કાંતા ધ ક્લીનર - 48 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાંતા ધ ક્લીનર - 48

48.

"તું? તું શું મદદ કરી શકવાનો છે?" ચારુએ પૂછ્યું.

"કારણ કે રાઘવના સગડ હું બતાવી શકું એમ છું. તે ક્યાંથી વાતો કરતો, કોની સાથે, અગ્રવાલે છેલ્લે તેને કયું પાર્સલ આપેલું એ બધું દૂર રહીને મેં સાંભળ્યું છે."

જીવણે કહ્યું. 

જાણે ખાસ કાઈં સાંભળ્યું નથી તેમ કરી ગીતાબા  કાંતા તરફ ફરી.

"સરિતાની નાની બહેન, તને કંઇક તો તે ક્યાં છે કે ગઈ એની ખબર હશે જ. અમે એને બોલાવવા કહીએ તો તું એ કરી શકીશ?" ગીતાબાએ કટાક્ષમાં પૂછ્યું.

"હું પ્રયત્ન કરીશ. ક્યાં હશે તેની ચોક્કસ ખબર નથી." કાંતાએ કહ્યું. હજી, પોતે જ  તેને રાઘવથી બચવા  નાસી છૂટવા કહેલું તે કહેતાં જીવ ચાલ્યો નહીં. તેણે મનોમન સરિતાને કોઈ દરિયા કિનારે બિકિની પહેરી છબછબિયાં કરતી, વિલાના બગીચામાં લંબાવીને ઠંડું પીણું પીતી જોઈ. બોલાવું તો આવશે? કે હવે તું કોણ ને હું કોણ? કાંતા વિચારી રહી. આજ પૂરતાં ગીતાબા ચાલ્યાં એટલે ચારુ અને વ્રજલાલ પણ ગયા.

ફરીથી ઘર જાણે ભેંકાર થઈ ગયું. જીવણ અંદર બેડરૂમમાં જઈને સૂતો. બહાર પડી  કાંતાને મમ્મીના વિચારો ઘેરી વળ્યા. જે કાઈં બની રહ્યું હતું તે અણધાર્યા વળાંકો લેતું હતું. કાલે શું થાય તે કહેવાય નહીં એમ વિચારતી કાંતા મોડે સુધી ચિંતામાં રહી પછી તેને છેક વહેલી સવારે ઊંઘ આવી ગઈ. તે કિચનમાંથી  આવતી ચા અને ઉપમાની સુગંધથી જાગી ગઈ. જીવણ ઊઠી ગયો હતો અને બેય માટે  બ્રેકફાસ્ટ બનાવતો હતો.

"ગુડ મોર્નિંગ, કાંતા. તને જગાડી દીધી!" જીવણે સ્મિત આપતાં કહ્યું.

"આમેય હું ઉઠવાની જ હતી. સરસ સુગંધ આવે છે ઉપમાની. તું મસાલો વગેરે ક્યારે લાવ્યો? રાત્રે દૂધ પણ ઘરમાં ન હતું." કાંતાએ કહ્યું. તેણે જોયું કે જીવણ તો નહાઈ ધોઈને ભીના વાળ સાથે ફરતો હતો.

"હું  ઊઠીને લઈ આવ્યો. નીચે શેરીને નાકે તો મળે છે. હા, મકાનમાલિક કાકા મને ઘૂરીને જોતા હતા." કહેતાં જીવણ ગરણીથી ચા ગાળવા લાગ્યો. 

કાંતાએ ટેબલ પર પડેલી ઘડિયાળમાં જોયું. હજી તો પોણા સાત હવે વાગતા હતા .

"બહુ વહેલો ઊઠી ગયો! તૈયાર પણ થઈ ગયો?" કાંતા પોતાના વાળ સરખા કરતાં બોલી .  

"આમ તો આખી રાત સૂઈ શકેલો નહીં. ઠીક છે, શરૂમાં થોડી ઊંઘ આવી ગઈ. આપણી અત્યારની પરિસ્થિતિ જ એવી છે, એમાં ઘરની ચિંતા, વર્ક વિઝા ને પાસપોર્ટ, પૈસા ખાસ નથી.. બધું ચિંતા કરાવે એવું છે."

"હવે ચારુ આપણી વકીલ છે, બધું એક પછી એક સોલ્વ થઈ જશે." કહેતાં કાંતા બ્રશ કરી ફ્રેશ થવા બાથરૂમમાં ગઈ.

તે આવી ત્યાં જીવણે ટીપોય પર ચા ના બે મગ અને  બે પ્લેટમાં સોડમદાર ઉપમા મૂકી દીધી હતી. તેઓએ બ્રેકફાસ્ટની શરૂઆત કરી. જીવણ ધીમે ધીમે મૂડમાં આવી પોતાના કુટુંબની વાતો કરતો રહ્યો અને ઘરના ફોટા કાંતાને બતાવતો રહ્યો. કાંતા બીજાને હાથે બનાવેલો નાસ્તો ખાતી રહી.

ત્યાં તેનો ફોન રણક્યો. 

સવારે સાત વાગે? કોણ? તે વિચારી ને ફોન લે ત્યાં તેમાં નામ દેખાયું, "રાધાક્રિષ્નન સર."

કાંતાએ ફોન ઉપાડ્યો. "ગુડ મોર્નિંગ સર! ફરમાવો."

"ગુડ મોર્નિંગ. જો કાંતા, પોલીસને જે દેખાયું એ મુજબ નિર્ણય પર આવી અને તારી પૂછપરછ કરી. તને કસ્ટડીમાં રાખી તેનો મેં પણ આ ઉતાવળિયું પગલું છે કહી વિરોધ કરેલો. સારું, તને જામીન મળી ગયા. 

હવે જો, અત્યારે તો  પાછી, આ તો પોલીસ છે. ઇન્સ્પેકટર જાડેજા તારી પૂછપરછ કરવા આવ્યાં હતાં એમ ખબર પડી. બીજા અધિકારીએ ખુદ મોનાને  ઇન્કવાયરી માટે બોલાવેલી. સારું થયું તું સસ્પેન્ડ હતી. 712  અને આખા ફ્લોરનો ચાર્જ મોના પાસે હતો એટલે એને ભલે  કોઈ ગુનાસર કસ્ટડીમાં નથી લીધી, એ  સ્યુટમાંથી રાઘવ પકડાયો  એટલે બેદરકારી માટે તેને સસ્પેન્ડ કરી છે. તે ટીપ વચ્ચેથી પડાવી લેતી એવી ફરિયાદ માટે સુનિતા અને બીજી ક્લીનર્સ છોકરીઓએ પણ હા કહી.

હવે કોઈ સુપરવાઈઝર તો નથી,  તારા જેવી સારી ક્લીનર પણ નથી એટલે તને નોકરી પર ચડવાનું હું કહી રહ્યો છું." રાધાક્રિષ્નને લાંબુ લચ કહી દીધું.

"સવારના પહોરમાં.. હું તે કાઈં રમકડું છું? મન ફાવે ત્યારે કાઢી મૂકવી અને ગરજ પડે એટલે બોલાવવી? ઠીક છે, મારે પણ પૈસાની તાતી જરૂર છે એટલે જાઉં." કાંતા મનમાં બોલી.

"ઓકે. થેંક યુ સો મચ સર. તો આજથી આવી જાઉં?"

"આજે હજી એ ફ્લોર પર અમુક કામ ચાલુ છે. તારું પણ હું એકવાર બધું એચ આર માં કલીયર કરી દઉં. એમ કર, કાલથી આવ. અને હા. સાંભળ્યું છે પેલો ટેમ્પરરી વર્કર જીવણ તારા વકીલના સંપર્કમાં છે?"

"હા સર. એણે પોલીસને સમજાવ્યું કે કેવી રીતે તેને બ્લેકમેઇલ કરાતો. એને પણ  પોલીસે હાલ નિર્દોષ કહ્યો છે. 

સર, એ મારે ઘેર રાત રોકાએલો. અહીં જ છે. આપું?" કાંતાથી કહેતાં તો કહેવાઈ ગયું. જીવણે અણગમાથી તેની સામે જોયું.

"આપ." સરે કહ્યું.

જીવણે ફોન લઈ નમસ્કાર કર્યા અને ગુડ મોર્નિંગ કહ્યું.

"મને ખબર તો પડી કે તું દરેક અલગ રૂમમાં રાત રોકાતો. તને રોકવામાં આવતો. અત્યારે તો તારી પર કોઈને શંકા નથી. હેલ્પર તરીકે યુ આર ઓકે. ગુડ. તો તારા પાસપોર્ટ, વર્કવિઝા નું વકીલ પાસે ઠીક કરાવી લે એટલે તું પણ નોકરીએ.

હા. આજે ને આજે દોડવાની બે માંથી એકેય ઉતાવળ નહીં કરતાં. આપ કાંતાને."

"બોલો સર " કાંતાએ કહ્યું.

"તો કાલે મળીએ. તું કાલે કામ પર આવે છે. મોનાને બદલે ઇન્ચાર્જ ક્લીનીંગ ઓપરેશન્સ. ઉપરાંત તારી રોજની એસાઈન કરેલી ડ્યુટી માટે. મળીએ. હેવ એ ગુડ ડે."

ફોન કટ થયો.

"નવરાં બેઠાં, કોઈ કામ કે કમાણી વગર આપણે  શું કરશું?" કાંતા બોલી.

"આઈસ્ક્રીમ ખાઈ આવીએ .  જે આ બધા ત્રાસમાંથી  છૂટયાં એનું સેલિબ્રેશન. ભલે ખાલી ખિસ્સે." જીવણે કહ્યું.

ક્રમશ: