કાંતા ધ ક્લીનર - 35 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાંતા ધ ક્લીનર - 35

35.

ચારુ ધીમા અવાજે કાઈંક ફોન પર વાત કરી રહી હતી. વ્રજલાલ વોશરૂમ ગયા. કાંતા આમ થી તેમ આંટા મારતી હતી ત્યાં તેના કાને ચારુના ધીમા અવાજમાં  ટુકડે ટુકડે શબ્દો પકડાયા. "હા. રાઘવનું બેકગ્રાઉન્ડ ચેક કરો. પોલીસ રેકોર્ડ સાથે ડીટેક્ટીવ. સરિતા અગ્રવાલની પિસ્તોલનું લાયસન્સ ચેક કરવા અરજી આપો. હોટેલના ઇન્સ્પેકશન રિપોર્ટ થરોલી જોવા છે."

વ્રજલાલ બહાર આવી ચારુની નજીક ગયા. તેમણે કાઈંક મસલત કરી અને "ચાલો, જીવણને ફોન લગાવીએ" એમ કહ્યું. ચારુએ ફોન લગાવ્યા કર્યો.  એમ ને એમ એક કલાક વીતી ગયો. આખરે કોઈએ ઉપાડ્યો અને વાત કરી. ચારુ ફોન મૂકી કહે "જીવણનો પત્તો નથી લાગતો. બહુ જરૂરી છે."

કાંતા અધીરાઈથી આંટા મારી રહી. તેની નસોમાં જાણે લોહી થંભી ગયું હતું.

આખરે કાંતાએ હિંમત કરી કહ્યું "તમને લાગે છે કે આપણે રાઘવને ફોન કરીએ? તેની પાસે જીવણની રજેરજ માહિતી હશે. ઉપરાંત મારી  સર્વિસ ટ્રોલી પર  કોકેઇનના અવશેષો ક્યાંથી આવ્યા તેની પણ ખબર પડી જશે.  કોઈએ જાણીજોઈને મને ભરાવી દેવા આમ કર્યું હોય તો ખબર પડી જશે. તે સારો છોકરો છે. મારી મદદ પણ કરે છે. એને બોલાવીએ?" કાંતાએ કહ્યું.

"ભૂલથી પણ નહીં. મેં રાઘવની હિસ્ટ્રી ચેક કરાવી. એ ઠીકઠીક પૈસાદાર ઘરનો છોકરો છે એટલે જ ભલભલા લોકોને, ખાસ તો કાંતા જેવી ભોળી છોકરીને મોહ પમાડી દે તેવું વ્યક્તિત્વ છે. પણ ખબર છે? તેને ઘરમાંથી કાઢી મૂક્યો છે. તે પોતે ભાગી ગયો નથી. બોયસ્ હોસ્ટેલ, સસ્તાં પીજી વગેરેમાં રહેતો ફરે છે. જગ્યાઓ બદલ્યા કરે છે. નાની ચોરીઓ, મારામારી જેવા કેસ પણ તેની ઉપર થયેલા. ડ્રગનો કેસ પણ થયેલો અને તે સાબિત થઈ શક્યો નહીં. એ પછી તે પોતાનું શહેર છોડી  અહીં હોટેલમાં શેફની નોકરી કરે છે. એનું રહેવાનું કોઈ સ્થાયી સરનામું નથી."

કાંતા ફાટી આંખે જોઈ રહી. તેના પગ નીચેથી ધરતી સરકી ગઈ. જીવનમાં બીજી વખત તે ઠગાઈ ગઈ હતી કે એમ થવા પર હતી.

વ્રજલાલે થોડી વાર વિચાર કરી હોટેલનાં HRM ને ફોન લગાવ્યો. ત્યાંથી કોઈ સ્ટાફ ને, ત્યાંથી કોઈ લેડી, કદાચ મોનાને, વળી બીજે.  આખરે તેમને જીવણનો નંબર મળ્યો.

ચારુએ તરત જ ફોન લગાવ્યો.

"હેલો, જીવણ? હું ગેટકીપર વ્રજલાલ. આજુબાજુ કોઈ છે? તો ખૂણામાં આવ. સાંભળ, તારી જિંદગી જોખમમાં છે."

ફોનમાં જીવણ જે બોલ્યો હોય તે, વ્રજલાલ કહે  "મારી દીકરી સારી વકીલ છે. તને હોટેલમાં ધાકધમકીઓ મળે છે એની મને પણ  ગંધ તો આવેલી. અમે તને કે તારાં ઘરનાં કોઈને નુકસાન પહોંચાડવા માગતા નથી. 

તો હું તને એક એડ્રેસ વોટ્સેપ કરું છું. કોઈને કહ્યા વગર ત્યાં ચાલ્યો આવ. આપણે જલ્દીથી મળીએ."

તેમણે ફોન મૂકી બાકીના બેય સામે જોયું.

ફરીથી સારો એવો સમય પસાર થઈ ગયો.  ન જીવણ  આવ્યો, ન તેનો ફોન લાગતો હતો.

 હજી કાંતા માનતી ન હતી કે જેની પાસે પોતે દિલ ખોલી બેઠેલી તે રાઘવ સાવ આવો ખરાબ હોય. તેણે કહ્યું "જીવણ આવતો નથી તો ચાલો, સાચે જ રાઘવને બોલાવીને બધું સ્પષ્ટ કરવા કહીએ."

પિતા પુત્રી એક બીજા સામે જોઈ રહ્યાં. 'આ મૂર્ખ છોકરી હજી સમજતી નથી!' એવા ભાવથી.

એકાએક ઘરની ડોરબેલ વાગી. કાંતા ધ્રુજવા લાગી. "ફરીથી પોલીસ મને પકડી જઈ હેરાન કરશે તો?" તેણે એકદમ ગરીબડાં મોં એ ચારુ સામે જોયું.

"હવે તને પોલીસ સ્ટેશન બોલાવતાં પહેલાં મારી, તારી વકીલ સાથે વાત કરવી પડે. તું નચિંત થઈ જા અને બારણું ખોલ." ચારુએ કહ્યું .

કાંતા દરવાજો ખોલે તો ત્યાં સામે જીવણ ઉભેલો.

"અરે કાંતા! તું! આ તારું ઘર છે?  મને ખબર હોત કે તું આવા ભયંકર આરોપોમાં ફસાઈ જઈશ તો હું.." તે બોલતાં અટકીને રૂમમાં ચારુ અને વ્રજલાલ સામે જોઈ રહ્યો. 

"ડર નહીં. અંદર આવીને ડોર બંધ કર. હું તમારી વકીલ છું. તું અત્યારે ખૂબ જોખમમાં છો. બેસ, વાત કરીએ. આ મારા પપ્પા વ્રજલાલ." 

જીવણ જોઈ જ રહ્યો.

"ચાલ,  પહેલાં તારી આ ડફલ બેગ ખોલ." ચારુએ આદેશ આપ્યો.

"એમાં તો મારું ખાવાનું છે. લોકોએ પડતાં મુકેલ નાસ્તાના અવશેષો." તે કહે ત્યાં વ્રજલાલે બેગ ખૂંચવી લીધી અને રસોડાંમાં જતા રહ્યા. જીવણ એમની પાછળ ગયો.

"ચાલ, ચાર ડીશ ભરીએ. અમે પણ ક્યારનાં ભૂખ્યાં છીએ." કહી વ્રજલાલ તેને ડીશો ભરવામાં મદદ કરવા લાગ્યા.

ક્રમશ: