કાંતા ધ ક્લીનર - 36 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાંતા ધ ક્લીનર - 36

36.

તરત ચારુએ કાંતાને અંદર મોકલી અને જીવણને બહાર બોલાવ્યો. કાંતા ડીશો લઈને આવે ત્યાં ચારુ જીવણને તેનાં દેશમાં રહેલાં કુટુંબ, હોટેલમાં તે શું કરતો હતો તે પૂછી રહી હતી.

બધાં આવતાં તેણે સીધું પૂછ્યું કે વગર  વર્ક પરમીટે તે કામ કેમ કરે છે. જીવણ બોલી ગયો કે તેનો પાસપોર્ટ અને પૂરા થયેલા વર્ક વિઝા માટે મદદ કરવા અને ઓછા પૈસે કામ કરાવવા એ પાસપોર્ટ,પરમીટ રાઘવે  કોઈ ઓળખીતા વકીલને આપી દેવા માગી લીધેલ. એક બે વાર પૂછીને ન આવતાં તેણે ઝગડો કર્યો તો તેને મારી નાખવાની ધમકી રાઘવે આપેલી. વકીલને આપવાને બહાને તેના ઘણા ખરા પૈસા પણ રાઘવ લઈ  ગયો હતો અને "હવે  હું કહું એમ કરવું પડશે" કહી રોજ અલગ અલગ રૂમમાં તેને આખી રાત રોકી, ક્યારેક બીજા  છોકરાઓને હેલ્પમાં બોલાવી કોકેઇન અને બીજી ડ્રગનાં પાઉચ ભરાવતો હતો. એક વાર તે ખૂબ થાકી  સૂઈ ગયો અને કામ કરવાની ના પાડી તો તેને બાવડે ડામ દઈ દીધેલા.

"કાંતા, તું એ રૂમમાં ઓચિંતી આવી ચડતાં હું તને ભાગી જવા કહેતો હતો તો રાઘવ વચ્ચે આવીને ઊભો રહી ગયો. તું ગયા પછી મારી પાસે વધુ કામ કરાવ્યું અને મને  ધમકી આપી કે હવે  કાઈં  ના પાડી છે કે બીજાને કહ્યું છે તો મારી નાખીને તારી લાશ ગટરમાં ફેંકી દેશું, આમેય તારો પાસપોર્ટ કે વિઝા તો નથી."

"તું અગ્રવાલ વતી કામ કરતો હતો?" ચારુએ પૂછ્યું.

" એમ તો સીધો નહીં પણ રોજ રાત્રે રાઘવ બે ત્રણ બેગ ભરીને હું હોઉં એ રૂમમાં લઈ આવતો. મેં કાંતાને કહ્યું હતું એમ એ મારી બેગ હતી જ નહીં."

"તને કઈ  રીતે લાગ્યું કે અગ્રવાલ ડ્રગના ધંધામાં છે અને રાઘવ એનો કેરિયર છે?" ચારુએ પૂછ્યું.

"રાઘવ અગ્રવાલ વિશે ચૂપ રહેતો પણ તેને વારંવાર કોલ આવતા તે મોટે ભાગે અગ્રવાલના જ હતા. એક વાર ભૂલથી મેં ઉપાડી લીધો એટલે અને એ જે રીતે દૂર જઈ મોં આડો હાથ રાખી વાત કરતો તે પરથી કહું છું.

રાઘવ વારંવાર એકદમ ફ્રેશ નોટોની થપ્પીઓ લાવતો અને એની આજુબાજુ ચોક્કસ વાસ આવતી. એ થપ્પીઓ ખાસ રીતે ગોઠવતો."

કાંતાએ તરત કહ્યું કે એવી થપ્પીઓ તેણે એ રૂમની સેફમા અગ્રવાલની લાશ મળી તેને આગલે દિવસે જોયેલી અને ફરી તેને લઈ ગયા ત્યારે ગાયબ હતી. સેફ સાવ ખુલ્લી પડેલી. ચારુએ આ નોટ કર્યું.

"એક વખત ફોન પર એ બે વચ્ચે ગરમાગરમી થઈ ગઈ. વચ્ચે હોટેલ નજીક સખત ચેકીંગ હોઈ અગ્રવાલનો ધંધો કદાચ ચાલતો નહોતો અને રાઘવના કમિશન કે કમાણીમાં વાંધો પડેલો. રાઘવ અગ્રવાલને મળવા અમે હતા તે રૂમ બંધ કરી  ક્યાંક બહાર ગયો અને આવ્યો ત્યારે તેની આંખો નીચે ભૂરાં ચાઠાં હતાં. તેની છાતી પર કોઈ ઘા હતો." જીવણે વર્ણવ્યું 

"અરે હા. મને રાઘવનાં એકદમ સફેદ શર્ટ પર V જેવો ડાઘ દેખાયેલો. ચાઠાં પણ. એણે બહાનું કાઢેલું કે ડોર અથડાયું." કાંતા યાદ કરીને કહી રહી.

"બીજું. રાઘવ સીધો અગ્રવાલને ભાગ્યે જ મળતો. હિસાબ માટે તે એની બીજી પત્નિ સરિતાને મળતો."

"તને કેવી રીતે ખબર કે રાઘવ સરિતાને જાણે છે અને મળે છે? મને તો કહેતો કે તે સરિતાને જાણતો નથી!" કાંતાએ પૂછ્યું.

"તેઓ મોટે ભાગે xxx બેંકની બહાર મળતાં. નવી નોટોની આપ લે કરવા. એમનો બેંક પાસે તો નહીં, હોટેલમાં મેં છુપાઈને ફોટો પણ લીધો છે." કહેતાં જીવણે ફોનની ગેલેરી સ્વાઈપ કરી એ ફોટો કાઢ્યો જેમાં તેઓ હોટેલના એ એકાંત ખૂણે બેઠેલાં જ્યાં રાઘવ કાંતા સાથે 'ડેટ' માં બેઠેલો. સરિતાના હાથમાં નોટો હતી અને રાઘવ ડફલ બેગ ખોલીને બેઠેલો.

બીજો ફોટો બતાવ્યો. તેઓ  હોટેલનાં  પાછળ આવેલાં ગાર્ડનમાં  આલિંગનમાં રહી ગાઢ ચુંબન કરવામાં મગ્ન હતાં. કાંતાએ આંખો પર હાથ રાખી દીધા.

"મને અત્યારે જ આ ફોટા મોકલ. મને ખ્યાલ આવી જશે કે એ ફોટોશોપ કે એડિટ કરેલા નથી." ચારુએ કહ્યું. રાઘવે ફોટા તરત જ મોકલી આપ્યા.

ચારુની આંખો ચમકી ઉઠી.

"તો આ પઝલના ટુકડાઓ ભેગા થઈ રહ્યા છે.  સરિતા અને રાઘવનું છૂપું કનેક્શન, બન્નેનો અગ્રવાલને પોતાના રસ્તામાંથી હટાવવાનો ઉદ્દેશ્ય હતો. પણ હજી કાંતાને નિર્દોષ સાબિત કરવા જડબેસલાક પુરાવો જોઈએ કે આ બે માંથી એકે જ અગ્રવાલની હત્યા કરેલી." ચારુ દ્રઢ થતાં બોલી.

"સરિતા એ હત્યામાં નહોતી." કાંતા બોલી.

"તું એ કઈ રીતે કહે છે?" ચારુએ પૂછ્યું.

"બસ. મને ખબર છે." કાંતાએ કહ્યું.

બધાંએ સૂચક રીતે એક બીજા સામે જોયું.

વ્રજલાલે ખોંખારો ખાધો.  "સહુ સાંભળો.  આ લોકોને પકડવા મારી પાસે સારો પ્લાન છે. અઘરો છે પણ બધાએ સાથે મળીને પાર પાડવાનો છે."

"અમે તૈયાર છીએ." બધાં એક સાથે બોલી ઉઠયાં.

" એ લોકો સ્માર્ટ છે  તો આ પ્લાન આઉટ સ્માર્ટ છે."વ્રજલાલે કહ્યું.

ક્રમશ: