Featured Books
શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 111

"વરસતાં વરસાદની આ મુલાકાત જીવનભર યાદ રહેશે. કમ સે કમ તમે પ્રેમ કરવાની ઈચ્છા તો બતાવી.." સમીરના ચહેરા ઉપર એક સુંદર સ્મિત હતું...
મન પણ ખુશીનું માર્યું ઝૂમી રહ્યું હતું...
અને દિલ...
અનહદ પ્રેમથી ભરેલું દિલ...
તો જાણે હમણાં ઉછળીને બહાર આવી જશે...
એટલો થનગનાટ તેમાં ઉભરાઈ રહ્યો હતો...
પરી હસી પડી અને સમીરની સામે જોઈને બોલી, "ઓકે બાય."
"બાય, માય લવ" અને પરીને તેના ઘરે ડ્રોપ કરીને ખુશી, પ્રેમ અને આંખોમાં કેદ પરીનો ચહેરો સાથે લઈને સમીર પોતાની મંઝીલ તરફ આગળ નીકળી ગયો.
હવે આગળ....
પરીનું એમ બી બી એસ હવે પૂર્ણ થવાના આરે હતું એટલે તે થોડી ટેન્શન ફ્રી હતી.
બસ હવે ફક્ત ઈન્ટર્નશીપ કરવાની બાકી હતી જે કોઈ સારી હોસ્પિટલમાં ગોઠવાઈ જાય તેવી તે મનોમન ઈશ્વરને પ્રાર્થના કરી રહી હતી.

પરી ઘરે પહોંચી ગઈ અને ઘરમાં પગ મૂકતાં વેંત પોતાની માં ક્રીશાને વળગી પડી અને તેને ગોળ ગોળ ફેરવવા લાગી અને બોલવા લાગી, "હવે આ ઘોડો છૂટ્ટો માં, હાંશ આજે મારું ટેન્શન દૂર થયું."
તેને આમ ઘરમાં આવતાં વેંત કિલ્લોલ કરતાં જોઈને ઘરના દરેક સભ્યોને સારું લાગ્યું સિવાય કે છુટકીને..
કારણ કે તેને હજી એક્ઝામ બાકી હતી.
નાનીમા પણ પરીનો અવાજ સાંભળીને લાકડીના ટેકે ટેકે બહાર ડ્રોઈંગ રૂમમાં દોડી આવ્યા.
પરી તેમને પણ વળગી પડી અને પોતાના ડેડ શિવાંગને પણ વળગી પડી.
શિવાંગે તેને ઈન્ટર્નશીપ વિશે પૂછ્યું.
એટલે તેણે જણાવ્યું કે, "હજુ ડેડ કંઈ ડિસાઈડ નથી કર્યું જોવું છું.."
છુટકીને પરીની ઈર્ષા આવતી હતી એટલે તે મોં મચકોડીને બોલી, "મોટીબેન હજુ ઈન્ટર્નશીપ બાકી છે આટલું કૂદવાની જરૂર નથી."
પરીએ તેને પણ પોતાની બાથમાં ભીડી લીધી અને બોલી, "મને ખબર છે તારી એક્ઝામ હજી બાકી છે એટલે તને મારી ઈર્ષા આવે છે પણ ફીકર નહીં કર હું તને હેલ્પ કરીશ."
ક્રીશા અને શિવાંગ પરીનો નિખાલસ પ્રેમ અને છુટકીની નાદાન હરકતો માણીને ખુશ થઈ રહ્યા હતા અને પોતાને આવી સુંદર બે દીકરીઓ આપવા બદલ જાણે મનોમન ઈશ્વરનો આભાર માની રહ્યા હતા...
નાનીમા પણ ક્રીશા, શિવાંગ અને પોતાની બંને લાડકી દીકરીઓને પોતાના અંતરના આશિર્વાદ આપી રહ્યા હતા.
શિવાંગે આ ખુશીની પળોને યાદગાર બનાવી રાખવા માટે તેને પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધી હતી.

પરી હાથ પગ મોં ધોઈને ફ્રેશ થઈ અને મોમ તેને જમવાનું શું જમવું છે તેમ પૂછવા લાગી.
પરીએ મોટેથી બોલીને ઘરમાં એવું ડિક્લેર કર્યું કે, "મારી ઈન્ટર્નશીપ ચાલુ ન થાય ત્યાં સુધી સવારની રસોઈમાં હું મોમની હેલ્પ કરીશ અને સાંજની રસોઈ હું જાતેજ બનાવીશ."
છુટકીએ કોમેન્ટ કરી કે, "નો રિસ્ક દીદી, અમારી ભૂખ્યા રહેવાની કોઈ ઈચ્છા નથી અને પછી અમારે ન છૂટકે ઓનલાઇન ન મંગાવવું પડે."
"ના એવું નહીં થાય, હું છું ને એની સાથે.."
એમ બોલીને ક્રીશાએ પરીનો પક્ષ લીધો.

ક્રીશા વિચારી રહી હતી કે, પરીને કંઈજ શીખવવું પડે તેમ નથી તે તેની ઉંમર કરતાં પણ વધારે મેચ્યોર્ડ છે. કદાચ તેની મોમ માધુરી પણ આવી જ હશે..!

અને પછી તેને એમ થયું કે, માધુરી હવે ભાનમાં આવી જાય તો સારું..પરીની પોતાની માં સાથે વાતો કરવાની ઈચ્છા પૂરી થાય અને માધુરી પણ પોતાની આવી સોળે શાન અને વીસે વાન જેવી ઉત્તમ દીકરીને જોઈ લે એટલે તેનું પણ મન ભરાઈ જાય...
પરી દાદીમાને લઈને પોતાના રૂમમાં ગઈ. દાદીમાને બેડ ઉપર બેસાડ્યા અને પોતે પણ હાથમાં મોબાઈલ લઈને બેઠી..
જોયું તો.. ડૉક્ટર નિકેત ત્રિવેદીનો મિસ કોલ..
"ઑહ નો" તેનાથી બોલાઈ ગયું.
"હું તો ભૂલી જ ગઈ હતી મારા તો મગજમાંથી જ નીકળી ગયું હતું."
પહેલા તેણે સમય શું થયો છે તે જોયું અને પછી ડૉક્ટર નિકેતને ફોન લગાવ્યો.
આખી રીંગ પૂરી થઈ પણ ફોન ન ઉપડ્યો.
પરીએ વિચાર્યું કે ડોક્ટર નિકેત કોઈ ઈમરજન્સીમાં હશે તેથી તેને ફરીથી ફોન કરવાનું યોગ્ય ન લાગ્યું. તે ઈન્સટા ખોલીને બેઠી...
પણ તેને ક્યાં ખબર હતી કે, ડૉક્ટર નિકેત ત્રિવેદી તેના ફોનની કેટલી બેસબરીથી રાહ જોઈ રહ્યો હતો...
વધુ આગળના ભાગમાં...
નિકેત ત્રિવેદીએ શેના માટે પરીને ફોન કર્યો હશે?
તેની મોમ માધુરી વિશે કોઈ ચર્ચા કરવી હશે કે પછી કોઈ બીજું જ કારણ હશે?
અને બીજું જ કારણ હશે તો તે શું હોઈ શકે છે?
આપ સૌએ કોમેન્ટમાં જણાવવા વિનંતી 🙏
~ આપની લેખિકા...
જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
15/7/24