{{{Previously: શ્રદ્ધા ડ્રાઈવર સીટ પર બેસે છે અને વિશ્વાસ એની પાસેની સીટમાં...બંને એકબીજાની સામે જોઈ થોડું હસે છે અને પછી શ્રદ્ધા એની કાર ચાલુ કરે છે ને બન્ને નળસરોવર તરફ જવા નીકળે છે, ગાડીને હળવે હાથે ડ્રાઇવ કરતી શ્રદ્ધા તેને હળવા અવાજમાં કહે છે, " મારી સાથે આવવાં માટે thank you, નળસરોવર ઘણું જ સુંદર છે, તને ગમશે. તેં ક્યારેય જોયું છે?}}
વિશ્વાસ હળવેથી હસીને કહે છે, " અરે, એમાં thank you કેમ ? મારે પણ આવવું હતું. અને હા, બાળપણમાં એકવાર ગયો હતો, પણ હવે તો ઘણાં વર્ષો થઇ ગયા.”
બંને એકબીજાની સામે જોઈ હસે છે, નજર મળતાં જાણે બંને એકબીજામાં ખોવાઈ જાય છે, પણ શ્રદ્ધા નજર ફેરવી નાખીને વિશ્વાસને પૂછે છે, " મ્યુઝિક ? "
વિશ્વાસ : "હા, પણ 70’s or 80’s ના..."
શ્રદ્ધા થોડું મલકાઈને મ્યુઝિક ચાલુ કરે છે અને "કટી પતંગ" ફિલ્મનું ગીત વાગે છે.....
"ये शाम मस्तानी, मदहोश किये जाए
मुझे डोर कोई खींचे, तेरी ओर लिए जाए
ये शाम मस्तानी, मदहोश किये जाए
मुझे डोर कोई खींचे, तेरी ओर लिए जाए...."
અને બંને સાથે ગીતને ગાતા પણ જાય છે....
કાર ધીમે-ધીમે શહેરના રસ્તાઓને પસાર કરતી, આજુબાજુમાં દેખાતાં ઘરમાંથી સૂર્યના કિરણો ઝળહળતા હતાં. રસ્તાના બાજુમાં પીપળના ઝાડની છાંવ અને રસ્તાના બાજુમાં નાની મોટી દુકાનોમાં ભીડ હતી. શહેરની હળવી હસતી અને વાત કરતી છવીઓએ રસ્તાને જીવંત બનાવી દીધું. થોડી વાર પછી ગીતનો અવાજ ધીમો કરી, શ્રદ્ધા વાત શરૂ કરે છે, " અરે, વાહ...જૂના ગીતોનાં ફેન...એમ..."
વિશ્વાસ : "હા, i guess...તારી જેમ જ..." ( બંને હસે છે. )
આગળ શ્રદ્ધા રસ્તામાં વાતો કરતી રહે છે, "વિશ્વાસ, તું તો ઘણાં વર્ષો પછી ભારત આવ્યો છે, કેવું ફીલ થાય છે?"
વિશ્વાસ ઉલ્લાસપૂર્વક કહે છે, "હા, આખી લાઈફ તો લંડનમાં જ નીકળી ગઇ. અહીંના લહેકા અને મહેકા મને ઘણા યાદ આવે છે. અને મસાલા પણ! લંડનનું ખાવાનું તો ફીકું લાગે છે."
બંને ફરીથી હસી પડે છે અને વાતાવરણ હળવું થઈ જાય છે. રસ્તાની આજુબાજુ ખેતીવાળી જમીન અને નાના ગામડાઓ પસાર થતા શ્રદ્ધા વિશ્વાસની બાજુમાં નજર નાખીને કહે છે, "વિશ્વાસ, તને ભારતની કોઈ ખાસ જગ્યા યાદ આવતી હતી?"
વિશ્વાસની આંખોમાં ચમક આવે છે, "હા, સૌથી પહેલાં તો અમારું ઘર, પછી અમદાવાદની ઐતિહાસિક જગ્યાઓ જે મેં જોઈ હતી અને ખાસ કરીને નળસરોવર, જે મને હવે યાદ નથી. તું કેટલી વાર ગઈ છે નળસરોવર?"
શ્રદ્ધા હળવેથી હસીને કહે છે, "ઘણી વાર. નળસરોવરના પંખીઓ અને ત્યાંની શાંતિ મને ખૂબ પસંદ છે."
જેમ જેમ ગાડી ગામડાના રસ્તાઓ તરફ આગળ વધી છે, તેમ તેમ હવાને પણ તાજગી આપી દીધી છે. રસ્તાના બંને બાજુના લીલાછમ ખેતરો અને પરંપરાગત કચ્છી ઘરો માહોલને વધુ સુંદર બનાવે છે. બેકગ્રાઉન્ડમાં ગાડીમાં ધીમેથી ગીતો વાગતાં રહે છે.
વિશ્વાસ થોડીવાર બાદ સન્નાટામાં કહે છે, "અહિયાંની શાંતિને જોઈને હું જાણે ફરીથી જીવવા લાગ્યો છું."
શ્રદ્ધા મુખે સ્મિત લઈને, ખાસ કરીને વિશ્વાસની નજર સામેના માર્ગ તરફ દોરે છે, "હા, આ તાજગીથી ભરપૂર જગ્યા છે. બસ થોડી વાર, પછી આપણે નળસરોવરના સુંદર દ્રશ્યો માણીશું."
ધીરે ધીરે બંને થોડાં દિલથી ખુલે છે, અને ઘણી બધી વાતો કરે છે, જીવનની, પોતાનાં સપનાઓની, એમને ગમતી વસ્તુઓની, મિત્રોની અને બીજું ઘણું બધું...
કાર ધીમે-ધીમે નળસરોવર તરફ આગળ વધતી જાય છે, અને તેમની વચ્ચેની વાતચીત જીવનના આનંદો અને યાદોને ફરીથી જીવંત બનાવે છે.
દોઢેક કલાકમાં તેઓ પોંહચી જાય છે. શ્રદ્ધા અને વિશ્વાસે કાર નળસરોવર પાસે પાર્ક કરી. સરોવરનો શાંત અને મોહક નજારો તેમને મંત્રમુગ્ધ કરી દઈ રહ્યો હતો. તે બન્ને કારમાંથી બહાર આવીને સરોવર તરફ પગે ચાલતા આગળ વધે છે.
વિશ્વાસ ઊંડા શ્વાસ સાથે કહે છે, "અહીંની હવા કઈક જુદી જ છે, મીઠી અને તાજગીથી ભરેલી."
શ્રદ્ધા હસીને કહે છે, "હા, અહીંની શાંતિ અને સુંદરતા માટે જ હું વારંવાર અહીં આવું છું."
તેઓ બન્ને સરોવર પાસે બેસી જાય છે, જ્યાં છીછરું પાણી અને પંખીઓના ટોળાં દેખાઈ રહ્યા છે. વિશ્વાસ અને શ્રદ્ધા કંઈ પણ બોલ્યા વગર, માત્ર પંખીઓના અવાજ સાંભળે છે અને શાંત પાણીને માણી રહ્યા છે.
વિશ્વાસ શ્રદ્ધાની બાજુમાં બેસી, થોડું અચકાતાં કહે છે, "મને ખબર નથી પડતી કે શું વાત કરવી જોઈએ? આ મોસમ અને આ જગ્યા એવી છે કે મને કંઈક અલગ જ ફીલ થાય છે."
શ્રદ્ધા હળવેથી હસીને કહે છે, "ક્યારેક મૌન પણ સુંદર હોય છે. બસ અહીંની શાંતિનો આનંદ લઈએ."
વિશ્વાસ પણ હળવું મલકાયો. થોડી વાર પછી, શ્રદ્ધા અને વિશ્વાસ સરોવર પાસે ચાલતા-ચાલતા તેમની યાદોને વહેંચે
છે.
વિશ્વાસ: "મને યાદ છે, જ્યારે હું લંડનમાં હતો ત્યારે અદિતિ -મારી કઝીન, મને અહીંની ગલીઓ વિશે વાત કરતી. અહીંના રોડ અને લંડનના રસ્તાઓમાં ઘણો ફેર છે."
શ્રદ્ધા: "હા, લંડનના રસ્તાઓ તો અત્યાધુનિક છે. પરંતુ અહિયાંની સાદાઈ અને પ્રાકૃતિકતા મને વધુ પસંદ છે."
વિશ્વાસ: "તું સાચું કહે છે. મારા માટે પણ હવે એ નવાં અનુભવો છે. તું પણ લંડનમાં હતી ને! હવે અહીંયા કેમ?"
શ્રદ્ધા : "મને ભારત સાથે પહેલાંથી અલગ જ લગાવ હતો, નાની હતી ત્યારે લગભગ 12 વર્ષ સુધી હું અહીંયા જ હતી, પછી પપ્પાએ મમ્મી, મારાં ભાઈ અને મને ત્યાં બોલાવી લીધાં. મારે નહતું જવું, પણ જવું પડ્યું, સાચું કહું હું ઘણું રડી હતી."
વિશ્વાસ : " હા, અહીં એક અલગ જ દુનિયા છે. તમને સમય અને લોકો બંને મળી રહે છે. ખુશીઓ છે અને સાચું કહું તો જીવન છે. લંડનમાં જાણે ફક્ત મશીનો! સવારે ઉઠી જોબ પર જાઓ અને આખો દિવસ કામ કરી, થાકીને ઘરે આવો, ખાઓ અને સુઈ જાઓ, બીજા દિવસે પાછું એ જ રૂટિન..."
શ્રદ્ધા : " હા, એટલે જ હું કોલેજ કરવાં માટે અહીં આવી ગયી, પપ્પાને ઘણું સમજાવું પડ્યું પણ આખરે એ માની જ ગયાં. "
વિશ્વાસ : " સારું થયું ને, તું અહીંયા છે, નહીં તો મને નળસરોવર કોણ લઈ આવતું ! thank you very much શ્રદ્ધા, મને અહીં લઈ આવવાં માટે. હું ખુબ જ ખુશ છું. આ જગ્યા જોઈને અને એને માણીને! "
શ્રદ્ધા : " You are welcome. મને ખુશી થઈ કે તને આ જગ્યા ગમી, એટલું જ બહુ છે મારાં માટે. "
થોડો વખત વાતો કરતાં, તેઓ બન્ને સરોવરના કિનારે બેસી જાય છે. શ્રદ્ધા પોતાના ઘરેથી લઈને આવેલા થર્મોસમાંથી ચા કાઢે છે. એ જોતાં જ વિશ્વાસ આશ્ર્યચકિત થઇ જાય છે અને એના મુખ પાર એ ભાવ દર્શાઈ આવે છે!
શ્રદ્ધા: "તને ચાઇ પસંદ છે ને? મેં ખાસ તારા માટે બનાવી છે."
વિશ્વાસ: " હા, બહુ જ. તેં બનાવી છે? તો તો જરૂરથી સારી જ હશે."
ચાઈનો એક સીપ લઈને, વિશ્વાસ બોલ્યો, "અરે, મસ્ત ચાઈ બનાવી છે ને, શ્રદ્ધા! "
બન્ને ચાની ચુસ્કીઓ લેતા, વાતો કરતા અને સરોવરના સુંદર દ્રશ્યો માણી રહ્યા છે. આ સુંદર મોસમમાં અને મીઠી પળોને માણતા, બંને એકબીજાને વધુ નજીક અનુભવે છે અને એકબીજાનો સાથ માણી રહ્યા છે. આ મોહક અને શાંત વાતાવરણમાં, વિશ્વાસ અને શ્રદ્ધા વચ્ચેની મિત્રતા વધુ મજબૂત થતી જણાય છે.
વિશ્વાસ (નરમાઇથી ): શું આપણે હંમેશા અહીં સાથે આવી શકીએ? I mean...તું કહે છે ને કે તું વારંવાર અહીં આવે છે, તો મને પણ લેતી આવજે, આપણે સાથે આવીશું! મને લાગે છે કે આ જગ્યા મારી માટે ખાસ છે હવે!
શ્રદ્ધા ( સ્મિત સાથે ) : હા, જરૂરથી. કેમ નહીં? મને પણ ગમશે, તારી સાથે અહીં આવવું...
થોડા સમય બાદ, બંને બોટિંગ કરવાં માટે જાય છે. પાણીની ઠંડક, પક્ષીઓનો અવાજ, બીજાં પ્રવાસીઓના નાવની હિલચાલ, એમને એક અદ્ભૂત પળોની યાદ આપી જાય છે. અમૂક પક્ષીઓ આમતેમ પાણીની ઉપર ઉડતાં હતા તથા અમુક પક્ષીઓ આકાશમાં પાંખો ફેલાવી એકસાથે ઉડી રહ્યાં હતાં. તેમનું સંગઠન, ગતિ અને તેમના પાંખોની હરકત એક જ હાર્મોનીમાં હતાં, જાણે કોઈ આકૃતિ આકાશમાં નિર્મિત કરી હોય. એમણે આકાશમાં રંગોળી રચી હતી, તેમની પાંખો વચ્ચેનું સંતુલન કળાનાં સુંદર આકારો સર્જી રહ્યું હતું. પક્ષીઓનું આકાશમાં એકદમ અદ્ભૂત દ્રશ્ય રચાય છે, જે જોઈને બંનેની આત્મા જાણે તૃપ્ત થઈ જાય છે!