અ - પૂર્ણતા - ભાગ 29 Mamta Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અ - પૂર્ણતા - ભાગ 29

પરમ, રેના અને હેપ્પી ત્રણેય નાસ્તો કરી રહ્યા હતાં. રેના વિચારી રહી હતી કે હેપ્પી સાથે વાત કઈ રીતે કરવી એ પણ પરમની હાજરીમાં.
હેપ્પીએ બટાકા પૌવાની ચમચી મોંમાં મૂકીને તરત જ બોલી, "વાહ આંટી, વર્લ્ડના બેસ્ટ પૌવા તમે જ બનાવો છો. હું તો કહું છું તમે પૌવાનો બીઝનેસ જ કેમ નથી કરતાં. અરે, કરોડપતિ થઈ જશો પૌવા વેચીને, એવા બેસ્ટ ક્વોલિટીના પૌવા બનાવો છો તમે."
"હેપ્પી, મારે કોઈ બીઝનેસ નથી કરવો. તમે બધા ખાઈને ખુશ થાઉં એ જ બહુ છે મારા માટે."
બધાએ નાસ્તો કરવામાં ધ્યાન પરોવ્યું. કંચનબેન રેના તરફ જોઈ બોલ્યા, "રેના, મારે એક સામાજિક પ્રસંગમાં જવાનું છે અને ત્યાં જ જમવાનું છે. તારા પપ્પા પણ ઘરે નથી તો તું તારા માટે રસોઈ બનાવી લેજે. ઓકે?"
"હા, તમે ચિંતા ન કરો મમ્મી."
"હા, આંટી, આજે તો રેના મારી અને પરમ માટે પણ રસોઈ બનાવશે. અમે બંને અહી જ જમીશું." હેપ્પી બોલી.
પરમે આંખો કાઢી અને ધીમેથી હેપ્પીને પૂછ્યું, "આ ક્યારે નક્કી થયું?"
"અત્યારે જ!!"
"તો...છોકરાઓ...એક કામ કરજો...બહારથી જ કઈક મંગાવી લેજોને એટલે આરામથી તમારે વાતોના વડા થાય."
"હા તો આંટી, રાતે તમે બટેટાવડા બનાવજો બીજું શું."
"એટલે તારો રાતે પણ અહી જ જમવાનો પ્લાન છે?" પરમ આશ્ચર્યથી બોલ્યો.
"હા, તો,તને શું પ્રોબ્લેમ છે?" હેપ્પી બેફિકર થઈ બોલી.
કંચનબેન હસી પડ્યાં. "હા, હું તારા માટે રાતે બટેટાવડા બનાવીશ બસ. અત્યારે જાવ હવે?"
"હા..હા..પણ જલ્દી આવજો હો." હેપ્પીએ કંચનબેનનો હાથ પકડીને કહ્યું. કંચનબેન માથું હલાવીને તરત જ પોતાનું પર્સ લઈ નીકળી ગયાં. એમના જતાં જ પરમ બોલ્યો, "રેના, હેપ્પીને તું દતક જ લઈ લે. વિકમાં પાંચ દિવસ તો અહી જ રે છે." આમ કહી પરમ હસ્યો.
જોકે હેપ્પીએ કઈ જવાબ ન આપ્યો. બધા નાસ્તો કરી હોલમાં સોફા પર ગોઠવાયા. રેના ઘરનો દરવાજો બંધ કરી આવી. કોઈ અચાનક આવીને વાતો સાંભળી ન જાય એટલે.
રેના, પરમ અને હેપ્પીની વચ્ચે બેઠી એટલે હેપ્પીએ પૂછ્યું, "બોલ, શું વાત કરવી હતી તારે?"
રેનાએ એક નજર પરમ પર ફેંકી અને વિચાર્યું કે વાત કરવી કે ન કરવી.
"હેપ્પી, મને છે ને અચાનક ક્યારેક રડવું આવી જાય છે... વળી ક્યારેક હસવાનું મન થઇ જાય છે...ક્યારેક તો હું ઊંડા વિચારોમાં ખોવાઈ જાવ છું...મને સાચું ખબર નથી પડતી કે મને શું થાય છે."
હેપ્પી બે મિનિટ જોઈ રહી તેની સામે અને અચાનક ઊભી થઈ, "ચાલ...મારી જોડે."
"અરે, પણ ક્યાં?" રેનાને કઈ ખબર ન પડી.
"ડોક્ટર પાસે...તારો ઈલાજ તો કરાવવો પડશે ને?તું પાગલ થઈ ગઈ તો?"
આ સાંભળી પરમ ખડખડાટ હસી પડ્યો. "હેપ્પી, કોઈ ડોક્ટર એનો ઇલાજ નહિ કરી શકે." આમ કહી તે ફરી હસવા લાગ્યો.
"લે, કેમ? દરેક દર્દનો ઈલાજ હોય."
"હા હોય, પણ પ્રેમ નામના દર્દનો કોઈ ઈલાજ ન હોય."
"પ્રેમ? ના...ના...મને એવું કઈ નથી થયું હો પરમ." રેના થોડી ગભરાઈ ગઈ.
પરમે રેનાને હાથ પકડી પોતાની પાસે બેસાડી. "જો રેના, દિલ સાથે ક્યારેય જૂઠું નહિ બોલવાનું. હું અને તું બાળપણથી સાથે રમ્યા છીએ. હું તારો મામાનો દીકરો પછી પણ પહેલા તારો દોસ્ત છું એટલે તારી આંખો ન વાંચી શકું એટલો મૂર્ખ પણ નથી. તું અવઢવમાં છે ને કે વિકી માટે તારા મનમાં પ્રેમ છે કે દોસ્તી એમ?"
હેપ્પી તો બે મિનિટ આ નવા પરમને જોઈ જ રહી જે આટલી મેચ્યોર બનીને વાત કરી રહ્યો હતો. રેના તો સ્તબ્ધ થઈ ગઈ કે પોતાના મનની વાત પરમ કઈ રીતે જાણી ગયો.
રેના ફક્ત એટલું જ બોલી, "હમમ..."
"જો રેના, હું માનું છું કે કોઈ પણ વાત નક્કી કરવા માટે ઉતાવળ ન કરવી જોઈએ. તું તારી જાતને અને વિકીને થોડો ટાઈમ આપ. તારા મનમાં કોઈ ડર કે મૂંઝવણ હોય તો અમને કે ને."
રેનાએ પરમનો હાથ પકડી લીધો. "પરમ, મારા માટે તું મારા ભાઈ કરતાં દોસ્ત વધુ છે. મારો ભાઈ તો બેંગલોર ભણે છે એટલે માંડ ક્યારેક આવે છે. તું જ તો એની કમી પૂરી કરે છે. મારા મનમાં બસ એક જ મુઝવણ છે કે આ લાગણી પ્રેમ જ છે કે કેમ? ઉંમર સહજ આકર્ષણ પણ હોય જ શકે ને? છોકરીઓ પાસે એક છઠ્ઠી ઇન્દ્રિય હોય છે જે એને કોઈ પણ પુરુષ પ્રત્યેના ભાવ સમજવામાં મદદ કરે છે. વિકીની આંખમાં મે મારા માટે લાગણી જોઈ છે પણ એ લાગણી આજીવન રહેશે કે પછી આકર્ષણ પૂરું થતાં ખતમ થઈ જશે?"
હેપ્પી વચ્ચે જ કૂદી પડી, "યેસ, હું આજ સમજાવવા માંગુ છું રેના તને. કોઈક દી એ તને છોડીને ચાલતો થઈ જશે તો શું કરીશ તું?"
"અરે, પણ એ રેનાને શું કામ છોડી દે?" પરમ અકળાઈ ગયો.
"પુરુષ જાતનું શું નક્કી. એને તો કોઈ બીજી ગમી ગઈ તો પેલીને છોડતા શું વાર?" હેપ્પી બોલી.
"આવું તારા મનમાં કોણે ઠસાવ્યું છે હેપ્પી?બધા પુરુષો સરખા નથી હોતા હેપ્પી. વિકી તો એમાં નહિ જ હોય એ વાત હું ચોક્કસ રીતે કહી શકું છું."
પરમ વળી રેના તરફ ફર્યો અને બોલ્યો," રેના, જો તું એક વાત સમજી લે. તારા દરેક નિર્ણયમાં હું તારી સાથે છું. રહી વાત વિકી માટેની, તો જોડી ઉપરવાળો બનાવે છે. વિકી તારા નસીબમાં હશે તો તને જ મળશે અને નહિ હોય તો તું ગમે એટલા હવાતિયાં મારીશ નહિ મળે. હા, તું એ માટે પ્રયત્નો ચોક્કસ કરી શકે છે. તું પહેલા વિકીને અજમાવી જો. તને એ તારી આખી લાઈફ માટે ફિટ લાગે તો જ આગળ વધજે. બાકી દોસ્તી તો રહેવાની જ છે ને."
પરમની સમજાવટથી રેનાને સારું લાગ્યું છતાંય તેની આંખ ભીંજાઈ ગઈ. તે પરમને ભેટી પડી. "તું ના હોત તો મને આટલી શાંતિથી કોણ સમજાવવા બેસવાનું હતું." પરમે રેનાના માથે હાથ ફેરવ્યો. "હું ના હોત તો હેપ્પી તો હતી જ ને. એ ખાવા પીવાની ભાષામાં પણ તને સમજાવી દેત." આ સાંભળીને બધા હસી પડ્યાં.
"હું તરત કોઈ નિર્ણય નહિ લઉં. જોઈશ, વિચારીશ અને પછી નક્કી કરીશ કેમકે મારે મારી એકલીનું થોડું વિચારવાનું છે. સાથે સાથે મારી ફેમિલીનું પણ વિચારવું પડે ને." રેના પોતાના આંસુ લૂછતાં બોલી.
આ સાંભળી હેપ્પી ગંભીર થઈ ગઈ. "રેના, તું જે પણ વિચારતી હોય પણ મને એક બીજો વિચાર પણ આવ્યો." પરમ અને રેના બન્ને હેપ્પી સામે જોઈ રહ્યાં.
"રેના, તું તારા પપ્પાને કેમ મનાવિશ? તને ખબર છે ને બે વર્ષ પહેલા શું થયું હતું?"
આ સાંભળી પરમ અને રેના બન્નેના ચહેરા ગંભીર થઈ ગયાં. ભૂતકાળની અમુક યાદો કડવી હોય છે. કોઈ પણ સમયે એ તમને સોયની જેમ ખુંચે છે. ક્યારેક ભૂતકાળમાં કરેલા નિર્ણયો ભવિષ્યમાં લેવાઈ શકતા નિર્ણયો પર ભારે પડી જતાં હોય છે. બે વર્ષ પહેલા ઘટેલી ઘટના રેના માટે અત્યારે કદાચ પડકાર પણ સાબિત થઈ શકે.
( ક્રમશઃ)
શું ઘટના બની હતી બે વર્ષ પહેલાં?
શું રેના અને વિકી સાથે આવી શકશે?
જાણવા માટે વાંચતા રહેજો મિત્રો.