ભીતરમન - 23 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભીતરમન - 23

હું મારા પરિવાર સાથે મારા ઘરે આવી ગયો હતો. પણ તુલસી સત્ય જાણી મારા વિષે શું વિચારતી હશે એ વાતથી હું હજુ અજાણ હતો. 

મેં હવે ઘરે રહેવાનું ખુબ ઓછું કરી નાખ્યું હતું. હું અઠવાડિયે એક જ વાર ઘરે આવતો હતો. મુકતારે મને રહેવા માટે એક નાનું ભાડાનું મકાન શોધી આપ્યું હતું. હું ત્યાં જ રહેતો હતો. જમવાની ઈચ્છા થાય તો એક લોજમાં જમી આવતો હતો. મોટે ભાગે જમવાનું ટાળતો જ હતો. મારે બાપુથી દૂર રહેવું હતું પણ એની સજા માને પણ મળતી હતી આથી મારું મન માને હું અન્યાય કરતો હોઉં એવી ગ્લાનિ જન્માવી રહ્યું હતું. જેવો જમવા માટે કોળિયો ભરું કે, માનો ચહેરો યાદ આવી જતો હતો. ઘરથી દૂર થતાની સાથે જ મારી સાથે જોડાયેલ ઘણું બધું છૂટી ચૂક્યું હતું.

સુવિધાઓ અઢળક મળી, પણ ગામની સાદગી હજુ ઝંખું છું,

વાનગીઓ છપ્પનભોગની મળી, પણ ઘરના દેશીભાણા માટે તડપું છું,

અનેક લોકોની મેદની મળી, પણ મારા ભેરુનો સંગાથ ચાહું છું,

ઉંચા ચણતરની ઇમારત મળી, પણ ભોંય પર મળતો હાશકારો માંગુ છું.

બગીચાઓમાં અનેક રમત મળી, પણ વડવાઈના હીંચકાની મોજ ખોળું છું,

શહેરી ભરચક ભીડમાં, મા તારા સંગાથની પળને ઈચ્છું છું.

મારુ કામ ખુબ સરસ ચાલી રહ્યું હતું. માના આશીર્વાદ અને ભગવાન મને આ દલાલીના ધંધામાં સફળ બનાવી રહ્યા હતા. મેં હવે મુંબઈની સાથોસાથ, દિલ્હી, રાજસ્થાનને પણ મેં મારી હસ્તક લઇ લીધું હતું. મારું નામ એટલું થઈ ચૂક્યું હતું કે, ફક્ત મારા નામથી જ અડચણ ઉભી કરનારા મારી વિરુદ્ધમાં આવતા ડરવા લાગ્યા હતા. મેં મુક્તાર સાથે જમીનનું લે-વેચ અને જમીન પરના કબ્જા હટાવવાની વસૂલીનું કામ પણ શરૂ કરી દીધું હતું. મારા ધંધામાં સલામતી માટે મેં એક બંદૂક પણ વસાવી લીધી હતી. જોતજોતામાં મારા ધંધાને દસ મહિના થઈ ચુક્યા હતા. હું બાપુની મિલ્કતની બરાબરી કરવામાં હજુ ઘણો આઘો હતો. બે જ મહિનામાં મારે મેં બોલેલા મારા વેણ સાચા પાડવાના હતા. હું મારા આ વેણને કેમ કરી સાચા પાડુ એ વિચારમાં જ હતો. મને હવે કોઈ નવો રસ્તો દેખાતો નહોતો જે મને ખુબ કમાણી આપે!

મુકતારે મને ખૂબ વિચારમાં તલ્લીન જોઈ પૂછ્યું, "તું શું ચિંતામાં છે? તું આવ્યો ત્યારનો હું તને પરેશાન જ જોઉં છું. તું ઈચ્છે તો મને જણાવી શકે છે."

મેં મુક્તારને મારા અને બાપુ વચ્ચેની ખટાશની વાત કરી, તુલસી સાથે ધરારથી પરણવુ પડશે એ પણ કહ્યું. અને મારા અને ઝુમરીના એકદમ ટૂંકા ગાળાના ગાઢ પ્રેમ વિષે પણ કહ્યું હતું. બસ, એક જ વાત છુપાવી કે, બાપુએ જ ઝુમરીનું ખૂન કર્યું છે. મારા મનમાં રહેલ દરેક વાત આજે મેં મુક્તારને ખુલ્લા મનથી કરી હતી.

મુકતારે મારી વાત સાંભળીને મને એક સલાહ આપી, "જો તું ઈચ્છે તો ક્રિકેટ પરનો સટ્ટો રમ. આ સટ્ટામાં તારી પાસે જેટલું છે એ બંધુ જ રોકાણ લગાવી દે! જો જીત્યો તો બધું જ બમણું મળશે અને તારી આવક તારા બાપુની હારોહારની આવક કરતા વધુ થઈ જશે!"

હું મુક્તારની વાત સાંભળીને શું કરવું એ ગડમથલમાં પડી ગયો હતો. અને જો કદાચ હાર્યો તો બધું જ પહેલેથી ઉભું કરવું પડશે!

મુકતારે મને કહું, "તું વિચારી લે! બે દિવસ પછી જ છેલ્લો મેચ છે. અને આ બે દિવસમાં જ તને ખબર પણ પડી જશે કે, તારું નસીબ તને સાથ આપે છે કે નહીં!"

મને મુક્તારની વાત સાચી લાગી હતી. મેં સટ્ટો રમવાની હા પાડી હતી. રોક્કડ રકમ એકઠી કરી મેં હાર પર સટ્ટો રમ્યો હતો. માનું નામ લઈને મેં મારુ બધું જ એ સટ્ટા પર લગાવી દીધું હતું. મેં મુકતરાને કહ્યું, "હું મારા ઘરે આજે જાઉં છું. આમ પણ નવરાત્રી ચાલુ છે તો માને મળી પણ આવું!"

"હા, તું જતો આવ! અને હા તારી સટ્ટામાં જીત પાકી જ હશે એટલે મળતી રકમને કેમ અને ક્યાં રોકવી એ તું વિચારીને જ આવજે!" મુકતારે પુરા વિશ્વાસથી મને શુભકામના પાઠવી હતી.

હું મારા ઘરે પહોંચ્યો ત્યારે મા વાસીદું કરતી હતી. મને જોઈને ખૂબ હરખાઈ ગઈ હતી. એ બોલી, "સારું થયું દીકરા! તું આજે આવ્યો! હું તારા આવવાની રાહ જ જોતી હતી. આવ! દીકરા આવ!"

"શું એટલી બધી મારી રાહ જોતી હતી? હમણાં દસ દિવસ પહેલા જ તો હું આવ્યો હતો."

"તને દસ જ દિવસ લાગે દીકરા! મારી તો એક એક પળ ખુબ જ વ્યાકુળ મને વીતતી હોય! તું ત્યાં જમતો હશે કે નહીં? તું એકલો ત્યાં મુંજાતો હશે તો? આવા કેટલાય વિચાર આવે!" માએ ચિંતિત સૂરે કહ્યું હતું.

"શું મા! તું પણ ખોટા જ વિચારો કરતી હોય! હું ત્યાં એકદમ ઠીક જ હોઉં! તારા આશીર્વાદ મારો વાળ પણ વાંકો ન જ થવા દે!"

"ચાલ! તું નાહી લે! હું તારા માટે ચા મુકું!"

મેં નાહી લીધા બાદ માની બનાવેલ ચા તાંસળી ભરીને પીધી. મન અને તન બંને ચા પીને પ્રફુલ્લિત થઈ ગયા હતા. હવે માએ મારી રાહ જોવાનું ખરું કારણ જણાવતા કહ્યું હતું. એ બોલી, "તુલસીને આપણે નવરાત્રીના નિવેદ ખવડાવવા બોલાવવી છે. હું અને તારા બાપુ એને લેવા જાશું! એ આવે ત્યારે તું પણ અહીં આવીશ ને?"

"મા મારે કામ હોય તો ન આવી શકું! નિવેદનો પ્રસાદ લેવા અવશ્ય આવીશ પણ હું અહીં રોકાઉં એની આશા તું ન રાખજે!"

હું તેજાને અને ગામમાં મારા બીજા મિત્રોને મળવા જાઉં છું એમ કહી હું ઘરની બહાર નીકળી ગયો હતો. 

હું તેજાને એના ખેતરેથી લઈને ચબૂતરે બેસવા લઈને આવ્યો હતો. તેજો એના લગ્નજીવનથી ખુબ ખુશ હતો એ એને જોઈને સમજાઈ રહ્યું હતું. મને વેજો અમારી વાતોને કાન દઈને સાંભળતો હોય એ મારી હોન્ડાના અરીસામાં મને દેખાઈ રહ્યું હતું. મારી પીઠ પાછળ એ થોડે દૂર એમ ઉભો હતો કે, મારો અવાજ એ સ્પષ્ટ સંભળી શકે! 

મેં બાપુને વળતો ઘા આપવા એક યુક્તિ મોકો જોઈ ઘડી જ લીધી હતી. હું તેજાને બોલ્યો, મેં બાપુને એક વર્ષમાં એમની હારોહારની મિલકતનું જે વેણ કહ્યું હતું એમાં ફક્ત હવે બે જ મહિના બાકી રહ્યા છે. આથી મારા વેણ માટે મેં મારી બધી જ આવકનો ક્રિકેટ પર સટ્ટો રમ્યો છે. છેલ્લો મેચ જીતનો જ હશે આથી મેં જીત પર સટ્ટો રમ્યો છે. અને પરમદિવસે મેચ છે આથી હું બે મહિના પહેલા જ બાપુને મારી ઔકાત બતાવી દઈશ!"

મેં જાણી જોઈને આવી ખોટી વાત બાપુ સુધી વહેતી થાય એટલે વેજાને નિશાન બનાવીને બાપુ સુધી ખોટી માહિતી મેં પહોંચતી કરી હતી. બીજે દિવસે મને જે સમાચાર મળ્યા એના પરથી મારુ અનુમાન સાચું જ નીકળ્યું હતું. વેજાએ ચમચાગીરી કરીને આ વાત બાપુને કહી હતી અને બાપુએ પણ સટ્ટામાં રૂપિયા રમ્યા હતા.

હવે અમુક જ કલાકોમાં મેચ પૂરો થવાનો હતો. હું માના આશીર્વાદ લઈને જામનગર જવા નીકળી ગયો હતો.

હું જામનગર સીધો જ મુક્તાર પાસે ગયો હતો. એ ખુબ હરખાતા મને ગળે વળગી ગયો હતો. એ બોલ્યો, તું જીતી ગયો વિવેક! તારા સટ્ટાના બમણા થી પણ વધુ રૂપિયા તને મળશે! મેં ક્યારેય સ્વપ્ને પણ નહોતા જોયા એટલા રૂપિયાનો હું એકાએક મલિક બની ગયો હતો. મારો હરખ મારા કાબુમાં નહોતો. મેં મારી ઔકાત બાપુ કરતા જાજી કરી લીધી હતી. મેં મુક્તારનો એણે  સૂચવેલ સલાહનો આભાર માન્યો હતો. મને ખાતરી થઈ ગઈ કે, બાપુએ સટ્ટામાં ખુબ મોટી પછડાટ ખાઈ લીધી છે. આજે મા અને બાપુ તુલસીને લેવા જવાના હતા. મેં મનમાં જ નક્કી કર્યું કે, પરમદિવસે આઠમા નોરતે મા પાસે જઈશ અને નિવેદ પણ જમતો આવીશ અને બાપુને મારી ઔકાત પણ જણાવીશ! 

વિવેકની પ્રગતિ જોઈને બાપુનું કેવું હશે વલણ?

તુલસીની મુલાકાત વિવેક સાથે થશે ખરી?

વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏