24.
'હવે ઝડપ કરવી પડશે.' કહેતી કાંતા પિસ્તોલ એ વેક્યુમ ક્લીનરની અંદર જ સંતાડી, વીંટી હળવેથી એપ્રન ઊંચો કરી ડ્રેસ આગળ ખેંચી તેની અંદર છેક પોતાની છાતીને અડી રહે તેમ સંતાડતી ફટાફટ ત્યાંથી નીકળી. તે ખોટું કામ કરી રહી છે એમ મન પોકારતું હતું છતાં તેણે આકાશ સામે હાથ જોડ્યા.એક પણ સેકંડ રોકાયા વગર બાકીના બધા રૂમની સફાઈ પૂરી કરી તે ટ્રોલી લઈ સર્વિસ લિફ્ટ પાસે ઊભી ત્યારે લંચ અવરના સમયને વીસ મિનિટ હતી. તે ગ્રાઉન્ડ ફ્લોર આવી પહોંચી. બસ, હવે બે મિનિટ. બેઝમેન્ટમાં કર્મચારીઓનાં લોકર હતાં ત્યાં
લિફ્ટ પહોંચે એટલી જ વાર.
રાહત પામતી તે ડોર બંધ થવાની રાહ જુએ ત્યાં લીફટમાં મોના દાખલ થઈ. તેણે ડોર અટકાવ્યું. "તું કામમાં ઉતાવળ કરે છે. કામ બહુ જલદી પત્યું કાઈં?" તે વિચિત્ર રીતે ભવાં ચડાવતાં બોલી.
"તમે જુઓ. બધું જ એકદમ વ્યવસ્થિત રીતે કર્યું છે. કાઈં જ બાકી નથી." કાંતાએ ખુલાસો કર્યો.
"લે, અમારા કોઈથી એટલું જલ્દી થતું નથી ને તારાથી એક્સ્ટ્રા કામ આપેલું એ પણ થઈ ગયું? હવે તરત લંચ માં."
"મેડમ, તમે જુઓ. કોઈ જ કામ બાકી નથી. થોડું કામ છે એટલે લંચમાં સહેજ જલ્દી જઈ જલ્દી પાછા આવવું છે." તેણે કહ્યું.
"હું કોઈને લંચનો સમય થયા વગર જવા દઈશ નહીં. લે ટ્રોલી અંદર અને જા ઉપર. સોંપું કામ."
"મેડમ, કામ ડ્યુટી લીસ્ટ ઉપરાંતનું કર્યા પછી પંદર મિનિટ માટે રોકો તે ઠીક નથી. હું ન છૂટકે hrm કે મોટા સાહેબને વાત કરીશ."
"આવી મોટા સાહેબની ચમચી. ઠીક, જા. હું યે જોવું કયું કામ બાકી છે. બાકી ટીપ.. આજકાલ એ તો.."
બેઝમેન્ટ આવી જતાં કાંતા ટ્રોલી લઈ આગળ કશું સાંભળ્યા વગર નીકળી ગઈ.
તેને યાદ આવ્યું કે પોતાને હોટેલના પરફોર્મન્સ રિવ્યૂ માં A ગ્રેડ મળેલો જ્યારે મોનાને પાછલો. કારણ વગર તેને કાંતા ગમતી ન હતી.
થોડા જ વખત પહેલાં એક ટ્રેનિંગ સેશન વખતે ટ્રેનરે કહેલું, "આપણે સહુ એક મધપૂડાની મધમાખીઓ છીએ. આપણું કામ મધ બનાવવાનું છે. મધપૂડો હશે તો આપણે હશું.
અહીં દરેકે પોતાને ભાગે પડતું કામ કરવાનું છે સાથે બધાએ સામૂહિક રીતે વધુ અને સારું મધ બને એમ પ્રયત્ન કરવાનાં છે.
એક ક્લીનર પણ પોતાની ડ્યુટી પોતાનું અંગત કામ સમજીને કરે તો કામ દીપી ઉઠે. સાવ નબળું કામ જલ્દી ન દેખાય પણ એનાં પરિણામો બધાને અસર કરે. સારું કામ હંમેશાં જલ્દી દેખાઈ આવે, ભલે તે એક ક્લીનર નું હોય કે જનરલ મેનેજરનું. એવા કર્મચારીને શાબાશી આપવી ઘટે."
અનાયાસે તેમનાથી કાંતા તરફ જોવાઈ ગયું.
કાંતા એમ સમજી કે મને શાબાશી મળે છે. તે ઊભી થઈ ગઈ પણ કોઈએ તાળી તો ન પાડી, આખો ક્લાસ હસી પડ્યો. તે શરમાઈને બેસી ગઈ.
ટ્રેનરે પૂછ્યું કે શું તે ક્લીનર છે? તેણે હા કહી. તે શું ભણી છે તે પૂછ્યું. કાંતાએ હોટેલ મેનેજમેન્ટ ડિપ્લોમા એમ કહ્યું.
"તો તમે ઊભાં થયાં એટલે હવે કહો. આ મધપૂડા તરીકે હોટેલની સરખામણીમાં તમે શું શીખ્યાં?"
"સર, એમાં મધપૂડો અને મધમાખી , hive mentality એટલે પોતાનું કામ સમજીને કરવા સાથે એક ટીમ વર્ક. એનાથી આખા યુનિટ, હોટેલની કુલ પ્રોડકટીવિટી વધે છે. સરવાળે એ લાભ કર્મચારીને પાસ ઓન થાય છે."
ટ્રેનરે "શાબાશ. સહુ આ યાદ રાખે." કહી પોતે તાળી પાડી એટલે બધાએ પાડવી પડી.
કાંતાએ પાછળ ફરીને જોયું. હવે બધી આંખો તેની તરફ મંડાયેલી હતી. મોના અર્ધી બંધ આંખે બેઠી હતી અને છેક પાછળ રાઘવ કોઈ વેઇટ્રેસ સાથે કોઈ જોક પર ધીમેથી હસી રહ્યો હતો.
એક ખૂણેથી રાધાક્રિષ્નન સર ઊભા થઈને બોલ્યા "આ ક્લીનર નાનો પણ રાઈનો દાણો છે. હું કહીશ કે સોનાનો."
કાંતા બેસતી વખતે ફુલાઈ રહી.
આવી હતી પોતાની આબરૂ. છતાં આજે પોતે ગેસ્ટની વસ્તુ લઈને નીકળી હતી. તેનો અંતરાત્મા એક બાજુ કહેતો હતો કે જીવણને ખોટી રીતે સાચવવાનું કે આ વીંટી માટે પોતે કાઈંક ચૂપચાપ કરે છે એ ન કરે. પણ સંજોગોએ તેને મજબૂર કરેલી.
વેક્યુમ ક્લીનરની બેગ એક અંધારાં ખૂણે મૂકી તે યુનિફોર્મ સાથે જ બહાર આવી બને એટલી ઝડપથી ચાલતી આગળ શેરીમાં થઈ મેઇન રોડ પર આવી.
તે જ્વેલરની દુકાન પાસે થોભી.
સેલ્સમેનને પોતાના ડ્રેસમાં છાતીને અડીને રાખેલી વીંટી બતાવી. એ જોઈ જ રહ્યો. તેણે અંદર જઈ કુશળ પારેખને બતાવી. એણે માઈક્રોસ્કોપમાં જોયું. આમથી તેમ ફેરવી.
કાંતાના હ્રદયના ધબકારા વધી ગયા હતા. તેના શ્વાસ એકદમ ઝડપથી ચાલતા હતા.
સેલ્સમેને વીંટી લઈ કહ્યું "સો સેડ, આ પુરુષની વેડિંગ રીંગ છે. આવી પ્યોર ડાયમંડ વાળી, સારાં ગોલ્ડની પાછી આપવી પડી મતલબ તમારી જિંદગીમાં કંઈક અસહ્ય બન્યું. અમે તમને દિલાસો આપીએ છીએ. ત્યાં અંદર છેલ્લાં કાઉન્ટર પર જાઓ. તેઓ તમને પૈસા ગણી આપશે."
કાંતા 'સો સેડ ' સાંભળી એકદમ અંદરથી ધ્રુજવા માંડેલી તે હવે એક જ ક્ષણમાં હળવી થઈ ગઈ.
પૈસા પણ વીંટી રાખેલી ત્યાં જ રાખી તે બહાર નીકળી. હવે દુકાનના ડિસ્પ્લે માં અન્ય વૈભવી જ્વેલરી વચ્ચે આ વીંટી ધ્યાન ખેંચતી ચમકતી હતી.
તે ફટાફટ પાછી આવી લંચ અવર પૂરો થવામાં હજી પંદર મિનિટ બાકી હતી
હવે તેને ખ્યાલ આવ્યો કે સવારે તેણે બ્રેકફાસ્ટમાં પણ કશું જ ખાધું નથી. અત્યારે મમ્મી થોડી હતી કે ચા બનાવી આપે અને છેવટ બિસ્કીટ કે કોઈ ફ્રૂટ આપે?
ક્રમશ: