🕉️
" મમતા "
ભાગ :9
💓💓💓💓💓💓💓💓
( મૈત્રીના ગયા પછી પરી સાથે પોતાનું જીવન જીવતા મંથનનાં જીવનમાં મોક્ષા આવી. શું મોક્ષા તેના પરિવાર સાથે આવી છે? કે પછી એકલી? શું મંથન સાથે મોક્ષા કેવી રીતે મળશે? વાંચો ભાગ :9)
વિચારોનાં વમળોમાં ફસાયેલો મંથન ઘરે જાય છે. સાંજ થઈ ગઈ હતી. શારદાબા રસોડામાં હતાં. અને પરી દડો લઈને મંથન પાસે જાય છે. પણ આજે મંથનનું મન બેચેન હતુ. બસ મંથન એ જ વિચારતો હતો કે તે મોક્ષાનો સામનો કેવી રીતે કરશે? અને ત્યાં જ અંદરથી શારદાબા જમવા માટે બૂમ પાડે છે.
બેડરૂમમાં આછો પ્રકાશ હતો પણ મંથનની આંખોમાં આજે નિંદર ન હતી. બસ મોક્ષાનાં જ વિચારોએ મંથનનાં મન પર કાબુ કરી લીધો હતો.
સવાર થતા જ મંથન ઓફિસ માટે તૈયાર થાય છે. પણ આજ એક અલગ જ ઉલઝન હતી. મન અશાંત હતુ. મંથન પરીને મુકી ઓફિસે ગયો.
મંથન પોતાની કેબીનમાં જાય છે. ત્યાં જ પટાવાળો આવે છે. અને કહે છે "સર, મેમ આપને બોલાવે છે. પ્રોજેક્ટની ફાઈલ લઈ ને જશો" આ સાંભળી મંથનની ધડકન જોરજોરથી ધડકવા લાગી. મોક્ષાનો સામનો કેવી રીતે કરવો એ માટે પોતાની જાતને તૈયાર કરવા લાગ્યો. મંથન ફાઈલો લઈને જાય છે. અને કેબીનનો દરવાજો ખોલતા જ " Good morning mam " આ સાંભળી મોક્ષા મોં ઉંચુ કરે છે અરે! સામે મંથનને જોતા જ તે પોતાની ખુરશી પરથી ઉભી થઈ જાય છે. અને અચંબા સાથે અરે! મંથન તું અહીં! મંથન પણ મોક્ષાને હેલો, કહે છે. એકબીજાને આમ આટલા વર્ષે જોતા બંને લાગણીમય બની ગયા. દિલમાં સુષુપ્ત પડેલી પ્રેમની લાગણીઓ હિલોડા મારવા લાગી. પણ ઓફિસ હતી તો બંને સાંજે કોફી શોપમાં મળવાનું નક્કી કરે છે.અને બંને પોતાના કામમાં મગ્ન થઈ જાય છે.
ઓફિસમાં વધુ વાતો ન થતાં મંથન અને મોક્ષા " લવ બર્ડ "કોફીશોપમાં મળે છે. સાંજ થતાં જ બંને એકબીજાને મળવા આતુર હતાં. મોક્ષા તો પહેલી પહોંચી ગઈ. અને આતુરતાથી મંથનની રાહ જોવા લાગી. થોડીવાર થઈને મંથન પણ આવ્યો. હજુ પણ મંથન સાદો અને ઓછાબોલો જેવો હતો તેવો જ હતો. પણ મોક્ષા સાવ બદલાઈ ગઈ હતી. ઉછળતી, કુદતી હરણી જેવી મોક્ષા થોડી ઠરેલ લાગતી હતી. કાંજીવરમની કડક પીંક સાડી, વાળ ખુલ્લા અને ચહેરા પરની ચમક બરકરાર હતી.
કોફીશોપમાં ધીમુ અને મધુર સંગીત વાગતું હતુ. મંથન કોફીનો ઓર્ડર આપે છે. થોડીવાર મૌન રહી મંથન મોક્ષાને પુછે છે મોક્ષા, તું અહીં? એકલી આવી છે કે પરિવાર સાથે આવી છે? સામે મોક્ષા ચહેરા પર ઉદાસી સાથે મંથનનાં સવાલો સાંભળતી હતી. અને બોલી, મંથન, મેં તને આવો કાયર નહતો ધાર્યો. પ્રેમ હોવા છતાં મારા એકપણ ફોનનો તે જવાબ આપ્યો નહી. અને મારા પિતાએ તેના મિત્રનાં પુત્ર વિનીત સાથે મારા લગ્ન નક્કી કરી દીધા. અને તારા પ્રેમને દિલમાં છુપાવી હું તેની સાથે અમેરીકા ગઈ. મારા નસીબને દોષ દેતી મેં નક્કી કર્યુ કે હવે હું વિનીત સાથે નવા જીવનની શરૂઆત કરીશ. પણ વિનીતને ઓલરેડી અમેરીકામાં ડેઝી સાથે લવ હતો. તેણે ફકત તેના પિતાનાં કહેવાથી જ મારી સાથે લગ્ન કર્યા હતાં. મને વિનીતે ચોખ્ખું કહ્યું કે મારા દિલમાં તારું સ્થાન કયારેય નહી રહે તું અહીં રહે શકે છે. મેં થોડો સમય રાહ જોઈ પછી વિનીત સાથે છુટાછેડા લીધા.
અને હું ત્યાં જોબની સાથે એમ. બી. એ. કરવા લાગી.
આ બાજુ મારા અને વિનીતનાં છુટાછેડાની જાણ થતાં મારા પિતાની તબિયત બગડવા લાગી. તેમને પણ હવે પસ્તાવો થતો હતો કે પૈસાનાં ટૉરમાં તને નાપસંદ કરીને વિનીતને પસંદ કરવા બદલ તે પોતાની જાતને દોષી માનતા હતાં. પિતાનું મૃત્યુ થયું અને હું ભારત આવી. બધી વિધીઓ પુરી કરી તારા વિષે જાણકારી મેળવી તો સમાચાર મળ્યા કે તું પણ લગ્ન કરી તારા જીવનમાં ઠરીઠામ થયો છે. અને કંપની તરફથી આ નોકરીની ઓફર આવતા મેં આ નોકરી સ્વીકારી.
ઘણા સમયે પોતાનું કોક મળતા મોક્ષાએ દિલની બધી જ વ્યથા ઠાલવી. અને હળવી ફુલ થઈ ગઈ. (ક્રમશ:)
(શું મોક્ષા અને મંથન ફરી પાછા એક થશે? તે જાણવા વાંચો "મમતા")
વર્ષા ભટ્ટ (વૃંદા)
અંજાર