Photographerni najare matani mamta books and stories free download online pdf in Gujarati

ફોટગ્રાફરની નજરે માતાની મમતા

વાત વડોદરા શહેરના એક ફોટોગ્રાફર સ્વયમની છે. સ્વયમ લગ્નના ઓડર માટે બે દિવસ પહેલા ઘરેથી નિકળ્યો હતો. ઘરમાં માતા, પત્ની અને દિકરી બધાને ખબર હતી કે સ્વયમ ફોટોગ્રાફી કરવા ગયો છે. બે દિવસના કામ બાદ સ્વયમ ત્રીજા દિવસે સવારે ૪.૩૦ વાગ્યાના અરસામાં રેલવે સ્ટેશનથી પોતાના ઘર તરફ જઇ રહ્યો હતો. તેવામાં જ તેને ઇચ્છા થઇ લાવને પેટ પૂજા કરીને જ ઘરે પહોંચું તો ઘરનાને પણ ચિંતા નહીં. જેથી જેલ રોડ સુધી આવી ગયેલા સ્વયમે પોતાની કાર બરોડા મેડિકલ કોલેજ એટલે કે એસએસજી હોસ્પિટલ તરફ વાળી. હોસ્પિટલમાં આવેલી કેન્ટીન ૨૪ કલાક ચાલુ રહેતી હોય તેને સવારે તાજો નાસ્તો મળશે તેવી આશા હતી અને તે પુરી પણ થઇ.

સ્વયમ એસએસજી હોસ્પિટલની કેન્ટીનમાં બેસીને ગરમાગરમ પૌંઆ અને ચ્હાની મજા માણી રહ્યો હતો. તેની સાથે સાથે મોબાઇલમાં ફેસબુક પર નજર મારી રહ્યો હતો. સ્વયમની આંખો પરથી જ તેના બે દિવસના કામનો થાક દેખાઇ રહ્યો હતો. કામથી થાકેલા સ્વયમને થોડી જ ક્ષણોમાં ફેસબુક જોવાનો પણ કંટાળો આવતા તેને ફોન બંધ કરી પેન્ટના ખીસ્સામાં મુક્યો. નાસ્તો અને ચ્હાની મજા માણી સ્વયમ પોતાની કાર તરફ ગયો તેમાંથી ગોલ્ડફ્લેક લાઇટનું પેકેટ કાઢયું, એક સીગરેટ સળગાવી કાર પાસે ઉભો ઉભો એક પછી એક કસ મારી રહ્યો હતો. તેવામાં જ તેની નજર અંદાજે એકાદ વર્ષના બાળક પર પડી તે તેની માતાની બાજુમાં બેસીને તેના સ્તન માંથી ધાવણ લઇ રહ્યું હતું.

વધારે ઉત્સુકતા થતાં સ્વયમ તે બાળકની નજીક ગયો ત્યારે નજીકમાં ઉભેલા એક વ્યક્તિએ સ્વયમને કહ્યું કે થોડાક દિવસથી આ મહિલા તેના બાળક સાથે અહીં હતી. આર્થિક રીતે કંગાળ હોય તે દવા કરાવી શકે તેમ ન હતી. જેથી તે રોજ ભીખ માંગી પોતાની દવા અને બાળકનું પેટ ભરાય તેટલા રૂપિયા એકઠી કરતી હતી. પરંતુ બીમારી ના કારણે થોડા સમય પહેલા જ મહિલા નું મોત થયું છે. પરંતુ બાળક માતા સ્તન માંથી નિકળતું દૂધ પી પેટ ભરી રહ્યું છે. જેથી અમારી કોઇની હિંમત નથી થતી કે તેને ખેંચી લઇએ. જેથી બાળક જાતે ધાવવાનું બંધ કરે તેની રાહ જોઇ રહ્યાં છે. આ સાંભળતાની સાથે જ સ્વયમની આંખમાં પણ પાણી આવી ગયું.

સ્વયમ હતો તો ફોટોગ્રાફર જેથી તેને તરંત જ આ ક્ષણ કેમેરામાં કેદ કરવાની ઇચ્છા જાગી. પોતાનો થાક ભૂલી તે સીધો જ પોતાની કાર તરફ દોડયો, કારમાંથી કેમેરો કાઢી તે પાછો આવ્યો અને મૃત માતાના સ્તન માંથી ધાવણ લઇ પેટ ભરી રહેલા એ ભૂલકા ની છબી તેને પોતાના કેમેરાની આંખે કંડારી લીધી. પછી ત્યાં હોસ્પિટલ સ્ટાફ આવી ગયો અને મહિલાના શરીર પાસેથી બાળકને લઇ આગળની કાર્યવાહી શરૂ કરી. એટલે સ્વયમ પણ તેના ઘરે જવા નિકળી ગયો. સ્વયમને ઘરે પહોંચીને પણ તેજ દ્રશ્ય નજર સામે આવી રહ્યું હતું. જેથી તેને ઉંઘ પણ ન આવી.

સવારે ૯ વાગ્યે સ્વયમ તૈયાર થઇ ન્યાયમંદિર નજીક આવેલી પોતાની ઓફિસે પહોંચ્યો અને બે દિવસમાં આવેલા ઇ-મેઇલ ચેક કરવા લાગ્યો. તેવામાં જ તેની નજર ફોટો કોમ્પીટીશનના એક ઇ-મેઇલ પર પડી. તે ઇ-મેઇલમાં વિશ્વ કક્ષાની એક ફોટો કોમ્પીટીશનની વિગતો હતી. જેમાં કોમ્પીટીશનનો વિષય માતાની મમતા હતો. તે વાંચતાની સાથે જ તેને વહેલી સવારે હોસ્પિટલમાં કેપ્ચર કરેલો ફોટો યાદ આવ્યો. સ્વયમે પોતાના કેમેરામાંથી મેમેરી કાર્ડ કાઢી ફોટો એડીટ કરવાની શરૂઆત કરી. ફોટો જરૂરીયાત મુજબ એડીટ કરી તેને સાઇઝ સેટ કરી કોમ્પીટીશન માટે મોકલી આપ્યો.

તે વાતને દસએક દિવસનો સમય વિત્યો હશે અને રાતનો ૧૧ વાગ્યોનો સમય હતો. સ્વયમના મોબાઈલ પર અમેરિકાથી એક ફોન આવ્યો. સામે છેડીથી વાત કરનાર વ્યક્તિએ સ્વયમને અભિનંદન પાઠવતા તેનો ફોટો કોમ્પીટીશનમાં પ્રથમ આવ્યાની જાણ કરી અને વધુ વિગતો ઇ-મેઇલ દ્વારા મોકલી હોવાની પણ માહિતી આપી. સ્વયમે બીજા દિવસે ઓફિસ જઇ ઇ-મેઇલ ચેક કર્યો તેમાં તેને ગોલ્ડ મેડલ સાથે રૂ. ૧૦ લાખનું રોકડ ઇનામ મળ્યું હોવાની જાણ થઇ. તે ઇ-મેઇલ વાંચીને તેને આંનદ થયો પણ તેની સાથે તેની નજર સામે તે સવારની ઘટના તાજી થઈ ગઈ. સ્વયમે વિચાર કર્યો કે, મારી માટે રૂપિયા કરતા વધારે મહત્વ ઇનામ જીત્યાનું છે, પરંતુ માતા ગુમાવનાર તે બાળક માટે આ રૂપિયાનું મહત્વ કદાચ આજે નહીં પરતું ક્યારેક તો સૌથી વધારે જ હશે.

જેથી સ્વયમ તેની ઓફિસની બાજુમાં આવેલી ફોટો પ્રીન્ટીંગ લેબમાંથી ફોટોની પ્રીન્ટ કઢાવી અને તે બાળકને શોધવા એસએસજી હોસ્પિટલ પહોંચી ગયો. તેને કેન્ટીન સંચાલક, ત્યાં કામ કરતા માણસો બધાને પુછપરછ કરી પણ તેના હાથ કંઇ લાગ્યું નહીં. તેટલી જ વારમાં તેનો એક મિત્ર જે હોસ્પિટલમાં જ સેવા કાર્ય કરતો હતો તેની નજર સ્વયમ પર પડી. તે સ્વયમની પાસે ગયો અને પુછયું કે, સ્વયમ તું આટલો બેબાકળો બની અહીં શું કરી રહ્યો છે ? કશું અજુગતું તો નથી બની ગયું ને ?એટલે સ્વયમે સંપૂર્ણ વિગતો તેના મિત્રને જણાવી એટલે મિત્રએ પણ પોતાની સેવાની વૃતિ પ્રમાણે મદદ કરવાની પુરી તૈયારી બતાવી. મિત્ર સ્વયમને હોસ્પિટલમાં લઇ ગયો અને નર્સ તેમજ ડોક્ટર અને પોલીસને મળીને તે એકાદ વર્ષના બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી.

એક નર્સ તે મહિલાને ઓળખી કાઢી અને જણાવ્યું કે ગઇકાલે જ પોલીસે મહિલાના પરિવારજનોને શોધી કાઢયા છે. જેથી અનાથ આશ્રમમાંથી બાળક અને કોલ્ડરૂમમાંથી મહિલાની લાશ બન્ને તેના પરિવારજનોને સુપરત કરવામાં આવી છે. તે બાદ અનાથ આશ્રમ પરથી તે બાળકના પરિવારજનોનું સરનામું પણ શોધી કાઢયું. સ્વયમ તરત જ પોતાના બધા જ કામ છોડી તેના મિત્ર સાથે મારતી કારે વડોદરા નજીક આવેલા છોટાઉદેપુર જિલ્લાના એક નાનકડા ગામમાં પહોંચી ગયો. જ્યાં તેને પેલા બાળકનું ઘર પણ શોધી કાઢયું. બાળકને એક ઉંમરલાયક વ્યક્તિ રમાડી રહ્યા હતા. તેમની સાથે વાત કરતા જાણવા મળ્યું કે, તે બાળકના નાના હતા અને બાળકનું નામ કિષ્ણા હતું. સ્વયમે એક પણ ક્ષણ વિચાર કર્યા વિના કિષ્ણાને પોતાના હાથમાં લઇ રમાડયું અને તેના ચેહરા પરનું સ્મીત જોઇ સ્વયમની આંખમાં આસું આવી ગયા. સ્વયમે કિષ્ણાને પાછો તેના નાનાને આપ્યો અને કહ્યું આ મારો ફોન નંબર, મારી ઓફિસ અને ઘરનું સરનામું છે. આજથી આ કિષ્ણાની તમામ જવાબદારી મારી છે. તેને મોટો કરો, ભણાવો અને એક ડોક્ટર બનાવો જેથી જે રીતે તેની માતાનું મોત સારવાર વિના થયું છે તે રીતે બીજા કોઇ કિષ્ણાની માતાનું મોત સારવાર વિના ન થાય. તેનો તમામ ખર્ચ હું આપીશ. આટલું કહેતાની સાથે જ સ્વયમ ત્યાંથી પોતાની કારમાં બેસી પરત વડોદરા આવવા નિકળી ગયો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED