લોહિયાળ નગર - પ્રકરણ 3 Kirtidev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • હમસફર - 26

    અ/મ : મને સમજાતું નથી હું શું કહું વીર : મોમ મને ખબર છે અમે...

  • દીકરો

    જૂનું લાકડાની પીઢોવાળું લાંબુ ત્રણ ઓરડાવાળું મકાન છે. મકાનમા...

  • ભીતરમન - 38

    એ લોકો ફાયરિંગમાં સહેજ નિશાન ચુકી જતાં ગોળી મને હૃદયમાં લાગવ...

  • ખજાનો - 37

    ( આપણે પાછળના ભાગમાં જોયું કે સાપોની કોટડીમાં ઝહેરીલા સાપ હો...

  • ફરે તે ફરફરે - 20

    ફરે તે ફરફરે - ૨૦   આજે અમેરિકાના ઘરોની વાત માંડવી છે.....

શ્રેણી
શેયર કરો

લોહિયાળ નગર - પ્રકરણ 3

લોહિયાળ નગર પ્રકરણ:૩ પરાનુભૂતિ

 

                              ત્રિકાળનો અંધકાર ઉજાગર થવા લાગ્યો. એમ તો સવા છ વાગ્યા હતા પણ રાત વિધવાના ખંડિત કાજળ જેમ ઘેરાવા લાગી હતી. ગિફ્ટ સિટીનો અંતિમ દ્વાર ભાગ્યે જ ઉપયોગમાં લેવાતો. સુરક્ષાના ભાગે ત્યાં ચોકિયાત ફરજ બજાવતા. અંતિમ દ્વારનો રસ્તો કાચો-પાકો અને આસપાસ અનુત્પાદક જાડ છોડના થડ રહેવાસી. દ્વાર પાસે જ ચોકી હતી. જેમાં સુરક્ષાકર્મીઓ તેમનો સામાન મુક્તા. એકાદ બેરિયર પણ હાજર હતા પણ કોઈ આવતું-જતું ન હોવાથી ટોલ પાસે આડાઅવળા પડ્યા રહેતા. ઠંડીએ માઝા મૂકી હતી. બેય ચોકિયાત તાપણું કરી બેઠા. મેડ ઇન ચાઈના ફોનમાં ભોજપુરી ગીતો સાંભળી રહ્યા’તા.

 

                              અર્ધા કલાક બાદ એક ચોકિયાત માવા-બીડી લેવા રતનપુર ગામ બાજુ ગયો. બીજો ચોકિયાત એકી કરવા ઊભો થયો. બાવળના જાડ પાસે આવી ઠહર્યો અને ખભે રાઇફલ લટકાવી. એક આદમી તાપણા પાસે આવ્યો. તેણે શરીર પર કાળું પહેરણ પહેર્યું હતું, જેનાથી માથું ઢંકાઈ જાય અને ઘૂંટણ સુધીના પગ પણ. તે થથરી રહ્યો હતો, કદાચ ઠંડીના લીધે. તાપણા પાસે બેસી હાથ પગને ઉષ્મા આપવા લાગ્યો. સુરક્ષાકર્મીની રાઇફલ જોઈ તે સૂનમૂન બેસી રહ્યો. પોતાની મસ્તીમાં ગીત ગુંજન કરતો ચોકિયાત શૌચક્રિયા પતાવી પાછો ફર્યો તો ફફડી ગયો. કાળા પહેરણમાં એક આદમી તાપણા પાસે દેખાયો. એક ક્ષણ માટે જાણે ભૂત જોયુ હોય એમ ચોંકયો. તેની પહેલી પ્રતિક્રિયા રાઇફલ પર ગઈ, તેણે રાઇફલ ફાયર કરવાની તૈયારી બતાવી.

“એ… કોન હે?” સુરક્ષાકર્મીએ પૂછ્યું. આદમી ધ્રુજતો હતો, મોઢું છુપાવી તે હાથ શેકી રહ્યો. તેને એમ બેસેલો જોઈ સુરક્ષાકર્મી હેબતાઈ ગયો પણ તેણે મક્કમતાથી કામ લીધું. રાઇફલ એની સામે તાકી. જોકે, મનમાં તો ઊંડી ફાળ પડી હતી. કારણ ખાસ તહેવાર-પ્રસંગ વગર તેઓ હથિયાર લોડેડ રાખતા ન હતા. તાપણું કરતાં આદમી પાસે મંદ કદમે ચોકિયાત આગળ ગયો:

“અબે ઓ... કીધર સે આયા તું?” કહી તે ઘણો નજીક આવ્યો. આટલા અંતરમાં જો આદમી કશી હરકત કરે તો ચોકિયાત તેની આંખમાં નાળચું ખોસી દે, એવી વિચારપદ્ધતિ સાથે સામે ઊભો રહ્યો. આદમીને લાગ્યું બોલવું પડશે નહીંતર ચોકિયાત તેને નુકશાન પહોંચાડશે.

“મુ...મુ સાએબ, પેલા ખેત્રેથી આવ્યો સુ. મન આગર જતાં બીક લાગસ. મારી સાઇકિલ મેં પેલા બાવર વાંહે મેલી સ. મારી સોકરી સાઇકિલ પર બેઠી સ. તમને તો ખબર સ, બે દા’ડા હી કો’ક ખેત્રામાં મજૂરોન જોન સી મારી રયો સ. માર મારા ઘેર જાવું સ પણ આગર વેરોન વિસ્તાર આવ સ. ન્યા હરકાયા કુતરાય બોવ હોય સ. મારી સોડીન કઈક થઈ જાય તો? તમે મારી મદદ કરો સા’બ.”

 

                              ચોકિયાતને નિરાંત થઈ. હ્રદય તેની સામાન્ય ગતિમાં આવ્યું. મનોમન બબડ્યો:”આ તો મજૂર છે. મને લાગ્યું પેલો ગુંડો મારવા આવ્યો કે શું?” સુરક્ષાકર્મીએ બંદૂક ખભે ભરાવી:

“તો દોચ્યા, પે’લા બોલવું જોઈને, આ બંદૂકનું નાળચું તારી આંખમાં ખોસી દીધું હોત મેં હમડા!”

એની ગાળ સાંભળી આદમીને ગુસ્સો આવ્યો પણ તેણે સંયમ જાળવ્યો. તે નીચેથી ઉપર સુધી ચોકિયાતને જોઈ રહ્યો. સુરક્ષાકર્મીએ હોલશૂઝ પહેર્યા હતા, આર્મી પ્રકારનું પેન્ટ, પેન્ટના પટ્ટા પર એજન્સીનો લોગો હતો, ઉપર વાદળી ગણવેશનો શર્ટ અને માથે ટોપી. આદમી બોલ્યો:“માફ કરજો સાએબ. મને ખાલી પેલા મેઇન રોડ હુધી મેલવા આવોને. તમારો ઉપકાર રે’શે.”

 

                              સુરક્ષાકર્મી વિચારમાં પડ્યો:‘આની હાળાની મદદ કરવા જાઉં કે નય? વનો ય હમડા જ ગ્યો ગામમાં. શું કરવું?’ (તમે ચોકિયાતની જગ્યાએ હોત તો શું કર્યું હોત?) દરમિયાન આદમીએ ગણતરી મારી લીધી:‘ચોકિયાત બોલ્યો બંધુકનું નોળચું ઓંખમાં ખોહિ દીધું હોત. જો બંધુકસી ગોરી મારી હક તો નોળચું ચમ ઘુસાડવાનું કેય સ? ઇનો અર્થ બંધુકમાં ગોરી નહીં હોય?’ બે ક્ષણ બાદ ચોકિયાત બોલ્યો:“મારો એક ભાઈબંધ પેલી બાજુ ગામમાં ગયો સ, એને આવવા દે, એ તને મૂકવા આવશે.”

“એ હારુ સા’બ.”

 

                              થોડી ક્ષણો પહેલા ચોકિયાત ભારે અતિરેકમાં આવી ગયો હતો. હવે થોડો શાંત થઈ રહ્યો હતો. તેણે શર્ટના ખીસામાં હાથ નાખ્યો. બીડીની તલપ લાગી પણ બીડી પતી ગઈ હતી. તે આદમી પાસે બેઠો.

“શું સાએબ, બીડી હોધતા’તા?”

“હા, પન હું ભૂલી ગ્યો પતી ગઈ સ, એ વનો બીડી લેવા જ ગયો સ.”

“ચૈ પીવો શો?”

“શિવજી.”

“હા લ્યો, મારી પાંહે પડી સ.” કહેતા મજૂરે બીડીનું પાકીટ ધર્યું. ચોકિયાતે એક બીડી લઈ મોઢામાં મૂકી. પછી બોલ્યો:”માચીસ?”

“ઊભા રો’.” કહેતા આદમી તેના ખીસા ચકાસવા લાગ્યો પણ માચીસ મળી નહીં.

“નહીં મારી પાંહે.”

“મારા હાહરા... બીડી રાખ સ અન માચીસ નય રાખતો?” ચોકિયાત ઊભો થયો. આ તેની પહેલી ભૂલ હતી.

“ચ્યાંક પડી જય હશે.” આદમી બોલ્યો. ચોકિયાતે ઊભા થઈ પોતાના ખીસા ફંફોળયા પણ માચીસ ન જડી. યાદ આવ્યું અંદર ચોકીમાં સાંજે માચીસ મૂકી હતી. તે એ તરફ ચાલવા લાગ્યો.

 

                              આદમીને ‘મારા હાહરા’ સંબોધન ન ગમ્યું. તેણે તો એ ગાળ એકદમ અક્ષરશ અક્ષર જ વિચારી લીધી. ‘મારો હાહરો’ એટલે આ ચોકિયાત મારી દીકરીનો ધણી બનવા માંગે સે એમ? મારી હાત વરહની ભીખીનો? ઈની બુનન પૈણું! નોગી રોંડનો!’ આદમી મનોમન બબડ્યો, તે ભારે ગુસ્સામાં આવી ગયો. દરમિયાન ચોકિયાત તેની સાથે વાત કરી રહ્યો. એને તો મનમાં પણ કઈ નહીં.

“તારી સોડીન પાંહે લેતો આય. બાપડી ટાઢમાં ત્યાં ઠીકરું થતી હશે.” આદમી શાંત બન્યો. તેને થયું જવા દો ભૂલથી બોલી ગયો હશે. પછી સુરક્ષાકર્મીએ પૂછ્યું:“તું ચયાં ખેતરેથી આયો? ઓમ તો કોય રસ્તો જ નહીં. ‘ને તું જાહી આયો ત્યાં હિ જ બાર નેકરાય સ. તો તું અંદર ચમ આયો?”

 

                              આદમીને થયું બસ હવે બહુ થયું. ચોકિયાત અંદર ઊભા રહી બીડી સળગાવી રહ્યો હતો. બારીમાંથી સામે તાપણું દેખાતું, પણ હમડા જોયેલો આદમી ત્યાં ન હતો. તેના સ્વયંવર્તી ચેતાતંત્રએ આપોઆપ તેને નીચે બેસાડયો. એ જ ક્ષણે ગોળી છૂટી. ચોકીની લાઇટ બંધ થઈ. એટલામાં અંધારું વધી ગયું.

 

*

 

                              આરવ તેની આદત મુજબ ઓફિસ મોડા આવ્યો હતો. સૌથી પહેલા તે મોબાઇલ લોકર રૂમમાં મૂકવા ગયો. ૭૨ નંબરનું લોકર ગીતાંજલીને ફાળવ્યું હતું. તે ખુલ્લા હાથ, હૈયું અને હામ લઈ ઓફિસ આવતો. ફ્લોર પર પર્સનલ ફોન કે કોઈપણ ઈલેક્ટ્રોનિક ઉપકરણ લાવવાની મનાઈ હતી. માટે તે ગીતાંજલીના લોકરમાં મોબાઇલ મૂકતો. લોકરમાં ગીતાંજલીનો સામાન હતો:બે પત્ર, તેની છબી અને બે મગ. એક તેનો અને બીજો આરવનો. એમ લાગતું જાણે અહીંથી એ ક્યાંય ગઈ જ નથી. હમણાં આવશે અને સાદ આપશે: ‘હાલ, ચા પીવા જઈએ.’ તેના વગરની આ ક્ષણ નીરસ લાગતી હતી.

 

                              તેઓ સાથે પેંન્ટ્રીમાં ચા પીવા જતાં અને જે-તે કેસની લીડ શોધતા. ગીતાંજલીને ક્યાં ખબર હતી, રોજ વર્લ્ડ લેવલ થ્રેટ્સ ઉકેલતા ઉકેલતા પોતે જ એક દિવસ ‘કેસ’ બની ગઈ હતી. અત્યારે આરવ તેની કમી અનુભવી રહ્યો હતો. જ્યારે તે લોકર ખોલતો એમાં ગીતાંજલીનું પર્સ મૂક્યું હોય. એનો અર્થ તે ઓફિસ આવી છે. હવે ત્યાં એનું પર્સ નથી. બદલે વૃશ્વિકની બેગ હતી. તે ફોન મૂકી અંદર પ્રવેશ્યો.

 

                              ઓફિસમાં ચારે તરફ જે-તે પ્રોજેકટ પર કામ થઈ રહ્યું હતું. ફાઈલો આમથી આમ ફરતી, ક્યારેક સામે સામે હવામાં ઊલળતી, લેંડલાઇનથી ગોપનીય કોલ ચાલતા, જે-તે ટિમ અથવા સ્કવોડની મિટિંગ થતી, ક્યાંક હર્ડલ થતી, તો ક્યાંક ટોળું વળી પીસીમાં નવી અપડેટ જોવાતી. મિટિંગ રૂમ આ સમયે ભરેલા રહેતા. બાકીના કર્મચારીઓ છૂટાછવાયા તેમનું કામ કર્યા કરતાં. આરવ તેના ડેસ્ક પર ગયો. તેને આવેલો જોઈ ઝારા પાસે આવી અને ગીતાંજલીના કેસમાં કોઈ નવી માહિતી મળી કે નહીં એની પૂછપરછ કરવા લાગી. બીજી તરફ રોનાલ્ડના ડેસ્ક પર ન્યુ જોઈનીવાળા છોકરા-છોકરીઓ ટોળું વળી ઊભ હતા.

 

“રોનાલ્ડ... પ્લીઝ!”

“હા. પ્લીઝ અપૃવ કરી દ્યોને!” સ્નિગ્ધા અને દેવર્ષી રોનાલ્ડને રજા બાબતે વિનંતી કરી રહ્યા હતા.

“અરે, નથી ભાઈ સેટ થાય એવું.” તે બોલ્યો.

“સર, બધા ન્યુ જોઇનર્સને કાલે રજા છે. અમને પણ આપો ને.”

“તમને અહીં બોલાવ્યા છે તો કઈક કારણ હશે ને?”

 

                              ટોળાંમાંના બે-ચારને લાગ્યું આ બંનેને કોઈ ખાસ મિશન માટે બોલાવ્યા હશે. જેની હળવી ઈર્ષ્યા થઈ આવી.

“અરે સર, સાચ્ચે મારે દાદાને દવાખાન લઈ જવાના છે.” સ્નિગ્ધા બોલી.

“જો બકા, તમે ગવર્નમેંટના એસેટ છો. Kinda like property! તો ગવર્નમેંટ જેમ ચાહે, જ્યારે ચાહે એમ તમારી પાસેથી કામ લેશે. તમે કોન્ટ્રાક્ટ કર્યો છે. આ કોઈ વડાપાવની દુકાન નથી કે તમે જ્યારે ચાહો ત્યારે બંધ કરીને ચાલ્યા જાવ.” રોનાલ્ડે સાફ સાફ જણાવ્યુ. થોડીવાર બાદ ઉમેર્યું:“છતાં જો એવી સોલીડ ઈમરજન્સી હોય કે પર્સનલ કામ કર્યા વગર નહીં જ ચાલે તો ભંવરને વાત કરો.”

 

                              સ્નિગ્ધા અને દેવર્ષી રજા લઈ છટકવા માંગતા હતા. તેઓ પણ ન્યુ જોઈની સાથે આવતી કાલે ફરવા જવા માંગતા હતા. રોનાલ્ડ આ બાબતથી વાકેફ હતો. માટે તેનું વલણ અલગ હતું. કદાચ, નવા કર્મચારીઓએ પાર્ટીનું આયોજન કર્યું હશે, જેમાં રોનાલ્ડને આમંત્રણ ન હતું. એથી પણ કદાચ તે ના પાડી રહ્યો હતો. પછી તેણે ડંપિંગ કેસની મિટિંગ ન્યુ જોઈની સાથે શરૂ કરી.

 

                              આજે આરવે કમિશ્નર કચેરી જવાનું હતું. ૭:૩૦એ કોલ કરી ડી.આઇ.જી. સાહેબને જણાવી દીધું તે આવી રહ્યો છે. બ્હાર રિસેપ્શન કાઉન્ટર પર એક પુરુષ-સ્ત્રી સુરક્ષાકર્મી ફરજ પર હતા. સ્ત્રીકર્મી ખુરશી પર ઊંઘી ગઈ હતી. આરવનું ધ્યાન તેના પર જતાં બોલ્યો: “યોગી... તા!”

 

                              મહિલા ઝપકી ગઈ. આરવને સામે જોઈ તે ઊભી થઈ. આરવ તેને જાણતો હતો. છેલ્લા ઘણા મહિનાથી તે યુવતી આઠમા માળ પર ફરજ નિભાવતી હતી. રિસેપ્શન પર આવતા-જતાં ઘણા કર્મચારીઓને ‘ગુડ ઈવનિંગ’ અને ‘ગુડ નાઈટ’ વિશ કરતી. ક્યારેક પેન્ટ્રીમાં ચા-પીવા પણ તેઓ ભેગા થઈ જતાં. વૃશ્વિક તેની સાથે ક્યારેક ચા પીતો. ઓફિસમાં ઉચ્ચ કર્મચારી અને નિમ્ન જેવુ ખાસ હતું નહીં. બધા હળીમળીને રહેતા. છતાં, પોતાની મર્યાદાનું ધ્યાન ચોક્કસ રાખતા. આરવ મસ્તીના મૂડમાં હતો. તે યુવતી બોલી:“આરવ સર...”

“કેમ સાંજના ઊંઘવું પડ્યું?”

“એ તો સર એમ જ આંખ લાગી ગઈ.” યોગીતાએ જણાવ્યુ.

“હમ્મ, બપોરે દાળ-ભાત ખાધા લાગે છે.”

“અરે, ના, ના.”

“સારું.”

“જોવો હવે નહીં ઉંઘું.”

“ના, તું સૂઈ જા... પણ આવી રીતે નહીં. વેઇટ.” કહી આરવ પેન્ટ્રી તરફ ગયો. બંને સુરક્ષાકર્મી તેને જતાં જોઈ રહ્યા. વિચારમાં પડ્યા આરવ શું કરવા ગયો? એક મિનિટ બાદ આરવ સ્ટૂલ લેતો આવ્યો. યોગિતા પાસે મૂકી કહ્યું:(ખુરશી હટાવતા) “આજે સ્ટૂલ પર ટેકો દીધા વગર સુજે.”

“અરે, સર...” યોગિતાને પહેલા હસવું આવ્યું પછી તે ગંભીર બની: “સર ખરેખર નહીં સૂવું હવે.” કહી સ્થિર ઊભી રહી.

“કેમ? હું કહું તો છું કે સૂઈ જા...”

“સર, હું જાણું છું તમે શું કરવા માંગો છો પણ હું તમને પ્રોમિસ આપું છું નહીં સુવ હું હવે.” યોગિતા થોડી ઉદાસ થઈ.

“શું જાણે છે તું?”

“અરે લે, તમે મને પનિશમેંટ આપવા માંગો છો બટ એની જરૂર નથી, હું નહીં ઉંઘું હવે, સાચ્ચે!” યોગિતા તેને વિશ્વાસ અપાવા માંગતી હતી.

“ના બકા, હું તને એટલે નથી કહી રહ્યો, મારે એક કેસની ગાંઠ ઉકેલવી છે. એક ઉખાણું ઉકેલવાનું છે. એમાં તું મદદ કર.”

“અચ્છા, બોલો.”

“આ સ્ટૂલ પર ટેકો દીધા વગર ઊંઘવાનું છે અને મને કે’જે ફાવે છે કે નહીં. બીજું એ પણ યાદ રાખજે તારી બોડી કઈ બાજુ ઢળે છે. આગળ કે પાછળ.”

“બોડી તો.. એ તો આગળ જ નમવાનીને?”

“તું ટ્રાય કરીને કે’જે.” કહી આરવ જતો રહ્યો. યોગીતાને આ પ્રવૃત્તિ વિચિત્ર અને રોચક લાગી. ગીતના લોકરમાંથી ફોન લઈ આરવ બ્હાર આવ્યો:” હું બે-ત્રણ કલાકમાં પાછો આવું છું.”

“સારું.” યોગિતાએ કહ્યું.

 

                              તે પાર્કિંગમાં આવ્યો. બાઇક પર બેસી હેલ્મેટ પહેર્યું, પાર્કિંગથી વળાંક સુધી બાઇક ચલાવ્યું, પછી થોભ્યો. વિચારમાં પડ્યો:દક્ષિણ દ્વારથી જવું કે પશ્ચિમવાળા? પશ્ચિમ દરવાજાથી સરગાસણ નિકળાતું દક્ષિણનો એટલે કે ગિફ્ટ સિટીના અંતિમ દ્વારથી શોર્ટ કટમાં અમદાવાદ જવાતું. ત્યાંથી બે-એક કિલોમીટરનું અંતર ઓછું થતું. આરવને ઉતાવળ હતી. તેણે ફટાફટ બાઇક ભગાવ્યું. આમ પણ ઘણા સમયથી અંતિમ દ્વાર બાજુ જવાયું નથી. તો આજે અજમાયેશ કરીએ.

 

*

 

“તારું ક્યારેક મને સમજાતું નથી હો...” નેલ્સન પટેલે રોનાલ્ડને કહ્યું.

“શું?”

“પેલી બિચારી છોકરીઓને જવા દેવી’તી ને એમને જવું હતું તો.”

“અને અહીં કામ કોણ કરશે?”

“શું કામ? હજુ તો એમની ટ્રેનીંગ ચાલે છે. કાલે એમ પણ બંનેને ટ્રેનીંગ નૈ મળે.” નેલ્સન ટાઈપિંગ કરતાં કરતાં બોલ્યો. રોનાલ્ડ એની તરફ ફર્યો.

“તો મેં થોડી સેડ્યુલ બનાવ્યું છે. ઉપરથી આવ્યું છે. એમને આવતી કાલે હાજર રે’વાનું છે. That’s it! I’m doing my damn job!”

“હવે રે’વા દેને છાની માની! ડેમ જોબવાળી!”

“તો શું કરું? સરકાર કઈ એમને પાર્ટી કરવાની સેલેરી નથી આપતી. એન્ડ FYI:કાલે એમના માટે કામ છે. એ લોકો કામ જ કરશે. તું બોવ ડાયો ના થઈશ!”

 

                              રોનાલ્ડ-નેલ્સન એક જ એપાર્ટમેંટમાં રહેતા હતા અને ખાસ મિત્રો હતા. જેથી તેઓ આવી રીતે વાત કરતાં. જેનું એકમેકને ખોટું પણ ન લાગતું. નેલ્સન જાણતો હતો કેમ રોનાલ્ડે છોકરીઓને રજા ના આપી, તે અત્યારે ખાલી એને ચીડવતો હતો. નેલ્સને કહ્યું:”આ તારો ગુસ્સો નય, તારી ઉદાસી બોલી રય છે, રોનાલ્ડ ક્રીસચન!”

રોનાલ્ડ છેડાઈ ગયો:”ક, ક... કેવી ઉદાસી? ગમે તેમ ના બોલ, લાફો મારી દઇશ!”

પટેલ હસવા લાગ્યો:”જો એનાથી તારા હ્રદયના ઘા રુઝાતા હોય મારા ભય, તો એમ કર પણ તને આમ ઉદાસ હું નય જોઈ શકતો!” કહેતા તેણે રોનાલ્ડના ખભે હાથ મૂક્યો. હાથ હટાવતા તે બોલ્યો:”એક ઝાપટ મારીશને હમડા!”

“બિન બુલાયેલ બારાતી...” કહી નેલ્સન પટેલ હસવા લાગ્યો. પછી તેણે ઉમેર્યું:”કો’કની પાર્ટીની પથારી ફેરવી નાખી તે!” રોનાલ્ડ પણ મલકાવા લાગ્યો:”બે તો વસ્તુ વ્યાજબી છે આ? આખા આઇ.બી.માં બધાયને ખબર છે તારો ભય પાર્ટી માટે ગાંડો છે, ‘ને આ નવા નિશાળિયાઓએ ભયને જ ઈનવાઈટ નય કર્યો.”

“કોઈ સિનિયરને ઈનવાઈટ નથી કર્યા.”

“એ વાત અલગ છે. એટલીસ મને કરવો જોઈતો’તો. વેલેન્ટાઇનની પાર્ટીમાં કેવી મૌજ કરાવી દીધી હતી. બધી છોકરીઓ હસાહસ અને ફોટા પડાવા પડાપડ કરી રહી’તી ભય જોડે. ભય પાર્ટી ફ્રિક છે! પાર્ટી એનિમલ! મારા જેવો જનાવર પાર્ટી વાંહે કોઈ આખા ગાંધીનગરમાં નય હોય.”

“એ એટલા માટે કારણ તું એકલો જ સિનિયર થઈને ડેકોરમ મેંટેઇન ન’તો કરી રહ્યો.” નેલ્સને જવાબ આવ્યો.

‘તું... તને નય હમજાય રે’વા દે. કેટલીક વસ્તુઓ ક્યારેક કરવી પડે પણ તારા દિમાગમાં નય ઉતરે. તું આખી જિંદગી વાંઢો રે’વાનો.”

“આહાહા...પોતે તો જાણે ફેશન ટીવીની હિરોઈનને પૈણ્યો હોય!” નેલ્સન કટાક્ષમાં બોલ્યો.

“એટલીસ, મારી આસપાસ છોકરીઓ તો આવે છે. ફ્લર્ટ તો કરું છું હું, તારી જેમ ગામ આખાની પંચાત નય કરતો.”

“તો કરને... જો એવું જ કરવાથી મેળ પડી જતો હોત તો મેળ પાડ! મારી હારે શું લમણા લે છે!”

“થશે, બેટા, સમય આવે એ પણ થશે. તું ચિંતા ના કર.”

“મારો આ... થશે!” કહેતા તેણે લચ્છા વીંટવાની સંજ્ઞા દર્શાવી.

“જોઈ લે જે.” કહી રોનાલ્ડ તેના પી.સી. સામે બેઠો.

“બધી છોકરીઓ જોડે ફ્લર્ટિંગ કરો તો ક્યાંય મેળ ન પડે. બેય નાવડીમાં પગ રાખી ના આગળ વધાય.” નેલ્સને સમજાવ્યું.

“અને આ વાત બોલી કોણ રયું છે? આદિ કાળથી વાંઢા અવતરેલા, સદાય વિ જાતિથી અળગા અલૂટા! વંધ્યત્વનો જીવતો જાગતો દાખલો પૂરો પાડતા મિસ્ટર વાંઢેશ નેલ્સન પટેલ! ગુરજી આપ જે જ્ઞાન થોપી રહ્યા છો એ કેટલી સદભાગી યુવતીઓના સંબંધ-સંચારથી વ્યક્તિગત રીતે પ્રાપ્ત કર્યું છે?”

“I see, I observe!”

“ના. હું કવ. શૂન્ય. આપડે કોલ પર એક્સટેંસન પે’લા લગાઈએ એ આંકડો.” કહી હસવા લાગ્યો:“ન્યુટનની ચોથી ફોટોકોપી! ન્યુટનની વિષે ખબર છે ને?”

“મારી વાતો ભલે વ્યક્તિગત અનુભવથી ના આવી હોય પણ રિલેટેબલ ચોક્કસ છે.” પટેલે કહ્યું.

“એને તમે જ રિલેટ કરો. મારે નથી જરૂર.” રોનલ્ડે કહ્યું. બંને એમ ગપાટાં મારતા કામે વળગ્યા.

 

*

 

                              ૦૯:૩૦ થયા. રાતપાળી વાળા કર્મચારીઓ ડિનર કરવા વારાફરતી જઈ રહ્યા’તા. યોગિતાની શિફ્ટ પૂરી થઈ. તે ઘરે જઈ રહી ત્યારે ગ્રાઉંડ ફ્લોર પર આરવ દેખાયો. તે અમદાવાદથી આવ્યો હતો. એન્ટ્રીબુકમાં નોંધ કરી રહ્યો હતો, ત્યારે યોગિતા પાસે આવી.

“આરવ સર...”

“યોગી, યોગિતા...” તેણે મસ્ટરમાં એન્ટ્રી પતાવી, તે બધાની સામે બોલવાનું શરૂ કરે એ પહેલા આરવ તેનો હાથ પકડી બાજુમાં લઈ ગયો.

“હવે બોલ, ત્યાં જાહેરમાં વાત ના કરાય.”

“ઓકે. તમે કહ્યું એ એક્સપરિમેંટ મેં કરી જોયું. બોવ વિચિત્ર અને અનકમ્ફર્ટેબલ લાગ્યું.” યોગિતા બોલી.

“તો થાય જ ને. કોઈ માણસ મરતા પહેલા સ્ટૂલ પર ઝોલાં ખાતું હોય તો વિચિત્ર જ લાગે ને?”

“એટલે? તમે મને એક ડેડ બોડીના જેમ બિહેવ કરવા કહ્યું હતું?”

“સંપૂર્ણ રીતે નહીં. એ ઝોલાં ખાતી હતી, ત્યારે જીવતી હતી.” કહી તે હળવું હસ્યો.

“સર... આવું ના કરો મારી જોડે. મને રાતે ઊંઘ નહીં આવે.”

“ઓકે. આ તો જસ્ટ કેસ માટે મદદ જોઈતી હતી. બોલ શું જાણવા મળ્યું તને?”

“સારું.” યોગિતાએ કહ્યું.

 

                              દરમિયાન  ભંવર લિફ્ટથી નીચે આવ્યો, તેણે યોગિતા-આરવને આછા અજવાળાના એક ખૂણામાં વાતો કરતાં જોયા. બે ઘડી વિમાસણમાં મુકાઇ તે જોઈ રહ્યો. આમ તેમ નજર મારી ફોન નિકાળી સમય જોયો અને પાછો લિફ્ટ તરફ ગયો.

“તમે કહ્યું એમ ટેકા વગર મેં સૂવાનો પ્રયત્ન કર્યો, તો મારૂ બોડી આગળ નમ્યું. જો પાછળ જાઉં તો ઉંધા માથે પડી હોત.”

“સારું. થેન્ક યુ.”

“વેલકમ સર, મળીએ કાલે.”

“હા, ગુડ નાઈટ. બાય.”

“બા બાય. ગુડ નાઈટ.”

 

                              આરવ લીફ્ટમાં પ્રવેશ્યો. યોગિતા પાર્કિંગમાં ગઈ. રેસ્ટરૂમથી ભંવર નીકળ્યો અને યોગિતાની પાછળ-પાછળ ગયો. આરવ કામે વળગ્યો. થોડીવાર બાદ ભંવર પણ ઓફિસમાં આવ્યો. ૧૧ વાગે આરવ અને ઝારા બ્રેક પર ગયા. આજે ભંવર આરવની એકએક હરકત નોંધી રહ્યો હતો. તેને ખ્યાલ હતો જ પણ બહુ ધ્યાન ન હતો આપી રહ્યો.

 

*

 

                              જો જરાક મોડુ થયું હોત તો ચોકિયાતનું કપાળ પિંખાઈ ગયું હોત. ગોળી સામે બારીમાંથી આવી હતી. તેને ચોકી પાછળ સંતાવાનો મોકો મળ્યો પણ ભાગવાને બદલે તે રાઇફલમાં ગોળી ભરવા રોકાયો. આ તેની બીજી ભૂલ હતી. આદમી અંધારામાં ક્યાંક નિશાન તાકી વાટ જોઈ રહ્યો હતો. ચોકિયાતનો ફોન બ્હાર તાપણા પાસે પડ્યો હતો, ફોનમાં ગીત વાગવાના યથાવત રહ્યા. તે મનોમંથન કરવા લાગ્યો:”યાર, મારે પે’લાથી જ ચેતી જવાની જરૂર હતી, કે આ ખૂની જ હશે. હવે શું કરું? વનો આવે તો કઈક થાય. મારો ફોન બી બાર પડ્યો છે! પેલા આને વનો આવે ત્યાં હુંધી રોકી રાખું. એમ વિચારી તે બોલ્યો:

“તો તું એ જ ગુંડો બદમાશ છું જે બધાને મારુસુ હે ને?”

“બધાને નય, ખાલી આધેડ ખોરિયાઓને.”

“તને ચમની ખબર હું ખોરયો સુ?”

“હમડા જે રીતે તે પેસાબ હલાયો. એ કો’ક ખોરિયો જ હલાવે. સાદા લોકો નય.”

“બે પણ મેં હું બગાડિયું તારું?” સુરક્ષાકર્મીએ પૂછ્યું.

 

                              ચોકિયાત એની સાથે વાતો કરી જાણવા માંગતો હતો કઈ દિશામાં એ બેઠો છે. જેથી ખ્યાલ આવે. આ બાબત આદમીના મગજમાં પણ આવી ગઈ માટે તે ચૂપ થઈ ગયો અને પ્રતિક્ષા કરવા લાગ્યો ક્યારે ચોકિયાત બ્હાર આવે. અર્ધી મિનિટ આમ વીતી ગઈ. બાદ સુરક્ષાકર્મી બોલ્યો:

“હલો, છઠ્ઠા ગેટે પ્રોટેક્ષન મોકલો, અહીં પે’લો સાઇકો કીલર આવ્યો સ!”

 

                              આદમીએ આ વાત સાંભળી. આનો ફોન તો બ્હાર પડ્યો છે, તો કેવી રીતે એણે ફોન કર્યો? જરૂર બુથના લેંડલાઇનથી કોલ લગાવ્યો હશે. આદમીએ વિચાર્યું. તેની પાસે જરાઈ સમય હવે ન હતો બચ્યો. સુરક્ષાકર્મીએ બેકઅપ માટે ફોન જોડી દીધો હતો. તાપણાથી ૪૦ ફૂટ ડાબી દિશામાં જાડી-ઝાંખરાંમાં તે બેઠો હતો, ત્યાંથી બ્હાર નીકળી ચોકી પાસે આવ્યો. સુરક્ષાકર્મીની નજર જમણી દિશામાં હતી. જ્યાં આદમીની સાઇકલ પડી હતી. બીજી તરફથી આવતા ખૂનીને જોઈ તે ચોંકી ગયો અને એ જ ક્ષણે ગોળી છોડી. નિશાનો સરખો ન આવતા, ગોળી ખૂનીને ચૂકી ગઈ. આદમી સહેજ ખસ્યો અને દોડ્યો.

 

                              આદમી ચોકીની બારી બ્હાર ઊભા રહી બંદૂક તાકી નિશાન લેવા પ્રયત્ન કરી રહ્યો હતો પણ અંધારામાં કઈ દેખાયું નહીં. દરમિયાન ચોકિયાત સાપ જેમ લસરતો બ્હાર આવી, આદમીનો પગ ખેંચ્યો અને ઊભો થયો, આદમી પડવા જેવો થયો, તેણે ચોકિયાત સામે બંદૂક તાકી. આ ઘડીએ તે ચોકિયાતની ખોપડીમાં ગોળી ઉતારી શક્યો હોત પણ તેણે એમ કર્યું નહીં. તેણે એના મોઢા પર લાત ઠોકી. દર્દથી કણસતા ચોકિયાતે એનો પગ છોડ્યો અને નાક પર હાથ મૂક્યો. પછી સામે તેણે રાઇફલ ધરી, આદમીએ નાળચું પકડી લઈ ઉપર કર્યું. ચોકિયાત રાઇફલ છોડી ન હતો રહ્યો, આદમીએ ઝૂંટવવાના પ્રયત્ન કર્યા પણ સુરક્ષાકર્મીએ પકડ ઢીલી ન કરી. રોષે ભરાયેલા આદમીએ તેના પેસાબ પર લાત મારી. ચોકિયાતે રાડ પાડી, હાથની પકડ હળવી થઈ. આદમીએ રાઇફલ છીનવી લીધી.

“હમડા હું બોલ્યો’તો? બંદૂકનું નોળચું મારી ઓંખમાં ખોહી દઈસ એમ? તારી બુનન હરિભય લઈ જાય ઠોકયા!” કહી આદમીએ ચોકિયાતની જમણી આંખમાં બંદૂકનું નાળચું ઘુસાડી દીધું. દર્દથી કણસતા ચોકિયાતે રાડારાડ કરી મૂકી.

 

*

 

રાત્રિના ૨:૦૦ વાગે,

 

“આઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆ.....!!!!!” કોઇકે ચીસ પાડી.

                              આઠમા માળે, જમણી બાજુ પેન્ટ્રી તરફથી આ અવાજ સંભળાયો હતો. રિસેપ્શન પર હાજર બંને સુરક્ષાકર્મી હળવી નિંદમાં હતા. ચીસ સાંભળતા બંને જપકી ગયા. પછી ખડે પગ બન્યા. ફ્લોરનો દરવાજો બંધ રહેતો હોવાથી અંદર કોઈને ભનક ન હતી પડી કે બ્હાર કોઈએ બૂમ પાડી હતી. દરવાજા પાસે જ પટેલ અને રોનાલ્ડ ઊભા રહી વાતો કરી રહ્યા હતા. પુરુષ સુરક્ષાકર્મી તેની બંદૂક લઈ પેન્ટ્રી તરફ વધ્યો. દરમિયાન સ્નિગ્ધા પેન્ટ્રી તરફથી દોડતી આવી. તે પગરખાં વગર દોડી રહી હતી. જેથી જમીન પર ધમધમ અવાજ આવ્યો, જે અંદર ફ્લોરમાં પણ કેટલાકને સંભળાયો. સ્નિગ્ધાને આવતા જોઈ સુરક્ષાકર્મી ઊભો રહી ગયો. તે આકરી રીતે રડવા લાગી.

“મેડમ, ક્યા હુઆ?” સુરક્ષાકર્મીએ પૂછ્યું.

“યાં…! ત્યાંહ...ત્યાંહ....” તે હાંફી રહી હતી, ડૂસકાં ભરી રડી રહી. સ્ત્રી સુરક્ષાકર્મીએ પાણીની બોટલ લીધી, કાર્ડ સ્વાઈપ કર્યું અને જ્યાં બંને ઊભા હતા એ તરફ આવી. ફટાફટ ઢાંકણ ખોલી પાણી આપ્યું:”મેડમ, પ્લીઝ શાંત થાવ! શ્વાશ લો, લો પાણી પીવો અને પ્લીઝ રડવાનું બંધ કરો.” સ્ત્રી સુરક્ષાકર્મીએ તેને શાંત પાડતા કહ્યું. રડવાનો અવાજ સંભળાતા પટેલ અને રોનાલ્ડ બ્હાર આવ્યા.

“તે, ત્યાં...” કહી સ્નિગ્ધા હાંફવા-રડવા લાગી. તેણે હાથથી પેન્ટ્રી તરફ આંગળી ચીંધી. પટેલ, રોનાલ્ડ, સ્ત્રી-પુરુષ સુરક્ષાકર્મીએ જોયું. છેડા પર વળાંક પાસે એક સ્લીપર ઊંધું પડ્યું હતું. રોનાલ્ડને જોઈ તે એને ગળે વળગી વધુ જોરથી રડવા લાગી:”સર... સર ત્યાં...!”

“શસસસસ... શાંત, શાંત ડિયર!” કહેતા રોનાલ્ડે તેના વાળ સહેલાવ્યા. સ્નિગ્ધા બોલવા પ્રયત્ન કરી રહી હતી. તેનું હ્રદય સામાન્ય સ્થિતિમાં આવ્યું, પછી તેણે બોલવાનું શરૂ કર્યું:”સર ત્યાં પેલો ખૂની છે!”

 

                              પુરુષ સુરક્ષાકર્મીએ તેની બંદૂક સવળી કરી. સ્ત્રી સુરક્ષાકર્મી એક્સટેન્શન પાસે ગઈ. તે કોઈને કોલ લગાવે પહેલા રોનાલ્ડે એક સેકન્ડ થોભવા કહ્યું. ઓફિસમાંથી બીજા ચાર-પાંચ જણ બ્હાર આવ્યા. એમાંના ત્રણ ન્યુ જોઈનીવાળા યુવાન-યુવતી હતા. રોનાલ્ડે શાંતિથી સ્નિગ્ધાને પૂછ્યું:”તે શું જોયું?”

“સર, હું અને દેવર્ષી...(આસપાસ નજર મારી) દેવ, દેવર્ષી ક્યાં??” કહી તે પેન્ટ્રીની દિશામાં ફરી અને એ બાજુ દોડી.

“સ્નિગ્ધા...” રોનાલ્ડે બૂમ પાડી. તેનું એમ ત્યાં જવું જોખમી હતું. જો ત્યાં ખરેખર કોઈ ખૂની હતો તો. સ્નિગ્ધા રોકાઈ નહીં, દેવર્ષીને લેવા એ બાજુ ભાગી.

 

                              તેની પાછળ રોનાલ્ડ, પટેલ અને બંને સુરક્ષાકર્મી દોડ્યા. બીજા ચાર-પાંચ જણ પણ તેમની પાછળ પાછળ ભાગ્યા. સૌને કુતૂહલ જાગી. વળાંકથી આગળ લાંબી પરસાળ પડતી. પરસાળના પૂર્વાર્ધમાં બીજું સ્લીપર દેખાયું. દેવર્ષી પરસાળના છેડે આડી પડી હતી. જમણી બાજુથી પેન્ટ્રી તરફ જવાતું. ફરી સ્નિગ્ધાએ રાડ નાખી. તે દેવર્ષિને વળગી પડી. રોનાલ્ડ પાસે આવ્યો, દેવર્ષીના શ્વાસ ચાલે છે કે નહીં એ તેણે તપાસ્યું, બાદ તેને શ્વાસ લેવા મોકળાશ મળે એ માટે સ્નિગ્ધાને એનાથી અળગી કરી. તે સ્નિગ્ધાને શાંત પાડવા લાગ્યો. પાછળ ટોળું એકઠું થયું હતું. તે લોકો ગુસપુસ કરી રહ્યા હતા. સ્ત્રી સુરક્ષાકર્મીએ મોટા સ્વરે જણાવાનું શરૂ કર્યું હમડા શું બન્યું. ટોળું મૌન રહી એને સાંભળી રહ્યું.

 

                              ડરના લીધે સ્નિગ્ધા રોનાલ્ડને વળગી પડી. પછી દેવર્ષિને ઉઠાડવા પ્રયત્ન કરવા લાગી. તેની રડમસ ચિચિયારીઓ નીરવતા ખોરવી રહી હતી. રોનાલ્ડે સ્નિગ્ધાના મોં પર હાથ મૂકી ચૂપ કરી. સ્નિગ્ધાનું મોં બંધ થયું પણ આંખના આંસુ નહીં. બાદ સૌને ચૂપ રહેવા કહ્યું. બધા તેને જોઈ રહ્યા.

 

                              રોનાલ્ડ ત્રણ ડગલાં આગળ આવ્યો. પાછળ ફરી પુરુષ સુરક્ષાકર્મીને બોલાવ્યો. સુરક્ષાકર્મી પાસે આવી ઊભો. તેને ત્યાં જ ઊભા રહેવા ઈશારો કરી તૈયાર રહેવા જણાવ્યુ. રોનાલ્ડ સાવચેતીથી પેન્ટ્રીમાં આવ્યો. કોફી મશીન પાસે ગયો, જ્યાં કોઈ ન હતું. બાદમાં ધીમા પગલે રેસ્ટરૂમની ગલીમાં નજર મારી. ત્યાં કોઈ ન હતું. તે દેવર્ષી પાસે આવ્યો અને તેને ઢંઢોળી. સ્નિગ્ધા ઢીંચણે ચાલતી પાસે આવી દેવર્ષીને હલાવી જોઈ.

“દેવર્ષી... દેવ... ઊભી થા.” કહેતા તે રડવા લાગી. રડતાં-રડતાં તે એનું નામ બોલી રહી:દેવર્ષીઈઇઇઇઇ!”

“કોઈ પાણી લેતા આવો.” રોનાલ્ડે કહ્યું. પટેલ આર.ઓ. મશીન બાજુ ગયો.

“મારી પાસે છે.” સ્ત્રી સુરક્ષાકર્મીએ કહ્યું અને રોનાલ્ડને બોટલ આપી.

 

                              હાથમાં થોડું પાણી લઈ દેવર્ષીના ચહેરા પર છાંટ્યું. તે હોશમાં આવી. સ્નિગ્ધાને સહેજ નિરાંત થઈ.

“are you all right?” રોનાલ્ડે દેવર્ષીને પૂછ્યું. તે રોનાલ્ડના ખોળામાં હતી, ઊભી થઈ હાથથી મોઢું લૂંછતા ઢીલા સ્વરે બોલી:”યાહ.”

“શું થયું?” રોનાલ્ડે પૂછ્યું.

“પ્લીઝ, મને અહીંથી દૂર લઈ જાવ. Please, take me somewhere else!”

“sure.” કહેતા રોનાલ્ડે હાથ પકડી તેને ઊભી કરી. દેવર્ષી હજુ પણ ઝોલાં ખાતી હતી માટે બંને બાજુથી રોનાલ્ડે અને સ્નિગ્ધાએ તેને પકડી રાખી. બધા તેમની પાછળ પાછળ રિસેપ્શન બાજુ આવ્યા. દેવર્ષિને ખુરશીમાં બેસાડી, પાણી આપ્યું. તે બોલી શકવાની હાલતમાં લાગી રહી ન હતી. માટે સ્નિગ્ધાને પૂછ્યું.

“સ્નિગ્ધા શું થયું ત્યાં?”

“અરે રોનાલ્ડ સર, હું અને દેવર્ષી ટી પીવા પેન્ટ્રી ગયા હતા. અમે બંને કાઊચ પર બેઠા’તા. ત્યાં પેલો દરવાજો છે, એ સહેજ અમથો ખૂલ્યો અને એક આંખ દેખાઈ.”

“આંખ?” આશ્ચર્યથી રોનાલ્ડે પૂછ્યું.

“આંખ..!”

“આંખ?” હાજર ઉભેલા લોકો અંદરો-અંદર ગુસપુસ કરવા લાગ્યા. તેણે વાત આગળ જણાવી.

“હા, એક ડરાવની મોટી આંખ!. એ અમને જોઈ રહી’તી. તેના હાથમાં મોટું તીક્ષ્ણ હથિયાર હતું. એ અમને મારે એ પહેલા મારા મોઢામાંથી મોટી ચીસ નીકળી ગઈ. હું ભાગીને બ્હાર આવી. મને એમ કે દેવર્ષી મારી પાછળ આવી રહી છે પણ પછી ખબર પડી એ ન હતી આવી.”

એક ન્યુ જોઈનીએ તેની બાજુમાં ઉભેલ યુવતીને કહ્યું:“જરાક અમથી જગ્યામાં આને આંખ દેખાઈ અને મોટું હથિયાર પણ દેખાયું જબરું!”

“મેડમ આવી વાતો ન કરશો. કઈ નથી ત્યાં.” સ્ત્રી સુરક્ષાકર્મીએ કહ્યું.

“અરે હું સાચું કવ છું! ત્યાં મેં ભૂત જોયું છે.” સ્નિગ્ધા રડમસ સ્વરે બોલી.

હાજર ઉભેલ ન્યુ જોઈની તેની બાજુવાળીને બોલ્યો:”હમડા સુધી ખૂની હતો, હવે ભૂત થઈ ગયું.” કહી બંને હળવે-હળવે હસવા લાગ્યા.

“મેં મારી ખુદની નજરે જોયું છે. તમે પ્લીઝ મારી વાતનો વિશ્વાસ કરો.” તે બેબાકળી બની ગઈ.

“ઓકે, ઓકે. તું શાંત રે.” રોનાલ્ડ બોલ્યો.

ત્રણ જણા પાછા ઓફિસમાં જતાં રહ્યા. બે યુવક અને એક યુવતી જે ન્યુ જોઈની હતા, બે જણ હાજર રહ્યા.

“દેવર્ષી તું કેમ બેભાન થઈ ગઈ?” રોનાલ્ડે પૂછ્યું.

“સર, સ્નિગ્ધાની ચીસ સાંભળી, હું ડઘાઈ ગઈ. મેં પાછળ જોયું તો એ ચૂડેલ મારી સામે જોઈ રહી હતી.”

“લો હવે એ ભૂત નય ચૂડેલ છે.” એક જણ હળવેથી તેના બાજુવાળાને બોલ્યો.

“મેડમ એસા કુછ નય હોતા.” પુરુષ સુરક્ષાકર્મી બોલ્યો.

“અરે તમે વિશ્વાસ કેમ નથી કરતાં? સર, પ્લીઝ ત્યાં ચેક કરો. એ ત્યાં જ છે.” સ્નિગ્ધાએ રોનાલ્ડને કહ્યું.

“સ્નિગ્ધા હું બધુ જોઈને આવ્યો. કોઈ નથી ત્યાં...”

“સર એ ત્યાં જ છે. મેં જોયું. દેવર્ષીએ જોયું. તમે પ્લીઝ ફરી ચેક કરો.”

 

                              પેન્ટ્રી બંધ વિસ્તાર હતો. ત્યાંથી ક્યાંય જવાય એમ ન હતું. જો ત્યાં કોઈ હોય તો એણે બ્હાર આવવા મુખ્ય માર્ગનો ઉપયોગ જ કરવો પડે પણ હજુ સુધી કોઈ બ્હાર આવ્યું ન હતું.

“સર, પ્લીઝ ચેક ધી રેસ્ટરૂમ. પ્લીઝ.” સ્નિગ્ધા આજીજી કરતી રહી તેણે રોનાલ્ડના હાથ પર હાથ મૂક્યા હતા.

“સારું. હું જોવ છું. તમે શાંતિ રાખો.” કહેતા રોનાલ્ડે સ્નિગ્ધાના હાથમાંથી હાથ છોડાવ્યા અને એ તરફ ગયો.

 

                              પાછું ટોળું રોનાલ્ડની પાછળ ચાલ્યું પણ થોડું અંતર જાળવી રાખી. જોડે આવેલા બે જણને આ બધુ જોઈ ખુશી મળી રહી હતી. રોનાલ્ડ તપાસ કરવા લાગ્યો, કોફી મશીનવાળી જગ્યામાં જોયું. કોઈ ત્યાં ન હતું.

“જોયું? કોઈ નથી આયાં.” રોનાલ્ડ સ્નિગ્ધાને જોઈ રહ્યો.

“સર, એ પે’લા દરવાજા પાછળ હતું.” કહી સ્નિગ્ધાએ વોશરૂમના માર્ગ પર આવેલો દરવાજો ચીંધ્યો.

 

                              એ દરવાજો ક્યારેય કોઈએ ઉઘડેલો જોયો ન હતો. આવતા જતાં કદી ધ્યાનમાં પણ ન આવતો પણ આજે એ દરવાજો ગજબનું આકર્ષણ ખેંચી રહ્યો હતો. સ્નિગ્ધાની વાત સાંભળી બધા એ બાજુ જોઈ રહ્યા. રોનાલ્ડ આગળ વધ્યો. પુરુષ સુરક્ષાકર્મીએ બંદૂક તૈયાર રાખી. તેણે દરવાજો ઉઘાડયો. નાની ઓરડી જેવી જગ્યા હતી, જમીન પર પાથરણું પાંથર્યું હતું. ત્યાં કોઈ હતું નહીં. સુરક્ષાકર્મીએ બંદૂક નીચે કરી. રોનાલ્ડ બોલ્યો:”કોઈ નથી અહીંયા.”

 

                              બાદમાં લેડિઝ વોશરૂમ માટે સ્ત્રી સુરક્ષાકર્મીને દરવાજો ખુલ્લો રાખી અંદર ચેક કરવા જવા કહ્યું. ત્યાં કોઈ ન હતું. પછી જેંટ્સ વોશરૂમ ચેક કરવા તે પોતે ગયો. દરવાજો ખોલ્યો ત્યાં સામે એક આદમી મો ધોઈ રહ્યો હતો. તેણે હાઉસકીપીંગનો ગણવેશ પહેર્યો હતો. રોનાલ્ડે પૂછ્યું:”કોણ છે તું?”

“સા’બ સાફસફાઇ કરું છું હું.”

“ઓકે. અર્ધો કલાક બ્હાર ન આવતો.” રોનાલ્ડે કહ્યું, પેલી ઓરડીમાં પડેલું ચાદરું અને વોશરૂમમાં સફાઈ કર્મચારીને જોઈ તે સમજી ગયો શું થયું હશે. સફાઈ કર્મચારીએ માથું ધૂણાવી હા પાડી. બ્હાર બીજા ચાર જણ આવ્યા. રોનાલ્ડ બ્હાર આવ્યો:“કોઈ નથી ત્યાં સ્નિગ્ધા. You must be hallucinating people! (તને ચોક્કસ ચિત્તભ્રમ થયો હશે.) રોનાલ્ડે જણાવ્યુ.

“નો સર. રીઅલમાં ત્યાં કોઈક હતું. હું અને દેવર્ષી ચા પીવા આવ્યા અને વાતો કરી રહ્યા હતા...” ટેપની કેસેટ જેમ સ્નિગ્ધા એક જ વાત ફરીને ફરી કહી રહી હતી.

એટલામાં એક જણે અંધારામાં તીર છોડ્યું:”તે જરૂર છોકરી જેવી લાગતી હશે હેને?” સ્નિગ્ધા સામે જોઈ તેણે પૂછ્યું.

“હા.” સ્નિગ્ધાએ જવાબ આપ્યો.

“તો તો એ ચોક્કસ ભૂત હશે. તને ખબર નથી છઠ્ઠા માળે ભૂત થાય છે? ત્યાં એક છોકરી મરી ગઈ હતી. તે જે જોયું એ જરૂર છઠ્ઠા માળવાળી છોકરીનું ભૂત જોયું હશે.” તે એને ડરાવા માટે બોલી રહ્યો હતો. આ સાંભળી દેવર્ષી રડવા લાગી, બોલી:” હું કાલે ઓફિસ નહીં આવું.” બીજી બાજુ બીકના મારી સ્નિગ્ધા રોનાલ્ડને વળગી ગઈ. રોનાલ્ડ તેને આશ્વાસન આપી રહ્યો. તે આદમી તરફ ફર્યો: અને તિરસ્કારભાવથી જોઈ રહ્યો:”શટ અપ! ગો ટૂ યોર ડેસ્ક, રાઇટ નાવ!”

“સોરી.” કહી તે કર્મચારી નીચે જોઈ રહ્યો.

 

                              રોનાલ્ડ સ્નિગ્ધા-દેવર્ષિને રિસેપ્શન બાજુ લઈ આવ્યો. હાજર ઉભેલા ઘણા ગંભીરતાથી આ વાત લઈ રહ્યા હતા, ત્યાં બીજા કેટલાક હાંસી ઉડાવી રહ્યા હતા અને કોમેન્ટ પાસ કરી રહ્યા હતા:’રજા લેવાની નિન્જા ટેક્નિક!’, ‘મેંય નીચે એકવાર ભૂત જોયું હતું.” ન્યુ જોઈની બોલ્યો. આસપાસના લોક એને જોવા લાગ્યા. પછી તેણે ઉમેર્યું:”દેવર્ષી મેકઅપ વગર ઊભી હતી.” બધા હસવા લાગ્યા. બાદ તે બોલ્યો:”અત્યારે કેવી ખોફનાક લાગે છે, મેકઅપ વગર તો એનાથી પણ ભૂંડી લાગે!” તે લોકો બંનેની મશ્કરી કરી રહ્યા હતા. આ બધાથી સભાન થયેલી દેવર્ષી ઉદાસ થઈ ઓફિસમાં જતી રહી. મનમાં વિચારી રહી હતી:મેં જે જોયું એ કોઈ ભ્રમ કે કલ્પના ન હતી. ત્યાં જરૂર કોઈ હતું પણ આ લોકોને એ વાત નહીં સમજાય. તેઓ અમારા માટે સહાનુભૂતિ અને અનુકંપા દાખવી રહ્યા છે, કોઈ પરાનુભૂતિ પામી શક્યું નહીં. કાશ એવું એકાદ માણસ હોત જે સિમ્પથી(sympathy) નહીં પણ એંપથી(empathy) સમજી શકતું હોત.

 

                              રિસેપ્શન આગળ સ્નિગ્ધા એક્શન સાથે નિદર્શન આપવા લાગી હતી. હવે, તો રોનાલ્ડને પણ લાગ્યું આ કદાચ રજા લેવા નાટક કરી રહી છે. અંદર ફ્લોરમાં પણ વાત ફેલાઈ ગઈ. સૌ કોઈ પછી ભૂતપ્રેતની વાતે વળગ્યા તો કેટલાક દેવર્ષી-સ્નિગ્ધાની મજાક ઉડાવા લાગ્યા. હળવો માહોલ થઈ ગયો. આરવ બ્હાર આવ્યો. તેણે સ્નિગ્ધાની વાત સાંભળી. બીજા બે-ત્રણ માણસો જોડાયા. સ્નિગ્ધા આરવને વાત મનાવા એ તરફ લઈ ગઈ. ફરી ટોળું એ બાજુ આવ્યું. આરવે ખાલી ઓરડી અને વોશરૂમમાં સફાઈકર્મચારીને જોયો, એ પણ સમજી ગયો શું થયું હશે. તેણે રોનાલ્ડને બાજુમાં આવવા કહ્યું. સ્નિગ્ધાનો હાથ છોડાવી તે પાસે આવ્યો.

“શું ટાઈમપાસ કરે છે? કામે વળગવાનું કે’ બધાને.” આરવ બોલ્યો.

“પંદર-વીસ મિનિટ બાકી છે, ઓફિસ પતવામાં. મેલ ને.” કહી રોનાલ્ડ પાછો સ્નિગ્ધા પાસે આવી, તેને આશ્વાસન આપવા લાગ્યો. સ્નિગ્ધાએ તેનો હાથ પકડ્યો.

 

                              આરવ પાછો ઓફિસ તરફ ફર્યો, ટોળું પણ એ તરફ વળ્યું. રિસેપ્શન પાસે ફરી સ્નિગ્ધા બધાને કથા સંભળાવા લાગી. આરવ અંદર ગયો. અચાનક કશુક પડવાનો ધડામ કરતો અવાજ આવ્યો. અવાજ અંદર ઓફિસમાંથી આવ્યો હતો. બધા બે ક્ષણ સ્તબ્ધ થઈ ગયા અને પછી ફટાફટ અંદર આવ્યા. નેલ્સન પટેલના ડેસ્ક પાસે એક યુવતી ઢળી પડી હતી.

 

                              ત્યાં ટોળું વળ્યું હતું. નેલ્સનનું ડેસ્ક છેલ્લી હરોળમાં કાચની દીવાલ પાસે હતું. ત્યાં એક યુવતી ઊભી રહી બ્હારનું દ્રશ્ય જોઈ રહી હતી. અચાનક તે જમીન પર ઢળી પડી. ભંવર ત્યાં આવ્યો અને તેને ઊંચકીને ઓફિસ ચેરમાં બેસાડી. બાદ તેને હોશમાં લાવવા પ્રયત્ન કરવા લાગ્યો. એ યુવતી બીજી કોઈ નહીં, દેવર્ષી પોતે હતી.

 

                              બધા ત્યાં આવ્યા અને મુંજાયા અચાનક ફરી આને શું થયું? સ્નિગ્ધાએ જણાવ્યુ:“તેને ઊંચાઈનો ફોબિયા છે. ત્યાં ઊભા રહી ભૂલથી નીચે નજર જતાં બેભાન થઈ ગઈ હશે.” દેવર્ષી આંખ ન હતી ખોલી રહી. દસમા માળે જ્યાં ઓફિસનું દવાખાનું હતું ત્યાં લઈ જવાનું નક્કી થયું. વૃશ્વિક ભંવર- સ્નિગ્ધા તેની ચેર ઢસડી ફટાફટ ઓફિસના દરવાજા તરફ લઈ ગયા. એની આગળ-પાછળ સુરક્ષાકર્મીઓ અને ત્રણ સહકર્મચારીઓ દોડ્યા.

 

                              તેના ગયા બાદ રોનાલ્ડે ફ્લોર પર જાહેરમાં સૂચના આપી દીધી:”જો કોઈને હાઇટ ફોબિયા હોય તો મહેરબાની કરીને કાચ પાસે ન જશો અથવા બીજા કોઈ જાતના ફોબિયા કે એલર્જી હોય તો સાદીકને લખાવી દો, જેથી એ બાબત ધ્યાનમાં રહે.” બધા તેની વાતથી સહમત થયા અને કેટલાક જણ સાદીક નામના ઓફિસર પાસે આવી નોંધ કરાવી ગયા.

 

                              વાતોના ગપાટાં મારતા-મારતા ૦૨:૩૦ વાગ્યા. છૂટવાનો સમય થયો. રોનાલ્ડે કેવી બહાદુરીથી બધે જઈ તપાસ કરી અને પરિસ્થિતી કાબુમાં કરી એની ચર્ચા થઈ રહી હતી. માટે જ ઓફિસની બધી યુવતીઓ તેની આસપાસ આવી ગઈ. જતી વેળાએ લીફ્ટમાં તે એકલો જ પુરુષ હતો. તેને ઘેરીને આખી લિફ્ટ છલોછલ સ્ત્રીઓથી ભરી હતી. લીફ્ટમાં ગ્રાઉંડ ફ્લોરનું બટન દબાવ્યું. લિફ્ટના દરવાજા બંધ થયાં. ત્રણ સેકન્ડ બાદ લિફ્ટ અટકી ગઈ. અંદર ઉભેલા સૌ એકાએક ચૂપ થઈ ગયા.

 

                              વિચારમાં પડ્યા આટલી જલ્દી ગ્રાઉંડ ફ્લોર ન આવે તો કેમ લિફ્ટ અટકી? છઠ્ઠો માળ બંધ-ખાલી રહેતો. હમણાં જ વાત નીકળી હતી કે છઠ્ઠા માળ પર કો’કનું ખૂન થયું હતું અને ત્યાં ભૂત થાય છે. અચાનક એ જ ફ્લોર પર લિફ્ટ ઊભા રહેતા બધા ક્ષુબ્ધ બન્યા. કોઈએ ૬ અંકનું બટન ન હતું દબાવ્યું, એની મેળે છઠ્ઠા માળે લિફ્ટ ઊભી રહી અને લિફ્ટના દરવાજા ખૂલ્યા. સામેનું દ્રશ્ય જોઈ અંદર ઊભેલી બધી સ્ત્રીઓએ બીકના કારણે એકસાથે કાનના પડદા ફાટી જાય એવી ચીસો પાડી. કેટલીક રોનાલ્ડને વળગી ગઈ. આંખો ફાડી રોનાલ્ડ સામેનું દ્રશ્ય જોઈ દંગ થઈ ગયો.

 

*

 

                              આદમી ગભરાયો. તેને થયું આ સાળો બધાને ખબર પાડી દેશે. તેણે નાળચા તરફથી બંદૂક પકડી અને ચોકિયાતના માથે ચાર-પાંચ ફટકા માર્યા. તેના કપાળમાંથી લોહી નિકળવાનું શરૂ થયું અને શરીર સ્થિર બન્યું, ત્યારે આદમીએ તેને છોડ્યો. બંદૂક નાખી તે ફોન શોધવા ચોકીમાં ગયો. તેણે લાઇટ કરી પણ ફોન ન જડયો. બ્હાર આવી ચોકિયાતના કપડાં તપાસ્યા પણ કપડામાં પણ ફોન ન હતો. ચોકિયાતે અમસ્તા જ ફોન પર વાત કરવાનું નાટક કર્યું હતું, જેથી આદમી બ્હાર નીકળે. તેની યોજના સફળ રહી પણ આગળ ઝઝૂમી ન શક્યો.

 

                              ચોકિયાતના હાથમાંથી વીંટી ખેંચી, તેનું પાકીટ લઈ આદમી ચાલતો બન્યો. બાવળે તેની સાઇકલ પાસે ગયો. ત્યાં નાની બાળકીના રડવાનો અવાજ આવવા લાગ્યો.

“એ મારી ગુડીયા... એ મારી ઢીંગલી! કશું નથી થયું બેટા. જો પપ્પા આવી ગયા સે. હવે આપડે મમ મમ ખાવા જઈશું.” બાળકીનું રડવાનું ન હતું અટકી રહ્યું.

 

                              લોહી વહેતી આંખે ચોકિયાત ઊભો થયો, રાઇફલ ઉઠાવી અને બાવળ તરફ ચાર કદમ આગળ ગયો. પછી વિચાર્યું આદમી પાસે બંદૂક છે, જો વધારે નજીક જઈશ તો તે મારી નાખશે. અંદાજો લગાવી, જે દિશામાં અવાજ આવી રહ્યો હતો એ તરફ ગોળી છોડી. બંદૂકનો ગેબી અવાજ ગુંજ્યો અને પછી કશુક નીચે પડવાનો થડ કરતો અવાજ આવ્યો. બાળકીના રડવાનો અવાજ બંધ થયો. ચોકિયાત દ્વિઘામાં મુકાયો. શું થયું? કોને ગોળી વાગી? તે આદમીને કે નાની બાળકીને? જો આદમીને ગોળી વાગી હોય તો વાંધો જ ન હતો પણ જો નાની બાળકીને ગોળી વાગી હશે તો શું કરશે?

“તારી બુનન ઠોકું! ગેલહાહરા!” કહેતા આદમી સામે આવ્યો.

 

                              બાળકીને ગોળી વાગી હતી. આદમી તેની દીકરીને રમાડતો ઉછાળી રહ્યો હતો અને ચોકિયાતે ગોળી છોડી હતી. બાળકીની મુંડી ઉલળીને ક્યાંય ફેંકાઇ હતી. આદમીના હાથમાં શિરરહિત પંડ રહી ગયું. કાળા આંસુની ધારે તે ગાળો ભાંડતો ચોકિયાત સામે આવ્યો. ચોકિયાત તેને આવતા જોઈ રહ્યો. હજુ આદમી કશી હરકતમાં ન આવ્યો. તે ચાલતો આવી રહ્યો હતો. આદમીની આંખમાં ભયાનક આંસુ હતા. તેનો ડરામણો રડમસ ચહેરો જોઈ સુરક્ષાકર્મીમાં કરુણા જાગી, કારણ તેની ૪ વર્ષની દીકરી પણ અચાનક મૃત્યુ પામી હતી.

                              પાંચ વર્ષ ચોકીયાતની નોકરી કરી લગ્ન માટે તેના સસરાની નજરમાં લાયક બન્યો હતો. મા-બાપથી દૂર કૂડાસણ ગામમાં એક નાના ઘરમાં ભાડે તેની પત્ની સાથે રહેવા આવ્યો. પત્ની થોડા દિવસ દીકરી સાથે ગામડે ગઈ હતી. એક સાંજે ફોન આવ્યો દીકરી નથી રહી. અચાનક, આંગણે રમતી હતી અને શ્વાસ બંધ થઈ ગયા એના.

 

                              અત્યારે એ સંતાપથી ચોકિયાત મુગ્ધ બની ગયો, એ આદમીની પીડા તે અનુભવી શક્યો. હાલ તેની પાસે તક હતી ખૂનીને મારવાની પણ એક બાપના આંસુ જોઈ તેની અંદર પરાનુભૂતિ જન્મી. તે બંદૂકનું ટ્રિગર દબાવી ન શક્યો. આ તેની ત્રીજી અને આખરી ભૂલ હતી. જો અહીંથી એ આદમીને પતાવી દીધો હોત તો આગળ આ નગર લોહિયાળ બનતું અટકી ગયું હોત. રોષે ભરાયેલા આદમીએ બંદૂક કાઢી, રડતાં-રડતાં તે ચોકિયાતને જોઈ રહ્યો. આદમીએ એના કપાળે બંદૂક તાકી.

“માફ કરજે, તારી દીકરીને ભૂલથી...” ચોકિયાતનું વાક્ય પતે એ પહેલા તેના કપાળમાં ગોળી ઉતારી આદમી ચાલતો બન્યો. ઈન્સ્પેકટર દિલદારસિંહ ગાંધીનગરના અવાવરુ વિસ્તારોમાં ફરી રહ્યો હતો. તેને મનમાં અનુભૂતિ થઈ, ખૂની તેનું કામ પતાવી નીકળી ગયો છે. તે યોગ્ય સ્થાન પર આ વખતે પહોંચી નથી શક્યો.

 

 *

 

(ક્રમશ:)