ભીતરમન - 19 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભીતરમન - 19

મા તરફ મેં થેલી ધરીને મેં કહ્યું, "જુઓ તો ખરા! હું તમારે માટે શું લાવ્યો છું?"

"તું આવી ગયો મને બધું જ મળી ગયું, મારે બીજી કોઈ વસ્તુની જરૂર નથી."

"શું મા હું કેટલા પ્રેમથી લાવ્યો છું. તું જો ને!"

"અરે સાડી? બાંધણીની?"

"હા મા! ત્રણ સાડી છે, તારે માટે, ફોઈ માટે અને મામી માટે. તને ગમે એ તું રાખજે."

"બેટા! તારી પાસે આટલી મોંઘી સાડીના રૂપિયા ક્યાંથી આવ્યા?" 

"અરે મા! મેં એક નવું કામ ચાલુ કર્યું છે, એના અગાઉથી મળેલ પગાર માંથી પેલી ખરીદી તારે માટે કરી. તું જાજુ વિચાર નહીં, અને અંદર તો આવ, મને બહુ જ ભૂખ લાગી છે, ચાલ વાળું કરાવ! ફોઈ અને મામી ક્યાં છો તમે? જલ્દી આવો અહીં."

મેં માને આજ તો બીજી વાતે ચડાવી હું સત્ય છુપાવી શક્યો, પણ મા હકીકત જાણે તો ખરેખર ખુબ દુઃખી થાય! 

માને સાડી ખુબ ગમી હતી. એ ત્રણેય સાડીની ડિઝાઇન અને રંગના વખાણ કરી રહ્યા હતા એજ સમયે ડેલીનો ખખડવાનો અવાજ આવ્યો હતો. ડેલી ખોલીને બાપુ ઘરમાં આવ્યા હતા. બાપુએ જેવી નજર ઘર તરફ કરી ત્યાં સામે જ પડેલ મારા નવા ખાસડાં અને રજવાડી મોજડી પર એમનું ધ્યાન ગયું હતું. બાપુએ જોયું ન જોયું કર્યું અને ફળિયામાં એક ડગલું મૂક્યું અને એમને મા, ફોઈ તથા મામીના સાડીને જોઈને થતા સંવાદો સંભળાયાં હતા. એ લોકોની વાત પરથી બાપુ સમજી ગયા કે એ ખુબ જ ખુશ છે. એમની નજર હવે મારા પર પડી હતી. મારુ મનમાં વેરની ભાવના સાથે મરકવુ અને ચહેરા પર જીત મેળવ્યાની ખુશી બાપુને ખુબ ખટકી એ હું અનુભવી રહ્યો હતો. મારે જે એમના તરફથી પ્રતિભાવ જોતા હતા એવા જ મને મળ્યા હતા, મારા મનમાં ખુબ રાહત થઈ રહી હતી. મને નાહવા જવું હતું, આથી માને મેં થોડીવાર પછી થાળી પીરસવાનું કહ્યું હતું.

હું બાથરૂમ પાસે ગયો ત્યાં માએ મારે માટે કુવામાંથી પાણી સીંચીને ડોલ ભરી રાખેલ જોઈ હું માની લાગણીથી ખુશ થઈ ગયો હતો. એ સવારથી મારી કાગડોળે રાહ જોતી હશે એ વાત મારા મનને સ્પર્શી રહી હતી. 

હું નાહીને બહાર આવ્યો ત્યાં માએ મારે માટે થાળી પીરસી રાખી હતી. મારી અને બાપુની થાળી સાથે જ પીરસાઈ હતી. અમે બંને સામસામે વાળું કરવા બેઠા હતા. મા મારી પાસે જ બેઠી હતી. ફોઈ અને મામી બહાર રોટલા ઉતારી રહ્યા હતા. હું માએ પીરસેલ થાળીને જોઈ રહ્યો, મારા મોમાં આજ ચાર દિવસે અનાજ જવાનું હતું, છતાં મને ખાવાનો હોઈ જ ઉમળકો નહોતો. ઝુમરીની અંતિમ ક્ષણ મારી આંખ સામે ફરી દેખાવા લાગી હતી. હું થાળીને નમન કરી ઉભો થવા જાઉં ત્યાં માએ મને મારી પલાંઠી પર ડાબો હાથ રાખી રોક્યો, અને જમણા હાથે મને રોટલાનું રીંગણના શાક સાથેનું બટકું મારા મોં તરફ ધર્યું હતું. માની આંખમાં મારા માટેનું દર્દ જોઈ મેં એ પ્રેમથી ખાઈ લીધું હતું. આજે આખું ભાણું મેં માના હાથથી જ ખાધું હતું, મારે જમવું નહોતું અને એમને હવે મને ભૂખો રાખવો નહોતો, પણ માનો પ્રેમ રોજની જેમ આજે પણ જીતી જ ગયો હતો. બાપુ ચુપચાપ અમારો મૌન પ્રેમ જોઈ જ રહ્યા હતા! હું વાળું પતાવીને સીધો જ ચબૂતરે પહોંચી ગયો હતો. તેજાને ત્યાં મળી, એકાંતમાં મેં એને મુક્તાર વાળી વાત જણાવી હતી. તેજો મને કામ મળી ગયું એ જાણી ખુશ તો થયો પણ દુઃખ એને ભારોભાર હતું. એ બોલ્યો, "થોડા સમય બાદ મૂકી દેજે હો ને!"

"મારી માનો મારા પર પ્રેમ ખુબ છે એ મને ક્યારેય હારવા નહીં જ દે. આપણા બધાની મા પરીક્ષા લે પણ મારી મા મને ફક્ત એના વ્હાલમાં જ બાંધી રાખે છે. એટલે જ તો જો ને ઝુમરી વગર..." હું તેજાને મારા મનની વાત કહેતો સિગરેટના દમ લગાવવા લાગ્યો હતો. ધીરે ધીરે બધા જ વ્યસનો મારા લોહીમાં ભળવા લાગ્યા હતા છતાં ઝુમરી મારા મનમાં એવું જ એનું સ્થાન મક્કમ કરી બેઠી હતી.

પ્રેમનો નશો ચડ્યા બાદ જીવનમાં બીજા બધા જ નશા વ્યર્થ છે, એ હું ખુબ સારી રીતે જાણી ચુક્યો હતો. છતાં હું મારી સ્મૃતિની ચરમસીમા સુધી નશાથી ચકચૂળ થઈ જતો હતો. ગુસ્સો બાળવા મને આ એક જ રસ્તો દેખાતો હતો જે મારા માટે જરાય ઉચિત નહોતો. 

મારે અઠવાડિયે ત્રણ વાર મારુ કામ કરવા જવાનું રહેતું હતું. એ સિવાય હું નશામાં જ મારો દમ ઘુટતો હતો. આ ક્રમ મારા જીવનનો હિસ્સો બનવા લાગ્યો એની મને ખબર જ ન રહી. હું મોડી રાત્રે તેજાના સહારે જ ઘરે પહોંચતો હતો. ક્યારેક તેજો ન હોય તો હું ઘરે આવતા લથડતા રસ્તે કોઈ પણ જગ્યાએ કોથળા જેમ પડેલો રહેતો હતો. ગામ લોકો જે જોવે એ ઘરે પહોચાડતાં હતા. બાપુને ખૂબ મારા આ વર્તણૂકની લાજ આવતી હતી. ગામમાં લોકો બાપુની પરવરીશ પર એમ હસી ઉડાવતા કે, "એકનો એક પુત્ર છે છતાં બાપ દીકરા વચ્ચે મેળ નથી, એકનો એક વારસદાર બીજે ગુલામી કરે છે પણ બાપના ધંધામાં સાથ આપતો નથી." આ શબ્દો વેજા દ્વારા જયારે બાપુના કાન સુધી પહોચતાં ત્યારે બાપુ ખુબ જ ક્રોધિત થતા હતા. મા પર ક્રોધ કાઢવાનું એમણે બંધ કરી દીધું હતું, કદાચ હું હવે એમની ઓશિયાળી જિંદગી હેઠળ નહોતો એનો જ એ બદલાવ હોય એવું હું અનુભવી રહ્યો હતો.

મારો સમય ભલે થંભી ગયેલ હતો, પણ ઝુમરી જતી રહી એને આજ એક મહિનો થઈ ગયો હતો. હું નાહવા બેઠો ત્યારે ઝુમરીની યાદ મને ખુબ વિચલિત કરી રહી હતી. એનાથી વિશેષ એ વાતનું દુઃખ હતું કે, હું એને મારો જીવ કહેતો છતાં હું હજુ હયાત હતો. મારા માથા પર પાણીનું ડબલું રેડીને મેં મારા વિચારોથી ભીતરમાં થતી આગને ઠારી હતી.

રોજ રોજ સળગી મરું છું,

મરી મરીને ફરી જીવું છું, 

રાખ થઈ ગયેલ દેહ સંગાથે 

જોને! રોજ ફરી મરવા જીવું છું. 


****************************************


હું મંદિરના પટાંગણમાં બેઠો મા અને બાપુ આવે એની રાહ જોતો ઝુમરીના વિચારે મગ્ન હતો. ત્યાં જ માએ પ્રેમથી મારા માથા પર હાથ ફેરવ્યો અને મારી તંદ્રા તૂટી હતી. માએ મારી સામે પ્રસાદ ધર્યો એમાં તુલસીનું પાન પણ હતું, મેં રેવડીનો એક દાણો લીધો અને મારા મોંમાં નાખ્યો હતો.

મા પ્રેમથી બોલી, "તુલસી એટલી પવિત્ર છે કે, જે એના સંપર્કમાં આવે એ પવિત્ર બની જાય છે."

હું માનો કેવાનો ભાવાર્થ સમજી જ ગયો કે, તુલસી જીવનમાં આવશે એટલે હું મારુ બધું જ વર્તણુક બદલી નાખીશ! પણ માનો આ ભ્રમ ખુબ જલ્દી તૂટવાનો હતો. કેમ કે, સોનાને પારસમણીની જરૂર રહેતી નથી. 

અમે બધા તુલસીના ઘરે પહોંચી ગયા હતા. તુલસીનું આંગણું ખુબ જ સરસ ફૂલની અને રંગોની રંગોળીથી સુશોભિત કરેલું હતું. ગેરૂથી કરેલ લીપણ પર રંગો ખુબ દીપી રહ્યા હતા. ફળિયામાં સુંદર તુલસી ક્યારો હતો જેની આસપાસ દીવડાં અને સાથિયા કરીને એને સુંદર શણગારેલો હતો. ફળિયામાં ઉગેલા જુદજુદા ફૂલોની સુગંધ મનને ખુબ પ્રફુલ્લિત કરે એવી હતી. હજુ તો ફળિયામાં પગ પણ નહોતો મુક્યો છતાં મન અહીં આવી મારુ ઠરી રહ્યું હતું.

શું વિવેક એના જીવનને આમ જ વેડફી નાખશે કે તુલસીનો સ્વીકાર કરી આગળ વધશે?

વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏