અ - પૂર્ણતા - ભાગ 28 Mamta Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અ - પૂર્ણતા - ભાગ 28

"તને આ વિકીનું રેના પ્રત્યેનું વર્તન કઈક અલગ નથી લાગતું?" પરમના પૂછાયેલા પ્રશ્નથી હેપ્પીને ખાતરી થઈ ગઈ કે પોતે ખોટી નથી.
"જો પરમ, હું એમ નથી કહેતી કે વિકી સારો છોકરો નથી પણ જો એના મનમાં રેના પ્રત્યે કઈ પણ હશે ને તો રેના અને વિકી બન્ને હેરાન થશે." હેપ્પીએ પોતાની રીતે જ વાત રજૂ કરી.
"જો હેપ્પી, રેના મારી બહેન છે અને હું એવું તો ન જ ઇચ્છુ કે એ દુઃખી થાય. જો કે વિકી અને તેનો પરિવાર બન્ને સારા છે. મારા ઘરની સામે જ રહે છે એટલે હું તેમને સારી રીતે ઓળખું છું. બસ, એટલું ઇચ્છુ કે આ આકર્ષણ ન હોય એકલું."
"તને ખરેખર પ્રેમ અને આકર્ષણ વચ્ચેનો તફાવત ખબર છે એમ?" હેપ્પીએ પોતાના નેણ ઊંચા કરી આશ્ચર્ય પ્રગટ કર્યું.
"બધું તને જ ખબર હોય?"
"હું એવું નથી કહેતી પણ મોટાં ભાગે છોકરાઓ માટે આકર્ષણનું નામ જ પ્રેમ હોય. ચાલ છોડ, એ ચર્ચા પછી ક્યારેક કરશું. હવે આગળ શું કરવાનું છે એ વિચાર."
"શું કરવાનું એટલે શું વળી? મારી બહેન એક સારા પરિવારમાં જતી હોય તો મને શું પ્રોબ્લેમ હોય. વિકી દોસ્ત છે આપણો અને દોસ્તી જો સંબંધમાં પરિવર્તિત થઈ જાય તો સોનામાં સુગંધ ભળી જાય." પરમ એવી રીતે બોલ્યો જાણે એને જ વિકી અને રેનાના સંબંધ પર કેમ મહોર મારવાની હોય.
"પરમ, તું સીધો ત્યાં ક્યાં પહોંચી ગયો. વિકીનું તો ઠીક જોઈ લેશું પછી પણ રેનાના મનમાં શું છે એ તો જાણવું પડે ને?"
"હા, તો તું કામની શું છે? આટલું ખાય છે તો થોડુક કામ પણ કરી લે." પરમે મજાક કરી.
"જો રેનાના મનમાં પણ કોઈ લાગણી હશે ને તો..."
"તો શું હેપ્પી? તને વિકી નથી ગમતો એનો મતલબ એવો થોડો છે કે રેનાને પણ નહિ ગમાડવાનો."
"પરમ, તું સમજતો નથી યાર...રેનાની ફેમિલી..."
"એના પરિવારનું હું જોઈ લઈશ. તું ચિંતા ન કર."
"પણ રેનાએ એના પપ્પાને..." હજુ હેપ્પીનું વાક્ય પૂરું થાય એ પહેલા જ વિકી ત્યાં આવી ગયો.
"મારા વિશે વાત થઈ રહી છે?" વિકીએ અચાનક આવીને પૂછ્યું.
"કેમ તું કોઈ સેલિબ્રિટી છે?" હેપ્પીએ થોડાં અણગમા સાથે પૂછ્યું.
"હા, કોલેજનો સેલિબ્રિટી જ છું હું." વિકીએ પોતાના ટીશર્ટનો કોલર ઉંચો કરતાં કહ્યું.
આ બન્ને વળી ઝગડી પડશે એમ વિચારી પરમે કહ્યું, "અરે, વિકી અમે તો એમજ વાતો કરતાં હતાં. ભવિષ્યમાં શું કરશું ને એવું બધું."
"ઓકે." આમ કહી વિકી વળી પોતાની જગ્યાએ જતો રહ્યો.
આ બાજુ રેના પહેલી વાર વિકીને મળી ત્યારથી લઈને અત્યાર સુધીના સંસ્મરણો મમળાવી રહી હતી. કેવી રીતે વિકીએ પોતાનો ડાન્સ ખરાબ થતાં બચાવ્યો. પોતાને ડૂબતાં બચાવી ત્યારે વિકીએ જે રીતે તેને આલિંગનમાં લઈ લીધી હતી એ સ્પર્શ યાદ આવતાં તેના ચહેરા પર સ્મિતની સાથે લાલી છવાઈ ગઈ. અંતાક્ષરીમાં પણ વિકી તેને જોઈને જ ગીત ગાઈ રહ્યો હતો એ બાબતે પણ તે હવે ચોક્કસ થઈ ગઈ હતી. ક્યાંક ને ક્યાંક વિકીના દિલમાં રહેલી લાગણી તેના સુધી પહોંચી રહી હતી. પણ પોતે? શું પોતે પણ વિકી માટે કોઈ લાગણી ધરાવે છે ખરી?
વિચારોનુ મહાયુદ્ધ ચાલી રહ્યું હતું. માણસ હમેશા દિલ અને દિમાગ વચ્ચેની લડાઇમાં જ થાકી જાય છે. દિલ કહે છે એ બધું કરી નથી શકાતું અને દિમાગ કહે એ બધું માની નથી શકાતું.
રેનાએ થાકીને નક્કી કર્યું કે એ હેપ્પી સાથે આ બાબતે ચર્ચા કરશે.વિચારો વિચારોમાં જ ભાવનગર આવી ગયું. આજે શનિવાર હતો એટલે આવતી કાલની કોલેજમાં રજા હતી એટલે સૌ સોમવારે મળવાનું નક્કી કરી છૂટા પડ્યાં.
હેપ્પી અને રેના પોતાની સ્કુટી પર જ ઘરે જતાં હતાં પણ રસ્તામાં પણ રેના ચૂપ જ રહી. હેપ્પીને અંદાજો હતો કે આ તોફાન પહેલાની શાંતિ છે. રેના સામેથી જ કહેશે જે કહેવું હશે તે એમ વિચારી તેણે રેનાને કઈ પૂછ્યું નહિ.
રેના ઘરે પહોંચીને ફ્રેશ થઈ અને ફટાફટ જમીને પોતાના રૂમમાં જતી રહી. તેના મમ્મીને થોડી નવાઈ લાગી કે ટુરની કોઈ પણ પ્રકારની વાતો કર્યા વિના જ તે જતી કેમ રહી. જો કે પછી મન મનાવ્યું કે મુસાફરીથી થાકી ગઇ હશે.
આ બાજુ રેના પોતાના રૂમમાં પણ અત્યાર સુધીના વિકી સાથેના સંસ્મરણો વાગોળી રહી હતી. ઘણું દિલ સાથે મથામણ કર્યા પછી પણ અંતે પોતાનો સવાલ તો ત્યાં નો ત્યાં જ હતો કે શું પોતે પણ વિકી પ્રત્યે દોસ્તથી વધુ કોઈ લાગણી ધરાવે છે કે નહિ? હવે વિચારી વિચારીને તે થાકી એટલે તેણે હેપ્પીને કૉલ કર્યો.
ઊંઘરેટા અવાજે હેપ્પીએ ફોન ઉપાડ્યો, "હેલો..."
હેપ્પીનો આવો અવાજ સાંભળી રેના ભડકી, "તું સૂઈ પણ ગઈ?"
"રેના પ્લીઝ, થાક્યું પાક્યું ગમે ત્યારે સૂઈ જવાય. તું પણ સૂઈ જા..." આમ કહી હેપ્પી કૉલ કટ કરવા જતી હતી કે રેના બોલી,
"તું અત્યારે ને અત્યારે મારા ઘરે આવ."
"કેમ? તે કોઈ નવી ડીશ બનાવી છે? આંટીએ મારા માટે લાડુ બનાવ્યા છે?"
રેનાએ પોતાનું જ કપાળ કૂટ્યું, "જીવનમાં ખાવા પીવા સિવાય પણ કઈક હોય કે નહિ?"
"જો રેના, મને અત્યારે ઊંઘ આવે છે. હું કાલ સવારે પાકું તારા ઘરે આવું છું." એમ કહી તરત હેપ્પીએ ફોન મૂકી દીધો એને નસકોરા બોલાવા લાગી.
આ બાજુ રેના હેપ્પી..હેપ્પી..કરતી રહી પણ હેપ્પીએ ફોન મૂકી દીધો એટલે તેને ગુસ્સો આવ્યો. પછી અચાનક જ તે રડવા લાગી.
"આ મને શું થઈ રહ્યું છે યાર?" મનોમન જ તે બબડી. થોડી વાર પછી પોતે જ પોતાના આંસુ લૂછીને સૂઈ ગઈ.
રાતે પણ તે ફક્ત જમવા જ નીચે આવી. હું થાકી ગઈ છું એવું કહીને તે ફટાફટ પોતાના રૂમમાં જતી રહી. જઈને તરત જ સૂઈ ગઈ. વહેલું પડે સવાર. કેમકે હેપ્પી સાથે તો સવારે જ વાત થશે.
સૂરજ દેવતા ફરી કિરણોના રથ પર સવાર થઈને આવી પહોંચ્યા. કુમળો તડકો બારીમાંથી અંદર આવીને રેનાના મોં પર ફેલાઈ રહ્યો હતો. ઊંઘમાં પણ રેના એટલી માસૂમ લાગતી હતી જાણે કોઈ નાનું બાળક જોઈ લો.
રેનાના મમ્મી તેના રૂમમાં આવ્યા અને રેનાને જગાડી, "રેનું, ઉઠ જલદી. હેપ્પીનો કૉલ હતો. એ આવે છે પંદર મિનિટમાં."
આટલું સાંભળતા તો રેના ફટાક કરતી ઉઠી અને સીધી બાથરૂમમાં ભાગી. પંદર મિનિટમાં તો નાહિ ધોઈને ફ્રેશ થઈને નીચે નાસ્તાના ટેબલ પર પહોંચી ગઈ. હજુ તો તે બેઠી જ ત્યાં જ હેપ્પીનો અવાજ આવ્યો.
"અહા..મસ્ત બટાકા પૌવાની સુગંધ આવે છે આંટી." આમ કહેતી તે રેનાની બાજુમાં જ બેસી ગઈ.
રેનાના મમ્મી નાસ્તાની પ્લેટ અને ચા લઈને આવ્યા. "તારા માટે જ ખાસ બનાવ્યા છે બેટા. તને બઉ ભાવેને."
"એને શું નથી ભાવતું એ પૂછો." આમ કહેતો પરમ પણ પાછળથી અંદર આવ્યો.
"લે, તું પણ આજે સવાર સવારમાં?" રેનાના મમ્મી પૂછી બેઠાં.
"જતો રહું?"
"ના, હવે ચિબાવલા બેસ અને નાસ્તો કર છાનો માનો."
રેનાએ હેપ્પીને આંખોથી જ પૂછ્યું, "આને કેમ લેતી આવી?"
હેપ્પી અને રેના વચ્ચે થતાં આંખોના ઈશારા જોઈ પરમ બોલ્યો, "મારે તમારું બન્નેનું થોડુંક કામ હતું. મે હેપ્પીને કૉલ કર્યો તો એ અહી આવી રહી હતી તો હું પણ આવી ગયો. કેમ રેના તને કઈ પ્રોબ્લેમ છે?"
"અમ...ના..મને શું પ્રોબ્લેમ હોય." પછી મનમાં જ વિચાર્યું કે પરમની સામે હું હેપ્પી સાથે વિકી વિશે વાત કેમ કરીશ.
( ક્રમશઃ)
શું રેના પરમ અને હેપ્પી સાથે પોતાનું દિલ ખોલી શકશે?
હેપ્પી અને રેના વચ્ચે આ બાબતે થવાની છે કોઈ માથાકૂટ?
જાણવા માટે ચોક્કસથી મળીએ આગળના ભાગમાં