કાંતા ધ ક્લીનર - 12 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાંતા ધ ક્લીનર - 12

12.

સવારે ઉઠી તે જાણે કશું બન્યું નથી તેમ હોટેલ જવા તૈયાર થઈ. આજે મમ્મી વહેલાં ઊઠી ગયેલાં. ચા એમણે જ બનાવી. મમ્મીની તબિયત આમેય સારી નહોતી. એમને જે સ્થિતિ હતી એ કહીને શું? કાંતા પોતાની ફરજ પ્રત્યે એટલી બધી ઓતપ્રોત થઈ ગયેલી કે આજે શું કરવું એ વિચારી રહી. હોટેલ પાછળથી જઈ રાઘવને મળવું? સરિતા મેડમને આશ્વાસન આપતો ફોન કરી ક્યાં છે તે પૂછવું? આજે સર મળે તો એમને મળી લેવું? એમણે જ કહેલું કે તું ગુનેગારની શંકામાં નહીં હો તો નોકરીએ લઈ લેશું. અત્યારે તો તે થોડી ખરીદી કરવા બઝાર ગઈ. બે ચાર કામ પતાવી ઘેર આવે ત્યાં મમ્મીને છાતીમાં દુખાવો ઉપડેલો. મૂળ પેટમાં કોઈ મોટી તકલીફ હતી. તેમણે બે ચાર લીલી ઊલટીઓ કરી હતી. તેઓ અંદર રૂમમાં પડેલાં.

કાંતા રૂમમાં જતાં જ તેમણે કહ્યું "બેટા, આ શું થઈ ગયું? મને ખાતરી છે કે તું કોઈનું ખૂન ન કરે. તારે શું કામ એવું કરવું? પણ કોઈને સાથ આપ્યો હોય.. એ ગેસ્ટની વાઇફને.." મમ્મીને હાંફ ચડી.

"તમને કેવી રીતે ખબર પડી?" કાંતાએ પૂછ્યું.

"લે, આ ચેનલો વાળા એ જ બતાવે છે. અરે, એ ગેસ્ટની વાઇફ ફરાર છે. તારી સાથે સારા સંબંધો હતા, તને પૈસાની જરૂર હતી ને એવું આવ્યા કરે છે. તારા મેનેજરે એક ચેનલને કહ્યું કે અમારા કોઈ કર્મચારી આવું કરે નહીં. જેણે પ્રથમ જોયું એણે રિપોર્ટ કરવામાં વાર લગાડી. અમે યોગ્ય પગલાં લઈ રહ્યા છીએ. તારું, આપણું નામ.. કેવું ખરાબ થઈ ગયું!" તેમને આઘાત લાગેલો. વળી તેમણે આ વખતે ખૂબ ખેંચાઈને લીલી સાથે કાળાં લોહી વાળી ઉલ્ટી કરી.

કાંતા સમય ગુમાવ્યા વગર તેમને એક રિક્ષા બોલાવી ટેકો આપી હોસ્પિટલ લઈ ગઈ. હોસ્પિટલમાં કહ્યું કે તેનો હોટેલ ટુરિસ્ટ હેવનનો ફેમિલી ઇનસ્યોરન્સ છે પણ હોસ્પિટલવાળાઓને ખૂન કેસ વિશે સાચી ખોટી જાણકારી હતી. અત્યારે તેમણે કેશલેસ વોક ઇન માં સ્વીકાર્યું નહીં. તેની પાસે ડિપોઝિટ જેટલા પૈસા ન હતા. તેમનું ખાસ કોઈ સગું વ્હાલું નજીકમાં નહોતું રહેતું.. તેણે પોતે ગમે તેમ કરી ટ્રીટમેન્ટના પૈસા ભરી દેશે એમ કહ્યું. પૈસા માટે વ્રજકાકાને ફોન કર્યો. રાધવે કહ્યું કે તેની પાસે પૈસા હાલ નથી, વ્યવસ્થા કરવી પડશે. જીવણ, જેને શહેરમાં કોઈ રૂમ પોષાય તેમ મળતી ન હોઈ ગેરકાયદે પોતે અને રાઘવ રાતે કોઈ ને કોઈ ખાલી રૂમમાં એડજસ્ટ કરે રાખતાં હતાં એણે પણ પૈસાની ના પાડી. 'સાલા રાઘવને મને ફેરવવા ને ડીનર માટે હોટેલમાં લઈ જવી હોય ત્યારે બધા જોઈએ એટલા પૈસા નીકળે છે. આ તો ઠીક છે, વ્રજકાકાએ પોતાના ખાતામાં હોય એટલા લઈ કોઈ ચોકીદારની વ્યવસ્થા કરી હોસ્પિટલ આવે છે તેમ કહ્યું. નહીં તો!' કાંતા મનમાં બોલી રહી.

ખાસ બચત હવે રહી નહોતી છતાં કાંતા એટીએમમાંથી થાય એટલા પૈસા ઉપાડી આવી. ડોક્ટરોએ લખી તે દવા લેવા દોડી. ફરી રાઘવને ફોન કર્યો. તે કહે સાંજ સુધીમાં કે કાલે થોડા લઈને આવું.

આવા વખતે સરિતા પોતાને મોટી બહેન કહે છે તો એને કહું તો કામ થઈ જાય એમ સમજી તેણે સરિતાને ફોન લગાવ્યો. આમ તો કોઈ ગેસ્ટના ફોન નંબર લેવાના નથી હોતા અને પોતાના આપવાની મનાઈ હોય છે પણ સરિતા થોડી હોટેલ ગેસ્ટ હતી? સરિતાનો નંબર ડાયલ કર્યો, તે સ્વીચ ઓફ જ આવતો હતો.

તે ચિંતામાં હોસ્પિટલ ગઈ. દવા અને ટ્રીટમેન્ટ તો ચાલુ થઈ ગઈ. મમ્મીના શ્વાસ ધમણની જેમ ઉપડ્યા. કાંતા તેના બેડ પાસે બેસી મમ્મીનો હાથ પકડી પંપાળી રહી. થોડી વારમાં સામે દેખાતો મોનીટર સ્થિર થઈ ગયો. મમ્મી છત સામે ખુલ્લી ફાટ આંખે જોઈ રહી. તેનું મોં ખુલી ગયું. કાંતા તરત ડોકટરને બોલાવી લાવી. તેમણે મમ્મીની આંખમાં ટોર્ચ નાખી અને ચૂપચાપ મમ્મીનાં મોં પર ચાદર ઓઢાડી કાંતાના ખભા થપથપાવી ચાલ્યા ગયા. કાંતા મોટે અવાજે મમ્મીને વળગી રડી પડી, તરત પોતાને કંટ્રોલ કરી રહી.

બિલનું શું? તેણે ફરી રાઘવને ફોન લગાવ્યો. રાધવે પોતાની પાસે ખાસ પૈસા નથી પણ થોડા લઈને નીકળું છું એમ કહ્યું.

સરિતાનો ફોન હજી સ્વીચઓફ આવતો હતો. તે માથે હાથ મૂકી બહાર બાંકડે બેસી રહી.

'કેટકેટલો ઓવરટાઈમ કર્યો, અનિચ્છાએ પણ ક્લાયન્ટસની ટીપો સ્વીકારી ત્યારે મમ્મીની દવાઓનું અને ઘરનું પૂરું થતું! ભાડું પણ ચડી ગયું છે. કોર્સ ફી પણ ભરી નથી અને હમણાં ગઈ જ નથી. હે ભગવાન, હવે હું સાવ એકલી ! '

તે ભગવાનને સ્મરી રહી.

ક્રમશ: