શું પુનર્જન્મ સત્ય છે? Dada Bhagwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શું પુનર્જન્મ સત્ય છે?

પુનર્જન્મ છે કે નહીં તે વિશેની અનેક તાર્કિક અને ધાર્મિક માન્યતાઓ પ્રવર્તે છે. કેટલાક માને છે કે જે કંઈ છે એ આ વર્તમાન જીવનમાં જ છે, પુનર્જન્મ શક્ય નથી અને તેની કોઈ સાબિતી નથી. જ્યારે કેટલાક માને છે કે જે રીતે વાતાવરણમાં હવા છે, એના આધારે આપણું જીવન છે, પણ તે દેખાતી નથી. તેવી જ રીતે પુનર્જન્મ સત્ય છે પણ તે પુરવાર કરવા માટે ભૌતિક વિજ્ઞાન સક્ષમ નથી. 
ધાર્મિક દ્રષ્ટિથી વિચારીએ, તો જુદા જુદા ધર્મોમાં પુનર્જન્મ વિશે જુદી જુદી માન્યતાઓ પ્રવર્તે છે. કેટલાક ધર્મોમાં કહેવાય છે કે, મનુષ્યએ આખી જિંદગી જે પુણ્ય કે પાપ કર્યા હોય, તેના આધારે તેની આવતા ભવમાં શું ગતિ થશે તે નક્કી થાય છે. જ્યારે બીજા કેટલાક ધર્મોમાં મનાય છે કે, ‘ડે ઓફ જજમેન્ટ’ અથવા ‘કયામતનો દિવસ’ આવશે. એ દિવસે બધા આત્મા મૃતદેહમાંથી નીકળીને ભગવાન પાસે જશે, જ્યાં તેમના જીવનના ચોપડાનો હિસાબ જોવાશે. જેણે સારા કર્મો કર્યાં હશે તેને સ્વર્ગનું સુખ મળશે, અને ખરાબ કર્મો કર્યાં હશે તેને નર્કનો દંડ મળશે. આ બધી માન્યતાઓ અનુસાર જોવા જઈએ તો મૃત્યુ પછી જીવ સ્વર્ગ કે નર્કમાં જાય, અથવા ચાર ગતિ (મનુષ્યગતિ, જાનવરગતિ, દેવગતિ, નરકગતિ) માંથી એક ગતિમાં જાય. બંને માન્યતા અનુસાર જીવ બીજે જન્મે તો છે જ. એટલે આ બંને વાત પોતે જ સમર્થન આપે છે કે પુનર્જન્મ સત્ય છે.
હવે તાર્કિક અને વૈજ્ઞાનિક રીતે વિચારીએ. કોઈપણ કાર્ય એટલે કે ઈફેક્ટ પાછળ એનું કારણ, એટલે કે કૉઝ હોય છે. જેમ આપણે પરીક્ષા આપીએ, એ કૉઝ કહેવાય. પછી રિઝલ્ટ આવે તે તેનું પરિણામ એટલે કે ઈફેક્ટ કહેવાય. બીજું ઉદાહરણ લઈએ તો, જમીનમાં બાજરીનો દાણો નાખીએ એ કૉઝ છે. તેમાંથી છોડ ઊગીને મોટો થાય અને તેમાં બાજરીનું ડૂંડું આવે એ ઈફેક્ટ છે. હવે ધારણા કરીએ કે બાજરીનો જે દાણો વાવ્યો એ પૂર્વજન્મ છે. પછી એમાંથી ડૂંડું આવ્યું એટલે આ ભવનો જન્મ થયો, અને પછી પાછું એ ડૂંડામાંથી બીજ છૂટું પડીને દાણો જમીનમાં પડે એ આવતો નવો જન્મ લેશે. એમાંથી નવું ડૂંડું બનશે. આમ કૉઝમાંથી ઈફેક્ટ આવે છે, અને એ ઈફેક્ટ ભોગવતી વખતે ફરી નવા કૉઝીઝ પડે છે. એટલે કૉઝ-ઈફેક્ટની, જન્મ-મરણની સાઈકલ ચાલ્યા જ કરે છે. બાજરીના દાણામાં આપણને અમુક સમયના ગાળામાં એ સાઈકલ જોઈ શકાય છે, કે દાણો જમીનમાં પડ્યો અને એમાંથી ડૂંડું આવ્યું, અને ફરી એમાંથી દાણો જમીનમાં રોપ્યો. પણ મનુષ્યના આયુષ્યકાળમાં આપણને પૂર્વભવ કે આવતો ભવ સ્પષ્ટ રીતે જોવાતો કે યાદ રહેતો નથી. અને એટલે જ પુનર્જન્મ છે એ માનવું મુશ્કેલ બને છે. પણ મનુષ્યનું શરીર પણ એક ઈફેક્ટ છે, પરિણામ છે. એટલે એનું કૉઝ હોવું જ જોઈએ.
ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ પ્રમાણે જીવ ‘ડેવલપ’ થતો થતો એકેન્દ્રિયમાંથી જાનવરમાં અને પછી મનુષ્યમાં આવે છે. પણ મનુષ્યમાં આવ્યા પછી તેની કઈ ગતિ થાય છે તેનું રહસ્ય ભૌતિક વિજ્ઞાનમાં મળતું નથી. તેનો ખુલાસો આધ્યાત્મિક વિજ્ઞાનમાં મળે છે. જેમ વર્ષના અંતે ધંધાની આવક જાવકનું સરવૈયું બેલેન્સ શીટમાં આવે છે, તે જ રીતે મનુષ્યએ આખી જિંદગીમાં જે-જે કાર્યો કર્યાં હોય તેના પુણ્ય-પાપના હિસાબનું સરવૈયું મૃત્યુ વખતે આવે છે, અને આવતા જન્મની ગતિ નિર્ધારિત થાય છે. મૃત્યુ પછી આત્મા એક દેહ છોડે છે, અને બીજી બાજુ જ્યાં પિતાનું વીર્ય અને માતાનું રજ બે ભેગા થવાનો સંજોગ હોય ત્યાં સીધો જ ગર્ભમાં પ્રવેશે છે. દેહ છોડીને આત્મા એકલો જતો નથી, પણ તેની સાથે બધાં કર્મો જેને કારણ દેહ (કાર્મણ શરીર) કહે છે તે, અને તેજસ શરીર (ઈલેક્ટ્રીકલ બોડી) એમ ત્રણેય સાથે નીકળે છે. જેમ સાપ તેના એક દરમાંથી બહાર નીકળતો હોય અને બીજા દરમાં અંદર પેસતો હોય તેમ, આ દેહમાંથી આત્મા એક બાજુ નીકળતો હોય અને બીજી બાજુ જન્મ લે છે. પણ પૂર્વજન્મ યાદ ન રહેવાનું મોટું કારણ એ છે કે, મૃત્યુ સમયે મનુષ્યને ખૂબ વેદનાનો અનુભવ થાય છે. ઉપરાંત, જન્મ વખતે ગર્ભમાં પણ મનુષ્યને પાર વગરની વેદના હોય છે. એ વેદનાને કારણે આવરણ આવી જાય છે અને પૂર્વજન્મ ભૂલાઈ જાય છે.
પુનર્જન્મ સત્ય છે, અને એ પણ સત્ય કે છે મૃત્યુ કોઈનાં હાથમાં નથી. પણ આ જીવન કેવી રીતે જીવવું, કેવા કર્મો બાંધવા જેથી આવતો ભવ સુધરે એ આપણા હાથમાં છે! એટલે આ જીવનની એક-એક ક્ષણને જીવી લઈએ, અને મનુષ્યજીવન સાર્થક બનાવીએ.