મહારાણી, જેમણે ઇસ્લામ ધર્મ અપનાવ્યો Siddharth Maniyar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મહારાણી, જેમણે ઇસ્લામ ધર્મ અપનાવ્યો

આ સમય ભારતને આઝાદી મળી તેના બે વર્ષ પહેલા એટલે કે 1945નો હતો. તે સમયે દેશના રાજવીઓને લગભગ જાણ થઇ ગઈ હતી કે, દેશ આઝાદ થવા જઈ રહ્યો છે અને રજવાડા નહીં રહે. હવે, રજવાડા જ નહી રહે તો રજાઓનું રાજ કેવું? જેથી જ તે સમયે રાજાઓ પોતાની સંપત્તિ આઝાદ ભારતની સરકારને આપવી ન પડે તેથી સુરક્ષિત જગ્યાએ ખસેડી રહ્યા હતા.

બ્રિટિશ ભારતના સમયની વાત છે. હાલના વડોદરા અને તે સમયના બરોડા સ્ટેટના એક માત્ર એરપોર્ટના રન વે પર એક ડકોટા વિમાન છેલ્લા બે દિવસથી ઉભું હતું. દરમિયાન વૈભવી કાર રનવે પર ઉભેલા ડકોટા વિમાન તરફ આવી. જેમાં સમાન ભરેલો હતો. આ ડકોટા વિમાનનો પાઇલટ અમેરિકન હતો. રન વે પર શું થઇ રહ્યું છે તેની તમામ માહિતી પાઇલટને હતી. લગભગ બે વર્ષ પહેલા જ અમેરિકન પાઇલટે ડકોટા વિમાનને બ્રિટિશ આર્મી પાસેથી વેચાતું લીધું હતું. તે સમયે ડકોટમાં કેટલાક ફેરફાર બાદ તેને મુસાફરો અને સામાનની હેરફેરની પરવાનગી મળી હતી.

હવે, આ વાતને સાચી ગણો કે ખોટી પણ તે સમયના બરોડા રાજ્યના કિંમતી સમાનને લઈને અમેરિકન પાઇલટ ઉડવાની તૈયારી કરી રહ્યો હતો. વિમાનમાં શું લઇ જવાનું હતું તેની પાઇલટને જાણ હતી. જેથી વૈભવી કારમાંથી સામાન વિમાનમાં મુકાઈ રહ્યો હતો ત્યારે અમેરિકી પાઇલટ ડકોટાથી થોડો દૂર ઉભો રહી બધું જ નિહાળી રહ્યો હતો.

સમાન ડકોટમાં શિફ્ટ થઇ રહ્યો હતો ત્યારે એક રૉલ્સ રૉયસ કાર આવીને રનવે પર ઉભી રહી હતી. જેમાંથી અંદાજે 30 વર્ષની ઉંમરના એક સુંદર મહિલા બહાર નીકળ્યાં. દરમિયાન વૈભવી કારમાં આવેલો તમામ સામાન વિમાનમાં ભરાઈ ગયો હતો. જે બાદ સુંદર મહિલા અને તેમની સાથે અન્ય બે મહિલાઓ વિમાનમાં ચઢ્યા અને કૉકપીટની પાછળ વૈભવી ખરશીમાં બિરાજમાન થયા.

સુંદર મહિલા અને તેની સાથેની મહિલાઓ વિમાનમાં બેસી ગઈ હતી સામાન શિફ્ટ થઇ ગયો હતો એટલે અમેરિકી પાઇલટ સમજી ગયો કે તેને હવે, શું કરવાનું છે. કોકપીટમાં જતા પહેલા અમેરિકી પાઇલટે સુંદર દેખાતી મહિલા સાથે વાત કરી. તેને મહિલાને જણાવ્યું કે, સામાનમાં શું છે તેની મને જાણ છે, જેથી હવે, ટ્રાન્સપૉર્ટ કૉસ્ટ વધી જશે.

સુંદર દેખાતી મહિલા પરિસ્થિતિ સમજી ગઈ હતી. જોકે, તેને સમગ્ર વાતની કોઈ જ નવાઈ ન હતી. તેને કદાચ પહેલાથી જ ખ્યાલ હતો કે, સામાન ડકોટમાં ગોઠવાયા બાદ પાઇલટ વધારે રકમની માગણી કરશે. જેથી તેમને કોઈ પણ શબ્દ ઉચ્ચાર્યા વિના પોતાના પર્સમાં હાથ નાખ્યો. પાઇલટને એમ હતું કે, વધારે રકમ મળશે પરંતુ થયું કંઈક એવું કે તે પણ ચોંકી ઉઠ્યો. મહિલાએ પર્સમાંથી રિવોલ્વર કાઢી અને પાઇલટના મોંઢા પર તાકી દીધી અને આંખમાં આંખ નાખી ખુમારીથી કહ્યું તને જે સૂચના મળી છે બસ તેનો અમલ કર.

મહિલાના અંદાજથી જ પાઇલટ સમજી ગયો હતો કે હવે, કશું બોલવા જેવું નથી. જેથી તે ડકોટાના કોકપીટમાં ગયો અને પ્લેન યુરોપ લઇ જવાની તૈયારી શરૂ કરી. પાઇલટને ગન બતાવી ખુમારીથી ધમકી આપનાર મહિલા કોઈ બીજી નહીં પરંતુ વડોદરાના ગાયકવાડ સ્ટેટના મહારાજા પ્રતાપસિંહ રાવ ગાયકવાડના બીજા પત્ની મહારાણી સીતાદેવી હતાં. પ્લેનમાં મહારાણી સીતાદેવી સાથે 56 જેટલા બોક્સ હતા. જેમાં વડોદરાના ગાયકવાડ પરિવારના શાહી ખજાનાનો કિંમતી હિસ્સો હતો.

આ ઘટના બાદ મહારાણી સીતાદેવીએ પેરિસમાં તેમનું ઘર બનાવ્યું હતું. તે સમયે તેમની સાથે તેમના કેટલાક વિશ્વાસુ પણ ત્યાં રહેતા હતા. જે પૈકી એક વિશ્વાસુને જ મહારાણી સીતાદેવીએ આ વાત કહી હોવાનું કહેવાય છે. જોકે, આ વાત સાચી છે કે ખોટી તે તો મહારાણી સીતાદેવી કે તેમના વિશ્વાસુ જ કહી શકે, પરંતુ જે મહારાણી સીતાદેવીને ઓળખતા હતા તે આ વાત પર વિશ્વાસ કરતા હતા. કારણ કે તેમને ખબર હતી કે, સીતાદેવી વાઘનો શિકાર કઈ રીતે કરવો તેનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હતા.

જવેલરી અને ફેશન જગતના તજજ્ઞ અને લેખક માઇલન વિલ્સન્ટે તેમના પુસ્તક વૅન ક્લીફ ઍન્ડ આર્પેલ્સ : ટ્રેઝર્સ ઍન્ડ લિજેન્ડ્સમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. માઇલને તેમના જીવન કાળ દરમિયાન વિન્ટેજ જવેલરી એટલે કે, રજવાડાની જવેલરી પર ઘણું સંશોધન કર્યું છે. એટલું જ નહીં તેમના સંધોશનનું તેમને પુસ્તકના સ્વરૂપમાં દસ્તાવેજીકરણ પણ કર્યું છે.

સીતાદેવી વડોદરાના ગાયકવાડ પરિવારના એવા મહારાણી હતી જેમની પ્રેમ કહાની પણ ઘણી ચર્ચામાં રહી હતી. એટલું જ નહીં તેમના પ્રેમ લગ્નના કારણે વિવાદ પણ થયો હતો. પરણિત સીતાદેવી વડોદરાના મહારાજા પ્રતાપસિંહ રાવ ગાયકવાડનાં પ્રેમમાં પડ્યાં હતાં. એક પુત્રના માતા હોવા છતાં તેમને પ્રતાપસિંહ રાવ સાથે પ્રેમ સંબંધ બંધાયો ત્યારે સીતાદેવીને એક બાળક પણ હતું અને વડોદરાના રાજા પ્રતાપસિંહ આઠ સંતાનોના પિતા હતા. આવા સંજોગોમાં બન્નેના લગ્ન વચ્ચે ગણા અવરોધ હતા. જોકે, તે સમયે સીતાદેવીએ પ્રતાપસિંહ સાથે લગ્ન કરવા માટે ભરેલી પગલું આજે પણ ભારતના રાજવી પરિવારોના ઇતિહાસમાં બેજોડ મનાય છે.

ભારતના રાજવી પરિવારોની પ્રેમ કહાનીની વાત આવે ત્યારે સીતાદેવની કહાની વિના ઇતિહાસ પણ અધૂરો છે. ભારતીય રાજવી પરિવારોમાં સીતાદેવીનું નામ ખાસ છે. સીતાદેવીના સમયમાં તેમના વ્યક્તિત્વ જ નહીં પરંતુ તેમની જવેલરી અને તેમની સાડીઓની ભવ્યતા અને તેના રંગોથી ભરપૂર કલેક્શનની પણ દેશ-વિદેશમાં ચર્ચા થતી હતી. ઇતિહાસના જાણકારોના મતે મહારાણી સીતાદેવી તેમના જમાનામાં લેવીશ લાઈફ જીવતા એક ગ્લેમરસ મહિલા હતા. ગુજરાતીમાં એક કહેવત છે કે, મહિલા એટલી સુંદર હોય કે પાણી પીવે તો ગળામાંથી તે પાણીને પણ જોઈ શકાય. સીતાદેવીનું સૌંદર્ય પણ કંઈક એવું જ હતું. તેમના સમયમાં રાજવી પરિવારની મહિલાઓ વાળ ઢાંક્યા વિના બહાર દેખાતી ન હતી કે નીકળતી ન હતી તેવા સમયે તેમને રાજવી પરિવારોની આ રૂઢિવાદી પરંપરા અને માન્યતાઓ સામે બળવો પોકાર્યો હતો.

1917માં 12મી મેના રોજ તે સમયના મદ્રાસ અને આજના ચૈન્નઈમાં સીતાદેવીનો જન્મ થયો હતો. તેઓ પીઠાપુરમ્ રજવાડાના રાજા શ્રીરાજરાવ વેંકટકુમાર મહપતિ સૂર્યરાવ બહાદુર ગારુ અને ચિન્નમ્મામ્બાનાં પુત્રી હતાં. તે સમયમાં મદ્રાસ પ્રાંતના મહત્વના રજવાડામાં પીઠાપુરમનું નામ આવતું હતું. વાયૂરના મોટા જમીનદાર એમ. આર. અપ્પારાવ બહાદુર સાથે સીતાદેવીનાં પહેલાં લગ્ન 1933માં થયાં હતાં. જે લગ્ન દરમિયાન તેમને એક પુત્ર પણ હતો. તે સમયે સીતાદેવીના ખાસ મિત્ર હૈદરાબાદના સાતમા નિઝામનાં પુત્રવધુ પ્રિન્સેસ નિલોફર હતા.

ગાયકવાડ પરિવારના સભ્યએ એક સમાચાર પત્રને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, 1943માં મદ્રાસ પ્રાંતના એક રેસકોર્સમાં મહારાજા પ્રતાપસિંહ રાવ ગાયકવાડ અને સીતાદેવીની મુલાકાત થઇ હતી. જ્યાં તેમની આખો મળી અને પ્રેમ કહાનીની શરૂઆત થઇ હતી. સીતાદેવીનું સૌંદર્ય એટલું અદ્ભુત હતું કે પ્રતાપસિંહ રાવ પણ મોહી ગયા હતા. બીજી તરફ મહારાજા પ્રતાપસિંહ રાવના વ્યક્તિત્વથી સીતાદેવી પણ આકર્ષાઈ ગયા હતા. જેથી તેમને પહેલી મુલાકાતમાં જ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

આઝાદ ભારતમાં સરદાર પટેલ નીચે મિનિસ્ટ્રી ઑફ સ્ટેટ્સમાં સચિવ પદે કામ કરનારા વી. પી. મેનન તેમના પુસ્તક ઇન્ટીગ્રેશન ઑફ ધ ઇન્ડિયન સ્ટેટ્સમાં લખ્યું છે કે, 1939માં પ્રતાપસિંહ રાવે વડોદરાની ગાદી સંભાળી હતી. જે બાદના ત્રણથી ચાર વર્ષમાં જ તેમના સલાહકારોના પ્રભાવમાં તેમણે બીજાં લગ્નનો કૉન્ટ્રાક્ટ કર્યો. સલાહકારોની સલાહ અને તેના બાદ ભરવામાં આવેલું પગલું પ્રતાપસિંહ રાવના પદ અને ગરિમાને ગંભીર નુકશાન કરનારું હતું.

તેમની પ્રેમ કહાનીમાં લગ્ન કરવા એટલું સહેલું ન હતું. સીતાદેવીના પતિ અપ્પા રાવે આ લગ્નનો વિરોધ કર્યો હતો. તેઓ સીતાદેવીને છોડવા માટે તૈયાર ન હતા. જેથી પ્રતાપસિંહ રાવે પોતાના સલાહકારો પાસે કાયદાકીય સલાહ લીધી. તેમના સલાહકારોએ આપેલી કાયદાકીય સલાહના કારણે જ ભારતીય રાજવી પરિવારોના ઇતિહાસમાં એક વિવાદના અધ્યાયને જન્મ આપ્યો.

મેનન પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે કે, પ્રતાપસિંહ રાવે 1929માં કોલ્હાપુરના ઘોરપડે પરિવારના શાંતાદેવી સાથે લગ્ન કર્યા હતા. જે લગ્નમાં તેમને આઠ સંતાન હતા. 1933માં લગ્ન બાદ પ્રતાપસિંહ રાવ સાથે પ્રેમ થતા 1944માં ઑક્ટોબર મહિનામાં સીતાદેવીએ કોર્ટમાં એક ઘોષણાપત્ર રજૂ કર્યું હતું. જેમાં તેમણે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હોવાનું જણાવી પહેલા લગ્ન ફોક ગણવા માટે અરજ કરી હતી.

મેનનના પુસ્તક અનુસાર સીતાદેવીએ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને પછી તેમના પતિને પણ ઇસ્લામ ધર્મ અપનાવવા માટે કહ્યું હતું. જોકે, સીતાદેવીના પતિ તેમ કરવા તૈયાર ન હતા. તેથી સીતાદેવીએ મદ્રાસની સીટી કોર્ટમાં અરજી કરી અને તલાકની માગણી કરી હતી. ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હોવાથી સીતાદેવીને તલાક પણ મળી ગયા હતા. જોકે, તલાક મળ્યા બાદ સીતાદેવીએ પુનઃ હિન્દૂ ધર્મ અપનાવ્યો અને મહારાજા પ્રતાપસિંહ રાવ ગાયકવાડ સાથે લગ્ન કર્યાં. તેજ વર્ષમાં 26થી 31 ડિસેમ્બરના સમય દરમિયાન સીતાદેવીએ આર્ય સમાજી પદ્ધતિથી હિન્દુ ધર્મ અપનાવ્યો અને પ્રતાપસિંહ સાથે લગ્ન કર્યા.

જોકે, સલાહકારોની સલાહથી લેવાયેલા પગલાં બાદ પણ તેમની મુશ્કેલીઓનો અંત આવ્યો ન હતો. ગાયકવાડ રાજ્યમાં પહેલી પત્ની જીવિત હોય તો બીજા લગ્ન કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. તે સમયમાં ગાયકવાડ સરકારે દ્વિપત્ની નિષેધક કાયદો અમલમાં મુક્યો હતો. પરંતુ પ્રતાપસિંહ રાવે કહ્યું હતું કે, કાયદા રાજાને લાગુ ન પડે તેમ કહી કાયદાનું પાલન કરવાનો ઇન્કાર કર્યો હતો.

ગુજરાતના ખ્યાતનામ ઇતિહાસકાર રિઝવાન કાદરીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ત્રીજી જાન્યુઆરીએ એક સમાચાર પત્રમાં મહારાજાના લગ્નના સમાચાર છપાયા. તેની શીર્ષક હતું કે, મહારાજાનાં લગ્ન મુંબઈમાં થયાં ત્યારે મહારાણી શાંતાદેવીની શું સ્થિતિ થઈ હશે? એક મરાઠી અખબારમાં છપાયેલા અહેવાલને ટાંકીને ગુજરાતી અખબારે લખ્યું હતું કે, પ્રતાપસિંહનાં લગ્નની ગંધ ચાર મહીના પહેલાં જયારે મહારાણી અને બાળકો મુંબઈ તેમજ મસૂરી ગયા અને મહારાજ નીલગિરિનાં જંગલોમાં હાથીનો શિકાર કરવા ગયા ત્યારે જ આવી ગઈ હતી.

કાદરી વંદેમાતરમ્ અખબારના 15 જાન્યુઆરી, 1944ના રોજ છપાયેલા એક અહેવાલને ટાંકીને કહ્યું હતું કે, તે વખતે નારી સંગંઠનોએ પણ આ બીજાં લગ્નનો ખુબ વિરોધ કર્યો હતો. તેમની સાથે સાથે પ્રજામંડળના કેટલાક નેતાઓએ પણ વિરોધ કર્યો હતો. પ્રજામંડળના આ નેતાઓએ સવાલ પૂછ્યો કે, કાયદા ઘડનાર જ કાયદાનો ભંગ કઈ રીતે કરી શકે?

વૅન ક્લીફ ઍન્ડ આર્પેલ્સ : ટ્રેઝર્સ ઍન્ડ લિજેન્ડ્સ પુસ્તકમાં ઉલ્લેખ છે કે, આ મામલે બ્રિટિશ સત્તાધીશોએ શરૂઆતમાં પ્રતાપરાવના બીજાં લગ્નને માન્યતા આપવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ બાદમાં લગ્નને શરતી માન્યતા આપવામાં આવી હતી. જેમાં શર્ટ કરવામાં આવી હતી કે, બરોડા સ્ટેટનો વારસ શાંતાદેવીથી થયેલો પુત્ર જ રહેશે. માન્યતા આપ્યા બાદ પણ અંગ્રેજોએ સીતાદેવીને મહારાણીના પ્રોટોકૉલ પ્રમાણે હર હાઇનેસ તરીકે સંબોધન કરવાનું ટાળ્યું હતું.

આ જ પુસ્તક અનુસાર એક દિવસ પ્રતાપસિંહ સીતાદેવીને નઝરબાગ મહેલમાં લઈ ગયા. જ્યાં તેમને ગાયકવાડ પરિવારનો શાહી ખજાનો દેખાડ્યો હતો. ખજાનાના હીરા ઝવેરાત જોઈને સીતાદેવી અચંબિત થઇ ગયા હતા. ગાયકવાડી ખજાનામાં દુનિયાની ઘણા દુર્લભ અને બેશકિંમતી રત્નો જડિત અદ્ભુત ચીજવસ્તુઓ અને ડાયમન્ડ્સ, મોતી તથા કિંમતી પથ્થરોથી મઢેલા અનેક ઝવેરાત હતા. એવું કહેવાય છે કે, તે સમયે ભારતનું ત્રીજું સૌથી સમૃદ્ધ રાજ્ય ગાયકવાડનું બરોડા સ્ટેટ હતું. એટલું જ નહીં વૅન ક્લીફ ઍન્ડ આર્પેલ્સ : ટ્રેઝર્સ ઍન્ડ લિજેન્ડ્સ પુસ્તકમાં પ્રતાપસિંહને ભારતના તે સમયના બીજા સૌથી શ્રીમંત રાજા ગણાવ્યા હતા.

પ્રતાપસિંહ રાવ પાસે નાણાંની અછત ન હતી. એટલે સીતાદેવીના તમામ શોખ પુરા થતા હતા. તે સમયે સીતાદેવીના વિદેશ પ્રવાસ, મોંઘી ચીજવસ્તુઓની શૉપિંંગ અને રૉયલ પાર્ટીઝનાં તમામ શોખ પુરા થતા હતા. તેઓ મોંઘી મોંઘી બ્રાન્ડેડ વસ્તુઓ જ વાપરવાનો આગ્રહ રાખતાં હતા. જોકે, સીતાદેવી સાથે લગ્ન બાદ ગાયકવાડ પરિવારમાં ખટરાગની શરૂઆત હતી હતી. જાણકારો કહે છે કે, પ્રતાપસિંહ રાવનાં પ્રથમ પત્ની શાંતાદેવી અને સીતાદેવી વચ્ચે સંબંધો હંમેશા વણસેલા જ રહ્યા હતા.

ગાયકવાડ પરિવાર પર સંશોધન કરનાર વડોદરાના એક સંશોધક ચંદ્રશેખર પાટીલે એક મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, શાંતાદેવી અને સીતાદેવી બંને અલગ અલગ મહેલમાં રહેતા હતા. લક્ષ્મીવિલાસ પેલેસમાં શાંતાદેવી જયારે સીતાદેવી મકરપુરામાં વિસ્તારમાં આવેલા પેલેસમાં રહેતા હતા. તો ગાયકવાડ પરિવારના એક સભ્યે જણાવ્યું હતું કે, સીતાદેવીને શિકારનો શોખ હતો. જેથી તેઓ બંદૂક પણ ચલાવી શકતા હતા. તેઓ ઘોડેસવારીનો પણ શોખ રાખતા હતા. તેઓ મહેમાનોની આગતાસ્વાગતા કરવામાં પણ પાવરધા હતા. તેમનું જ્ઞાન પણ ખુબ જ વધારે હતું. ભારતીય ભાષા ઉપરાંત યુરીપિયન ભાષાઓના પણ તેઓ જાણકાર હતા. તેમને ફેશન જગતનું જ્ઞાન પણ ખુબ જ હતું.

વિશ્વયુદ્ધ સમાપ્ત થતાં જ પ્રતાપરાવ અને સીતાદેવી 1946માં વિદેશ પ્રવાસે નીકળી ગયા હતા. તેમણે તે સમયે અમેરિકાના પ્રવાસ દરમિયાન ધૂમ ખર્ચો કર્યો હતો. જેમાં પણ સૌથી વધારે ખર્ચ સીતાદેવીએ લક્ઝૂરિયસ ચીજવસ્તુઓ ખરીદવા માટે કર્યો હતો. તેઓ લકઝરી કારનાં પણ શોખીન હતાં. તેમની પાસે મર્સિડીઝ કંપનીએ ખાસ સીતાદેવી માટે ડિઝાઇન કરેલી W126 પણ હતી.

જોકે ગાયકવાડ પરિવારના સભ્યે સીતાદેવીનો બચાવ કરતા કહ્યું હતું કે, સીતાદેવીના વિદેશ પ્રવાસ પાછળનું મુખ્ય કારણ વિદેશથી સારી વસ્તુઓ બરોડા સ્ટેટમાં લાવવી અને તેની સાથે આધુનિક વિચારોનું આદાનપ્રદાન કરવાનો હતો. એટલું જ નહીં તેની સાથે સાથે નવી ટેક્નોલોજી ભારત આવે અને ભારતવાસીઓની સુખાકારીમાં વધારો કરવાનો પણ તેમને આશ્રય હતો.

યુરોપ અને અમેરિકાના પ્રવાસ દરમિયાન સીતાદેવી માટે પ્રતાપસિંહે બરોડા સ્ટેટના ખજાનામાંથી લાખો રૂપિયા ઉપાડ્યા. એક રેકર્ડ મુજબ માત્ર રૂપિયા જ નહીં પરંતુ ભારત સરકારને જાણવા મળ્યું હતું કે, પ્રતાપસિંહ રાવે શાહી ખજાનામાંથી બેશકિંમતી ચીજવસ્તુઓ અને હિરાઝવેરાત પણ ઇંગ્લૅન્ડ મોકલી દીધા છે.

મેનન તેમના પુસ્તકમાં લખે છે કે, પ્રતાપસિંહ રાવે તે સમયે વર્ષે રૂપિયા 50 લાખ ઉપરાંત સ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ રિઝર્વ એટલે કે પ્રજાના ફંડમાંથી 1943થી 1947 સુધીમાં રૂપિયા 6 કરોડ ઉપાડ્યા હતા. એટલું જ નહીં તેમણે બેશકિમતી ઝવેરાત જેમકે સેવન-સ્ટ્રેન્ડ પર્લ નેકલેસ, ‘Star of South, Eugene અને Shahi Akbar’ નામના પ્રાઇસલેસ હીરાઓથી બનેલો ડાયમન્ડ નેકલેસ તથા બે પર્લ કાર્પેટ સહિતની અનેક બેશકિંમતી ચીજવસ્તુઓ ઇંગ્લૅન્ડ મોકલી દીધી હતી. જાણકારો કહે છે કે, આ પૈકીનો ઘણોબધો બેશકિંમતી ખજાનો સીતાદેવી પાસે મોકલાવ્યો હતો. તો ઇતિહાસકાર રિઝવાન કાદરીએ જણાવ્યું હતું કે, કરોડો રૂપિયાનો ખજાનો પ્રતાપસિંહ રાવે વડોદરાથી વિદેશ મોકલ્યો હતો તેની માટે સુઆયોજિત વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જે ઘણા સમયથી ચાલતી હતી.

મેનને તેના પુસ્તકમાં જણાવ્યું છેકે, વડોદરાના જવાહર ખાનાના ઍકાઉન્ટમાં 1.5 કરોડની નવી જ્વેલરી ખરીદી હોવાની એન્ટ્રી પણ સંશોધન દરમિયાન મળી હતી. જોકે, તે એન્ટ્રીમાંથી ઘણી ચીજવસ્તુઓ ગાયબ હતી. જોકે, એવું પણ માનવામાં આવે છે કે, તે જવેલરીને તોડીને નવી જવેલરી બનાવવામાં આવી હોય શકે છે. સંશોધન દરમિયાન જવાહરખાનામાં ઘણી કિંમતી ચીજવસ્તુઓ ગેરકાયદે હોવાનું પણ જણાઈ આવ્યું હતું.

મેનને તેના પુસ્તકમાં કહ્યું છે કે, આખા મામલાની તપાસ માટે ભારત સરકારે ઓડિટ કરવા માટે વિશેષ અધિકારીની નિમણુંક પણ કરી હતી. પર્નાતું પ્રતાપસિંહ રાવે તપાસમાં કોઈ મદદ કરી ન હતી. જેથી તપાસ પૂર્ણ થઇ શકી ન હતી.

ઇતિહાસકાર ચંદ્રશેખર પાટીલે જણાવ્યું હતું કે, ભારતના રાજવી પરિવારો પાસે વિશેષ પાસપોર્ટ હતા. જેથી તેઓની વિદેશ મુલાકાત દરમિયાન તેમનું ચેકિંગ થતું ન હતું. એવું પણ કહેવાય છે કે, વિશેષ પાસપોર્ટનો ફાયદો લઈને એદગર દેગાસ અને પિકાસોનાં મોંઘાદાટ ચિત્રો સહિતની ઘણી વસ્તુઓ સ્યૂટકેસમાં બંધ કરી વિદેશ મોકલી અપાતી હતી. તો બચાવ કરતા ગાયકવાડ પરિવારના સભ્યે જણાવ્યું હતું કે, ગાયકવાડ પરિવાર કશું પણ ચોરી છૂપેથી લઇ જતા ન હતા. તે તમામ સંપત્તિ તેમની હતી અને તેઓ લઇ જતા હતા તેમાં કશું જ ખોટું નથી. તે તેમનો અંગત મામલો હતો.

બરોડા સ્ટેટ સહિત અન્ય રાજ્યમાં એક પ્રથા કે નિયમો હતો. જે અનુસાર રાજવી પરિવાર રાજ્યના ખજાનામાંના ઝવેરાત ખાનામાંથી ચીજવસ્તુઓને વ્યક્તિગત ઉપયોગમાં લઇ શકે છે. પરંતુ તેને પરત ઝવેરાતખાનામાં જમા કરાવવાના હતા. જોકે, પ્રતાપસિંહ રાવ તેમ ન કરતા હોય ચીજવસ્તુઓ ગાયબ થતાં ભારત સરકારને તેમના પર શંકા હતી. તે ઉપરાંત પણ બરોડા સ્ટેટના ભારતીય સંઘમાં વિલિનીકરણને લઈને તેમના વ્યવહાર બાબતે પણ ભારત સરકાર તેમનાથી નારાજ હતી.

જોકે, તે સમયે પ્રતાપસિંહ રાવે તેમની પર લગાવવામાં આવેલા તમામ આરોપોનું ખંડન કર્યું હતું અને તેમને કરેલો તમામ ખર્ચ પણ પરત કવાની ખાતરી આપી હતી. મેનન કહે છે કે, પ્રતાપસિંહ રાવે આરોપોનું ખંડન કર્યું હોવા છતાં ભારત સરકારે 1951માં આર્ટિકલ 366 (22) અંતર્ગત પ્રતાપસિંહ રાવને મહારાજાપદેથી હઠાવ્યા હતા. તેમજ તેની જગ્યાએ તેમના વરિષ્ઠ પુત્ર યુવરાજ ફતેસિંહને બરોડાના મહારાજાની પદવી આપી હતી. એક તરફ પ્રતાપસિંહની મહારાજ પદેથી હકાલપટ્ટી અને બીજી તરફ સીતાદેવીના શોખમાં વધારો થવા લાગ્યો હતો.

ગાયકવાડ પરિવારના સભ્યે જણાવ્યું હતું કે, અમેરિકન સોશિયલાઇટ વેલિસ સિમ્પસન ઇંગ્લૅન્ડના રાજા ઍડવર્ડ અષ્ટમના પ્રેમમાં હતા. સિમ્પસન સાથે લગ્ન કરવા માટે ઍડવર્ડ અષ્ટમને ગાદી છોડવી પડી હતી, કારણ કે સિમ્પસનનાં પહેલાં બે લગ્ન તૂટ્યા હતા. તેથી બ્રિટનનો રૂઢિવાદી સમાજ તેમને સ્વીકારવા તૈયાર ન હતો. વેલિસ સિમ્પસન સાથે લગ્ન કર્યા બાદ ઍડવર્ડ અષ્ટમ ડ્યૂક ઑફ વિન્ડ્સર બન્યા અને વૉલિસ સિમ્પસન ડચેસ ઑફ વિન્ડ્સર. સિમ્પસન અને સીતાદેવીની કહાની ખુબ જ મળતી આવતી હતી. જેથી સીતાદેવીને ઇન્ડિયન વેલિસ સિમ્પસન તરીકે પણ સંબોધવામાં આવ્યા હતા.

1949માં સીતાદેવીએ પહેરેલો 78.5 કૅરેટ ઇંગ્લિશ ડ્રેસ્ડેન ડાયમન્ડ્સથી બનેલો નેકલેસ સાથેની તેમની તસવીરો પણ ખુબ જ લોકપ્રિય થઇ હતી. એક વાર સીતાદેવીએ મહેમાનોને ખાસ આમંત્રિત કર્યા હતા. જેમાં તેમને પોતાના 30 કેરટ નિલમને ગુડલક માટે ટચ કરવા બધાને આવકાર્ય હતા. પશ્ચિમના ફેશન મેગેઝિનોમાં તેમના ફેશન અને જવેલરી પ્રત્યેના જ્ઞાનની પણ અનેક વાતો પ્રકાશિત થઇ હતી. જેની પણ ભારે ચર્ચા થઇ હતી.

સીતાદેવી પાસે બેશકિંમતી અને બેનુમન ચીજોનો ખજાનો હતો. જેમાં બે નેકલેસ પણ હતા જેનું મુલ્ય 50,400 ડોલર આંકવામાં આવ્યું હતું. તેમના કલેક્શનમાં બે અન્ય બ્લેક મોતીના નેકલેસ હતા જેનું મુલ્ય 42,00 ડોલર હતું. એક રિંગ સેટ હતો જેમાં એક જ બહુમુલ્ય મોતી હતું. જેની કિંમત 33,600 ડોલર હતી. આ સિવાય તેમની પાસે વડોદરાના મહારાજા ખંડેરાવ ગાયકવાડે બનાવડાવેલી વિશ્વ પ્રસિદ્ધ પર્લ કાર્પેટ પણ હતી. આ કાર્પેટ બનાવવા પાછળનું કારણ એ હતું કે, મહારાજા ખંડેરાવને કોઈ પુત્ર ન હતો. જેથી એક મૌલવીએ તેમને કહ્યું હતું કે, જો તેઓ મોહમ્મદ પયગંબરની મદીનાની મસ્જીદ પર ચાદર ચડાવશો તો પુત્ર જન્મ થશે. જેથી ખંડેરાવે અસંખ્ય મોતીમાંથી પર્લ કાર્પેટ બનાવડાવી હતી. પરંતુ તે મદીના પહોંચે તે પહેલા જ તેમનું અવસાન થયું હતું. તે મોતીની કાર્પેટ 8 ફૂટ લાંબી હતી. જેમાં અગણિત મોતીઓ સાથે રૂબી અને પોખરાજ ડાયમંડ અને અનેક કિંમતિ પથ્થરો પણ હતા. તે સમયે આ પર્લ કાર્પેટની કિંમત 5 મિલિયન યુરો આંકવામાં આવી હતી. જોકે, સીતાદેવી પાસેથી આ કાર્પેટ દોહામાં આવેલા નેશનલ મ્યૂઝિયમ ઑફ કતારમાં પહોંચી તે અંગે ઘણી જુદી જુદી વાતો છે. જોકે, તેમાં સત્ય કહાની એ છે કે, આ પર્લ કાર્પેટ હાલ નેશનલ મ્યૂઝિયમ ઑફ કતારનો હિસ્સો છે. સીતાદેવીના મૃત્યુ બાદ આ પર્લ કાર્પેટ જીનેવાના લોકરમાં મળી હતી. જ્યારે 1994માં તેને 31 મિલિયન ડૉલરમાં વેચવામાં આવી હતી.

ફ્રાંસના પેરિસમાં સ્થાયી થતા પહેલાં તેઓ સ્વીટ તથા વૅન ક્લીફ ઍન્ડ આર્પેલ્સ બૂટિકમાં અવારનવાર જોવા મળતા હતા. જ્યાં તેમણે પોતાનું વિશેષ આંતરરાષ્ટ્રીય વર્તુળ પણ ઊભું કર્યું હતું. તે સમયે તેમણે જાક આર્પેલ્સને ઘણી ફેશનેબલ વસ્તુઓ બનાવવા ઑર્ડર્સ પણ આપ્યા. સીતાદેવી નિર્મિત હિન્દુ હાર એક અદ્ભુત રચના હોવાનું કહેવાતું હતું. જે વડોદરાના શાહી ખજાનામાંથી લાવવામાં આવેલા કિંમતી રત્નોથી બનાવાયો હતો. જેમાં 150 કૅરેટથી વધુના 13 કોલંબિયાઈ પન્ના જડવામાં આવ્યા હતા. જેનો આકાર કમળ જેવો હતો.

યુરોપના ફ્રાંસ નજીક આવેલા મોનોકોના મોન્ટેકાર્લોમાં એક વૈભવી મેંશનમાં પ્રતાપરાવ અને સીતાદેવીએ રહેતા હતા. જ્યાં તેઓ અવારનવાર મુલાકાતે આવતા હતા. તે સમયે આ જ મેંશન સીતાદેવીનું કાયમી સરનામું હતું. ત્યાર બાદ સીતાદેવીએ પેરિસમાં પણ એક મકાન લીધું હતું.

બન્નેના લગ્ન જીવનમાં 8 માર્ચ, 1945ના રોજ એક પુત્રનો જન્મ થયો હતો જેનું નામ પ્રતાપસિંહ રાવે તેમના દાદાના સયાજીરાવના નામ પરથી પાડ્યું હતું. પ્રતાપસિંહ રાવનો પુત્ર સયાજીરાવ ચોથા તરીકે ઓળખાયો હતો. જેનું લાડકવાયો નામ પ્રિન્સી રાખવામાં આવ્યું હતું. જોકે, બંને વચ્ચે ખટરાગ વધવા લાગ્યો અને અંતે બન્ને છૂટાં થયા હતા. તે સમયે સયાજીરાવ ચોથા સીતાદેવી સાથે જ હતા. પ્રતાપસિંહ રાવથી અલગ થયા બાદ પણ મહારાણી હોવાનો માન મરતબો તેમને જારી રાખ્યો હતો. તેમની પાસે જે રૉલ્સ રૉયસ કાર હતી તેના પર પણ વડોદરા રાજવી પરિવારનું પ્રતીક ક્યારેય હટાવ્યું ન હતું.

1956માં પ્રતાપસિંહ રાવ અને સીતાદેવીના છૂટાછેડા થયા હતા. જે બાદ 1968માં પ્રતાપસિંહ રાવનું અવસાન થયું હતું. જોકે, સીતાદેવીએ છૂટાછેડા બાદ ઘણી કિંમતી ચીજવસ્તુઓ વેચી હતી. એવું કહેવાય છે કે, પોતાના મોજશોખ પૂરા કરવા તેમજ લાઇફસ્ટાઇલ ટકાવી રાખવા તેમને રૂપિયાની જરૂર પડટી હતી. જેથી તેમને કિંમતી ચીજવસ્તુઓ વેચી હતી.

Van Cleef & Arpels : treasures and legends પુસ્તકમાં લખાયું છે કે, સીતાદેવી વિશે અનેક અફવાઓ પણ હતી. જે પૈકી એક અફવા એવી પણ હ ટી કે, જ્યારે સીતાદેવી વડોદરાથી પેરિસ પહોંચ્યાં ત્યારે તેમને એક ઉજવણી જકરી હતી. જેમાં કેટલાક ગુલામોને આખી રાત નચાવ્યા હતા અને ડાન્સ પાર્ટી કરી હતી. એવી પણ એક અફવા હતી કે તેમની સુંદરતાનું રહસ્ય એક ભારતીય મદિરા આશામાં છુપાયેલું છે. જે મદિરા મોર અને હરણના લોહી, સોના અને મોતીના પાવડર, કેસર, મધથી બનાવવામાં આવતી હતી. જે બાદ તેને નદી કિનારે લાંબા સમય સુધી ફર્મેન્ટેશન માટે રાખવામાં આવતી હતી. એટલું જ નહીં આ મદિરા સીતાદેવીને કિંમતી રરત્નો જડિત સોનાના ગ્લાસમાં પીરસવામાં આવતી હતી.

પુત્ર સયાજીરાવ ચોથા મોટા થઈ રહ્યા હતા. સીતાદેવીની વિવિધ ચાહતમાં સૌથી મોટી ચાહત તેમનો પુત્ર હતો. 1960માં સીતાદેવી અને તેમનો પુત્ર Van Cleef & Arpels દ્વારા યોજાયેલી પાર્ટીમાં મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત હતા. આ પ્રસંગે પિએરે આર્પેલ્સ દ્વારા સયાજીરાવ ચોથાના માનમાં એક હીરાનું નામ પ્રિન્સી રાખવામાં આવ્યું હોવાની જાહેરાત કરવામાં આવી હતી. સીતાદેવીના શોખ અને ખર્ચા મોટા હોવાથી તેમને રૂપિયાની હંમેશા ખોટ રહેતી હતી. જેથી 1974માં તેમની પાસેના જવેલરી કલેક્શનમાંથી કેટલાક ભાગની નીલામી કરવામાં આવી હતી.

સીતાદેવીના પુત્ર પ્રિન્સીને સંગીતમાં ઘણી રુચિ હતી. તેઓ જાઝના ખૂબ જ જાણકાર હતા. જોકે, તેમને પણ તેમની માતાની જેમ પ્રસિદ્ધિનો નશો હતો. તેઓ દારૂ અને નશાને રવાડે ચડ્યા અને 40 વર્ષની ઉંમરે તેમને 1985માં આત્મહત્યા કરી હતી.  પુત્રના આકસ્મિક મોતથી સીતાદેવીને આઘાત લાગ્યો હતો અને એકલવાયું જીવન જીવતા હતા. પુત્રના વિયોગમાં સીતાદેવી પણ બહુ જીવી ન શક્ય અને સયાજીરાવ ચોથાના મૃત્યુના ચાર વર્ષ બાદ 1989માં સીતાદેવીનું પણ નિધન હતું. જોકે, તેમનું અવસાન કુદરતી હતું.