કાંતા ધ ક્લીનર - 39 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાંતા ધ ક્લીનર - 39

39.

"મેં મને નાર્કોટીક આપેલી અર્ધબેભાન અવસ્થામાં આ સાંભળ્યું. ગીતાબા બીજા અધિકારી સાથે વાત કરતાં હતાં. એમને એમ હતું કે હું બેભાન પડી છું." કાંતાએ ધડાકો કર્યો.

"તો નાર્કોટિક આપી શું પૂછ્યું? પેલી પિસ્તોલ વિશે હશે!" સામેથી રાઘવ બોલ્યો.

"તને એના માટે તો પકડી ગયેલા."

"ઠીક, મોનાને પિસ્તોલ મળી ગઈ અને એણે પોલીસને કહી દીધું એમ માનીએ. પણ એ ક્યારેય એકેય વેક્યુમ ક્લીનર ચલાવતી જ નથી. આ પિસ્તોલ તો એની પણ અંદર ડસ્ટ બેગમાં હતી. તો મોનાને કોણે આ જગ્યા બતાવી હશે?" કાંતા પૂછી રહી.

"તારું કહેવું એમ છે કે મેં ચાડી ખાધી?" રાઘવ રાતો પીળો થતો બોલ્યો. "એક તો મદદ કરું છું ને .. તું ફસાય એવું કરું? શું લાગે છે?"

"તું ન જ કરે. તું તો મારો ખાસ દોસ્ત છે. તું તો સારો માણસ છે. ખૂબ ભરોસાપાત્ર.." કાંતા રાઘવના ધ્રૂજતાં પગને પોતાનો પંજો અડાડી રહી. ફ્લર્ટ કરતી હતી ને!

રાઘવ સાવ ઢીલો ઢફ થઈ ગયો. કાંતા તરફ ઝૂક્યો. કાંતા દૂર થતી ટટ્ટાર થઈ. "મેં ખાલી પિસ્તોલ કોની માલિકીની હતી અને મને ક્યાંથી મળી એ જ કહ્યું છે. એ સાંભળીને ઇન્સ્પેકટરનાં ભવાં ચડી ગયેલાં. પણ તારે ચિંતા કરવાની જરૂર નથી.  આમ તો  તું ક્યાં વચ્ચે આવે છે?" કાંતાએ કહ્યું.

"એટલે રેલો આવ્યો એટલે તેં તારી દીદી, તારી ગાઢ સખી સરિતાનું નામ દઈ દીધું. હદ છે!" કહેતાં રાઘવે ટેબલ પર હાથ પછાડ્યા. આજુબાજુના લોકો જોઈ રહ્યાં.

"મૂળ જે તને કહેવું છે એ હવે આવે છે. તેઓ બધા ફરીથી એ સ્યુટ અને હોટેલના બધા જ રૂમોની જડતી લેશે. ઓચિંતી. તેમાં લોકો હોય કે ન હોય. જીવણનું બિચારાનું શું થશે? મને ધમકાવીને પૂછ્યું પણ ખરું કે જીવણ નામનો ટેમ્પરરી વર્કર હોટેલમાં ક્યાં મળશે અને એ શું કામ કરે છે. માંડ મેં વાત ઉડાવી દીધી. હવે ગમે ત્યારે બધું ઉખળશે."

"અરે પણ આ તેં શું કહી દીધું!" રાઘવ ચિંતામાં આવી ગયો.

"મેં ક્યાં એનું કહ્યું છે? હા, બધા રૂમો ફૂલ રહે છે એટલે જે રૂમ કોઈને આપતા નથી તે 712 સ્યુટ માં એ  રહેતો હોવો જોઈએ. અને  રોજ નવી નવી રૂમોમાં એ અને તારા એક બે દોસ્ત આખી રાત પડ્યા પાથર્યા રહે છે અને રોજ સવારે  હું એ રૂમ બરાબર સાફ કરી નાખતી હતી તે કહેવું પડેલું. મેં તારાં વખાણ કરતાં કહેલું કે રાઘવ ખૂબ પરગજુ છે અને જીવણ, જેની વર્ક પરમીટ પૂરી થઈ ગઈ છે, તેની ખૂબ મદદ કરે છે."

રાઘવે કપાળ ફૂટ્યું. "કાંતા, તેં આ વાત પોલીસને કરી! "

"હા. નાર્કોટીક ની અસર નીચે મેં કહી દીધું કે રાઘવ  જીવણ અને એના મિત્રોને રોજ રાતે નવા રૂમોમાં રાખે છે. જીવણ અને બીજા મિત્રો પણ તારે આશરે રહે છે. મારે ખાલી ચાવી આપી દેવાની રહેતી એમ કહેવું પડ્યું. શું કરું? એક તો નાર્કોટિક્ ની અસર અને ઉપરથી ફૂલ લાઈટ મારી આંખમાં. એકાદ તમાચો પણ પડ્યો. પછી બોલાઇ ગયું. સોરી. પણ તું એમાં ક્યાં છો? તારે ચિંતાની જરૂર નથી" કાંતાએ કહ્યું.

"અરે સાલી (ગાળ), એ (ગાળ) મારા નહીં, જીવણના ફ્રેન્ડ છે. "

"જેના હોય એના. રૂમ કેવા ગંદા થઈ જાય છે! રોજ સવારે હું કેટલી ધૂળ સાફ કરું છું?  ધૂળ પણ કેવી વિચિત્ર!  અને એના  થેલા રોજ એક થી બીજા રૂમમાં લઈ જવાના, ક્યારેક એ ડસ્ટ ભરેલી કોથળીઓ પણ. ટ્રોલી પણ ગંદી થઈ જતી. બધું થોડું કહેવાય?

તો હવે કોઈ પણ રીતે જીવણને  હોટેલની બહાર કાઢ. હું તો હવે નોકરી પર નથી. તું જલ્દી જા અને એ રૂમ બરાબર સાફ કરી નાખ. તને તો ઘણી સફાઈ આવડે છે." છેલ્લું વાક્ય કાંતા કટાક્ષમાં બોલી.

"એક વાર એના રૂમની ચાવી મને લાવી દે. પછી જોઉં. કાંઈક કરું." રાઘવે કહ્યું.

"ચાવી એમ રસ્તામાં પડી છે? સાત કોઠા વીંધવા પડશે." કાંતા બોલી.

"પ્રોબ્લેમ કરી નાખ્યો તેં. મારે અત્યારે જ, આ ઘડીએ ભાગવું પડશે." કહેતો રાઘવ ઊભો થઈ રીતસર ભાગવા ગયો.

"અરે આ બિલ તો ચૂકવતો જા? તેં મને અહીં બોલાવેલી તો બિલ તારે જ ચૂકવવું પડે ને?" કહેતાં કાંતાએ તેની સામે બિલ વાળું ફોલ્ડર ધરી દીધું અને વેઇટરને કહે "સોરી, અમે કહેલું જ કે ઉતાવળમાં છીએ. સલાડ, બ્રેડ, પીઝા, બધું પેક કરી દો."

રાઘવે બે 500 રૂ. ની કડકડતી નવી નોટો મૂકી અને ફોલ્ડર હડસેલી ભાગ્યો. બાકીના પાછા લેવા પણ ઊભો નહીં.

ક્રમશ: