સામાન્ય રીતે જગતમાં એવી માન્યતા પ્રવર્તતી હોય છે કે આ જગતમાં જે કંઈ પણ બની રહ્યું છે તે ભગવાન કરે છે. જો એ વાત સાચી હોય કે દરેક કર્મનો કર્તા ભગવાન છે તો ભગવાનને કર્મનું બંધન ના આવે? લોકો કહે છે કે ભગવાન ઉપર રહે છે અને બધાને કર્મ ભોગવવા નીચે પૃથ્વી ઉપર મોકલે છે. તો ઉપર બેઠા બેઠા ભગવાન મજા કરે અને આપણને સજા? જે દુનિયામાં એક-એક માણસને ચિંતા, ઉપાધિ, ટેન્શન, દુઃખ ભોગવવા પડે છે એવી દુનિયામાં ભગવાન આપણને મોકલે એવું બને?
કોઈનો જુવાનજોધ દીકરો મૃત્યુ પામે તો કહે કે “ભગવાને મારો દીકરો લઈ લીધો.” તો ભગવાન બધાના જુવાન છોકરા શું કામ ભેગા કરે? શ્રદ્ધાળુઓ તીર્થધામની જાત્રાએ ગયા. એકએક વાવાઝોડું આવ્યું, અને સેંકડો યાત્રાળુઓ મરી ગયા. આ સમાચાર સાંભળીને દરેકની અંદર અરેરાટી વ્યાપી જાય કે કેટલા ભક્તિભાવથી ભગવાનના દર્શન કરવા ગયા, તેમને જ ભગવાન આમ મારી નાખે? ભગવાન ભયંકર અન્યાયી છે! વરસાદ ના વરસે તો ખેડૂત કહે, કે ભગવાન વરસાદ વરસાવતો નથી. અરે, જો ભગવાન બધું કરતા હોય તો ભગવાનને ખેતી માટે વરસાદ વરસાવવામાં શું ખોટ જવાની હતી?
કર્મનો સિદ્ધાંત શું કહે છે, કે જે ખોટું કર્મ કરે એને પાપ લાગે અને જે ખોટું કામ કરાવે એને ડબલ પાપ લાગે. તો જો ભગવાન આ બધું કરાવતા હોય તો એમને ગુનાનો દંડ ના આવે? અને એ દંડ એમને કોણ આપે? શ્રીકૃષ્ણ ભગવાનને પગમાં તીર વાગ્યું અને મૃત્યુ થયું. મહાવીર ભગવાનને પણ કાનમાં બરુ ઠોકાયા અને પીડા ભોગવવી પડી. રામ ભગવાનને પણ વનવાસમાં જવું પડ્યું. ભગવાન પોતે જ પોતાના કર્મોનો હિસાબ ભોગવતા હોય તો તે આપણા કર્મોમાં ડખલ કઈ રીતે કરી શકે? યોગવાસિષ્ઠમાં રામચંદ્રજીએ ચોખ્ખું કહ્યું છે કે કર્મનો નિયંતા કોઈ છે જ નહીં, જે છો તે તમે પોતે જ છો.
બીજી બાજુ, કેટલાક બુદ્ધિજીવીઓ માને છે કે ભગવાન કશું કરતા નથી. કર્મ કરવું મનુષ્યના હાથમાં છે. જો મનુષ્ય સ્વતંત્ર કર્તા હોત તો પોતાને ધંધામાં ખોટ કેમ આવે? પરીક્ષામાં નાપાસ કેમ થાય? નોકરીમાં દર વર્ષે પ્રમોશન કેમ ન મળે? જો મનુષ્ય કરી શકે તો બધું જ પોતાના ધાર્યા પ્રમાણે થાય; કાયમ સફળતા જ મળે, ક્યારેય દુઃખ ના પડે. પણ જીવનમાં ઘણું એવું બને છે જેમાં મનુષ્ય પોતે કશું કરી શકતો નથી. આપણે જમીને રાત્રે નિરાંતે સૂઈ જઈએ, ત્યારે તેને પચાવવાનું કામ ઓટોમેટિક રીતે થાય છે. એની મેળે જ પાચકરસો, પિત્ત, બાઈલ બધું ભેગું થઈને લોહી, મૂત્ર, સંડાસ છૂટું પડી જાય છે. આટલી મોટી મશીનરી એની મેળે ચાલે છે, મનુષ્ય ચલાવવા જતો નથી.
નરસિંહ મેહેતાએ પણ કહ્યું છે કે,
"હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા; શકટનો ભાર જ્યમ શ્વાન તાણે!
સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે; જોગી જોગેશ્વરા કો'ક જાણે!"
અર્થાત, ગાડા નીચે કૂતરું ચાલતું હોય અને પોતે માને કે હું જ ગાડું ચાલવું છું, એ જેટલી મૂર્ખાઈ છે તેટલી જ મૂર્ખાઈ કોઈ પણ કામ માટે “હું કરું છું.” એમ માનવામાં છે. જે આત્મયોગેશ્વર હોય, તે જ આ કર્તા સંબંધીનું ગૂઢ જ્ઞાન જાણી શકે.
તો પછી ખરેખર કર્મનો કર્તા કોણ? પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “ભગવાન કર્તા નથી ને તમે ય કર્તા નથી. પણ તમે માનો છો 'હું કરું છું.' તેથી કર્મ બંધાય છે.” તેઓશ્રીએ સાદી સરળ ભાષામાં આ કાળના લોકોને ચોખ્ખું ફીટ થાય એવું કહ્યું છે કે, ઉપર કોઈ બાપોય નથી. યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્બસિબલ ફોર યોર સેલ્ફ! બીજાને દુઃખ થાય એવા કર્મોથી પાપ બંધાશે અને બીજાને સુખ થાય એવા કર્મોથી પુણ્ય બંધાશે. આપણે કર્મ બાંધીએ છીએ, તેનું ફળ કુદરત આપણને આપે છે. જેમ, એક કપ ચા બનાવવા માટે દૂધ, ખાંડ, ગેસ, તપેલી, સાણસી, ગળણી, ચા બનાવનાર, ચા પીનાર એમ અનેક સંજોગોની જરૂર પડે તે જ રીતે ઘણા બધા સંયોગો ભેગા થાય ત્યારે એક કાર્ય થાય છે. ભગવાન એટલે બીજું કોઈ નથી પણ આપણું પોતાનું સ્વરૂપ જ છે. આત્મા એ જ પરમાત્મા છે.