નાયિકાદેવી - ભાગ 23 Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નાયિકાદેવી - ભાગ 23

૨૩

નગરી કે પિતા?

ચાંપલદેએ આડુંઅવળું કે આગળપાછળ જોયું ન હતું. એના મનમાં એક વાત ચોક્કસ હતી: કવિ બિલ્હણનો કોઈ સંદેશો એની પાસે આવી ગયો હતો. એ સંદેશો શો છે, એ જાણવાની હવે એને ચટપટી થઇ પડી. 

જ્યારે બધા વિદાય થઇ ગયા ત્યારે પોતાના સપ્તભૂમિપ્રાસાદના છેલ્લામાં છેલ્લા માળે એ પહોંચી. ત્યાં જઈને એ થોડી વાર ઊભી રહી. એની દ્રષ્ટિ ચારે તરફ ફરી વળી. ત્યાંથી આખી પાટણનગરી દેખાતી હતી. સેંકડો અને હજારો મહાલયો-સોનેરી દંડમાં ભરાવેલી એમના ઉપર ફરફરતી ધજાપતાકાને લીધે જાણે આકાશને જોવા માટે નીકળી પડેલાં સોનેરી હંસ હોય તેવા દેખાતાં હતાં. સેંકડો મહાલયો પર સોનેરી કુંભ શોભી રહ્યા હતા. આરસનાં મહાલયોનાં છજાં, જાળિયાં, ગોળમાળિયાં, ગવાક્ષ, રવેશ અને રૂપમઢી, નાની સુંદર બેઠકોને જોતાં જાણે કોઈ અપ્સરાનગરી આકાશમાં સ્થિર થઇ ગઈ હોય તેવું લાગે! દૂર-દૂર સરસ્વતી નદીનો પ્રવાહ વહેતો હતો. સેંકડો વહાણોની આજે એમાં અવરજવર થઇ રહી હતી. સહસ્ત્રલિંગ સરોવરના કિનારા ઉપરના એક હજાર મંદિરના ઘંટારવ ચારે તરફથી આવતા સંભળાતા હતા!

ચાંપલદે પોતાની જન્મદાત્રી માતા જેવી પાટણનગરીને જોઈ રહી. જ્યારે-જ્યારે આ પ્રમાણે આખી નગરી આરસમાં ઘડેલા સ્વપ્નસમી દેખાતી, ત્યારે પળ બે પળ એની આંખ એ દ્રશ્ય ઉપરથી ખસી શકતી નહિ. એને થઇ જતું કે આ તે ખરેખર નગરી છે કે કોઈ કવિનું સ્વપ્ન છે? આજ એને જોતાં એના મનમાં એક પળભર પ્રેમનાં સરોવર છલકાયાં, આ નગરીમાં એ જન્મી હતી, મોટી થઇ હતી. આ જ  નગરીમાં એની સાત-સાત પેઢીની અઢળક સંપત્તિવાળી કરોડો દ્રમ્મની હવેલીઓ ઊભી હતી! એના દાદા, વડદાદા, કાકા, મોટા, કાકા, ભાઈઓ, મામા, માસા, ફુઆ આ જ નગરીની ભાગોળે રક્ષણનું જુદ્ધ કરતાં-કરતાં ખપી ગયા હતા! એમની તમામની ઈતિહાસગાથા સંભારતા એની આંખ ભીની થઇ ગઈ. એને લાગ્યું કે એ કોઈ નગરી જોતી નથી. કોઈ કવિનું સ્વપ્ન પણ નિહાળતી નથી, એ તો જાણે પોતાની જન્મદાતા માતાને જોઈ રહી છે! અને આ નગરી હવે છોડવી પડે.

એને અચાનક સાંભર્યું, એ તો બિલ્હણનો કાંઇક પત્ર વાંચવા માટે આંહીં આવી હતી! એક પળ માટે એ જાતને ભૂલી ગઈ હતી. પણ તરત જાગી ગઈ.

ત્યાં એક આરસની બેઠક હતી. એના ઉપર એ જઈને બેઠી. ઠંડી મીઠી હવાની લેરખીમાં કોયલના ટહુકા આવી રહ્યા હતા. પવનની પાંખે ચડીને ગુજરાતણોના કંઠને નિસર્ગથી વરેલાં ગીતો ત્યાં સંભળાતાં હતાં.

ચાંપલદેએ ધીમેથી પેલો વસ્ત્રલેખ ઉખેડ્યો. આખું વસ્ત્ર કોરુંધાક હતું તે ડઘાઈ જ ગઈ. અરે! પણ એટલામાં એને કાંઇક સાંભર્યું. પાસે જ કોઈ જલસંચય માટે એક ગોઠવણ હતી. તે ત્યાં ગઈ. ખોબો ભરીને પાણી લાવી. વસ્ત્રલેખ પોતાના પગ નીચે દબાવ્યો. પછી ધીમેથી વસ્ત્ર પર જરા પાણી છાંટ્યું.

ચમત્કાર થયો હોય તેમ લાલ-કેસરી રંગના સ્પષ્ટ અક્ષરો એમાંથી ઊઠવા માંડ્યા. 

ચાંપલદેએ બે શબ્દો વાંચ્યા ને એ ચમકી ગઈ!

અરે! આ તો વિંધ્યવર્મા ઉપર મોકલવા ધારેલો કવિ બિલ્હણનો સંદેશો છે!

એણે એ આખો વાંચ્યો. એનું મન એકદમ વિચારમાં પડી ગયું.

બિલ્હણે વિંધ્યવર્માને એમાં થોભી જવાની સલાહ આપી હતી. એણે લખ્યું હતું: ‘હજી પાટણનો આંતરિક વિગ્રહ પરાકાષ્ઠાએ પહોંચ્યો નથી. પણ કુમાર ભીમદેવ વૈર ભૂલે તેમ નથી એટલે વહેલેમોડે એ પરાકાષ્ઠાએ પહોંચશે ખરો. તે વખતની રાહ જોવાની રહી. અત્યારે તો કુમારનો સત્કાર કરી, નમી જવાનું ઠીક હતું. વિજ્જલ તરફ એ જાય, કે વિજ્જલ સાથે એને ઊડે, ત્યારે પાછળથી ઘા મારવા કે એ બેઠો જ ન થાય. તે વખતે આંહીં પાટણમાં આમ્રભટ્ટને હજી ન વીસરનારા આભડ શ્રેષ્ઠી જેવા અનેક છે, તે ભરેલા અગ્નિને ફૂંક મારશે. વિજ્જલ ત્યાંથી આંહીં દોડે કે કુમાર બરાબર સપડાય, એટલે આપણે ધારાગઢ લઇ લેવો! એ ધારાગઢ હવે પાછી પાછો લેવાની કોઈનામાં તાકાત નથી. આંહીં એક ભીમદેવ છે, પણ એ તો વનનાં વન ઉખેડી નાખનારો પવન છે, માટે અત્યારે શાંતિથી નમતા રહેવું!’ 

પત્ર વાંચીને ચાંપલદેની આંખ ખૂલી ગઈ. પોતાની નગરી ભરેલા અગ્નિ ઉપર બેઠી હતી. એ ભરેલા અગ્નિ સાચવવામાં પોતાના ઘરનો પણ જેવોતેવો હિસ્સો ન હતો! 

એક પળભર એ વિચારમાં પડી ગઈ. એણે હવે શું કરવાનું હતું? આ ખબર મહારાણીબાને આ પળે જ આપી દેવા? કે થોભી જવું?

એમ ખબર આપવા જતાં પોતાના પિતા ઉપર શંકા ન વધે? 

અને એનો અર્થ સર્વનાશ!

એને એવો રસ્તો શોધવો હતો, કે જેથી આ સમાચાર  મહારાણીબાને તાત્કાલિક મળે, કારણકે કદાચ પેલો મુનિ કાંઇક પણ સમજીને રવાના થાવાનો હોય તો એ અટકી પડે. પણ સાથે-સાથે જ પિતાજીની સલામતી વધે અને છેવટે આ ઘર ઉપરથી ભીમદેવની શંકા તદ્દન નિર્મૂળ થઇ જાય. આંતરવિગ્રહનું કારણ નિમૂળ થાય. એ શી રીતે બને?

તે આમથી તેમ ફરતી રહી. વસ્ત્રલેખ તેના હાથમાં હતો. ‘એ શી રીતે બને?’ એ વિચાર કરી રહી. મહારાણીબાને સમાચાર આપવા, ને રાજકુમારની શંકા તદ્દન નિર્મૂળ બને તેમ કરવું. એ વસ્તુ આંતરવિગ્રહનાં વાદળ ટાળે. 

તે ફરતી-ફરતી અચાનક અટકી ગઈ. સામેની અસંખ્ય ધજાઓ તરફ તે જોઈ રહી – જાણે એને પૂછી રહી: ‘એ શી રીતે બને?’

તેના માટે બે જ રસ્તા હતા. આ સંદેશો મહારાણીબાને પહોંચાડવો અથવા ન પહોંચાડવો. પહોંચાડવા જતાં પહેલો જ ઘા આભડ શ્રેષ્ઠી ઉપર આવે તો? એનું શું? ને ન પહોંચાડવામાં છેલ્લો ઘા જ્યારે આવે ત્યારે પણ, પાટણનગરી ઉપર જ આવે તેમ હતું, એનું શું?

એના મનમાં એક મહાન પ્રશ્ન ઊઠતો જણાયો: ‘નગરી કે પિતા?’ અને આ એક મોટો પ્રશ્ન સીધી રીતે એના હ્રદયને થતો હોય તેમ, આવીને ઊભો રહ્યો ત્યારે, પોતે માત્ર પાંચ વર્ષની હતી. માતાએ વિદાય લીધી હતી. અને પિતા આભડ શ્રેષ્ઠી સેંકડો વચ્ચે એની સંભાળ લેતા હતા, એ બધી વાત, એને યાદ આવી ગઈ!

જેને જોતાં અપ્સરાઓ ઝાંખી પડે એવી પાટણની થોકબંધ સુંદરીઓ, જાણે કે બધી કાષ્ઠની પૂતળીઓ હોય તેમ, લેશ પણ ડગ્યા વિના પિતાએ જોઈ હતી! એને એ સાંભરી આવ્યું. તમામને પિતાનો એ વખતે એક જ પ્રત્યુત્તર હતો:

‘આની માએ મને એ સોંપી છે. એની માનો તમામ વહીવટ હવે એ સંભાળશે. આંહીં આ ઘરમાં પિતાપુત્રી સિવાય ત્રીજા કોઈને સ્થાન નથી!’

અને એટલા માટે પિતાને વર્ષો સુધી એકલ જિંદગીમાં રહેંસાઈ જતા એણે જોયા હતા. એને એ સાંભરી આવ્યું.

એણે પોતે એક વખત મોંએ ચડીને ઉદય મંત્રીનો દાખલો પિતાને આપ્યો હતો. 

પણ આભડ શ્રેષ્ઠી દુપટ્ટાથી પવન નાખતા, માથે પાઘડી મૂકીને તરત દુકાને ચાલ્યા ગયા હતા! પિતા-પુત્રી શબ્દમાં ભાગ્યે જ ઉત્તર આપતાં. પાઘડી માથે મૂકી ચાલી નીકળ્યા એ જ ઉત્તર હતો.

ચાંપલદેને એ બધી વાત સાંભરી આવી: એ વિચાર કરતી-કરતી ઉતાવળે ઉતાવળે ફરવા લાગી. એને ઉતાવળે જવું હતું, પણ નિરાકરણ કંઈ થતું ન હતું. આ તરફ એક-એક પળ એને કીમતી જણાતી હતી.

એના કાનમાં અચાનક મહારાણીબાના શબ્દો સંભળાયા. એમણે એમ કહ્યું હતું કે, ‘તું કંઈક એવું કરજે કે રાજકુમારની શંકા જાય?’

અને આ વસ્તુ શંકા ટાળે એવી હતી: અને છતાં આભડ શ્રેષ્ઠી ઉપર શંકા વધારે તેવી પણ હતી!

એક કોયડા જેવી વાત હતી. એણે તાત્કાલિક નિર્ણય લેવાનો હતો. જોખમ હતું. એનું ઘર લુંટાઈ જાય, બધું રફેદફે થઇ જાય., એવડું મોટું જોખમ હતું. વાતનો દોર મહારાણીબાના હાથમાં હતો; છતાં રજપૂતી ટોળાં શું કરી બેસે એની આગાહી કરવી ખરેખર કઠણ હતી. છાણે ચડાવીને ઘરમાં વીંછી લાવવા જેવી વાત હતી, ને વાત દાબી દેવી... એ નગરી રોળી નાખવાનો વિશ્વાસઘાતી માર્ગ હતો! શું કરવું! એટલામાં એણે કોઈકનાં પગલાં ઉપર આવતાં સાંભળ્યાં ને એ ચમકી ગઈ. કોઈ આવી રહ્યું હતું? કોણ હશે? 

એણે એક દ્રષ્ટિ સીડી ઉપર નાખી. સીડીનું જ્યાં છેલ્લું પગથિયું આવતું હતું ત્યાં સાવધાની ખાતર લાકડાની એક મોટી આડી જાળી કરી લીધી હતી. એ જાળી આડે જો પોતે ઊભી રહે તો દેખાય નહિ, ને આવનારને પોતે જોઈ શકે. 

એટલામાં એણે સાંભળ્યું કે જો સીડીનું બારણું સડાક બંધ કરવામાં આવે, તો અગાશી ઉપર રહી જનાર માટે નીચે ઊતરવાનું કાંઈ સાધન રહેતું ન હતું.

ઉપર આવનાર કોણ છે? એ શા માટે આવે છે એ જાણ્યા પછી દેખી લેવાશે કરીને એ સીડી પાસેની લાકડાની જાળી પાસે આવીને ઊભી રહી ગઈ!

હજી એના મનમાં પેલો મોટો પ્રશ્ન મંથન જગાવી રહ્યો હતો: ‘પિતા કે નગરી? પહેલાં કોને માનું? પિતાને કે નગરીને?’

તેણે નીચે દ્રષ્ટિ કરી ને એ થંભી ગઈ. આભડ શ્રેષ્ઠી પોતે જ આવી રહ્યા હતા અને એની પાછળ પેલો મુનિમહારાજ પણ આવતા જણાતા હતા.

એક ક્ષણમાં એ વાત સમજી ગઈ. આ એક પ્રકારનું હવે યુદ્ધ જ હતું. એની પાસેથી પેલા વસ્ત્રલેખ મેળવવા માટે જ એ આવતા હોવા જોઈએ, એ સ્પષ્ટ હતું. એ વસ્ત્રલેખની આનાકાની કરે તો વખત છે ને ઘર્ષણ ઊભું થાય!

ઇન્કાર કરે તો કોઈ માને નહિ. વસ્ત્રલેખ આંહીં તો – ખેંચી લેતાં કેટલી વાર?

તેના મનમાં એક વિચાર વીજળીવેગે આવી ગયો. એ બંને જેવા અગાસીમાં પ્રવેશે કે દ્વાર બંધ કરી, સીડીનું દ્વાર વાસી પોતે એકદમ નીચે દોડી જાય તો? કોણ ગયું એ ખબર જ ન પડે. 

અને પછી?

પછીની વાત પછી. એ પ્રશ્ન આવ્યો જ નહિ.

પહેલાં શ્રેષ્ઠી આવ્યા, તેની પાછળ મુનિમહારાજ હતા. એમનો ઈરાદો ચાંપલદેને સ્પષ્ટ સમજાઈ ગયો હતો. એમાં રહીસહી શંકા મુનિના શબ્દો સાંભળતાં ચાલી ગઈ, ‘આ ગ્રથિલ ભીમનો કોઈ ભરોસો નથી, શ્રેષ્ઠીજી! રંગઢંગ તમે ક્યાં નિહાળ્યા નથી? ચાંપલ પણ સમજી જશે, આપણે સજાવીશું. સેંકડો ને હજારો સધર્મીનો, કરોડો દ્રમ્મ સંપત્તિનો પ્રશ્ન છે! રાજપૂતી ટોળાં આંહીં ઉચ્છ્શ્રુખલ  થતા જાય છે. એ છેવટે એ જ કરવાનાં. તમે શું ધારો છો?’

‘એ જ.’ શ્રેષ્ઠીએ ડોકું ધુણાવીને હા પડી. ‘હમણાં આપણે વાત કરીશું.’ તે બોલ્યા. તે અગાશીમાં જવા માટે બારણામાંથી પસાર થયા, ‘ચાંપલદે!’ એમણે બૂમ પાડી, ‘બેટા ક્યાં છે તું?’

એની પાછળ પાછળ મુનિમહારાજ પણ અગાશીમાં ગયા હતા. ચાંપલદેએ બંનેને જતા જોયા. એના લોહીમાં હજારો વીજળી ચાલવા માંડી. ‘હમણાં આ જ પળે... અથવા પછી ક્યારેય નહીં... નગરી! નગરી!’

એનું લોહી ત્વરાથી વહેવા માંડ્યું. એનું મન શરીર પાસે નિર્ણય માગતું ખડું થઇ ગયું. તે એકદમ જ આગળ વધી. અગાશીમાં ગયેલા બંને અગાશીમાં દસપંદર ડગલાં આગળ ગયા હતા. તેણે ત્વરા કરી. એકદમ મોટા અવાજ સાથે બારણાને ભોગળ વાસી દીધી!

પવનનાં કામ છે એમ ધારીને શ્રેષ્ઠીએ પાછળ જોયું. તેને નવાઈ લાગી. કોઈકે બારણું બંધ કર્યું હતું. એટલામાં તો સીડીનું દ્વાર બંધ થતું જણાયું.

શ્રેષ્ઠી આભો બની ગયો. તેના મનમાં એકદમ આવી ગયું: ‘અરે! આ કોણ? કાંઈ દગો છે કે શું?’

તેમણે ઉપરથી જ મોટો ઘાંટો પાડ્યો: ‘શોભનદેવ! અલ્યા જો તો, સીડીએ કોણ ઊતરી રહ્યું છે?’

પણ એમના શબ્દના ખાલી ખોટા પડઘા પાછા ફરતાં લાગ્યા. ચાંપલદે ઝપાટાબંધ સીડી ઊતરી રહી હતી.