લોહિયાળ નગર - પ્રકરણ 7 Kirtidev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોહિયાળ નગર - પ્રકરણ 7

  લોહિયાળ નગર પ્રકરણ:૭ INSOMNIA

 

                            આખી રાત તે જાગી હતી. ૦૨:૧૫ વાગે વૃશ્વિક ઘરની બ્હાર નીકળ્યો હતો. ગીતાંજલી ત્યારથી એ જ સ્થિતિમાં બેસી રહી હતી, તે આખી રાત ઘરે ન આવ્યો. છ વાગ્યા. અલાર્મ વાગ્યો એટલે તે ઊભી થઈ અને નાહવા ગઈ. બાથરૂમમાં જઈ અરીસામાં મોઢું જોયું. અનિન્દ્રા અને ચિંતા ભારોભાર લાગી રહી હતી. પોતાની અંદર જીવવાની વૃત્તિ જ ન હોય એમ અનુભવી રહી હતી. જીવનમાં એક વ્યક્તિને અપનાવ્યો એનાથી તે દુખી પામી હતી. ઈચ્છાઓ, સપનાઓ અને શોખ બધા નીરસ લાગી રહ્યા હતા. સામે અરીસામાં એક જીવતી લાશ ઊભી હતી. મરી તો એ પછી હતી.

 

*

 

[૧૯/૦૨/૨૦૨૦]

[૧૩મો માળ, ટાવર-II]

 

                              રોજ આશરે બે-અઢી હજાર લોકો ગિફ્ટમાં નોકરી હેતુ આવતા અને સાંજના અંધારા પહેલા ઘરે પ્રસ્થાન કરી દેતા. ચાર દિવસથી રોજ એક ખૂન થતું હતું, મોત ગિફ્ટ સિટીના દ્વાર સુધી આવી ગઈ હતી, તેથી બપોર પછી લોકો ઘર તરફ જવા લાગ્યા હતા. આઇ.બી.ના કર્મચારીઓ સિવાય.

 

                              રાત ઘેરાઈ હતી. આવળ, બાવળ અને થોર ગિફ્ટસિટીના ઉજ્જડ પ્રદેશમાં ફેલાયેલા રહેતા. દક્ષિણ દ્રારના માર્ગે એક સફેદ ગાડી દોડતી જઈ રહી હતી. રોડની જમણી બાજુ ગાડી ઊભી રહી. એક આદમી ઉતર્યો, પાછળ ડેકીમાંથી પ્લાસ્ટિકની બેગ કાઢી જાડી-ઝાંખરાંમાં ફેંકી. પાછા ગાડીમાં બેસી આદમીએ U ટર્ન લીધો, પછી જમણી તરફ વળ્યો.

 

                              જમ્યા પછીનો નવ કે સાડા નવ વાગ્યાનો સમય થયો હશે. નેલ્સન, રોનાલ્ડ અને આરવ સુટ્ટા બ્રેક માટે ૧૩માં માળે ગયા. જ્યાં ઓપન લોબી હતી. ૧૩મો માળ અન્ય માળ કરતાં પહોળાઈમાં ઝરીક ટૂંકો હતો. પાળીએ ઊભા રહી કોઈ વસ્તુ ફેંકો તો નીચેના એકાદ માળ પર પડવાની શક્યતા રહેતી. તે લોકો સીગરેટ પી બ્હાર ફેંકતા, જે છઠ્ઠા માળ પર પડતી. લોબીથી સારું દ્રશ્ય દેખાતું. ભંવરની જેમ આરવ પણ તેનું આઇકાર્ડ પેન્ટ પર લગાવતો. બાકી, સૌ ગળે ભરાવતા. નેલ્સન આઇકાર્ડ ખેંચ-ખેંચ કરી તેને પજવતો. રબ્બરની દોરી લાંબી થતી, આઇકાર્ડ છોડતા દોરી અંદર જતી અને ‘ટક’ અવાજ આવતો. નેલ્સનને મજા પડી. તેઓ વાતચીત કરી રહ્યા હતા.

“કેટલે ભાઈ? ગીતાંજલીનું ઇન્વેસ્ટિગેશન કેટલે પહોંચ્યું?” રોનાલ્ડે પૂછ્યું.

“ક્યાંય નહીં ભાઈ. કશું નથી ઝડતું.”

“હવે, તો પોલીસ પણ બોવ ધ્યાન નહીં આપે આ કેસમાં, ચાર મર્ડર ગાંધીનગરમાં થયા. તો પોલીસ એ સુરક્ષામાં લાગી હશે. ચાર યાર! કોણ હશે આ સાઇકો કીલર?” રોનાલ્ડ બોલ્યો.

“ગાંધીનગરમાં ત્રણ, ચોથું અમદાવાદમા થયું.” આઇકાર્ડ ખેંચતા નેલ્સન બોલ્યો.

“આજે પાંચમી રાત છે. શું લાગે છે તને?” આરવે પૂછ્યું.

“ઓફિસની બ્હાર નહીં નીકળવાનું. બીજું શું. ગન જોડે રાખવાની.” રોનાલ્ડ બોલ્યો.

“તમે બેય ભંવરના ઘરે રહો છો, કઈ ત્યાં અજુગતું લાગ્યું?” આરવે પૂછ્યું.

“ના.” રોનાલ્ડે કહ્યું. બે ઘડી નેલ્સન વિચારતો રહ્યો, પછી બોલ્યો: “ના.”

“ઠીક છે.” નેલ્સન તેના કાર્ડની મસ્તી કરી રહ્યો હતો. વધારે ખેંચાતા કવર દોરીમાંથી છૂટું થઈ ગયું.

“બસ! કરી નાખ્યું નવરું!” આરવ બોલ્યો.

“સોરી યાર, લાવ નિકાળ. સરખું કરી આપું.” નેલ્સને કહ્યું. આરવે આઇકાર્ડ કાઢી, કવર આપ્યું. નેલ્સન મથતો રહ્યો, દોરો અંદર ન હતો જઈ રહ્યો.

“રે’વા દે, નવું લાઇ આપજે.” કહેતા આરવે કવર લીધું. તેણે પણ એકવાર દોરો નાખવા પ્રયત્ન કર્યો પણ ન સરખું થયું.

“સારું, હું લાવી આપીશ.” નેલ્સન બોલ્યો.

“સારું, નય લાવી જ આપજે, હું ક્યાં સુધી આઇડી હાથમાં લઈને ફરું?”

“એ હા, લાવી આપીશ.” તે બોલ્યો. ત્રણે પાછા વળ્યા. રોનાલ્ડ-નેલ્સન નવા મિશનની વાતે વળગ્યાં. મિશન માટે સ્ક્વોડને લઈ સુરત જવાનું હતું. આરવ કવરમાં દોરો નાખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તે પાછળ રહી ગયો, સરખું ન થતાં તેણે કવર બ્હાર ફેંકયું અને તેમની સાથે થયો.

 

                              ત્રણેય આઠમા માળે આવ્યા. આરવે ગીતના લોકરમાં ફોન અને પાકીટ મૂક્યું. નેલ્સન-રોનાલ્ડ એક જ લોકરમાં તેમનો સામાન મુક્તા. તેમાં તેમના ફોન-પાકીટ મૂક્યા. રોનાલ્ડે થેલાના બાજુ ખાનામાં લાઇટર-સિગારેટનું પેકેટ મૂક્યું. ઓફિસમાં પ્રવેશી પોત-પોતાના ડેસ્ક પર ગયા. આરવની હરોળના છેલ્લા કમ્પ્યુટર પર ચાર આઇ.ટી.વાળા પીસીમાં કઈક ગડમથલ કરી રહ્યા હતા. આરવ તેના ડેસ્ક પર આવી, કમ્પ્યુટરનું બટન દબાવ્યું.

 

                              તે ગીતાજલી અંગે વિચારમાં પડ્યો. કેસની કડીઓ ભેગી થઈ ન હતી રહી. ગીતાંજલીની સ્થિતિ, સ્ટૂલની દિશા અને મુખ્ય વાત સુસાઇડ નોટ વગર આવું પગલું ભરવું. ‘ને તેની પાસે આપઘાત કરવાનું કોઈ ખાસ કારણ ન હતું. ક્યાંક ટપકા છૂટી રહ્યા છે. લાઇન નથી બની રહી. તે શૂન્યમસ્ક બની વિચારણા કરી રહ્યો હતો.

 

                              કમ્પ્યુટરની સ્ક્રીન બંધ હતી. તે વિચારપ્રવાહમાં ગુમ થઈ ગયો હતો કે ખ્યાલ જ ન રહ્યો કમ્પ્યુટર ચાલુ નથી થયું. તેણે ફરી બટન દબાવ્યું પણ કમ્પ્યુટર ચાલુ ન થયું. તે મૂંઝવણમાં મુકાયો, ફરી બટન દબાવ્યુ. બીજા છેડે આઇ.ટી.વાળા માણસો બેઠા હતા, તેણે એમને પૂછ્યું:

“Hey, my system is not working, What’s the issue? (હેય, મારૂ કમ્પ્યુટર કામ નથી કરી રહ્યું, શું થયું છે?)

“Sir, portal is under maintenance. We are working on that. It will take a half an hour. (સાહેબ, પોર્ટલ મેઈન્ટેનન્સમાં છે. અમે એના પર કામ કરી રહ્યા છીએ. અર્ધો કલાક લાગશે.)

“A half an hour…!? That’s too much!” (અર્ધો કલાક? એ બહુ વધારે છે.) આરવે કહ્યું.

“Sorry sir, We are almost done with the bug fixing. Please wait for a while. (માફી સાહેબ, લગભગ બગ ફિક્સીંગ પૂરું થવા આવ્યું છે, થોડીવાર રાહ જુઓ.)

“ઓકે.” આરવે કહ્યું. નેલ્સન સાથે વાત કરવા તે છેલ્લી હરોળ તરફ આવ્યો. નેલ્સન સ્ક્વોડ સાથે મિટિંગરૂમમાં હતો.

 

                              “એક લેબમાં એવું સિરમ બનાવામાં આવ્યું છે, જે શરીરમાં જતાં માણસ કોમાની સ્થિતિમાં જતો રહે છે. દસ-બાર દિવસ સુધી હ્રદય સિવાય સમગ્ર શરીર અટકી જાય છે. મળતી માહિતી મુજબ આ સિરમમાં ગેરકાનૂની ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સિરમનો સોદો ચાઈનાની સૌથી મોટી ફાર્મા કંપની સાથે થાય એ પહેલા જ જપ્ત કરવા માટે આ મિશન આઇ.બી.ને સોંપવામાં આવ્યો છે.” નેલ્સને સ્ક્વોડને સમજાવ્યું.

 

                              આઇ.પી.એસ. પરમાર શાણપણથી બાજુમાં ખસી ગયો અને આ મિશન આઇ.બી. ગિફ્ટ સિટીને સોંપ્યો. તે પોતાની જવાબદારી રોનાલ્ડ પર થોપી રહ્યો હતો. રોનાલ્ડને થયું ખોટો અટકચાળો કરી રિજનલ હેડનો હોદ્દો હાંસલ તો કરી લીધો પણ અન્ય મિશનની જવાબદારી આવશે કોને ખબર હતી. રોનાલ્ડ-નેલ્સન તેની સ્ક્વોડ સાથે લેબમાં કેવી રીતે છાપો મારવો? અંગે એમ.આર. ૧માં ચર્ચા-વિચારણા કરી રહ્યા હતા.

 

                              આરવ નેલ્સનના ડેસ્ક પાસે ઊભા રહી કાચની બ્હાર જોઈ રહ્યો. ગિફ્ટ સિટી વિકસિત થઈ રહ્યું હતું. રસ્તા સિવાય વગડો અને કેટલીક જગ્યાએ બાંધકામ ચાલતી ઇમારતો હતી. રાતના અંધારામાં રસ્તાની દીવાગત્તી સિવાય ઝાઝું કઈ દેખાતું નહીં.

 

                              ૮માં માળેથી વિરાન રસ્તા, ગ્રાન્ડ રોયાલે હોટલ, જમનાબાઇ આંતરરાષ્ટ્રીય નિશાળ અને અંડર કન્સ્ટ્રકસન સાઇટ દેખાઈ પડતી. બ્હારનું દ્રશ્ય જોતાં જોતાં તે ગીતના કેસમાં મગજ દોડાવી રહ્યો હતો. એક સફેદ ગાડી રસ્તો ચિરતી દક્ષિણ દરવાજા તરફ જઈ રહી હતી. થોડે આગળ જતાં ગાડીની હાઇબીમ લાઇટ અંધારામાં વિલોપ થઈ ગઈ. એક ક્ષણ આરવનું ધ્યાન એ દ્રશ્ય પર ગયું.

“સર, You can login after five. We are back on network.” (સાહેબ, પાંચ મિનિટ પછી તમે લોગઇન કરી શકો. નેટવર્ક આવી ગયું છે.) આઇ.ટી.વાળા ભાઈએ કહ્યું. આરવ તેની તરફ ફર્યો.

“યા, ઓકે.”

 

                              તે પાછો બ્હાર જોતા વિચારવા લાગ્યો. આઇ.ટી.વાળાએ મને બોલાવ્યો એ પહેલા હું શું વિચારતો હતો? તે મગજ કસવા લાગ્યો. યાદ ન હતું આવી રહ્યું તે શું વિચારી રહ્યો હતો. ‘ને પેલી લાલ લાઇટ જ્યાંથી દેખાતી બંધ થઈ હતી, ત્યાં શરૂ થઈ અને આગળ ચાલવા લાગી. આરવને યાદ આવી ગયું. પેલી લાઇટ હમડા બંધ થઈ હતી પણ એમ રસ્તા વચ્ચે કેવી રીતે બંધ થાય? તે ગાડીને જતાં જોઈ રહ્યો. પછી થયું હું બહુ વિચારી રહ્યો છે, જે નથી એ દેખાઈ રહ્યું છે. ગીતાંજલીના કેસમાં મગજ ઘૂમી રહ્યું છે. ચા પીને આવવા દે, મગજ શાંત થાય. મનોમન સંવાદ કરતાં તે પેન્ટ્રી તરફ ગયો પરંતુ ખરો પ્રશ્ન એ જ હતો, દક્ષિણ છેડાનો માર્ગ કોઈ વાપરતું ન હતું. તો કોઈ ગાડી એ માર્ગ પર વચ્ચે કેમ ઊભી રહે? અને પછી કેમ ચાલવા લાગે?

 

*

 

                              બીજા દિવસે કેપ્ટન ભંવર પાછળના પાર્કિંગથી આવ્યા. એક સુરક્ષાકર્મી બે રૂમ ફ્રેશનર લઈ ઊભો હતો. ભંવરે સ્કેનિંગ મશીનમાં બેગ મૂકી.

“ગુડ ઈવનિંગ સર!”

“ગુડ ઈવનિંગ સર! મજામાં છોને?” બંને સુરક્ષાકર્મીઓએ અભિવાદન કર્યું.

“હા, ગુડ ઈવનિંગ. ક્યાં જાય છે?” ભંવરે સ્પ્રે પકડી ઉભેલા સુરક્ષાકર્મીને પૂછ્યું.

“દસમા માળે, કે’ છે કેમિકલની ગંદી વાસ આવે છે. ફેક્ટરીઓનું કેમિકલ નદીમાંથી અહીં આવે છે. તો ઉપર વાસ મારે છે.”

“ઓકે.” કેપ્ટને કહ્યું, થેલો લઈ તે લિફ્ટ સુધી આવ્યો.

 

                              કેપ્ટન આઠમા માળે લોકરરૂમમાં જઈ લોકર ખોલ્યું, તે કઈક વિચારી રહ્યો હતો. યંત્રવત રીતે થેલો અંદર મૂક્યો. તે ચિંતામય લાગી રહ્યો હતો. થેલો પાછો બ્હાર કાઢી, ઝટપટ પાછો ફર્યો. ઝારા અને આરવ વાતો કરતાં-કરતાં લોકરરૂમ તરફ આવી રહ્યા હતા:

“આબુથી લીડ મળી છે. કાલે પિરાના કમિશ્નર વ્હોરા સાથે વાત થઈ. એ બાજુ આવ્યા હોય શકે. કારણ કચ્છથી એક જ બસ આબુ આવી હતી. એમાં પણ આપડે જેવુ ડિસ્ક્રિપ્શન આપ્યું એવા બે ઈસમ વોલ્વોથી આવ્યા હતા.” આરવે કહ્યું. ભંવર તેમને સામે ભટકાયો.

“હૈય...” ઝારાએ કહ્યું.

“હાઇ.” ભંવરે કહ્યું. તે લિફ્ટ તરફ ચાલવા લાગ્યો.

“આ લીડ ગયા વીકની છે. આટલું જાણવામાં કાલ આખો દિવસ ગયો તને?” ઝારાએ પૂછ્યું.

“વેલ, એમણે રસ્તામાં જે જગ્યાએ બ્રેક પાડી ચા પીધી હતી, ત્યાંના સીસીટીવી ફૂટેજ લાવ્યો છું...” ગીતના લોકરમાંથી કોફી મગ કાઢતા તે બોલ્યો.

“યાર... આરવ એ કોઈ લીડ નથી. આપડે સ્યોર પણ નથી કે એ બંને આતંકી છે, આ બધી ખાલી થીયરી છે. તું સમય વેડફ્યા કરતાં કામમાં ધ્યાન આપ. તું આખો દિવસ ગીતના કેસમાં રાચ્યા કરે છે...” ઝારાએ કહ્યું. લોકરમાંથી મગ લઈ ચા પીવા બંને પેન્ટ્રી તરફ જવા લાગ્યા.

 

                              થોડીવાર બાદ કેપ્ટન ભંવર સીડીઓ તરફથી ઓફિસદ્વારમાં પ્રવેશ્યા. સામે આરવ-ઝારા પણ ચા પી લોકરરૂમ પાછા આવ્યા. ત્રણેયની નજર મળી. રિસેપ્શન કાઉન્ટર પાસે બેસેલા સુરક્ષાકર્મી આ મેળાપ જોઈ રહ્યા.

“ઈવનિંગ સર!” આરવે બોલ્યો.

“ઈવનિંગ ડિટેક્ટિવ્સ!”

“કેમ છો તમે?” ઝારાએ પૂછ્યું.

“ગુડ, આઇમ ગુડ.”

“પરફ્યુમ સારું છે સર, ગ્રેટ!” તે બોલી.

“એવું લાગે છે જાણે રૂમ ફ્રેશનર છાંટ્યું હોય…!” કહી આરવ હસવા લાગ્યો.

 

                              ઝારા પણ હોઠ દાબી હસવું રોકી રહી. ભંવર ફિક્કું હસ્યો, પશ્ચાદભૂમિમાં યોગિતા આરવની ટિપ્પણી સાંભળી મલકાઈ રહી હતી. ભંવર તેને જોઈ રહ્યો. બે ક્ષણ શાંતિ જળવાઈ રહી. આરવ પાછળ ફર્યો:

“યોગી... તું કે’ આ સ્મેલ રૂમ ફ્રેશનર જેવી નથી લાગતી?”

“હું અત્યારે મંદિરે બહુ બધા હાર ચઢાવીને આવ્યો છું. એટલે સ્મેલ આવે છે.” સફાઈ આપતા ભંવરે કહ્યું. ત્રણેય લોકરરૂમમાં ગયા.

“વેઇટ અ મિનિટ. રતનપુરવાળા મંદિરે?” આરવે પૂછ્યું.

“હા.”

“શું વૃશ્વિક યાર... મને કે’વું જોઈએ ને અમે બે પણ આવત. તને ખબર છે ઝારા એ શિવ મંદિરે દર્શન કરવા જાવ ત્યાં પૂજારી તમારા કપાળે ચંદનથી શિવલિંગ દોરી આપે છે.” આરવ બોલ્યો.

“સારું. હવે જઈએ ત્યારે સાથે જઈશું.” ભંવરે કહ્યું.

“પણ તમે કેમ કપાળે શિવલિંગ ના દોરાવ્યું.” તેણે પૂછ્યું.

“મારે ઉતાવળ હતી. ત્યાં લાંબી લાઇન હતી એટલે.” ભંવરે કહ્યું. આરવ-ભંવર ગીતના લોકર આગળ આવ્યા.

“તું અહીં તારો સામાન મૂકે છે?” ભંવરે પૂછ્યું.

“હા, એટલે ખાલી ફોન-વોલેટ હોય. આ મગ ગીતાંજલીનો જ છે.” મગ અંદર મુક્તા તે બોલ્યો: “કોઈ તકલીફ નથી ને?”

“ના, ના. આ તો ખાલી પૂછું છું. આપડા બે સિવાય બીજું કોઈ તો નથી ને એમ.”

“ઓકે.” પછી ત્રણેય ઓફિસમાં ગયા.

 

                              દસમા માળે પરસાળમાં સફાઈકર્મી રૂમ ફ્રેશનર છાંટી રહ્યો હતો. તેની સાથે એક સુરક્ષાકર્મી આવ્યો હતો. બાજુમાં એક ઓફિસર નાકે રૂમાલ રાખી ઊભી હતી.

“આ વાસનું કઈક કરવું પડશે. દર બે-ત્રણ દિવસે બદબૂ આવે છે, ન ચાલે આમ.” તે બોલી. હાજર સુરક્ષાકર્મીએ કહ્યું:

“મેડમ, કાલથી હાઉસકીપીંગવાળાને કહેવરાવી દઉં છું. એ ધ્યાન રાખશે.”

“આ વાસ આવે છે ક્યાંથી?”

“ફેક્ટરીમાંથી. તે લોકો નદીમાં કેમિકલ છોડી દે છે અને ગિફ્ટ સિટીની દિશામાં જ ડંપિંગ ઝોન છે તો સીધી વાસ અહીં આવે.”

“સ્ટુપિડ ફેક્ટરીસ!” ઓફિસર બોલી.

 

*

 

                              ૮માં માળ ઓફિસમાં સૌ પોતાનું કામ કરી રહ્યા હતા. ઝારા-આરવ સીસીટીવી ફૂટેજ જોઈ રહ્યા હતા. મિટિંગરૂમમાંથી નેલ્સન-તેની ટિમ બ્હાર આવી. તે તેના ડેસ્ક પર આવ્યો. લોગઇન કરી ઘડિયાળમાં સમય જોયો. સુટ્ટા બ્રેકનો સમય થઈ ગયો હતો. આરવને જણાવા માટે તેના ડેસ્ક પર આવ્યો અને કાનમાં કઈક બોલ્યો.

“ખરેખર?” નેલ્સનની વાત સાંભળી ચોંકીને તે બોલી ઉઠ્યો. રોનાલ્ડ-ઝારા ભંવરના ટેબલ પાસે ઊભા હતા, તે ત્રણેયનું આ બે ઉપર ધ્યાન ગયું.

“અત્યારે?” ધીમે રહી તેણે નેલ્સનને પૂછ્યું.

“હા.” તેણે કહ્યું.

“તું પહોંચ હું આવું છું.” આરવે કહ્યું પછી ફટફટ કમ્પ્યુટરમાં કામ પતાવા લાગ્યો. નેલ્સને રોનાલ્ડને ‘T’ની સંજ્ઞા દર્શાવી. તેણે ઓકે કહ્યું. નેલ્સન બ્હાર ચાલ્યો.

 

                              ઝારા રોનાલ્ડ-ભંવરને સમજાવી રહી હતી. દરમિયાન રોનાલ્ડ આરવની સામે જોઈ રહ્યો હતો. તેણે ઇશારામાં પૂછ્યું: ‘શું ચાલી રહ્યું છે?’ આરવે ન સમજાય એવો કઈક ઈશારો કર્યો. ખબર ન પડતાં બ્હાર આવવા સંકેત કર્યો. આરવ કમ્પ્યુટર લોક કરી બ્હાર ગયો.

“આઈ થિંક આપડે ફેસ કંપેરીઝન ટૂલથી ચેક કરવું જોઈએ.” ઝારાએ કહ્યું.

“એની જરૂર નહીં પડે. પાકિસ્તાનના પઠાણકોટમાં ગયા મહિને જે ચાર આતંકીઓએ બ્લાસ્ટ કર્યો હતો, એમાંના જ બે હોવા જોઈએ. આપડી પાસે ઈમેજીસ છે.” ભંવરે કહ્યું.

“સારું, વૃશ્વિક તમે મેઈલમાં મોકલી દેજો. હું આવું.” રોનાલ્ડે કહ્યું.

“સ્યોર.”

 

                              નેલ્સન જે વાત કહેવાનો હતો, એ મુદ્દો સાંભળી આરવ ઉત્સાહમાં આવી ગયો હતો. તે મલકાતા-ટહેલતા બાલમંદિરનું ગીત ગાતા બ્હાર આવ્યો. ‘ટામેટું રે ટામેટું...’ રિસેપ્શન પાસે બેસેલી યોગિતાએ તેને જોઈ. ૩૫ વર્ષના આરવને બાલમંદિરનું ગીત ગાતા જોઈ તે પોતાનું હાસ્ય રોકવા પ્રયત્ન કરી રહી પણ જ્યારે આરવે તેની સામે જોઈ સ્મિત કર્યું, તે હસી પડી. આરવ પણ હસતો લોકરરૂમ તરફ ગયો અને સાદ આપ્યો:

“નેલ્સન... એ નેલ્સ...(અંદર કોઈ ન હતું, તેણે આજુબાજુ જોયું.) ન્યા...” કોઈ ન દેખાતા બબડ્યો: “નેલ્સન્યો ક્યાં ગયો?” પાછળ રોનાલ્ડ આવ્યો.

“બોલ, શું થયું?” તેણે પૂછ્યું.

“કઈ નહીં, નેલ્સન બોલાવતો હતો પણ અહીં ક્યાંય દેખાતો નથી.”

“એ ગામમાં ગલ્લે ગયો હશે. સુટ્ટા બ્રેકનો સમય થઈ ગયો.” રોનાલ્ડે કહ્યું.

“ચાલો, તો જઈએ.” તેણે કહ્યું.

 

                              આરવ સીગરેટ ન હતો પીતો, છતાં, પંચાત કરવા અને ઓફિસમાં શું ચાલે છે, જાણવા માટે ગલ્લે જવાનું શરૂ કર્યું હતું. નેલ્સન ચા અને સીગરેટ લઈ સ્ટૂલ પર બેઠો હતો. ગામડાના એક જુવાને પાન પાર્લરના ધંધાનું સાહસ કર્યું હતું. ટાવર-IIથી ૨૦૦ મીટરના અંતરે મુખ્ય રોડથી સહેજ નીચે ઉતરી ગામમાં જવાનો માર્ગ હતો. ગ્રામજનોએ આવવા જવા માટે મોટા પથરા મૂક્યા હતા, જેનાથી ચડવા-ઉતરવામાં સરળતા રહેતી. ત્યાં જ ગલ્લો હતો. ઘણા કર્મચારીઓ મંદિર દર્શન કરવા આ માર્ગની વ્યવસ્થા ઉપયોગમાં લેતા. મુખ્ય માર્ગ પર થોડે દૂર એક નિર્ધન આદમી બેઠો-બેઠો જંગલી કુતરાઓને ખોરાક ખવડાવી રહ્યો હતો. રોનાલ્ડ-આરવ એની સામે જોયુ. પાન પાર્લરે આવી ચાનો ઓર્ડર આપ્યો, બંને નેલ્સન પાસે બેઠા.

“બોલ, ભાઈ શું છે એ ખાસ વાત?” આરવે પૂછ્યું.

“કાલે રાતે મેં અને રોનાલ્ડે એવી વસ્તુ જાણી છે કે તને ખબર પડશે તો હોશ ઊડી જશે.” તે બોલ્યો.

“એમ, શું વસ્તુ જાણી?”

“ભંવર અને તૃપ્તિ એ બંનેની વચ્ચે અફેર છે.” ઉત્સાહ સાથે નેલ્સન બોલ્યો. પહેલાથી આ વાતથી તેને-ઝારાને ખબર હતી પણ સંજોગ અનુરૂપ તે બોલ્યો:

“ના હોય...”

“હા. જબરો સીન હતો કાલે?”

“કેવો?” આરવે પૂછ્યું. એક ભાઈ ચા મૂકી ગયો. રોનાલ્ડે સીગરેટ સળગાવી.

“રાતે ૧ વાગે અમે બે રૂમમાંથી બ્હાર નીકળ્યા, બાજુમાં તૃપ્તિના રૂમનો દરવાજો ખૂલો હતો. અંદર જોયું તો એ તેના રૂમમાં ન હતી.”

“શું વાત કરે છે?” ખોટા આશ્ચર્ય સાથે આરવ બોલ્યો.

“હા, એ અને ભંવર આખી રાત રૂમમાં...” વધુ ઉત્સાહ સાથે તે બોલી રહ્યો હતો.

“એક મિનિટ, એક મિનિટ, તમારા બેમાંથી કોઈએ એને રૂમમાં જતાં કે બ્હાર નીકળતા જોઈ હતી?” તેણે પૂછ્યું.

“ના.” તે બોલ્યો. રોનાલ્ડે પણ ના પાડી.

“તો કેવી રીતે માની શકાય કે એ બંને વચ્ચે કઈક હશે?” આરવે પૂછ્યું.

“કારણ, કે એમની વચ્ચે કઈક છે, તારે ખાતરી કરવી હોય તો ભંવર રાતે ૧૧:૦૦ વાગે બ્રેક પર જાય છે, ત્યારે જોઈ લેજે ક્યાં જાય છે.” રોનાલ્ડ બોલ્યો. નેલ્સન અને આરવ વિચારમાં પડ્યા. આ બ્રેક વાળી વાત નેલ્સન માટે પણ નવી હતી.

“સારું, છોડો એ બધુ, તું તારું કે’ આજકાલ ઝારાની આગળ પાછળ... હેં! શું ચાલે છે?” નેલ્સને પૂછ્યું.

“કઈ નહીં યાર, એના સિવાય કોઈ ગીતાંજલીના કેસમાં રસ નથી લેતું, તો સાથે ડિસ્કસ કરવા અને એમ પણ એ મને મારા ઓફિસના કામમાં મદદ કરે છે, નહીંતર ભંવર મારા માથે ચઢી જાય. એક વાર વોરનિંગ તો આપી એણે મને...”

 

                              તેઓ ચા-સીગરેટ પીતા વાતો કરતાં રહ્યા. આરવ મનમાં શક્યતાના તંતુ જોડી રહ્યો હતો. એક વાત તો પાકી થઈ ગઈ, તૃપ્તિ અને વૃશ્વિક વચ્ચે ગેરસંબંધ છે. પણ આટલી વાતથી ગીતાંજલી આપઘાત ના કરે, જરૂર અન્ય કઈક કારણ હોવા જોઈએ. બીજી તરફ ભંવરનું વર્તન થોડું અજુગતું લાગ્યું હતું. આજે પહેલા લોકરરૂમમાં આવ્યો, પછી પાછો તેની બેગ લઈને બ્હાર ગયો. મંદિર જવાનું હોય તો બેગ લઈને કેમ જાય? તે વિચારમાં પડ્યો.

 

*

 

(૨૯/૦૧/૨૦૨૦ રાત્રે ૦૮:૧૫ કલાકે)

 

                              ગીતાંજલી જમવા બેસી હતી, છેલ્લા બે દિવસથી વૃશ્વિક ભંવર ઘરે ન હતો આવ્યો. ગીતાંજલીએ તેને એકવાર પણ કોલ કે મેસેજ ન હતો કર્યો. તેની આંખોમાં બેચેની હતી. ચહેરો ઉદાસ-ફિક્કો વર્તાતો હતો. તે અનિન્દ્રા (Insomnia)ની દર્દી હતી. ચિંતા-નિરાશા-વ્યગ્રતા વધતાં માનસિક તાણ પડતું. આખી રાત વિચારોમાં જાગ્યા કરતી. તે ઊંઘયા વગર ચાર દિવસ નિકાળી નાખતી. આ રોગના કારણે એકવાર તેને ઈમરજન્સી વોર્ડમાં ખસેડવી પડી હતી. તેને પેટમાં અતિસય બળતરા થવા લાગી અને ઉલ્ટીઓ થઈ રહી. ઉદરમાં સોજો ચડી ગયો હતો, ચાલવા અને ઉઠવા સિવાય અન્ય કોઈ સાદા કામ તે ન હતી કરી શક્તી. આંખે અંધારા આવી જતાં, ઉઘાડી આંખે ક્યારેક બેભાન થઈ જતી.

 

                              એક મનોચિકિત્સક પાસે સારવાર શરૂ કરાવામાં આવી. સાથે-સાથે ઊંઘ અને ડોપામાઈનની દવા આપી. ધીમે-ધીમે તબિયત સુધરવા લાગી. છેલ્લા બે વર્ષથી તેને આવી કોઈ દવાની જરૂર ન હતી પડી. તે પાસે દવા રાખતી પણ પીતી ન હતી.

 

                              હાલ તે પોતાના માટે જમવાનું બનાવી વાળું કરી રહી હતી. બ્હાર ગાડી પાર્ક થવાનો અવાજ આવ્યો. તે વૃશ્વિક હતો. ગીતાંજલીએ તેની થાળીમાં જોઈતો હતો એટલો ખોરાક લઈ બાકીનું કચરાપેટીમાં ઠાલવી દીધું, પાછી ખુરશીમાં બેસી જમવા લાગી. વૃશ્વિક અંદર આવ્યો. તેણે ગળે ટાઈ લગાવી હતી. શર્ટ અર્ધો બ્હાર અર્ધો પેન્ટની અંદર હતો. તે થાકેલો લાગતો હતો. ડિનર ટેબલ પાસે આવ્યો, ગીતાંજલીને જોઈ રહ્યો:

“હાઇ...” સ્મિત સાથે બોલ્યો. તે ચૂપચાપ જમતી રહી.

“બે દી’… બે દિવસ હું બહાર હતો. તને ના થયું એક ફોન કરીને પૂછી લઉં મારો હસબન્ડ શું કરે છે અથવા તો જીવે છે કે મરી ગયો?”

“હેય, તને ના થયું લાવ મારી પત્ની પ્રત્યે ઓનેસ્ટ રહું. બ્હાર મો માર્યા કરતાં?”

“યાર... એ મારી ચેટ ન’તી. ગીત તું... એક મિનિટ, મારી સામે જો તો... (તે પાસે આવ્યો) ગીત... ઉપર જો મારી સામે... આ શું?” કહેતા તેણે ગીતાંજલીનું મો ઊંચું કર્યું. તેની આંખો ભારે લાલ થઈ ગઈ હતી.

“તે પાછી ચિંતા કરવાની શરૂ કરી દીધી... દવા નથી પીતી તું...?”

“તારું કામ કર તું!” તેનો હાથ હટાવતા બોલી.

“ઓકે, ઓકે. તું નારાજ છો મારાથી, હું સમજી ગયો. (તેણે ખાલી વાસણ સામે જોયું) મારા માટે જમવાનું નથી બનાવ્યું?”

“હું કાયર, પોકળ અને ધોકેબાઝ માણસો માટે જમવાનું નથી બનાવતી અને વિચાર તું શેમાં આવે છે? ત્રણેય માં!”

“બરાબર.” વૃશ્વિક બોલ્યો. તે પ્લેટફોર્મ પાસે ગયો, ખાનામાંથી નુડલ્સનું પેકેટ નિકાળ્યું. એક તપેલીમાં પાણી લઈ ગેસ પર મૂકી. પાણી ઊકળે તેની રાહ જોવા લાગ્યો, ગીતાંજલીની સામે જોયું, તે ચૂપચાપ ખાતી રહી.

“કાલે, રોનાલ્ડના ઘરે પાર્ટી છે, તારે અને...”

“તું ચૂપ રહીશ!?! મારે જમતી વખતે કોઈ લપ નથી કરવી.” તે બોલી.

“સારું.” તેણે કહ્યું. ઉકળતા પાણીમાં નુડલ્સનું પેકેટ ખાલી કર્યું, અંદર મીઠું-હળદર-મસાલા નાખી, જેમ તેમ હલાવ્યું, કાચા નુડલ્સ એક ઠામમાં ઠાલવ્યા અને ત્યાંથી જવાની તૈયારી બતાવી.

“મારે ખાલી એટલું જ કહેવું છે, તને જે કઈ ગેરસમજ થઈ છે, એ ક્લિયર કરવા જ એના ત્યાં આપડે જવાનું છે...” ગીતાંજલી સામે કઈ પ્રતિકાર આપે એની રાહ જોઈ રહ્યો. તે ચૂપચાપ ખાતી રહી.

“ઠીક છે, તારો ગુસ્સો વાત ક્લિયર કર્યા વગર શાંત નહીં થાય. તું મારી સાથે એક રૂમમાં રે’વા પણ નથી માંગતી. તો હું હવે બીજા રૂમમાં જઈને ખાઈશ.” કહેતા ધીમે-ધીમે ચાલતો કક્ષમાં ગયો. ગીતાંજલી તેને જતાં જોઈ રહી.

 

                              તે વિચારવા લાગી શું ખરેખર વૃશ્વિક સાચું બોલતો હશે? તે ચેટ એની નહીં અને રોનાલ્ડની હશે? પણ કેવી રીતે એવું બને. રોનાલ્ડ પરણિત છે. તે આવું કેવી રીતે કરી શકે. હું એને કોલેજથી જાણું છું. જો વૃશ્વિક સાચું બોલતો હોય અને રોનાલ્ડ આવી ચેટ કરતો હોય તો તે એની પત્નીને જણાવી દેશે. ગીતાંજલીએ મનોમન સંકલ્પ કર્યો. તે જમીને ઊભી થઈ, ડિસ સિંકમાં મૂકી બેડરૂમ પાસે ગઈ. દરવાજે ટકોર કરી. વૃશ્વિક ચૂપચાપ બેસી રહ્યો હતો. ટકોરા સાંભળતા બાજુમાં મૂકેલ કાચા નુડલ્સનું વાસણ હાથમાં લીધું:

“હા...” તે બોલ્યો. ગીતાંજલીએ દરવાજો ખોલ્યો, અંદર આવી.

“કાલે કેટલા વાગે જવાનું છે?”

“૯ વાગે, રાત્રે.”

“સારું.” કહી તે પાછી વળી, જતાં પહેલા કહ્યું: “મેં જમી લીધું છે, તું બ્હાર આવીને ખાઈ શકે છે.”

“ઓકે, થેન્ક યુ!” હરખ સાથે વૃશ્વિક બોલ્યો. તે ઊભો થયો, દરવાજા બ્હાર આવે એ પહેલા નિરસભાવે ગીતાંજલીએ દરવાજો આડો કર્યો અને ચાલી ગઈ.

 

                              બીજા દિવસે તેઓ રોનાલ્ડના ઘરે ગયા, આજે તેના જન્મદિનની ઉજાણી હતી. રોનાલ્ડની પત્ની અને તેની દીકરી ખંડાલાથી ખાસ જન્મદિન નિમિત્તે આવ્યા હતા. વૃશ્વિક અને ગીતાંજલી આવ્યા. ઓફિસના અન્ય કર્મચારીઓ પણ દેખાયા. વૃશ્વિક રોનાલ્ડ અને ગીતાંજલીને બાજુમાં લઈ ગયો. રોનાલ્ડે કબૂલ્યું:

“હું જ વૃશ્વિકના ફોનમાંથી ચેટ કરતો હતો, મારી પત્નીને ન ખબર પડે માટે...”

“અને વૃશ્વિકની પત્નીને ખબર પડી તો?” ગીતાંજલી બોલી. રોનાલ્ડ મૂંગો થઈ ગયો, ત્યારબાદ ગીતાંજલી તેના પર ખૂબ જ ગુસ્સે થઈ, ઘણું સંભળાવ્યુ.

“કોની સાથે વાત કરતો હતો? કોણ છે આ યશૂ બેબી?” તેને પૂછ્યું. ચાર ક્ષણ રોનાલ્ડ મૂંઝાયો, શું જવાબ આપવો? તે નર્વસ થઈ ગયો, તેના મોઢામાંથી નામ નીકળ્યું: યોગી... યોગિતા! એ યોગિતા હતી. રિસેપ્શન પર બેસે એ...”

“વોટ! So, GROSS Ronald! એક સિક્યોરિટીવાળી સાથે તું આવું કેમનું કરી શકે છે? શરમ કર! છી...!” તેને ધિક્કારતા ગીતાંજલી બોલી.

“સોરી યાર... હવે બંધ કરી દઇશ વાત.”

“મને કેમ સોરી કે’ છે? તારી પત્નીને કે’ આવું કરવા બદલ... ઊભો રે, બોલાવું એને.” ગીતાંજલી બોલી.

“સાંભળ ગીત, એને ના બોલાય યાર..” રોનાલ્ડે કહ્યું.

“ગીત છોડ હવે, એ એનો પ્રશ્ન છે, ક્યાં તું બધુ...” વૃશ્વિક બોલ્યો.

“તું ચૂપ રે’! જે ખોટું છે, એ ખોટું છે. હું આજે કહીને જ રહીશ. જોઈએ તમારા બંનેમાંથી કોણ સાચું બોલે છે.” તેણે કહ્યું. વૃશ્વિક પાછો પડ્યો.

“યાર ગીત, એને ના કહીશ. પ્લીઝ અત્યારે રે’વા દે, હું એને પછી કહીશ. આજે મારો બર્થડે છે, પ્લીઝ ખોટા તાઈફા ના કર!”

“ના હું એને કહીને જ રહીશ.”

“અરે, હું એને કાલે કહી દઇશ. પાકું! અત્યારે ના કહીશ પાર્ટી ચાલે છે યાર, કઈક તો સમજ...” રોનાલ્ડ તેને આજીજી કરવા લાગ્યો.

“ઓકે... કાલે કહી દઇશને તું એને?”

“હા, આઈ પ્રોમિશ!” તે બોલ્યો. ગીતાંજલી વિચારમાં પડી. વૃશ્વિક-રોનાલ્ડ તેને જોઈ રહ્યા. તે બોલી:

“ના, આજે આ વાતનો ફેસલો થઈ જશે. લ્યુસી! આમ આવ.” રોનાલ્ડની પત્ની આવી: “અરે, તમે લોકો અહીં શું કરો છો? બધા ત્યાં રાહ જુવે છે.”

“લ્યુસી, રોનાલ્ડને કશિક વાત કરવી છે તને, બોલ હવે.” તેણે કહ્યું.

 

                              રોનાલ્ડ મીંઢો બની ગ્યો. લ્યુસી, વૃશ્વિક-ગીતાંજલી તેની સામે જોઈ રહ્યા. ભંવર આશાભરી નજરે તેને જોઈ રહ્યો હતો. રોનાલ્ડ વિચારી રહ્યો હતો આ કેવું સંકટ? પત્ની સામે અન્યનું પાપ પોતાના માથે ચઢાવું? મિત્રતા ખાતર તેણે ભંવરનો સાથ આપવાનો નિર્ણય કર્યો. જો અહીંથી તે સાચું બોલ્યો હોત તો કદાચ, ગીતાંજલી આજે જીવતી હોત.

“મારુ એક યુવતી જોડે ઓફિસમાં અફેર ચાલે છે, તને શક ન પડે એ માટે હું ભંવરના ફોનમાંથી વાત કરતો હતો.”

“તને કોઈ જાતની શરમ આવે છે? તારા કારણે મારા ઘરમાં ઝઘડા થાય છે.” ગીતાંજલી બોલી. લ્યુસી તેને જોઈ રહી.

“સોરી...” નતમસ્તક રાખી તે બોલ્યો. તિરસ્કાર સાથે ગીતાંજલી તેને જોઈ રહી. થોડી પળ શાંતિ છવાઈ ગઈ.

“તારે કઈ નથી કહેવું?” ગીતાંજલીએ લ્યુસીને પૂછ્યું.

“કહીશ હું એને ગીતાંજલી... કહીશ હું. પણ અત્યારે નય, આ મારી અને એની વચ્ચેની વાત છે. હું એની સાથે અંગત રીતે વાત કરી લઇશ.” તે બોલી. બધા અવાક બની તેને જોઈ રહ્યા. લ્યુસીએ કહ્યું: “ચાલો હવે બધા. કેક કાપવાની છે હજુ તો, પછી ગુડુનો ડાન્સ છે અને હાઉસી પણ રમવાની છે. ચાલો...!” લ્યુસીએ કહ્યું અને જાણે કઈ થયું જ ન હોય એમ સૌને પાર્ટીમાં ખેંચી ગઈ.

 

                              એ દિવસે રોનાલ્ડે વૃશ્વિકને બચાવી લીધો. ભંવરને નિરાત થઈ પરંતુ વાત અહીંથી અટકી ન હતી. તેનું એ રાત અચાનક ૨ વાગે તૈયાર થઈ બ્હાર જવું. આ બાબત શંકા ઉપજાવતી હતી. રોનાલ્ડની કબૂલાતથી બધુ સાર્થક ન હતું થઈ જતું. ગીતાંજલી મૌન રહી પણ વિચારણા ચાલુ રાખી. તેના અને વૃશ્વિકના સંબંધના સેતુમાં તિરાડ પડી ગઈ હતી. ગમે એટલા આવરણ એના પર ઢાંકો તે તિરાડ ભરાવાની ન હતી. જે તૂટી ગયું છે, એ તૂટી ગયું. એને સાંધીને જીવનમાં આગળ વધવામાં હંમેશા અછત વર્તાય છે.

                              આકાશમાં ઊડતો પતંગ ત્યાં સુધી જ સ્થિર ઊડ્યાં કરે છે, જ્યાં સુધી વચ્ચે કોઈ અવરોધ નથી હોતો. દોરી તૂટતાં પતંગ પણ છૂટો થઈ જાય છે. એ જ દોરીને ગાંઠ બાંધી ફરી ઉડાડવામાં આવે તો તેમાં આંચકાનો અનુભવ થયા કરે છે. પતંગ-દોરી પરસ્પરની સ્થિરતા ગુમાવી બેસે છે. દોરી રૂમઝૂમિયા કરે છે. પતંગ હવામાં ઊંચે ઉડશે ખરો, દોરી સાથ આપશે પણ ખરી પરંતુ તેમની વચ્ચેનો સાંધો યાદ કરાવ્યા કરશે, સંબંધ હવે પહેલા જેવો નથી રહ્યો.

 

                              ગીતાંજલી-વૃશ્વિકના સંબંધમાં એ સાંધો પડી ગયો હતો. વૃશ્વિક તેની દેખભાળ રાખતો, તેની સાથે પ્રેમથી વર્તતો, સાથે ટીવી જોતાં, સાથે જમવાનું બનાવતા, જોડે જમતા, તે સમયસર દવા આપતો, કાળજી લેતો પણ આ સંબંધમાં એક ગાંઠ લાગી ગઈ હતી. ગીતાંજલી ભલે એ વાત શરૂ ન કરતી પણ એ વાતથી તે ઊભરી ન હતી. મનમાં તે બાબતનો સંતાપ ખૂંચતો. અનિન્દ્રાના રોગે તેની શારીરિક ક્ષમતા ક્ષીણ કરી નાખી, તેના ગાલ અંદર જતાં રહ્યા, હોઠ શુષ્ક થઈ ગયા, આંખો આસપાસ કાળા કુંડાળાં થઈ ગયા. ચિંતાના ભારે તેનું માનસિક સ્વાસ્થ્ય ખોરવી નાખ્યુ હતું.

 

                              સવારે સૂરજની પહેલી કિરણ તેના મુખને સ્પર્શે એ પહેલા જ તેના નિન્દ્રાહીન નયનો બારી બ્હાર તાકી રહેતા. સૂર્યના કિરણો ચહેરા પર આકરા લાગતા. જરા પણ ઘોંઘાટ કાન ચીરી નાખતા હોય એમ લાગતો. કોઇની સાથે વધુ વાત કરવું તે ટાળતી. બસ નિરંતર સૂનમૂન બેસી રહેતી, પોતાની આસપાસ દ્રશ્યો બદલાતા જોયા કરતી અને કક્ષમાં પડેલી વસ્તુઓ જેમ નિર્જીવ બેસી રહેતી.

 

                              તેને આ સ્થિતિમાં જોઈને કદાચ વૃશ્વિકનું તેના પ્રત્યે આકર્ષણ ઉતરી ગયું હતું. તેણે એના એ વ્યક્તિત્વને પ્રેમ કર્યો હતો, જે જીવંત હતું, જે થોડું હિલચાલ કરતું, તેને સામે પ્રતિક્રિયા આપતું, તેને પ્રેમ કરતું. તેની સાથે મસ્તી તોફાન કરતું. હવે તો તે એક મડદું બની જીવી રહી હતી. તેની પાસે જાવ તો લાગે સમય ખરેખર બહુ ધીમો છે. આ બાબતે તેમની વચ્ચે અંતર વધારી દીધું.

 

*

 

(૧૯/૦૨/૨૦૨૦ની રાત, સમય: ૧૧:૦૭)

 

                              તૃપ્તિ તેનું કમ્પ્યુટર લોક કરી બ્હાર નીકળી. આરવે જોયું. ભંવરના વિરામનો સમય થઈ ગયો હતો. તે ક્યાંય દેખાયો નહીં. રોનાલ્ડની વાત ચકાસવાનો સમય આવી ગયો. શું ખરેખર તૃપ્તિ-ભંવર વચ્ચે કઈક હતું? તે વિચારવા લાગ્યો. છેલ્લી હરોળે નેલ્સન બેઠો હતો. તે કમ્પ્યુટરમાં કામ કરી રહ્યો હતો. ‘લાવ પટેલને એકવાર પૂછી લેવા દે.’ આરવ બબડ્યો. તેણે લેંડલાઇનથી કોલ લગાવ્યો:

“બોલ.” નેલ્સને કહ્યું.

“૧૧:૧૦ થઈ છે.”

“થેન્ક યુ જણાવા માટે. આવી રીતે દર કલાકે કોલ કરતો રહેજે, જેથી મને સમયનો ખ્યાલ રહે, ક્યાંક વધારે કલાક કામ ના કરી નાખું!” નેલ્સન કટાક્ષમાં બોલ્યો.

“બે પટેલ, ટાઈમ કે’વા ફોન નથી કર્યો. રોનાલ્ડ ન’તો કે’તો અગિયાર વાગે ભંવર બ્રેક પર જાય છે. તો જો એ ગયો...”

“હા ખ્યાલ છે મને.”

“તૃપ્તિ પણ દેખાતી નથી,”

“જો આરવ, અમે નજરે જોયું હતું. તને વિશ્વાસ ન’તો...”

“અરે પણ ઓફિસમાં પણ એ લોકો?”

“હાસ્તો, તું નવો નિશાળિયો છું, લોકો તો બસ સ્ટેન્ડના બાકડે મંડી પડે છે, આ નવો જમાનો છે ભાઈ...”

“તો હું જોતો આવું?”

“હા જોઈ આવ... તારી ચાહત પૂરી કરી લે.” નેલ્સને કહ્યું.

 

                              આરવ કમ્પ્યુટર લોક કરી ઊભો થયો. રોનાલ્ડ કાચની દીવાલ પાસેના કમ્પ્યુટર સામે બેઠો હતો. તેણે સામે જોયું, સ્મિત કર્યું અને પછી બંને હાથની પ્રથમ આંગળી ઊંચી કરી. તે હસ્યો. આરવ સમજી ગયો. તે લિફ્ટ પાસે ગયો. રિસેપ્શન પર યોગિતા બેઠી હતી, તે આરવને ટગરટગર જોઈ રહી હતી. લિફ્ટમાં પ્રવેશી ૧૧અંકનું બટન દબાવ્યું. પાંચ ક્ષણમાં તે ૧૧માં માળે પહોંચી ગયો. ૧૧માં માળે કોઈ કર્મચારીઓ ન હતા. આ માળ પર ફક્ત આઇ.બી. માટે કામ થતું. દિવસપાળીમાં કર્મચારીઓ આવતા. સાંજે ઓફિસ ખાલી થઈ જતી. વૃશ્વિક આ બાબતનો ગેરલાભ લઈ રહ્યો હતો.

 

                              તે-તૃપ્તિ કોન્ફરન્સરૂમમાં એકબીજાને ચુંબન કરી રહ્યા હતા. કોન્ફરન્સરૂમ સાઉન્ડપ્રૂફ હતો. અંદર ગમે એટલો મોટો અવાજ થાય બ્હાર કઈ સંભળાતું નહીં. આરવે દરવાજો ખોલ્યો, ટેબલ પર ઊંધી ફરીને બેસેલી તૃપ્તિ દેખાઈ. ચોંકી ગયેલો વૃશ્વિક ભંવર દેખાયો. તૃપ્તિ પાછળ ફરી.

“સોરી સર, મને લાગ્યું કોન્ફરન્સ રૂમ ખાલી હશે. ટિમ મિટિંગ કરવી હતી. કઈ વાંધો નહીં. નો પ્રોબલમ!” કહેતા તેણે દરવાજો વાંસ્યો.

 

                              આઘાત-આશ્ચર્યથી ભારોભાર વિસ્મય પામેલા આરવને નજરે વિશ્વાસ ન હતો આવતો તેણે જે શંકા કરી, તે સાચી નીવડી હતી. નીચે જઈ સૌને જણાવીશ ગીતાંજલીએ કેમ આત્મહત્યા કરી, તેનું કારણ આપશે. લિફ્ટથી ૮માં માળે આવ્યો. યોગિતા પગથિયાં બાજુની પરસાળે સંતાઈને ઊભી હતી, તેણે આરવને પાસે બોલાવ્યો.

“હાઇ, આરવ...”

“યોગી... હું એક ગજબની વાત જાણીને આવ્યો છું, તું જાણીશ તો તારા હોશ...” કહેતા આરવ એ તરફ આવ્યો.

“શસસસસ...! પહેલા મારી અગત્યની વાત.” કહેતા તેણે આરવના હોઠ પર હોઠ મૂકી દીધા. તેણે આરવને ગાઢ ચુંબન કર્યું. આરવ સાથે એક પછી એક હ્રદય થડકાવનારા કિસ્સા બની રહ્યા હતા. હજુ એક એવો મુખ્ય કિસ્સો બાકી હતો. તે પૂછવા માંગતો હતો, યોગિતા આ શું કરી રહી હતી? પણ તેની જીભ એની જીભને સ્પર્શી રહી હતી. તે બધુ ભૂલી ગયો. ફક્ત એ ક્ષણમાં ધ્યાનમગ્ન થયો. તેણે યોગિતાને પાછળથી પકડી અને ચુંબનરસ પૂરો કર્યો. થોડી પળો બાદ તે એનાથી અળગી થઈ, આરવને ગળે લગાવ્યો અને તેના કાનમાં બોલી:

“Meet me at the left side’s pantryhouse, ASAP!” આટલું કહી તેણે એના કાન પર હળવું બટકું ભર્યું.

“But what if someone come?” તેણે પૂછ્યું.

“You know better than me... I’m waiting there for you…” કહી યોગિતા ઓફિસમાં પ્રવેશી. રિસેપ્શન ટેબલ પરથી તેણીએ પાણીની બોટલ લીધી, પછી ડાબી તરફ વળી. જતાં-જતાં પાછળ જોયું. આરવ પ્રવેશદ્વારે ઊભો હતો. યોગીતાના એ ગાઢ ચુંબનથી આરવ પ્રફુલ્લિત થઈ ગયો. એક ક્ષણ માટે ભૂલી ગયો તેને કઈક વાત જણાવાની હતી.

 

                              ડાબી તરફ પેન્ટ્રીની રચના જમણી તરફ જેવી જ હતી. બસ, રચના ડાબી તરફ હતી. ટેબલ પર બોટલ મૂકી તે વોશરૂમ ગઈ. ઓફિસમાં આર.ઓ. મશીન અને વોશરૂમ જ એવી જગ્યા હતી. જ્યાં સી.સી.ટી.વી.ની નજર ન હતી પહોંચતી. અંદર જઈ યોગિતાએ વાળ ખોલી નાખ્યા, આંખ આગળ કાજળ ફેલાવી દીધું, અવ્યવસ્થિત લિપસ્ટિક કરી, હોઠની સહેજ બ્હાર દેખાય એમ. બ્હાર આવી બોટલ લીધી. પાણી ભરવા આર.ઓ. મશીન તરફ ગઈ. આરવ આવ્યો, યોગિતાએ તેની પાસે આવવા કહ્યું. આરવ સી.સી.ટી.વી.માં અંદર જતો દેખાયો.

 

                              યોગિતાની પાસે જઈ એના હોઠ ચૂમવા ગયો, યોગિતાએ તેને ગળે લગાવ્યો, આરવ તેના ગળાનું રસપાન લાગ્યો, યોગિતાએ તેના માથાના વાળ ખેંચ્યા, હાથ વડે વાળ અસ્તવ્યસ્ત કરી નાખ્યા. ચુંબનમાં ગળાડૂબ બનેલા આરવ હજુ કશાથી સભાન ન હતો. યોગિતાએ જેમ-તેમ તેનો શર્ટ ખોલ્યો. થોડી સિલાઈ ફાડી, આરવના પેન્ટનો પટ્ટો ખોલ્યો, ઝિપ ખોલી. ઉત્સાહી આરવ મોઢા ફાડ સ્મિત કરવા લાગ્યો, યોગિતાના હોઠ ચૂમવા તેણે મો આગળ કર્યું. તેણે આરવનો કોલર ઝાલી કચરાપેટી બાજુ ધક્કો માર્યો. પાણીની બોટલને હાથ લાગતાં બોટલ નીચે પડી, આરવ નીચે પડ્યો. તેણીએ દુપટ્ટો નીચે ફેંક્યો, જમીન પર પાણી ઢોળાયું. એના પર દુપટ્ટો પડ્યો. યોગિતા ગભરાતી, ચીસ પાડતી બ્હાર આવી: “બચાવો... બચાવો...! સર આરવસર! પ્લીઝ રહેવા દો, મને છોડી દો!” ભયાવહ રીતે ટેબલ પાસે આવી રડતાં-રડતાં તે બોલી.

“વોટ? તું શું કરે છે યોગી?” આરવ ઊભો થઈ બ્હાર આવ્યો. યોગિતા પાછળ ગઈ:

“નઈ...! મને જવા દો સર! પ્લીઝ!” કહેતા તે ઓફિસ તરફ દોડી.

“અરે શું થયું કેમ આમ કરે છે?” આરવ બોલ્યો. તેનું મગજ ચકરાવે ચઢ્યું. મનમાં ડર પ્રસરવા લાગ્યો. તે યોગિતાની પાછળ દોડ્યો. તે ભૂલી ગયો હતો, તેનો વેશ શું હતો. વાળ અવ્યવસ્થિત હતા, શર્ટ ખુલ્લો હતો, ઇન નીકળી ગયું હતું, પેન્ટનો પટ્ટો-ઝિપ ખુલ્લી હતી.

 

                              બ્હાર આવી પુરુષ સુરક્ષાકર્મીને યોગિતાએ વાત જણાવી. તેણે અંદર રોનાલ્ડને કોલ કર્યો. સુરક્ષાકર્મીની વાત સાંભળી રોનાલ્ડ ચોંકી ગયો, તે ઊભો થઈ ગયો. ફોન મૂકી તે બ્હાર જવા દોડ્યો, તેને એમ ભાગતા જોઈ નેલ્સન પણ દોડ્યો. સૌ વિચારમાં પડ્યા આ લોકો કેમ ભાગી રહ્યા છે? ઝારા પણ તેમની પાછળ પાછળ ગઈ. અન્ય ચાર-પાંચ કર્મચારીઓ પણ પાછળ દોડ્યા.

 

                              બ્હાર પુરુષ સુરક્ષાકર્મીની આડસે યોગિતા ગભરાતી ઊભી હતી. સુરક્ષાકર્મી આરવ સામે બંદૂક તાકી ઊભો રહ્યો. અંદરથી આવેલા સૌ આ દ્રશ્ય જોઈ રહ્યા. લોકરરૂમમાંથી તૃપ્તિ આવી. આ જોઈ તે છક થઈ ગઈ.

“રિયલી? આ બધુ કરવાની જરૂર છે?” આરવ બોલ્યો.

“સર હું તમને વિનંતી કરું છું તમારી પાસે જે કોઈ હથિયાર હોય એ મને સોંપી દો.” સુરક્ષાકર્મીએ કહ્યું.

“આ બધુ શું ચાલી રહ્યું છે?” રોનાલ્ડ બોલ્યો.

“સર, આરવસરએ યોગિતા સાથે મિસબિહેવ કર્યું છે. મારે મજબૂરીથી તેમની પાસેથી હથિયાર જપ્ત કરવું પડશે. આરવ સર, પ્લીઝ મને તમારું હથિયાર આપો.” બંદૂક તાકી રાખી સુરક્ષાકર્મી બોલ્યો.

“રોનાલ્ડ, તું સમજાવને આને!” આરવ બોલ્યો.

“આપડે કરીએ કઈક. અત્યારે એ કે’ છે એમ કર...” તે બોલ્યો.

 

                              આરવ ઝપકી ગયો. શુંનું શું થઈ ગયું? ચૂપચાપ તેણે બંદૂક સુરક્ષાકર્મી તરફ લસરાવી. પશ્ચાદભૂમિમાં બે જણ ગુસપુસ કરવા લાગ્યા. રોનાલ્ડ બોલ્યો: “યોગિતા, are you all right? કોઇની જોડે પાણી છે? આને પાણી આપો.” યોગિતા નીચે જોઈ રહી. અન્ય કર્મચારીઓ ઊભા ઊભા નિહાળી રહ્યા હતા:

“ભાઈ કઈ કામ નથી કે શું કોઈને? ચાલો કામે વળગો. અહીં પિક્ચર નથી ચાલતી. ઝારા, આને વોશરૂમ લઈ જા, જા યોગીતા હાથ મો ધોઈ લે. કઈ નથી થયું હો રિલેક્સ!” રોનાલ્ડ બોલ્યો. ટોળું વેરાવા લાગ્યું, પછી તેણે ઉમેર્યું: “તું, આરવ ચલ મારી સાથે.” કહેતા બંને પેન્ટ્રી તરફ ગયા. આર.ઓ. પાસે પાણી ઢોળાયું હતું, યોગિતાના ગણવેશનો દુપટ્ટો થોડો પલળ્યો હતો. કચરાપેટીનું ડબ્બુ અને પાણીની બોટલ આડી પડી’તી, આરવે સંપૂર્ણ વાત જણાવી કેવી રીતે શું થયું હતું. રોનાલ્ડ સમજી ગયો. અહીં શું ખેલ રમાયો હતો. તે બોલ્યો:

“પહેલા વોશરૂમ જા, વાળ સરખા કર, શર્ટ વ્યવસ્થિત કર.” આરવ અંદર ગયો. બાદ બંને પાછા આવ્યા. રિસેપ્શન પાસે આવી તેણે આરવને કહ્યું:

‘M.R.-1 માં જા. હું આવું છું.”

“ઠીક છે.” આરવ અંદર ગયો. પુરુષ સુરક્ષાકર્મી તેની જગ્યાએ બેઠો હતો. રોનાલ્ડ પાસે આવ્યો: “મને એની ગન આપ.”

“જી સર.” કહેતા તેણે આરવની બંદૂક પરત કરી.

 

                              ઓફિસમાં વાત ફેલાઈ ગઈ. લોકો ટોળાં વળી ચર્ચા કરવા લાગ્યા. રોનાલ્ડ એમ.આર. એકમાં ગયો. અધિરો બનેલો આરવ આંટા મારી રહ્યો હતો. રોનાલ્ડ આવ્યો એટલે તે બોલ્યો:

“રોનાલ્ડ, એ છોકરી યાર નાટક કરે છે, એણે મને બોલાવ્યો હતો, એણે મને કિસ કરી, એણે મને ભરાવ્યો છે...”

“તું ૧૧માં માળે ભંવરને જોવા ગયો હતો ને? તો યોગિતા જોડે પેન્ટ્રીમાં કેમનો પહોંચી ગયો?” રોનાલ્ડે પૂછ્યું.

“હું ઉપર જઈને નીચે આવ્યો, ત્યારે એ બ્હાર ઊભી હતી.”

“ઓકે, ભંવરને ખબર પડી ગઈ તું એને જોવા આવ્યો છું?”

“હા, મેં જ દરવાજો ખોલ્યો હતો કોન્ફરન્સરૂમનો. તે બંને અંદર લાગેલા હતા.”

“શું? ભંવરે તને જોયો?”

“હા.”

“બે સાલા ઘોંચું! ગાંડો થઈ ગયો છે તું? ડફોળ! ભંવરને થોડી ખબર પડવા દેવાની હોય...!” રોનાલ્ડ બોલ્યો.

“બે તારા જેવો ડફોળ મેં આઇ.બી.માં નથી જોયો, યોગિતા ભંવર જોડે ચાલુ છે!”

“હેં? શું વાત કરે???”

“હા... એ બંનેને ઘણા સમયથી અફેર ચાલે છે. તું ભંવરનું લફરૂ બ્હાર પાડી એની આબરૂ કાઢે એ પહેલા એણે તારા કપડાં ઉતારી નાખ્યા. હવે, તારી નોકરી ખતરામાં આવી ગઈ. તું તો ગયો બોસ!” રોનાલ્ડ બોલ્યો.

“શું વાત કરે છે યાર! તો હવે?”

“હવે કઈ નહીં. ચૂપચાપ બધુ સાંભળી લેજે... યસ સર! સોરી સર! કહેજે. કોઈ સામી દલીલ ના કરતો.” તેણે કહ્યું.

“પણ યાર, મેં કઈ કર્યું જ નથી.”

“હા પણ આ ખેલ અહીં નહીં અટકે, જો તું સામો થયો તો નોકરી છોડવી પડશે તારે.” રોનાલ્ડે જણાવ્યુ. આરવ વિચારમાં પડ્યો.

 

                              થોડીવાર બાદ યોગિતાને બોલાવી, તે અંદર આવી: “બેસ.” રોનાલ્ડે કહ્યું. આરવની સામે ટેબલના બીજા છેડે યોગિતા ખુરશીમાં બેસી. તે નીચે જોઈ રહી. એકી ટસે ગુસ્સાથી આરવ તેને જોઈ રહ્યો હતો. રોનાલ્ડ લેંડલાનથી કોલ ડાયલ કરી, લાઉડસ્પીકર ચાલુ કર્યું. સામે છેડે ફોન ઉપડ્યો.

“Hi, આપડી સાથે અત્યારે આરવ અને યોગિતા છે. યોગિતા આરવ પર ગંભીર આરોપ મૂકી રહી છે. તમે એની વાત સાંભળો... યોગીતા શું થયું હતું?” રોનાલ્ડે કહ્યું. યોગીતાએ કહેવાનું શરૂ કર્યું:

“સર, હું પાણી ભરવા પેન્ટ્રી તરફ ગઈ’તી. આરવસર પાછળથી આવ્યા, અને... મને ટચ કરવા લાગ્યા. મેં ના પડી તો પણ મારી સાથે મિસબિહેવ કર્યું.”

“જુઠ! ખોટું બોલે છે આ!” આરવ બોલ્યો.

“તો તું કે’ શું થયું હતું?” રોનાલ્ડે પૂછ્યું.

“હું લિફ્ટમાંથી આવ્યો, આ લોબીમાં દીવાલ પાછળ ઊભી હતી. મને ત્યાં બોલાવી કિસ કરી. પછી મને પેન્ટ્રી તરફ આવવા કહ્યું. એમ કીધું કે ત્યાં કોઈ નથી આવતું તો એ બાજુ આવ. તો હું એ બાજુ ગયો, એની મરજીથી બધુ થયું હતું, પછી અચાનક એણે મને ધક્કો...”

“આરવ, આરવ, આરવ... આ બધુ કરવાનું હોય ઓફિસમાં?” ફોનમાંથી અવાજ આવ્યો. આરવ મૂંગો થઈ ગયો. તેની પાસે કઈ જવાબ ન હતો.

“તું જેમ કે’ છે એણે પહેલા તને કિસ કરી પછી તને પેન્ટ્રીમાં બોલાવ્યો અને એણે તને ધક્કો માર્યો... કોઈને માનવમાં આવે ખરી આવી વાત?” ફોનમાંથી અવાજ આવ્યો. તે ભંવર વાત કરી રહ્યો હતો.

“સર, સર હું સાચું કહું છું, બિલિવ મી!” આરવે કહ્યું.

“આરવ સાંભળ, જેમ તું કહી રહ્યો છે, એણે તને કિસ કરી લિફ્ટ પાસે.. બરાબર? તો લિફ્ટથી સીડીઓ નજીક ના પડે? એ રસ્તે તો કોઈ નથી આવતું જતું, તો માણસ ત્યાં બોલાવે કે પેન્ટ્રીમાં બોલાવે? જ્યાં કોઈકની આવવા-જવાની શક્યતા રહી હોય? તું જ વિચાર...” ભંવરે કહ્યું. આરવ ચૂપ રહ્યો.

“તું સમજે છે આરવ, તારું લોજિક બંધ નથી બેસતું...”

“સર, હું સાચું કહું છું.” આરવ બોલ્યો.

“આરવ તું થોડીવાર બ્હાર જઈશ, મારે રોનાલ્ડ-યોગિતા સાથે વાત કરવી છે.”

“ઓકે સર.” આરવ બ્હાર નીકળ્યો. ઓફિસનો સમગ્ર સ્ટાફ તેને જોઈ રહ્યો હતો. સૌ આરવ પાસે આવ્યા અને પૂછ્યું શું થયું? આરવે કહેવાનું શરૂ કર્યું:

“કદાચ, છેલ્લી વાર આ ઓફિસમાં તમારી સામે હું ઊભો હઈશ...” તૃપ્તિ પણ સાંભળી રહી હતી. તે બધુ ભંવરને કહી દેવાની હતી પણ આરવને હવે કઈ ફર્ક ન હતો પડતો. તેણે બોલવાનું ચાલુ રાખ્યું:

“તમે સત્ય શોધવાનો પ્રયત્ન કરશો તો લોકો તમને નીચે પાડવાનો, તમને દબાવાનો પ્રયત્ન કરશે. આ ઓફિસમાં તમારી આસપાસ બેસવાવાળા ઘણા સાપ છે. ગમે ત્યારે તમારા દુશ્મન બની શકે છે. જે લોકો મને જાણે છે, એમને ખ્યાલ હશે જ કે હું કોઈ સાથે મિસબીહેવ ના કરું… અત્યારે બોલી લેવા દો જેને જે બોલવું હોય એ પણ સત્ય બ્હાર આવીને રહેશે.” કહી તે બ્હાર નીકળ્યો.

 

                              તે લોકરરૂમમાં ગયો. ભંવર નીચે આવ્યો. તે આરવને મિટિંગ રૂમ ૨માં લઈ ગયો. આરવ જાણતો હોવા છતાં, ભંવરની વાત કોઈને જણાવી શકે એમ ન હતો. ભંવરે કહેવાનું શરૂ કર્યું:

“યોગિતા કમિટી બેસાડવાની વાત કરે છે.”

“તો કોઈ વાંધો નહીં. બેસાડો. બધાને ખબર પડશે હકીકત શું છે.”

“ભાઈ થોડું મગજથી વિચાર, કમિટી બેસે એટલે સીધો ફેસલો જ હોય કાં તો તને નોકરીમાં રાખશે કાં તો કાઢી મૂકશે. ‘ને તારા કેસમાં તને કાઢી મૂકવાના ચાંસ વધારે છે. કારણ તે પહેલા જ એકસેપ્ટ કર્યું કે તે એને લિફ્ટ પાસે કિસ કરી. આ વાત કોલમાં રેકોર્ડ થઈ ગઈ. ઓફિસમાં આવી હરકત કરવા બદલ આ તારો પહેલો જ વાંક બની જશે. બીજું એ ભાગતી આવી, એનો દુપટ્ટો પેન્ટ્રીમાં હતો. જમીન પર પાણીની બોટલ. આ દ્રશ્ય જોઈ કોઈને વિશ્વાસ નહીં આવે કે એણે તને ફસાવા નાટક કર્યું હોય.” ભંવરે કહ્યું.

“સર, એ સાલી જુઠ્ઠી છે. તમે મને જાણો છો શું હું એવું કરું?

“હવે મારા જાણવા, સમજવાથી કઈ નથી થવાનું. કમિટી નિર્ણય લે એ આખરી...”

“ઠીક છે, તો વાંધો નહીં. બેસાડી દો કમિટી. લાંછન સ્વીકાર્ય કરતાં સત્ય બોલવું હું વધુ પસંદ કરીશ.”

“બે મગજથી વિચાર, આજ સુધી કોઈ છોકરીના આક્ષેપથી બચ્યું છે આ દેશમાં? જો અદાલત પણ છોકરીના સ્ટેટમેન્ટ પર જજમેન્ટ આપતી હોય તો અહીં તારી વાત કોણ માનશે?”

“અહીં બધા મને ઓળખે છે, આવો આરોપ હું નહીં સ્વીકારું. લોકો સમજી જશે કોણ સાચું છે...”

“કોઈ ઘંટોય નથી સમજવાનું! પેલીના એક સ્ટેટમેન્ટ પર તારી જિંદગી ખરાબ થઈ જશે. લકોટા! નોકરીથી છૂટો થઈ જઈશ! બોવ સાહુકારની પૂછડી ના થઈશ!” ભંવર ગિન્નાયો: “થોડું મગજથી વિચાર.” તે ક્યારનો સમજાવા માંગતો હતો પણ આરવ વાત ન હતો માની રહ્યો.

“ભંવર, સચ્ચાઈ સામે આવીને જ રહેશે.”

“કેવી સચ્ચાઈ? તને તારી નોકરી વ્હાલી નથી?” ભંવરે પૂછ્યું.

“તારી અને યોગિતા વચ્ચે જે છે એ હું જાણું છું.”

“શું છે?”

“જે છે એ...”

“અચ્છા, ચલ માની લઈએ તું જેમ કે’ છે એમ મારી અને એની વચ્ચે કઈક છે તો એનાથી તું નિર્દોષ સાબિત થઈ જઈશ? પેલી બોલી રહી છે, એ બધુ ખોટું સાબિત થઈ જશે?” ભંવરે પૂછ્યું. આરવ મૌન થઈ ગયો.

“આરવ, હું તને જાણતો હતો, મને લાગ્યું આપડે મિત્રો જેવા છીએ, હું ભાઇચારાની રીતે તને સમજવા આવ્યો. તું જો કોંપરો કરવા રાજી હોય તો અહીંથી જ વાત પતાવી દઈએ. બાકી, ઉપર સુધી વાત જશે તો તારું જ નુકશાન છે. ‘ને તું પાછો મારા પર આરોપ નાખે છે. જો તને એમ લાગતું હોય તું બોવ સ્માર્ટ છો અને તું બધાને તારી રીતથી પહોંચી વળીશ, તો ઠીક છે હું ચૂપ થઈ જાવ છું. તું તારી રીતે લડી લે...” ભંવરે જણાવ્યુ.

“જોવો, હું સાચો છું અને હું કોઈ તમારા પર આરોપ નથી લગાવતો પણ હું કોઈ રીતે કોંપરો નહીં કરું કે ના હું કોઇની માફી માંગીશ. એ જે કહે એ ખોટું છે, મને સ્વીકાર્ય નથી.” આરવ બોલ્યો.

“તો ભાઈ, તને ઠીક લાગે એમ કર, કાલે ઓફિસ ના આવતો. તારું કાર્ડ ડિસેબલ કરાવડાવી દઉં છું. સવારમાં કોલ કરી કમિટીને વાત કરી લઇશ.”

“તમને ગમે એમ...” આરવ બોલ્યો.

 

                              ભંવર રોષે ભરાયો હતો. તે કક્ષની બ્હાર નીકળ્યો. એમ.આર. ૧માં રોનાલ્ડને મળ્યો. બધી વાત કરી. આરવનું આ વલણ રોનાલ્ડને પણ ના ગમ્યું. તે એની પાસે ગયો. તે આવ્યો એટલે આરવ ઊભો થઈ ગયો.

“યાર રોનાલ્ડ, ભંવર મને ખોટી રીતે ફસાવાનો પ્રયત્ન કરે છે. મને કે’ છે, સોરી કહીને કોંપરો કર!”

“મેં તને શું કીધું હતું? યસ સર અને સોરી સર કહી વાત પતાવજે. ‘ને તું એની આગળ દોઢડહાપણ કરે છે, એના પર અક્યુઝેશન કરે છે કે એની અને યોગિતા વચ્ચે કઈક છે? મેં તારી જાણ માટે એ વાત કરી હતી, એની જોડે બબાલ કરવા નહીં. કઈ મગજ-બગજ ચાલે છે કે નહીં? તારા માટે મારે એને કેટલો મનાવો પડ્યો તને ખબર છે?

 

                              સાલા મગજ વગરના! એ તો કે’ય છે કમિટીને બોલાવી વાત પૂરી કરો. આપડે શું કામ એમાં પડવું જોઈએ? કમિટી આવશે તો શું થશે? તને ખબર છે? સૌથી પહેલા, છોકરીનું સ્ટેટમેન્ટ લેશે, સીસીટીવીમાં ભાગતી છોકરી જોશે અને તને એક સરસ મજાનો લેટર આપી ઘરે મોકલી દેશે. કોઈ બીજી દલીલ કે વાત નહીં સાંભળે.”

“પણ રોનાલ્ડ, મારી રેપ્યુટેશનનું શું? લોકો મારા વિષે શું વિચારશે?” આરવ બોલ્યો. રોનાલ્ડે તેને ખાતરી આપી:

“અલા, અમે નથી બેઠા તારા માટે? એની ચિંતા ના કર. અત્યારે માંડ-માંડ ભંવરને રોક્યો છે, બાકી એ ચાહે તો તને હાલને હાલ નોકરી પરથી કાઢી મૂકી શકે છે, હું એની સામો થયો, તારા માટે લડ્યો. મારી ઇજ્જત રાખ. કમિટી સુધી વાત જશે તો તારું નુકશાન થશે અને આવી વાતથી આખા ગિફ્ટ સિટીનું નામ બદનામ થાય. સમજ યાર...” રોનાલ્ડે કહ્યું, તે આરવ સામે જોઈ રહ્યો. ગરદન નીચે રાખી તે ચૂપચાપ બેસી રહ્યો હતો. રોનાલ્ડ આગળ બોલ્યો:

“હું તારા માટે આટલે સુધી આવું છું, હવે તું પણ તારા તરફથી જોડે આવવાનો ટ્રાય કર. તારે ગીતાંજલીના કેસ માટે ટાઈમ જોઈતો હોય છે ને, તો મળશે તને. કોઈ નહીં રોકે હવે, એકવાર કેસ સોલ કરી નાખીશ તું એટલે પછી તારી રેપ્યુટેશન પાછી વધી જશે.” તેણે સમજાવ્યું.

“ઠીક છે પણ હું માફી નહીં માંગુ કે કોઈ માફીનામાં પર સહી નહીં કરું.” તે બોલ્યો.

“તને હું કહું એમ કરવાનું છે! બોવ ડાયો ના થઈશ! જો તને નોકરીથી પ્યાર ના હોય તો કહી દે, તો હું તારા માટે લડુ નહીં!”

“રોનાલ્ડ મારા ભાઈ, હું તને કોલેજથી ઓળખું છું, તે મારા માટે સ્ટેન્ડ લીધું, એ માટે થેન્ક યુ! પણ હું મારૂ સ્વમાન નહીં મૂકી શકું. બાકી તું કે’ એ બધુ કરીશ ઓકે? તારા માટે જાન હાજર છે!” આરવ બોલ્યો. રોનાલ્ડે નિસાસો નાખ્યો. તે દરવાજા તરફ ચાલવા લાગ્યો. જતાં પહેલા બોલ્યો: “તારા જેવો જક્કી અને જડ માણસ મેં નથી જોયો ગાંડો!”

“થેન્ક યુ મારા ભય!”

 

                              રોનાલ્ડ બ્હાર ચાલ્યો. યોગિતા અને ભંવર મિટિંગરૂમમાં બેઠા હતા. તેણે યોગિતાને બ્હાર જવા કહ્યું. તે બ્હાર ગઈ એટલે ભંવરે પૂછ્યું: “તો શું કરવાનું છે એ વાત માનશે કે નહીં?”

“એ સોરી બોલવા રેડી નથી.”

“આટલી બધી ટણી શેની છે એને? કોઈ છોકરી સાથે આવું વર્તન કરાતું હશે? બીજા પર શું ઇંપ્રેશન પડે? રોનાલ્ડ આ વસ્તુ ખોટી છે. એક સ્ક્વોડ લીડર થઈને તે આમ કરે એ ના ચાલે. જુનિયર્સ પર શું અસર પડશે?”

“હા ભાય, સમજુ છું તારી વાત. સારી રીતે જાણું છું. બંનેને અંદર બોલાવી વાત ક્લિયર કરી દઈએ. એકબીજાનું નામ ના લે હવેથી.”

“એ વસ્તુ ખોટી પડે, પેલી બચારી છોકરી ગભરાઈ ગઈ, અંદર આવી રડતી હતી. આરવે મિસબિહેવ માટે માફી માંગવી જ પડશે એની. બાકી હું એને આઇ.બી.માંથી નિકાળી દઇશ!” ભંવર બોલ્યો.

“આઇ.બી.માંથી તું નિકાળીશ? તું એફ.બી.આઇ.માં છો યાદ છે ને?” રોનાલ્ડે કહ્યું. ભંવર ચૂપ થઈ ગયો.

“તારા વિષે બધાને ખબર છે ભાય, ‘ને આ મુદ્દો દબાવામાં જ બધાની ભલાઈ છે, ‘ને કોઈ એને આઇ.બી.માંથી નહીં નિકાળી શકે. એની જોડે બ્હાર જનતા ઊભી છે. બધાય જાણે છે આરવ કેટલા પાણીમાં છે. ‘ને મૂળ વાત અહીંનો હેડ હું છું કોને ફાયર કરવા, કોને નહીં એ મારી ઓથોરીટીમાં આવે છે, હું જાણું છું વાતમાં કેટલી સચ્ચાઈ છે અને શું છે, તે લેંડલાઇનમાંથી જ કોલ કર્યો હશે. એટલામાં સમજી જા.” રોનાલ્ડે કહ્યું.

 

                              ભંવર પોચો પડ્યો, તે કઈ બોલ્યો નહીં. લેંડલાઇનથી જોડવામાં આવતા સર્વ કોલ રેકોર્ડ થતાં, જ્યારે આરવ ઉપર જોઈને ભાગ્યો હતો, ભંવરને ખ્યાલ આવી ગયો તે નીચે જઈને બધાને જણાવશે. બધાને કહેવા જાય એ પહેલા ભંવરે યોગિતાને લેન્ડલાઇનથી કોલ કરી સમજાવી, ૮માં માળે તૈયાર રાખી. રોનાલ્ડે આ તારણ કાઢી લીધું હતું.

 

                              આરવને ફસાવાથી બે વસ્તુ થાય, એક: તે કોઈને વાત કહેતા અચકાશે, અને બે: જેના પર Sexual harassmentનો આરોપ હોય એ બીજા કોઈના અવૈધ સંબંધ અંગે વાત કરે તો લોકોને તેની વાત પર વિશ્વાસ આવવાની શક્યતા ઓછી થઈ જતી હતી. આ યોજના ભંવરની હતી. તેને લાગ્યું ન હતું આરવ તેની સામો થશે. નોકરીના ડરથી પાછો પડશે એમ વિચાર્યું હતું પણ પાસા પલટાઈ ગયા. ઉપરથી રોનાલ્ડ પણ એની તરફદારી કરી રહ્યો હતો તો વધારે શાણપણ કરવું યોગ્ય ન લાગ્યું.

“તો શું કરવું છે? બોલ.” રોનાલ્ડે પૂછ્યું.

“ઠીક છે, તને એમ કરવું બરાબર લાગતું હોય, એને છોડી દેવાથી બીજી છોકરીઓ પર આવું કોઈ નહીં કરે, લેડિઝ સુરક્ષિત થઈ જતી હોય તો એમ કર પણ મારે હવે એ આદમી ૮માં માળે ના જોઈએ અને હું એફ.બી.આઇ.ના કેપ્ટનના હોદ્દાથી કહી રહ્યો છું. અમારા મિશનમાં હવે એની જરૂર નથી.” ભંવર બોલ્યો. રોનાલ્ડ તેની સામે જોઈ રહ્યો.

 

                              બંનેને અંદર પાંચેક મિનિટ થઈ ગઈ. બ્હાર ઓફિસમાં આરવ ઊભો હતો. તેની સાથે સર્વ કર્મચારીઓ ઊભા હતા. ફક્ત બે-ચાર કમ્પ્યુટર સામે બેઠા હતા. આ બાબતમાં બધા આરવ સાથે હતા. બીજા છેડે યોગિતા એકલી ઊભી હતી. થોડીવાર બાદ રોનાલ્ડ બ્હાર આવ્યો:

“યોગિતા, આરવ! કમ ઈન!” તેણે આરવની પાછળ ટોળું જોયું, તે બોલ્યો: “શું છે ભાઈ? અહીં કોઈ ફિલ્મ નથી ચાલતી. Get back to your work!”

 

                              યોગિતા એ તરફ ચાલવા લાગી. આરવ તેનાથી છેટો ચાલ્યો. રોનાલ્ડ-ભંવર આખરી નિર્ણય પર આવી ગયા હતા. એ જણાવા જ બંનેને અંદર બોલાવ્યા. રોનાલ્ડે જણાવ્યુ:

“તમે જે કઈ કર્યું, એમાં કોનો વાંક હતો, શું હતું એ અમને ખબર છે, મારે આગળથી આવી કોઈ હરકત ના જોઈએ. નહીંતર હવે પછી આવી કોઈ મિટિંગ નહીં થાય, સીધો રિસાઇનનો લેટર હાથમાં પકડાવી દઇશ. સમજાયું તમને?”

“યસ સર!” યોગિતા બોલી. રિસાઇનનું નામ સાંભળી તે ગભરાઈ ગઈ. આરવ મૌન ઊભો હતો. રોનાલ્ડે પૂછ્યું:

“તને ના સમજાયું આરવ?”

યસ સર.” નિરસભાવે તે બોલ્યો.

“ઓકે.”

 

                              ભંવર બ્હાર જતો રહ્યો. યોગિતા પણ તેની જગ્યાએ ગઈ.

“થેન્ક યુ રોનાલ્ડ, મારા ભય જો તું ના હોત તો ખરેખર હું આજે ના બચ્યો હોત થેન્ક યુ!” તે હરખાતા બોલ્યો.

“એમાં શું! પણ હવે તારે એક કામ કરવાનું છે...”

“હા બોલ... તારા માટે કઇપણ!”

“કાલથી ૧૧માં માળે તું કામ કરીશ.”

“કેમ?” તેનું મો પડી ગયું.

“તને અહીંયા ના રખાય, આટલું બધુ થયા પછી.”

“અને પેલી કુતરી યોગિતા?”

“એનું પણ હું કઈક કરવાનો છું. તું ચિંતા ના કર.”

“યાર ત્યાં હું એકલો શું કરીશ?” આરવે પૂછ્યું.

“કામ કરવાનું ભાઈ. એ માટે જ તમે ઓફિસ આવો છો.” રોનાલ્ડ બોલ્યો.

 

                              આરવ ચૂપચાપ બ્હાર ગયો. સૌ તેમની જગ્યા પર બેસી કામ કરી રહ્યા હતા. આરવને બ્હાર આવેલો જોઈ બે ઘડી તેની સામે જોઈ રહ્યા. ગંભીર સન્નાટો પ્રસરી ગયો. આરવ મધ્યમાં આવ્યો. દરેક આંખનું કેન્દ્ર તે બન્યો હતો. બંને હાથ ઊંચા કર્યા અને જીતની ખુશી જાહેર કરી સ્મિત કર્યું. સૌએ તેના માટે તાળીઓ પાડી!

 

*

 

                              ૧:૩૦ વાગે ઓફિસ પતી. આઇ.બી.ના કર્મચારીઓ ઘર તરફ પ્રયાણ કરવા લાગ્યા હતા. આજની હરકતથી યોગિતા પોતાના પર નારાજ થઈ. તે ચાલતા ઘરે જઈ રહી હતી. ગિફ્ટ સિટીથી તેનું ઘર ઝાઝું દૂર ન હતું. આજે તેણે એક સારા વ્યક્તિને ખરાબ ચીતરવા અયોગ્ય કામ કર્યું હતું. પોતાની જાતિનો દૂરઉપયોગ કર્યો. તેને અફસોસ થતો હતો. આરવ નિખાલસ માણસ હતો. એક રીતે જોવા જઈએ તો તે એને મિત્ર જેમ રાખતો હતો. તેને આરવ ગમતો હતો પણ આજે એની જ આબરૂના ધજાગરા ઉડાડવાના એણે પ્રયત્ન કર્યા હતા. એક સારા માણસ સાથે તેણે સંબંધ ખરાબ કરી નાખ્યો હતો. આ પશ્ચયાતાપ સાથે તે ઘરે જઈ રહી હતી. એને થયું આરવની માફી માંગવી જોઈએ પણ એ વસ્તુ ભંવરને ગમે એવી ન હતી. ભંવર સાથેના સંબંધમાં તે એનાથી ખૂબ જ ડરતી. ભંવર એને રાખતો પણ હતો, એના પર ખર્ચો કરતો પણ તે ગમે ત્યારે એના પર છણકા કરતો. યોગિતા દબાઈને રહેતી.

 

                              આરવને ચુંબન કર્યાનો તેને આનંદ હતો. તેણે તેની ભૂલ સુધારવાનો નિર્ણય કર્યો. વિચાર્યું હવે નોકરી છોડી દઇશ અને આરવની માફી માંગીશ, પોતાના કર્યા પર ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો હતો. આવતી કાલે જઈને સૌથી પહેલા આ ચોખવટ કરશે. ગિફ્ટ સિટીથી ગામના વળાંક તરફ આવી. અહીં અંધારું ઘણું હતું. તેણે મોબાઈલની લાઇટ ચાલુ કરી, ચાલવા લાગી.

 

                              અચાનક પાછળથી કોઈક આવ્યું તેના માથે કાળું કપડું ઢાંક્યું. યોગિતાએ તેના પર્સમાંથી બંદૂક કાઢી. આદમીએ તેના હાથ પર દોરડું વીંટયું. તે છૂટવા મથતી રહી પણ આદમીની પકડ મજબૂત હતી. બંદૂક નીચે પડી. ‘કોણ છે તું? છોડ મને? બચાવો, બચાવો!’ તે બૂમો પાડવા લાગી. આદમીએ તેનું ગળું દબાવ્યું અને કહ્યું ‘ચૂપ થા! બોવ અવાજ કર્યો છે તો જાનથી મારી નાખીશ!’ યોગિતા ચૂપ થઈ ગઈ. તેનો ફોન નીચે પડ્યો. પળવારમાં એણે યોગિતાને દોરડાથી બાંધી દીધી. તેને ખૂની અંગે વિચાર આવ્યો. આજે છઠ્ઠી રાત હતી. રોજ રાતે ખૂની કો’કને મારવા ફરતો હોય છે, આજે એનો નંબર લાગી ગયો કે શું? આ ખૂની આજે એનું ખૂન કરી નાખશે? એ વિચાર સાથે મનમાં ફફડાટ પેસી ગયો અને તે બેભાન થઈ ગઈ, તે માણસ એને ઉપાડી ચાલવા લાગ્યો.

 

*

 

(ક્રમશ:)