લોહિયાળ નગર - પ્રકરણ 1 Kirtidev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

લોહિયાળ નગર - પ્રકરણ 1

ગાંધીનગરના હૃદયમાં, ભારતની ઈન્ટેલિજન્સ બ્યુરો (આઈ.બી) અને અમેરિકા ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (એફ.બી.આઈ) એકજુથ થઈ ભયાનક આતંકવાદી સંગઠનના આગલા હુમલાના યોજનાઓને રોકવા માટે સંયુક્ત પ્રયાસ કરે છે. જેમ જેમ તણાવ વધે છે, શહેરમાં એક ક્રૂર સીરિયલ કિલર ભય અને રહસ્યના નિશાન છોડી જાય છે. આ બધી હલચલ વચ્ચે, ઓફિસ રોમાન્સ અને થ્રિલિંગ સસ્પેન્સના જડાયેલ પ્લોટલાઈન એક આકર્ષક કથાની રચના છે જેમાં રસપ્રદ વળાંક અને ખતરાનો સામનો થાય છે. ઘડિયાળના આગળ વધતાં કાંટાએ દરેક ખૂણામાં છુપાયેલા ખતરાઓ બહાર નીકળી આવે છે, સત્યને ખુલ્લું કરવા અને શહેરને અંધકારમાં ધકેલતા મરણની તાકાતોને રોકવાની આ દોડમાં કોણ વિજય પામે છે? જાણો લોહિયાળ નગરમાં. -કીર્તિદેવ.

પ્રકરણ:૧ ગિફ્ટ(G.I.F.T.)

[૧૮/૦૨/૨૦૨૦:મંગળવાર]

 

                              કેસરી રંગના અવકાશમાં નિશાનું ઉદયાગમન શરૂ થઈ ગયું હતું. ટાઢ વધવા લાગી હતી. એમ પણ શિયાળાના સમયમાં સાંજે ૬ વાગતા ઠંડી વધતી, અવની પર અંધારું પ્રસરાતા મોઢામાંથી વરાળ નીકળે એવી ઠંડી પડતી. વાવોલ-ગાંધીનગર રોડ નજીક એક ખેતરના રખેપાતમાં ઉંમરલાયક માલધારી ભેંસ દોહી રહ્યો હતો. સફેદ ગુજરાતી વસ્ત્ર, સફેદ મૂછ, સફેદ પાઘડી, બંને કાનમાં સોનાના જાડા આભૂષણ, પગમાં અને હાથમાં ચાંદીના કડા પહેર્યા હતા. પગમાં કાળા બુટ. જેની કિનારી પર ધૂળ અને ભેંસોના મળની છાપ ઉપસી હતી. પંચાવન-સત્તાવન ઉંમર હશે. તેમણે ગળા-છાતી પર મોર, સ્વાસ્તિક, ફૂલડાં, તારા અને રંગોળીની ભાત જેવા ચિત્રના ટેટૂ વર્ષો પહેલા છૂંદીને પડાવ્યા હતા. એવી જ આકૃતિ બંને હાથે પણ હતી. તેમની ત્વચા કરચલીવાળી ઢીલી લાગતી હતી.

 

                              એકાએક રખેપાતના દરવાજે કશોક સંચાર થયો. જાળી ઉઘાડી કો’ક અંદર પ્રવેશ્યુ. માલધારીને સાંભળવામાં ઝરાક તકલીફ પડતી. તેથી જાળીનો અવાજ ના સંભળાયો. રખેપાતથી અંદર એક વ્યક્તિ માલધારી પાછળ આવી ઊભો રહ્યો. માલધારીને ભાસ થયો કોઈક આવ્યું છે. માલધારી દૂધ કાઢતો અટક્યો. પાછળ જોયું, આદમીએ માલધારીના માથે બંદૂક તાકી. માલધારી જમણી બાજુ નમ્યો, બંદુકમાંથી ગોળી છૂટી. નિશાન ચુકતા આદમીએ લાત મારી. માલધારી નીચે પડ્યો. ભયભીત માલધારીએ પ્રતિકારમાં આદમી તરફ દૂધનું ઠામ ફેંકયું. આદમી જમણી બાજુ ખસ્યો. તેના કપડાં પર દૂધ પડ્યું. માલધારી ગભરાતો ઊભો થયો, રખેપાતની જાળી તરફ ભાગવા ગયો.

 

                              સરખા પગ ના ભરી શકાયા, પહેલા ત્રણ-ચાર ડગલાં ઉભડક દોડ્યા. સરખી રીતે ઊભા થાય એ પહેલા આદમીએ લાત ઠોકી. માલધારી ગોથું ખાઈ પડ્યો. આદમીએ એના મોઢા પર લાતો મારી. માલધારીએ રક્ષણાત્મકમાં સામે પ્રતિકાર કરી જોયો, પડ્યા પડ્યા એક-બે પ્રહાર કર્યા પણ વ્યર્થ ગયા. “કાં લ્યા? હું કામ? ચમ મારે?” જેવા પ્રશ્નો પૂછ્યા પણ આદમી ચૂપ રહ્યો. તેણે ચહેરે કાળી બુકાની બાંધી હતી અને એવા જ રંગના કપડાં પહેર્યા હતા. તેને ઓળખવું મુશ્કેલ હતું. કોણ હોય શકે? તે આદમી જુવાન અને સ્ફૂર્તિલો લાગતો હતો. તેણે માલધારીને ઊભો કરી રખેપાતની ભીંતે ભટકાડયો. માલધારીના ચહેરા પર લોહી તરી આવ્યું, પગ-કોણી છોલાઈ. બંનેની વચ્ચે થોડું અંતર પડ્યું. માલધારી રખેપાતની જાળી પાસે પડ્યો હતો. તે ઊભો થયો અને બ્હાર ભાગ્યો. આદમીએ બંદૂક તાકી પણ ત્યાં સુધીમાં તે બ્હાર નીકળી ગયો, આદમી અંદર ખેતરમાં ગયો. માલધારી ફફડતો બ્હાર કાચા માર્ગ પર આવ્યો. આજુબાજુ નજર નાંખી.

 

                              બધુ સૂનું પડી ગયું હતું. આસપાસ કોઈ માણસ ન હતું. માલધારીની ધડકન આગગાડીના એન્જિન માફક તેજ થઈ ગઈ. તે જમણી તરફ આગળ વધ્યા. ખેતરથી દૂર ગયા બાદ કોઈ માનવ સંચાર ન સંભળાયો. થોડા આગળ જતાં, ચાર રસ્તા આવ્યા. માલધારીને આદમીથી જાન છોડાવ્યાની સહેજ નિરાંત થઈ. તેણે પાછળ જોયું. એકાએક આદમી અત્યંત ગતિમાં ભેંસ પર સવાર થઈ પાસે આવી રહ્યો હતો. તેના હાથમાં બંદૂક હતી. જાણે ખુદ યમરાજ આવતા હોય એમ માલધારીને સામે પોતાનું મોત દેખાયું. ગભરાટથી આંખો ઉભરાઇ. ચહેરા પર ભય અને ખિન્નતા તરી આવી. માટીવાળી જમીન પર ભેંસ રેતી ખૂંદતી, કૂદતી તેજ ગતિથી આગળ વધી રહી હતી. ભેંસની આંખો વિકરાળ રક્તમય બની ગઈ. તેના પર કાળા કપડાં પહેરેલો આદમી ખૂંખાર લાગી રહ્યો હતો. આદમીએ ભેંસના ગળે બાંધેલું દોરડું જોરથી ખેંચ્યું. તીવ્ર ગતિમાં દોડી રહેલ ભેંસને એકાએક થોભવા માટેની આ પ્રયુક્તિએ તેના ગળામાં તીવ્ર વેદના ઉદ્ભવી, તેના મોઢામાંથી લાળરસ ઉડ્યો. અત્યંત પીડાથી ભેંસ ઊંચા આક્રંદમાં ભાંભરી ઉઠી. આગળના બંને પગે તે ઊંચી થઈ ગતિ રોકી અને જમીન પર પડી. ભેંસ પર સવાર આદમી ક્ષણ પહેલા ભેંસ પરથી કૂદી ગયો છતાં, ગતિમય હોવાના કારણે પગ પર સંતુલન ન મેળવી શક્યો. તે જમીન પર ગબડી પડ્યો અને છોલાયો.

 

                              આદમીએ નિષ્ઠુરતાથી ભેંસનું દોરડું ખેંચી ગળે યાતના આપી હતી. માલધારીએ તે જોયું હતું. ભેંસની આ પીડા તેનાથી ન જોવાઈ. તેનું લોહી કંપી ઉઠ્યું, તે રોષે ભરાયો અને આદમી સામે લડવા તૈયાર થયો. આદમી ઊભો થયો. તે પણ પીડામાં કણસતો હતો. રોષે ભરાયેલા માલધારીને પોતાની તરફ આવતા જોઈ તેણે બંદૂકનું નિશાન લીધું. મૌતના ડરથી પર થઈ ચૂકેલ માલધારી સામી છાતીએ આગળ વધ્યો. આદમીને અજુગતું લાગ્યું, જાન બચાવા ભાગવાને બદલે માલધારી સામો કેમ આવે છે? બે ક્ષણ બંદૂક તાકી રાખી. માલધારી પાંચેક ડગલાં જ દૂર લાગી રહ્યો હતો. આદમીએ બંદૂક ચલાવી. શાંત વાતાવરણમાં ગોળી છૂટવાનો ધડાકો થયો. લોહીની પિચકારી તેના માથામાંથી છૂટી. માલધારીના કપાળમાં કાણું પડ્યું, ગોળી મગજની આરપાર નીકળી ગઈ. માલધારી જમીન પર ઢળી પડ્યો. આદમી તેની નજીક આવ્યો અને કાન પાસે કશુક કરવા લાગ્યો. માલધારીની કાનપટ્ટી પરથી લોહી નીકળવા લાગ્યું. વાતાવરણ થંભી ગયું હતું. ચીર સન્નાટો અને અંધકાર પ્રસરવા લાગ્યું. આદમી મડદા સાથે મથતો રહ્યો.

 

*

 

“આ મિલોવાડાએ ભારે કરી છે! આવી ગંદી વાસ મારતુ કેમિકલ સાબરમતીમાં છોડાતું હશે? અહીં છેક વાસ આવે છે!”

“મને તો એની વાસથી ઊબકા આવે છે.”

“લા... અહીં તો કઈ નથી, તું દસમાં માળે ઓફિસની ગેલેરીમાં ઊભો રહીશ તો બેહોશ થઈ જઈશ. એવી ભયાનક વાસ ત્યાં ઉપર આવે છે.”

“એવું કેમ? અય નીચે એટલી વાસ નહી આવતી અને ઉપર આવે?”

“કારણ કે વાસ જે છે એ હવામાં મડી જાય અને હવા ઊંચાઈ પરથી જલ્દી પસાર થઈ શકે. નીચે તો દીવાલ, જાડ, બિલ્ડીંગ અને દુકાન બધુ નડે ને!”

 

                              ટાવર-૨ના પાછલા પ્રવેશે ચોકી કરી રહેલા ૨ સુરક્ષાકર્મી કેમિકલની વાસ અંગે વાત કરી રહ્યા હતા. સોમવારથી વાસ આવવાની ચાલુ થઈ હતી. મંગળવાર સવારથી સૌનું ધ્યાન દોરાય એટલી તીવ્રતા વધી ગઈ હતી.

“છઠ્ઠા માળવાડી વાત સાચી છે?”

“ધીમે બોલ...”

(હળવા સ્વરે) “મર્ડર થયું’તું સાચું છે?”

“હા. બોવ ખતરનાખ મર્ડર હતું. રાતે એની આત્મા ત્યાં ફરતી હોય છે.”

“બાપ રે...!”

“હમ્મ... એ ભુવાની છોકરી હતી. ભૂવાનો સાથી હજી નથી પકડાયો.”

“તો રાતે તો ઓફિસ ચાલુ હોય છે, કોઈને હેરાન નથી કરતી એની આત્મા?”

“શુસસસ... જો પેલા સાયેબ આયા, ચૂપ રે’જે.”

 

                              કેપ્ટન વૃશ્વિક ભંવર પાર્કિંગથી પ્રવેશ તરફ આવ્યા. એક કર્મી સ્કેનિંગ મશીન પાસે ગયો. અન્ય કર્મી દરવાજા પાસે તેની જગ્યાએ ઊભો રહ્યો. વારા ફરથી કેપ્ટનને અભિવાદન કર્યું:”ગુડ મોર્નિંગ સર!”

“ગુડ મોર્નિંગ સર!”

“મોર્નિંગ.” કેપ્ટને ઉત્તર આપ્યો.

“સર, મને ખબર પડી તો બોવ દુખ થયું...” સુરક્ષાકર્મી-૧એ કહ્યું.

“હા, અચાનક જબરું થઈ ગયું.” સુરક્ષાકર્મી-૨એ ઉમેર્યું.

“હમ્મ...” કેપ્ટને ફક્ત એટલો પ્રતિસાદ આપ્યો અને સ્કેનિંગ મશીનમાં બેગ મૂકી.

“સર, તમારા બંનેની જોડી બોવ સરસ હતી. તમે બંને જોડે સારા લાગતાં.” સુરક્ષાકર્મી-૨એ કહ્યું. સુરક્ષાકર્મી-૧ સ્ક્રીનમાં જોઈ રહ્યો હતો. બેગ સ્કેન થઈ બીજા છેડે આવી. કેપ્ટન ભંવરે માથું ધૂણાવ્યું. સુરક્ષાકર્મી-૧એ કહ્યું:”કોઈને ક્યાં ખબર શું થઈ જાય? ઉપરવાળો ગમે ત્યારે ગમે તેને ઉપાડી લે.”

 

                              ફિક્કું હસી કેપ્ટને બેગ લીધી, એક્સેસ બેરિયર પાસે આવ્યા. પેન્ટના પટ્ટા પાસે ભરાવેલુ આઇ-કાર્ડ હોલ્ડર ખેંચ્યું. પ્લાસ્ટિકનો દોરો લાંબો થયો, સ્કેનર પર કાર્ડ સ્વાઈપ કર્યું, બેરિયર ખૂલ્યું. ત્યાંથી પસાર થવાનો માર્ગ મોકળો થયો. આઇ-કાર્ડ છોડી દીધું. પ્લાસ્ટિકનો દોરો અંદર ખેંચાયો અને કાર્ડ પાછું લટકાઈ ગયું. તેમણે લિફ્ટ પાસે આવ્યા. લિફ્ટ ઓફિસની મધ્યમાં હતી.

 

                              પાછળના પ્રવેશથી બ્હાર પાર્કિંગ તરફ નિકળાતું, જ્યાંથી કેપ્ટન હમણાં આવ્યા. જમણી બાજુ વોશરૂમ હતા. લિફ્ટથી જમણી બાજુ નાનો માર્ગ પડતો, જે સીડીઓ તરફ જતો. મોટાભાગે સીડીનો ઉપયોગ ઓછો થતો કારણ બીજા માળ સિવાયના અન્ય કાર્યરત માળ ઊંચાઈ પર હતા. ૮,૧૦,૧૧,૧૯ અને ૨૧ અંકના માળ ચાલુ હતા. બાકી બધા માળ બંધ રહેતા. એટલા ઉપર જવા સૌ લિફ્ટનો આગ્રહ રાખતા. સીડીઓનો દરવાજો આડો રહેતો. કુલ ૧૨ લિફ્ટ બે સેક્શનમાં વિભાજિત હતી. સેક્શન-A અને B. એક લિફ્ટની અંદર ૧૨,૧૩ માણસો સમાઈ શકતા. આંઠ કે નવ ક્ષણમાં ગતિથી લિફ્ટ ઉપર લઈ જતી.

 

                              ગ્રાઉંડ ફ્લોર પર બંને તરફ સાંકડી પરસાળ બિલ્ડીંગની બ્હાર નીકળતી. મોટાભાગે પરસાળના દરવાજા બંધ રહેતા. વરસાદના સમયે અને આપાતકાલીન સ્થિતિ વખતે દરવાજા ખોલવામાં આવતા. મુખ્ય પ્રવેશની અંદર હોલ પડતો, ડાબી બાજુ બેસવા માટે સોફા ચેર્સ ગોઠવી હતી. એની દીવાલે ત્રણ એ.ટી.એમ. મશીન હતા. જમણી તરફ કાફે હતું. ૪ ટેબલ અને ૧૨ ખુરશીઓ લગાવી હતી. કેફે પાસે વિશાળ લોખંડની શિલ્પકૃતિ હતી, જેમાં એક આદમી બોવલિંગની સ્થિતિમાં ઊભો હતો. એની સામે ટેબલટેનિસ(પિંગપોંગ) રમવા માટે અલગ ખંડ હતો. ફ્લોર પર ૧૦-૧૦ મીટરના અંતરે ૨૨ફૂટ ઊંચા જાડા પિલ્લર હતા. જેના પર ચાંદી જેવો વરખ લગાવ્યો હતો. હોલની મધ્યે-લિફ્ટની દીવાલ પાસે રિસેસ્પ્સન સેન્ટર હતું. સામે મુખ્ય પ્રવેશદ્વાર હતો. આખી બિલ્ડીંગ કઠણ કાચના આવરણથી ઢંકાયેલી હતી.

 

                              લિફ્ટ નીચે આવી. મુખ્ય પ્રવેશ પાસે ઉભેલા સુરક્ષાકર્મી કેપ્ટન ભંવરને જોઈ રહ્યા હતા. કેપ્ટન લીફ્ટમાં પ્રવેશ્યા, ૮ અંકનું બટન દબાવ્યું. તેમણે બ્હાર ઉભેલા કર્મીઓને જોઈ રહ્યા. લિફ્ટના દરવાજા આપોઆપ બંધ થયા. બંને સુરક્ષાકર્મી વાતે વળગ્યા.

 

*

 

[૧૬/૦૨/૨૦૨૦ રવિવાર]

 

                              કેપ્ટન ભંવરને સાંત્વન આપવા આરવ મોનાણી, તૃપ્તિ દેશમુખ, નેલ્સન પટેલ, રોનાલ્ડ ક્રીસ્ચન અને ઝારા પુનાવાલા ઘરે આવ્યા હતા. મહેમાન ખંડમાં તેઓ બેઠા. આરવ અને તૃપ્તિ પહેલા પણ કેપ્ટનના ઘરે આવી ચૂક્યા હતા. આરવની ગીતાંજલી સાથે સારી મિત્રતા હતી. તેઓ ‘ચાઇ પાર્ટનર’ હતા. ઘણા મિશનની લીડ પેન્ટ્રીમાં ચાઇ પે ચર્ચા કરતાં કરતાં શોધી પાડતા. ગીતાંજલીના જવાથી તેને વિશેષ અવસાદ થઈ રહ્યો હતો પણ તેના ચહેરા પર એ ભાવ દેખાઈ રહ્યો ન હતો.

 

                              ગીતાંજલી કટારીયા, આરવ મોનાણી, તૃપ્તિ દેશમુખ, નેલ્સન પટેલ, રોનાલ્ડ ક્રીસ્ચન અને ઝારા પુનાવાલા બધા એક બેચના વિદ્યાર્થી હતા. કોલેજ બાદ પોત-પોતાના શહેરમાં પોસ્ટિંગ લીધું હતું. સંજોગોવશાત ગિફ્ટ સિટીમાં ભેગા થયા અને ઓફિસમાં મિત્રો બન્યા. ગીતાંજલી અને આરવને એકબીજા સાથે ફાવતું હતું. તેમની વચ્ચે એક કમફર્ટ ઝોન હતો. વૃશ્વિક ભંવરને ગીતાંજલી પસંદ પડી હતી. તેઓ ત્રણ મહિના એકબીજા સાથે સંબંધમાં રહ્યા અને પછી લગ્ન કરી લીધા હતા. આંઠ મહિના થયા હશે અને આ હ્રદય કંપાવનારી ભયાનક ઘટના પરિણમી.

 

                              સૌ કોઈ(આરવ સિવાય) કેપ્ટન ભંવરને હિમ્મત અપાવી રહ્યા હતા. આરવ ધ્યાનથી ઘરનું નિરીક્ષણ કરી રહ્યો. ગીતાંજલીના મૃત્યુના દુખથી હજી કેપ્ટન બ્હાર ન હતા આવ્યા. તે ભાવવિભોર થઈ ગયા. તૃપ્તિ અને નેલ્સન તેમને શાંત પાડી રહ્યા હતા. આરવ પાણી લેવા ઊભો થયો. રસોડાની જમણી બાજુ બાથરૂમ હતું. જ્યાં વારદાત રચાઇ હતી. તેને અંદરનું દ્રશ્ય જોવાની અભિલાષા જાગી. તે બાથરૂમ તરફ વળ્યો. બાથરૂમના બારણાં પાસે આવી તે વિચારમાં પડ્યો. બે ડગલાં પાછા આવી મહેમાન કક્ષમાં ડોકાચિયું કરી જોઈ લીધું. બધા કેપ્ટનને સાંત્વન આપી રહ્યા હતા. તે ઝડપથી પાછો આવ્યો અને દરવાજો ખોલ્યો.

 

                              બધુ સામાન્ય હતું. સિવાય કે બાથટબ અને તેની દીવાલ. તેના પર આછા લોહીના ફોરાંના દાગ હતા, જે સાફસફાઇ બાદ પણ પૂરી રીતે નીકળ્યા ન હતા. એક ક્ષણ તેને ગીતાંજલીની કલ્પના થઈ આવી કે કેવી રીતે આખી ઘટના બની હશે. ગીતાંજળીને એવી હાલતમાં ત્યાં કલ્પવિ જ તેને મુશ્કેલ લાગી રહી હતી. બાદમાં કમાડ બંધ કરી, રસોડામાં ગયો. રસોઈઘરના ડાબે પડખે બેડરૂમ હતો. તેણે બેડરૂમનો દરવાજો ખોલ્યો. અંદર કાઉચ પર ગીતાંજલીએ શુક્રવારે પહેરેલી સાડી પડી હતી. તેણે એક નજર આખા કક્ષમાં નાખી દરવાજો બંધ કર્યો. પાણીનો પ્યાલો ભરી મુખ્ય કક્ષમાં આવી કેપ્ટનને પાણી આપ્યું. કેપ્ટન સૌને ઘટનાક્રમ જણાવી રહ્યા હતા. અર્ધી વાત પતી ગઈ હતી:

“તેણે બાથટબ આગળ સ્ટૂલ મૂક્યું, એનેસ્થિસિયાના બે ડોઝ માર્યા, ટીશર્ટ ઉતારી ક્લોરોફોર્મથી પલાળી, જે તેના હાથમાં પકડી રાખેલી મળી હતી. તે સ્ટૂલ પર બેસી, ટીશર્ટ નાકે ઘસી અને બાથટબમાં ઊંધી કૂદી. બાથટબમાં પડતાં સ્પ્લેશ થયો, અને લોહી ઉડયું બધે. આવો રિપોર્ટ પોલીસે આપ્યો છે. આ કેટલીક તસ્વીરો છે, ઇન્વેસ્ટિગેશન વખતની...” કહેતા કેપ્ટને નેલ્સનને ફોટા આપી, ટેબલ પરથી પાણીનો પ્યાલો ઉપાડયો.

 

                              નેલ્સન ફોટા જોવા લાગ્યો. લોહીથી તરબતર બાથટબમાં મૃતદેહ પડ્યો હતો. ડાબો હાથ બાથટબની બ્હાર હતો. જેમાં તેણે ટીશર્ટ પકડી હતી. ઉપર કબાટમાં ટુવાલ અને બે-ચાર વિભિન્ન આકારના બીકર દેખાઈ રહ્યા હતા. ફરસ પર પ્લાસ્ટિકનું ટીન પડ્યું હતું, જેનું ઢાકણ ખુલ્લુ હતું. આ બધામાં વધારે બિહામણી બાથટબમાં તરતી લોહિયાળ લાશ લાગી રહી હતી. બોડી આખી બળી ગઈ હતી. ફક્ત તેનો ડાબો હાથ સલામતીથી બ્હાર હવામાં લટકી રહ્યો હતો.

 

                              નેલ્સને ફોટા જોઈ આરવને આપ્યા. આરવ દરેક તસવીર બારીકાઈથી જોવા લાગ્યો. દરમિયાન અન્ય વાત કરી રહ્યા.

“I’m feeling very lonely here… This house has lost it soul! (મને અહીંયા ખૂબ જ એકલું લાગે છે, આ ઘરે તેનો પ્રાણ ગુમાવ્યો છે.)” આંસુ સારતા કેપ્ટને કહ્યું. તૃપ્તિએ ખભે હાથ મૂક્યો:”Be strong captain! You have to let her go. You need to move on in your life.”(કેપ્ટન, હિમ્મત રાખો. તમારે એને જવા દેવી પડશે. જીવનમાં આગળ વધવું પડશે.) ઝારાની નજર તેના પર ગઈ. તે મનોમન બબડી:‘હા, હા તું તો એવું જ ચાહીશને કે કેપ્ટન એને ભૂલી જાય...’ તૃપ્તિ કેપ્ટનની ઘણી નજીક બેસી હતી. આ બાબત ઝારાએ નોંધી.

“હા, કેપ્ટન. તૃપ્તિની વાત સાચી છે. હવે, આગળ વધવામાં જ મજા છે. તમારે ધૈર્ય અને હિમ્મત દાખવવી પડશે.” રોનાલ્ડે કહ્યું.

“કેપ્ટન, મને લાગે છે તમારે આ ઘર છોડીને બીજે રહેવા જતાં રહેવું જોઈએ. અહીંયા તમને ગીતની વધુ યાદ આવશે.” નેલ્સન બોલ્યો.

“હા, આ એક સારો વિચાર છે, તમે અમારી સાથે આવી શકો છો. અમારા એપાર્ટમેંટમાં એક માણસની જગ્યા છે.” રોનાલ્ડે કહ્યું.

 

                              બે ઘડી શાંતિ જળવાઈ રહી. કેપ્ટન શૂન્યમનસ્ક બની તૃપ્તિના હાથ તરફ જોઈ રહ્યા, જે તેણે એમના હાથ પર મૂક્યો હતો. પોતાની પત્નીને ગુમાવાનું મનમાં દુખ હતું. તે અવઢવમાં મુકાયા રોનાલ્ડ-નેલ્સન સાથે રહેવા જઉ જોઈએ કે કેમ? આરવે સર્વ ફોટા જોઈ કાઢ્યા અને પાછા પરબીડિયામાં મૂક્યા. કેપ્ટનને આ ઘર છોડીને જવું ઠીક ન લાગ્યું. તેમણે ના પાડી.

“તો અહીં શું કરશો? અહીં તો ગીતની યાદ વધુ આવશે.” ઝારાએ કહ્યું.

“તો... એકલતા કાંય બોવ સારી વસ્તુ નથી. નકરા નેગેટિવ વિચાર આવશે. ગીતનું જવું અમારા માટે પણ એટલી જ શોકની વાત છે, જેટલી તમારા માટે છે. આપડે આ સમયે સાથે રહેવું જોઈએ. તમે ગમે તે કહો આપડે સાથે રહીશું. તમને આમ એકલા નથી રહેવા દેવા.” નેલ્સને કહ્યું.

“સાચી વાત છે પટેલની. જોઈ જોવો... થોડા દિવસ બધા સાથે રહી જોવો.” હળવા સ્વરે આરવે કહ્યું. કેપ્ટન કઈ બોલ્યા નહીં પણ તેમની અંગસ્થિતિથી લાગતું હતું મન નથી બીજે જવાનું. તેમણે ચૂપ રહ્યા.

“એક કામ કરીયે અમે અહીં થોડા દિવસ રોકાવા આવી જઈએ... હું ‘ને પટેલ.” રોનાલ્ડે જણાવ્યુ.

“હા ઠીક છે.” નેલ્સને કહ્યું.

“તો હું પણ આવી જવું.” તૃપ્તિએ કહ્યું.

“અહીં કામ કરવા પડશે બધા.” નેલ્સને કહ્યું.

“મને આવડે છે ઘરના કામ.” તૃપ્તિએ જવાબ આપ્યો.

“ઘરના કામ? (રોનાલ્ડ કટાક્ષમાં બોલ્યો) ઘરના કામમાં તને શું આવડે?”

“નોર્મલી બધુ. કચરા, વાસણ, જમવાનું...”

“જમવાનું!” કહી રોનાલ્ડ હસ્યો. પછી બોલ્યો:”તું અઠવાડીયામાં ચાર દિવસ કોબો બનાવે છે. અમારે પણ તારી જેમ રોજ કોબો ખાવાનો?” નેલ્સન મરક-મરક હસ્યો. તે બોલ્યો:“એના ઘરમાં કોબીજનો ખેતી થતી હશે.”

“શટ અપ! તમારે જે ખાવું હશે એ બનાવીશ તો. લેતા આવજો.” તૃપ્તિએ જણાવ્યુ.

“નહીં યાર, પ્લીઝ તમે મારા માટે આ બધુ ના કરશો. આઇમ ફાઇન. મારે નથી એવી કશી જરૂર.” કેપ્ટને કહ્યું.

“હોતું હશે. અત્યારે તો જોડે રહેવાનુ હોય. તમે બોવ વિચારશો નય.” નેલ્સને કહ્યું.

 

                              બે ઘડી શાંતિ જળવાઈ રહી. કેપ્ટનને લાગ્યું બધાની સાથે રહેવું જ ઠીક રહેશે. થોડી વાર બાદ સૌ છૂટા પડ્યા. નેલ્સન, રોનાલ્ડ અને તૃપ્તિ તેમનો સામાન લઈ થોડા દિવસ માટે રોકાવા આવવાના હતા. નીકળતી વેળાએ ઝારા તૃપ્તિને જોઈ રહી. કેપ્ટન તેને વળગીને રોઈ રહ્યા હતા. મનોમન ઝારા વિચારી રહી હતી:”ગમે તેમ આવી ગઈ ખરી તે વૃશ્વિકની નજીક. આની જ તો તે રાહ જોતી હતી.”

 

*

 

                              તેઓ સાથે I.B.(ઇંટેલિજન્સ બ્યૂરો)માં કામ કરતાં હતા. એના પહેલા આરવ દિલ્હીમાં હતો અને ગીતાંજલી બરોડા. ગિફ્ટ સિટી(Gujarat International Finance Tec-city)ગાંધીનગરમાં એક ખાસ મિશન માટે પોસ્ટિંગ થયું હતું. જેમાં ન્યુ યોર્ક એફ.બી.આઇ.થી વૃશ્વિક ભંવર ઈંટરપોલ એજન્ટ તરીકે આવ્યો હતો. ૨૦૦રમાં ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં ૨ આતંકવાદીઓએ ૩૩ લોકોનો જીવ લીધો હતો. ત્યારબાદ આતંકી સંગઠનોએ કશ્મીર અને અફઘાનિસ્તાન પર ધ્યાન વધાર્યું હતું.

 

                              ૨૦૧૭માં આરિયાના નામની ગાયિકાના શોમાં એક સુસાઇડ બોમ્બરે ૧૦૦૦થી વધુ લોકોને ઇજા પહોંચાડી અને ૨૩ લોકોનો જાન લીધો હતો. ૧૫ દિવસ બાદ ઈરાક નજીક અમેરિકન આર્મીના ૪ બેઝ કેમ્પ આતંકવાદીઓએ ઉડાડી માર્યા હતા. આ બંને ઘટનાની જવાબદારી પાકિસ્તાનમાં બેનામી જગ્યા પર સ્થિત લશ્કર-એ-તાઇબાએ લીધી હતી. ૨૦૧૮-૧૯માં કશ્મીર-પાકિસ્તાન બોર્ડર પર ગરમાગરમી વધી હતી. જેમાં આતંકવાદીઓ મરાયા હતા. આનો જવાબ આપવા લશ્કર-એ-તાઇબા કશુક મોટું કરવાની ફિરાકમાં હતું. સતત તેઓ કશ્મીર બોર્ડરથી ઘૂસવાના પ્રયત્ન કરતાં હતા. પુલવામા હુમલા બાદ સમગ્ર દુનિયાનું ધ્યાન આ તરફ પડ્યું હતું. સામે ભારત સરકારે કશ્મીર બોર્ડર પર નિગરાની અને સુરક્ષા વધારી દીધી. પુલવામા અટેકથી આખો દેશ રોષે ભરાયો હતો માટે લશ્કર-એ-તાઇબાએ વધુ કોઈ યોજના જમ્મુ-કશ્મીરમાં બનાવી નહીં અને તેઓ પશ્ચિમ ભારત તરફ વળ્યા હતા.

 

                              હજી જો એક મોટો ધડાકો ભારત અથવા ઈરાક બાજુ ક્યાંક થાય તો લશ્કર-એ-તાઇબાની તાકાતથી સમગ્ર દુનિયા થથરી જાય. એવું ગુલશોખ હબીનું માનવું હતું. જે તેમનો કમાન્ડર હતો. સુસાઇડ બોંબર કરતાં વધારે લોકોનો જાન એક આતંકી હુમલાથી થઈ શકે છે અને લોકોમાં ખોફ પણ એનાથી વધે છે. આ બાબતને ધ્યાનમાં લઈ ગુલશોખ હબીએ વિચાર્યું કઈ જગ્યા પર હુમલો કરવો જોઈએ? ભારતમાં ઘૂસવું હોય તો ક્યાંથી ઘૂંસી શકાય? તેને બે રસ્તા મળ્યા ગુજરાતનું કચ્છ અને રાજસ્થાનમાં બાડમેર. આ પ્રદેશની બોર્ડરથી પહેલા પણ અંદર આવ્યા હતા. એક વાર તેઓએ અક્ષરધામમાં હુમલો કર્યો હતો. ગુલશોખ હબીએ તેના સાથીઓને કહ્યું:”ઘણા વર્ષો થયા ગુજરાત ગયે.”

 

                              રાજસ્થાનમાં ઓછા એવા મંદિર હતા, જ્યાં લોકોની ભીડ ભેગી થતી હોય. બાડમેરથી માઉન્ટ આબુ નજીક પડતું. એવું તેણે સાંભળ્યું હતું. માઉન્ટ આબુ અને અંબાજી આ બે જગ્યાએ બહુ લોકો ભેગા થતાં હોય છે. તો શું ત્યાં હુમલો કરવો જોઈએ કે પછી ગિરનાર? ત્યાં દામોદર કુંડ છે. વર્ષના કોઈપણ દિવસે જાવ સાંજે લોકોની ખાસી એવી ભીડ એકઠી થતી અને જો શનિ-રવિમાં જાવ તો તળેટીએ પિકનિક કરવા નીકળ્યા હોય એમ લોકો ભેગા થતાં. ૭૦૦-૮૦૦ લોકો લગભગ આવતા હશે. ઉપરાંત દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓ અલગ. આમાંથી કઈ જગ્યાએ જઉ જોઈએ? તેની વિચાર-મંત્રણા ચાલી રહી હતી. દરમિયાન બ્હાર ગોળીઓના ભડાકા સંભળાયા. બે ક્ષણ બાદ એક આતંકી અંદર આવ્યો અને જણાવ્યુ:’સી.આઇ.એ.એ હુમલો કર્યો છે.’

 

                              તેઓ ઇસ્લામકોટ શહેરની એક બંધ ફેક્ટરીમાં રોકાયા હતા. જેનો બીજો છેડો ઝૂપડપટ્ટીની વસ્તીમાં ખૂલતો. પોતાના હથિયાર ઉપાડી જીવ બચાવા દરેક આતંકી ભાગ્યા અને લડ્યા. ૫૭માંથી ૨૪ આતંકીઓ જીવતા ભાગવામાં સફળ થયા. બાકીના સૌને વૃશ્વિક ભંવરની ટીમે અલ્લાહ પાસે મોકલી દીધા. આતંકીઓ તેમનો સામાન મૂકીને ભાગ્યા હતા. યોજના જેમાં બનાવી એ બોર્ડ અને નક્શો ત્યાં જ રહી ગયો. ગુલશોખ હબીએ ઉમેદપુર(બાડમેર-રાજસ્થાન), લખપત (કચ્છ) અને મોચા(પોરબંદર) પર નિશાન બનાવ્યા હતા. આ નિશાનનો શું અર્થ થયો? એક આતંકીને ટોર્ચર કરી પૂછ્યું પણ તેણે કઈ જણાવ્યુ નહીં, કારણ ક્યાંથી ઘૂસવું તે નક્કી ન હતું થયું. ગુલશોખ હબીના ભાગી જવાથી આખો મિશન ફેઇલ ગયો. જેનું ખરૂ ખોટું વૃશ્વિક ભંવરે સાંભળવું પડ્યું. કારણ તે આ ઓપરેશનનો આગેવાન હતો.

 

                              છતાં, તેની પાસે મહત્વની માહિતી હાથ લાગી હતી. આ નિશાનથી એટલું તો પાકું થઈ ગયું લશ્કર-એ-તાઇબાની નજર હવે કશ્મીર કે અરબના પ્રદેશો પર નથી. જે અમેરિકા માટે નિરાંત હતી પણ CIAને હુકમ હતો કે ગુલશોખ હબીને પાછો અમેરિકા લાવવો અથવા તો જ્યાં દેખાય ત્યાં ઠાર કરી દેવો. એમાંનું એકેય કામ કેપ્ટન ભંવરની ટિમ કરી શકી નહીં. એક રીતે વૃશ્વિક ભંવર CIAનો એજન્ટ હતો પણ એફ.બી.આઇ.માં કેપ્ટન તરીકે છુપા વેશમાં ફરતો.

 

                              ઇસ્લામકોટથી ગુજરાત સરહદ નજીક પડતી. બાડમેર, કચ્છ અને પોરબંદર આ બધી એ જગ્યા હતી, જ્યાંથી તેઓ ચોરીછૂપે ઘૂસી શકતા. પ્રશ્ન હતો કેમ ફક્ત આ ત્રણ જગ્યાઓ જ પસંદ કરી? બીજી કોઈ કેમ નહીં? વેરાવળ, દ્વારકા, સુરત ઘણી જગ્યાઓથી આવી શકાય એમ હતું. તો કેમ ફક્ત આ ત્રણ જગ્યાઓની જ પસંદગી થઈ? આની પાછળ તર્ક લગાવું પડે એમ હતું.

 

                              અમેરિકા માટે ગુલશોખ હબી મોસ્ટ વોન્ટેડ આતંકી હતો. લશ્કર-એ-તાઇબાનો ખાતમો કરવા વૃશ્વિક ભંવર ભારતના ઇંટેલિજન્સ બ્યૂરો સાથે સહભાગી બન્યો. ગુલશોખ હબી ભારતમાં પણ મોસ્ટ વોન્ટેડ હતો. માટે બંને એજન્સી એનું પગેરું શોધવા ભેગા મળ્યા. પોતાની ગોપનીયતાને ધ્યાનમાં રાખી એવી જગ્યા પસંદ કરવામાં આવી, જ્યાં કોઈને અંતે પણ વિચાર ન આવે કે અહીં ઓફિસ ઊભી કરી હશે. એ જગ્યા એટલે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી. આ વિસ્તાર સંપૂર્ણ રીતે સુરક્ષિત હતો. કોઈપણ વાહન અંદર પ્રવેશતા પહેલા 3 કિલોમીટર લાંબો રસ્તો ફરીને આવવું પડતું. ભલે કોઈપણ દિશામાંથી આવો. સામાન્ય નાગરિકોને કામ વગર અંદર પ્રવેશ મળતો નથી. આખા ગિફ્ટ સિટીમાં ક્યાંય વાયરના દોરડા કે વાયરના થાંભલા જોવા મળતા નથી. હેલ્મેટ વગર દ્વિચક્રી વાહનો પર પણ નિષેધ છે. અમેરિકાએ આ જગ્યા પર ઓફિસ નાખવાની વિનંતી કરી એના પાછળ બે કારણ હતા. પહેલું ગાંધીનગર પાટનગર છે તો પરવાનગી અને અન્ય દસ્તાવેજ માટે જે-તે અધિકારીને સમય વેડફયા વગર સીધા મળી શકાય, ઈન્ડિયામાં બધી જગ્યાએ ઓપરેટ કરી શકાય. બીજું ગિફ્ટ સિટીનું અલગ સેટેલાઈટ અવકાશમાં મૂકવામાં આવ્યું છે. જેનો બહુ બધો ઉપયોગ સી.બી.આઇ. કરી રહ્યું હતું. સી.બી.આઇ.ની એક ખાનગી ઓફિસ ગિફ્ટ સિટીમાં જ છે, કોઈને ખ્યાલ નથી. બીજી એજન્સીઓ પણ ગિફ્ટ સિટીમાં આવી છે, એના વિષે સી.બી.આઇ.ને પણ જાણ નથી. આ સર્વ બાબતો ખાનગી હતી. જે આ વાર્તાના વાચકો સિવાય કોઈને ખબર નથી.

 

                              ગિફ્ટ સિટી અવાવરુ વિસ્તાર હતો. બાજુમાં રતનપુર ગામ પડતું. બાકીનો સંપૂર્ણ વિસ્તાર જંગલ. થોડા આગળ સાબરમતી નદી વહેતી. જેની પાસે ૭-૮ મિલો-ફેક્ટરીઓ હતી. બ્હારના શહેર, રાજ્ય અને દેશથી આવેલા લોકોને રહેવાની અગવડ પડતી હતી. ઓફિસથી નજીક રહેવા સરગાસણ અને કૂડાસણ જેવા વિકાશશીલ ગામ પાસે રહેવું પડતું હતું. જ્યાં અઠવાડિયે બે વાર શાકભાજીની ફેરિયો આવતો. જેથી ભેગું જ આખા અઠવાડીયાનું શાકભાજી લેવું પડતું. કેપ્ટન ભંવર પહેલા એકલા રહેતા હતા.

 

                              આઇ.બી. અને અમેરિકાની સાથીદારીથી ગુલશોખ હબીને જલ્દી પકડી શકાય એમ હતો. માટે આઇ.બી.એ ગિફ્ટ સિટી Tower-IIમાં આંઠમાં માળે FBI-IB ઈંટરપોલ ઓફિસ કરી. એની સાથે સુરક્ષાહેતુ દસમાં માળે ફક્ત આઇ.બી.ની ઓફિસ રાખી હતી. કોને ખબર હતી એક દિવસ આ બધી સુરક્ષા કશા કામમાં નહીં આવે.

 

*

 

[૧૭:૦૨:૨૦૨૦, સોમવાર]

 

                              તૃપ્તિ કોફી મશીન પાસે ‘એસ્પ્રેસો’ નામની કોફી બનાવી રહી હતી. બાજુમાં આર.ઓ. મશીન હતું. કેપ્ટન ભંવર આવ્યા અને પાણીની બોટલ ભરવા લાગ્યા. તૃપ્તિ તેમને જોઈ સ્મિત સાથે બોલી:”મોર્નિંગ.”

“મોર્નિંગ તૃપ્તિ.” બોટલ લઈ તેઓ ઓફિસ તરફ ફર્યા. આરવ ટેબલ પાસેના કાઉચ પર બેસી સ્ટ્રોથી ચા હલાવી રહ્યો હતો. ગોળ ઘૂમતું નાનું વમળ તેને દીર્ઘ વિચારોની સફરે લઈ ગયું હતું. ગઈકાલે કેપ્ટન ભંવરના ઘરેથી નીકળ્યા ત્યારથી ઊંડા વિચારોમાં તે ખોવાઈ ગયો હતો. તૃપ્તિ નવી લીડની વાત કરી રહી હતી:આબુથી બંને સ્ટેટ બોર્ડર નજીક છે અને ઇન્ડો-પાક બોર્ડર પણ. ભલે લશ્કર-એ-તાઈબાનું લાસ્ટ લોકેશન કચ્છ બતાવે. ત્યાંથી જ આતંકીઓ ઘૂસવાનો પ્રયત્ન કરશે. આના પહેલા સોમનાથ ટેમ્પલને ટાર્ગેટ કર્યું હતું. આ વખતે જરૂર અંબાજી ટેમ્પલ ટાર્ગેટ કરશે...

 

                              આરવ તેના વિચારોના પ્રવાશમાં ક્યાંય ઉપડી ગયો હતો. તેના મગજમાં તૃપ્તિની વાત ન પહોંચી. ઝારા પાણીની બોટલ સાથે પેન્ટ્રીમાં પ્રવેશી. એક સ્ટૂલ લઈ તેમની પાસે બેસી અને ટેબલ પર બોટલ મૂકી. તૃપ્તિએ આરવના વિચારમાં ખલેલ પાડી:”ક્યાં ખોવાઈ ગયો?”

કપમાં સ્ટ્રો છોડતા તે સીધો બેઠો અને બોલ્યો:”તારે જો સુસાઈડ કરવું હોય તો તું શું કપડાં બદલીને કરે?”

“વોટ?”

“જસ્ટ ઈમેજિન કર તારે સુસાઇડ કર...”

“મેં સાંભળ્યું એ... નોનસેન્સ વાત ના કર. શું મરવાની વાતો કરે છે. આટલું બધુ થયું કઈક સારી વાત કર…” તૃપ્તિ બોલી.

“પણ યાર મને લોજિક નથી સમજાતું. જો ગીતાંજલી અહીંથી ઘરે જઈને આપઘાત કરવાની હતી તો તેણે કપડાં કેમ બદલ્યા? એ દિવસે તે સિલ્ક રેડ સાડી પહેરીને આવી હતી, ફોટોઝમાં દેખાય છે, તેના હાથમાં ટી-શર્ટ છે અને બોડી પર ઇનરવેર, તો એનો અર્થ...”

ગીતાંજલીની વાત સાંભળી તૃપ્તિ ચિડાઈ:”સ્ટોપ ઈટ યાર! તું શું શાયકો થઈ ગયો છે? કઇપણ બોલે છે! જરાક તો સેન્સિટિવિટી દાખવ. આપડે એક ટિમમેટ, એક ફ્રેન્ડ ગુમાવી છે. ‘ને તારી તો ખાસ ફ્રેન્ડ હતી. ‘ને તું આવી વાત કરે છે. જાણે આપડે કોઈ કેસ સોલ કરી રહ્યા હોઈએ.”

“મારી ફ્રેન્ડ હતી એટલે જ મારે જાણવું છે. બાકી એ એવી વ્યક્તિ છે નહિઁ જે સુસાઇડ કરે.”

“હે ભગવાન, આ છોકરો...” તૃપ્તિ બબડી.

“તે પૂછ્યું માટે કહ્યું. બાકી હું મારા મનમાં જ વિચારતો હતો. આગળ પણ એમ જ કરીશ, તું તારી કોફી પી.”

 

                              ઝારા ચૂપચાપ આ બધુ સાંભળી રહી. આરવ વિચારોના ઘોડા દોડાવા લાગ્યો એટલે તૃપ્તિ અને ઝારા વાતે વળગ્યાં. આરવે ચાની ચૂસકી લીધી.

‘એ દિવસે વેલેન્ટાઇન ડે હતો. કેપ્ટન સાથે તે ખુશ લાગી રહી હતી. ગ્રાઉંડ ફ્લોરના કેંટિનમાં બંને ડિનર કરવા બેસવાના હતા. હું નીકળ્યો ત્યારે તો બધુ સામાન્ય હતું. તો પછી એવું તો શું થયું કે ઘરે જઈને તેણે આવું પગલું ભર્યું? પોલીસે કેમ બાથરૂમ સીલ નથી કર્યું? કેસ બંધ કર્યો હોય તો જ ટેપ નિકાળે. ‘ને આટલા જલ્દી એક દિવસમાં ટેપ કેમ કાઢી? શું કારણ હોય શકે? આવા બધા વિચારો સાથે તેણે ચા પૂરી કરી, સિંકમાં કપ ધોવા ગયો. ત્યારે ઝારા અંદર પાણી ભરવા આવી. તે બોલી:મોનાની સાહેબ... What’s the plan for today?(આજનું શું આયોજન છે?)

“આઇમ ગોઇંગ રાંદેસણ પોલીસ સ્ટેશન.”

“ઓહ, કેમ?”

“ગીતાંજલીના કેસમાં કેટલીક કડીઓ ઢીલી છે. લોજિક નથી ઠીક બેસતું માટે.”

“ગ્રેટ! કીપ મી અપડેટેડ.”(મને જાણકારી આપતો રહેજે.) ઝારાએ કહ્યું.

 

                              આરવ ચાલ્યો ગયો. ચા પીતા-પીતા તૃપ્તિ બંનેની વાત સાંભળી રહી હતી. તેને આરવની આ પહેલ ગમી હોય એવું ન હતું લાગી રહ્યું. ઝારાએ એક નજર તેના પર ફેરવી, નીકળતા પહેલા કહ્યું:”હું અંદર મળું, તું આરામથી તારી ચા પતાવ.”

“હા, નો પ્રોબલમ.” તૃપ્તિએ કહ્યું.

 

                              ઝારા ફટાફટ લોકરરૂમમાં ગઈ. આરવ લોકરમાંથી ફોન અને પાકીટ નિકાળી રહ્યો હતો. ઝારા પાસે આવી:

“તને શું લાગે છે? કેમ એણે સુસાઇડ કર્યું હશે?”

“મને શક છે, ભંવરના કારણે...” ધીમેથી બોલ્યો.

“કેમ?”

“છે કારણ.”

“મને કે’ને.” ઝારાએ કીધું.

“કોઈને કે’તી નય, આ વાત તારા અને મારા વચ્ચે રહેવી જોઈએ.”

“હા, કોઈને નહીં કહું. બોલ જલ્દી.”

“૨૬ જાન્યુઆરીએ મને ગીતે કીધું’તું. ભંવરનું ક્યાંક અફેર છે.”

“૨૬ તારીખ એટલે રિપબ્લિક ડેના દિવસે?”

“હમ્મ...”

“કોની સાથે?”

“એ નથી ખબર પણ એટલું જરૂર છે કે ઓફિસમાં જ કોઈ છે.” આરવ બોલ્યો.

 

                              ઝારા ચમકી ગઈ, શું તે જે વિચારતી હતી એ સાચું હોય શકે? શું વૃશ્વિક ભંવર...? મનોમન તે કડીઓ ગોઠવવા લાગી, તૃપ્તિનું કેપ્ટનના ઘરે રોકાવું, જે રીતે આશ્વાસન આપવું, હમડા આરવ એ ટોપીક પર વાત કરતો હતો ત્યારે એને વઢવું... આ સંકેતોનો અર્થ શું? ઝારાને વિચારમગ્ન જોઈ આરવે તેને સજાગ કરી.

“ઝારા, ક્યાં ખોવાઈ ગઈ?”

“હંહ... કઈ નય. તું રાંદેસણ જા, ‘ને મને આવીને કે’ જે અપડેટ મળે એ.”

“સારું.” આરવ ત્યાંથી નીકળી ગયો.

 

                              ઝારા અંદર આવી. કાર્ડ સ્વાઈપ કરી, ઓફિસમાં પ્રવેશી. એક દીવાલ પર આઇ.બી.નું વિશાળ ચિન્હ દોરી નીચે ‘Intelligence Bureau’ લખ્યું હતું. સામેની દીવાલનો પહેલો કક્ષ મિટિંગ રૂમ હતો. કાચની દીવાલે અડકીને જે રૂમ હતો, તે પ્રાઈવેટ કેબિન હતી. સામે ફ્લોરમાં પાંચ-પાંચની હરોળમાં કમ્પ્યુટર મૂક્યા હતા. ક્યાંક ક્યાંક ખાલી જગ્યા હતી, ત્યાં પેન્ટ્રીમાં હતા એવા બેસવાના સ્ટૂલ-ટેબલ મૂક્યા હતા. ઓફિસના બીજા છેડે અને કેટલાક અંતરે સફેદ બોર્ડ અને નોટિસ બોર્ડ લગાવ્યા હતા, જેના પર નોંધ લખી હતી, કેટલાક ફોટા, નકશા અને નામ ટાંકયા હતા. ઓફિસના છેલ્લા ભાગમાં આઇ.બી. અને F.B.I. ભેગા કામ કરતાં, ત્યાંથી ઓફિસ શરૂ થતી. એ તરફથી બધા કમ્પ્યુટર પર બેસતા.

 

                              અત્યારે ટેબલ પાસે તૃપ્તિ લેપટોપ લઈ બેસી હતી. તેની લગોલગ ખુરશી પર કેપ્ટન વૃશ્વિક ભંવર બેઠો હતો. ઝારા આવી રહી, બંનેને જોઈ રહી. તેનો તર્ક તેને સાચો લાગી રહ્યો હતો. ૧૩ તારીખે ગીતાંજલી રેસ્ટરૂમમાં તૃપ્તિને બોલી હતી:”વૃશ્વિક અને તેની વચ્ચે કઈ છે?” ત્યારે તે અસ્વસ્થ થઈ હતી અને ના પાડી હતી. ૧૪ તારીખે ગીતે સુસાઇડ કર્યું. આજકાલ તૃપ્તિનું વર્તન તેની વિરુદ્ધનું લાગી રહ્યું હતું. હમણાં આરવ ગીતના કેસ પર તપાસ કરતો હતો તો એણે એને રોકવાનો/ચૂપ રાખવાનો પ્રયત્ન કર્યો હતો. જરૂર તૃપ્તિ આ કેસ પાછળ કશિક રીતે જવાબદાર હશે. શંકા સાથે ઝારા પી.સી. સામે ગોઠવાઈ, કામે વળગી.

 

“એવા કયા તર્ક બને છે? કે તે લોકો નોર્થથી આવે? અને માની લઈએ રાજસ્થાનથી આવે તો કચ્છ કેમ ગયા?” વૃશ્વિકે તૃપ્તિને પૂછ્યું.

“એ નોર્મલ બાબત છે, કોઈ માણસ કચ્છથી આવે તો એમ જ શંકા જાય કે તે સાઉથ ગુજરાતમાં અટેક કરશે. તો આવું સાધારણ લોજિક આતંકીઓ ના લગાડે.” તૃપ્તિ બોલી.

“આપણે રિસ્ક ના લઈ શકીએ એવો. એકઝેટ પાકું હોય તો જ પ્રિપેર થવાય બાકી એ રસ્તો ના પકડાય.” કેપ્ટને કહ્યું.

“સારું તો હું કઈક રિસર્ચ કરીને તમને કહું.” તૃપ્તિ બોલી.

“ગુડ.” કેપ્ટન તેના ડેસ્ક પર ગયો અને કમ્પ્યુટરમાં પરોવાયો. થોડીવાર બાદ ઓફિસમાં નજર ફેરવી, તેને આરવ દેખાયો નહીં એટલે પૂછ્યું:

“આરવ ક્યાં છે?”

 

                              બધા ચૂપ થઈ આજુબાજુ જોવા લાગ્યા. કેપ્ટન કોઈ એક્શન લે અથવા તેને ફોન કરે, એના પહેલા ઝારા બોલી ઉઠી:

“તે અમદાવાદ ગયો છે, કમિશ્નર કચેરી.”

“તને કહ્યું હતું?” કેપ્ટને પૂછ્યું.

“એ એવી વાત કરતો હતો.” તે બોલી.

 

                              કેપ્ટન તેમના કામમાં વ્યસ્ત બન્યા. કેપ્ટને અંદાજો લગાવી લીધો હતો, તે જરૂર ગીતના કેસમાં જ ભટકતો હશે. આવે એટલે તેની વાત. પંદર મિનિટ બાદ ધીમે રહી ઝારાએ લેંડલાઇનથી આરવને કોલ કર્યો. આરવ રાંદેસણ પોલીસ સ્ટેશનથી પાછો ફરી રહ્યો હતો. ત્યાં ઝારાનો તેના પર કોલ આવ્યો:”હા ઝારા, બોલ.”

“કેપ્ટન યાદ કરતાં’તા તને...”

“શીટ યાર! શું કે’તા’તા?”

“પૂછ્યું તારા વિષે.”

“તે શું કીધું?”

“મેં કીધું અમદાવાદ ગયો છે. કમિશ્નર ઓફિસ.”

“ગુડ.”

“પોલીસ શું કે’ છે?” ઝારાએ પૂછ્યું.

“મેં વાત કરી...(તે ચાલુ બાઈકે હેંડ્સફ્રી પર વાત કરી રહ્યો હતો.) આ સુસાઇડ નય મર્ડર છે!” આરવ બોલ્યો.

“વોટ!” ઝારા ચમકી ગઈ.

 

                              આગળ એક ચાર રસ્તાએ એમ્બ્યુલન્સ અને પોલીસની જિપ્સી ઊભી હતી. બાજુમાં માણસોનું ટોળું હતું. તેની નજર ત્યાં પડી. તેણે બાઇક ધીમું કર્યું અને એ તરફ ગયો.

“તું શું બોલે છે યાર? કેવી રીતે એટલે? પોલીસે શું કીધું?” ઝારાએ  ફોનમાં પૂછ્યું.

“ઝારા... ઝારા, હું ઓફિસે આવીને વાત કરું, ડ્રાઈવ કરું છું. ચલ બાય.” કહી તેણે ફોન મૂક્યો અને ટોળાં નજીક આવ્યો.

 

                              જમીન પર લોહી દેખાઈ રહ્યું હતું. તે આગળ વધ્યો. પાસે એક ભેંસ બેસી હતી. પોલીસ કર્મચારીઓ તેને ઓળખતા હતા માટે આવવા દીધો. આરવ હાજર ઉભેલા પોલીસકર્મી પાસે આવ્યો અને પૂછ્યું શું થયું? લાશ એમ્બ્યુલન્સમાં મુકાઇ ગઈ હતી. નર્સે ચાદર હટાવી. લાશના કપાળમાં કાણું પડ્યું હતું, એના પહેલા મારામારી થઈ હશે. તેના ચહેરા પર ઘાના નિશાન લાગી રહ્યા હતા. ઘણું લોહી વહી ગયું હતું. કદાચ ગોળી વાગી હશે. તેનો લોહિયાળ ભયાનક ચહેરો જોઈ આરવ થથરી ઉઠ્યો. હવાલદાર બોલ્યો:”ચોરીનો કેસ છે. આ ભાઈ સામે પેલા ખેતરમાં રે’ છે. ભેંસ લઈને પાછા જતાં’તા, ખૂનીએ આના શરીર પર હતા એટલા બધા ઘરેણાં ઉતારી લીધા અને મર્ડર કરી ફરાર થઈ ગયો.”

“બરાબર.”

“કઈ સિરિયસ નથી. આ બાજુ એવી ઘટના બને એમાં નવાઈ નય. પકડાઈ જશે ચોર. ઢાલવાડ અથવા નિકોલ બાજુની જુપડપટ્ટીના ગુંડાઓમાંથી જ એકાદ હશે. હમડા પી.આઇ. સાયેબ આવશે એટલે ત્યાં જ જવાનું કે’શે.” હવાલદાર બોલ્યો.

“સારું.” કહી આરવ નીકળ્યો. માલધારીની ભેંસે સ્થિરભાવે આરવ તરફ મીટ માંડી હતી. તેની આંખોમાં કશુક જણાવાની રોચક્તા લાગી રહી. આરવ બાઇક પર બેઠો ત્યારે કોઈ એને જોઈ રહ્યું હોય એવું સંવેદન થયું, સામે નજર પડી. આરવ તેની મોટી આંખોમાં જોઈ રહ્યો. ભેંસના મોઢે ફીણ વળ્યું હતું. ક્ષણ માટે ભેંસની આંખોમાં અલૌકિક ઉર્જાનો અનુભવ થયો. તે અબોલ પશુ ગૂઢભાવે તેને જોઈ રહ્યું હતું. આરવે ગિફ્ટ સિટી ભણી બાઇક હાંકયું.

 

*

 

(ક્રમશ:)