મમતા - ભાગ 7 - 8 Varsha Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મમતા - ભાગ 7 - 8

🕉️
"મમતા"
ભાગ :7
❤️❤️❤️❤️❤️❤️❤️❤️

(મંથનની ઓફિસમાં આવેલા નવા મેડમ કોણ છે? મંથનનો એની સાથે શું સંબંધ છે તે જાણવા વાંચો " મમતા " ભાગ :7)

સોનેરી સવાર થતા જ મંથન પણ જાગ્યો. અને કોલેજ જવા માટે તૈયાર થવા લાગ્યો. કોલેજ પહોંચતા જ આગલા દિવસે મળેલી છોકરી તેના સામે આવી અને મંથનનો હાથ પકડીને કેન્ટિનમાં લઈ ગઈ. આ શું? મંથનને આ રીતે કોઈ છોકરી પહેલી વાર સ્પર્શ કરતી હતી. મંથન તો પાણી પાણી થઈ ગયો. પણ આ અજાણી છોકરી તો જાણે આજે બધું જ કહી દેવા આવી હોય તેમ પોતાનો પરિચય આપવા માંડી. " Hi, હું મોક્ષા કોલેજનાં પહેલા વર્ષમાં હાલ એડમીશન લીધુ છે. શું આપણે દોસ્ત બની શકીએ"? આ સાંભળીને મંથન તો તેની સામે જ જોવા લાગ્યો. આંખોમાં ચમક, અલ્લડ, ચબરાક શું કોઈ આ રીતે દોસ્તી કરે ? આમ આવી અજબ મુલાકાત પછી બંને સારા દોસ્ત બની ગયા.

મંથન અને મોક્ષાની જોડી પુરી કોલેજમાં પ્રખ્યાત થઈ ગઈ. એકવાર મંથન મોક્ષાને ઘરે પણ લઈ ગયો પણ દોસ્ત તરીકે જ ઓળખાણ આપી. પણ શારદાબેન બંનેને જોઈ કેટલાય સપના જોવા લાગ્યા.

મોક્ષા ખુબ ધનવાન પિતાની લાડકી દિકરી હતી. મોક્ષા અલ્લડ હરણી જેવી હતી. તેના પિતા જયસુખભાઈ મોટી કંપનીનાં માલિક હતા. નાનપણથી જ મા ને જોઈ ન હતી. તેથી પિતા તેની બધી જ ફરમાઇશ પુરી કરતાં.

સમય રેતીની જેમ સરવા લાગ્યો....... મંથન અને મોક્ષા બંને એકબીજાને દિલથી ચાહવા લાગ્યા. મોક્ષા પ્રેમ ભૂખી હતી તેને સાદા સોહામણા મંથનમાં પ્રેમ જોયો અને પોતાનું દિલ હારી બેઠી.

આમને આમ મંથન કોલેજ પુરી કરી આગળ ભણવા વડોદરા એડમિશન લીધુ. હવે મોક્ષાએ તેના અને મંથનનાં પ્રેમ વિષે પિતાને વાત કરી. પણ ધનનાં નશામાં મગરૂર જયસુખલાલને મંથન અને મોક્ષાનો સંબંધ મંજુર ન હતો. છતા પણ મોક્ષા મંથનને મળતી હતી તો એકવાર જાતે તે મંથનનાં ઘરે જઈને તેને મોક્ષાથી દુર રહેવાની ધમકી આપી આવ્યા હતાં. (ક્રમશ :)

( તો મિત્રો શું મજા આવે છે ને? શું મંથન અને મોક્ષાનો પ્રેમ જીતશે? કે પછી પછી મોક્ષાનાં પિતાનું દિલ પીગળી જશે.અને બંનેનો સંબંધ માની જશે? તે જાણવા આપે વાંચવી પડશે "મમતા"
વાંચતા રહો
સલામત રહો.




સમય તો રેતીની માફક સરતો જાય છે........ મંથન અને મોક્ષાનાં સંબંધને હવે બે વર્ષ થવા આવ્યા. પણ ધનનો નશો હજુ મોક્ષાનાં પિતાનાં મગજમાંથી ઉતર્યો ન હતો. કોઈપણ ભોગે મંથનને સ્વીકારવા રાજી ન હતાં.

મંથન પણ હવે આગળ અભ્યાસ માટે વડોદરા ગયો. મોક્ષા સાથે હવે ફોનથી વાત થતી.

એક દિવસ જયસુખભાઈનાં વિશાળ બંગલામાં એક ઓડી કાર આવે છે. મોક્ષા આ વાતથી અજાણ હતી. આ લોકો જયસુખભાઈનાં મિત્ર અને તેના પુત્ર વિનીત સાથે મોક્ષાને જોવા આવ્યા હતાં. વિનીત અમેરીકા રહેતો હતો. પાંચ હાથ પુરો, ફ્રેન્ચ કટ દાઢી, હાથમાં રોલેક્ષની ઘડિયાળ અને ગ્રે સુટમાં વિનીત હેન્ડસમ લાગતો હતો. મોક્ષા અને વિનીતની મુલાકાત થઈ. કોઈ ખાસ કશું બોલ્યું નહી. અને બંને મિત્રોએ મોક્ષા અને વિનીતનાં ઘડિયા લગ્ન નક્કી કર્યા. મોક્ષાનું દિલ તો મંથનનાં દિલમાં વસી ગયુ હતું. મોક્ષાએ મંથનને ઘણા ફોન કર્યા પણ મંથનનો ફોન બંધ આવતો હતો. અને પિતાની જીદ્દ સામે ઝુકીને લગ્ન કરી મોક્ષા વિનીત સાથે અમેરીકા ગઈ.

આ બાજુ મંથન પોતાનું ભણતર પુરૂ કરી ઘરે આવ્યો અને શારદાબા એ મોક્ષા અને વિનીતનાં લગ્નનાં સમાચાર આપ્યા. આ સાંભળીને મંથન ભાંગી પડયો. તેણે મોક્ષાને ઘણા ફોન કર્યા પણ ફોન બંધ આવતો હતો. આમ બંને પ્રેમીઓ અલગ થઈ ગયા.

મંથન પણ હવે મોક્ષાને ભૂલી ધીમે ધીમે આગળ વધવા લાગ્યો. મંથનને હવે કંપનીમાં સારા પગારથી નોકરી મળી ગઈ. અને મંથન માટે સારા ઘરનાં માંગા આવવા લાગ્યા. મંથન ના પાડતો અંતે શારદાબાની સમજાવટથી મંથન રાજી થયો. અને તેણે સુંદર, નમણી નાગરવેલ જેવી મૈત્રીને પસંદ કરી.

આમ મંથન અને મૈત્રીનું લગ્નજીવન શરૂ થાય છે. અને તેના બાગમાં "પરી" નામનું ફૂલ ખીલે છે. પણ ડીલેવરીમાં કોઈ પ્રોબ્લેમ થતાં મૈત્રી પરીને જન્મ આપીને મૃત્યુ પામે છે.

મંથનનાં જીવનમાં જાણે ખુશી ટકતી જ નથી. ધીમે ધીમે શારદાબા અને મંથન પરીની પરવરીશમાં ગુંથાઈ જાય છે. અને આજે આટલા વર્ષે આમ અચાનક મોક્ષાને જોઈને મંથનને તેના અને મોક્ષાનાં વિતાવેલા દિવસો યાદ આવે છે. અને કેટલાય સવાલો મંથનને થાય છે. અરે! મોક્ષા ભારત શા માટે આવી હશે? શું તે તેના પતિ સાથે આવી હશે? પણ મોક્ષાને મળ્યા સિવાય કંઈ ખબર ન પડે. મંથન આંખો બંધ કરી શાંત થવાનો પ્રયત્ન કરે છે. ( ક્રમશ:)

( મોક્ષા શા માટે ભારત આવી? શું મોક્ષા ફરી મંથનનાં જીવનમાં આવશે? મંથન અને મોક્ષાની પહેલી મુલાકાત કેમ થશે? વગેરે..... જાણવા વાંચો "મમતા")

વર્ષા ભટ્ટ (વૃંદા)
અંજાર