ભીતરમન - 26 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભીતરમન - 26

હું માં અને તુલસીને આઈ.સી.યુ. રૂમ પાસે લઈ ગયો હતો. એ બંનેએ બહારથી જ બાપુને જોયા હતા. માં બાપુને જોઈને ખુબ દુઃખી થઈ ગઈ હતી. એ બાપુને થતી સારવાર જોઈને ગભરાઈ ગઈ હતી. એ મોટા મશીનો અને અનેક નળીયો સાથે બાપુને જોઈને ચક્કર ખાઈને પડી જ જાત, મેં અને તુલસીએ બંનેએ માને સાચવી લીધી હતી. માને બહાર બાંકડા પર બેસાડી હતી. તુલસીએ માને પાણી આપ્યું હતું. એણે મને પણ પાણીનો ગ્લાસ ધર્યો અને કહ્યું, "તમે પણ પાણી પી લ્યો. કદાચ ઘરે તમે પાણી પી શક્યા નહોતા!"

મેં હવે તુલસીનો અવાજ સાંભળ્યો હતો. એકદમ મીઠો અને સ્વરમાં રહેલ નરમાશ એના લાવણ્યમય વ્યક્તિત્વ જેવી જ હતી. ખપ પૂરતું જ બોલી એ પાણીનો ગ્લાસ આપી મા પાસે બેસી ગઈ હતી.

તુલસીએ કહ્યું ત્યારે મને ધ્યાન ગયું કે મેં પાણી પીધું જ નહોતું. એની વાત સમજી અને પાણી મેં પી લીધું હતું. પાણી પીવાના સંતોષ કરતા એ વાતનો મને સંતોષ થઈ ગયો કે, તુલસી કદાચ હું હોઉં કે ન હોઉં પણ માને સાચવી લેશે. 

નર્સ અને દાક્તરો એના સમય પ્રમાણે બાપુની તપાસ કર્યા કરતા હતા. મળસકું થઈ ગયું હતું પણ બાપુ હજી ભાનમાં આવ્યા નહોતા. માની ચિંતા હવે ચરમસીમાએ પહોંચી ગઈ હતી. હું મા અને તુલસી માટે ચા અને નાસ્તો લઈને આવ્યો હતો. માએ નાસ્તો કરવાની ના પાડી હતી. મા ટેક લઈને બેઠી હતી કે, જ્યાં સુધી તારા બાપુને ભાન ન આવે હું પાણી પણ હવે નહીં પીવું.

માએ તુલસીને તો ધરારથી સોગંધ આપી ખવડાવી જ દીધું હતું. તેજાએ અને મેં પણ ચા પીધી હતી. થોડીવાર પછી મોટા દાક્તર સાહેબ આવ્યા, એમણે બાપુને તપસ્યા હતા અને કહ્યું, "કાલ કરતા આજે ઘણો ફેર છે. એમનું બીપી કન્ટ્રોલમાં આવી ગયું છે. બપોર પછી કદાચ ભાનમાં આવી જાય! એમને લકવાના લીધે જે નુકશાન થયું છે એ ઠીક થતા ખુબ વાર લાગશે. આ તકલીફ હાથી વેગે આવે અને જાય કીળી વેગે, તમારે ખુબ જ ધીરજ રાખવી પડશે. નિયમિત ખોરાક, કસરત અને સમયસર દવા એ સારવાર કરનારે જ એમનું ધ્યાન રાખવું પડશે. ખોરાક અત્યારે તો હજુ દવા અને બાટલાથી જ આપવામાં આવશે, અંદાજે ત્રણેક દિવસ પછી એમને પ્રવાહી ખોરાક આપવાનો થશે. જો એમનાથી પ્રવાહી ખોરાક મોઢેથી નહીં લઇ શકાય તો નાકમાંથી એક નળી મૂકવી પડશે જે સિધી પેટમાં ઉતારેલ હોય એ નળીથી પ્રવાહી આપવાનું રહેશે! આવું સમાન્ય રીતે લકવાના દર્દીને કરવી પડતી સારવારની માહિતી મેં તમને આપી, તમારા બાપુની ખરી પરિસ્થિતિ એ ભાનમાં આવે પછી ખબર પડે! તમારા દરેકની હિંમત એજ એમની સાચી દવા છે. વાતાવરણ એકદમ હળવું રાખવાનું જેથી એમનું મન ખુશ રહે તો એ જલ્દી સાજા થઈ જાય!"

"હા, સાહેબ. તમે કહ્યું એ દરેક વાતની અમે કાળજી રાખશું." મેં દાક્તર સાહેબને જવાબ આપ્યો હતો. 

તેજો પોસ્ટઓફિસ ખુલી ગઈ હોઈ એટલે તાર કરવા નીકળી ગયો હતો. તારમાં ટૂંકમાં બધી વિગત જણાવી દીધી હતી. તેજો ત્યાંથી ઘરે જવાનો હતો. મુક્તાર આવી ગયો હતો. 

બાપુને બપોર પછી ભાન આવી ગયું હતું. એક નર્સે આવીને જાણ કરી અને કોઈ એકને જ એમની પાસે મળવા જવાનું કહ્યું હતું. મા એમને મળવા ગઈ હતી. અમુક મિનિટો પછી મા મળીને આવી ત્યારે ખુબ જ દુઃખી હતી. 

માએ ખુબ જ દુઃખી હૈયે કહ્યું, "તારા બાપુનું અડધું શરીર હજુ લકવાગ્રસ્ત જ છે. એમનાથી સરખું બોલાતું જ નહોતું. એ શું બોલતા હતા એ હું સમજી જ શકી નહીં. એમની આંખમાંથી આંસુ વહી જતા હતા. એમનું બીપી ફરી ન વધવા મંડે એટલે નર્સે મને બહાર મોકલી દીધી. હંમેશા પોતાની રીતે જ જીવનાર સાવ ઓશિયાળી જિંદગી જીવવા લાગ્યા!"

મારાથી માને દુઃખી જોઈ શકાતી નહોતી. મેં માને કહ્યું, શાંત રહો અને માતાજીને પ્રાર્થના કરો કે બાપુ જલ્દી સાજા થઈ જાય. મા આપણા હાથમાં કઈ જ નથી બધું જ ભગવાન જ કરે છે. એ ઇચ્છશે તો બાપુ જલ્દી સજા થઈ જશે!"

તુલસી માને સાંત્વના આપતા બોલી, તમે ચિંતા ન કરો, બાપુ જલદી સાજા થઈ જશે.

બાપુ અહીં દાખલ હોય દિવસે મા અને તુલસી દવાખાને રહેતા અને રાત્રે એ બન્નેને મારા અહીંના ભાડાના મકાનમાં આરામ કરવા મોકલતો હતો. મારી સાથે રાત્રે એક દિવસ તેજો અને બીજે દિવસે મુક્તાર રોકાતા હતા. મને તકલિફમાં એ બંને ખુબ સાથ આપી રહ્યા હતા.

બાપુની તબિયતમાં ખાસ સુધારો નહોતો થયો પણ ધીરે ધીરે ફેર પડશે જ એમ દાક્તરનું કહેવું હતું. બધા સંબંધીઓ અને પાડોશીઓ બાપુને જોવા આવી ગયા હતા. બાપુ સરખું બોલી શકતા નહોતા આથી એ શું ઈચ્છે છે એ કોઈ સમજી શકતું નહોતું. ફોઈ જયારે એમને મળવા ગયા ત્યારે એમણે કહ્યું કે, "મોટાભાઈ વિવેકને અંદર બોલાવે છે." 

માના કહેવાથી આજે ચોથે દિવસે હું અંદર બાપુને જોવા ગયો હતો. હું બાપુની પાસે બેઠો હતો. બાપુ મને જોઈને આંખમાં આંસુ સાથે મહા મહેનતે હાથ જોડવાનો પ્રયાસ કરતા બોલ્યા, "મને માફ કરી દે!" એમનાથી નહોતા સરખા હાથ જોડાતા કે નહોતું સરખું બોલાતું, પણ હું એ શું કહે છે એ જાણી ચુક્યો હતો.

મેં બાપુને શાંતિથી કહ્યું, માફી મારી નહીં ઝુમરી અને ભગવાનની માંગો. હું તો માના લીધે લાચાર છું, તમને બદદુવા આપું તો પણ મા જ દુઃખી થશે! અને હું માને જરાય દુઃખી જોવા ઈચ્છતો નથી. જે થયું એ હું ક્યારેય ભૂલી શકીશ નહીં, પણ તમે હવે એ વાત ભૂલી જાવ એજ તમારે માટે સારું છે. 

હું આટલી વાત કરીને બહાર આવી ગયો હતો. બાપુને ઠીક નહોતું છતાં મને એમની દયા આવતી નહોતી, કારણકે ઝુમરીની સાથે બાપુએ કરેલ કપટ મને ખુબ હજુ તક્લીફ આપતું હતું. બહાર આવી થોડા વ્યથિત ચહેરે હું બાંકડા પર બેઠો હતો. મા બાપુ પાસે ગઈ હતી. હું અને તુલસી એકલા જ બાંકડા પર બેઠા હતા.

તુલસીએ મારી સાથે આજ દિવસ સુધી વાત કરવાની કોઈ કોશીશ કરી નહોતી. મને અત્યારે અતિ ચિંતિત જોઈને કદાચ એ ચૂપ બેસી શકતી નહોતી. એને ઘણું બધું કહેવું હતું, કદાચ પૂછવું પણ હતું, પણ વાતની શરૂઆત કરતા એ ડરતી હોય એવું મને લાગ્યું. મેં પણ એને અવગણી અને બહાર હવામાં સિગરેટના દમ મારવા નીકળી ગયો હતો. મને તુલસીનો ભાવુક સ્વભાવ અને નિર્દોષ લાગણી સ્પર્શી રહી હતી. પણ હું એ લાગણીથી દૂર રહેવા જ ઈચ્છતો હતો. તુલસી આજે તો એ એના ઘરે જતી રહેવાની હતી. તુલસીના બાપુ અને મા અહીં બાપુને જોવા આવવાના હતા, અને તુલસીને એમની સાથે એમના ઘરે લઇ જવાના હતા.

મારા બંને ફોઈ અહીં રોકવાના હતા આથી માને મદદ રહે! સમય ઝડપથી આગળ વધી રહ્યો હતો, પણ બાપુની તબિયતમાં નામનો જ સુધારો હતો. એમને નિયમિત કસરત અને ખોરાક તથા દવાની દેખરેખ મા ખુબ ચીવટથી કરતી હતી. બાપુને ૧૫ દિવસે રજા મળી ગઈ હતી.

બાપુને ખોરાક પ્રવાહી જ આપવાનો હતો. એ પણ નળી દ્વારા જ પીવડાવાનો હતો. બે મહિના જેટલો સમય બાપુ સતત પથારીમાં જ રહ્યા હતા. બાપુનું કામ અને મારુ કામ એ બધું જ હું એકલો સંભાળતો હતો. જવાબદારી બધી જ હું નિભાવતો હતો પણ બાપુની લાગણી માટે જેમ હું તડપતો હતો એમ હવે એ તડપી રહ્યા હતા. એમને મારી સાથે સમય વિતાવવો હોય એ હું સમજી શકતો હતો પણ એમનો મારી ખુશીઓ પર કરેલ ઘા મારા મનમાં રહેલ પિતાની લાગણીને મારી ગયો હતો.

શું વિવેક પોતાની મા માટે બાપુને સાચા મનથી સ્વીકારશે?

તુલસી વિવેકની સાથે પરણીને સુખી જીવન જીવી શકશે?

વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏