નાયિકાદેવી - ભાગ 38 Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નાયિકાદેવી - ભાગ 38

૩૮

સહસ્ત્રકલાએ શું કહ્યું?

મહારાણીબા નાયિકાદેવી પોતાને મળીને પાછી ફરતી સહસ્ત્રકલાને જતી જોઈ રહ્યાં હતાં. એની સુંદરતા અદ્ભુત હતી. પણ એની વાણીમાં તો જાણે મધુર વિનોદના ઝરણાં વહેતાં હતાં. દરેક શબ્દ એની જીભમાં બેસતાં જાણે કે એક હસતો ચહેરો થઇ જતો – એ શબ્દ રહેતો નહિ! આટલો વિનોદ તો પહેલાંના મંત્રી દામોદર મહેતા પાસે હતો એમ પરંપરા એણે સાંભળી હતી. પણ આ તો સ્ત્રી અને પાછી નૃત્યાંગના. આવો મધુર વિનોદ તો આને કોણ જાણે ક્યાં લઇ જાય! કોઈ ઘેલા રજપૂત રાજાને એ હથેળીમાં રમાડે!

રાણી વિચારી રહી. પોતાની પાસે એણે થોડીક ક્ષણો ગાળી હતી. પણ એટલામાં તો એ જાણે ભૂલી ગઈ હતી.

પણ અત્યારે તો મહારાણીબાએ એની આપેલી માહિતી વિશે વિચાર કરવાનો હતો. એ માહિતી ખરેખર અત્યંત મૂલ્યવાન હતી. એ ગઈ એટલે તરત મહારાણીબાએ સાદ કર્યો: ‘સોઢા! કોણ છે સોઢાજી?’

‘બા! હું છું!’ કહેતો સોઢો તરત હાજર થયો.

‘ડાભી ક્યાં છે?’

‘નીચે ચોકી ઉપર, બોલાવું?’

‘હા બોલાવો, ને આ ગઈ તેને મેં મારી મુદ્રા આપી છે એને જવા દેજો!’

‘એ તો ગઈ તો ખરી, બા!’

‘એ કોણ છે, તમે જાણો છો?’

‘હા બા! એ મૂળ તો પાટણની છે. કાશીપતિની રાણી પાસે રહે છે. અમે એને એક વખત મળ્યા હતા – છેક રણને છેડે.’

‘એમ? ત્યારે તમે એને જાણો તો છો. અત્યારે તો જાણે ગર્જનકના કામે નીકળી છે. ડાભીને બોલાવો તો!’

થોડી વાર પછી ડાભી આવ્યો. મહારાણીબાએ વિશેષ જાણવું હતું. સહસ્ત્રકલાએ આપેલી માહિતી ખરી પણ એનું મૂલ્યાંકન કેટલું?

‘ડાભી! તમે આવવા જવા દીધી, પેલી બાઈને, એ કોણ છે? તમે એને જાણો છો? એની કસોટી કરી છે?’

‘હા બા એ પાટણની જ છે!’

‘પાટણની જ છે, પણ વિશ્વાસપાત્ર છે? તમે ખાતરી કરી છે?’

‘અત્યાર સુધી એની કહેલી વાત સાચી પડતી આવી છે.’

પણ એ આપણા પ્રત્યે આટલો અટલ વિશ્વાસ મૂકે છે એનું કાંઈ કારણ?’

‘પાટણનો પ્રેમ બા! એનું બાળપણ પાટણનું છે. પાટણ એને સાંભરે છે. વર્ષો થયાં એણે પાટણ જોયું નથી. હવે એનામાં પાટણનો પ્રેમ જાગ્યો છે. હું તો એમ માનું છું.’

મહારાણી નાયિકાદેવીએ ડોકું ધુણાવ્યું: ‘ડાભી, તમારી વાત તો સાચી છે. પણ પાટણમાં આનાથી પણ વધારે પાટણપ્રેમી બળવાન માણસો પડ્યાં છે. રાજકુમાર ભીમદેવને આ મળી હતી? ક્યાં મળી હતી?’

ડાભી એકદમ થડકી ગયો. વિશ્વંભરે વાત કરી હોય તે એને શક્ય લાગ્યું નહિ. પોતે તો બોલ્યો નથી. સોઢો પણ બોલે નહીં. અને રાજકુમાર ભીમદેવ પણ કાંઈ બોલ્યાં તો નથી જ. આવી’તી એ તો કાંઈ બોલે જ નહિ તો મહારાણીબાને આ ખબર ક્યાંથી? મહારાણીબાની વેધક દ્રષ્ટિ તળે એ પોતાની જાતને વીંધાતી જોઈ રહ્યો.

‘બા!’ ડાભીએ બે હાથ જોડ્યા: ‘એ ગમે ત્યાં મળી હોય, અત્યારે તો એણે જે માહિતી આપી તે સો ગળણે ગાળીને આપણને ઉપયોગી થાય તેમ હોય તો એનો ઉપયોગ કરો ને પછી દેખી લેવાશે. તેણે શું કહ્યું છે, બા?’

‘એ પણ સાચું, ડાભી! એણે વાત કરી છે, તે ઘણી મૂલ્યવાન છે ડાભી! સવારે તમે વહેલામાં વહેલી તકે ધારાવર્ષદેવને આંહીં મોકલો.’

‘પણ બા! આ દગો રમતી નહિ હોય?’ ગંગ ડાભીને વાત કઢાવવાનો આ એક જ નુખસો લાગ્યો.

મહારાણીબા હસી પડ્યાં: ‘ડાભી! તમારાથી કાંઈ અજાણ્યું રહેવાનું નથી પણ તમે પેલાં ઘોડાને તો અવશ્ય ગૂડી નાખજો હોં, છેલ્લી રાતે, કોને ખબર છે? વિશ્વાસે રહેતા નહિ!’

‘એને તો હું આ ટેકરી ઉપર લાવીને ધકેલવાનો છું. આ સહસ્ત્રકલા વિશ્વાસુ છે, છતાં એ પણ રાજરમતમાં પડેલી છે. કોને ખબર છે? આંહીં કોઈક બીજો પણ ગોઠવાઈ ગયો હોય. હલ્લા વખતે ભેળસેળ થાય એ વખતે મહારાજ માટે આ નાચણિયો ઘોડો આવી જાય પછી લડાઈ વખતે નાચણિયો નાચવા માંડે! મારે એ જોખમ વેઠવું નથી, એને ગૂડી નાખવો સારો.’

‘બરાબર છે. સવારે ધારાવર્ષને મોકલજો.’

ડાભી બે હાથ જોડીને ગયો. પણ સહસ્ત્રકલા શું કહી ગઈ છે તેની કાંઈ ખબર તેને અત્યારે પડી નહિ.

એ ટેકરી ઉપરથી નીચે ઊતરી રહ્યો હતો. અધવચ્ચે આવીને તેણે પાછળ જોયું: મહારાણીબા એકલાં ત્યાં ટેકરી ઉપર ફરી રહ્યાં હતાં! જાણે કે એની નિંદ્રા હરાઈ ગઈ હતી.

મહારાણીબા નાયિકાદેવી ત્યાં ટેકરી ઉપર એકલાં આમતેમ અત્યારે આંટા મારી રહ્યાં હતાં. એમને પાટણના જુદ્ધના, પુત્રોના બધાના વિચાર સતાવી રહ્યા હતા.

ગઈ કાલ સુધી એ રાજરાણી હતાં. તમામ આંતરિક વિગ્રહોને સમાવવા માટે મથી રહ્યા હતાં. એ એમણે શમાવ્યા. આજે અત્યારે એ રણનેત્રી હતાં. હજારોના સેનને દોરવાનું એમને માથે હતું. એ પણ દોરાશે ને વિજય મળશે. પણ એ બંનેના કરતાં વધારે વિકટ, વધારે વેદનાભર્યું ભવિષ્યની આવતી કાલનું કામ આવી રહ્યું હતું. ભવિષ્યની આવતી કાલે એને લાગ્યું કે એ અપ્તરંગી ઘેલા ભીમદેવની માતા હશે! અને રાજરાણીનું કે રણનેત્રીનું કામ, આ માતાના કામને મુકાબલે છોકરાં રમાડવા જેવું થઇ રહેશે!

ખરી મુશ્કેલી ભવિષ્યની આવતી કાલ હતી.

ભવિષ્યની આવતી કાલે એ રાજકુમારોની માતા બની રહેવાની હતી. 

કુમારો તરુણ થઇ રહ્યા હતા.

અને અપ્તરંગી ઘેલી રજપૂતીના આવા વીજળી જેવા ઉદ્દામ ભીમદેવરાજાની રાજમાતા થવું એ તો લાખોનાં સેન દોરવા કરતાં પણ અઘરું હતું.