કાંતા ધ ક્લીનર - 25 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાંતા ધ ક્લીનર - 25

25.

કાંતા હોટેલ નજીક આવી પહોંચી. હજી પંદર મિનિટ બાકી હતી. તે સવારની ભૂખી હતી જે હવે ખબર પડી. તેને થયું કે રાઘવને મળું. કદાચ કાઈં થઈ જાય. પછી પોતે પોતાની મેળે નજીકમાંથી કોઈ નાસ્તો લઈને ખાઈ લેશે એમ નક્કી કરી પહેલાં તો રિપોર્ટ કરી દઉં એમ વિચારતી હોટેલનાં પગથિયાં પાસે આવી પહોંચી.

અત્યારે બપોર હતી એટલે કે ગમે એમ, હોટેલની લોબી, દાદર, વેઇટિંગ એરિયા, બધું સાવ ખાલી હતું. આમ તો કોઈ મોડું આવેલું કે નીકળવાની તૈયારી હોય તે ચેક આઉટ કરીને બેઠું હોય. જે હોય તે. કાંતા આગળ વધી.

સહુથી ઉપલાં પગથિયે નાની કાચની કેબિનમાં ઊભેલા વ્રજલાલ તરત ઝડપથી તેની તરફ આવ્યા અને સાવ ધીમા અવાજે કહે "કાંતા, આવી છો એવી જ પાછી જતી રહે. અને જલ્દી કર. આ રસ્તે નહીં, પાછલા રસ્તેથી."

"વ્રજકાકા, તમે આટલા બધાં ટેન્શનમાં કેમ છો? હું રિસેસમાં ગયેલી અને સમયથી વહેલી પાછી આવી છું."

"મારું માન દીકરી, જતી રહે નહીં તો પસ્તાઈશ." તેમણે ખૂબ ચિંતામાં હોય તેવા અવાજે કહ્યું.

તેઓનાં કપાળ પર કરચલી પડી ગયેલી. તેઓ કાંતાને અંદરથી કોઈ જુએ નહીં એવો પ્રયત્ન કરતા હતા.

"એવું તે શું બન્યું છે?" કાંતાએ કાચમાંથી દૂર અંદર જોતાં કહ્યું.

રિસેપ્શન કાઉન્ટર પાસે ખુદ રાધાક્રિષ્નન સર ઊભેલા. તેની નજીક.. અરે, આ તો ગીતા જાડેજા અને પેલા અધિકારી!

"શું બની ગયું આ અર્ધા કલાકમાં, વ્રજ કાકા?"

"પોલીસ આવી છે. તને લઈ જવા. એટલે જ કહું છું. અરે સાંભળે છે? આઉટ, કહું છું જલ્દી કર. ફસાઈ જઈશ."

"કાકા, એક વાર હું સ્ટેટમેન્ટ આપી ચૂકી છું. મારા પર કોઈને શક નથી. ભલે બીજી વાર પૂછી લેતા. હવે તો જતી રહું તો પણ, આજે નહી તો કાલે તેમને ફેસ કરવાના જ છે. તો ભલે એકવાર મળી લઉં." કહેતી તે છેક ઉપર સુધીના દાદરા ચડી કાચનું રિવોલ્વિંગ ડોર ખોલી અંદર જવા જાય છે ત્યાં ખુદ રાધાક્રિષ્નન સર અને સાથે પગ પહોળા કરી અદબ વાળી ગીતાબા ઊભી ગયાં.

"પ્લીઝ. મને જવા દો. મારી ડ્યુટી હમણાં જ શરૂ થાય છે." તેણે કહ્યું અને રાધાક્રિષ્નન સર ની બાજુમાં થઈ જવા ગઈ.

"કાંતા, હવે તારી ડ્યુટી શરૂ નહીં થાય. ફરીથી તું ફરજમુક્ત છો." કડક અવાજે સર કહી રહ્યા. કાંતા માની શકી નહીં. એમની સામે જોયું. તેમની આંખ ભાવશૂન્ય હતી.

"અમારે તને પોલીસ સ્ટેશન લઈ જવી પડશે. સ્ટેટમેન્ટ લેવા અને.. કહી શકાય નહીં આગળ શું." કહેતા પેલા અધિકારી એની એકદમ નજીક જઈ ડોર તરફ આડા ફરી ઊભી ગયા.

"તમે એક વાર તો મારું સ્ટેટમેન્ટ લીધું છે. મારે જે કામ છે એ મને કરી લેવા દો. પછી અહીં જ સ્ટેટમેન્ટ આપીશ." કાંતા એમ કહેતી એમની બાજુમાંથી જવા જાય ત્યાં એમણે જ કાંતાનું બાવડું પકડી લીધું.

"જો કાંતા, આપણી પાસે દરેક કામના મીનીમમ બે રસ્તા હોય. એક સરળ અને બીજો કઠિન."

"હું તો રહી ક્લીનર. કઠિન કામ જલ્દી પતાવું." કાંતાને ખબર નહોતી તે શું ફેસ કરી રહી છે.

"આ અમે તને ત્યાં લઈ જશું ત્યાં આવવું અને અમે કહીએ એમ કરવું એ જ તારે માટે સરળ રસ્તો છે. ચાલ, મોડું નહીં કર." કહેતા તેઓ કાંતાને લઈ પગથિયાં તરફ જવા રિવોલ્વિંગ ડોર ખોલી રહ્યા.

કાંતાના પહેલેથી ભૂખ્યાં પેટમાં ફાળ પડી. તેણે એક નજર પાછળ હોટેલમાં ફેંકી. સહેજ દૂર મોના કોઈ ટ્રોલી પકડી ઊભેલી. તેના મોં પર લુચ્ચું સ્મિત રમતું હતું. કદાચ વિજયનો આનંદ છલકતો હતો.

તેની અને પોલીસ તથા સર વચ્ચે પેસેજમાં, લાઉન્જ માં, રિસેપ્શન પાસે, જ્યાં જગ્યા મળી ત્યાં લોકોનાં ટોળાં એકઠાં થવા લાગેલાં.

આ વખતે તો કાંતા તરફ પહેલાં હાથકડી ધરી પછી એક બાવડું ગીતાબા અને બીજું અધિકારી પકડીને દાદરો ઉતરવા લાગ્યા. રાધાક્રિષ્નન સર કદાચ નિ:સહાય, કદાચ રુક્ષ ભાવે ચશ્મામાંથી તેની સામે જોઈ રહ્યા. તેમનાં લમણા પરથી પરસેવો નીતરતો હતો. ચશ્માં ધુંધળાં થઈ ગયાં હતાં.

ઓચિંતા વ્રજલાલ કાંતાની નજીક આવ્યા.

"દીકરી મૂંઝાતી નહીં. ધ્યાન રાખ, પડી જઈશ." કહેતા તેને હાથ આપી રહ્યા. કાંતાને ખ્યાલ આવ્યો કે તેને ચક્કર આવે છે, કાર્પેટ સર્પાકાર લાગે છે, દુનિયા ફરતી લાગે છે.

રિસેપ્શન પર હમણાં જ આવ્યા હોય એમ અરોરાએ રજીસ્ટરનાં પાનાં ફેરવતાં ડોક વાંકી કરી જોઈએ રાખ્યું. મોના દાંત પીસી અદબ વાળી પોતે દિગ્વિજય કર્યો હોય તેમ ટટ્ટાર ઊભી રહી.

નીચે વાન ઊભી હતી તેમાં પાછલો દરવાજો ખોલી કાંતાને હવે હળવો ધક્કો મારી બેસાડી અને તેની સાથે ગીતાબા બેઠાં. દરવાજો વ્રજકાકા સજળ આંખે બંધ કરી રહ્યા.

ક્રમશ: