કાંતા ધ ક્લીનર - 40 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાંતા ધ ક્લીનર - 40

40.

"પઝલનાં બધાં સોગઠાં બેસી ગયાં." ખુશ થતી કાંતા મનમાં બોલી અને વિજયી સ્મિત ફરકાવતી, હાથમાં પીઝાની કેરી બેગ ઝુલાવતી ઝડપી ચાલે ઘેર આવી પહોંચી. તેનો ધમ ધમ અવાજ સાંભળી મકાનમાલિકે બારણું અધખુલ્લું કરી જોયું અને તરત વાસી દીધું. મજાલ છે હવે એને એક શબ્દ પણ કહે! એક સાથે બબ્બે પગથિયાં ચડતી તે ઘરમાં આવતાં બોલી "હું આવી ગઈ છું."

વ્રજલાલે ઊભા થઈ 'હા..શ' કર્યું. "તું આવી ગઈ એટલે શાંતિ થઈ." તેમણે કહ્યું.

"પહેલાં તું કેમ છે એ કહે" કહેતો જીવણ પાણી લઈ આવ્યો. કાંતાને થયું, મારા પોતાના ઘરમાં મારી મહેમાનગતિ!

"હું બરાબર છું. બધું સરખી રીતે પત્યું એના માનમાં પાર્ટી થઈ જાય" કહેતાં તેણે કેરી બેગ ટીપોય પર મૂકી.

"તું જે કાઈં થયું તેનું વર્ણન કર. આ બેય બધો વખત ચિંતામાં હતા." ચારુએ કહ્યું.

"બધું આપણા પ્લાન મુજબ થયું છે. રાઘવ હોટેલ દોડી ગયો છે. તંગ પરિસ્થિતિમાં મારા અને એનામાં ખાસ ફેર નથી. હું તો છીડે ચડી ચોર છું." કાંતાએ કહ્યું.

"સ્યુટ પર તપાસ કરવા ને રેડ પાડવા પોલીસ જાય છે એ સાંભળીને એ જે ઉચાટમાં દોડ્યો છે! એમાં પણ તેણે મને કોઈ પણ રીતે સ્યુટની ચાવી લાવી આપવા કહ્યું  અને મેં એ અઘરું છે એમ કહ્યું એમાં તો.." કાંતા મોટેથી હસી પડી.

"મને વિશ્વાસ હતો જ કે તું તારો પાઠ બરાબર ભજવીશ." રસોડાંમાંથી પ્લેટ પર નાસ્તો લાવતાં જીવણ બોલ્યો.

" પપ્પા, તમારી શિફ્ટ છ વાગે શરૂ થાય છે. કોઈક રીતે એ સ્યુટની ચાવી મેળવી શકો તો.." ચારુએ કહ્યું .

"જરૂર. મારાં મગજમાં બે ત્રણ યુક્તિઓ છે. " વ્રજલાલે કહ્યું.

"જે કરો તે સંભાળીને કરજો.  પછી આની પાછળ તમે મુશ્કેલીમાં ન મુકાઈ જાવ." ચારુએ ચિંતા વ્યક્ત કરી. 

"તું જો તો ખરી! બધું સમુંસુતરું પાર ઊતરશે જ. તારા બાપે ધુપમાં ધોળાં નથી કર્યાં." વ્રજલાલે ખોંખારો ખાધો.

"સોરી, મારે કામ પર જવું પડશે. ક્યારના મને બોલાવ્યા કરે છે. " જીવણે કહ્યું.

"તું આજે ન જાય તો સારું. તારે માટે કોઈ ટ્રેપ બનાવ્યો હશે. તું જા એટલે તને ફસાવીને રાઘવ ભાગી જશે." ચારુએ કહ્યું.

"સારું. હું ફોન આવે તો રાઘવને કહી દઉં છું કે મારી તબિયત સારી નથી એટલે ડોકટર પાસે જાઉં છું. બાકીનું હું પછી સમજી લઈશ " રાઘવે કહ્યું.

"બાકીનું એટલે?" ચારુએ પૂછ્યું.

"પહેલાં તો માછલીને જાળમાં ફસાવવી પડશે. પછી આજે રાતે ક્યાં જવું, ક્યાં સૂવું.." જીવણે કહ્યું.

"તો તું ક્યાં જઈશ આજે રાત્રે?" વ્રજલાલે પૂછ્યું.

"ગમે ત્યાં.  છેવટે ફૂટપાથ તો છે જ ને!"

"કોઈ ચિંતા ન કર, જીવણ! અહીં જ, તું મમ્મીના બેડ પર સુજે, હું બહાર આ સોફા પર." કાંતાએ કહ્યું .

"ખૂબ આભાર.  ચિંતા  ન કરતી. હું સારો માણસ છું અને તારા મારી ઉપર ખૂબ ઉપકાર છે." જીવણે કહ્યું.

"ચાલો, રાઘવ તરફથી પાર્ટી.." કહી સહુ નાસ્તો કરવા બેઠાં. ચારુએ ટીવી ચાલુ કર્યું. લોકલ ન્યુઝ ચેનલ મૂકી અને..

કોળિયો કાંતાના હાથમાં જ રહી ગયો .

"માત્ર એક કલાકમાં પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરી રહી છે. જાહેર થશે સનસનાટી ભરી વિગતો, જાણીતા રિયલ એસ્ટેટ ટાયકૂન અર્ચિત અગ્રવાલનાં ખૂનનો આંખે દેખ્યો અહેવાલ. ચૂકશો નહીં.."

બીજી ચેનલ પર આવ્યું - "અમે સાચા આરોપી અને ચાર્જીસની તલસ્પર્શી વિગતો લઈને બસ, થોડી જ વારમાં હાજર થશું. જોતા રહો.. xxx ચેનલ.."

કાંતા એકદમ ઢીલી થઈ "હવે?" પૂછી રહી.

"મને ડર હતો જ, પોલીસને જલદીથી ગુનેગાર પકડવાનો યશ લેવો છે. એમાં ઉતાવળ કરે છે." ચારુએ ટેન્શનમાં આવી કહ્યું.

"એ લોકો કદાચ મારું નામ જાહેર કરી દેશે તો? એ પણ રાઘવ હોટેલ પહોંચી જાય તે પહેલાં, તો?" કાંતા બોલી. તેની દાઢી ધ્રુજવા લાગી, દાંત કકડવા લાગ્યા .

"પાંચ વાગ્યા છે. મારે  હોટેલ પર પહોંચવાને હજી એક કલાક છે." વ્રજલાલ બોલ્યા.

"ઠીક છે. જે થાય તે. અત્યારે આપણા મૂળ પ્લાન મુજબ જઈએ છીએ. આપણી પાસે વખત ખૂબ ઓછો છે." ચારુએ શૂન્યમાં તાકતાં કહ્યું.

"ચાલ, કાંતા, આપણે તાત્કાલિક નીકળીએ." કહેતા વ્રજલાલ ઊભા થયા.

"ચાલો, કહેતી કાંતા તરત તેનાં સેન્ડલ ચડાવી પહેરેલ કપડે ઊભી થઈ ગઈ.

"મારો મેસેજ આવે કે તરત ઇન્સ્પેકટર ગીતા જાડેજાને ફોન કરજે."  વ્રજલાલ બહાર નીકળતાં બોલ્યા.

"અને હું તમારી પોલીસ સ્ટેશન પર રાહ જોઈશ." ચારુએ કહ્યું.

"જીવણ, તું અહીં જ રહે. અમે કોઈ પણ તને ફોન કરી શું કરવું તે કહેશું." કહેતી ચારુ પણ નીકળી ગઈ.

"એ પકડાય ત્યાં સુધી મને ચેન નહીં પડે." જીવણે  કહ્યું.

બધાં નીકળી ગયાં.

ખાલી ઘરમાં તે એકલો હતો. પીઝાના ટુકડા પ્લેટમાં ઠંડા થઇ પડી રહ્યા હતા.

ક્રમશ: