લોહિયાળ નગર - પ્રકરણ 10 Kirtidev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોહિયાળ નગર - પ્રકરણ 10

લોહિયાળ નગર પ્રકરણ:૧૦ વિરક્તિ

 

                              અમદાવાદના પશ્ચિમ છેવાડે બાકરોળ ગામ આવેલું હતું. સાત હજારની વસ્તી હશે. ગામમાં એક સરકારી નિશાળ, દવાખાનું, પેટ્રોલ પંપ અને બે-ચાર ફેક્ટરીઓ આવેલી હતી. અન્ય નાની મોટી દુકાનો સિવાય કઈ ખાસ ઇમારત ન હતી. ચોતરફ ખેતરોથી આવરેલા ગામમાં સૌ સંપીને રહેતા. સાંજનો સમય થવા આવ્યો હતો. સીમથી ખેડૂત અને મજૂરો કામ પતાવી, પાછા વળવાની તૈયારી કરી રહ્યા હતા.

 

                              સીમના માર્ગે ચાલતા-ચાલતા એક આદમી અવાવરું લાગતાં ખેતરમાં ઘૂસી ગયો. રખેપાતમાં એક ગોવાળિયો તેની સાઇકલ સરખી કરી રહ્યો હતો. આદમી ગોવાળિયા સાથે મારામારી કરવા લાગ્યો. લાત, ગડદા અને ધક્કા મારી તેણે ગોવાળિયાને ભોંય ભેગો કરી દીધો. સદનશિબે માર્ગ પરથી પસાર થતા બે ગ્રામજનોએ રખેપાતમાં અવાજો સાંભળ્યા. જિજ્ઞાસાહેતુ બંને અંદર ધસી આવ્યા. રખેપાતનું દ્રશ્ય જોતા તેમનું હૃદય ધબકારો ચૂકી ગયું.

 

                              બંને માલધારીઓએ નીચે જોયું. ગોવાળિયાના માથામાંથી લોહી નીકળી રેલો લંબાઇ રહ્યો હતો. તેના હાથ-પગ હલી ન હતા રહ્યા. આદમીના હાથમાં મોટો પથ્થર હતો જેના પર લહુના ડાઘ દેખાઈ રહ્યા હતા. તેણે નીચે પડેલા ગોવાળિયાનું પથ્થરથી માથું રંગી નાખ્યું હતું. ડરથી સોપો પડી ગયો. છતાં, બંને માલધારી હિંમત ભેગી કરી આદમીનો સામનો કરવા તૈયાર થયા.

 

                              એક માલધારી તે આદમી તરફ દોડ્યો. એકાએક તેને આવતા જોઇ આદમી ગભરાયો. તેણે પથરો એના તરફ ફેંક્યો. માલધારી પોતાનો પગ બચાવા ખસ્યો. બાદ ઉશ્કેરાયેલા તે બંનેએ ભેગા મળી શખ્સનો વારો પાડી દીધો. બંનેએ તેમની લાઠીથી તેના પર ઉપરા-છાપરી ફટકા માર્યા. થોડીવારમાં આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા. જેને મોકો મળ્યો તે સૌએ પોતાના હાથ સાફ કરી લીધા. એટલા વિસ્તારમાં હોહા થઈ ગઈ. ગોવાળિયા માટે ૧૦૮ નંબર પર કોલ કરી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી. બાદ પોલીસને જાણ કરી.

 

                              પોલીસ આવી અને મામલો હાથે લીધો. જો થોડા મોડા પડ્યા હોત તો ગોવાળિયાના સ્વજનોએ શખ્સને મારીમારીને પૂરો કરી નાખ્યો હોત. પોલીસ વચ્ચે પડી. ઇન્સ્પેક્ટરે આદમીની ધરપકડ કરી. ઘટના સ્થળ પર તપાસ શરૂ થઈ. લોકોને રખેપાતથી દૂર કરવામાં આવ્યા. આદમીની પૂછપરછ માટે બાકરોળ પોલીસ સ્ટેશન લઇ આવ્યા. જે બે માલધારી રખેપાતમાં ધસી આવ્યા હતા, તેમના સ્ટેટમેન્ટ લેવા સાથે આવવા કહ્યું.

 

*

 

                              જુનાગઢથી ભવનાથની તળેટી જતાં માર્ગની દીવાલો પર ‘વોલઆર્ટ’ ચિત્રો હાથથી દોરેલા જોવા મળતા. જે રસ્તાની સાથે-સાથે તળેટી તરફ જતા. જૂનાગઢ અને તળેટી વચ્ચે દામોદર કુંડ આવતું. કુંડની બાજુમાં મંદિર હોવાના કારણે માર્ગ પાસે શટલ રિક્ષાઓ અને એકાદ-બે છકડા ઉભા રહેતા. ફૂટપાથની જગ્યા પર ફુલહાર, નારિયેળ, પ્રસાદ, ઠંડા-પીણાં અને પર્ણ કુટીરની રેકડીઓ સામ-સામે લાગી હતી. છેડા પર પાનની રેકડીએ એક માણસ ઊભો હતો. થોડી-થોડી વારે તે આમ-તેમ આંટા મારતો, પાછો રેકડીએ આવી સિગરેટ પીતો. ફરી એકવાર મંદિર તરફ આંટો મારી તે પાછો આવ્યો.

“એક ફોર સ્ક્વેર.” આદમી બોલ્યો. પર્ણ કુટીરવાળાએ તેને એક સિગરેટ આપી. આ તેની સાતમી સિગરેટ હતી.

 

                              સિગરેટ પીતા-પીતા તેણે પોલીસની મોટરસાઇકલ મંદિર તરફ જતા જોઈ. મંદિરની ડાબી બાજુએ પગથિયાં ઊતરતા દામોદર કુંડ આવતું. પગથિયાંની વચ્ચે નાનો સ્તંભ હતો, જેના પર નરસિંહ મહેતાનું ભક્તિ મુદ્રામાં પૂતળું હતું. તળેટી જતાં માર્ગના ફૂટપાથ પાસે નીચે કુંડમાં જવાના પગથિયા હતા. કુંડના સામે કિનારે એવા જ પગથિયા પરસાળમાં જતાં. કુંડમાં પાંચ ફૂટ જેટલું પાણી ભરેલું રહેતું. સામે તરફથી મંદિરની વચ્ચે નીકળાતું. ત્યાંથી ડાબી બાજુએ મુચ્છકુંડ આવતો. અહીં ખાસ કરીને દિગંબર સાધુ અને ઋષિમુનિઓ અર્ચના સ્નાન કરતા. મંદિર જવાનો અન્ય માર્ગ મુખ્ય રસ્તાથી પણ આવતો. મુખ્ય માર્ગથી મંદિર જવા ૩૦ફૂટ લાંબી લોબી આવતી. ત્યાંથી ઉપર ચઢવાના પગથીયાથી દામોદર મંદિર જવાતું.

 

                              પગથિયાં પાસે બે પોલીસકર્મીઓ ઊભા હતા. સામે પાનની રેકડી પાસે ગુલશોખ હબીનો ખાસ માણસ ‘ઈક્કા’ ઊભો હતો. ૧ શકમંદ નરસિંહ મહેતાવાળા પગથિયે ઊભા રહી જગ્યાનું નિરીક્ષણ કરી રહ્યો હતો. તેના ખભે થેલો હતો. અન્ય એક શકમંદ ઉપર પ્રાંગણના બાકડે બેઠો હતો. તેઓ અહીંથી નીકળવાની તૈયારીમાં જ હતા અને પોલીસ આવી. તે સૌ કાનમાં બ્લૂટૂથ લગાવી વાર્તાલાપ કરતાં.

“મહેબૂબ કિતને આદમી હે નીચે?” ઈક્કાએ પૂછ્યું.

“સાંઠ-સત્તર.” કુંડના પગથિયે બેસેલો આદમી બોલ્યો.

“બસ ઇતને હી? ક્યા કર રહે હે સબ?” ઈક્કાએ પૂછ્યું.

“પંદરા-સતરા લોગ સીડીઓ કે કિનારે પૂજા કર રહે હે, પચ્ચીસ જીતને લોગ નહાં રહે હૈ ઔર બાકી કુછ લોગ સામને કી તરફ હે...” નરસિંહ મહેતાની પ્રતિમા પાસે બેસેલો મહેબૂબ બોલ્યો.

“ઠીક હૈ. કામિલ, ઉપર કિતને લોગ હૈ?”

“યહા પે ચાલીશ લોગ હૈ, મંદિર મે તીસ હોંગે શાયદ.” કામિલે કહ્યું.

“જનાબ ભવનાથ મંદિર કી ઓર ચલતે હૈ, વહા રોડ પે હી દો હઝાર સે તીન હઝાર લોગ હોંગે.” મહેબૂબ બોલ્યો.

“લેકિન ગુલશોખભાઈને દામોદર કુંડ બોલા થા.” ઈક્કાએ કહ્યું.

“યહા પે ઝ્યાદા ઇમ્પેક્ટ નહીં હોગા! બસ દસ યા બારા લોગ જાયેંગે. વહા ભવનાથ મેં પાંચ સો સે છે સો લોગ હોંગે ઓર કોઈ સિક્યુરિટી ભી નહીં હે વહાં.” મહેબૂબ બોલ્યો.

“તો ક્યા કરના હૈ?” કામિલે પૂછ્યું.

“ઈક્કાભાઈ આપ બોલો, ક્યા કરના હૈ?” મહેબૂબે પૂછ્યું. શાંતિ જળવાઈ રહી.

 

                              ઈક્કો ગર્ત વિચારમાં ગુમ થઈ ગયો હતો. તેને આ જગ્યા અલગ લાગી રહી. કઈક માયાવી, કંઈક અલૌકિક સકારાત્મક ઉર્જાનો અનુભવ થઈ રહ્યો હતો. તેની સિગરેટ પૂરી થઈ જવા આવી. સૌ સાથીદારો તેની સૂચના સાંભળવા અધીરા બની ગયા. શું જે યોજના વિચારીને આવ્યા હતા, તેના પર આગળ વધવું કે વધારે લોકોનો જીવ લેવા ભવનાથ મહાદેવ પહોંચવું? થોડીવાર મૌન જળવાઈ રહ્યું. ઈક્કાની નજર સામે મંદિરના પગથિયે બે પોલીસકર્મી ઊભા હતા. પ્રશ્ન થયો તે બંને કેમ આવ્યા હશે? બંને પોલીસકર્મી સીડીઓથી ઉપર ગયા.

 

*

 

                              સતત બારણે ટકોરા સાંભળી તૃપ્તિ ચિડાઈ. તે ઊભી થઈ દરવાજે ગઈ, ફટાફટ દરવાજો ખોલ્યો. એક વ્યક્તિએ તેની સામે બંદૂક તાકી. તેણે ચહેરા પર કાપડ વીંટયું હતું. તૃપ્તિ ચોંકી ઉઠી. તેને આમ ઉતાવળે આવી જવાનો રંજ થયો. તેણે તેની બંદૂક ઓફિસ સાથે લઈ જવા માટે પર્સમાં મૂકી હતી અને પછી નીકાળવાનો ભૂલી ગઈ. તેણે ન’તુ વિચાર્યું ઘરે આવી કોઈ આપત્તિ આવી શકે. તે ફફડી ગઈ, હવે શું કરવું? તે વ્યક્તિએ ચહેરા પર દુપટ્ટો બાંધ્યો હતો અને કાળા ચશ્મા પહેર્યા હતા. તેણે બંદૂક નીચે કરી, ચહેરા પરથી દુપટ્ટો ઉતાર્યો. તે ઝારા હતી. તેને આવી રીતે આવેલી જોઈ તૃપ્તિને લાગ્યું કંઈ થયું કે શું? ઝારા આવી રીતે બંદૂક તાકીને કેમ આવી?

“ઝારા તું...? આમ? અહીં? કેવી રીતે? શું થયું? તૃપ્તિએ પ્રશ્નો મુક્યા.

“ઓફિસમાં અટેક થયો છે એવા ન્યુઝ મળ્યા. હું ઓફિસ માટે નીકળતી હતી ત્યારે રોનાલ્ડ પાસેથી જાણવા મળ્યું કે તું ઘરેથી ઓપરેશન રન કરી રહી છું માટે હું મારું લેપટોપ લઇ અહીં આવી ગઈ.” ઝારાએ કહ્યું. જ્યારે રોનાલ્ડે તૃપ્તિ સાથે વાત પતાવી ડ્રાઈવ કરતા કરતા પછી તરત તેને ઝારાનો કોલ આવ્યો હતો.

“મને થયું ઘરે બેસી રહું, એના કરતાં અહીં આવી તને મદદ કરું અને જ્યારે દરવાજો ના ખૂલ્યો ત્યારે મને ચિંતા થઈ. કોઈ આવી ગયું કે શું? માટે મેં વધારે પડતું નોક કર્યું. થેંક ગોડ! તું ઓકે છો. કહેતા ઝારા તેને ગળે મળી.

“ઓવ, થેન્ક યુ ડિયર! પ્લીઝ કમ.”

 

                              તૃપ્તિ ઝારાને કક્ષમાં લઈ ગઈ. ઝારાએ પલંગ પર લેપટોપ સેટ કર્યું. તૃપ્તિએ લાઈટનું બોર્ડ(જલેબી) લાંબુ કરી આપ્યું. દરમિયાન તે ઝારાને સમજાવતી રહી અત્યાર સુધી કેટલું કામ થયું છે.

“મે’મ મેયલ મોયકલ્યો તમે?” ફોનમાંથી ઇન્સ્પેક્ટરે પૂછ્યું. તૃપ્તીનો ફોન લેપટોપ સાથે લાઉડ સ્પીકર પર કનેક્ટ હતો.

“ઓ શીટ, શીટ, શીટ! સોરી! મારે મેઈલ મોકલવાનો છે. એક જ મિનિટ! હું મોકલું છું.” કહેતા તૃપ્તિએ ઝડપથી સેન્ડ બટન પર ક્લિક કરી મેઈલ મોકલી દીધો.

“જોવો, મેં ફોટા મોકલ્યા છે.”

“હા, હા, જોય લઉં સુ.” ઇન્સપેક્ટરે કહ્યું.

“ઈન્સ્પેકટર તમારું નામ હું જાણી શકું?” તૃપ્તિએ પૂછ્યું.

“મારું નામ સે શોએબ અલી. હું પી.એસ.આઇ. છવ.” ઇન્સ્પેક્ટરે જણાવ્યુ.

“ઓકે, મેં તમને ચાર જણાના ફોટા મોકલ્યા છે. જોઈ લો.”

“તમે શ્યોર છો આ ચાર જ હયશે. ચારથી વધારે નય આયવા હોય?” શોએબે પૂછ્યું. તૃપ્તિ ચૂપ થઈ ગઈ. ચારથી વધારે માણસ હોય શકે? તે પાકું જાણતી ન હતી. કેવી રીતે ખ્યાલ મેળવી શકાય કે ચાર જણ જ આવ્યા હશે? ઝારા તૃપ્તિને જોઈ રહી હતી.

“હલો...” કોઈ જવાબ ન આવતા ઇન્સ્પેક્ટર શોએબ બોલ્યો. ઝારા ફોન પાસે આવી.

“હલો, હા હું ઝારા વાત કરી રહી છું. હું પણ તૃપ્તિ જેમ આઇ.બી.માં કામ કરું છું. અમે આ બાબત તપાસી રહ્યા છીએ. તમે ત્યાં સુધી આટલા શકમંદને શોધવાનો પ્રયત્ન કરો. અમે થોડીવારમાં તમને જણાવીએ કેટલા લોકો આવી શક્યા હશે.” ઝારા બોલી.

“ઓકે, ઓકે, ઠીક સે. મે’મ.”

તૃપ્તિએ કોલ મ્યુટ કરીને પૂછ્યું:“આપણને થોડી ખબર છે કોણ અને કેટલા લોકો આવ્યા હોય શકે.”

“હા પણ એને તો એવો જવાબ ના આપી શકાયને? ઝારા બોલી.

“તો હવે?”

“હવે...(તે વિચારવા લાગી) વિચારીએ કઈક.” ઝારા બોલી. તૃપ્તિએ તેનો ફોન તપાસ્યો. આરવ-રોનાલ્ડના મિસકોલ્સ હતા.

“આરવ અને રોનાલ્ડે કોલ કર્યા છે...” તે બોલી.

“કેમ?”

“ખબર નહીં, મિસકોલ થઈ ગયા છે. તારા ફોનમાંથી કોલ લગાવી આપને.” તેણે ઝારાને કહ્યું.

“હા સ્યોર.” ઝારાએ તેનો ફોન આપ્યો.

 

                              ટાવર-IIમાં આરવ ઊંચો-નીચો થઈ ગયો હતો. જો ચાલુ ઓપરેશનમાં કોઈ વિક્ષેપ પાડે તો ગિરનારમાં મોટી આપત્તિ સર્જાઈ શકે છે. જો સી.આઇ.ડી.નો કર્મચારી ભંવરના ઘરે જઈ વગર કઈ વિચારે તૃપ્તિ અને ઝારાને બેભાન કરી દે, તો આતંકીઓ તેમના લક્ષ્યો પૂરા કરી શકે એમ હતા. આ બાબતની ગંભીરતા સી.આઇ.ડી.ને પણ સમજાઈ ગઈ હતી. માટે જ ધ્યેય પંચાલ મોકલેલા કર્મચારીને સતત કોલ કરી રહ્યો હતો, જેનો કોઈ જવાબ ન હતો મળી રહ્યો. આ તરફ રોનાલ્ડ-આરવ પણ તૃપ્તિને ચેતવવા કોલ જોડવા પ્રયત્ન કરી રહ્યા હતા પણ સતત વ્યસ્ત આવી રહ્યો હતો.

 

                              આરવ દરેક મિસ કોલ છૂટવા પર ધ્યેય પંચાલનો ઉધડો લઈ નાખતો હતો: “ડફોળ!, સ્ટુપિડ! યુ ઈડિયટ! તને કોણે સી.આઇ.ડી.માં લીધો? નામ આપજે એનું! સાચું બોલ લાગવગથી ઘૂંસ્યો ને તું સી.આઇ.ડી.માં?” જેવુ ઘણું બધુ કહી નાખ્યું. ધૈર્વી અને અન્ય સી.આઇ.ડી. અફસરો મોઢું નીચે કરી ઊભા હતા. તેઓ શરમિંદા હતા. જે રીતે આરવ ધ્યેય સાથે વર્તી રહ્યો હતો, તે ધૈર્વીને જરાય ન ગમ્યું. વાંક ખાલી ધ્યેયના એકનો હતો નહીં. આખી ટીમે અટેક કર્યો તો પણ આરવ ફક્ત ધ્યેયને ઠપકો આપી રહ્યો હતો. ધ્યેય તેમનો આગેવાન હતો. આરવના વેણથી બચવા ધ્યેય તેના સહકર્મીને ફોન લગાવતો આંટા મારવા લાગતો. એટલામાં ઝારાનો કોલ આવ્યો. આરવે તરત કોલ ઉપાડયો:

“હા બોલ.”

“ચાલુ રાખ.” કહી ઝારાએ તૃપ્તિને ફોન આપ્યો.

“હા, આરવ બોલ.”

“તૃપ્તિ, યાર કેટલા ફોન લગાયા, ક્યારનો વ્યસ્ત આવે છે...”

“હા, મારે આગળ લાઇન ચાલુ છે.”

“હા, હા. મને ખબર છે, હવે, સાંભળ એક વેન ભંવરના ઘરે આવી રહી છે, તે લોકો પાસે બેહોશ કરવાની દવા છે. તેમને નથી ખબર તું આઇ.બી.ની કર્મચારી છો. તે લોકો સી.આઇ.ડી.ના માણસો છે. તું ઘરના બધા દરવાજા, બારી-બારણાં બંધ કરીને નીચે બેસમેંટમાં જતી રે’. હું અહીંથી પોલીસ ફોર્સ મોકલું છું. એ લોકો આવે ત્યાં સુધી તું સેફ રે…” આરવ બોલ્યો.

“ઓકે, એન્ડ ટાવરમાં શું સિચ્વેશન છે?”

“એવેરીથીંગ અંડર કંટ્રોલ! પછી સમજાવું. બી વિજિલન્ટ! બાય.”

“ઓકે, બાય-બાય!” તૃપ્તિએ ફોન મૂક્યો. તેણે ઝારાને આવનારા ખતરા અંગે જણાવ્યુ. ઝારા લેપટોપમાં કામ કરી રહી હતી.

“યસ! મળી ગયું સોલ્યુશન!” તે બોલી.

“શું?”

“એક કામ કરી શકાય, પોરબંદર પોલીસ કંટ્રોલરૂમને લાઇન પર લે...”

“અને પછી?” તૃપ્તિએ પૂછ્યું.

“પોરબંદરમાં ફોન કરીએ અને ઝડપથી ફોરેન્સિકવાળાને લઈ દરિયાકિનારે જાય. જ્યાંથી નાવ મળી આવી ત્યાં જઈને ફિંગરપ્રિન્ટ તપાસ કરે. એ પરથી ખ્યાલ આવી જશે, કેટલા આતંકીઓ આવ્યા હશે.”

“ઓકે. સમજી ગઈ હું. ફટાફટ પોરબંદર ફોન જોડું છું.” કહી તૃપ્તિએ skypeમાંથી ઓનલાઇન પોલીસ સ્ટેશન ફોન લગાવ્યો. લાઈન કનેક્ટ થઇ રહી હતી.

 

                              ટાવર-IIમાં આરવને જરાક નિરાંત થઈ. તૃપ્તિને ચેતવી દેવામાં આવી હતી. જેથી જોખમ થોડું ઓછું થઈ ગયું પણ તેણે ધ્યેય પંચાલને સંભળાવાનું યથાવત રાખ્યું. આ બાબત ધૈર્વીથી વધારે સહન ન થઈ. આઠમાં માળે સી.આઇ.ડી., આઇ.બી., પોલીસફોજ, સુરક્ષકર્મીઓ સૌને ગણતાં ૧૦૦ માણસોનું ટોળું ઊભું હતું. એમાં સતત ધ્યેયને આરવ ધધલાવી રહ્યો હતો. ધૈર્વી તેની પાસે આવી.

“સાંભળ, આરવ. આ ઓપરેશન એકલા ધ્યેયનું ન હતું. અમે બધા આમાં ઇક્વલી ઇનવોલ છીએ, તારે બોલવું હોય તો અમને સૌને બોલ. એની પાછળ શું પડ્યો છે ક્યારનો? જેને તું દસ મિનિટથી ડફોળ અને ઈડિયટ કે’ છે એ કઈ ડફોળ નથી. તમારો આખો ટાવર જે સેટેલાઈટથી ચાલે છે, એનું સંચાલન સી.આઇ.ડી. સંભાળે છે. રોજ અમે તમને પાવર પૂરો પાડીએ છીએ. એની પાછળ માસ્ટર માઇન્ડ છે ધ્યેય! ગિફ્ટ સિટીમાં જ અમારી સેટેલાઈટનો ઉપયોગ અન્ય સંસ્થા કરી રહી છે, તે જાણવા મળ્યું. પૂછવા પર પણ અમને ઉપરથી કોઈ જવાબ ન મળ્યા. એક વર્ષ થઈ જવા આવ્યું તમે લોકો અમારા પાવર પર અહીં જીવી રહ્યા છો. અને તમે કોઈ દેશ માટે થ્રેટ નથી એ તપાસવા જ અમારે આજે આ મિશન કરવો પડ્યો!” ધૈર્વીએ એક શ્વાસે બધુ બોલી નાખ્યું. તેણે વિરામ લીધો.

 

                              લોબીમાં સન્નાટો છવાઈ ગયો. રોનાલ્ડ અચંબિત થઈ ગયો. બધા લોકો ધૈર્વીને એકાગ્રતાથી સાંભળી રહ્યા હતા. આરવ હમણાં સુધી તો ધૈર્વી અંગે રૂડા-રોમેન્ટીક સપના કલ્પતો હતો અને અત્યારે આવું થઈ ગયું. તેણે આ કશા વિષે ન હતું વિચાર્યું.

“ઈડિયટ બોલે છે... ધ્યેયને! યુ નો? આ આખો પ્લાન ધ્યેયે બનાવ્યો છે, કોઇને ઇજા પહોંચાડયા વગર સી.આઇ.ડી. આઇ.બી.માં ઘૂસી શકે છે. એટલી તાકાત છે! ‘ને આ આખી યોજના ફક્ત એક માણસે બનાવી. ‘ધી ધ્યેય પંચાલ!’ એને અંડરએસ્ટિમેટ ના કરશો!” કહેતા ધૈર્વી ત્યાંથી તેના સાથીદારો પાસે ચાલી ગઈ.

 

                              જરૂર સારું ભાષણ આપ્યું ધૈર્વીએ. જેટલું સાંભળવામાં સારું અને મહાન લાગ્યું એનાથી વધારે મોટી અને ખોટી હરકત તે લોકોએ કરી હતી. આ આઇ.બી. હતું. અહીં કોઈનું સાંભળી લેવામાં નથી આવતું અને આ તો આરવ મોનાણી હતો. તે બાકી ન હતો મૂકવાનો. મનની લાગણીઓ એક તરફ અને ઓફિસનો રૂતબો એક તરફ. કોઈ આવીને આવું સંભળાવી જાય એ ચલાવી લેવામાં જ ના આવે. આરવે શરૂ કર્યું:

“તમે બધા ઘૂસણખોર ચોર છો! અમે અહીં રીઅલ આતંકવાદીઓ સાથે ડીલ કરી રહ્યા છે. વી હેવ ડેમ એફ.બી.આઇ. હિયર! એન્ડ યુ થિંક યૂ હેવ ડન સમ ગ્રેટ જોબ? સેટેલાઈટનું ધ્યાન રાખવું કોઈ મોટી વાત નથી. આઇ.આઇ.ટી.માં ભણતા ફર્સ્ટ યરના સ્ટુડન્ટ પણ સંભાળી લે. એટલું ઇઝી એ કામ છે, માટે સમજી લો તમે જે લેવલનું કામ કરો છો એવા લોકોને એટલે કે તમને કેમ ઉપરથી જવાબ નહીં આવ્યો હોય!” આરવે તેનો રોષ વરસાવ્યો. સી.આઇ.ડી.ના દરેક કર્મચારીઓ મુંડી નીચે રાખી ઊભા હતા. સિવાય કે ધૈર્વી અને ધ્યેય. ધ્યેયનો તેના સહકર્મી સાથે ફોન જોડાયો, તે એને પાછા આવવા જણાવી રહ્યો હતો. ધૈર્વી આરવ સામે દલીલ કરવા તૈયાર થઈ ગઈ હતી. તે કઈ બોલવા જાય એ પહેલા આરવ બોલ્યો:

“ઈનફ નાવ! મારે કોઈ સી.આઇ.ડી. મેમ્બર્સના મોઢામાંથી એક શબ્દ નથી સાંભળવો. બધા ચૂપ થઈ જાવ! જો કોઈ બોલ્યું છે તો તમને બધાને એક રૂમમાં પૂરી દઇશ! નેશનલ સિક્રેટ એજન્સી(આઇ.બી.) પર અટેક કરવો એ કાનૂની ગુનો જ છે. તમારી જાતને કોર્ટમાં જસ્ટિફાય કરો એ પહેલા તો તમે આરોપી જ છો. તો તમારી સ્માર્ટનેસ તમારી પાસે રાખો!”

 

                              ધ્યેય ધૈર્વીને બાજુમાં લઈ ગયો અને સમજાવા લાગ્યો આરાવના મોએ ના લાગીશ. તે રડવા લાગી. અન્ય સાથીદારો તેની પડખે આવ્યા. સૌ કોઈ આ દ્રશ્ય જોઈ રહ્યા. આરવે ધ્યેયને પૂછ્યું: “શું અપડેટ છે? ક્યાં છે તારો માણસ?”

“કહી દીધું છે મેં, તેની વેનનું ટાયર બદલવાનું થયું હતું, એટલે તે લોકો ટાયર બદલી રહ્યા હતા. માટે ફોન ન હતો ઉપાડયો. તે પાછો આવે છે.”

“થેન્ક ગોડ!” આરવને હાશકારો થયો. તેણે ધ્યેયના ખભે હાથ મૂકી શ્વાસ છોડ્યો. પછી તેણે ઝારાને કોલ જોડી સંદેશ મોકલાવી દીધો કે તેઓએ બેસમેંટમાં જવાની જરૂર ન હતી. વેન પાછી વળી ગઈ છે.

 

                              આરવને રોનાલ્ડને એક વાત જણાવવી હતી પણ રોનાલ્ડ લોકરરૂમમાં ગયો અને ઘોંઘાટથી દૂર એક ખૂણામાં બેસી કમિશ્નર સાથે વાત કરવા લાગ્યો. તે રોનાલ્ડને જણાવા માંગતો હતો કે ગિફ્ટ સિટીના ઉજ્જડ પ્રદેશમાં તેણે માણસના માંસની થેલીઓ ભરેલા ટુકડા જોયા પણ રોનાલ્ડ વ્યસ્ત હતો. આ વાત એવી ભયજનક હતી કે ગમે તેને કહેવાય એમ પણ ન હતી. બીજી તરફ ધૈર્વીને રોવડાવવું તેને ન ગમ્યું. તેની માફી માંગવા અને તેની સાથે ચા-કોફી પીવા ક્યારેક બ્હાર આવે તેવો પ્રસ્તાવ મૂકવા આરવ એની પાસે ગયો પણ ધૈર્વીએ મો ફેરવી લીધું. એ જ પળે દિલદારસિંહને એક ખળભળાવનારો કોલ આવ્યો. તે આરવને જણાવી ત્યાંથી નીકળી ગયો.

 

*

 

“મહેતાજી લીખે હે,

“પરમ વચન કહ્યા ભાભી હું ને તે મહારા પ્રાણમાં રહ્યા વળુંધી,

શિવ આગળ જઈ એકમેકનો થઈ ધ્યાન કીધું દિવસ-૭ સુધી.

કીડી હું તો કુંજર થઈ ઉઠ્યો પૂરણ બ્રહ્મ શું ધ્યાન ચોંટ્યું,

હાથ મારો સાહ્યો પાર્વતી પતે મુક્તિ પુરી મને સધ દેખાડી...”

 

અર્થાત મહેતાજી જ્યારે ભાભીના મેણાં મારવા પર ઘર મૂકી ચાલ્યા જાય છે. ત્યારબાદ વે ગોપીનાથ મહાદેવમાં ચલે ગયે. ઉસકે બાદ તેમને વૈકુંઠના દર્શન થાય છે. કોની બદોલત? મહેતાજી કહેવા માંગે છે મારા ધન ભાગ કે પાર્વતી પતિએ મારો હાથ પકડીને મને મુક્તિ પુરી એટલે કે વૈકુંઠના દર્શન કરાવ્યા...” વારાણસીથી આવેલા આચાર્યશ્રીએ સમજાવ્યું.

 

                              મંદિરના પ્રાંગણમાં બેસી તેઓ ભક્ત કવિ નરસિંહ મહેતાના જીવન-કવન અંગે પ્રવચન આપી રહ્યા હતા. તેમના સાતેક અનુયાયીઓ આસપાસ હતા, બે ઉભા હતા. અન્ય ૩૦ જેટલા લોકો સામે બેસી સત્સંગનો લાભ લઇ રહ્યા હતા. એક માણસે પ્રશ્ન મૂક્યો:

“મા’રાજ ભગવાન મહાદેવ તો વૈરાગ્યમાં નિજાનંદ મેરવવાવારા હતા ને? તો ગોપનાથ મહાદેવથી આયવા બાદ તેઓ કૃષ્ણ ભક્તિ તરફ કાં વયળા?”

“ની:સંદેહ આપ તથ્ય કહી રહ્યા છો. બાત એસી હૈ કી મહેતાજી અપની મસ્તી મેં ભજન આનંદ લેને વાલે શખ્સ થે ઔર વે સાંસારિક જીવન મે ભી રુચિ રખતે થે. એથી જ તેઓ કૃષ્ણ પાઠ તરફ વળ્યા. કારણ કૃષ્ણ પાઠ જ સાંસારિક જીવનની દરેક સમસ્યાઓનો ઈલાજ છે.” આચાર્યએ જણાવ્યુ. તેઓ ગુજરાતી બોલતા શીખી રહ્યા હતા, માટે હિન્દી-ગુજરાતી ભેગું બોલતા.

 

                              પ્રાંગણની એક તરફ ટેબલ લગાવવામાં આવી રહ્યું હતું. જેના પર મોટું પાત્ર મૂકવામાં આવ્યું. પ્રવચન ચર્ચા પૂર્ણ થવા આવી. ઇન્સ્પેક્ટર શોએબ હેડ કોન્સટેબલ કૃપાલસિંહ સાથે સાથે પ્રાંગણમાં આવ્યા. તૃપ્તિએ મોકલેલા ફોટા વાળા આતંકીઓને તેઓ શોધી રહ્યા હતા. પોલીસકર્મીઓને આમ નજર દોડાવતા ભાળી આચાર્યશ્રીનું ધ્યાન પડ્યું અને તેમણે પામી લીધું જરૂર કંઈક આપત્તિ આવી પડી હશે. તેઓ બોલતા-બોલતા અટક્યા પછી પ્રવચન આગળ ધપાવ્યું:

“બચ્ચો કો શિખાયા જાતા હૈ... (આચાર્યની નજરો પોલીસના વ્યગ્રમય ચહેરા તરફ જઈ રહી હતી) બચ્ચો કો શિખાયા જાતા હૈ ‘હતો નરસિંહ, હતી મીરા... ખરા ઈલ્મી ખરા સુરા!’ હરિ અને હરમાં એક જ સાધે એ જ વૈષ્ણવ... શિવ વિરક્ત છે, શુષ્ક છે. તો કૃષ્ણ સંસારમાં રહીને પણ વૈરાગી અને નિસ્પૃહ છે. શિવ જ કૃષ્ણનો માર્ગ દેખાડે. શિવથી જ કૃષ્ણ સુધી પહોંચી શકાય છે, અસ્તુ."

 

                              જે વ્યક્તિએ પ્રશ્ન કર્યો હતો, તેને તેનો જવાબ મળી ગયો. સર્વ ભક્તજનો આચાર્યને ચરણ વંદન કરવા લાગ્યા, સભા પૂર્ણ થઈ. ટેબલ પર ત્રણ કન્યા અને એક યુવક પાત્રમાંથી સૌને પ્રસાદી આપવા લાગ્યા. ઇન્સ્પેક્ટર શોએબને ફોટા મળી ગયા હતા. તે-કૃપાલ શકમંદોને શોધી રહ્યા હતા.

“શોએબ, મેં દરેકના ફોટા નીચે નામ લખ્યા છે, તે લોકો એટલામાં જ હોવા જોઈએ. રિમેમ્બર, We can’t lose Gulshokh Habi this time!” તૃપ્તિએ કહ્યું.

“જી, મે’મ.” શોએબ બોલ્યો. તૃપ્તિએ ઉમેર્યું:

“આપણને આ છેલ્લો ચાન્સ મળ્યો છે. જો આ વખતે તે ત્યાંથી ભાગી ગયો તો વીસ વર્ષ પછી કદાચ પાછો ઇન્ડિયા આવવાનો વિચાર કરે. આપણે બહુ તકેદારીથી આગળ વધવું પડશે અને તેને પકડવો પડશે.”

“સમજી ગયો મે’મ.” શોએબે જણાવ્યું અને તેની શોધખોળ ચાલુ રાખી. વારાણસીથી આવેલા આચાર્યએ એક અનુયાયીને ઇન્સ્પેક્ટર શોએબ પાસે મોકલ્યો. જાણવાકે શું થઈ રહ્યું છે. શોએબે ધીમે-ધીમે અહીંથી સૌને બ્હાર લઈ જવા જણાવ્યું. ઇન્સ્પેક્ટર શોએબ કિનારીએ હાથ રાખી દામોદર કુંડ જોઈ રહ્યા. આચાર્યશ્રી તેમના કક્ષમાં ચાલ્યા ગયા.

 

                              ઈક્કો ઘણી વારથી મૌન બેઠો હતો. મહેબૂબ-કામિલને કશું સૂઝયું નહીં. કામિલ બ્લૂટૂથમાં બોલ્યો:

“આગે ભવનાથ જાતે હૈ, ભવનાથ મંદિરમેં બહોત પબ્લિક મિલેગી. યહાં ઉપર દો પુલિસવાલે આ ગયે હે, પ્રોબલમ હો શક્તી હે યહાં! જલ્દી બોલો, ક્યા કરના હે?” મહેબૂબ સાવધ બન્યો, તે બોલ્યો: “ઈક્કાભાઈ ક્યા કરના હે?”

 

                              ઈક્કા અવઢવમાં હતો. આ જગ્યાથી તે આભા બની ગયો હતો. કંઈક અલગ જ સંવેદન અહીંના વાતાવરણમાં થઇ રહ્યું હતું. ઈક્કાએ નક્કી કરી લીધું, શું કરવાનું છે. તેણે પ્રથમ પર્ણ કુટીરવાળાને પૈસા ચૂકવ્યા.

“કિતને પેસે હુએ?”

“સાત સીગરેટના સિતેર રૂપયા...”

“ઓર એક પાની કી બોતલ ભી થી.”

“પાણી? પાણી તો ફ્રી હે.”

“ક્યા?” ઈક્કાએ પૂછ્યું.

“વો તો જીવન જરૂરિયાત હૈ. ઉસકે પેસે હમ નહીં લેતે.” રેકડીવાળાએ કહ્યું.

 

                              ઈક્કાને આ વાત અજુગતી લાગી. કોઈ અજાણ્યું આવી રીતે મફતમાં વસ્તુ કેમ આપે? તે બોલ્યો: “અચ્છા? મેરે લિયે તો સીગરેટ ભી જીવન જરૂરિયાત હૈ, ઉસકે પૈસે ભી મત લો.” કહી તે હસ્યો.

“હા, આપ બેઠો પુરા દિન યહા. નહીં લૂંગા ઉસકે પેસે.” કહી રેકડીવાળો હસ્યો.

 

                              ત્યાગીઓની આ ભૂમિમાં ઈક્કાને અજાણ્યા લોકોનું સ્નેહ પ્રાપ્ત થઈ રહ્યું હતું. તે લોકોના સારા વર્તણૂક પાછળ કોઈ છુપો ઇરાદો પણ ન હતો. કારણ એ જ તેમનો સ્વભાવ હતો. ઈક્કાને માનવતાની ભ્રાંતિ થઈ. તેને થયું હું આ કેવા લોકોની વચ્ચે આવી ગયો છું? આવા લોકોનો જીવ લઉં? પર્ણ કુટીરવાળાએ સમગ્ર માનવ સમાજની માનવતાનું પ્રતીક પૂરું પાડ્યું હતું. પાણીની બોટલ સુધી જ આ બાબત સીમિત રહી ન હતી. તેની કિંમતની વાત જ નથી. જતું કરવાની ભાવના, અન્યના જીવન જરૂરિયાત પ્રત્યે કરુણાશીલ હોવું. તે જ અહીંના લોકોના મૂલ્યમાં લાગતું હતું. ક્યાં મળે આવા લોકો? જરૂર આ ભોમ યોગીઓની હોવી જોઈએ. ગિરનારના જણેલા આવા લોકો દિલદાર અને નમણા હશે. ઈક્કાને સમજાઈ ગયું.

 

                              ઈક્કાએ અહીં માનવતા જોઈ. માનવીઓનો અન્ય પ્રત્યે સ્નેહ જોયો. ઈક્કાને તેના લક્ષ્યો પ્રત્યેની લાગણી પણ યાદ આવી. પોતે અહીં શું કામ આવ્યો હતો. તેને થઈ રહ્યું હતું આવા લોકોનો જીવ લેવો? પ્રશ્ન થયો. ઈક્કાએ પોતે અંગીકાર કરેલા મૂલ્યો અને અહીંના લોકોના મૂલ્યોમાં ઘણું અંતર લાગ્યું. ફક્ત, માણસો જ નહીં ગિરનારની હવામાં આધ્યાત્મની અનુભૂતિ હતી. ઈક્કાએ અપનાવેલા મૂલ્યો અને માન્યતાઓ તેના પ્રમાણે તર્કબદ્ધ લાગતી હતી. તેમ છતાં, અહીંના લોકોનું વર્તન તેના પૂર્વગ્રહથી જુદું હતું. તો પણ તેણે જે કરવાનું હતું એ કરવું જ માફક લાગ્યું. તેના બંને સાથીદારો સૂચનાની રાહ જોઈ રહ્યા હતા. ઈક્કાએ આગળની યોજના જણાવાની શરૂ કરી.

 

*

 

બાકરોળ પોલીસ સ્ટેશન

 

                              પોલીસ સ્ટેશનના દરવાજાથી અંદર આવતા નાનો હોલ આવતો. ડાબી તરફ કંટ્રોલ રૂમ હતો, જ્યાં એફ.આઈ.આર. લેવામાં આવતી. સામે સીડીઓથી ઉપરના માળે જવાતું. જમણી તરફ ચાર કોટડીઓ સામ-સામે આવતી. જેમાં ચાર-ચાર કેદીઓ હતા. ઉપર પોલીસ વેરિફિકેશન રૂમ હતો. અહીં પાસપોર્ટ વેરિફિકેશન અને બોનોફાઇડ સર્ટિફિકેશન માટેના કામ થતા. અન્ય રૂમ માહિતી એકત્રિત કેન્દ્ર હતા. જ્યાં ફાઈલોના કબાટ હતા. નીચે કોટડીઓથી જમણી બાજુ વળાંક પડતો. અહીં પી.આઇ., પી.એસ.આઇ. અને કોન્સ્ટેબલના ડેસ્ક હતા. ડાબી દીવાલે એક પાટલી હતી. તેના પર આરોપીને બેસાડવામાં આવ્યો હતો.

“કેમ તે પેલાને માર્યો?” ઇન્સ્પેક્ટરે પૂછ્યું.

“પૈસા ન’તા મારી પાંહે સાયેબ. મજબુર હતો, મારી હાલત ખરાબ થઈ જય’તી.” તે માણસ બોલ્યો. તેને હથકડી પહેરાવી હતી. જે બાંકડાના ટેકે બાંધી હતી.

“મારે પૈસાની જરૂર હતી.” શખ્સે જણાવ્યુ.

“તો કમાવાનું કરાયને...! લોકોને મારવાના પૈસા માટે?” ઈન્સ્પેકટર બોલ્યો.

“ઓ, સાયેબ તમારું ગ્યાન તમારી પાંહે રાખો. આયા કાઇ શાહુકારની પૂંસડી થાવાની જરૂર નહીં!” તે બોલ્યો.

 

                              ઇન્સ્પેક્ટરનો પારો છટક્યો. તેમણે આરોપી પાસે ગયા અને ત્રણ ધોલ ચોડી દીધા. પછી બાકડાની કિનારી સાથે બે વાર માથુ ભટકાડયું. ટેબલ પરથી લાઠી ઉપાડી તેના પેટમાં અતિશય દબાણથી ખોસી. આદમીના બંને હાથ  હાથાએ બાંધેલા હોવાથી તે ઝાઝું હલનચલન ન કરી શક્યો પણ દરેક પ્રહારે તેનું આખું શરીર કંપી ઊઠતું અને તે બરાડા પાડવા લાગતો. ૫ ફૂટ ૪ ઈંચ ઊંચાઈ ધરાવતા તે સુકલકડી આદમીમાં ઝાઝી તાકાત લાગતી ન હતી. ઇન્સ્પેક્ટરે પૂછ્યું:

“તો તું બોલ. તારે મારી શાહુકારીભરી વાતો ના હાંભળવી હોય તો. શું કર્યું તે? કેવી રીતે કર્યું? બધુ બોલવા લાગ.”

 

                              અન્ય પોલીસકર્મીઓ, સાતેક નાગરિકો અને કોટડીમાં બંધ કેદીઓ ઇન્સ્પેક્ટર અને ખૂનીને જોઈ રહ્યા હતા. બે ક્ષણ સોપો પડી ગયો. હવાલદાર અને નાગરિકો તેમના કામે વળગવાનો ડોળ કરવા લાગ્યા. તેમનું ધ્યાન આ તરફ હતું. આરોપી મીંઢો બની બેસી રહ્યો. ઇન્સ્પેક્ટરના મારની યાતના તેને ચામડી પર ચચળી રહી હતી. તેને મૂંગો બેસેલો જોઈ ઇન્સ્પેક્ટરે પ્રશ્ન મૂક્યો:

“તે કેમ ખેતરમાં કામ કરતાં આદમીને માર્યો?”

“ખેતરમાં કામ કરતા નહીં ગોવાળિયાઓને માર્યા.” આદમીએ સુધાર્યું.

 

                              બહુવચન સાંભળી સૌ છક થઈ ગયા. પોલીસકર્મીઓને શંકા ગઈ. તેઓ ખરાઈ કરવા ઇન્સ્પેક્ટરે પૂછ્યું.

“તે કેટલાને માર્યા છે?”

“આ ચોથો હતો પણ બચી ગયો!”

“હમ્મ, કેમ તો ખાલી ગોવાળિયાઓને જ તું મારે છે?”

“એ બધાય પોતાની જાતને રાજા હમજે શે. ગામમાં નકામી ડાંડાઈ કરે, ગમે એને મારે... ઉધારમાં વસ્તુઓ લઈ જાય. ગમે એની સોકરીની સેડતી કરે... કોઈકે તો હિસાબ ચૂકતો કરવો પડે ને?” તે બોલ્યો. સૌ કોઈ તેને સાંભળી રહ્યા.

“જો એવું જ કરવું’તુ, તો એમના સોનાના બુટીયા અને પગના ચાંદીના કડા તે કેમ  ચોર્યા?” ઇન્સ્પેક્ટરે સવાલ કર્યો.

“ભઈ, પૈસા જતાં રયા, નોકરી જતી રઈ, ‘ને મારી બૈરીય મન મેલીને પિયર જતી રઇ. મારે મારી સોડીનું પેટ પાળવાનું હતું. તો મુ હુ કરું?”

“તારી સોડી ક્યાં છે?”

“પેલા, પેલા સિકૂરિટીવારા બેન્ઠોકે મારી નાખી એને...”

“ચીયા સિક્યુરિટીવારે?” ઇન્સ્પેક્ટરે પૂછ્યું.

“રાંદેસણથી આગર ગિફ્ટસિટીવારા સિકૂરિટીવારાએ.” તે બોલ્યો.

 

                              ઇન્સ્પેક્ટરને યાદ આવ્યું ચાર દિવસ પહેલા ગિફ્ટ સિટીના એક સુરક્ષાકર્મીનું ખૂન થયું હતું. જેના માથામાં ગોળી મારવામાં આવી હતી. શું આ ગાંધીનગરનો એ જ કુખ્યાત ખૂની તો નથી ને? ઇન્સ્પેક્ટરને પ્રશ્ન થયો. તે કમિશ્નર વ્હોરાને કોલ કરવા ડેસ્ક પર ગયો. સબ ઇન્સ્પેક્ટર ખૂની પાસે આવી આગળ પૂછપરછ ચાલુ રાખી.

“રાંદેસણથી અમદાવાદ કેમ આવ્યો?”

“લાંભા ગ્યો ‘તો. બળિયાદેવ મંદિરે દર્શન કરવા. પાછો આવતો’તો અને ખેતરમાં ગોવાળીયો નજરે ચડ્યો...” તે બોલ્યો.

 

                              ઇન્સ્પેક્ટરે રાંદેસણ પોલીસ ચોકી જાણ કરી. નવઘણસિંહે માહિતી લીધી અને ઇન્સ્પેકટર દિલદારને કોલ કર્યો, દિલદારસિંહ ગિફ્ટ સિટી ગયો હતો. તેણે ટાવર-IIથી રજા લીધી અને શાહપુર પોલીસ કમિશ્નર કચેરી ફોન લગાવ્યો. શાહપુર સ્થિત કમિશ્નર રોનાલ્ડ સાથે મીટીંગમાં વ્યસ્ત હતા. રોનાલ્ડ ટાવર-II પર હમલો કરનાર સી.આઇ.ડી. અફસરો વિષે અહેવાલ આપી રહ્યો હતો. ગુજરાત સી.આઇ.ડી.ના ઉપરી અધિકારીએ નિવેદન આપ્યું કે ગિફ્ટ સિટીવાળી સી.આઇ.ડી. બ્રાન્ચ એટલી મહત્વની કે કાર્યશીલ ન હતી. ફક્ત, સેટેલાઈટનો ઉપયોગ બધા કેસ અને મિશનમાં કરી શકાય માટે ઓપરેટ કરવા તેમને ત્યાં મૂક્યા હતા. આ કારણે જ ગિફ્ટ સી.આઇ.ડી.થી કોઈ મેઈલ તેઓ વાંચતા ન હતા. શાહપુર કમિશ્નરના પર્સનલ આસિસ્ટંટે કોલ ઉપાડ્યો. દિલદારસિંહે પી.એ.ને સમાચાર આપ્યા. પી.એ.એ મીટિંગ પત્યા બાદ કોલ કરવાનું જણાવ્યું. તેને આ તકનો લાભ ઉઠાવાનું સૂઝયું.

 

                              અંદાજો આવી ગયો હતો ગાંધીનગરનો સાઇકો કિલર ઝડપાયો હોવો જોઈએ. હાલમાં તે ખૂની બધી જગ્યાએ ચર્ચામાં હતો. ઓફિસ-કચેરીઓમાં કર્મચારીઓ, કોચિંગ ક્લાસીસ-ટ્યુશનમાં વિદ્યાર્થીઓ, સોસાયટી-બગીચામાં એકત્રિત થતી મહિલાઓ અને ચોક પર ભેગા થતા પુરુષો ખૂનીની રસપ્રદ વાતો કરતા. અત્યારે સૌને આગળ શું થશે તે જાણવાની તીવ્ર જિજ્ઞાસા હતી. આવામાં ન્યુઝ એન્કર્સ અને પત્રકારો બાજ નજરે સર્વ દિશામાં ખૂનીના સમાચાર મેળવવા પ્રયત્ન કરી રહ્યા હતા. સમાચાર મળે તો ‘એક્સક્લુઝિવ ન્યુઝ’નું પાટીયું મારી નીકળી જવું છે. કમિશ્નર વ્હોરાના પી.એ.એ ‘ખબર ન્યૂઝ’માં કામ કરતા તેના મિત્ર પત્રકારને કોલ કર્યો. પત્રકારના કમ્પ્યુટર ડેસ્કનો ટેલિફોન રણક્યો.

“બાબરીયા સાહેબ...” પી.એ. બોલ્યો.

“બોલો સર.” સામે છેડેથી જવાબ આવ્યો.

“તમારા માટે તડકતા-ભડકતા સમાચાર લાવ્યો છું.”

“જણાવો...”

“પે’લા ખાતામાં પચાસ નાખો.” પી.એ. હસ્યો.

“પચાસ લાખ?” આશ્ચર્ય સાથે પત્રકારે પૂછ્યું.

“ના લ્યા, પચાસ હજાર.”

“હમ્મ. પચાસ હજાર ખાલી એક ન્યુઝ માટે?”

“હા ભાઈ. પચાસ હું તને વાત જણાવું એ પહેલા અને બીજા પચાસ તારે ત્યાં અંદર જવું હોય એના.”

“કોની વાત કરે છે?”

“ગાંધીનગરમાં ફરતા સાઇકો કિલરની.” પી.એ. બોલ્યો. પત્રકાર ચોંકી ગયો.

“સિરિયસલી?” કહી પત્રકાર બાબરિયાએ કોલ મ્યુટ કર્યો અને ડિરેક્ટરને બોલાવા બૂમ લગાવી. ડિરેક્ટર રેકોર્ડિંગ રૂમમાં હતો. તેણે એક સહકર્મીને કહ્યું: “તરત જા અને ડિરેક્ટરને મારી પાસે લઈ આવ!”

“હા માટે જ આટલા પૈસા માંગ્યા. તારા કામના સમાચાર છે. તને સૌથી પહેલા રિંગ કરી છે.” પી.એ. બોલ્યો. પત્રકાર કોલ અનમ્યુટ કરી બોલ્યો:

“ઓકે. હું કરાવડાવું કંઈક, ચાલુ રાખો.” કહી પત્રકાર બાબરીયાએ રેકોર્ડિંગ રૂમ તરફ જોયું. ડિરેક્ટર સાહેબ આવતા દેખાયા. તે ખુરશીમાંથી ઊભો થયો, ફરી કોલ મ્યુટ કર્યો અને ડિરેક્ટર સાથે વાત કરી.

“સર, પે’લા સાઇકો કિલરના સમાચાર મળ્યા છે. એક્ષ્ક્લુઝિવ ન્યુઝ છે. શાહપુર કમિશ્નરનો પી.એ. લાઇન પર છે. એક લાખ કે’ છે.”

“આટલા બધા પૈસા?”

“ઇન્ટરવ્યુ કરાવશે. એવું કે’ છે.”

“તો પણ યાર, બહુ વધારે છે.” જિંદગીનું અર્ધુ શતક પૂરું કરેલા ડિરેક્ટરે કહ્યું. તેમના માથાના આછા ધોળા વાળ, ચીકણી ટાલ અને મેદસ્વી ગાલની કાળી-ધોળી દાઢી જોઈ લાગતું હતું. તેઓ આ ક્ષેત્રમાં ઘણા પારંગત હતા. થોડીવાર શાંતિ જળવાઈ રહી. એક સમાચાર માટે આટલા બધા પૈસા આપવાનું તેમનું મન ન હતું પણ અત્યારે ભાવતાલનો સમય ન હતો.

“તો શું કરવું છે?” બાબરિયાએ પૂછ્યું.

“એ.ડી.ને બોલાવ.” ડિરેક્ટરે રેકોર્ડિંગ રૂમ પાસે બેસેલા ચપરાસીને કહ્યું.

એ.ડી. આવ્યો. એ.ડી. એટલે આસિસ્ટન્ટ ડિરેક્ટર. તેનું નામ વૃશાંગ હતું પણ તેને સૌ એ.ડી. કહીને જ બોલાવતા. કારણ તે ડિરેક્ટરનો એ.ડી. હતો. ડિરેક્ટરે તેને કાનમાં કઈક કહ્યું અને તે એમની ઓફિસમાં ગયો. કમ્પ્યુટરમાં નેટ બેન્કિંગ ખોલ્યું. એ.ડી.એ પી.એ.ના ખાતામાં ઓનલાઇન ૫0000 નાખ્યા. ડિરેક્ટર ઓફિસની બ્હાર આવી તેણે થમ્સ અપની સંજ્ઞા કરી.

“જો પેમેન્ટ થઈ ગયું છે.” બાબરીયાએ જણાવ્યું.

“એક સેકન્ડ...” કહી તેણે કાન પરથી ફોન હટાવ્યો. ૫0000 ક્રેડિટ થયાનો ટેક્સ્ટ મેસેજ આવ્યો. તે જોઈ બોલ્યો: “હા આવી ગયા છે.”

“હમ્મ. બોલો, શું સમાચાર છે?” કહી તેણે ફોન લાઉડ સ્પીકર પર મૂક્યો.

“બાકરોળ ગામના પોલીસ સ્ટેશનમાં સાઇકો કિલર પકડાયો છે. તારે અંદર ઇન્ટરવ્યૂ લેવું હોય તો બીજા પચાસ ટ્રાન્સફર કર એટલે હું વ્યવસ્થા કરાવું.”

આ સાંભળી ડિરેક્ટરે ઇશારામાં ના પાડી.

“ક્યારે પકડાયો?” બાબરિયા બોલ્યો.

“૩૦ મિનિટ પહેલા.”

“ઠીક છે.”

“અંદર ઇન્ટરવ્યૂ લેવું હોય તો કોલ કરજે.”

“સારુ.” પત્રકારે કહ્યું અને ફોન મુક્યો. ઝડપથી ડિરેક્ટરે રીપોર્ટર તથા વેન મોકલવાની તૈયારી શરૂ કરી. ત્યાં જઈ ઇન્ટરવ્યુ લેવું હોય તો એ તો જાતે કઈ વ્યવસ્થા થઈ જાય એ માટે પી.એ.ને ખોટા પૈસા ન અપાય.

 

*

 

“શોએબ...” તૃપ્તિ બોલી.

“જી મે’મ.”

“પોરબંદર જે નાવડી મળી, એના પર ચાર લોકોના ફિંગરપ્રિંટ્સ મળ્યા છે. શકયત: તે ચાર મિલિટંટ્સ દામોદર કુંડ આવ્યા હોય શકે.”

“ઠીક છે. હું તપાસી લઉં છું.” શોએબ-કૃપાલ તપાસમાં લાગ્યા.

 

“મહેબૂબ... નરસિંહ મહેતા સ્ટેચ્યુ પ્લાન્ટ કરજે.” ઈક્કો યોજના જણાવતા બોલ્યો. તે રેકડીએથી ચાલતો જવા લાગ્યો.

“ક્યા? જનાબ યહા ઉતના ક્રાઉડ નહીં હૈ. ભવનાથ ચલતે હૈ.” મહેબૂબ બોલ્યો.

“ઈક્કાભાઈ, હમે બડા બ્લાસ્ટ કરના હોગા. એસા મૌકા ફીર નહીં મિલેગાં. ભવનાથ પાંચસો લોગ તો ગયે સમજો. ઈક્કાભાઈ જરા એક બાર સોચ લો.” કામિલ બોલ્યો.

 

                              આખરી નિર્ણય ઈક્કાએ લેવાનો હતો. તે સતત અવઢવમાં હતો. અહીંના લોકો સાથે તેની આત્મીયતા કેળવાઈ રહી હતી પણ આ ભાવ તેના સાથીદારો સમક્ષ લાવી શકાય એમ ન હતો. અત્યારે તે ઓછામાં ઓછા લોકોની જાન જાય તેવી યોજના અમલમાં મૂકવા માંગતો હતો.

“મહેબૂબ હમ પ્લાન કે મુતાબિક ચલેંગે. જો ભાઈને બતાયા થા વેસે હી. સ્ટેચ્યુ પે પ્લાન્ટ કર દે.” ઈક્કાએ હુકમ આપ્યો.

“જનાબ પક્કા?” ખરાઇ કરતા મહેબૂબે પૂછ્યું.

“હા ભાઈ. પહેલે સે જો તે હુઆ થા, ઉસી હિસાબ સે હમે ચલના હે.” ઇક્કાએ કહ્યું. મહેબૂબ મૂંઝાયો.

 

                              જો ભવનાથ વધુ લોકોને મારી શકાય એમ હતા તો ઈક્કા અહીં બ્લાસ્ટ કરવાનું કેમ કહી રહ્યો હતો? તેની સમજમાં ન આવ્યું. બે ઘડી ચૂપચાપ જોઈ રહ્યો. તેને એમ કે કામિલ કઈક બોલશે પણ તે પણ ચૂપ રહ્યો. તેને થયું જરૂર હવે ઈક્કાના કહ્યા અનુસાર જ આગળ વધવું પડશે. તે વિચારમાં પડ્યો, જો ગુલશોખભાઈ સાથે હોત તો જરૂર તેમણે મોટો ધડાકો કરવાનું કહેત પણ ઈક્કો સમજી નથી રહ્યો. ગુલશોખભાઇ કરતાં ઈક્કો કુંડમાં સંતાઈ બેસી રહ્યો હોત તો સારું થાત. એટલામાં કામિલ બોલ્યો: “ઓકે. વન ડાઉન, વન ડાઉન! ડાઉન! આઇમ ડિસકનેક્ટિંગ.” કામિલે કહ્યું. તેણે કોલ કટ કર્યો. ઇન્સ્પેક્ટર શોએબ-કૃપાલ કામિલ સામે બંદૂક તાકી ઉભા હતા.

“હેન્ડ્સ અપ!” શોએબે કહ્યું.

 

                              કામિલ બાકડા પરથી ઊભો થયો. તેણે ખભે થેલો લટકાવ્યો હતો. મેઈલમાંથી જે ફોટા મળી આવ્યા એમાંથી તેની ઓળખ થઈ શકી. તૃપ્તિ પોલીસ યુનિટ સાથે કોલથી જોડાયેલી હતી. તેણે અન્ય પોલીસકર્મીઓને પણ દામોદર કુંડ જવા જણાવ્યું. કામિલે હાથ ઉપર કર્યા. શોએબે અને હવાલદાર તેની સામે બંદૂક તાકી રાખી આગળ વધ્યા. ૧૫ ફૂટના અંતરે ઊભા રહી શોએબે કૃપાલને કામિલનો થેલો લેવા પાસે જવા કહ્યું. હવાલદાર આગળ વધ્યો. કામિલ ચૂપચાપ જોઈ રહ્યો હતો. હવાલદાર તેની પાસે આવ્યો અને સાવચેતીથી થેલો ઉતાર્યો. દરમિયાન શોએબે તેને હલન-ચલન કરવાની મનાઈ ફરમાવી. એ જ ક્ષણે કામિલની પાછળ દામોદર કુંડની સીડીઓએ મોટો ધડાકો થયો. શોએબ અને કૃપાલ સહમી ગયા. જો આતંકી અહીં ઊભો હતો તો ધડાકો કોણ કરે? કૃપાલ અને શોએબની નજર દામોદર કુંડ તરફ પડી.

“ચાર ડાઉન!” મહેબૂબ બોલ્યો અને મંદિર તરફ ચાલવા લાગ્યો.

 

                              પગથિયા વચ્ચે નરસિંહ મહેતાના પૂતળાએ બ્લાસ્ટ થયો હતો. ધડાકાથી ધૂળ અને રજકણ ઊડી. પૂતળાના અવશેષો ચોતરફ ઊડ્યાં. કામિલે કૃપાલને ધક્કો માર્યો અને પાળી તરફ દોડ્યો. પાળીથી ૧૪ ફૂટ નીચે કુંડની જમીન હતી. ચાર લાશ નીચે દેખાઈ રહી. એકાદ-બેના હાથ-પગ શરીરથી છૂટા પડ્યા હતા. કામિલે કૂદકો માર્યો. શોએબે ગોળી છોડી, સીધી તેના બરડામાં વાગી. કામિલની લાશ હવામાંથી નીચે પડી. કૃપાલ ઊભો થઈ પાળી બાજુ ગયો.

“શોએબ, શું ચાલી રહ્યું છે?” તૃપ્તિએ પૂછ્યું.

“ટેરરિસ્ટ અટૅક! નરસિંહ મહેતા સ્ટેચ્યુ ડાઉન.” શોએબ બોલ્યો.

“વોટ???” તૃપ્તિને ફાળ પડી. બાજુમાં ઝારા પણ વ્યથિત લાગી.

“કૃપાલ બેગ ચેક કર!” શોએબ બોલ્યો. કૃપાલે થેલાની ચેન ખોલી. તેમાં એક્સપ્લોઝિવ હતા. શોએબ અને કૃપાલ થડકી ઉઠ્યા.

“શું છે બેગમાં? તૃપ્તિએ પૂછ્યું. શોએબ વ્યગ્ર બની ચારે તરફ નજર ફેરવવા લાગ્યો. તેને વિશ્વાસ ન હતો આવી રહ્યો શું ઘટના બની રહી હતી અને કેટલું મોટું જોખમ આવી પડ્યું હતું.

“What is in the bag! બેગમાં શું છે શોએબ?” તૃપ્તિ એ પૂછ્યું. તે કશું બોલી ન શક્યો. કૃપાલ તેને જોઈ રહ્યો અને મૂંઝાયો. કેમ શોએબ એકાએક ચૂપ થઈ ગયો? કૃપાલે જવાબ વાળ્યો: “મે’મ C4 મળી આયવા સે.”

“કેટલા?”

“એક.”

આ સાંભળી તૃપ્તિ ના હોશ ઉડી ગયા.

“સી ફોર એક હોઈ જ ન શકે જરૂર ૪ અથવા એનાથી વધારે તેમની પાસે હોવા જોઈએ.” તૃપ્તિ બોલી.

“ઇનો અર્થ ચાર બ્લાસ્ટ?” કૃપાલે પૂછ્યું.

“બીજા C4 એટલામાં જ હશે, જલ્દી શોધો! નહીંતર આ લોકો આખું ટેમ્પર બ્લાસ્ટ કરી નાખશે.” તૃપ્તિ બોલી.

 

                              કુંડની તરફ માણસોની અફરાતફરી થઈ ગઈ. ઈક્કો પાર્કિંગમાં એક છકડામાં બેસી મહેબૂબ ની વાટ જોઈ રહ્યો હતો. તેમને ખ્યાલ આવી ગયો હતો કામિલ મરાયો. અન્ય પોલીસકર્મીઓ ભવનાથથી દામોદર કુંડ આવવા નીકળી ગયા હતા. ડરના કારણે કેટલાક લોકો જમીન પર મોઢું નાખીને બેસી ગયા હતા. ઘણા જાન બચાવવા બ્હાર ભાગી રહ્યા હતા. શોએબે મંદિરના ઓફિસરૂમમાં ગયો, લાઉડ સ્પીકરમાં મંદિર વિસ્તાર ખાલી કરવાની સૂચના આપી.

 

                              મંદિરના ટ્રસ્ટ ઓફીસમાંથી કાર્યકર્તા અને પૂજારી સૌને શોએબે બ્હાર કાઢ્યા. બધા મંદિર વિસ્તાર છોડી પાર્કિંગ તરફ ભાગ્યા. દામોદર મંદિરમાં વારાણસીવાળા આચાર્યશ્રી બ્હાર જવા તૈયાર ન થયા. તેમણે એકી ટસે દામોદર મૂર્તિ સામે જોઈ રહી ધ્યાન પાઠ કરી રહ્યા હતા. તેમના અનુયાયીઓએ અહીંથી નીકળવાનો આગ્રહ જણાયો પણ એમનો જવાબ એક જ હતો: “મને કૃષ્ણ સાથે એકલો મૂકી દો.”

 

                              શોએબ તપાસ હેતુ પાર્કિંગ અને મંદિર વિસ્તાર બાજુ ગયો. કૃપાલસિંહ પાછળ મુચ્છકુંડ તરફ ગયો. આચાર્યના અનુયાયીઓને પણ ગુરુજી વગર જતા રહેવું માફક ન લાગ્યું. પાંચેય અંદર રોકાયા. ગુરુજીની સામે ધ્યાનની મુદ્રામાં બેસી ગયા અને આચાર્યને અનુસરવા લાગ્યા.

 

                              મહેબૂબ મંદિરમાં આવ્યો. છ માણસોને ઈશ્વરની ઈબાદત કરતાં ભાળી તે અચંબિત થયો. તેણે વિચાર્યું ન હતું અહીં કોઈ રોકાશે. ખાસ કરીને વિસ્ફોટનો અવાજ સાંભળ્યા પછી કોઈ કેમ રોકાય? મંદિરના પૂજારી અને કાર્યકરો પાર્કિંગ તરફ ભાગી રહ્યા હતા, તેઓ હાંફી રહ્યા હતા. દૂર છકડામાં ઈક્કા બેઠો-બેઠો આ લોકોને પોતાનો જાન બચાવવા હાંફતા જોઈ મલકાઈ રહ્યો હતો.

“અરે આચાર્ય ક્યાં?” એકાએક પુજારી ઊભા રહી ગયા અને પૂછ્યું. સૌએ આસપાસ નજર નાખી. આચાર્ય કે તેમના અનુયાયીઓ કોઈ ન દેખાયા.

“તેમણે લાગે છે મંદિરમાં છે.” એક કાર્યકર બોલ્યો.

“હોઈ શકે. આમ પણ તેમના અત્યારે ધ્યાનનો સમય થઈ ગયો છે.” અન્ય એક કાર્યકર બોલ્યો.

 

                              ફક્ત એક મહિનાથી બ્હારથી આવેલો બાવો દામોદર ભક્તિમાં મંદિર છોડી ન જવા માંગતો હોય તો પોતે તો આ મંદિરનો પૂજારી હતો. વર્ષોથી તેના વંશજોએ મંદિરનું પૂજારી પદ સંભાળ્યું હતું. તો પોતે કેવી રીતે મંદિરને તરછોડી ભાગી શકે? તેમ વિચારી પુજારી મહારાજ આચાર્યના પ્રભાવમાં આવી પાછા ફર્યા. આ જોઈ અન્ય કાર્યકરોને પણ અજુગતું લાગ્યું. તેમણે પૂછ્યું કેમ પાછા ફરી રહ્યા છે? પૂજારી મહારાજે તેમના કારણો મૂક્યા. બે કાર્યકરો તેમની સાથે પાછા આવવા જોડાયા. અન્ય ત્રણ ત્યાં જ ઊભા રહ્યા.

 

                              મહેબૂબ મંદિરના ડાબા દ્વારથી મૂર્તિ સ્થાન પાસે આવ્યો. આચાર્યશ્રી ધ્યાનમાં બેઠા હતા, તેમણે આંખો ખોલી, ઊભા થયા. તેમણે મહેબૂબને જોયો. ચાર ક્ષણ બંને એકબીજાની સામે જોઇ રહ્યા. નીચે બેસેલા અનુયાયીઓ ‘શ્રી હરિ, શ્રી હરિ’ સમૂહમાં જાપ કરી રહ્યા હતા. મહેબૂબે તે લોકોને પઠન કરતા જોયા. ડાબા દ્વારથી પૂજારી મહારાજ અને મંદિરના કાર્યકર અંદર આવ્યા. મહેબૂબ છક થઈ ગયો. આટલા બધા લોકો પોતાના જીવની પરવા કર્યા વિના અહીં કૃષ્ણ ભક્તિ કરવા આવી ગયા? આ વાત જ અજુગતી લાગી.

“સબ મરોગે!” મહેબૂબ બોલ્યો.

“મારો નાથ મારી હાયરે સે... ગોળી ચલાવ!” પૂજારી મહારાજે કહ્યું. તેને ન સમજાયું. પંડીતે ઉમેર્યું: “હવે મને કાંઇ નો થાય!” આ સાંભળી મહેબૂબ થોડો રોષે ભરાયો.

“સુનો સાથી...” આચાર્યશ્રી મહેબૂબને સંબોધી કહ્યું. સૌ આચાર્યને જોઈ રહ્યા.

“હમ સબ વૈરાગી હૈ. તુમને તુમ્હારા મનસુબા પાને કે લિયે કુછ છોડા હૈ, હમને કુછ પાને કે લિયે કુછ છોડા હૈ. (મહેબૂબને તેનો પરિવાર યાદ આવ્યો) બસ, તુમ્હારે ઔર હમારે કરમ અલગ હૈ પર વિરક્તિકી વજાહ એક હૈ, એક હી હે આત્મસંતોષ.”

 

                              મહેબૂબને આચાર્યની વાત ના સમજાઇ. આ સૌની ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા જોઈ તેણે તેના કામમાં ઉતાવળ દાખવી.

થેલો ઉતારતા તે બોલ્યો: “કુછ સમજ મેં નહીં આ રહા. મેં માર રહા હૂઁ સબ કો!” અને C4ના ચાર્જીસ કાઢ્યા. એ જ ક્ષણે વાયુવેગે ઇન્સ્પેક્ટર શોએબ અંદર આવ્યો. તેને આવીને તરત મહેબૂબને ગોળી મારી. મહેબૂબનો નીચે પડ્યો.

“સેકન્ડ ડાઉન! આઇ રિપીટ સેકન્ડ ટેરરિસ્ટ ડાઉન!” શોએબ બોલ્યો, તે મહેબૂબની નજીક ગયો, તેના શ્વાસ હજી ચાલતા હતા. શોએબે બીજી ગોળી મારી. મહેબૂબ જમીન પર ચિત્ત થઈ ગયો.

“હરી ઓમ!” પૂજારીજી દામોદર મુર્તિ સામે જોઈ બોલ્યા.

 

                              બ્હાર ઈક્કાને આ જ બાબતનો ભય સતાવી રહ્યો હતો. જો મહેબૂબ પણ પોલીસના હાથે ઝડપાયો તો? અને જો તે બ્લાસ્ટ કરવામાં નિષ્ફળ ગયો તો? માટે તેણે અંદર જવાનો નિર્ણય લીધો. તેણે થેલો ઉપાડયો.

 

“શુક્રિયા ઇન્સ્પેક્ટર સા’બ.” આચાર્ય બોલ્યા. દરેક કાર્યકર અને અનુયાયીઓને નિરાંત વળી. મંદિરમાંથી ખતરો ટળી ગયો. પૂજારીએ પણ નિરાંતનો શ્વાસ ભર્યો.

“અભી તુ હાથ ઉપર કર!” શોએબે આચાર્ય સામે બંદૂક ધરી.

“હે?”

“આ શું છે?”

“શું કહ્યું?” સમૂહમાં અનુયાયીઓ અને કાર્યકરો બોલી ઉઠ્યા. આશ્ચર્યથી

આચાર્ય પણ મૂંઝાયા. તેમને ન સમજાયું શોએબ કેમ આમ વર્તી રહ્યો હતો. પૂજારી પણ દ્વિધામાં મુકાયા, તેઓ વચ્ચે પડ્યા.

“ઓ ભાઈ, આ શું કરી રહ્યા છો તમે?” પુજારી મહારાજે પૂછ્યું.

“મે’મ વી કોટ(caught) હિમ!” શોએબ બ્લૂટૂથમાં બોલ્યો.

“આર યુ સ્યોર!” તૃપ્તિએ પૂછ્યું.

“વન હન્ડ્રેડ પરસેંટ!” શોએબ બોલ્યો. તૃપ્તિ ઉત્સાહ સાથે ઊછળી પડી.

“હાથ ઉપર!” કડકાઈથી શોએબ બોલ્યો. આચાર્યના અનુયાયીઓ ઊભા થઈ તેમની પડખે ઊભા રહ્યા. મંદિરના કાર્યકરો પણ આચાર્યની તરફેણમાં આવ્યા. શોએબે આ બળવો જોયો. તે સમજાવવા પ્રયત્ન કરવા લાગ્યો:

“આ કોઈ આચાર્ય નથી, આતંકવાદી છે. આને ૧૩વર્ષથી બધા દેશો અને ભારતની ગુપ્તચર સંસ્થાઓ શોધી રહી છે.”

“ક્યા બોલ રહે હો આપ?” આચાર્યએ પૂછ્યું.

“ચુપ કર!”

“પંડિતજી, આપ લોગ યહા સે દુર રહીએ. મુજે ઈસે અરેસ્ટ કરના પડેગા!” શોએબે વિનંતી કરતા કહ્યું.

“એક મિનિટ, આપકે પાસ કુછ પ્રૂફ હૈ, યે ટેરેરિસ્ટ હૈ ઉસકા?” પૂજારીજીએ પૂછ્યું.

“હા.” શોએબે ફોટો બતાવ્યો.

 

                              પંડિતજી, કાર્યકરો અને અનુયાયીઓ ફોટો જોવા લાગ્યા. આચાર્યની આંખો, નાક અને હોઠ ગુલશોખ હબીથી મળી આવતા હતા. કેટલાક અનુયાયીઓ-કાર્યકરોને છબી પર ભરોસો નહોતો આવતો. આચાર્યશ્રી આવા હોય જ કેવી રીતે શકે? પંડિતને પણ આ વાતનો અજંપો લાગ્યો. તે ફોનની સ્ક્રીન ધારીને જોઇ રહ્યા પણ વાસ્તવિકતા એ જ હતી. પંડીતે આચાર્યના વેશમાં ઉભેલા ગુલશોખ હબી સામે જોયું.

“તે અમારા ધર્મનો મજાક ઉડાયવો? નપાવટ!” પંડિતજી બોલ્યા.

“પંડિતજી મારી પાસે ટાઈમ નથી. મને એને અરેસ્ટ કરવા દો!”

“એક મિનિટ, ઈન્સ્પેકટર સાહેબ. આને કપડાં બદલી લેવા દ્યો. અમારા જેવા કપડાં પહેરી બ્હાર જાય તો અમારી કેટલી બદનામી થાય! મહેરબાની કરી એને બીજા કપડાં પહેરવો. નહીંતર અમારી કોમ બદનામ થાય.” પંડિતજી બોલ્યા.

“અને અમારી બદનામીનું શું? આવા કેટલાક લોકોના કારણે અમારી આખી મુસ્લિમ કોમને લોકો લાંછિત કરે ઇનું શું? કેટલા પ્રૂફ આયપ્વા અમારે અમારી દેશભક્તિના? હા, હું મિયો સુ. હા, હું હિન્દુ મંદિરમાં ઊભો સુ અને આ દેશની રક્ષા કરું સુ. ઉતાવળમાં તમે ભૂલી હકો સો, હું નય. જુવો મારા પગરખાં બ્હાર સે.” શોએબ બોલ્યો. તૃપ્તિ-ઝારા ફોનથી આ સંવાદ સાંભળી રહ્યા હતા.

 

                              પંડિતજીનું ધ્યાન તેમના પગ પર પડ્યું, તેમણે ચપ્પલ પહેર્યા હતા. અન્ય બંને કાર્યકરોના પગમાં ચપ્પલ પહેરેલા હતા, ત્રણેય ફટાફટ બ્હાર ચપ્પલ કાઢવા ગયા. ગુલશોખ હબી ત્યાંથી છટકવા ડાબી તરફના દરવાજા તરફ ભાગ્યો. શોએબનું ધ્યાન પડ્યું. તે પાછળ દોડ્યો. ગુલશોખ હબી સખત ગતિમાં બ્હાર નીકળ્યો અને તરત દરવાજો આડો કર્યો. શોએબ તેની પાછળ હતો. દરવાજા સાથે ભટકાઇ તેણે દરવાજો ખોલ્યો અને આગળ વધ્યો. બ્હાર નીકળી તેણે ગુલશોખ હબી તરફ ગોળી ચલાવી.

 

                              ગુલશોખ આડો-તેડો ઝીગઝેગ રીતે દોડી રહ્યો હતો. શોએબે બીજી બે ગોળીઓ ચલાવી. ચાઇનીઝ સૈન્યની તાલીમ મેળવેલા ગુલશોખ હબીને ગોળીથી બચવાની પ્રયુક્તિ આવડતી હતી. તે બધી વખતે બચી ગયો. પાર્કિંગમાં ઈક્કા છકડા પાસે ઊભો હતો. તેણે ગુલશોખ-ઈન્સ્પેકટરને આવતા જોયા. તેણે શોએબ પર ગોળીઓ ચલાવી. શોએબ દિવાલોની વચ્ચે એક નાની ગલી હતી, તેમાં સંતાઈ ગયો. આ ગલીથી મૃચ્છકુંડ બાજુ જવાતું. શોએબ ગલીની દીવાલે સંતાયો. ગુલશોખે પાછળ જોયું. શોએબથી પીછો છોડાવવાથી તેને સહેજ નિરાંત થઈ.

 

                              ઈક્કા અને ગુલશોખ વચ્ચે 30 મીટરનું અંતર હતું. પ્રાંગણની સીડીઓ તરફથી અન્ય અફસરો આવ્યા. તેમણે ઈક્કા તરફ ગોળીઓ વરસાવવાની શરૂ કરી. ઈક્કો છકડાની આગળ સંતાઈ ગયો. તક મળતા તે સામે ગોળી ચલાવતો. શોએબે તે જોયું. પ્રાંગણથી આવતા અફસરોને નહોતી ખબર આચાર્યના વેશમાં ઊભેલો માણસ ગુલશોખ હબી હતો. માટે જ તે ઊભો રહી ગયો અને હાથ ઉપર કર્યા, તેને સંતાવવાની ક્યાંય જગ્યા ન હતી. ગુલશોખને થોડીવાર પછી સમજાયું કે પોલીસ અફસરો હજી તેને ઓળખી નથી શક્યા માટે તે એ તરફ ભાગતો રહ્યો. ઈક્કો છકડો ચાલુ કરવા ઊભો થયો. શોએબે બ્લૂટૂથમાં જણાવ્યું: “પંડિતના વેશમાં દોડતો આદમી ગૂલશોખ હબી સે.”

 

                              શોએબની વાત સાંભળી એક અફસરે વગર કોઈ બીજો  વિચાર કરે ક્ષણમાં જ ગુલશોખના પગમાં ગોળી મારી. દોડતો ગુલશોખ હબી પહેલા તો લંગડાયો. આગળ દોડવાનો પ્રયત્ન કરવા જતા ગોથું ખાઈ નીચે પડ્યો. ઈક્કાએ જોયુ. છકડો ચાલુ કરવા તેણે સ્ટાર્ટરમાં જાડુ દોરડું ભરાવ્યું. જેમ બાઇકને કીક મારી ચાલુ કરવામાં આવે, એમ છકડામાં સ્ટાર્ટરમાં દોરડું લપેટી ઝાટકા સાથે ખેંચવામાં આવે ત્યારે છકડો ચાલુ થતો. તેણે દોરડું ખેંચી છકડો ચાલુ કર્યો, એ જ પળે પ્રાંગણથી એક ગોળી આવી અને તેના ખભે ઘૂસી ગઈ. ઈક્કાથી ચીસ નીકળી ગઈ, ખભે હાથ મૂકી તેણે ટેકો લીધો. પછી પોલીસકર્મીઓ તરફ ગોળીબાર કરવા લાગ્યો. પોલીસકર્મીઓ સંતાયા. ઈક્કો ગુલશોખને ઊંચકવા માટે આગળ વધ્યો શોએબે તે જોયું.

 

                              ગુલશોખ ઊભા થવાની હાલતમાં ન હતો, તે જમીન પર લસરતો આગળ વધવા પ્રયત્ન કરી રહ્યો હતો. ખભે હાથ રાખી, બીજા હાથમાં બંદૂક લઈ ઈક્કો તેની પાસે આવ્યો. શોએબ ગલીની બ્હાર આવી મલકાઈ રહ્યો હતો. ઈક્કાએ તેની સામે જોયું. શોએબે બંદૂકનો નિશાનો લીધો. ઈક્કાના ચહેરા પર હમણાં જે દુષ્ટ સ્મિત હતું, એ હટી ને હાલ રોવા જેવુ થઈ ગયું. શોએબની આંખોમાં તેને તેનું મોત દેખાયું. જમીન પર દર્દમાં ઊંહકારતા ગુલશોખને જોઈ, તેની મદદે જવાનું મન થયું. જેમ પેલા રેકડીવાળાએ પાણીના પૈસા માફ કર્યા. એમ આ પોલીસકર્મી પણ તેને માફ કરી દેશે. છેવટે તો આ ત્યાગીઓ અને નમણા માણસોની ભૂમિ છે ને. તેમ વિચારી ઈક્કા ગુલશોખની નજીક આવ્યો, ગુલશોખને ઊભો કર્યો. તેને ટેકો આપી ચાલવા લાગ્યો. મનોમન પ્રાર્થના કરી રહ્યો હતો કે કાશ પોલીસવાળો તેને બક્ષી દે, તેની ભૂલ જતી કરી દે. ત્યારે જ શોએબે ગોળી ચલાવી! કારણ કેટલીક ભૂલોની માફી નથી મળી શક્તી. ઈક્કાની છાતી વીંધાઈ.

 

                              ઈક્કો નીચે પડ્યો, લંગડો ગુલશોખ હબી તેને ઊભો ન રાખી શક્યો. તે પણ એની સાથે નીચે પડ્યો. ગુલશોખ ભાવવિભોર થયો. ઈક્કાને મરતા જોઈ તેને રોવું આવી ગયું. તેણે ઈક્કાના હાથમાંથી બંદૂક લેવાનો પ્રયત્ન કર્યો. શોએબ તેની નજીક આવી રહ્યો હતો. અન્ય પોલીસકર્મી પ્રાંગની પાળી પાછળ સંતાયા હતા. તે સૌ ડોકું ઉપર કાઢી ઈક્કા-ગુલશોખને જોઈ રહ્યા. એક અફસરે તેની રાઇફલ એ તરફ ઉગામી. બાજુમાં બેસેલા અફસરે તેને રોકવા હાથ આડો કર્યો. તેણે એની સામે જોયું. ઈક્કાએ બંદૂકની પકડ ન છોડી. ગુલશોખ મથતો રહ્યો, તેને થયું ઓછામાં ઓછું જેણે ઈક્કાને ગોળી મારી એ બસજાતને તો મારુ! પણ ઈક્કો બંદૂક છોડવા તૈયાર ન હતો. અહીં કોઈ એકનો જીવ બચાવી શકાય તો પણ બહુ એમ વિચારી ઈક્કાએ બંદૂક પકડી રાખી. આખરે તો આ ત્યાગીઓની ભૂમિ હતી ને. શોએબ તેની પાછળ આવ્યો, ગુલશોખના માથે બંદૂક તાકી બોલ્યો:

“હેંડ્સ અપ!”

 

*

 

                              પીરાણા કમિશ્નર કચેરીથી મનોચિકિત્સકને બાકરોળ પોલીસ સ્ટેશન બોલાવ્યા. હાજર પોલીસકર્મીઓને આરોપીના જવાબ મનોરોગી જેવા લાગ્યા. મનોચિકિત્સકે કેસ સ્ટડી શરૂ કરી. તેમણે નોટબુક-પેન નીકાળી. એક ચોરસ દોર્યું, નીચે અન્ય માહિતીના મુદ્દા ટાંકયા. પ્રશ્નોત્તરી શરૂ કરી:

“તમારું નામ?”

“રમો.”

“આખું નામ બોલો.”

“રૂમાલજી બિલચંદ પઢીયાર.”

“રૂમાલજી, તમે શું વ્યવસાય કરો છો?”

“કશું નહીં. રખડપટ્ટી!”

“ઓકે. તમારા પરિવારમાં કોણ કોણ છે?”

“મમ્મી-પપ્પા ગુજરી ગયા સ.” આરોપીએ જણાવ્યું. મનોચિકિત્સક મેડમે ચોકઠામાં પાસે-પાસે બે નાની ઉભી લાઈન કરી. આરોપીએ આગળ બોલવાનું ચાલુ રાખ્યું: “પાંચ ભાઈ-બેન. ત્રણ બેન અને બે ભાઈ.” તે જેમ બોલી રહ્યો હતો, તેમ મેડમ લાઈનો બનાવતા રહ્યા.

“તમે કયા નંબરે આવો?”

“મુ સૌથી નેનો.(નાનો)” મેડમે છેલ્લી રેખા પર કુંડાળું કર્યું.

“સૌથી મોટું કોણ?

“મારા મોટાભઈ, પરબતભાઈ.”

“ઓકે. એમણે શું કરે?

“એ તો હાત વરહ પે’લા મરી જ્યાં.”

“કેવી રીતે?”

“મુંબઇ જતા. દારૂ પીયને ફરતા’તા. પાસા ઘેર આવતા’તા અન રસ્તામાં હાટ અટેક આવ્યો.”

“ઓકે. તેમના લગ્ન થઇ ગયા હતા?

“હા, પણ પસી ભાભી ઇમના ગોમ, પિયર જતા રહ્યા.”

“તેમને કોઈ બાળક?”

“ના.”

“ઓકે. ‘ને તમારા મોટાભાઈ પછી બીજા બેનોને અને તમારે કેટલા બાળકો છે? તે જણાવો.”

“મોટાબેન. એમના સાસરીમાં. એમને એક સોકરો અને પંદર વરહની સોડી સ.” મેડમ સહમતી દર્શાવતા ચોકઠામાં કુટુંબના સભ્યોની લાઈનો ઉમેરતા રહ્યા.

 

                              કુટુંબના સભ્યોની સંખ્યા, ક્રમાંક, તેમની વર્તણૂક અને વ્યવહારથી માનસિક સ્વાસ્થ્યમાં કેવી રીતે વારસાગત લક્ષણો આવે છે. તેની જાણ મેળવી શકાય છે. અફસરો અને અન્ય નાગરિકો આ બધુ જોઈ રહ્યા હતા.

“અન સેલ્લે મારો નંબર. મુ, મારી પત્ની અન મારી સોડી.”

“તમારા પત્ની ક્યાં છે?”

“એ એના પિયર જતી રહી.”

“અને તમારી દીકરી?

“એ મારી પાંહે રે’તી’તી, એન પેલા સિકૂરિટીવારાએ મારી નાખી. ગોરી મારીને.”

“ઓકે. રૂમાલજી તમારા પરિવારમાં સૌથી વધારે ગુસ્સાવાળું કોણ?”

“સૌથી વધારે ગુસ્સાવાળું... માર બાપો! એ જીવતો હતો ત્યાં લગી અમને ફટકારતો’તો. જો દારૂ ના મળે તો મારી માને ફટકારે.”

“ઓકે. (મેડમે બાપ અને બંને દીકરા પર દારૂનું વ્યસન હોવાનું નોંધ્યું) ઓકે, તો જ્યારે તમારા પપ્પા આવી મારઝુડ કરતા, તો તમે જોઈ રહેતા?”

“હા. એક જ ઓરડીનું ઘર હતું. બધું દેખાય જ ને.”

“અચ્છા, તમને ગુસ્સો આવે તો તમે શું કરો?

“મને? મને ગુસ્સો જ નથી આવતો. આખા ઘરમાં મુ હૌથી શાંત. મારઝૂડથી તો મુ બોવ દૂર રવ.” રૂમાલજી બોલ્યા. પોલીસ અફસર આશ્ચર્ય સાથે તેને જોઈ રહ્યા. થોડીવાર પહેલા જ આ માણસે એક જણનું પથ્થરથી માથું ફાડી નાખ્યું અને અત્યારે આવું બોલે છે. એક કોન્સટેબલ વચ્ચે બોલ્યો:

“મેડમ આ ખોટું બોલે છે. જૂઠું છે. આણે પેલા ગોવાળિયાનું માથું ફોડી નાખ્યું.”

“હું એમની સાથે વાત કરું છું. થોડીક વાર શાંતિ રાખજો બધા.” મેડમે કહ્યું. કોન્સટેબલ ચૂપ થઈ ગયો. તે ભોંઠો પડી ગયો હોય એમ લાગ્યું. ઈન્સ્પેકટર-સબ ઈન્સ્પેકટર તેની સામે જોઈ મનોમન હરખાઈ રહ્યા હતા.

“આખા ઘરમાં મુ હૌથી શાંત સુ. બસ ખાલી એકવાર મારે બબાલ થઈ જઈ’તી. આજથી સો(૬) એક મહિના પહેલા.”

“શું થયું હતું?

“ગિફ્ટ સિટીમાં મને અને મારા ભાઇબંધને દીવાલ ધોળવાનું કોમ મળ્યું’તું.”

“બરાબર.”

“એ દા’ડે મારી બૈરી મને મેલીને તેના પિયર જતી રહેવાની હતી. મારી સોડીને હારે ના લઈ જાય એટલે મુ એને મારી જોડે ભેગા કામે લઈ આવ્યો... મુ ‘ને મારો ભઇબંધ એક-એક પોટલી પી જ્યાં’તા. વાતમાંહી વાત નેકરી અને મેં એને કહ્યું કે બૈરુ પિયર જવાની વાત કર સ, તો એ મને જેવુ-તેવું બોલવા લાગ્યો.”

“શું બોલ્યો?”

“મન કે’ તન બૈરાને ખુશ રાખતા નહી આવડતું. ઘર હાચવતા નહી આવડતું. પેલા ગોવારિયા એટલે જ આગર વધ્યા હશે. હાલો, તું નય ખુશ રાખતો, તો એમણે તો રાખે! એવું બધું સાંભળીને મારી ડગરી સટકી! મેં કલર પેન્ટની ઇસ્ટીલની ડોલ પેલા ભરવાના માથે દઈ મારી! પસી મેં એન બોવ માર્યો. બોવ ટીપ્યો!”

“તમારા પપ્પા મારપીટ કરતા હતા, એ જ રીતે તમે મારપીટ કરી?” મેડમ પૂછ્યું.

 

                              આ સાંભળી આરોપી છક થઈ ગયો. તેને બચપણના સ્મરણો યાદ આવવા લાગ્યા. તેને ખ્યાલ જ ન રહ્યો ક્યારે તે એના બાપ જેવો બની ગયો હતો. મા-બાપના ઝગડા, કંકાસના કારણે તેનું વ્યસનના રવાડે ચઢવું. બધી બાબતો તેના ધ્યાનમાં આવવા લાગી. તેને ચૂપ બેસેલો જોઈ પોલીસ અફસર અને નાગરિક મૂંઝાયા. કેમ હવે આ એકાએક ચૂપ થઈ ગયો? હમણાં તો હાજર જવાબ આપતો હતો.

“એટલે... મેં, હું, એની... મેં પસી એની માફી માંગી લીધી’તી. પસી મેં એન ઊભો કર્યો. એના ખભા પર ‘ને ગાલ પર અને શટ પર કલર ચોંટયો હતો. મેં એનું મોઢું ધોવડાવ્યું. એ પસી અમે હારે ખાવા પણ બેઠા.”

“બરાબર. તમને ખબર છે ગાંધીનગરમાં પાંચ જણાનાં બેરહમીથી ખૂન કરી દેવામાં આવ્યા છે?”

“ક્યારે?”

“ગયા અઠવાડિયે.”

“ના હોય?” આશ્ચર્ય સાથે આરોપી બોલ્યો.

“હા. તમે ક્યાં હતા પાંચ દિવસ?”

“મુ તો ફરતા રામ. બધે રખડું.”

“ઓકે. પોલીસને તમારા પર શક છે કે તમે આ બધાને માર્યા છે.”

“મેં? મુ નહી હો મેડમ. મુ તો ત્યાં ગયો જ નહીં.”

“તમારી થેલીમાંથી બંદૂક પોલીસને મળી આવી છે.”

“એ મારી ના હોય મેડમ.” તે બોલ્યો.

 

                              મનોચિકિત્સકે નોટબુકમાં બધી બાબતો નોંધી. પ્રશ્નોત્તરી પૂર્ણ થઈ. પીરાણાથી કોલ આવ્યો. આરોપીને કમિશ્નર કચેરી લઇ જવાનો ઓર્ડર મળ્યો. દરમિયાન બ્હાર ‘ખબર ન્યુઝ’ના રિપોર્ટર આવી ગયા, તેઓ અંદર ઘૂસી આવ્યા. પાટલી પર બેસેલા આરોપીને કેમેરામાં રેકોર્ડ કર્યો. પછી રિપોર્ટરે રિપોર્ટિંગ શરૂ કર્યું. બાદ હાજર ઇન્સ્પેક્ટર અને બંને માલધારીઓના ઇન્ટરવ્યૂ લીધા. સ્ટેશન બ્હાર કોલાહલ સંભળાઇ. અન્ય ન્યૂઝ ચેનલોના રિપોર્ટરો આવી ગયા. તે સૌ પણ પોલીસ સ્ટેશનમાં અંદર આવવા લાગ્યા. કોન્સ્ટેબલે સૌને બ્હાર કાઢ્યા.

 

                              પોલીસ સ્ટેશનની બ્હાર ઇન્સપેક્ટરે જનરલ સ્ટેટમેન્ટ આપવા કહ્યું પણ માણસોના ટોળા વધી રહ્યા હતા. અલક-મલકના છાપા, મેગેઝીન, પત્રકારો, લેખકો, કેમેરામેન, સાઉન્ડમેન, વેન ડ્રાઇવર વગેરેના કાફલા નાના અમથા બાકરોળ ગામના પોલીસ સ્ટેશન સામે ઉભા થઈ ગયા હતા. આવામાં ગામની વસાહત પણ પોતાની ઉત્કંઠા સેવવા આવી ગઈ.

 

                              પોલીસ કોન્સ્ટેબલ સૌને શાંતિ જાળવવા વિનંતી કરી રહ્યા હતા પણ કોલાહલ અટકી ન હતો રહ્યો. આવામાં આરોપીને સુરક્ષિત રાખવો જરૂરી હતો. એ જ ક્ષણે ગામના માર્ગની પેલી તરફ ફેક્ટરીમાં મોટો ધડાકો થયો. ઊંચો ધુમાડો ઉઠ્યો અને ઇમારતમાં આગ લાગી. કેટલાક લોકો ધડાકાથી ગભરાઈ જઈ મોટી ચીસ પાડી ઉઠ્યા. જેથી ઘણા માણસો મૂંઝાયા શું ચાલી રહ્યું છે? જ્વાળાનો તેજ પ્રકાશ દૂરથી જોઈ શકાતો. કદાચ બોઇલર જેવું કંઈક અંદર ફાટયું હશે. ફેકટરીમાં આગ જોઈ કેટલાક રિપોર્ટર આગનું કવરેજ લેવા એ તરફ ગયા. ઇન્સ્પેક્ટરે આરોપીને લઇ પીરાણા નીકળવાનું હતું. ઘણા પત્રકારો અને કેમેરામેન તેમનું સ્ટેટમેન્ટ લેવા ઉભા હતા. ઇન્સ્પેક્ટર જણાવ્યું: “મળી આવેલ આરોપી ગાંધીનગરનો કુખ્યાત ખૂની હોઈ શકે છે. સંપૂર્ણ તપાસ માટે તેને પિરાણા લઈ જવાનો છે. અત્યારે કાર્યવાહી ચાલુ છે.” કહી ઇન્સ્પેક્ટર અંદર ગયા.

 

*

 

                              તેને લઈ જવાના કાગળિયા તૈયાર કરવામાં આવ્યા. આરોપીને જીપમાં બેસાડ્યો અને પીરાણા જવા ગાડી ઉપડી. તેના પત્ની અને મિત્રને પૂછપરછ માટે પીરાણા કમિશ્નર કચેરી લાવવામાં આવ્યા. તેના મિત્ર પાસેથી જાણવા મળ્યું કે રૂમાલજી, જે દિવસે દીવાલ ધોળવા ગયો, તે દિવસે ઢીંગલી લઈને કામે આવ્યો હતો. તેના મિત્રે જણાવ્યું અમારી વચ્ચે ઝઘડો થયો હતો વાત સાચી પણ મેં એને ફટકાર્યો હતો એણે મને નહીં. મારા હાથના મારથી તે બેભાન થઈ ગયો.

 

                              મેં એને હોશમાં લાવવા ઉઠાડયો અને પછી મારા કપડાં અને મો સાફ કરવા/ પાણી રેડવા લઈ જ્યો. મારૂ મોઢુ લૂસવા તે મારી સાથે આવ્યો હતો. તેના મિત્રએ જણાવ્યું. મનોચિકિત્સક મેડમે આ વાત નોંધી. રૂમાલજીના પત્ની પૂછવામાં આવ્યું:

“રૂમાલજીને ખેતરમાં કામ કરતા આદમી પ્રત્યે અણગમો કે કઈ વેર હતું?” મનોચિકિત્સક મેડમ પૂછ્યું. તેની પત્નીએ જવાબ આપ્યો:

“દુશ્મની જેવું તો કંઈ નય પણ મે’મસાબ એક બનાવ બન્યો હતો. જ્યારે મુ લગન કરી અહીં આવી ત્યારે ખેતરમાં કામે જતી. એકવાર ત્યાં ગોવાળિયાએ મારી હારે જબરદસ્તી કરવાનો પ્રયત્ન કર્યો. મેં ના પાડી. પછી બૂમો બૂમો પાડવાની ધમકી આપી એટલે એણે મને જવા દીધી...

 

                              મુ ખરેખરમાં હેબતાઈ ગઈ’તી. ઘેર જઈ એમને જણાવવું જોઈ કે નહીં ના હમજાયું. ખોટું એમણે ચિંતા કરે એટલે ના કહ્યું. પસીના દિવસે ફરીથી ગોવાળીયો ખેતરમાં તેના મિત્રો લઈને આવ્યો અને મારી સાડી ખેંચી. આ વખતે મેં ‘બચાવો-બચાવો’ની મદદ માટે બૂમો પાડી. ગામના મોટાબાપુ અને ભાભાઓ આવી ગયા પણ એ પે’લાં ત્રણેય ભાગી જ્યા. મારા એમને ઘેર ખબર પડી ગઈ. તેમને ખૂબ જ ગુસ્સો આવ્યો. આગલા દિવસે મારી હાટુ પેલા ત્રણેય જોડે બાજવા ઉપડી ગયા. હુરાતનમાં જતાં તો રહ્યા પણ માર ખઈન પાસા આવ્યા. એ દિવસે હાંજે એમણે મારી જોડે રોઈ પડ્યા કે મુ તને હાચવી પણ ના હક્યો એટલો નમાલો સુ! મેં એમને શાંત પાડવા બાથ ભરી. બસ એ એક જ ઘટના થઈ’તી. એમણે અમને આટલો પ્રેમ કરે સે એટલે મુ મારા પિતાના ઘેર ન’તી જતી.”

 

                              પત્નીએ જણાવ્યું. તે રડવા લાગી. એક બંધ રૂમમાં રૂમાલજીને હાથકડી પહેરાવી બાંધવામાં આવ્યો હતો. દીવાલમાં મોટો કાચ લગાવ્યો હતો. જેની પેલે પાર મનોચિક્ત્સક મેડમ, રૂમાલજીના પત્ની, મિત્ર તેમજ દિલદારસિંહ અને અન્ય ત્રણ પોલીસ અફસર ઊભા હતા. સીધો, સાદો, સાધારણ તેનો ઘરવાળો આવો હિંસક ખૂની બની ગયો હતો, તેની કલ્પનામાં ન હતું આવતું. તેની પત્ની રડી પડી. તેણે ઉમેર્યું:

 

                              “હા, અમારે કંકાસ થતો હતો, હા, મુ પિયર જવાની ધમકી આપતી’તી પણ ક્યારેય ગઈ ન’તી. એ રોજ દારૂ પીને આવે, ક્યાંય કામે ન’તો જતો. મારી સોડીને લઈ જવાની વાત દસ દા’ડા પે’લા મેં કરી હતી. એ દા’ડે મુ હવારે એમ કહીને જય કે સોડીને લઇને મારા પિયર જાવ સુ. એ હુતો’તો. પસી અમે બંને મંદિર ગયા’તા. આવીને જોયું તો એમણે ગાયબ. મારી સોડી રડવા લાગી, એની ઢીંગલી ન’તી મળતી. એ દિવસ પસી એમણે પાસા જ ના આયા.”

“એક મિનિટ. ઢીંગલી કહ્યું તમે?” દિલદારસિંહે પૂછ્યું. તે પીરાણા કમિશનર કચેરી આવ્યો હતો.

“હોવ.” રૂમાલજીના પત્નીએ કહ્યું.

“શું? આ ઢીંગલી હતી તમારી દીકરી પાસે?” કહેતા તેણે ફોનમાં ફોટો બતાવ્યો.

“હા લાગ સ તો એના જેવી જ.” પત્નીએ કહ્યું.

“આ ઢીંગલી અમને ગિફ્ટ સિટીમાં મળી હતી. સુરક્ષાકર્મીનું ખૂન થયું હતું, તેની નજીક ઝાંખરાં પાસે, તમારા પતિનું કહેવું એવું છે કે તે સુરક્ષાકર્મીએ તમારી છોકરીને મારી નાખી.” દિલદારસિંહે જણાવ્યુ. રૂમાલજીની પત્ની મૂંઝાઇ. તેમની દીકરી તો ઘરે સુરક્ષિત હતી, તો તે કોની વાત કરી રહ્યો હશે?

દિલદારને પ્રશ્ન થયો: “રૂમાલજી કહેતો હતો કે તેની દીકરી તેની પાસે હતી અને સિક્યોરિટીવાળાએ મારી નાખી. ઘટનાસ્થળ પર સિક્યોરિટી સિવાય અન્ય કોઈની લાશ મળી ન હતી. પુરાવામાં આ ઢીંગલી મળી હતી. અહીં તેનો ભાઈબંધ અને પત્ની પણ કહી રહ્યા છે તેની પાસે ઢીંગલી જ હતી. તો રૂમાલજીને એમ કેમ લાગે છે કે એની પાસે એની દીકરી હતી? લોચો ક્યાં છે?” દિલદારે મનોચિકિત્સક મેડમને પૂછ્યું. તેમણે જણાવ્યું:

“દિલદાર, રૂમાલજીની મેમરી એક જ જગ્યાએ સ્ટક થઈ ગઈ છે. તે આઠેક મહિના પહેલા તેના મિત્ર સાથેની વાતચીત તેના મગજમાં અટકી ગઈ છે. દારૂના નશામાં તે ઢીંગલીને દીકરીની ભ્રાંતિમાં સમજવા લાગ્યો. છેલ્લા દસ દિવસથી તે ઢીંગલી લઈને ફરતો હતો. તે ઢીંગલીમાં સંમોહિત થઈ ગયો.

 

                              પ્રથમ તે તેની પત્ની અને દીકરીને ખૂબ જ પ્રેમ કરતો હતો, તેના મગજમાં એક જ વાત અટકી ગઈ તેના ભાઈબંધે કહ્યું કે પત્ની અને દીકરીને રાખી નથી શકતો અથવા તો અશક્ત છે. રૂમાલજી તેની પત્નીને હેરાન કરનારને જવાબ ન આપી શક્યો. નિરર્થક હોવાના ભાવે તેનું મનોબળ ભાંગી નાખ્યું. આ ખામીઓને પૂરી કરવા, તેમાં યોગ્ય સાબિત થવા તે સતત પ્રયત્ન કરી રહ્યો હતો. તેને લોકોની નજરમાં પ્રભાવશાળી દેખાવું હતું. ખેતરમાં કામ કરતાં માણસોને જોઈ મગજમાં એ જ વસ્તુ ઘર કરી ગઈ કે કેવી રીતે હું કોઈ આવાને, સ્વસ્થ તંદુરસ્ત માણસને પહોંચી શકું? બસ આ જ બાબતના કારણે તે ખેતરોમાં કામ કરતા લોકોને મારવા લાગ્યો અને બીજું જ્યારે તેની પત્ની અને દીકરી મંદિરે જઈને આવ્યા ત્યારે ચોક્કસ તે નશામાં ઢીંગલીને દીકરી સમજી પોતાની પાસે રાખી લે છે. ઢીંગલીના સંમોહનમાં આવી ગયો અને તેને જ પોતાની દીકરી માની બેઠો.” મનોચિકિત્સક મેડમે સમજાયું.

 

                              પોતાની દીકરીને પાળવા માટે તે ગોવાળિયાના ઘરેણા ઉતારી લેતો. તે સારો, જવાબદાર ઘરનો મુખિયા બનવા માગતો હતો પણ સંજોગોએ તેનું માનસિક સંતુલન તહેશ-નહેશ કરી નાખ્યું. મેન્ટલ breakdownના કારણે તે ખૂન કરવા લાગ્યો.” મેડમે સમજાયુ.

“જો મને ખબર હોત તેમણે આવું કઈક કરશે તો જરૂર મુ એમને રોકત. મને નથી સમજાતું મારા રોજ-રોજના વઢવાના કારણે એમણે આવા થઈ ગયા કે મારા-મારી દીકરી પ્રત્યેના પ્રેમના કારણે આવું કર્યું?” તેની પત્નીએ પૂછ્યું. જેનો જવાબ કોઈને ન સૂઝયો. કક્ષમાં સન્નાટો છવાઈ ગયો. વધુ સારવાર માટે અને કેસનો સંપૂર્ણ અભ્યાસ કરવા રૂમાલજીને માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યો.

 

*

 

(ક્રમશ:)