કાંતા ધ ક્લીનર - 13 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાંતા ધ ક્લીનર - 13

13.

ત્યાં તેની ઉપર ફોન આવ્યો.

"હેલો, હું રાધાક્રિષ્નન. ક્યાં છો?"

"સર, હું … હોસ્પિટલમાં છું. મારી મમ્મીનું હમણાં જ અવસાન થયું. તેમને લઈ જવા વગેરે.." કાંતા માંડમાંડ ડૂસકું રોકી કહી રહી.

"સો સેડ. અને બિલ માટે ડોન્ટ વરી. બધું હોટેલ ચૂકવી દેશે. તેં પોલીસને સારો સહકાર આપ્યો. તું નોકરી પર ચાલુ છે."

"ખૂબ આભાર, સર! અત્યારે જ મને પૈસાની જરૂર હતી. આઈ રીમેઈન અ ડીવોટેડ એમ્પ્લોયી ટુ ધ હોટેલ. બોલો સર, કોઈ કામ હતું?"

"મમ્મીના અગ્નિસંસ્કાર ક્યારે છે?"

"કોણ આવવાની રાહ હોય? મારું તો કોઈ નથી. ગાર્ડ વ્રજલાલ તો ડ્યુટી પર હશે. કિચનમાંથી કદાચ રાઘવ.. પછી અહીં હોસ્પિટલમાંથી જ.."

"વ્રજલાલને આવવા દેશું. આ રાઘવ.. તારો ફ્રેન્ડ ક્યારથી?"

"ખાસ ફ્રેન્ડ નહીં. સાથે નોકરી કરીએ એટલે વાતચીત. મને ક્યારેક મદદ કરે છે."

"ઠીક. સ્ટાફમાં જોઈ વિચારી ગાઢ પરિચય કેળવજે. હા, તો સાંભળ. તને નોકરી પર બોલાવી હતી. સુપરવાઈઝર મોનાએ સહુથી પહેલાં લાશ જોયેલી અને રિસેપ્શન પર ફોન કરેલો એટલે તેને ઇંટ્રોગેશન માટે લઈ ગયેલા છે અને તેણે ફોન કર્યો કે પોતે આઘાતમાં છે અને ડ્યુટી કરવા શકિતમાન નથી! આજે તો નહીં થાય, કાલથી બે ચાર દિવસ તું એની જગ્યાએ કામ કર. ઑફિસીએટીંગ એલાવન્સ આપવા કહી દઈશ. તો કાલથી આવવા કહેવું આમ તો ખોટું છે, પણ.."

"સર, ઘેર મને હવે હું સાવ એકલી હોઈ બધા વિચારો આવશે. મમ્મીના અગ્નિસંસ્કાર થઈ જાય પછી કાલ સવાર નહીં, આજે રાત થી જ આવી જાઉં."

"એવી જરૂર નથી. તેં મારી ચિંતા દૂર કરી દીધી. તો કાલે સવારે મળીએ.

હું હોટેલ તરફથી ફૂલો અને ચેક મોકલું છું. હિંમત રાખજે." કહી રાધાક્રિષ્નન સરે ફોન મૂક્યો.

મમ્મીના અગ્નિસંસ્કાર થઈ ગયા પછી રાત્રે કાંતા પહેલી વાર એનાં નાનાંશાં ઘરમાં એકલી પડી. જાણે ભીંતો આગળ વધી તેને ખાવા આવતી હોય તેમ તેને લાગ્યું. આજે તો મમ્મીનો ફોટો પણ સામે ન હતો. આંખ બંધ કરે એટલે ક્યારેક મમ્મી દેખાય તો ક્યારેક મિ.અગ્રવાલની લાશ. વળી પોલીસ સ્ટેશનની ફ્લેશ લાઈટ અને ગીતાબા તથા પેલા અધિકારી દેખાય.

થોડું આમથી તેમ ફર્યા પછી તેને ઊંઘ તો આવી ગઈ, સપનામાં જાણે પોતાનો દરવાજો કોઈએ નોક કર્યો. ખોલે તો સામે મિ.અગ્રવાલ! તેઓ એકદમ લાલ પીળાં શરીરમાં હતા, મોંમાંથી એવાં જ ફીણ નીકળતાં હતાં જે તેણે જોયેલાં. અગ્રવાલ અટ્ટહાસ્ય કરતા તેની તરફ આગળ વધ્યા. કાંતાએ ફેફસાં ખેંચી જોરદાર ફૂંક મારી. અગ્રવાલ કોલસો બની ગયા. તેઓ લાત મારવા ગયા. કાંતાએ હાથ ઘસ્યા, આગ પેદા થઈ અગ્રવાલ રાખના ઢગલામાં ફેરવાઈ ગયા. રાખથી આખું ઘર ભરાઈ રહ્યું. કાંતા ઊંડા શ્વાસ લેતી અને ફેંકતી રહી.

કાંતાએ આકાશ સામે જોઈ હાથ જોડ્યા. ભગવાન એક દુઃખ આપે ત્યારે સામે ક્યારેક સુખનો માર્ગ પણ ખોલી આપે છે.

ખરે વખતે સરનો જોઈન થવા માટે ફોન આવ્યો. જનરલ મેનેજરનો સામાન્ય હાઉસકીપિંગ સ્ટાફ પર ફોન આવવો બહુ મોટી વાત છે. કાંતાને પોતાની ઉપર ગર્વ થયો.

**


કાંતાએ બહુ થોડા માણસો સાથે મમ્મીના અગ્નિસંસ્કાર પતાવ્યા. સાંજે એકલી અટૂલી તે ઘેર ગઈ. તાળામાં ચાવી ફેરવી અને રૂમ ખોલ્યો. એને થયું હમણાં જ મમ્મીનો અવાજ આવશે - “આવી ગઈ દીકરી? કેવો રહ્યો આજનો દિવસ?"

પણ ઘર તો સૂમસામ હતું. હવે એમ જ રહેવું પડશે. તેણે જૂના ગાદી બેસી ગયેલા સોફા પર પડતું મૂક્યું.

એ સાથે કાંતા વિચારી રહી .

"આજનો કેવો દિવસ રહ્યો? ખરેખર આ બે ત્રણ દિવસ એવા વિચિત્ર હતા કે હું જે કંઈ થયું તે યાદ રાખવાને બદલે ભૂલી જવા માંગુ છું, અને તેમ છતાં તે રીતે મગજ કામ કરતું નથી. આપણે ખરાબ યાદોને ઊંડે દફનાવીએ છીએ, પરંતુ તે દૂર થતી નથી. તેઓ દરેક સમયે આપણી સાથે થઈ જ જાય છે. "

તેણે ઊઠીને ઝાડુ લીધું અને ઘર સાફ કરવાનું ચાલુ રાખ્યુ. તેણે બાથરૂમમાં જવાનો રસ્તો સાફ કરવો શરૂ કર્યો. તેની જૂની, તિરાડવાળી કાળી-સફેદ ટાઇલ્સ જે ભેજ આવતાં જૂની થઇ ગયેલી તેમ છતાં પોલિશ કરવામાં આવે ત્યારે નવા જેવી થઈ ચમકતી હતી એટલે અત્યારે ઘસવા લાગી, જે અઠવાડિયામાં બે વાર કરતી હતી તે બધું આજે કર્યું. કામમાં જીવ પરોવી શોક દૂર કરવા જ તો.

થોડી ફ્રેશ થવા તે નહાવા ગઈ. તે પોતાના થોડા છૂટાછવાયા વાળને શેમ્પૂથી સાફ કરી રહી. પછી બાથરૂમમાંથી બહાર આવી. હવે તે બેડરૂમના દરવાજાની સામે આવીને ઊભી ગઈ. તે બંધ હતો. તે થોભી. ‘હું ત્યાં નહીં જઈ શકું.’ એમ તેણે મનોમન કહ્યું. અંદર જતાં જ જાણે મમ્મી કૃશ શરીરે પડી ઊલટીઓ કરતી હોય એવું લાગવા માંડ્યું. તેને લાગ્યું કે જાણે મમ્મી બેઠી છે અને તે હમણાં જ તેના ઢીંચણ પર માથું રાખી પડી રહેશે. તે અરીસામાં પોતાને જોઈ રહી. યુવાની પૂરી આવી ચૂકી હતી અને ત્યારે જ તે સાવ એકલી પડી ચૂકી હતી. સાવ અનાથ બની ચૂકી હતી. કમાતી વ્યક્તિને પણ ઘેર કોઈનો ને કોઈનો સહારો જોઈતો હોય છે અને તે આજથી નહીં હોય.

ક્રમશ: