસ છે લાડુ તો ખાવો પડશે હો!" પ્રેમથી આગ્રહ કરતાં સવિતાબેન બોલ્યા હતા. 

સવિતાબેન ના આગ્રહ ભરેલ શબ્દથી મને મા યાદ આવી ગઈ હતી. એમના લાગણીસભર શબ્દ મારા મનને સ્પર્શી ગયા હતા. મેં એમની ઇચ્છાને માન આપીને સૌપ્રથમ લાડુ જ મોમાં નાખ્યો હતો. બાકીના લાડુ મેં એમને એમના ઘરે લઈ જવા કહ્યું હતું. સવિતાબેન ખુશ થઈ અને બોલ્યા "ભગવાન તમને અઢળક સંપત્તિ આપે!"

મને મનમાં જ થયું સંપતિ તો ખૂબ છે એ સંપત્તિ સાથે પરિવારનો પ્રેમ મને મળે એવા આશિષ કેમ કોઈ આપતું નથી? તમારા પરિવાર સાથે તમે ખૂબ ખુશીથી જીવન વિતાવો એવા આશિષ કેમ કોઈ આપતું નહીં હોય?

કાશ રવિ અને પૂજા પાંચ મિનિટ મારી જોડે હું નાસ્તો કરું એટલીવાર બેઠા હોત તો? આ 'કાશ' અને 'તો' ની વચ્ચે હું ખુદને એકલો સમજી રહ્યો હતો. જે પ્રેમ મને પરિવારમાંથી જોતો હતો, એ પ્રેમ આજે મને ઘરે કામ કરનાર બેન પાસેથી મળતો હતો. સવિતાબેનના પ્રેમપૂર્વક ના આગ્રહથી મને થયું મારી પરિસ્થિતિ તો જો આજ ઘરે કામ કરનાર બેન મારી લાગણી સમજી શકે છે પરંતુ મારો પરિવાર આજે મારા માટે ફ્રી નથી. 

હું મારા વિચારોની સાથાેસાથ ચૂપચાપ ફ્રુટ અને દુધ પીને મારા રૂમમાં ગયો હતો. 

મે રૂમમાં પ્રવેશીને તરત જ મારા હાથમાં મોબાઇલ લીધો અને મુક્તારને ફોન કર્યો હતો. મનમાં એમ હતું કે મુક્તાર તો મારે માટે અવશ્ય સમય ફાળવશે જ! આજ મન ખુશ નથી તો ચાલ એને જ અહીં બોલાવી લઉં. પણ હું વિચારતો જ રહ્યો અને રીંગ પૂરી થઈ ગઈ હતી. મુક્તારે ફોન જ ઉપાડ્યો નહીં. મન વધુ દુઃખી થયું કે, હંમેશા એક જ રીંગે ફોન ઉપાડનાર મુખ્તાર પાસે પણ આજે મારા માટે સમય નથી! મને થયું કે હું ખોટો વધુ પડતો વિચાર કરી રહ્યો છું, મારા વિચારોમાંથી છટકવા માટે મેં ટીવી ચાલુ કર્યું હતું. ટીવીમાં અનેક ચેનલો આવતી હતી એમાંથી ધાર્મિક ચેનલ શોધી હું ભગવાનનાં શરણે પહોંચ્યો હતો. હું ટીવીમાં આવેલ ભાગવત સપ્તાહને જોવામાં મારું મન પરોવવા લાગ્યો હતો.

************************************

સલીમ મને ઘરે મૂકીને બહારથી જઈ રહ્યો હતો. મારા આગ્રહથી એ ઘરની અંદર પ્રવેશ્યો હતો. માએ મારા શરીર પર પાટા બાંધેલા જોઈને તરત અનેક પ્રશ્નોનો મારો ચાલુ કરી દીધો હતો. હું હજુ કંઈ કહું એ પહેલા જ કેટલું બધું મા પૂછી રહી હતી. આજે પણ મારે માને ખોટો જ જવાબ દેવાનો હોય મારા મોઢામાં શબ્દ ગૂંગળાઈ રહ્યા હતા. પણ સત્ય તો માથી છુપાવવાનું જ હતું. હું શું કહું એ મથામણમાં હતો ત્યાં જ સલીમે માને કહ્યું, "બોમ્બે પહોંચ્યા અને તરત જ એક નાનો અકસ્માત વિવેક સાથે થયો. ચિંતા જેવું કંઈ નથી પંદર દહાડામાં બધું સરસ થઈ જશે."

"ધ્યાન રાખતો હોય તો હંમેશા ઉતાવળમાં જ રહેતો હોય છે. કેટલી વાર તને કીધું છે કે વાહન ધીમે ચલાવતો જા. પણ તું ક્યારેય કંઈ સાંભળતો જ નથી તને જેમ ગમે એમ જ તું કર્યા કરે છે. વધુ લાગ્યું હોય તો અહીં અમને ઘરે બેઠા કંઈક ખબર પડે કે ત્યાં બોમ્બે તને શું તકલીફ થઈ છે?" મા એકી શ્વાસે ગુસ્સો ઠાલવતા ઠપકો આપી રહી હતી. માના ગુસ્સા પાછળ મારા પ્રત્યેની એમની અનહદ લાગણી હતી.

મેં મા તરફથી ધ્યાન હટાવી હવે તુલસી તરફ નજર કરી હતી. તુલસીની આંખમાં આંખ મેં મેળવી એને જોઈ, એની આંખ મારુ જુઠ્ઠાણું મને દેખાય રહ્યું હતું. મારું જુઠ્ઠાણું એ પારખી ચૂકી હતી. એના ચહેરાના હાવભાવ ખુબ ચિંતિત થઈ ગયા હતા. મેં ઈશારામાં જ એને ચિંતા ન કરવા જણાવ્યું હતું. એણે પોતાની નજર નીચી કરી અને પાંપણ પાછળ રહેલ આંસુ સરકીને તુલસી ના ગાલને સ્પર્શવા લાગ્યું હતું. મને જે પીડા ગોળીના ઘાથી થઈ એના કરતા અઢળક પીડા તુલસીની આંખમાંથી સરકતા આંસુથી થઈ રહી હતી.

મારો અવાજ સાંભળીને આદિત્ય પણ બીજા રૂમમાંથી તરત જ હોલમાં આવ્યો હતો. પાટો જોઈને મને તરત આદિત્યએ પૂછ્યું, આ શું છે પપ્પા? કેમ આવું બાંધ્યું છે? 

"બેટા એ પાટો બાંધ્યો છે, મારી સાથે એક અકસ્માત થયો હતો એમાં મને વાગ્યું છે. બેટા! તું શું કરતો હતો?" વાત ફેરવતા મેં એને પૂછ્યું હતું.

તુલસીએ મને અને સલીમને પાણી આપ્યું અને ચા બનાવવા એ રસોડા તરફ વળી હતી. મેં મા સાથે સલીમ ની ઓળખાણ કરાવતા કહ્યું, આ મારા ભાગીદાર મુક્તારનો નાનો ભાઈ સલીમ છે. મા સલીમને બોલી,"જ્યારથી મારો દીકરો મુક્તાર સાથે જોડાયો છે ત્યારથી એ ખૂબ જ બદલી ગયો છે. એ એકાએક ખૂબ જ મોટો અને પરિપક્વ વ્યક્તિ બની ગયો છે. મુકતારની સંગતમાં આવ્યા બાદ એનું સામાજિક પરિવર્તન ખૂબ થયું છે. અને આ પરિવર્તનના લીધે જ એ એના ધંધામાં પણ ખૂબ કમાણી મેળવી શકે છે. મુક્તારને મળ્યો એ પહેલા તો એ બસ ગામમાં લટાર માર્યા કરતો અને ઘરથી દૂર જ રહેતો હતો. માએ અમારી મિત્રતાના વખાણ કરતા કહ્યું હતું.

સલીમ અને મા વચ્ચે સંવાદ થયો એટલી વારમાં તુલસી ચા બનાવીને આવી ગઈ હતી. અમે બધાએ ચા ની લિજ્જત માણી હતી. ત્યારબાદ સલીમે માની રજા લીધી અને ઘરે આવવા વિનંતી કરી હતી. સલીમના ગયા બાદ હું મારા રૂમમાં ગયો હતો.

તુલસી ક્યારે એકાંત મળે એની રાહ જોઈને જ બેઠી હતી. મારી પાછળ તરત જ એ પણ રૂમમાં આવી અને પૂછવા લાગી, "કોની સાથે ઝઘડો થયો અને શું થયું છે એ ખરી હકીકત મને જણાવો!" આટલું પૂછતા તો એના શબ્દો ગળગળા થઈ ગયા હતા. આંસુ આંખની પાંપણે છવાઈ ગયા હતા.

મેં એના આંસુ લૂછ્યા અને મારા આલિંગનમાં એને લીધી હતી. સહેજ વાર એને મારી છાતી સમી૫ લગાવી રાખી હતી. એની ધીરજ જીરવાતી નહોતી, એ હકીકત જાણવા ખૂબ આતુર હતી. હું એની મન:સ્થિતિ પામી ચુક્યો હતો. મેં શાંતિથી અને હળવેકથી બધી જ વાત એને જણાવી હતી. જે અમારી સાથે બીના બની એ આબેહુબ સત્ય જણાવ્યું હતું.

મારી વાત સાંભળીને એ ખૂબ જ ચિંતાતુર થઈ ગઈ હતી. એ મારી ચિંતામાં સહેજ ગુસ્સા સાથે બોલી, "આટલી મોટી તકલીફ હતી અને તમે અમારાથી છુપાવી? તમને કંઈક થઈ ગયું હોત તો? શું જરૂર છે હવે એટલા રૂપિયા ની! જે છે એટલું ઘણું છે. મારે કોઈ રૂપિયાની જરૂર નથી મારા માટે સાચી કમાણી તમે જ છો. શું કામ આવા ધંધામાં વધુ અંદર ઉતરો છો? ઘણું કમાઈ લીધું ને ઘણું ભેગું પણ કરી લીધું, બસ હવે મને તમારો સાથ જ જોઈએ છીએ." 

આજ પહેલી વાર તુલસી આટલું બધું બોલી અને એ પણ સહેજ ગુસ્સા સાથે! મને એના ગુસ્સામાં મારા પ્રત્યેની લાગણી મારા દિલને સ્પર્શીને મને ખુબ ખુશ કરી રહી હતી. મેં એને કોઈ જ પ્રતિઉત્તર આપ્યો નહીં. મેં એને ચુપ કરવા મારા હોઠ ને એના હોઠ પર બીડીને એક પ્રગાઢ તલતસતું ચુંબન કરી દીધું હતું. હું જેવો એના પ્રેમમાં તરબોળ થયો કે, મારી સઘડી પીડા હું ભૂલી ગયો હતો. હું તુલસીના સાનિધ્યમાં અનહદ શાંતિ મેળવતો હતો.

વિવેક મુંબઈવાળા કેસને કેવી રીતે હલ કરશે? શું વિવેક ફરી જોખમ લેશે?

વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏