એક હતી કાનન... - 29 RAHUL VORA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક હતી કાનન... - 29

એક હતી કાનન... - રાહુલ વોરા
(પ્રકરણ – 29)
મનન કાનન ની માનસિક હાલત સમજી ગયો અને બધાંને બહાર લઇ ગયો.કાનન બબડી.
“મારી મુક્તિને ભોગે હું સાસરે પાછી નહીં જ ફરું.”
આખરે કાનન ઘરે પણ આવી ગઈ. આવનારાં બાળકનું સ્વાગત પણ ધૂમધામથી કરવામાં આવ્યું.એને નામ આપવામાં આવ્યું 'માનવ'.
કાનન નાં સાસુ સસરાએ માનવ ને લઈને ઘરે આવવાની વાત પણ કરી,માનવ માટે મુક્તિને સ્વીકારવાની તૈયારી પણ બતાવી પરંતુ કાનન ઉતાવળના મૂડમાં નહોતી.
કાનન પોતાનો પ્રેમ જે રીતે બન્ને બાળકો પર સરખે હિસ્સે વરસાવતી હતી તેના પરથી તપને એક મેગેઝિન માટે સ્ટોરી બનાવી.સ્ટોરી છપાઈ પણ ખરી.આ સ્ટોરી અંગે તપન અને તાપસી વાત કરવા આવ્યાં હતાં. સ્ટોરી જોઈ કાનન અને મનન ખૂબ જ ખુશ થયાં. બધાં બેઠાં હતાં ત્યાં જ કાનન બોલી.
"આપણે મીડિયા,વિવિધ સંસ્થાઓ અને લોક જાગૃતિ દ્વારા એક એવો મેસેજ વહેતો મૂકીએ કે દરેક દંપતી એક બાળકને જન્મ આપે પણ એક બાળક દત્તક લે.આનાથી એક અનાથ બાળકને માં બાપ મળશે અને એક બાળકને મળશે બીજાની કંપની."
"તું તો મહાન બનવા જ આ પૃથ્વી પર આવી છો" મનન બોલ્યો.
"કાનનબેન,તમને જ કેમ આવા વિચારો આવે છે?" તાપસી ફરી વાર અભિભૂત થઈને બોલી.
"આવું માત્ર જિંદગીના ચડાવ ઉતાર ની સાક્ષી નારી જ વિચારી શકે." તપને મનોમન વંદન કરીને પોતાનો અભિપ્રાય આપ્યો.
કાનને આ અંગે લોકોને સરળ ભાષામાં સમજાવતું વન પેજ સમરી તૈયાર કરવાનું કહ્યું.
તપન અને તાપસી ની આંખો મળી અને જાહેરાત પણ થઈ ગઈ.
"એક બાળક દત્તક નો વિચાર અમે પણ અમલમાં મૂકશું.
આ વિચારબીજ નું નામકરણ પણ થઇ ગયું”દીપક્રાન્તિ”. માત્ર કાનન નહીં "ટીમ કાનન" છવાઈ ગઈ.લોકોનો પ્રતિભાવ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક નો રહ્યો.ચારે બાજુથી આ અંગે સલાહ,માર્ગદર્શન માગવા લોકો મળવા આવવા લાગ્યા.બાલઘર માં પણ બાળકોને દત્તક આપવા અંગે પૂછપરછ વધી ગઈ.
તપને પોતાની સંસ્થામાં જ દર રવિવારે સવારે બે કલાક કાઉન્સેલીંગ સેન્ટર ચાલુ કર્યું.આ સેન્ટરમાં તપન સાથે તાપસી,મનન,ધૈર્યકાન્ત અને સરૂબેન આવતાં. પણ સેન્ટરમાં આવતાં દરેક લોકો કાનન ને જોવાની,મળવાની ઈચ્છા વ્યક્ત કરતાં એટલે કાનન પણ ક્યારેક આવવા લાગી.
માનવના આગમન પછી કાનને બેંકમાંથી નિવૃત્તિ લઇ લીધી હતી અને પૂરતું ધ્યાન બન્ને બાળકોના ઉછેર પર કેન્દ્રિત કર્યું હતું.વધારામાં બાલઘર માં જવાનું તો ચાલુ જ રાખ્યું હતું.દર અઠવાડિયે “દીપક્રાન્તિ” વિચાર કેટલો આગળ વધ્યો એના માટે ટીમ કાનનની મિટીંગ પણ મળતી.એક બાળક દત્તક પ્રોજેક્ટની ચર્ચા પણ થતી.અને આનો વ્યાપ કેમ વધારવો એની પણ ચર્ચા થતી.
આવી જ એક મીટીંગ દરમિયાન કાનને એક નવો વિચાર વહેતો કર્યો.
“આપણે ત્યાં અનાથ બાળકોની સંસ્થાઓ છે,ત્યકતા અને વિધવા સ્ત્રીઓ માટેની સંસ્થાઓ પણ છે.એવી રીતે વૃદ્ધાશ્રમો પણ છે.પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ બધાનું સંકલન ન થઇ શકે?”
“કઈ રીતે? તમારા ફળદ્રુપ મગજમાં કોઈ યોજના આકાર લઈ રહી લાગે છે.” તપને કહ્યું. હવે બધાની આંખો કાનન તરફ મંડાઈ.
“એક વૃદ્ધ દંપતિ,એક ત્યકતા કે વિધવા અને એક બાળકનું એક કૃત્રિમ કુટુંબ ઉભું કરવામાં આવે.એને સંસ્થામાં જ એક અલગ યુનિટ આપવામાં આવે.એ લોકો એક કુટુંબ તરીકે જ સાથે રહે.”કાનન શ્વાસ ખાવા અટકી.
“આના કારણે એક બાળકને માંની સાથે દાદા-દાદી કે નાના-નાની નો પ્રેમ મળે.એક સ્ત્રીને સહારો પણ મળે અને વૃદ્ધ દંપતિને પાછલી ઉમરમાં જીવવાનો એક પ્રાણવાયુ મળે.આ કુટુંબ સંપૂર્ણ રીતે કોઈની પણ મદદ ઉપર આધારિત ન રહે.એ સ્ત્રી પોતાની લાયકાત પ્રમાણે આર્થિક ઉપાર્જન પણ કરે.આવી કૃત્રિમ રીતે રચાયેલ કુટુંબની સંસ્થાને “રચિત કુટુંબ”નામ પણ આપી શકાય.” કાનને બોલવાનું હજી પૂરું કર્યું ત્યાં તો “ટીમ કાનન”નાં સભ્યોએ એને પૂરા જોશથી વધાવી લીધી.કાનને લોકોના ઉત્સાહને વચ્ચેથી જ અટકાવ્યો.
“આ યોજના કાગળ ઉપર જેટલી સારી લાગે છે એનાં કરતાં અમલમાં મૂકવી ખૂબ જ અઘરી છે.આવી જાહેરાત કરતાં પહેલાં પણ આપણે ઘણું હોમવર્ક,પેપરવર્ક કરવું પડશે.ઘણા લોકોને સામેલ પણ કરવા પડશે.”
“મન હોય તો માળવે જવાય.”તાપસીએ કાનન ની કહેવતનો જ એની સામે ઉપયોગ કર્યો.
“દીપક્રાન્તિ” પોતે જ એક આંદોલન બની ગયું.જેમ જેમ આ વિચારનો પ્રચાર શરુ થયો તેમ તેમ જુદા જુદા વર્ગના લોકો એમાં જોડાવા લાગ્યા અને પોતાની સેવાની ઓફર પણ કરવા લાગ્યા.
“રચિત કુટુંબ” ના વિચારને તો એટલો આવકાર મળ્યો કે આ પ્રવૃત્તિ માત્ર ગોંડલ પૂરતી ન રહેતાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ફેલાઈ ગઈ.
મનન નાં કુટુંબીજનો એ પણ મુક્તિ-માનવ સહીત સાથે રહેવા આગ્રહ કર્યો,પોતાની ભૂલ સ્વીકારી માફી પણ માગી અને ભાઈ બહેન પ્રત્યે કોઈ જ ભેદભાવ નહીં રખાય એવી ખાતરી પણ આપી.કાનને પણ લાગણીનો સ્વીકાર કરી સાસરે પુનરાગમન કર્યું.
(ક્રમશ:)