મૌ કો કહાં ઢુંઢે રે બંદે મૈ તો તેરે પાસ મેં... Krupa Thakkar #krupathakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-120

    પ્રેમ સમાધિ પ્રકરણ-120 માયા ઘવાઇ છે એ વિચારે નારણ અને સતિષ ચ...

  • ભીતરમન - 51

    હું સમયની સાથે ધીરે ધીરે મા વિનાનું જીવન જીવતો થઈ ગયો હતો! બ...

  • નાયિકાદેવી - ભાગ 41

    ૪૧ પાટણમાં પાછાં ફર્યાં! ઘણી વખત આવું પણ બને છે. જેનો ઘણો ભય...

  • ભાગવત રહસ્ય - 102

    ભાગવત રહસ્ય-૧૦૨   શરીરમાં દસ ઇન્દ્રિયો છે. અને આ દરેક ઇન્દ્ર...

  • ખજાનો - 69

    "ભારતને લૂંટી ગયા પછી પણ તેમનું પેટ ન ભરાયુ..! હજુ પણ અંગ્રે...

શ્રેણી
શેયર કરો

મૌ કો કહાં ઢુંઢે રે બંદે મૈ તો તેરે પાસ મેં...

એક વિદ્વાન કથાકાર એક ગર્ભ શ્રીમંતની હવેલીમાં શ્રીમદ્ ભાગવતનું પારાયણ કરી રહ્યાં હતાં.એમની આકર્ષક કથનશૈલીમાં સૌ ડૂબી ગયાં હતાં કારણ! 
કારણકે તેઓ શ્રીકૃષ્ણની બાળલીલા વિશે વાત કરી રહ્યાં હતાં.તેઓ માતા યશોદા ના કાનાને ભાત ભાતનાં દાગીના પહેરાવી રહ્યાં હતાં એનું આબેહૂબ વર્ણન કરી શ્રોતાગણને છેક ગોકુળ નંદની હવેલીમાં લઈ ગયાં.
એ જ વખતે કથા માં એક ચોર પ્રવેશ્યો. 
માતા યશોદા આકર્ષક દાગીના પહેરેલાં લાલાને જોતાં ધરાતા નહોતાં તેનું રસાળ વર્ણન કરી પ્રસંગ જીવંત કરી રહ્યાં હતાં.માનો ઠુમક ઠુમક કરતો લાલો હવેલીમાં ફરી રહ્યો હતો અને યશોદા માતા પાછળ પાછળ....
પેલો ચોર આ વર્ણનમાં ડૂબી ગયો અને વિચારવા લાગ્યો, આટલાં ઘરેણાં પહેરીને આ લાલાને એની મા ગાયો ચરાવવા મોકલશે!!!
આ બધાં ઘરેણાં મને મળી જાય તો મારે નાની મોટી ચોરીઓ નહીં કરવી પડે.
કથા પૂરી થવામાં જ હતી ને ચોર ત્યાંથી નીકળી ગયો.એક જગ્યાએ ઊભો રહી કથાકારની રાહ જોવા લાગ્યો.

કથાકાર આવતાં જ ચોરે એની સામે ચાલવા માંડ્યું.એ જોઈ કથાકારને ડર લાગ્યો કે આજે મળેલી દક્ષિણા ગુમાવવી પડશે કે શું! 
એમણે ચોર ને કહ્યું,"મારી પાસે કંઈ નથી ભાઈ !
ચોરે એમને સહજ થવા કહ્યું અને બોલ્યો ," મારે તમારી પાસે કંઈ જોઈતું નથી.મને બસ ' પેલાં' બાળકનું સરનામુ બતાવી દો. કથામાં તમે વાત કરી એ ઘરેણાં પહેરેલાં છોકરડો ક્યાં મળશે એ કહી દો જલ્દી નહીં તો.."

કથાકાર જરા વાર તો મૂંઝવણમાં મુકાઇ ગયા પણ પછી સમયસૂચકતા વાપરી વૃંદાવનનું ઠેકાણું આપ્યું અને યમુના નદીના કિનારે આ બાળક રોજ ગાય ચરાવવા આવે છે એમ કહી એ શ્યામવર્ણા બાળક પાસે મુરલી હોવાનું જણાવ્યું.
એની સાથે બીજો ગૌરવર્ણ ધરાવતો બાળક હોય છે એમ કહી પોતાની જાન બચાવી....

ચોર તો ત્યાંથી સીધો વૃંદાવનની વાટે નીકળી પડ્યો. કથાકારનાં વર્ણન પ્રમાણે બરાબર લીલીછમ વનરાજીમાં એક ઝાડ પર ચઢી 'એ' બાળકની રાહ જોવા લાગ્યો.દિવસ ચઢતા એને દૂરથી શીતળ હવાની લહેરખી વર્તાઈ અને સાથે જ ધીમો વાંસળીનો સૂર.એણે એ દિશા તરફ જોવા માંડ્યું અને ..બે કામણગારા બાળકો પોતાની મસ્તીમાં આવી રહ્યાં હતાં.ચોર તો બે-બે ઘરેણાંની પેટીઓને લાલચથી નીરખી રહ્યો. મનમાં એણે માતાને ભાંડી કે આવાં કાળજાંનાં કટકાને વનમાં શા માટે ગાય ચરાવવા મોકલતી હશે,એ પણ આટલાં સુંદર ઘરેણાં પહેરી!
    
ચોર ઝાડ પરથી નીચે ઊતરી બંનેને અપલક નયને જોતો જ રહ્યો.એણે કાનાને સમક્ષ જોયો અને ભાન ભૂલી ગયો.બંને બાળકો એની સામેથી પસાર થઈ ગયાં એની ખબર જ ન પડી.એણે‌ બૂમ પાડી ," એય .. ઊભાં રહો" અને બાળકૃષ્ણનો હાથ પકડી લીધો. જાણે એક વીજપ્રવાહ પસાર થયો એનાં અસ્તિત્વમાંથી. એનાં સમસ્ત દુષ્કર્મ હવામાં વરાળ બનીને ઊડી ગયાં.
    
નિર્દોષ કાનાએ ચોરને પૂછ્યું ," તમે કોણ છો ? મને તમને જોઈ ડર લાગે છે.મારો હાથ છોડી દો."ચોરનું તો આખું અસ્તિત્વ જ બદલાઈ ગયું હતું, એણે કરગરીને કહ્યું ," મને હાથ છોડવા ન કહે બાળક. મારો ખરાબી ભર્યો ચહેરો મારાં ખરાબ કામોની છબી છે. તને ડર લાગતો હોય તો હું છોડી દઉં છું હાથ." ચોરની શરણાગતિ જોઈ કાનાને કરૂણા ઉપજી અને એને એનો હેતુ યાદ કરાવ્યો," આ લઈ લો મારાં દાગીના."
       
વિમાસણમાં પડેલાં ચોરને ચોરી તો વીસરાઈ જ ગઈ હતી. થોથવાતા એણે પૂછ્યું," હું આ ઘરેણાં લઈ લઈશ તો તારી માતાને શું કહીશ? તને વઢશે." કાનાએ હસતાં કહ્યું," એની ચિંતા ન કરો ,મારી પાસે તો આટલાં બધાં દાગીના છે.તમને ખબર છે, હું તમારાથી મોટો ચોર છું.તમારી અને મારી વચ્ચે શું ફરક છે જાણવું છે ? હું ગમે તેટલી ચોરી કરૂં તો યે માલિક ફરિયાદ ન કરે. હા, હું તો લોકોનું ચિત્ત ચોરનારો ,ચિત્તચોર છું.તમારી પાસે પણ એક અણમોલ વસ્તુ હતી એ તમને ખબર નહોતી,એ હતું દિલ (ચિત્ત) !એ મેં ચોરી લીધું છે." એમ કહી એક મનમોહક હાસ્ય સાથે બંને બાળકો વિલીન થઈ ગયાં.
  ‌     
ચોર હજુ ભાનમાં આવે , કંઈ સમજે એ પહેલાં તો ઘરેણાં ભરેલો થેલો એના ખભા પર આવી પડ્યો.એણે જોયું તો કથાકારે ભાગવત પઠન વખતે વર્ણન કરેલ બધાં દાગીના એમાં હતાં.ચોર તો એ લઈ‌ સીધો કથાકારને ઘરે આવી પહોંચ્યો.એણે પોતાને થયેલ દિવ્ય અનુભૂતિ વિશે વાત કરી સાથે થેલામાંથી દાગીના કાઢી બતાવ્યાં.
     
કથાકાર તો ચોધાર આંસુડે રડવા લાગ્યા અને ચોરને વિનવણી કરી કે એને એ સ્થળે લઈ જાય જ્યાં કાનાને જોયો હતો. ચોર તો કથાકારને બરાબર એ જ સ્થળે લઈ આવ્યો જ્યાં એને અલૌકિક દર્શન થયાં હતાં.બંને જણાં પ્રતિક્ષા કરી રહ્યાં હતાં ત્યારે ફરી શ્યામ વર્ણો કાનો અને ગૌરવર્ણ બલરામ ગાય ચરાવવા આવી પહોંચ્યાં.ચોર તો રાજીના રેડ થઈ નાચવા લાગ્યો પણ.. કથાકારને માત્ર કંઈ ન દેખાયું.
       
હતાશ થઈ એમણે કુતૂહલતા થી કાનાને પૂછ્યું ," આ ચોરને તમે બે-બે વાર દર્શન દીધાં ,મારી આજ સુધીની કથાની કોઈ ગણત્રી નહીં ! મને કેમ નથી દેખા દેતાં?" કરૂણાનિધિ કાનાએ તરત જવાબ દીધો," તમે આજ સુધી ભાગવત કથા એક વાર્તા તરીકે કરી કે સાધના તરીકે કરી પણ,આ ચોરે જીવનમાં પહેલીવાર ભાગવત શ્રવણ કરી મારામાં શ્રદ્ધા રાખી અહીં સુધી મને મળવા દોડી આવ્યો. હું તો ભાવનો ભૂખ્યો અને શ્રદ્ધાનો ગુલામ."કથાકાર વૃંદાવનની રજ પામવા ત્યાં આળોટી પડ્યા.
कहे कबीर सुनो भाई साधो , मैं तो हु विश्वास में ।
मौ को कहा ढूंढे रे बंदे, मैं तो तेरे पास में ।।