નાયિકાદેવી - ભાગ 39 Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નાયિકાદેવી - ભાગ 39

૩૯

રણનેત્રીની પ્રેરણા

એમ કહેવાય છે કે આત્મશ્રદ્ધાથી પોતાની જાતને દોરનારા, કોણ જાણે કઈ રીતે, એક અક્સ્માતી પળે કાંઈક અદ્ભુત કહેવાય તેવું પગલું લેવા પ્રેરાય છે! 

એમને પોતાને પણ પૂછો તો એનો ખુલાસો એ આપી શકશે નહિ. ‘આમ થઇ આવ્યું!’ એ જ એનો મોટામાં મોટો ખુલાસો.

આંહીં રણક્ષેત્રમાં જેમ-જેમ ગર્જનકો પાસે આવતા ગયા, તેમ-તેમ યુદ્ધવ્યૂહની કલ્પનાઓ દોડવા માંડી. ગર્જનકના મિનજનિકના આગગોળા વ્યર્થ કરવા માટે હાથીસેનાને એકદમ ન ધસાવવી એમ નક્કી થયું. હાથીનું સેન ધારાવર્ષદેવ અને રાયકરણ પોતે દોરવાના હતા ઘોડેસવારોની આખી સેનાને ચાર ભાગમાં વિભક્ત કરી રાખી હતી. એક પછી એક ભાગનો ધસારો, આખો દિવસ ચાલુ રહે તેવી યોજના કરી હતી. પહેલો ધસારો રાજકુમાર ભીમદેવ પોતે લઇ જવાનો હતો. એની પડખે ગંગ ડાભી ને સારંગદેવ સોઢો રહેવાના હતા.

બીજો ધસારો ત્યાર પછી, જ્યારે લાગે કે ગર્જનક હવે હાંફે છે ત્યારે, કુમારદેવ લઇ જવાનો હતો. પછી વિશ્વંભર ઊપડવાનો હતો. છેલ્લો ધસારો જરૂર પડે તો જ કરવાનો હતો. પ્રહલાદનદેવ ઉપર એનો ભાર હતો. આમ એકીસાથે બધું સૈન્ય નહિ રોકવા નિશ્ચય કર્યો હતો. મહારાણીબાની પોતાની પાસે અમુક સૈન્ય રહેવાનું હતું અને જે બાજુ નબળી પડતી લાગે ત્યાં એ સૈન્ય દોડવાનું હતું. મહારાણીએ પોતે છેલ્લી પળે ઝૂકાવવાનો નિશ્ચય કરીને જ આ સૈન્ય રાખ્યું હતું. એ નિશ્ચય સાંભળતાં જ રજપૂત સામંતોના માથાં માનથી નીચાં નમી ગયાં હતાં! 

આ પ્રમાણે યોજના થઇ ગઈ. સાંજે સમાચાર આવી ગયા. ગર્જનકો મુકામ કરી રહ્યા હતા ને સવાર પહેલાં વ્યવસ્થિત થઇ જશે. સામાન્ય સંદેશો, સવાર થતાં જ ગર્જનકનો ન આવે, તો સંદેશો મોકલી તરત જ સૈન્ય આગળ વધે એવી મહારાણીબાએ આજ્ઞા કરી. સંદેશાવ્યવહારમાં ગર્જનકને વખત આપવાનો  જ ન હતો. 

આ બધી ગોઠવણ થઇ. સૌ વીખરાયા. વહેલી સવારે ભેગા થવાનું રણશિંગું ફૂંકવાની આજ્ઞા અપાઈ ગઈ. બધા પોતપોતાની શિબિરમાં ગયા. કુમારદેવે પોતાની પટ્ટકુટ્ટીમાં જરાક આરામ લેવા માંડ્યો.

પણ સેનાપતિને નિંદ્રામાં રણક્ષેત્રનાં સ્વપ્નાં આવી રહ્યાં હતાં. તે સૈન્ય દોરતો હતો. ભીમદેવને પડખું આપવા જઈ રહ્યો હતો. હાથીસેનાને બહાર કાઢવાની આજ્ઞા આપવાની તૈયારી કરતો હતો.

અચાનક એને કોઈ બોલાવતું લાગ્યું, તે જાગી ગયો. એનો વિશ્વાસુ રક્ષક ત્યાં ઊભો હતો. ‘પ્રભુ! મહારાણીબા યાદ કરે છે!’

‘મહારાણીબા યાદ કરે છે? અત્યારે? ક્યાં છે? કાંઈ થયું છે?’

‘પ્રભુ! આંહીં આવીને ઊભાં છે!’

કુમારદેવ ચમકી ગયો. ‘અરે!’ તેણે અવાજ સાંભળવા કાન માંડ્યા, રણક્ષેત્ર તો શાંત-સૂનું પડ્યું હતું.

‘શું થયું છે?’

‘કાંઈ છે નહિ પ્રભુ! મહારાણીબા પોતે અચાનક આવી ચડ્યાં. જગાડવાની આજ્ઞા કરી છે. કાંઈક વાત કરવાની છે!’

‘કોઈ માણસ છે ભેગો? ગર્જનકનો હોય તેવો જણાય છે?’

‘સાથે તો એકમાત્ર ચાંપલદે છે!’

કુમારને વધુ નવાઈ લાગી. તે સફાળો બેઠો થયો, તરત તૈયાર થઇ ગયો. કુમાર આવ્યો.

બહાર આવતા જ એણે મહારાણીબા નાયિકાદેવીને પોતાની સામે ઊભેલાં જોયાં. તરત એ સજ્જ હતાં. કુમાર ચમકી ગયો! એને લાગ્યું કે નક્કી કંઈક દગો હોવો જોઈએ. મહારાણીબા પોતે તે વિના અત્યારે આવે નહિ. મહારાણીબા સાથે ચાંપલદે પણ આવી હતી!

સામે ગર્જનકોના સૈન્યે છાવણી નાખીને મુકામ તો કરી દીધો હતો. કારણ કે સવારથી સાંજ સુધી જેમ તે આવતા ગયા હતા તેમ તરત જ ગોઠવાઈ જતા હતા. રાત થતાંમાં તો એ વ્યવસ્થિત બની ગયા હતા. પ્રભાતે કદાચ એમનો હલ્લો આવશે એવી ધારણા હતી. ત્યારે ગર્જનકોએ વહલો હલ્લો આદર્યો છે કે શું થયું છે? કુમારદેવને કાંઈ સમજણ પડી નહિ. એટલે મહારાણીબા પાસેથી ખસીને જરાક આઘે આંટા મારવા ચાલ્યો ગયો. ત્યાંથી તમામ છાવણીની વ્યવસ્થા દેખાતી હતી. છાવણીમાં તો એણે જોયું કે બધે શાંતિ હતી, બધે અંધકાર વ્યાપી ગયો હતો. એક પાન પણ ક્યાંય ચાલતું ન હતું. એને મનમાં ધરપત વળી કાંઈ દગો થયો ન હતો, તે મહારાણીબા પાસે આવ્યો: ‘બા! કેમ જગાડ્યો? શું છે?’

‘કુમારદેવ આકાશમાં વાદળાં તોળાઈ રહ્યાં છે. વરસાદ આવવાનો સંભવ લાગે છે.’

કુમારે આકાશ સામે જોયું. આકાશમાં વાદળાં હતાં. તારા દેખાતા ન હતા. એટલામાં તો વરસાદના નાનાંમોટાં ફોરાં પડવા પણ મંડ્યા.

કુમારદેવને મહારાણીબાની વાત હજી સમજાણી નહીં. વાદળાં ઘેરાયાં છે, માવઠું થશે. પણ એથી ખાસ ફેરફાર કરવા જેવું કાંઈ ન હતું. ‘કુમારદેવ!’ મહારાણીબા નાયિકાદેવીએ અચાનક જ કહ્યું, ‘મને એક વાત સૂઝી આવી છે. આપણે ગર્જનકના હુમલાની રાહ જોતા બેસવાનું નથી. ગર્જનકને એટલું જ કામ છે. એને એક-બે દિવસનો આરામ જોઈએ છે. એ આંહીં સૈન્ય લઈને આવ્યો છે. લડાઈ સિવાય  બીજા કોઈ કામ માટે આમ સૈન્ય દોરાતાં નથી. એટલે આપણે એને સંદેશો પણ હવે મોકલવો નથી. એનો આવે તો સાંભળવો પણ  નથી. સંદેશાની વાત જ રહેતી નથી. આ છોકરી ચાંપલદે ગજબની છે. એની એક વાત મને ગઈ ગઈ છે. આપણે ઉતાવળ એ કરીએ.’

‘શી, વાત છે, બા?’

‘ગર્જનકે હાથીસેના ભગાડવા મિજનિકો ગોઠવ્યાં છે. એની આપને ખબર છે.’

‘એ આપણાથી અજાણ્યું નથી એટલે તો આપણો હલ્લો ઘોડેસવારોથી જ શરુ કરવાનો છે. હાથીસેના તો પાછળ રહેશે એ ગોઠવણ તો આપણે કરી નાખી છે.’

‘ના, પણ મને લાગે છે, એમ નહિ. એ આપણી નબળાઈ ગણાશે. જો આ વરસાદ આવે તો ગર્જનકનો બારૂદ અત્યારે નકામો નીવડવાનો છે એટલે આપણે અત્યારે ને અત્યારે હાથીસેના તૈયાર કરાવો અને આગળ ધસી સૂરજનું પહેલું કિરણ પડે ત્યાં તો આપણી ઢક્ક વાગવી જોઈએ! સંદેશો પણ મોકલવાની જરૂર જ નથી. હલ્લો એ જ સંદેશો!’

‘બા! સુરત્રાણે વખતે આવી તૈયારીની આશા રાખી નહિ હોય. એટલે લડ્યા વિના પાછો ફરવાનો વિચાર પણ કરતો હોય. કાલે પ્રભાતે એનો સંદેશો આવવો જોઈએ.’

‘પણ આપણે એને તક આપવી નથી, કુમારદેવ! આપણે સંદેશો સાંભળવામાં એક પળ પણ ગુમાવવી નથી. અત્યારે ને અત્યારે ધારાવર્ષદેવ ને રાયકરણ આગળ વધે. હાથીની સેના જ મોખરે મોકલો. ગર્જનકના મિનજનક નકામા નીવડવાનાં છે. જુઓ, આ આવ્યો. એ ભગવાન સોમનાથ પ્રેરિત છે!’

મોટા કડાકા-ભડાકા સાથે વાદળમાંથી વરસાદ તૂટી પડ્યો. અને થોડી વારમાં તો જળબંબાકાર થઇ ગયું. મહારાણીબા ને ચાંપલદે કુમારની પટ્ટકુટ્ટીમાં બેઠાં-બેઠાં એ જોઈ રહ્યાં હતાં.

એટલી વારમાં રાયકરણ, ધારાવર્ષદેવ સૌ આવી ચડ્યા. મહારાણીબાએ એમને આંહીં બોલાવ્યા હતા.

આકાશ સ્વચ્છ થતું જતું હતું. વાદળ વીખાતાં હતાં. માવઠાનો વરસાદ ચાલુ રહેવાના ચિહ્નો જણાતાં ન હતાં. 

મહારાણીબાએ ધારાવર્ષદેવને આવતાંવેંત જ કહ્યું, ‘ધારાવર્ષદેવજી! તમે ને રાયકરણજી, હાથીસેના દોરો!’

‘હાથીસેના? અત્યારે? કેમ બા? અત્યારે શું છે?’

‘આ પળ કીમતી છે. ગર્જનકે આ ધાર્યું નહિ હોય, એટલે આપણે તો પ્રભાત થતાં હાથીસેનાનો જ ધસારો કરી મૂકો! એનો બારૂદ નકામો થઇ ગયો હશે.’

‘ભલે મહારાણીબા! પણ આપણે સંદેશો  તો મોકલવો જોઈએ, એ રાજનીતિ છે, વખતે એ પાછો ફરી જવા માગતો હોય તો?’

‘હવે? પાછો ફરી જવા માંગતો હોય તો એ હવે પાછો પણ ન ફરી શકે! આંહીં ગુજરાતના સીમાડા સુધી સૈન્ય લઈને આવે, એ લડવા માટે જ આવે. આપણે એને પાછો જવા દઈએ એ ન બને, પરમાર!’

‘બા! આ રજપૂતી નથી – જુદ્ધ નથી.’ રાયકરણે કહ્યું.

‘રાજપૂતી રજપૂત માટે છે, રાય કરણજી! આપણા પ્રશ્નો અટપટા છે. આંહીંથી એને છટકવા દેવો, એનો અર્થ એ કે એને આવતી સાલ પાછો ફરવાનું આમંત્રણ દેવું! કુમારદેવ! આપણું હાથીસેન, પરમાર ને રાય કરણજી દોરે, એટલે અશ્વદળ પણ આગળ વધે. પહેલો ધસારો કોણ કરવાનું છે?’

‘હું મા! હું કરવાનો છું.’ ભીમદેવ ત્યાં આવીને ઊભો રહી ગયો હતો.

‘પણ તારી સાથે કોણ આવે છે?’

‘અમે જવાના છીએ, બા!’ ડાભી ને સોઢો ત્યાં ઊભા હતા.

ધારાવર્ષદેવનું અને રાય કરણનું મન જરાક ખેંચાતું લાગ્યું. નામનો તો નામનો પણ, એક સંદેશો તો મોકલવો જ જોઈએ. એમને લાગી આવતું હતું. રજપૂતીની  હરરાજી ભારતભરમાં પાટણને નાનું કરશે!

મહારાણીબા એ કળી ગયાં.

‘પરમાર! નાયિકાદેવીનો અવાજ સ્પષ્ટ રીતે આજ્ઞાવાહી હતો, પણ તેનામાં સમજાવટની છાંટ હતી, ‘મહારાજ અજયપાલ જેવાનું પડખું સેવનારી હું, રજપૂતીને ન જાણું એમ તો તમે માનતા નથી નાં?’

‘એમ તો નહિ પણ, બા! ભારતભરમાં આપણી નિંદા થાય, જુદ્ધ માગવા સુરત્રાણ આવ્યો છે. આપણે જુદ્ધ આપવું છે. આપણે સંદેશો મોકલીએ કે તું સેન ઉઠાવીને ભાગી જા, નહિતર જુદ્ધ કરવા તૈયાર થા!’

‘એ શું કરશે, ખબર છે? એ કહેવરાવશે, હું આવતીકાલે જવાબ વાળીશ. તમારે એ સમય એને આપવો છે?’

‘આપોને મા! એમાં શો વાંધો છે? એ ભલે તૈયાર થઈને આવતો!’ ભીમદેવ બોલી ઊઠ્યો, ‘એ ભાગશે તો મા!મારી સોઢૂં ને મોઢૂં એને આમ પકડી પાડશે!’

‘સોઢૂં ને મોઢૂં એ વળી શું છે ભીમદેવ?’

‘અરે મા! ગઈ કાલે જ ગંગ ડાભીની બે સાંઢણી સોરઠથી આવી છે – સોઢૂં ને મોઢૂં, પણ શું મા! એનો વેગ છે! ઘડિયાંજોજન રૂપમઢી પણ એની પાસે ટટ્ટુ જેવી લાગે! એ સાંઢણી ઉપર જઈને ભાગતા સુરત્રાણને હું ઉપાડી લાવીશ. એને આપો, સમય આપો મા!’

‘અરે! દીકરા! રાજપૂતીનો આ વારસો તને પાટણ ખોવરાવશે, તમે કોઈ જવાના ન હો તો હું જાઉં! ગંગ ડાભી! મારા અશ્વદળને તૈયાર થવાનું કહેવરાવો. હું ત્યારે જ નીકળું છું.’

‘અરે! બા! અમે બધા તૈયાર છીએ. મારી આજ્ઞા પ્રમાણે પ્રભાતમાં ત્યાં સેન ગોઠવાઈ જાય, પછી શું?’ પરમાર હાથ જોડીને બોલ્યો.

‘ભલે તમે સુરત્રાણને સંદેશો મોકલાવો કે અમે લડવા આવ્યા છીએ. કાં તમે આવો, અને નહિતર અમે આવીએ છીએ. જે માણસ સેંકડો ગાઉથી આટલું સેન લઈને આવ્યો છે. એ લડવા જ આવ્યો છે. આપણો ધર્મ એને લડાઈ આપવી. હું તો આને રજપૂતી માનું. બીજાને છટકવાનો માર્ગ કરી દેવો એમ કરવામાં રજપૂતી આવતી નથી. પરમાર! રાય કરણજી! સંદેશો તમે જરૂર મોકલો. સંદેશો મોકલો છો પણ સમય આપવાની વાત નથી!’

રાય કરણ અને ધારાવર્ષદેવને પણ હવે લાગ્યું કે આ વાત મહારાણીબાની બરાબર હતી. તે તૈયાર થઇ ગયા. ‘અમે આ નીકળ્યા બા!’

‘અને હું પણ બા!’

‘ડાભી! જરાક આમ આવો તો!’ મહારાણીબા એ ડાભીને એક તરફ દોર્યો, ‘વાત સમજી ગયા નાં?’

‘અરે! હા બા હા! એને ગૂડ્યા પછી જ અહીંયાથી પગલું દેવાય! કોને ખબર છે?’

‘હું પણ પરમાર! તારી વાંસોવાંસ આવું છું. ત્યાં પેલી ટેકરી છે નાં? 

‘જોગનાથની!’

‘હા, એ જોગનાથની ટેકરી ઉપર હું આવીને બેસવાની. અશ્વદળ તૈયાર હશે. જો લાગશે કે ગર્જનક ફાવી જાય તેમ છે તો એ દળ છેલ્લી ઘડીએ ત્યાંથી છૂટશે. મહારાજ મૂલદેવની નાજુક તબિયત જાળવતી હું ત્યાં બેસીશ. પણ તમારી એક નિશાની ઉપર આખું દળ વછૂટશે. બોલો કોણ નિશાની આપશે?’

‘કુમારદેવ!’ સૌએ કહ્યું.

‘બરાબર છે, કુમારદેવ! તું ધ્વજ ફરકાવજે અને તે આખું દળ છૂટશે. કાં તો આ પાર કાં તો પેલે પાર – ત્રીજી વાત નથી! ભીમદેવ! તારી તો હું અત્યારથી જ છેલ્લી વિદાય લઇ લઉં છું હોં, દીકરા!’

‘અરે મા! તમે બેઠાં ટેકરી ઉપર મજા કરો ને! તમે જુઓ તો ખરાં!’

એટલામાં સેનામાંથી રણશિંગું ફૂંકાયું. ઢક્કા ગગડી. રણનોબત વાગી. શંખ ફૂંકાયા.

પરમાર ને રાય કરણ મહારાણીબાને નમીને સેન સાથે લઇ જવા માટે ઉતાવળે ઊપડ્યા. સેંકડો હાથીઓનું સેન આગળ વધી રહ્યું હતું.