મિશા બધાને નાસ્તા હાઉસમાં જ છોડીને ઘરે જવા નીકળી ગઈ. જ્યારથી તેને ખબર પડી હતી કે વિકી રેનાને પ્રેમ કરે છે ત્યારથી એ બને ત્યાં સુધી વિકી સામે આવવાનું ટાળતી અને રેના માટે એને ગુસ્સો હતો કે કેમ એને જ વિકી પ્રેમ કરે છે પોતાને કેમ નહિ એટલે એ રેના સાથે પણ કામ પૂરતું જ બોલતી.
મિશા કાર લઈને ઘરે પહોંચી અને ફટાફટ પોતાના રૂમમાં જવા લાગી. મિશાના પપ્પા અશ્વિનભાઈ કોઠારી હોલમાં જ બેસીને પેપર વાંચી રહ્યા હતાં. મિશાને આવીને તરત જ રૂમ તરફ જતાં જોઈ તેમણે બૂમ પાડી, "મિશા, ક્યાં ચાલી આટલી ફટાફટ? એ પણ પપ્પાને મળ્યા વિના?"
મિશાનું હવે જ ધ્યાન ગયું કે એના પપ્પા હોલમાં જ બેઠા છે. તે તેમની પાસે ગઈ.
"સોરી પપ્પા, પણ મારું ધ્યાન જ ન હતું કે તમે અહી બેઠાં છો એમ."
અશ્વિનભાઈએ મિશાને પોતાની પાસે બેસાડી. "હું એ જ તો કહું છું કે તારું ધ્યાન ક્યાં હતું કે તને આ પાંચ ફૂટ આઠ ઇંચના તારા પપ્પા પણ ન દેખાયા?"
"પપ્પા... એ તો...હું....એમજ ઉતાવળમાં રૂમમાં જતી હતી એટલે..." એમ કહી મિશા નીચું જોઈ ગઈ.
અશ્વિનભાઈએ મિશાની હડપચી પકડી અને તેનો ચહેરો ઉંચો કરી પૂછ્યું, "શું થયું છે? બાપ છું તારો, દીકરીની આંખ ફરે ત્યાં ખબર પડી જાય છે કઈક તકલીફ છે."
અશ્વિનભાઈ આટલું બોલ્યા ત્યાં તો મિશાની આંખો વરસી પડી અને તે અશ્વિનભાઈને ભેટી પડી. એટલામાં જ પાછળથી મિશાના મમ્મી અવન્તિકાબહેન આવી ગયા અને બોલ્યાં, "તમે શું મિશાની વિદાયનું રિહર્સલ કરી રહ્યા છો બન્ને ભેગા મળીને?"
આ સાંભળતા જ મિશાએ મીઠો છણકો કરી લીધો, "શું મમ્મી યાર..."
"હા તો તું આવી રીતે ગંગા જમના વહાવતી જોવા મળે તો શું કહું બીજું." એમ કહી તે પણ મિશાની બાજુમાં સોફા પર ગોઠવાયા.
અશ્વિનભાઈ બોલ્યા, "હા અવની, મિશાએ પોતાના માટે છોકરો શોધી લીધો છે." અશ્વિનભાઈ પ્રેમથી અવન્તિકાબહેનને અવની જ કહેતા.
મિશાનું મોં પહોળું થઈ ગયું. "તમને કેવી રીતે ખબર પડી?" પછી લાગ્યું કે પોતાનાથી કઈક બફાઈ ગયું એટલે તેણે વાત વાળવાની કોશિશ કરી.
"એટલે...એમ કે...એવું કંઈ...તો છે નહિ...." મિશાની જીભ લોચા મારવા લાગી એટલે અશ્વિનભાઈ અને અવન્તિકાબહેન બંને હસી પડ્યા.
"મે તો તુક્કો માર્યો હતો પણ લાગે છે મારું તીર નિશાના પર જ લાગ્યું છે. બોલ, કોણ છે એ? કેવો છે? શું કરે છે? કોલેજમાં સાથે છે?"
"એકસાથે કેટલા પ્રશ્નો કરી લેશો અશ્વિન તમે? શાંતિથી પૂછો." અવંતિકાબહેન બોલ્યા.
મિશાની આંખ ફરી ભીની થઇ ગઈ. "પપ્પા, જે મને ગમે છે એ તો કોઈ બીજા ને પસંદ કરે છે."
"અરે, તું પહેલા રડવાનું બંધ કર અને મને આખી વાત શાંતિથી જણાવ."
મિશાએ વિકી મળ્યો ત્યારથી લઈને રેનાને પ્રપોઝ કર્યું ત્યાર સુધીની બધી જ વાત વિસ્તારથી કહી.
"બસ આટલી જ વાત છે?" અશ્વિનભાઈ બોલ્યા.
"પપ્પા, તમને આ આટલી વાત લાગે છે?"
"હા તો, જો બેટા, હું એક બિઝનેસમેન છું. જ્યાં સુધી ડીલ પાકી થઈને પેમેન્ટ હાથમાં ન આવે ત્યાં સુધી હું ડીલ પાકી નથી સમજતો."
મિશા અકળાઈને બોલી, "આ તમારો બિઝનેસ નથી પપ્પા."
"ક્યારેક આંખે જોયેલું પૂર્ણ સત્ય ન પણ હોય ને બેટા. તે ફક્ત રેનાને વિકીના હાથમાં હાથ મૂકતા જોઈ પણ તે રેનાને એના મોઢેથી વિકીને હા પાડતાં સાંભળી?"
"નહિ.."
"બન્નેના ઘરે આ બધી બાબત ખબર છે?"
"કદાચ તો નથી જ ખબર."
"તો જ્યાં સુધી લગ્ન થઈ ન જાયને ત્યાં સુધી કશું જ પાકું ન કહેવાય. જરૂરી તો નથી જેને પ્રપોઝ કર્યું હોય એની સાથે જ લગ્ન થાય. આજ સુધી મે તારી બધી ઈચ્છા પૂરી કરી છે. આ પણ કરીશ જ. વિકી ફક્ત અને ફક્ત તારો જ બનશે."
"અશ્વિન, શું બોલો છો તમે? પ્રેમ પરાણે ન થાય." અવંતિકાબેન બોલ્યા.
"જો જૂના જમાનામાં પહેલા લગ્ન થતાં ને પ્રેમ પછી થતો. તો હજુ પણ એવું થઈ જ શકે ને." અશ્વિનભાઈએ દલીલ કરી.
"હા, પણ..."
"બસ અવની, મે કહી દીધું એટલે ફાઇનલ. મિશા , આવતાં અઠવાડિયે તારો બર્થડે છે. એક મસ્ત પાર્ટી કરીએ અને બધાને બોલાવીએ. તારા બધા ફ્રેન્ડ અને ખાસ વિકીને. હું પણ તો જોવ કે મારી દીકરીની પસંદ કેવી છે."
"સાચે પપ્પા આવું થઈ શકે?"
"કેમ ન થઈ શકે બેટા? તારા માટે તારા પપ્પા અશક્ય કામ પણ શક્ય કરી બતાવે એમ છે. તું બસ તારા બર્થડેની તૈયારી કર. કેવી પાર્ટી જોઈએ છે એ બધું જ નક્કી કરી લે. નવા કપડાં લઈ લે. જેટલા ફ્રેન્ડસને બોલાવવાના હોય એ બધાનું લીસ્ટ બનાવી લે. બસ તું ખુશ રહે." મિશા ખુશ થઈને પોતાના રૂમમાં જતી રહી.
ક્યારેક માતા પિતા પોતાના બાળકને ખુશ કરવામાં પોતે જ શું સાચું ને શું ખોટું એ ભૂલી જતાં હોય છે. જેની કિંમત ક્યાંક ને ક્યાંક બાળકે પણ ચૂકવવી પડે છે.
"અશ્વિન, ક્યાંક એવું ન થાય કે દીકરીની ઈચ્છા પૂરી કરવામાં કઈક ખોટું કાર્ય તમે કરી દો." અવંતિકાબેન ચિંતા સાથે બોલ્યાં.
"અવની , પ્રેમ અને જંગમાં બધું જ ચાલે. સામ, દામ, દંડ, ભેદ. આપણે પણ લવ મેરેજ કરેલા જ છે ને. મિશા કેટલી માનતાઓ પછી નસીબમાં આવી છે. એની આંખનું એક આંસુ મારૂ હદય ચિરી જાય છે. કરોડોની વારસદાર છે અને એક છોકરો એની સંપતિ પર નજર પણ નથી નાખતો તો એનામાં ખરેખર કઈક તો સારા ગુણ હશે જ. જો એ મિશાનો થઈ ગયો તો આ વારસો યોગ્ય હાથમાં સચવાઈ જશે અને આપણે પણ." આમ કહી અશ્વિનભાઈ રૂમમાં જતાં રહ્યાં.
રૂમમાં આવી તેમણે કોઈકને કૉલ લગાવ્યો.
"હેલો...એક કામ છે. વિક્રાંત મહેરા...શામળદાસ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ભણે છે. મને એના વિષેની રજેરજ માહિતી જોઈએ ચોવીસ કલાકની અંદર." આમ કહી તેમણે ફોન મૂકી દીધો.
જમાનો જોઈ ચૂકેલા અશ્વિનભાઈ બિઝનેસ પર એમ જ ટોપ પર પહોંચ્યા ન હતાં. કઈ કેટલીય રાજનીતિ એમાં પણ ચાલી જ હશે. તેમણે વિચાર્યું કે પહેલા એમ જ દાણો દબાવી જોવો. જો પ્રેમથી કામ થતું હોય તો બીજો કોઈ રસ્તો અપનાવવો નહિ.
આ બાજુ મિશા ખુશીથી ઝૂમી ઉઠી. એને ખબર હતી કે એના પપ્પા જે કહે છે એ કરીને દેખાડે છે. પોતાની જાતને અરીસામાં જોઈ તે બોલી, "રેના, હમેશા રૂપ જ કામમાં આવે એવું જરૂરી નથી. પૈસાના જોરે પણ કોઈને પામી શકાય છે. આજ પહેલી વાર મને મારા પપ્પાની આટલી સંપતિ પર અભિમાન થાય છે. મને ખબર છે વિકીની આર્થિક પરિસ્થિતિ સામાન્ય છે. એ જરૂર પૈસાને પ્રાધાન્ય આપશે જ. બસ, પછી હું વિકીની બાહોમાં હોઈશ. હાર માની લે એ મિશા નહિ. તારે તો જવું જ પડશે એની લાઈફ માંથી. તું મારી દોસ્ત છે પણ આજે સવાલ મારી જિંદગીનો પણ છે. પ્રેમ અને દોસ્તીમાં હમેશા જીત પ્રેમની જ થાય છે." આમ કહી તેણે એક ફ્લાઈંગ કિસ અરીસા સામે જોઇને કરી લીધી.
( ક્રમશ:)
અશ્વિનભાઈ શું કરશે વિકી સાથે?
વિકી પ્રેમ અને પૈસામાંથી શું પસંદ કરશે?
જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ.