ભીતરમન - 15 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભીતરમન - 15

તેજાની વાત સાંભળી હું ખુબ જ દુઃખી થઈ ગયો, મેં તેજાને કહ્યું, "આ સાત દિવસનો મારો પ્રેમ સંબંધ ઝુમરીનું જીવન બરબાદ કરી ગયો! અમારી ફક્ત ત્રણ જ મુલાકાત મને ત્રણેય લોકનો એ સાતેય જન્મનો સાથ બાંધી મને એના વિરહની વેદનામાં બાંધી જતી રહી. હું એ દિવસે મંદિરે ઝુમરીનો સાથ મને જીવનભર મળે એ પ્રાર્થના કરવા જ ગયો હતો, અને હું ફક્ત ભગવાનના દર્શન જ કરીને આવી ગયો! મને શું ખબર કે ભગવાન આવો મને તડપાવશે! હું ઝુમરીના પ્રેમની ભીખ માંગી લેત! કાશ! બાપુએ મને પણ મારી નાખ્યો હોત!"

"બસ, કર વિવેક! બસ કર... કુદરત શું કરે એ એને ખબર જ હોય! તું આમ દુઃખી થઈશ તો ઝુમરીની આત્માને કેમ શાંતિ મળશે? એની આત્મા અવશ્ય તારા રુદનથી દુઃખી જ થશે! મન મક્કમ રાખ!"

"મારુ મન ક્યાંથી ખુશ રહે? મારા પ્રેમની એ નિર્દોષને સજા મળી છે. એનો આખો પરિવાર લગ્નની તૈયારી કરતો હોય અને અચાનક ઝુમરી ગળે ફાસો ખાઈ મરી ગઈ એ સમાચાર મળે તો એની જનનીના માતૃત્વને કેટલી ઠેસ પહોંચે? એના ઘરે પ્રસંગના હર્ષોલ્લાસની જગ્યાએ મારે લીધે માતમ ફેલાઈ ગયો! માતમ!" હું છાતી ફૂટતા ખુબ રડી રહ્યો હતો.

તેજાએ મારા હાથ પકડી મને રડવાની ફરી ના કહી હતી, પણ એમ આજે મારો જીવથી જીવ, મારાજ બાપુના એક ખોટા ષડયંત્રથી નોખો થયો હોય એ હું કેમ સ્વીકારી શકું? મારુ માથું ફરી અસહ્ય પીડાથી દુખવા લાગ્યું હતું. બાપુનો વિચાર માત્ર મને એમના પ્રત્યે ક્રોધ જ જન્માવી રહ્યો હતો. 

આજનો આખો દિવસ આમ જ પસાર થઈ ગયો હતો. માની પુરી કાળજી મેં રાખી હતી. બાપુ રાત થઈ ગઈ હતી છતાં એ હજુ આવ્યા નહોતા. મા શાંતિથી ઊંઘી ગઈ હતી. હું દવાખાનાની બહાર ઝાડ નીચે બેઠો આકાશ તરફ ચમકતા તારાઓને જોઈ રહ્યો હતો. સવારે મા સામે ચા પીધી એજ પછી પાણીનો ઘૂંટ પણ પીધો નહોતો. બાપુએ જે મારી પીઠ પર ઘા કર્યો પણ મને કેમ જીવીત રાખ્યો એ કારણ જાણ્યા વગર હું કેમ ચેનથી જીવી શકું? વેજા માટે પણ મનમાંથી બદદુવા જ નીકળતી હતી. હું હજુ વિચાર જ કરતો હતો ત્યાં બાપુ અને વેજો મને દવાખાનામાં આવતા દેખાયા હતા. બાપુએ ગાડી એવી રીતે ઉભી રાખી કે, શાંત અને ચોખ્ખું વાતાવરણ ધુરીયું અને કાર ઉભી રાખવાથી થતા બ્રેકનો અપ્રિય અવાજ ગુંજવા લાગ્યો હતો. હું બાપુ પાસે જઈને તરત આક્રોશ સાથે બોલ્યો, "મારી પીઠ પાછળ ઘા કર્યો એના કરતા ઝુમરીની જેમ જ મને મારી કેમ ન નાખ્યો?"

"તું ખોટો વચ્ચે આવ્યો હતો. તને થોડી મારુ? તને મારુ તો મારો એકનો એક વારસદાર ખોઈ બેસું, અને મારી આબરૂ મારે હાથે જ થોડી ઉછાળું?" આટલું બોલી એટલું ખરાબ અટ્ટહાસ્ય કર્યું કે મારાથી સહન જ ન થયું! બાપુને તો માની ચિંતામાં કઈ ન કર્યું પણ વેજાનો તો કાંઠલો પકડીને જે એક તમાચો માર્યો કે, વેજાનું મોઢું વાંકુ થઈ ગયું! બાપુએ રોકવાનો પ્રયાસ કર્યો છતાં બીજો એક મુક્કો ગાલ પર મારી જ દીધો હતો. વેજાના મોં માંથી એક જ મુક્કાથી લોહી નીકળવા લાગ્યું હતું. હું વેજાને બોલ્યો, "એટલી જ પૈસાની ભૂખ હતી તો મારી પાસેથી લઈ જવા હતા ને! ઝુમરીને જીવતી છોડવાના મોં માગ્યા રૂપિયા આપત અને આજીવન આપતો પણ રેત!" 

"પહેલા તું તારી ઔકાત જો! એક જોડી ખાસડાં જાતે લઈ શકે એટલી પણ ઔકાત છે તારી?" બાપુની ત્રાડ મને જળમૂળથી હચમચાવી ગઈ. હું એકદમ જ સ્તબ્ધ થઈ ગયો હતો. કાપો તો લોહી ન નીકળે એવી મારી સ્થિતિ થઈ ગઈ હતી. મેં તરત જ ગુસ્સામાં બાપુને વળતો જવાબ આપ્યો, એક જ વર્ષમાં તમારી હારોહારની મિલકત મારી માના પગમાં ન મુકું તો મારુ નામ બદલી નાખજો! બાપુની આંખમાં આંખ મેળવી એકદમ ક્રોધિત આંખે બાપુને સ્તબ્ધ કરી હું ત્યાંથી મા પાસે જતો રહ્યો હતો. મારા ડગલાથી ધરા પણ આજે ધ્રુજી રહી હતી. આસપાસ આખું વાતાવરણ શાંત હતું, એમાં મારી મોજડીનો અવાજ બાપુને કરેલ પડકારની ભણક આપી રહ્યો હતો.

હું મા પાસે ગયો અને એના ખાટલા પર માથું ટેકવી એમના સાનિધ્યમાં મૌન રહી મનનો ભાર ઠેલવવા લાગ્યો હતો. દવાખાનાની લાકડાની બારી કે જે ખીલીના ટેકે અટકેલી હતી. પવનના જોરે ખીલી છટકતા બારી ધડામ દઈ બારસાખ સાથે પછડાણી અને હું વર્તમાનમાં આવ્યો હતો.


****************************************


"જો! આવી ગયું દ્વારકા! વિવેક મંદિરની ધજાના દર્શન કર બેટા!" માએ અતિ પ્રેમથી મારુ ધ્યાન દોરતા કહ્યું હતું. મેં મંદિર તરફ મા માટે નજર કરી અને એમને તસલ્લી કરાવી કે, મેં દર્શન કર્યા.  મા બાપુને કહે ચાલોને આપણે પહેલા મંદિર જઈએ આમ પણ વહેલા જ આવી ગયા છીએ. બાપુએ માની વાત સ્વીકારી ગાડી મંદિર તરફ વાળી હતી. 

હું બારીની બહાર કુદરતનો નજારો જોઈ રહ્યો હતો. ગોમતી નદીમાં અમુક ટાબરિયાઓ ડૂબકી મારી તરી રહ્યા હતા. અમુક મહિલાઓ દીવા અને પુષ્પ નદીને અર્પણ કરી પોતાની આસ્થાને સંતોષી રહી હતી. પંખીઓ નદીમાં રહેલ માછલીઓને પકડીને પોતાનો ખોરાકઃ શોધી રહ્યા હતા. અમે મંદિરના પાછળના દરવાજેથી મંદિરમાં જવાના હતા.

મંદિર નદીકાંઠે જ હોય મા એ પહેલા નદીમાં પગ બોળી પવિત્ર થઈને દર્શન કરવાનું કહ્યું, અને  મને પણ નદી કાંઠે લઈ ગઈ હતી. હું મારા પગ બોળી સાઈડ પર બેસી ગયો હતો. મા દીવો અને પુષ્પ અર્પણ સાથે પૂજા કરી રહી હતી. હું એને જોતો હતો ત્યાં મરાથી સહેજ દૂર એક છોરી બેઠી બેઠી એના પગ હલાવી રહી હતી. મારુ ધ્યાન એના પગની પાયલના અવાજની ખનકના લીધે ભ્રમિત થયું હતું. આજે ઝુમરીના ગયા બાદ પહેલી વખત મેં કોઈના ચરણોને જોયા હશે! એ છોરીના ચરણોમાં રહેલ પાયલ ઝુમરીએ પહેરેલ પાયલ જેવી જ મને દેખાય! આજે એ છોરીમાં મને મારી ઝુમરીની છાયા વર્તાઈ હતી. આ છોરી પણ એટલી જ ગોરી અને આકર્ષિત લાગી રહી હતી. મેં મારી નજર થોડી આગળ એ લાલચે વધારી કે, કદાચ મને મારી ઝુમરી આ કાળીયો ઠાકર પાછી જીવનમાં આપી દે! ગુલાબી ઘેરાં રંગની સાડી જે આછા સિલ્ક કાપડની એ છોરીએ પહેરી હતી. સાડીની આડસમાં પણ એની રૂપાળી પાતળી કમર અને પેટ પરની નાભિ સ્પષ્ટ દેખાઈ રહી હતી. મને એની નાભિની ઝલક મારા મનમાં એક દોરવાર આકર્ષણ જન્માવી બેઠી ત્યાં જ મેં મારી નજર ફેરવી લીધી હતી. હું મારા જ મનમાં હીનભાવના અનુભવી રહ્યો હતો. ઝુમરીને હજુ ત્રણ મહિના પણ માંડ થયા હતા ત્યાં અન્ય સ્ત્રી પરનું આ આકર્ષણ મને મારી નજરમાં જ નીચાપણું દાખવી રહ્યું હતું. હજુ હું મારા મનમાં આવું વિચારી રહ્યો હતો ત્યાં જ એજ છોરી એના હાથથી એની આસપાસ ગુંજન કરી રહ્યા ભમરાને દૂર હટાવવાની કોશિશ કરતી હતી. એના કંગનનો રણકાર ફરી મારા હૃદયના ધબકારને સ્પર્શી ગયો હતો. એના હાથમાં ઘેરાં ગુલાબી અને સફેલ કાચની બંગડીઓ ગોરા હાથને ખુબ શોભી રહી હતી. ભમરાને દૂર કરવા હાથ હલાવતા એનો સાડીનો પલ્લું સહેજ સરકતા આછી સાડીમાંથી દેખાતા એના દેહનું આકર્ષણ કંઈક અનોખું જ હતું. મેં મારા મનને વિચલિત થતું અટકાવી એ છોરીનો ચહેરો જોયા વગર જ હું મા તરફ મારું ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યો હતો. ઝુમરી માટેનો પ્રેમ ભારોભાર હતો, મને એ છોરીમાં આજે ઝુમરીની ઝલક વર્તાઈ રહી હતી. ઝુમરી જેવી જ અદાઓ, એના જેવો જ આકર્ષિત વાન અને એવું જ અનોખું ખેંચાણ જે મને ઝુમરી માટે હતું! હું અનાયસે એ અજાણી છોરીની સરખામણી ઝુમરી સાથે કરી બેઠો હતો.

ઝુમરીના પરિવારના લોકો ઝુમરીના અચાનક બનેલ બનાવને કેમ ઝીલશે?

ઝુમરી જેવું જ એ અજાણી છોરી માટે થતું ખેંચાણ વિવેકના જીવનને બદલાવશે?

વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏