નાયિકાદેવી - ભાગ 24 Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 17

    ફરે તે ફરફરે - ૧૭   "વ્યથાઓ કહીશુ ને ચરચાઇ જાશુ..."આજે...

  • હમસફર - 23

    વીર : ભાભી.... શું વિચારી રહ્યા છો ?રુચી : કંઈ નહીં        ...

  • ખજાનો - 30

    “લિઝા..! માઇકલ અંકલ કે ડેવિડ અંકલની આ રાજા સાથે કોઈ ઓળખાણ છે...

  • નાયિકાદેવી - ભાગ 24

    ૨૪ રસ્તો કાઢ્યો ચાંપલદે સપાટાબંધ નીચે આવી. ત્યાં ચોકમાં શોભન...

  • મમતા - ભાગ 115 - 116

    ️️️️️️️️મમતા :૨ ભાગ : ૧૧૫( મોક્ષાની બિમારીની જાણ પરીને થતાં...

શ્રેણી
શેયર કરો

નાયિકાદેવી - ભાગ 24

૨૪

રસ્તો કાઢ્યો

ચાંપલદે સપાટાબંધ નીચે આવી. ત્યાં ચોકમાં શોભન ઊભો હતો. એને કોઈ વાતની ખબર પડી હોય તેમ જણાયું નહિ. ચાંપલદેને ઉતાવળે નીચે આવતી જોઈ તે નવાઈ પામ્યો. તે બે હાથ જોડીને આગળ આવ્યો. ‘શોભન! મારી પાલખી મંગાવ, દોડતો જા!’

‘બેન...’ શોભન કાંઈ કહેવા જતો હતો, પણ ચાંપલદેએ તેને ઉતાવળે જવાની નિશાની કરી.

શોભન બોલ્યો: ‘અને દ્વારપાલોને આંહીં મોકલજે!’ ચાંપલદેએ કહ્યું.

થોડી વારમાં દ્વારપાલો દેખાયાં. પાલખી પણ આવી ગઈ, ચાંપલદે ઉતાવળે પાલખી તરફ જવા માટે આગળ વધી. તેણે જતાં-જતાં કહ્યું, ‘જો શોભન, સાંભળ. કોઈને ઉપર જવા દેવાનો નથી. કોઈને ઉપરથી નીચે આવવા દેવાનું નથી. એક ખંભાતી લગાવી દે. તું ત્યાં પોતે જ ચોકી કર!’

સૌ આશ્ચર્યથી સાંભળી રહ્યા. કોઈને કાંઈ સમજણ પડી નહિ. પિતા-પુત્રીની વચ્ચે ઘર્ષણ થાય એ સંભવિત ન હતું. બીજું કોઈ તો આવ્યું ન હતું. હા, પેલો એક જૈન સાધુ જેવો કોઈક હતો ખરો, પરંતુ એ સાધુ હતો કે નહિ એ પણ નક્કી ન હતું. એ સંબંધે જ આ  હોઈ શકે.

દરેકને પોતપોતાનું અનુમાન કરતાં મૂકીને ચાંપલદે પાલખી પાસે પહોંચી. ઝપાટાબંધ પાલખીને લેવાની આજ્ઞા સંભળાણી અને થોડી વારમાં તે અદ્રશ્ય થઇ ગઈ. 

કોઈકનો અવાજ આવતો જણાયો. પણ જાણે કે એ હવે સાંભળવાનો ન હોય તેમ, દ્વારપાલો પોતપોતાના સ્થાન પર પ્રતિમાની જેમ ઊભા રહી ગયા હતા. શોભન ત્યાં સીડીની રક્ષા કરતો ચોકી  ભરતો હતો. આ ઘરમાં ચાંપલદેની આજ્ઞા એટલે આજ્ઞા – એ વસ્તુને વગર પ્રશ્ને સ્વીકારવાની આવી સ્થાપિત પ્રણાલિકા પડી ગઈ હતી. એટલે આભડ શ્રેષ્ઠીજી ઉપર હશે એ જાણવા છતાં, જાણે જાણતા ન હોય તેમ, સૌ પોતપોતાનાં સ્થાન સંભાળવામાં પડી ગયા હતા!

ચાંપલદેને પાલખીમાં બેઠી ત્યાં સુધી ક્યાં જવું છે એનો વિચાર પણ ખરી રીતે આવ્યો ન હતો. પાલખીમાં બેઠી ને રાજમાર્ગે ચાલવા માંડી ત્યારે હવે એને વિચાર આવવા માંડ્યા. આ ઘટનામાંથી હંમેશને  માટે પાટણના આંતરિક વિગ્રહનો ભય દૂર થઇ શકે – તો જ એ ઘટનાનો ઉપયોગ કર્યો કહેવાય.

તે વિચારમાં પડી. હવે એણે મળવું કોને? મહારાણીબાને? વિશ્વંભરને? અર્ણોરાજને કે કુમાર ભીમદેવને પોતાને? મહારાણીબાને પોતે મળે, ને પછી મહારાણીબા કુમાર ભીમદેવને બોલાવે, તોપણ રાજકુમારના દિલમાં શંકા રહી જવાની. એને થવાનું કે આ કોઈ ગોઠવણ છે! મહારાણીબાને એકલાંને આ વાતની ખબર પડે તેનો કોઈ અર્થ જ ન હતો. રજપૂતી ટોળાં ભીમદેવને વશવર્તી હતા. અર્ણોરાજ ભીમદેવ ઉપર વર્ચસ્વ ધરાવતો થયો હતો. એ ખરું; પણ એને એટલું બઘુ મહત્વ આપવું ચાંપલદેને ઠીક ન લાગ્યું. વિશ્વંભર આ વાતનો જાણકાર થાય એ ઠીક હતું. કુમારની ગેરહાજરીમાં એ જ સર્વોપરી હતો. દેશવિદેશની ઝીણામાં ઝીણી વિગત એની પાસે આવતી. છતાં એના દરજ્જા માટે આ વધારે મહત્વનું થઇ જાય. રાજકુમાર ભીમદેવને પોતેને જ મળવું. એને ખાતરી કરાવી દેવી કે આભડ શ્રેષ્ઠીનું ઘર એ તો પાટણનું નાક છે. ચાંપલદેએ તત્કાલ નિર્ણય લીધો. એટલામાં પાલખી મહારાણીબાના મહાલય તરફને રસ્તે વળી.

‘રાજકુમાર ભીમદેવના મહાલય તરફ વાળો, આ રસ્તે નહિ.’

પાલખીવાળાઓ આશ્ચર્ય પામતા એ તરફ વળ્યા.

ચાંપલદે રાજમહાલયમાં પહોંચી ખંડ ઉપર ખંડ વટાવતાં તે ઉપર ગઈ. પ્રતિહાર એને જોઇને નવાઈ પામ્યો લાગ્યો. ચાંપલદેએ એને અંદર મોકલ્યો.

થોડી વારમાં જ આજ્ઞા લઈને પાછો ફર્યો. અંદરના વિશાળ ખંડમાં ચાંપલદે એકલી ગઈ.

રાજકુમાર ભીમદેવ ત્યાં બેઠો હતો. તે પણ આશ્ચર્યથી ચાંપલદે સામે જોઈ રહ્યો. ચાંપલદે આગળ આવી. તેણે બે હાથ જોડીને મહારાજકુમારને મસ્તક નમાવ્યું, ‘મહારાજ! હું આપને તેડવા આવી છું. આપ ખાતરી કરો.’

ભીમદેવ કાંઈ સમજ્યો નહિ. તે તેની સામે જોઈ રહ્યો.

ચાંપલદેએ જવાબ આપતાં પહેલાં એક દ્રષ્ટિ ખંડમાં નાખી. છેક ખૂણે એક દીપિકાને આધારે એક શસ્ત્ર સ્ત્રીસૈનિક ત્યાં પ્રતિમાની જેમ તદ્દન સ્થિર-શાંત ઊભેલી હતી. એની હાજરીની ખબર પણ ન પડે એવી રીતે એ ઊભી હતી. ભીમદેવે ચાંપલદેને પાસે આવવા નિશાની કરી. ચાંપલદે પાસે સરી. રાજકુમારે એને આસન બતાવ્યું. ચાંપલદે ત્યાં બેઠી.

‘શાની વાત છે?’ ભીમદેવે સવાલ કર્યો.

‘મહારાજ! આ વાત છે, આ જુઓ.’ ચાંપલદેએ બીજું કાંઈ પણ કહ્યા વિના પોતાની પાસેનો વસ્ત્રલેખ ભીમદેવની સામે ધર્યો. 

ભીમદેવ એ વાંચવા માંડ્યો. જેમ-જેમ એ વાંચતો ગયો, તેમ-તેમ એની મુખમુદ્રા ફરતી ગઈ. એ વાંચી રહ્યો ને ચાંપલદે તરફ ફર્યો.

‘આ વસ્ત્રલેખ તમારી પાસે ક્યાંથી? આમાં તો શ્રેષ્ઠીજી પોતે સંડોવાય છે.’ ચાંપલદેએ કહ્યું, ‘મહારાજ! આજે અમારે ત્યાં કવિસભા હતી. બિલ્હણ રાજકવિ ત્યાં આવ્યા હતા.’

એ જ વખતે પ્રતિહાર બારણામાં દેખાયો. એની આંખ ભીમદેવને શોધી રહી હતી. પણ એ કાંઈ બોલે એ પહેલાં મહારાણીબા પોતે દેખાયાં.

‘અરે મા! આવો, આવો, મારે તમને કંઈક કહેવાનું છે.’

ભીમદેવે નાયિકાદેવીને જોતાં જ ઉતાવળે કહ્યું, ચાંપલદેને નવાઈ લાગી. મહારાણીબાએ તેને આવતી જોઈ હશે ને, પોતે આવ્યાં હશે કે અક્સ્માત જ આવી ચડ્યાં હશે? તેને કાંઈ સમજાયું નહિ.

નાયિકાદેવી અંદર આવી. ચાંપલદેને એણે અત્યારે આંહીં જોઇને એ પણ નવાઈ પામી ગઈ. તે ભીમદેવ પાસે આવી. ‘શું છે, ભીમદેવ?’ એણે ભીમદેવને પૂછ્યું.

ચાંપલદેને આનંદ થયો. વાત જે રીતે રજૂ કરવાની હતી તે રીતે થઇ ગઈ હતી અને હવે મહારાણીબા આવી પહોંચ્યાં એ એને અનૂકુળ હતું.

‘જુઓ, આ તમારા શ્રેષ્ઠીજી!’ ભીમદેવે પેલો વસ્ત્રલેખ નાયિકાદેવી સામે ધર્યો. નાયિકાદેવીએ ચાંપલદે સામે જોયું. તેના ચહેરા પર શાંતિ હતી. રાણીને ધરપત આવી. કોઈ અત્યંત  ઉતાવળી આકરી વાત એ લાવી ન હતી. તેણે વસ્ત્રલેખ હાથમાં લીધો. 

વસ્ત્રલેખ વાંચી લીધો, ને એ પણ નવાઈ પામી હોય, તેમ  ભીમદેવ સામે જોઈ રહી: ‘ત્યારે વાત આમ છે બેટા! તે જોયું? ધીરજની વાત ન સમજીએ તો રાજદ્વારી રમતમાં આપણે ક્યાંયના ક્યાંય ઊડી જઈએ.’

‘પણ હું તો તમને ક્યારનો કહી રહ્યો હતો એ ખબર છે, મા! શ્રેષ્ઠીજીનું ઘર આપણું નિકંદન કાઢશે! મેં કહ્યું હતું નાં?’

ચાંપલદે ચમકી ગઈ. નાયિકાદેવીએ એ જોયું.

‘પણ અત્યારે આ વસ્ત્રલેખ આંહીં લાવ્યું કોણ?’ મહારાણીબાએ ઉતાવળે પૂછ્યું.

ભીમદેવે ચાંપલદે સામે દ્રષ્ટિ કરી. ‘આ ચાંપલદે જ એ લાવેલ છે મા! શું હું પણ નવાઈ પામું છું.’

ચાંપલદે આ લાવી? તો ભીમદેવ! તારે સમજવાનું છે. શું એ શ્રેષ્ઠીજીની પુત્રી નથી? એ પુત્રી થઈને પોતાના પિતાની સામે આ વાત લાવી છે તેનું શું? ભીમદેવ! તું સમજ બેટા! કે દૈવ તારી સહાયમાં છે. આવી નારી તને આખા ગુજરાતમાં ક્યાંય નહિ મળે! એણે શું કર્યું છે એ તો વિચારી જો. પાટણના હિતની ખાતર એણે પિતાના પ્રેમને ક્યાંયનો ક્યાંય મૂકી દીધો છે! શ્રેષ્ઠીજીનું ઘર એ તો આપણો એક કિલ્લો છે. ભીમદેવ! એ આપણું નિકંદન શી રીતે કાઢશે? ત્યાં તો આવાં નારીરત્ન બેઠાં છે. ભીમદેવ! પણ ચાંપલદે! આ વસ્ત્રલેખ તારી પાસે ક્યાંથી આવ્યો?’

‘એ જ વાત થતી હતી, મા! ત્યાં તમે આવ્યાં. કવિ બિલ્હણની વાત હતી!’

‘શી વાત હતી, ચાંપલદે? આ વસ્ત્રલેખ તેં ક્યાંથી કાઢ્યો?’

ચાંપલદેએ વાત માંડી. શી રીતે કવિસભા થઇ. શી વાત ચાલી, વસ્ત્રલેખ કેમ હાથમાં આવ્યો, બધી વાત કહી. રાણી અને કુમાર આશ્ચર્યથી સાંભળી રહ્યાં. જેમ-જેમ વાત આગળ વધી તેમ-તેમ ચાંપલદેની રાજભક્તિનો રંગ વધુ ને વધુ ઉજ્જવળ થતો દેખાયો. 

અગાશીની વાત આવી. વસ્ત્રલેખ લેવા આવ્યાની એને શંકા પડી એ કહ્યું. પોતે સડાક બારણું બંધ કર્યું એ વર્ણન આવ્યું. શ્રેષ્ઠીજી ત્યાં કેવી અવસ્થામાં છે તે વાત આવી, અને નાયિકાદેવી પોતે, જાણે પોતાની સગી દીકરીને પ્રેમથી ભેટતી હોય, તેમ ઊભી થઈને ચાંપલદેને ભેટી પડી: ‘બેટા! દીકરી! તેં હદ કરી છે! તેં પાટણને આજ ખરેખર બચાવી લીધું છે. આ વસ્ત્રલેખ ત્યાં પહોંચ્યો હોત તો ચોક્કસ. કુમારને વિંધ્યવર્મા થાપ દઈ દેત! દીકરી! તેં હદ કરી નાખી. શ્રેષ્ઠીજીના ઘર ઉપરથી તે શંકાની છાયા ટાળી દીધી. તારા ઘર ઉપર શંકા લાવનારો  માણસ હવે માણસ નહિ હોય!’

‘પણ મહારાણીબા! મારે ઉતાવળે જવું જોઈએ...’

‘અરે! હા હા. તું તો ત્યાં સાતમે માળે બે જણાને રાખીને આવી છે. ભીમદેવ! હવે તો તું પોતે જા. શ્રેષ્ઠીજીને કહી અવ, બેટા! તમારા કુળમાં આ એક દીવડી છે. અમને લેશ પણ શંકા રહી નથી. તમે અમારા સ્તંભ હતા તેમ સ્તંભ રહો! પાટણમાં તમારા ઉપર ઘા કરનારો અમારા ઉપર ઘા કરે છે એમ માનવાના! તું જા, તું આ સમાધાનીની હવા પ્રગટાવ ત્યાં હું વિશ્વંભરને મોકલું છું, જૈનસાધુનો અને બીજો બંદોબસ્ત એ કરી લેશે.’

ચાંપલદેનો અંતરાત્મા પ્રસન્ન થઇ ગયો. ધારેલો રસ્તો મળ્યો હતો, શંકા ટળી જતી હતી. પિતાનું ગૌરવ જળવાતું હતું. પાટણની હવા સ્વસ્થ થતી હતી. 

મહારાણીબા તેના ખભા ઉપર પ્રેમથી હાથ મૂકીને તેની સામે જોઈ રહ્યાં: ‘દીકરા! આ બુદ્ધિ પાટણની દરેક દીકરીમાં નિત-નિત આવે! તેં આજે રાજકુળ ને શ્રેષ્ઠીકુળ તાર્યું છે. હવે તું જા, બેટા! ત્યાં ભીમદેવ પોતે આવે છે, પ્રહલાદનદેવને પણ મળશે. વિશ્વંભર પણ આવશે, તું જા બેટા!’

ચાંપલદે બેઠી થઇ, ભીમદેવ પ્રત્યે બે હાથ જોડ્યા. એટલામાં મહારાણીબાએ કહ્યું:

‘પણ રહે દીકરી! એક વાત તો રહી જાય છે, ભીમદેવ! તું જ આમંત્રણ દે. આપણે યુદ્ધસભામાં હવે મેળવવાની જ છે. વિશ્વંભર પાસે નવી વાત આવી છે. એમાં આ ચાંપલદેને તું બોલાવ. એની પાસે  બુદ્ધિ મહાઅમાત્ય દામોદરની છે. તો રાજભક્તિ જગદેવ પરમારની છે.’

ભીમદેવે સાચા ઉત્સાહથી કહ્યું, ‘આંહીંની જ મંત્રણામાં એમને લેવાં છે એટલું જ? એમને તો મા! ઠેઠ રણભૂમિમાં હવે આવવું પડશે. કાં, આટલો રાજપ્રેમ બતાવ્યો? અને મહારાજ મૂલરાજદેવે, આ વખતે ખેડૂતોને કહી દીધું છે, એ તમે જાણ્યું નાં મા?’

‘ના, ભૈ! મને ડોશીને હવે કોણ જણાવે? હવે તો તમે બે ભાઈ બળવાન થઇ ગયા. એટલે મારે જાણીને કામ પણ શું છે? શી છે વાત?’

‘ગયે વખતે દુષ્કાળ હતો નાં? ખેડૂતો કાંઈ આપવાની નાં પડે છે, ને મહારાજે પણ માફી આપી છે! કુમારનો જ પત્ર હતો!’ 

‘પછી દ્રમ્મ? લાખો મોઢે જોઇશે ત્યાં લડાઈમાં. એ ક્યાંથી આવવાના છે?’

ભીમદેવે હસતાં-હસતાં કહ્યું: ‘આ શ્રેષ્ઠીપુત્રીને કહીશું! એટલે આવશે!’

ચાંપલદેએ જરાક સ્મિત કરતાં જવાબ આપ્યો: ‘હું તો મહારાજ! આ નગરીને, ને નગરનાથને જીવ જોઈએ તો આપી શકું. દ્રમ્મ તો હું ભિખારી ક્યાંથી આપવાની હતી? દ્રમ્મના પતિ તો પિતાજી છે. એમની પાસે મહારાજ માગે!’

‘માગે એમ નહિ, ચાંપલદે! પાટણના નગરશ્રેષ્ઠીને ભીમદેવ એટલા માટે જ હવે મળવા આવે. એ નગરસેનાપતિ છે. શ્રેષ્ઠીજી નગરશેઠ છે. તું એમ જ કરજે ભીમદેવ! શ્રેષ્ઠીજીને મળીને કહેજે કે લડાઈ આવે છે. દ્રમ્મની ખપ છે, શ્રેષ્ઠીજી આપો! રાજ પાછા તમારા દૂધમાં ધોઈને આપી દેશે. કર માફ કર્યો છે એ તો માફ જ રાખજો, બરાબર છે નાં?’

‘બરાબર છે મા! આભડ શ્રેષ્ઠી વિનાનું પાટણ હવે હું કલ્પી શકતો જ નથી. પરમ દિવસે જ એમને ત્યાં મીઠાના ઢગલા થયાં હતા.’

‘મીઠાના?’ નાયિકાદેવીએ ઉતાવળે પૂછ્યું, પણ પછી તરત જ ભીમદેવના વાક્યનો અર્થ સમજતાં હસી પડી!

વાતાવરણ કૌટુંબિક થઇ ગયું. નાયિકાદેવીએ હસતાં-હસતાં જ કહ્યું, ‘ભીમ! તું પણ બહુ અળવીતરો છે બેટા! શ્રેષ્ઠીજીને ત્યાં કરોડો પડ્યા હોય, તે પાછો કાટ ન લાગે તેની સંભાળ તો લેવી જ જોઈએ નાં? લે, હવે તું જા, બેટા! ચાંપલદે! ભીમ હમણાં આવે છે!’

ચાંપલદે નમીને ત્યાંથી ચાલી ગઈ.