parivar nu sabhy hatu ae jaad books and stories free download online pdf in Gujarati

સભ્ય હતું એ ઝાડ

સ્વયમ સંઘવી 45 વર્ષનો યુવાન ખંતીલો અને મહેનતુ દીકરો. ભાવનગર નજીકના નાનકડા ગામેથી તેના પિતા સવજીભાઈ સંઘવી સુરત આવીને વસ્યા હતા. સવજીભાઈ નાની વયે જ સુરત આવીને વસ્યા હતા. પહેલા તો નોકરી કરી પણ તેમની આગળ વધવાની જીદ તેમને સતત ટકોર કર્યા કરતી હતી. એટલે નોકરીની સાથે સાથે સવજીભાઈએ નાના પાયે કાપડનો વેપાર શરૂ કર્યો.
થોડા સમયમાં જ સવજીભાઈનો કાપડનો વેપાર ગોઠવાય ગયો. દિવસે દિવસે તેમની પ્રગતિ થવા લાગી. દરમિયાન ઘરવાળાએ સવજીના લગ્ન શાંતાબેન સાથે કરવાનો નીર્ધાર કર્યો અને બે મહિનામાં ઘડિયા લગ્ન પણ લેવાયા. શાંતા પણ સવજી આથે સુરત રહેવા આવી ગઈ હતી. બને જણા સુખેથી જીવતા હતા. એટલામાં જ સારા સમાચાર મળ્યા અને સવજીના બાપાએ શાંતાને ગામ બોલાવી લીધી. સારી રીતે દેખભાળના અંતે સવજી અને શાંતાના પ્રેમના પરિણામ રૂપ સ્વયમનો જન્મ થયો.
સ્વયમના જન્મ સમયે તેના દાદાએ એક છોડ વાવ્યો હતો. દાદા તેને સ્વયમની જેમ જ માવજતથી ઉછેરતા હતા. સ્વયમ એક વર્ષનો થયો એટલે શાંતા તેને લઈને સુરત આવી ગઈ. સવજી અને શાંતાએ પ્રેમથી સ્વયમનો ઉછેર શરૂ કર્યો. દીકરાની દરેક ઈચ્છા સવજીભાઈ પુરી કરતા હતા. દર વર્ષે સવજીભાઈ અને શાંતાબેન સ્વયમને લઈને વેકેશન કરવા ગામડે જતા.
સ્વયમ દાદા સાથે રમતો. સ્વયમના જન્મ સમયે રોપેલાં છોડને દાદા સ્વયમની જેમ જ માવજતથી ઉછેરતા હતાં. સ્વયમ પણ તે રોપાને પોતાનું મિત્ર સમજી તેની સાથે વાતો કરતો, શાળામાં બનેલા સારા નરસા પ્રસંગો કહેતો. કોઈક વાર તો તેની સાથે બેસીને કલાકો ના કલાકો વાતો કરતો હતો. દાદા પણ કોઈક વાર તેની સાથે બેસી વાતો સાંભળતા હતા.
દિવસો, મહિનાઓ અને વર્ષો વિતતા ગયા. સ્વયમ નાના બાળક માંથી વયસ્ક બનવા તરફ આગળ વધી રહ્યો હતો. તેની સાથે સાથે દાદાએ રોપેલો છોડ પણ ઝાડ બનવા તરફ આગળ વધી રહ્યો હતો. સવજીભાઇનો વેપાર પણ દિવસે દિવસે વધી રહ્યો હતો. જેથી તેમને તેમજ પત્ની શાંતાબેનને ગામ જવાનો સમય મળતો ન હતો. પરંતુ કંઇ પણ થાય વેકેશન પડે એટલે સ્વયમ તેના મિત્ર એ ઝાડને મળવા જવા માટે રાહ જોતો રહેતો હતો.
સ્વયમે ધો. ૯ની પરીક્ષા આપી હજી નવરો પડયો જ હતો. ધો.૧૦ બોર્ડ શરૂ થવાનું હોય સવજીભાઇ અને શાંતાબેન તેને ગામ મોકલવા માટે તૈયાર ન હતા. પરંતુ સ્વયમે ગામ જવાની જીદ કરી. બે દિવસ સ્વયમે ઉપવાસ કર્યા ત્યારે શાંતાબેન અને સવજીભાઇ અંતે તેને ગામ જવાની મંજુરી આપી. સ્વયમ ગામ ગયો ત્યારે તને ઝાડ સાથે ઘણી વાતો કરી અને દાદા સાથે પણ મઝા કરી.
પછી સ્વયમ સુરત પરત આવ્યો અને તેના અભ્યાસમાં વ્યસ્ત થઇ ગયો હતો. સ્વયમ અભ્યાસની વ્યસ્તતામાં એટલો બધો અટવાયો કે તે ગામ અને ઝાડ બન્ને ભુલી જ ગયો હતો. ધો.૧૦માં સારા ગુણ મેળવી તેને એન્જિનિયરીંગમાં પ્રવેશ લીધો. પહેલા ડિપ્લોમાં ટેક્સટાઇલ અને પછી ડિગ્રી એન્જિનિયરીંગમાં પણ ટેક્સટાઇલમાં અભ્યાસ કર્યો હતો. જે બાદ મેનેજમેન્ટના અભ્યાસ માટે તે વિદેશ ગયો. અંદાજે ૧૦ વર્ષના વાહણા વિતિ ગયા હતા. તે દાદાને કે પછી તેના મિત્ર ઝાડને મળવા જઇ શક્યો ન હતો.
અભ્યાસ પૂર્ણ કરી તે વિદેશથી પરત આવ્યો ત્યારે તેના માતા-પિતા સાથે દાદા-દાદી સહિતના પરિવારજનો તેને લેવા માટે એરપોર્ટ પર પહોચ્યાં હતા. સ્વયમને માતા-પિતાને જોઇ જેટલો આનંદ નહોતો થયો તેના કરતા વધારે આનંદ તેને દાદા-દાદીને જોઇને થયો હતો. દાદાને મળતાની સાથે જ સ્વયમથી રહેવાયુ નહી અને તેને દાદાની તબીયતના સમાચાર પુછવાની જગ્યાએ પોતાના મિત્ર ઝાડના સમાચાર લેવાની શરૂઆત કરી હતી. તેને અમદાવાદથી સુરત જવાની જગ્યાએ જીદ કરી અને સીધો જ દાદા-દાદી સાથે તે ગામ ગયો હતો. જ્યાં તે અંદાજે એક મહિના જેટલો સમય રહ્યો અને પોતાના મિત્ર એવા ઝાડ સાથે સમય વિતાવ્યો. પોતાની ૧૦ વર્ષની વાતો તેની સાથે કરી અને દાદા-દાદી સાથે મઝા કરી.
એક મહિનાનો સમય વિતાવી તે પરત સુરત આવ્યો ત્યારે સવજીભાઇ તેની માટે એક સરપ્રાઇઝ સાથે તૈયાર જ હતા. સવજીભાઇએ પોતાની કંપનીની તમામ ભાગદોડ સ્વયમને સોંપવાનો નિર્ણય લઇ લીધો હતો. જે નિર્ણયને સ્વયમે પણ સ્વીકારી લીધો અને બીજા દિવસથી કંપનીની તમામ જવાબદારી નિભાવવા લાગ્યો હતો. સવજીભાઇએ શરૂ કરેલી કંપનીને દેશના શિખર પરથી વિદેશમાં વિસ્તારવામાં સ્વયમ વ્યસ્ત બન્યો હતો. દરમિયાન સ્વયમના લગ્ન માટે પણ વાતો આવવા લાગી હતી. એક દિવસ સવજીભાઇ અને શાંતાબેનની મરજીથી સ્વયમના લગ્ન દ્રષ્ટી સાથે નક્કી થયા. જેમા સ્વયમની પણ મંજુરી હતી. સ્વયમ અને દ્રષ્ટીના ઘડીયા લગ્ન લેવાયા.
લગ્ન પછી સ્વયમની સાથે સાથે દ્રષ્ટી ઘર અને કંપની બન્નેમાં પોતાનું યોગદાન આપવા લાગી હતી. થોડા સમયમાં દ્રષ્ટીએ સ્વયમને સારા સમાચાર આપ્યા. ઘરના બધા જ ખુશીથી જુમી ઉઠયા હતા. ૯ મહિના વિતી ગયા અને સ્વયમના ઘરે પુત્ર રત્નનો જન્મ થયો. સ્વયમ કંપનીને મોટી કરવા અને દ્રષ્ટી દિકારાને મોટો કરવામાં વ્યસ્ત બની ગયા હતા. તેમને ગામ જવાનો સમય મળતો ન હતો. સ્વયમનો દિકરો પણ અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કરતો હતો. જેથી તેને પણ ગામની મુલાકાતે જવાનો કોઇ હોંશ ન હતો.
દિવસો વિતતા ગયા અને સ્વયમ ૪૫ વર્ષનો થયો. સ્વયમનો દિકરો પણ ૧૨ વર્ષનો થઇ ગયો હતો. એક દિવસ સ્વયમ ઓફિસથી પરત આવ્યો ત્યારે દાદા-દાદી ઘરે આવ્યા હતા. સ્વયમને જોઇને જ દાદાએ કહ્યુ, બેટા સ્વયમ તારા મિત્ર પેલા ઝાડના છેલ્લા દિવસો છે. ગામના વિકાસ માટે નગર પાલિકા દ્વારા તેને તોડી પાડવામાં આવનાર છે. જે સાંભળતાની સાથે જ સ્વયમને તેના નાનપણના દિવસો યાદ આવ્યા અને તે સોફામાં શૂન્યમનસ્ક થઇ બેસી ગયો. થોડી વાત પછી તેની દ્રષ્ટીને બોલાવી ને કહ્યુ આપણે બધાએ આવતીકાલે સવારે મારા મિત્ર એ ઝાડને મળવા માટે ગામ જવાનું છે.
બીજા દિવસે સવારે બધા ગામ જવા નિકળ્યા. રસ્તામાં સ્વયમને વિચાર આવ્યો કે ઝાડને બચાવવાનો કોઇ રસ્તો નિકળે તો કેવી મઝા આવી જાય. તે સતત સુરતથી ભાવનગર નજીક આવેલા પોતાના ગામ સુધી વિચારોમાં લાગેલો હતો. ગામ આવી ગયું પણ તેને કોઇ નિરાકરણ ન મળ્યું. સ્વયમ પરિવાર સાથે ઘરે પહોચ્યો. ઘરે પહોંચતાની સાથે જ તે સીધો ઝાડ પાસે ગયો. તેનો દિકરો અને પત્ની દ્રષ્ટી પણ કુતુહલ સાથે તેની પાછળ પાછળ ઝાડ પાસે ગયા. એ દિવસે સ્વયમ એ ઝાડની સાથે જ બેસી રહ્યો ઘણી વાતો કરી. સ્વયમનો દિકરો પણ તેની સાથે જ રહ્યો. સ્વયમે તેના દિકરાને ઝાડ સાથેના તમામ યાદગાર પ્રસંગો કહીને સંભળાવ્યા. રાતે સ્વયમ ઝાડની નીચે જ ખાટલો ઢાળીને સુઇ ગયો હતો.
બીજા દિવસે સવારે દાદાએ આવીને સ્વયમને ઉઠાડ્યો કે બેટા ઉઠ નગર પાલિકા વાળા તારા મિત્રને પાડી દેવા આવ્યા છે. તે દિવસે સ્વયમની આંખોની સામે તેના ખાસ મિત્ર અને પરિવારના સભ્ય જેવા ઝાડની એક એક ડાળીને કાપીને છેલ્લી થડને કાપ્યું. તેની સાથે જ સ્વયમ પણ સ્તબ્ધ થઇ બેસી ગયો હતો. તેની નજર સામે જ તેનો મિત્ર તેને છોડીને જતો રહ્યો હતો.
બે દિવસ બાદ બધા સુરત પરત ફર્યા. સુરત આવતાની સાથે જ મિત્રની જુદાઇના ગામ સાથે સ્વયમ ઓફિસ ગયો. તે દિવસે સાંજે તે ઓફિસથી પરત આવ્યો ત્યારે તેનો દિકરો ઘરના દરવાજા પર જ તેની રાહ જોઇને ઊભો હતો. તેને સ્વયમને જોઇને તરત જ દ્રષ્ટીને બૂમ પાડીને બોલાવી. દ્રષ્ટી તેના દિકરા સાથે સ્વયમની આંખો બંધ કરી તેને ઘરની પાછળ બનેલા વિશાળ ગાર્ડનમાં લઇ ગયા. જેવી દ્રષ્ટીએ સ્વયમની આંખો ખોલી તેની ખુશીનો કોઇ પાર ન રહ્યો. સ્વયમનો દિકરો એક નાના છોડ પાસે ઉભો હતો. સ્વયમ કંઇ બોલે તે પહેલા જ તેનો દિકરો બોલ્યો પપ્પા તમારા મિત્ર ઝાડનો આજે નવો જન્મ થયો છે. હવે આપણે સાથે મળી તેને ઉછેરીશું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED