કાંતા ધ ક્લીનર - 14 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાંતા ધ ક્લીનર - 14

14.

એકદમ તે સફાળી ઊઠી ગઈ. ઘર બે દિવસથી સાફ થયું ન હતું એટલે ધૂળ ઊડતી હતી.

તે બાકીની રાત સૂઈ શકી નહીં. સવાર પડતાં જ તેણે ઝટપટ ઘર સાફ કર્યું, નહાઈને તૈયાર થઈ નીકળી પડી હોટેલની ડ્યુટી જોઈન કરવા.

નીચે જ મકાનમાલિક મળ્યા. તેમણે મમ્મી ગુજરી ગયા બદલ દુઃખ વ્યક્ત કર્યું. એ સાથે ત્રણ મહિનાનું ભાડું બાકી છે તે યાદ કરાવ્યું. કાંતાએ પોતે નેકસ્ટ પગાર આવે એટલે ઘણુંખરું આપી દેશે તેમ કહ્યું.

હોટેલ પહોંચતાં જ ચકાચક ગેઈટ પર વ્રજલાલ ઊભેલા. "અરે! તું? આજે નોકરી પર નથી ને?" તેમને આશ્ચર્ય થયું.

કાંતાએ કહ્યું કે મોનાને પોલીસ લઈ ગઈ છે તેથી મારે આવવું પડ્યું.

તેઓ સ્મશાનમાં પણ આવેલા. તેમણે દુઃખ વ્યક્ત કર્યું. અંદરનું વાતાવરણ હમણાં ગરમ છે, જાળવવા જેવું છે તેમ કહ્યું. કાંતાએ પૂછ્યું કે કોઈ અગ્રવાલના સગા કે મુલાકાતી આવેલા? તેઓએ ડોક હલાવી ના પાડી પૂછ્યું "કેમ એમ પૂછવું પડ્યું?"

"કાઈં અજુગતું બન્યું હોય, કોઈ અજાણ્યું આવ્યું હોય.." કાંતાએ કહ્યું.

ત્યાં કોઈ ફેમિલી બહાર આવ્યું અને તેને માટે ટેક્સી ઊભી એટલે તેઓ તેમાં વ્યસ્ત થઈ ગયા.

છતાં તેમણે પાછળ જોતાં કહ્યું,

"ભલે, ધ્યાન રાખજે દીકરી! અને કાઈં પણ કામ હોય તો તરત ઇન્ટરકોમ પર કહેવરાવજે." એ સાથે વ્રજલાલ કોઈ ટેક્સી પાસે જતા રહ્યા.


કાંતાએ તેમની સામે હકારમાં ડોકું નમાવ્યું અને હંમેશ મુજબના ઉત્સાહ સાથે ઝડપથી હોટેલના એ ભવ્ય ગેઈટનાં પગથિયાં ચડતી સુંદર સુંવાળી લાલ જાજમ પર થતી રિસેપ્શન કાઉન્ટર તરફ જવા લાગી. તેણે એ સવારના તડકામાં ચમકતાં ડોરનો સોના જેવો શોભતો પિત્તળનો નોબ ખોલ્યો. સવારના આખી લોબી આવતા અને ચેક આઉટ કરતા ગેસ્ટ લોકો અને સામાનથી ભરેલી હતી. ભીડ વચ્ચેથી માર્ગ કરતી તે અંદર પહોંચી.

કાંતા અંદર ગઈ તો રિસેપ્શન કાઉન્ટર પાસે જ સોફા પર રાધાક્રિશ્નન સર બેઠેલા. તેઓ કડક સુટ, ટાઈમાં સજજ હતા. ગોલ્ડન ફ્રેમનાં ચશ્મામાંથી તેઓ આજનું પેપર વાંચી રહ્યા હતા.

પહેલે પાને 'હોટેલ ટુરિસ્ટ હેવનમાં જાણીતા ઉદ્યોગપતિ અને બિઝનેસમેન અગ્રવાલ નું રહસ્યમય મૃત્યુ' એવી હેડલાઇન હતી.

"તેં આ વાંચ્યું?" કહેતાં તેમણે છાપું કાંતા તરફ ધર્યું.

તેમાં લખેલું કે હાઉસકીપિંગ સુપરવાઈઝરે સવારે તેમને બેડ પર મૃત હાલતમાં જોયેલા. મૃત્યુ સંદિગ્ધ અવસ્થામાં થયું જણાય છે. રાત્રે એક કલીનીંગ સ્ટાફને બોલાવવામાં આવેલી અને રૂમમાંથી છેલ્લી તે નીકળેલી. સદભાગ્યે કાંતાનું ક્યાંય નામ ન હતું.

અખબારના કહેવા મુજબ શ્રી. અગ્રવાલે આગલી પત્ની, જેને બે બાળકો પણ છે, તેને છૂટાછેડા આપ્યા વિના કાઢી મુકેલી અને પોતાનાથી 18 વર્ષ નાની સ્ત્રી સરિતા સાથે લગ્ન કરેલાં.

સીસી ટીવી મુજબ સરિતા ગોગલ્સ અને ભારે સાડી પહેરી, ફરની પર્સ લઈ રૂમમાંથી જતી દેખાયેલી. સરિતા હાલ ગુમ છે.

અન્ય અખબારે લખેલું કે મિ.અગ્રવાલ કેટલાક કાળા કે બેનામી ધંધાઓ સાથે સંકળાયેલા. તેમની ઘણી પ્રોપર્ટી માટે કેસો ચાલે છે અને નામાંકિત વકીલો લડી રહ્યા છે. તેમની મિલકતના વારસ તરીકે આગલી પત્ની, બાળકો અને હાલની પત્ની જંગે ચડ્યાં છે.

કોઈ ચેનલ અને જાણીતાં અખબારે લખેલું કે હોટેલના સ્યુટમાંથી પણ અગ્રવાલ દ્વારા ગેરકાયદે ધંધા પોતાના અને હોટેલના ફોન અને ઈન્ટરનેટથી થતા હોવાની માહિતી મળી છે. હોટેલના જનરલ મેનેજરે કોઈ કૉમેન્ટ કરવાની ના પાડી છે.

"કાંતા, તને ક્યારેય તે સ્યુટમાં કોઈ અનિચ્છનિય પ્રવૃત્તિ ચાલતી હોય એવું લાગેલું?" તેઓ વેધક નજરે પૂછી રહ્યા.

"સર, એવું લાગ્યું હોત તો હું ખાનગીમાં તમને કહી જ દેત. " કાંતાએ કહ્યું.

"સર, એક વાત પૂછું? મેડમ સરિતા ચેકઆઉટ કરી ગયાં કે આ હોટેલમાં જ ક્યાંક છે?" કાંતા પૂછી રહી.

"આમ તો તને કહેવા બંધાયેલો નથી પણ હા. બીજે માળ એક રૂમમાં તેમને સંતાડી રાખ્યાં છે. તને નંબર નહીં કહું. સંપર્ક કરવા ભૂલથી પણ પ્રયત્ન ન કરતી. નજરકેદ છે. પોલીસની તેમની પર નજર છે જ."

"હું તેમનો રૂમ સાફ કરી આવું? " કાંતાએ પૂછ્યું.

"ના. કેમ? કોઈ ગેસ્ટને ડ્યુટી સિવાય મળવાની મનાઈ છે. એમાં આ તો સસ્પેક્ટ. કેમ? ટીપ લેવી હતી? તું તો આજે સુપરવાઈઝર છો. એ ફક્ત સુનિતા કરશે."

કાંતાની અમુક આશાઓ પર પાણી ફરી વળ્યું.

"અને હા, સ્યુટ 712 તરફ તો ફરકતી જ નહીં. એ પોલીસે કોર્ડન કર્યો છે. જાય એ ફસાયું."

"ઠીક છે સર, પણ જે રીતે એ રૂમ ગંદો હતો, બૂ આવતી હતી.. "

"કહ્યું ને? તારે તો કોઈ રૂમ સાફ નથી કરવાના. તું મોનાની જગ્યાએ છે. બધાં પર ધ્યાન આપી કામ લેવું પણ અઘરું છે. જા, કામે ચડ. આજનું ડ્યુટીલીસ્ટ HRM પાસેથી લઈ લે. ઓલ ધ બેસ્ટ " કહેતા રાધાક્રિષ્નન બુટ ચમચમાવતા તેમની કેબિનમાં જતા રહ્યા.

ક્રમશ: