એક હતી કાનન... - 24 RAHUL VORA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક હતી કાનન... - 24

એક હતી કાનન... - રાહુલ વોરા
(પ્રકરણ – 24)
“કાનનબેન,તમે મને અટકાવશો નહીં. એ મનન ના બચ્ચાને તો હું હમણાં જ જોઈ લઉં છું” તાપસી ભૂલી ગઈ કે મનન એનો બોસ છે અને ઉશ્કેરાટમાં આગળ વધી.
“અરે,મારી બેન,તું શાંતિ રાખ.અત્યારે તપનની હાજરીમાં કોઈ તમાશો નથી કરવો.મને બે-ત્રણ દિવસનો સમય આપ.કદાચ મુક્તિની હાજરી અને મારી ભત્રીજીનો લગાવ જોઇને એ લોકો પીગળે પણ ખરાં”કાનને આશા દર્શાવી અને તાપસી ને રોકી.
“હું અત્યારની આપની સ્થિતિ સમજી શકું છું.કોઈ પણ સ્ત્રીને પતિનો સાથ મળે તો આખી દુનિયા સામે લડવા ઊભી રહી જાય છે.પણ પતિ પાણીમાં બેસી જાય તો નિરાશામાં સ્વાભાવિક રીતે ડૂબી જાય છે.”તાપસી ની વાણીમાં પણ કાનનના સાથ ની અસર દેખાવા લાગી હતી.
ચા-નાસ્તો લઈને ઉપર આવીને જે જોયું તે બન્ને ને થોડું કઠયું પણ ખરું.
તપન ચૂપચાપ બેઠો હતો અને મનન છાપાં વાંચવાનો ડોળ કરતો હતો.
તાપસી ને લાગ્યું કે બાલઘર થી સીધાં આવેલ હોવાથી તપન નો સમાન સાથે ન હતો.નહીંતર એની સ્થિતિ વધારે કફોડી થાત.
થોડી આડી અવળી વાતો બાદ તપન અને તાપસીએ વિદાય લીધી.મનન દરવાજા સુધી જ આવ્યો.કાનન થોડે સુધી સાથે ગઈ.
“તપન,તું મને પ્રોત્સાહન આપવા આટલે દૂરથી આવ્યો હોવા છતાં પણ મારા ઘરના અત્યારના સંજોગો જોતાં હું તને રોકાવાનું કે જમવાનું કહી શકું એમ નથી.સારું થયું તને તાપસી મળી ગઈ અને મારી આબરૂ સચવાઈ ગઈ.” કાનન ની આંખો થોડી ભીંજાઈ.
“અરે કાંઈ વાંધો નહીં.ઊલટાનું મેં અહીં આવીને તમને દુઃખી કરવાની ભૂલ કરી હોય એમ લાગે છે.”તપને કહ્યું.
“અને મારા ઘરે ઉતરીને મને હેરાન કરવાની પણ”તાપસીએ વાતાવરણ ને થોડું હળવું કરવા કહ્યું.
ઘરે પાછાં ફરતી વખતે બન્ને વચ્ચે ખાસ વાત ન થઇ.તપને પહેલીવાર તાપસીનું આવું ગંભીર રૂપ જોયું.
એ રાત્રે તપન માંડવી જવા રવાના થઇ ગયો.તપન પાસે હવે રોકાવા માટે કોઈ કારણ ન હતું અને તાપસી પાસે એને રોકવા માટે.બન્ને ઇચ્છતાં હોવા છતાં પણ.
બીજે દિવસે તાપસી દ્વારા બેંકમાં કાનનની રજાનો રીપોર્ટ મળ્યો અને રૂબરૂમાં કારણ જાણ્યું ત્યારે બેંકનો સ્ટાફ એને ઘેરી જ વળ્યો.સાંજે તો કાનન ના સ્ટાફનું એક ગ્રુપ ગીફ્ટ લઈને એને ઘરે જ પહોંચી ગયું.જો કે કાનન માટે પણ આ અણધાર્યું હતું.એનાં સાસુ-સસરા તો જરા વાર બેસીને આડાં અવળાં થઈ ગયાં.મનન તો ઓફિસથી આવીને આટલાં બધાં લોકોને જોઈ જ રહ્યો.એણે નાછૂટકે બેસવું પડ્યું.બધાં એ કાનન-મનન નાં આ પગલાં ની ખૂબ જ પ્રશંસા કરી.
સૌથી વધુ ખુશ તો બાલઘર નો સ્ટાફ થયો.તાપસીએ બધાં બાળકોને ચોકલેટ વહેંચીને જયારે આ સમાચાર આપ્યા ત્યારે બધાં એ બીજે દિવસે કાનન ને ઘરે રૂબરૂ અભિનંદન આપવા જવાનું નક્કી કર્યું અને બધાં પહોંચી પણ આવ્યાં.
મુખ્ય સંચાલિકા બહેને તો કાનન નાં સાસુ પાસે કાનન ના મોંફાટ વખાણ કરતાં કહ્યું પણ ખરું.
“તમે કેટલાં નસીબદાર છો કે તમને આવી લાગણીશીલ વહુ મળી છે. તમારો સહકાર હોય તો જ કાનન આવું બધું વિચારી શકે,અમલમાં મૂકી શકે.”
અહીં માંડવી પહોંચીને તરત જ તપને આ સમાચાર માનસીને આપ્યા.
“તમને તમારી બહેનપણી ના સ્વભાવનો પરિચય કરાવતા એક વધુ સમાચાર આપું.કાનનબેને એક બાળકીને દત્તક લઈ સમાજમાં એક ઉમદા દાખલો બેસાડયો.”
માનસી તો ખુશ થઈ જ પણ એણે આડોશ પાડોશમાં જયારે આ સમાચાર આપ્યા ત્યારે બધાએ કાનન નાં આ પગલાને વધાવી લીધું.
રમીલાબેને અનુભવ્યું કે પોતે સમાજના ડરે જે પગલું લેવાનું ચૂકી ગયાં હતાં તે કાનને કરી બતાવ્યું.
કાનને મમ્મી પપ્પા ને પત્ર લખીને આ વાત જણાવી. પત્ર વાંચીને બન્ને સામસામે મુશ્કુરાયાં.
કાનનની સ્થિતિ દિન પ્રતિદિન કફોડી બનતી જતી હતી.એક તરફ અભિનંદન આપનારાઓ નો પ્રવાહ અટકતો ન હતો અને બીજી તરફ ઘરનાં સભ્યોને આ બધું પસંદ ન હતું.કાનન આવનારા ને પણ રોકી શકે એમ ન હતી.સૌથી વધુ ખુશ તો કાનન ની ભત્રીજી હતી.કોઈ પણ આવે ત્યારે તે મુક્તિ ની બાજુમાં બેસી જ રહેતી અને પોતાની બહેન છે તેવું કહી પોરસાતી પણ ખરી.
મનને એ વતની નોંધ લીધી હતી કે તાપસી થોડા સમયથી પોતાની સાથે ખુલીને વાત કરતી ન હતી.ઓફીસના કામ પૂરતો જ મતલબ રાખતી હતી.મનન ને એ વાત પણ થોડી ખટકી હતી કે કાનને તાપસીને આ બધી વાત કરી હતી.કારણ કે એ એવું માનતો હતો કે તાપસી પહેલાં પોતાની મિત્ર હતી પછી કાનનની.
તાપસીનો સ્વભાવ તો તડાફડી કરવાનો જ હતો.સાચું કહેવાનું હોય ત્યાં બોસની પણ સાડાબારી ન રાખનારી તાપસી એટલે પણ ચૂપ હતી કે કાનને જ એને ચૂપ રહેવાનું કહ્યું હતું.પાંચેક દિવસ ધૂંધવાયેલી રહેતી તાપસી થી આખરે ન જ રહેવાયું.
“મનનભાઈ,તમારી મુક્તિ બાબત હું જરા વાત કરવા માગું છું.”
“દત્તક લીધી છે તે જ ને?”
મનને દત્તક શબ્દ વાપર્યો તે તાપસીને ગમ્યું તો નહીં એમ છતાં તે ચૂપ રહી.
“તાપસી,આ સમસ્યા અમારી પતિ-પત્ની વચ્ચેની છે.તું એનાથી દૂર જ રહે તો સારું.”
મનને ઉખડેલા સ્વરે જવાબ આપ્યો.
તાપસી એ કટાક્ષ કરવાની તક ઝડપી લીધી.
“ઓહ,સોરી બોસ,હું પણ હવે તમારા માટે બીજી વ્યક્તિ બની ગઈ.અત્યાર સુધી આપણે મિત્રો પણ છીએ એવા ભ્રમમાં હું ખોટી રહી.”
“બીજી વ્યક્તિનો સવાલ નથી પણ ઘરનાં વાસણોનો ખખડાટ મને અન્ય કોઈને સંભળાવવાની આદત નથી.”મનને ચોખવટ કરી.
“અચ્છા તો એમ કહો ને તમને વાંધો ત્યાં પડ્યો છે કે કાનને તમારા ઘરમાં જે બન્યું તે વાત મને કરી.હું તો તે દિવસે જ તમારા ઘરની સમજીને,હરખપદુડી બનીને, તમને ઠપકો આપવાની હતી પણ કાનનબેને જ મને રોકી હતી. અને સ્વાભાવિક રીતે સ્ત્રીઓ પરસ્પર એકબીજાની લાગણીઓ વધુ સમજી શકતી હોય છે એટલે કાનનબેને મને આ બધી વાત કરી હતી.” હવે તાપસી બરોબરની બગડી.
“મનનભાઈ,તમને વાંધો એ પડ્યો કે કાનનબેને મને આ વાત કરી.તમે જ આ વાત મને કરવા માગતા હતા અને એવું પણ ઈચ્છતા હતા કે હું તમને સાથ આપું,ખોટા હો તો પણ. પણ કાનનબેને પણ હું તમારી મિત્ર છું એમ માનીને જ આ બધી વાત કરી હતી,ઉભરો ઠાલવ્યો હતો.”તાપસી થોડું અટકી અને ફરી વરસી પડી.
“મનનભાઈ,તે દિવસે બીજું મેં એ પણ નોંધ્યું કે જે રીતે કાનનબેને તમારી મિત્ર તરીકે મને સ્વીકારી એ રીતે તમે તપનને એના મિત્ર તરીકે સ્વીકારી નથી શક્યા.હું તમને જુદી માટીના પુરુષ માનતી હતી પણ તમે પણ એ જ શંકાશીલ અને માટીપગા પુરુષ જ નીકળ્યા.તમે એ વાત કેમ ભૂલી ગયા કે આ એ જ તમારી કાનન છે જે તમારા અને તમારા કુટુંબીજનો ના સ્વમાન માટે પોતાના પિતા સામે પણ પથ્થરની દીવાલ બનીને ઊભી રહી ગઈ હતી.તમે મુક્તિની બાબતમાં કાનનબેનની પડખે ન રહીને મોટી ભૂલ જ કરી છે.” આટલું બોલી તાપસી ગુસ્સામાં કેબીનની અને ઓફિસની પણ બહાર નીકળી ગઈ.એને ડર લાગ્યો કે બીજા સ્ટાફ દેખતાં પોતાનાથી ક્યાંક પોતાના બોસનું અપમાન ન થઇ જાય.
મનન થાક્યો પાક્યો ઘરે આવ્યો.પોતાના રૂમમાં ગયો.કાનન મુક્તિને ખોળામાં લઈને બેઠી હતી.મનન વાત ટાળવા બહાર જતો જ હતો ત્યાં કાનને એને રોક્યો.
“મનન,એક મિનિટ.પ્રથમ આપણે બન્ને એ અને ત્યારબાદ બધા ઘરના સભ્યો સાથે બેસીને મુક્તિ બાબત વાત કરી લઈએ.ઘરનું તંગ વાતાવરણ મને હવે અકળાવે છે.”
“રાત્રે વિચારીશું.” આટલું બોલી મનન રૂમ બહાર જતો જ હતો ત્યાં કાનને ફરી એને રોક્યો.
“મનન,વાતને ટાળવાથી કશું નહીં વળે.મને એમ કે તને ન કહું પણ હવે આજે જે બન્યું તે સાંભળતો જ જા.”
“આજે મુક્તિને સુવડાવી હું પાડોશમાં જરા કામે ગઈ હતી.ત્યાં પાછળ એ જાગી ગઈ અને રડવા લાગી.મને આવતાં દશેક મિનીટ થઈ.આવીને જોયું તો મુક્તિ રડી રડીને ઊંધી પડી ગઈ હતી.આ બધું ઘરનાં બધાં જોતાં હતાં,સાંભળતાં હતાં તો પણ ન કોઈએ એને સરખી સુવડાવવાની દરકાર કરી કે ન મને બોલાવવાની.આ તો હદ થઇ કહેવાય,મનન.પારકાં છોકરાને પણ આપણે રડતાં નથી જોઈ શક્તા જયારે આ તો આપણી પોતાની,હવે ઘરની.”
તાપસી જે રીતે મનનને સંભળાવી ગઈ હતી તેનો ગુસ્સો એણે કાનન પર ઠાલવ્યો.
“કાનન,અત્યાર સુધી કેટલી શાંતિપૂર્વક આપણી જિંદગી પસાર થઇ રહી હતી.ઘરમાં પણ કેટલી શાંતિ હતી.હવે તો મને પણ લાગે છે કે તારી મુક્તિને,તારી દીકરીને, પગલે જ આ બધા પ્રશ્નો ઊભા થયા છે.હજુ તો શરૂઆત છે અને શરૂઆત આવી હોય તો ભવિષ્યમાં તો આગળ શું નું શું થઇ શકે.હવે તો મને પણ લાગે છે કે મુક્તિનું સ્થાન બાલઘર માં જ છે.”
“તારી વાત સાચી છે મનન,ઘરની અશાંતિનું કારણ બનેલી મુક્તિનું સ્થાન હવે આ ઘરમાં હોઈ જ ન શકે.”કાનન ઊભી થતાં બોલી.
“ચાલ કાનન,હું પણ મૂકવા આવું છું.આપણે બન્ને....”મનન વાક્ય પૂરું કરે તે પહેલાં કાનન મુક્તિને તેડીને સડસડાટ ઘરની બહાર નીકળી ગઈ.
આકાશમાંથી કુદરત પોતાની બાજી જોઈ રહી હતી.
(ક્રમશ:)