અ - પૂર્ણતા - ભાગ 37 Mamta Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

અ - પૂર્ણતા - ભાગ 37

વિકીએ રેનાને પ્રપોઝ કર્યું છે એ વાત સાંભળી પરમ અને હેપ્પી બંનેના મોઢામાંથી એક સરખો ઉદ્દગાર નીકળ્યો, "વોટ? ક્યારે?"
           બંનેના મોં ખુલ્લા અને આંખો મોટી થઈ ગઈ હતી. આ જોઈ રેના બે મિનિટ ચૂપ થઈ ગઈ. આ વાત આવી રીતે કહેવાની ન હતી એ એને હવે સમજાયું, પણ તીર કમાનમાંથી છૂટી ગયું હતું એટલે હવે પડશે તેવા દેવાશે એવું જ રેનાએ વિચાર્યું.
           હેપ્પી તો ગુસ્સાથી લાલ થઇ ગઇ. "વિકીની આટલી હિંમત કેમ થઈ કે એ તને પ્રપોઝ કરે?"
          પરમ હેપ્પીની વાત સાંભળી બોલ્યો, "જેમ મે હિંમત કરી એમ વિકીએ કરી. એમાં તને આટલો પ્રોબ્લેમ કેમ છે? મે પ્રપોઝ કર્યું ત્યારે તો તું કઈ બોલી નહિ, તો વિકીએ પ્રપોઝ કરીને શું ગુનો કરી લીધો?"
         "પરમ, પ્લીઝ તું વિકીની વકીલાત કરવાનું મૂકી દે. મને એ છોકરો આજુબાજુ પણ હોયને તો ખબર નહિ નેગેટિવ વાઇબ્સ જ આવે છે." હેપ્પી પરમ પર વરસી પડી.
         "અરે, તો એ તારો પોઇન્ટ ઓફ વ્યું છે, એમાં વિકીનો શું વાંક?આપણે કરીએ એ લીલાને બીજા કરે એ પાપ? એવું થોડું હોય. જો મને આમાં કઈ ખોટું નથી લાગતું. દરેક વ્યક્તિને પોતાની લાગણી દેખાડવાનો હક હોય છે, ભારત એક લોકશાહી દેશ છે યાર. એમા પણ રેના તો છે જ એવી કે કોઈ પણ છોકરાને પસંદ પાડી જાય તો વિકીને રેના પસંદ પડી તો શું ખોટું છે? તું ઓવર રિએક્ટ કરે છે હેપ્પી." 
         પરમ હજુ પણ વિકીની જ સાઇડ છે એ જોઈ હેપ્પી વધુ તપી ગઈ. "તારા માટે હું મહત્વની છું કે વિકી? તો તું એની જ સાઇડ લે છે ક્યારનો. આ વિકીને તો હું છોડીશ નહિ. પહેલા જ દિવસે એના પર બેસીને એનો રોટલો કરી નાખ્યો હોત ને તો આ દિવસ આવીને ઊભો જ ન હોત. આ બધું તારા લીધે થયું છે પરમ. તું જ એને આપણા ગ્રુપમાં લાવેલ ને."
         "બધું મારા લીધે થયું છે એટલે? તું કહેવા શું માંગે છે? મે થોડું કીધુ હતું એને કે તું રેનાને પ્રપોઝ કર એમ?" હવે પરમ બરોબરનો ખિજાયો.
         "હા, તો, તું જ એને મિત્ર બનાવીને લાવેલોને. બાકી કોલેજમાં કોઈ છોકરાની આજ સુધી રેના સામે નજર નાખવાની પણ હિંમત થઈ છે?"
          પરમ અને હેપ્પી જાણે યુદ્ધ કરી લેવાના મૂડમાં આવી ગયાં હતા. નાસ્તા હાઉસમાં બધા એ બંનેની સામે જ જોઈ રહ્યા હતાં. આ જોઈ રેનાએ મોટેથી રાડ પાડી. "ચૂપ થઈ જાવ બન્ને. એકદમ ચૂપ. હવે જો બે માંથી કોઈ એક પણ શબ્દ બોલ્યા છો ને તો બંનેને મારા હાથનો માર પડશે." 
          રેનાની રાડ સાંભળી બન્ને ચૂપ થઈ ગયા. હેપ્પી નાકના ફોયણા ફુલાવીને બેસી ગઈ. તો પરમ પણ મોઢું ચડાવીને બેસી ગયો. રેનાને લાગ્યું કે અહી વાત કરવી ઠીક નથી આથી તેણે પરમ અને હેપ્પી બન્નેનો હાથ પકડ્યો અને બોલી, "ચાલો મારી સાથે." 
          છોટુને બૂમ મારીને કીધુ, "છોટુ, આજનો ઓર્ડર કેન્સલ." આમ કહી તે પરમ અને હેપ્પીને ખેંચતી જ ત્યાંથી નીકળી ગઈ.
          કોલેજથી નીકળી સીધા બધા હેપ્પીના ઘરે પહોંચ્યા. હેપ્પીના પપ્પા તો જોબ પર હોય તો અહી જ શાંતિથી વાત થશે એવું રેનાએ વિચાર્યું. 
          "બેસો બન્ને અહી ચૂપચાપ. આ શું ઝગડો માંડ્યો છે?"
         "હા, તો ઝગડો જ કરું ને. આ પરમને વિકીની સાઇડ લેવાની શું જરૂર છે?"
         "હું કોઈની સાઇડ નથી લેતો. હું તો ..." 
          "ચૂપ કરો બન્ને. પહેલા પૂરી વાત તો સાંભળો, પછી લડ્યા કરજો." આમ કહી રેના બંનેની સામે બેસી ગઈ. 
          "જ્યાં સુધી હું મારી વાત પૂરી ન કરી લઉં ત્યાં સુધી તમે બન્ને એક પણ શબ્દ નહિ બોલો. ઈઝ ધેટ ક્લીઅર?" 
            હેપ્પી અને પરમે ફક્ત માથું જ હલાવ્યું. ત્યારબાદ રેનાએ બધી જ વાત કહી કે કેવી રીતે વિકીએ તેને પ્રપોઝ કર્યું અને પોતે એને શું જવાબ આપ્યો તે પણ કહ્યું.
          આ સાંભળી હેપ્પી થોડી ખુશ થઈ ગઈ કે ચાલો હજુ રેનાએ હા નથી પાડી. 
          "રેના, સારું થયું તે હા ન પાડી. તને તો ખબર જ છે કે અંકલ..." હેપ્પી આટલું બોલીને અટકી ગઈ.
          "એ બધું પછી...પહેલા તું અને પરમ એકબીજાને સોરી બોલો ચાલો." 
          બન્નેએ એકબીજા તરફ જોયું પણ સોરી કોણ બોલે પહેલા એ વિચારે બન્ને બસ ઊભા રહ્યાં.
         "સોરી, બોલવાનું છે કે હું જાવ અહીથી?" આમ કહી રેના જવા લાગી એટલે પરમ અને હેપ્પી બન્ને એક સાથે બોલી ઉઠ્યા, "સોરી."
         પરમે હેપ્પીને ગળે લગાવી લીધી. "સોરી યાર, મારે મારું મંતવ્ય તારા પર ઠોકી ન બેસાડવું જોઈએ." 
         "ખોટી તો હું પણ છું. મે પણ એ જ કર્યું ને. સોરી."
          "હવે આ પ્રેમલીલા પૂરી થઈ ગઈ હોય તો આગળ વધીએ?" રેના બોલી.
          "ના, મને ભૂખ લાગી છે. તે તો કોલેજમાં નાસ્તો પણ ન કરવા દીધો. આ વિકીની બબાલ મને ભૂખી મારે છે તો તારી તો..." 
        રેનાએ હેપ્પી તરફ એવી રીતે જોયું કે હેપ્પી ચૂપ થઈ ગઈ. 
          "રઘુકાકા, બધા માટે ચા અને નાસ્તો લેતા આવજોને." હેપ્પીએ તેના ઘરમાં ચોવીસ કલાક રહેતા રઘુકાકાને બૂમ પાડી.
          ત્યારબાદ પરમે રેનાને પોતાની પાસે બેસાડી. "જો રેના, તારો જે પણ નિર્ણય હશે, હું અને હેપ્પી તારી સાથે જ રહીશું. બરાબરને હેપ્પી?" 
          હેપ્પીએ આંખોથી જ હા પાડી.
          "પરમ, મે પપ્પા સાથે વાત કરવાની કોશિષ કરી પણ પપ્પા વિશાખાદીદીની ઘટનાને લઈને એટલા ડરી ગયા છે કે કશું પણ સાંભળવા તૈયાર જ નથી."
         "રેના, એનો મતલબ હું એવો કરું કે તું પણ વિકીને પ્રેમ કરે છે?" પરમે આખરે પૂછી જ લીધું.
         "પરમ, ખરેખર તો હું જ મૂંઝવણમાં છું. ક્યારેક લાગે છે આ પ્રેમ છે તો ક્યારેક લાગે છે ફક્ત આકર્ષણ છે. જે રીતે એણે મને ડૂબતાં બચાવેલી એ યાદ કરું તો એમ થાય કે મારા માટે જે પોતાનો જીવ દાવ પર લગાડી દે એવો વ્યક્તિ શોધવા ગયે પણ ન મળે."
         "એ વાત તો સાચી જ છે ને રેના." આખરે હેપ્પીએ પણ એ વાત તો કબૂલી.
           "હેપ્પી, જ્યારે પણ એ મને જોઈને ગીત ગાય છે ત્યારે એની આંખોમાં મે અપાર પ્રેમ જોયો છે. એનો સ્પર્શ મને પણ ગમે છે. મે આજ પહેલા કોઈ છોકરા જોડે દોસ્તી નથી કરી પણ વિકી મને એટલે ગમે છે કે એનામાં કોઈ આડંબર નથી. એના સોંગ પર છોકરીઓ આફરીન પોકારી ઉઠે છે પણ એ કોઈ સામે નજર પણ નથી નાખતો. અરે, મિશા જેવી કરોડપતિ છોકરી છે છતાંય ક્યારેય તેને પણ ઇમ્પ્રેસ કરવાની ટ્રાય નથી કરી એણે. કોઈ જાતના દેખાડા વિના કેટલી સાદગીથી એણે મને પ્રપોઝ કર્યું. એની દરેક વાત મને એની તરફ ખેંચે છે."
          "રેના, કદાચ ક્યાંક એવું તો નથી ને કે ફુવાની બીકના લીધે તું તારી લાગણીને નામ આપતા ડરે છે? જો રેના હિંમત કર્યા વિના તો પ્રેમની ગાડી ક્યારેય પાટા પર નથી ચડતી."
        "હા, હા, પરમ તે તો ત્રણ વર્ષ લગાડી દીધા આપણી ગાડી પાટા પર ચડાવવામાં એનું શું?" હેપ્પી વચ્ચે જ બોલી.
         "હા, તો રેનાને હિંમત એના પપ્પા સામે કરવાની છે અને મારે તો એક વાવાઝોડા સામે કરવાની હતીને!! અમથી તો તું ડોન બનતી ફરે છે. પ્રેમ તો તને પણ હતો તો તે કરેલી હિંમત?" પરમ હેપ્પી પર જ વિફર્યો.
         હવે હેપ્પી ચૂપ થઈ ગઈ. પછી ધીમેથી બોલી, "મને એમ હતું કે તારા જેવો હેન્ડસમ છોકરો મારા જેવી જાડીને શું કામ પસંદ કરે? હું તો એ ડરથી જ ચૂપ હતી." હેપ્પીની આંખ ભીની થઇ ગઈ.
         "અરે, હવે તું રડતી નહિ હો, બાકી અહી સુનામી આવી જશે ને હું ને રેના તણાઈ જશું." પરમે મજાક કરી અને હેપ્પી હસી પડી. રેના આ બંને વચ્ચેનો પ્રેમ જોઈ રહી.
         "પરમ, શું વિકી પણ મને આવો જ પ્રેમ કરતો હશે? મારે કેમ કન્ફર્મેશન લેવું કે મારા દિલમાં પણ આવી જ લાગણી છે?"
                               ( ક્રમશઃ)
શું પરમ અને હેપ્પી કોઈ આઇડિયા શોધશે કે જેથી રેના પોતાની લાગણી સમજી શકે?
શું હજુ પણ રેના ની જિંદગીમાં કોઈ વળાંક આવશે?