ભીતરમન - 16 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભીતરમન - 16

મેં મારુ ધ્યાન તો મા પર કેન્દ્રિત કરી દીધું હતું. પણ મન હજુ સ્થિર થયું નહોતું. હું માની પાછળ મંદિરમાં પ્રવેશવા પગથિયાં ચડી રહ્યો હતો. બાપુ અને મા સાથે હતા હું સહેજ પાછળ ચડતો હતો. આજે ત્રણ મહિને હું કૃષ્ણના મંદિરને શરણે આવ્યો હતો. જેમ જેમ મંદિરના ગર્ભગૃહમાં જતો હતો તેમ તેમ મારા મનમાં ઝુમરી સાથે કુદરતે કરેલ અન્યાય ક્રોધ જન્મવતો હતો. બહુ જ ગુસ્સો મને આવી રહ્યો હતો. હું મારા ગુસ્સાની આગમાં સળગતો જ ભગવાન કૃષ્ણની સામે જ પહોંચી ગયો હતો. 

રાજાધિરાજ દ્વારકાના નાથ કાળીયા ઠાકરના શૃંગાર દર્શનનો લાવો અમે લીધો હતો. પુરુષોની અને સ્ત્રીઓની દર્શન કરવાની હરોળ અલગ હોય છે. હું દર્શન કરતી વખતે અત્યંત ગુસ્સો ભગવાન પર ઠાલવી રહ્યો હતો. મારા મનનો બધો જ ક્રોધ ઠાલવતાં મેં ભગવાનની પ્રતિમા સામે રડતી આંખે મનમાં જ બબડતા કહ્યું, "ઝુમરીએ મને પ્રેમ કર્યો એ તને મંજુર જ નહોતો તો, કેમ તે એને મારા જીવનમાં મોકલી? શું એનો ગુનો હતો કે, આવી ઘાતક સજા એને મળી? તું તો બધું જ જાણે છે, હું વિવશ હતો તું ઈચ્છે તો ઝુમરીને બચાવી શકતો હતો ને! તું પથ્થર જ છે, તને એ માસૂમની જરા પણ દયા ન આવી? આખું ગામ એના મૃત્યુથી શોકમાં ગરકાવ થઈ ગયું હતું તને એના ભાગ્ય આવા લખતા જરાય દર્દ નહોતું થયું? આજે પણ તું જ જિમ્મેદાર છે, મારા જીવનમાં ઝુમરી સિવાય હું કોઈને સ્વીકારી શકું એમ જ નથી ત્યારે કેમ તુલસીને મારા જીવનમાં પ્રવેશતા તારાથી રોકાતી નથી? બધું જ તું કરાવે અને નામ અમારું! વાહ! ભગવાન વાહ! કર્મ તું જ કરાવે છતાં કહેવાય કે, તારા કર્મનુંફળ તું ભોગવે છે. બસ.. કર ઝુમરીને ન્યાય ન આપ્યો આ તુલસીને તો આપ, નહીતો કોઈની તારા પર શ્રદ્ધા નહીં રહે. મારે મારા માટે કઈ જોતું નથી. મારી ઝુમરી જ્યાં પણ હોય એની આત્માને શાંતિ આપજે." પ્રભુના ચાંદીના ચરણની પ્રતિમા ભક્તોને સ્પર્શ કરી આશીર્વાદ લેવા એક થાળીમાં આગળ દર્શન કરીએ ત્યાં, પુરુષો અને સ્ત્રીઓની બંને હરોળની વચ્ચે રાખ્યા હતા. જેથી બધા જ એ નમનનો લાવો લઈ શકે. હું એ ચરણોને પ્રાર્થના કરી સ્પર્શ કરવા ગયો ત્યાં સ્ત્રીઓની હરોળમાંથી એક હાથ એજ ક્ષણે એ ચરણો પર મારી સાથે જ આવ્યો. એ હાથ પેલી છોરીનો જ હોય એવું મને લાગ્યું, એના હાથની કાચની બંગડીઓ મને એકદમ યાદ હતી.

ભગવાન તરફ મેં મારી નજર કરી અને ફરી હું મનોમન બોલ્યો, તારી લીલા તું જ જાણે છે, પણ મારા મનમાં ઝુમરી છે અને એ રહેશે જ! હું એકદમ ત્યાંથી આંખના આંસુને લૂછી બહાર આવી ગયો. મંદિરના ચોગાનમાં બેઠો માની આવવાની રાહ જોઈ રહ્યો હતો. હું પ્રભુના સાનિધ્યમાં હતો પણ મન ઝુમરીની યાદોમાં પહોંચી ગયું હતું.


****************************************


હું મા પાસે મારુ મન મનોમન હળવું કરી રહ્યો હતો અને મા ગાઢ નિદ્રામાં હતી. માને મારુ દુઃખ કદાચ એટલી નિદ્રામાં પણ સ્પર્શતું હોય એમ વિવેક નામની જોરથી બૂમ પાડી, સફાળી જાગી ગઈ હતી. એના શ્વાસ ખુબ વધી ગયા હતા. આંખમાં આંસુ પણ આવી ગયા હતા. હું એમની બાજુમાં જ હતો એટલે તરત એમને શાંત કરવા એમની પાસે ઉભો રહી એમને મારા હાથથી એમની પીઠને ટેકો આપતા સાંત્વના આપવા લાગ્યો હતો. બાપુ, વેજો અને નર્સ તરત ઓરડામાં દોડી આવ્યા હતા.

નર્સે તરત પૂછ્યું, "શું થયું માડી?"

"અરે રે! કેવું ભયભીત કરે એવું સ્વપ્ન આવ્યું હતું. મારો દીકરો સલામત છે એટલે હવે મને કોઈ ચિંતા નથી."

"અરે માડી! તમે અમને ભયભીત કરી નાખ્યા." આવું નર્સનું કહેવું મા ના ચહેરે હાસ્ય લઇ આવ્યું હતું.

માને જ્યાં સુધી રજા ન મળી ત્યાં સુધી હું સતત એમની સાથે જ રહ્યો હતો. મા મારે માટે હજુ ચિંતિત જ હતી એ મને અનુભવાતું હતું. વળી, હું પણ ઝુમરી જેમ ખોટું પગલું ભરું તો એ એમને ડર હતો. ઘરે આવી ગયા બાદ, બહાર ગામથી મારા ફોઈ અને મામી આવી ગયા હતા. માને હવે ફક્ત આરામ જ કરવાનો હતો, ઘરનું કામ બધું ફોઈ અને મામી જ સંભાળી લેવાના હતા. હું રાત્રે ચબૂતરે ગયો ત્યારે ગામ લોકોની વાતો સાંભળી હું એકદમ અવાચક થઈ ગયો હતો.

નનકો બધાને કહી રહ્યો હતો કે, "ઝુમરી આ લગ્ન માટે રાજી જ નહોતી. એના બાપુએ પરાણે એને કુવામાં ધકેલી હતી. મારી બેન બિચારી કેટલી એના મનમાં આ સંબંધથી પીલાતી હશે! એને એ દારૂડિયા, અને એનાથી બહુ જ મોટી ઉમરના વ્યક્તિ સાથે પરણવા કરતા મરવું ઠીક લાગ્યું! ફોઈ તો મારી માને કહે, 'ઝુમરીએ હારું જ કર્યું, રોજ રોજ મરી મરી જીવવું એના કરતા એ છૂટી! તમારા બનેવી જોવ જ છો ને, એ દારૂના નશામાં ચકચૂર થઈને આવે ત્યારે મને કેટલી મારે છે! ભાભી હવે ક્યાં મોઢે આટલી ઉંમરે પિયર પણ રિસામણે આવું? હું જે ભોગવું છું એ મારી છોરીએ ન ભોગવવું પડ્યું! ચાર દહાડા જશે બધા બધું જ ભૂલી જશે, પણ જે રોજની કંકાશ ઘરમાં થતી, એ જોઈ છે મારી છોરી એ! લોહીના આંસુ સારતી ઘણીવાર મારી હારોહાર એણે પણ માર ખાધો હતો. જે પિયરે ન ઠરી એ શું સાસરે ઠરે!' ફોઈ પોક મૂકીને રડતા હતા અને ઝુમરીના દર્દ સાથે એમનું ખુદનું દર્દ પણ કહેતા હતા." 

ઝુમરીના પરિવારમાં તો બધાને એ વાત ગળે ઉતરી ગઈ કે, ઝુમરીએ જાતે જ ફાસો ખાઈ લીધો છે. મને એક એ આસરો હતો કે, મારે ચૂપ રહેવું પડ્યું પણ, ઝુમરીનો પરિવાર તો આવું કેમ થયું એ વિચારશે! મારી ધારણા નનકાની વાત સાંભળી સાવ ખોટી પડી! હું અદરોઅંદર ખુબ દુઃખી થયો કે, મારા પ્રેમને ક્યાંયથી પણ ન્યાય ન મળ્યો! ઝુમરીનું ખૂન આત્મહત્યા સાબિત થઈ ગયું હતું. આજે ફરી તેજાના હાથમાં રહેલ સિગરેટના પેકેટ માંથી એક સિગરેટ મેં સળગાવી! આજે સિગરેટ સળગતી નહોતી પણ મારી પ્રીતની વેદના ખુબ તડપતી હતી. બધા પોતાના વ્યસન સાથે અને વાતોમાં મશગુલ હતા. એક તેજો જ મને ઘડી ઘડી સિગરેટ પીવાની ના પાડી રહ્યો હતો. થોડીવારમાં સિગરેટનું પેકેટ મેં ફૂંકીને પૂરું કરી નાખ્યું હતું. બીજા એક ભેરુનો હૂકો પણ મેં આજે ફૂંકી જ લીધો હતો. ચલમનો નશો પણ ઝુમરીના નશામાંથી મને દૂર કરી શક્યો નહીં. 

હું મારા કન્ટ્રોલમાં જરાય નહોતો. તેજો મને ઘરની ડેલી સુધી મૂકી ગયો હતો. ગાયે ભાંભરતા મને આવકારી પણ હું ક્યાં મારા જ કન્ટ્રોલમાં હતો કે, ગાયને રોજની જેમ વહાલ કરું! ગાય પણ મારી હાલત જોઈને થોડીવાર ભાંભરી ચૂપ થઈ ગઈ હતી. હું મારી ઓરડી સુધી પણ જઈ શકું એવી હાલત મારી નહોતી. હું એક ગોથું ખાતો ફળિયાનાં ખાટલામાં જ મોજડી ઉતાર્યા વગર જ ઊંઘી ગયો હતો.

મળસકું થતા મા મારી પાસે આવી હતી. મને એમણે જગાડ્યો હતો. હું પૂરો ભાનમાં હજુ પણ નહોતો. માએ મોજડી કાઢી અને મને સરખો ઉઘડ્યો હતો. 

હું મારી ઊંઘ પુરી થઈ એટલે હવે જાગ્યો હતો. સૂર્ય સીધો માથા પર જ તપતો જોઈને અનુમાન કર્યું કે, બપોર થઈ જ ગઈ હતી. હું દાંતણ કરવા ગયો ત્યાં ફોઈ, મામી અને મા બેઠા હતા. માની આંખમાં ચિંતા જોઈ હું દુઃખી થઈ ગયો, હું એ ત્રણેય સામે નજર મેળવતા સંકોચ અનુભવી રહ્યો હતો. થોડું થોડું યાદ પણ આવ્યું કે, માએ મારા પગ માંથી મોજડી કાઢી હતી. પારાવાર અફસોસ થતો હતો. ત્યાં જ બાપુ ઘરમાં પ્રવેશ્યા અને મારો અફસોસ તુરંત ક્રોધમાં પલટાઈ ગયો હતો.

વિવેકના જીવનમાં આવેલ બદલાવને વીણાબેન અટકાવી શકશે?

વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏