ભીતરમન - 24 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભીતરમન - 24

હું આઠમા નોરતે સાંજે ઘરે પહોંચ્યો હતો. મેં જેવી ડેલી ખોલી કે ગાયે મને ભાંભરતા આવકાર આપ્યો હતો. મેં મારી ટેવ મુજબ જ એના ગળે વહાલ કરી માને સાદ કર્યો હતો. તુલસી ઘરે હશે એમ વિચારી હું ખાટલો ઢાળીને જ ફળિયામાં બેસી ગયો હતો. મા મારો અવાજ સાંભળીને તરત જ બહાર હરખાતી આવી હતી. એને જોઈ હું તરત ઉભો થયો અને માને પગે લાગતાં એક મોટો થેલો એમને આપતા બોલ્યો, "લે મા! આ તારાથી દૂર રહી મે જે તરક્કી કરી એ કમાણી!"

"શું છે આમાં? એમ પૂછતી મા મારી સામે જોઈ રહી હતી.

"આમાં રૂપિયા છે જે તારા સંદુકમાં રાખજે!" મેં થેલો ખોલીને રૂપિયા માને દેખાડ્યા હતા. આટલા બધા રૂપિયા માએ ક્યારેય એકસાથે જોયા જ નહોતા!

"તું જામનગર શું કામ કરે છે? બેટા! કોઈનો જીવ બાળીને ઘરમાં આવેલ રૂપિયો ક્યારેય સુખ નથી આપતો. મને તારી પાસે આટલા રૂપિયા કેમ આવ્યા એ કહે!" માને મારા ખોટા રસ્તે ગાડી ચાલતી હોય એની ગંધ રૂપિયા જોઈને આવી ગઈ હતી.

"અરે માં! જમીનના સોદાની લે-વેચ કરું એમાં ઘણો નફો થયો છે. મા તને મારા પર વિશ્વાસ છે ને!" મેં ફરી સત્યથી માને અળગી કરી હતી.

હું અને મા વાતો કરતાં હતા ત્યારે બાપુ પણ બહારથી આવ્યા હતા. મને મા પાસે બેઠેલો જોઈને એક તીરછી નજર કરતા તેઓ એમના ઓરડા તરફ આગળ વધી રહ્યા હતા.

આજે મેં બાપુને રોક્યા અને ઉભો થઈ હું બોલ્યો, "બાપુ ક્યાં ચાલ્યા? આ જોઉં તો ખરા મારી ધંધામાં મેં જમા કરેલી મારી પુંજી! આ મેં મારી માના ચરણોમાં મુકી. ઉત્તરાયણ પછી મુકવાની હતી, પણ મારી મા અને માતાજીની મહેરબાનીથી આજે માતાજીનાં મોટામાં મોટા આઠમા નોરતે જ મૂકી રહ્યો છું." મૂછ પર તાવ આપતા હું બોલ્યો હતો.

બાપુએ મારી આંખમાં આંખ મેળવી અને એ કાંઈ બોલે એ પહેલા જ મેં માને ચા લાવવા અંદર મોકલી દીધી હતી. મેં ફરી બાપુને કહ્યું, "આ છે મારી ઔકાત! અને હા બાપુ મેં સાંભળ્યુ સટ્ટામાં બહુ મોટી ખોટ ગઈ તમને! અહીંનું કર્યું અહીં જ છે બાપુ! સાચવજો બાપુ સાચવજો!"

બાપુ મારી વાત સાંભળીને ગુસ્સાથી લાલઘૂમ આંખ કરતા એમના રૂમ તરફ જતા રહ્યા હતા.

મારુ એક એક વેણ બાપુને ખુબ તકલીફ આપી રહ્યું હતું. એમનાથી મારા શબ્દો સંભળાતા જ નહોતા! અને મેં આજે કોઈ જ મોકો એમને સંભળાવ્યા વગર છોડ્યો નહોતો. મેં ઝુમરીને મનોમન યાદ કરી હતી અને હું બોલ્યો, તારો બદલો હું ધીરે ધીરે લેવા લાગ્યો છું. હું ખાટલા પર બેઠો હતો ત્યાં તુલસીને માએ ચાની તાંસળી સાથે મારી પાસે મોકલી હતી. તુલસીએ નીચે જમીન પર તાંસળી મૂકી હતી. એના હાથમાં રહેલ કાચની બંગડીની ખનક એકદમ શાંત વાતાવરણમાં કાકરીચાળાનું કામ કરી રહી હતી. મેં તુલસી તરફ નજર કર્યા વગર જ તાંસળી લઈ લીધી હતી. રુમઝુમ પાયલનો રણકાર કરતી એ અંદર જતી રહી હતી.

તુલસી અંદર જતી રહી હતી. હું  તુલસી વિષે વિચારવા લાગ્યો, એનું મારી હકીકત જાણ્યા બાદ પણ કેટલું સામાન્ય વલણ છે. એના પ્રત્યે મનોમન મને માન થવા લાગ્યું હતું. હું એ વાતે નિશ્ચિત થઈ ગયો કે, એને હકીકત જણાવી એનાથી માને કોઈ જ તકલીફ નહીં થાય! 

બાપુ એમના રૂમમાં ગયા હતા. બાપુ ખૂબ જ વ્યાકુળ થઈ ગયા હતા. એક તો ધંધામાં ખૂબ મોટી ખોટ અને એમાં પાછી મેં કરેલું શબ્દોથી એમનું અપમાન! બાપુ એમના ઘમંડને તૂટતો સહન કરી શક્યા નહીં! એમનું શરીર ખૂબ પરસેવે રેબઝેબ થવા લાગ્યું હતું. મા નિવેદ ધરવાનું ટાણું થયું હોય, બાપુને બોલાવવા એમના ઓરડામાં ગયા અને માથી વિવેક.. નામની બૂમ નીકળી ગઈ હતી. હું પણ ઝડપભેર એ તરફ દોડ્યો હતો. બાપુ ખુરશીમાં બેઠા હતા, એમનું મોઢું ડાબી તરફ ખેચાયેલ હતું. ધ્યાનથી જોતા ખબર પડી કે અડધું અંગ જ ડાબી બાજુ ખેંચાય ગયેલું હતું. બાપુની આંખ બંધ હતી અને એ બેભાન હાલતમાં હતા. મેં માને કહ્યું, તમે ડેલી ખોલો હું બાપુને બહાર લઈને આવું છું. બાપુને દવાખાને લઈ જવા પડશે!

મા ઝડપથી નીચે ગઈ અને ડેલી ખોલીને રાખી હતી. હું બાપુને ઉંચકીને બહાર લાવ્યો અને એમને ખાટલા પર ઉંઘાડ્યા હતા. મેં અમારી ગાડીને અંદર છેક ફળિયા સુધી લીધી અને બાપુને દવાખાને લઈ ગયો હતો. હજુ દાક્તર સાહેબ આવે એ પહેલા જ અમારા પાડોશીઓ અને તેજા સહિતના મારા મિત્રો આવી ગયા હતા. 

મા ખુબ ચિંતામાં હતી. માને જોઈને મેં બાપુનું કરેલ શબ્દોથી અપમાન યાદ આવ્યું હતું. બાપુનું સ્વમાન મારા શબ્દોએ જ હણ્યું હતું, એ જ બાપુથી સહન થયું નહોતું, અને બાપુની તબિયત બગડી એવું હું વિચારી થોડો દુઃખી થઈ ગયો હતો. મને મારા દ્વારા થયેલ આવું વર્તન પીડા આપી જ રહ્યું હતું ત્યાં જ વેજો મારી સામે આવીને ઉભો રહી ગયો હતો. વેજાને જોઈને બાપુ અને વેજાની બધી પાપલીલા યાદ આવી ગઈ હતી! સહેજ વાર પહેલા મને મારા વતર્નથી પીડા થતી હતી એ દૂર થઈ અને મનમાં એ વિચાર આવ્યો કે, કુદરતે ઝુમરી સાથે બાપુએ કરેલ કપટનો ન્યાય જ કર્યો છે. અને આ ન્યાયને અંજામ આપવા મને નિમિત્ત બનાવ્યો છે. મારા મનમાં જે પીડાનું બવંડર ચગ્યું હતું એ એકદમ શાંત થઈ ગયું. મને દ્વારકાધીશજીની કરેલ પ્રાર્થના ફળી હોય એવું લાગ્યું હતું. મારી ઝુમરીને કુદરતે ન્યાય આપ્યો હતો. કુદરતે મારા પ્રેમને આપેલ ન્યાયથી હું ખુશ થઈ ગયો હતો. હું વેજા પાસે ગયો અને એને પણ કહ્યું, માતાજી સોટી લઈને મારતી નથી પણ જે કર્મ કર્યું હોય એનું ફળ તો અવશ્ય આપે જ છે. બાપુને તો મળી જ ગયું, તું પણ સુધરી જા! નહીં તો તૈયાર રહેજે તારા પાપના પોટલાનો વજન ઉપાડવા!

દાક્તર સાહેબ આવ્યા અને એમણે તુરંત જામનગર જવા માટે કહ્યું હતું. જરૂરી શરૂઆતની સારવાર આપ્યાબાદ દવાખાનાની ગાડીમાં જ બાપુને ચાલુ સારવારે જામનગર લઈ ગયા હતા. માતાજીને નિવેદ જુવારવાના હતા આથી તુલસી અને મા ઘરે જ રહેશે એવું નક્કી કર્યું હતું.

અમે જામનગર પહોંચી ગયા હતા. દવાખાને બાપુને ખસેડ્યા ત્યાં જ તરત જ દાક્તરે એમની બધી જ તપાસ હાથ ધરી લીધી હતી. બાપુની અમુક તપાસ પણ કરાવડાવી હતી. એના રિપોર્ટ આવતા થોડી વાર લાગશે એમ દાક્તરે કીધું હતું. એમના અનુભવ પરથી બાપુને લકવાનો હુમલો આવ્યો હોય એવું દાક્તર સાહેબે કહ્યું હતું. આ લકવાના હુમલાથી શરીરને કેટલું નુકશાન થયું છે એ રિપોર્ટ આવે પછી ખબર પડશે. 

બાપુને જેટલો અહમ અને પોતાના વ્યક્તિત્વનો ઘમંડ હતો એ કુદરતે એક જ પળમાં ભસ્મીભૂત કરી નાખ્યો હતો. બાપુ તો બેભાન હતા એમને તો ખબર પણ નહોતી કે, એમને શું થયું છે! મેં તેજાને કહ્યું, "માતાજીએ બાપુને આજના મોટા દિવસે જ કેવી આકરી સજા આપી છે! કાયમ બાપુ જ માતાજીના નિવેદ ધરતા હતા, આટલા વર્ષોમાં પહેલીવાર એવું બન્યું કે, નિવેદ બાપુના હાથે ધરાયા નહીં! માતાજીએ એમની ભક્તિનો અધિકાર છીનવી લીધો!"

"સાચીવાત. કુદરતે એમના અસ્તિત્વનો ચમત્કાર દેખાડ્યો છે. ખરેખર કુદરતની લીલા ન્યારી છે." તેજાએ ઉપર તરફ નજર કરી અને પ્રભુને પ્રણામ કર્યા હતા.

શું આવશે બાપુના રિપોર્ટ?

તુલસી અને વિવેકની પહેલી મુલાકાત કેવી હશે?

વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏