🕉️
શ્રી ગણેશાય નમઃ
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
દિલનાં તારને ઝંઝોડી નાંખનાર પરી, મંથન અને મોક્ષાની દિલધડક નવલકથા "મમતા" વાંચો અને આપના પ્રતિભાવો જણાવો.
" મમતા " ભાગ : 1
********************
"કૃષ્ણ વિલા" બંગલામાં આજે ઉદાસીનાં વાદળો છવાયેલા છે. અહીં મંથન, શારદાબા અને વહાલી લાગે એવી નાની પરી રહે છે.
મંથન ખુબ જ મિલનસાર અને સોહામણો યુવાન છે. પોતાની માતા શારદાબા સાથે રહે છે. નાની પરીનાં જન્મ સમયે જ મંથનની પત્ની મૈત્રીનું મૃત્યુ થયું હતું. એક બાજુ નાની પરીને જોઈ મંથન ખુશ હતો તો બીજી બાજુ મૈત્રીને હમેંશા માટે ગુમાવી હતી.
મૈત્રીની યાદમાં ગુમસુમ રહેતા મંથને પોતાની જાતને કામમાં પરોવી દીધી હતી. મંથન એક કંપનીમાં મેનેજર તરીકે જોબ કરતો હતો. અને શારદાબાએ પરીને સાચવી લીધી હતી. હાલ પરી ત્રણ વર્ષની હતી. મા નાં વહાલની ગેરહાજરીમાં બા અને મંથનનાં પ્રેમમાં તરવરતી પરી ખરેખર! પરાણે વહાલી લાગે તેવી હતી. તેની માસુમીયત જોઈને ઇશ્વર સાથે ઝગડો કરવાનું મન થાય. અરે! આ નાની કળી જેવી પરીને મા નાં પ્રેમથી વંચિત શા માટે રાખી હશે?
સવારનો સમય હતો. શારદાબા મંદિરમાં ઠાકુરજીની પુજા કરતાં હતાં. મંથન આજે વહેલો રેડી થતો હતો કારણ કે આજે પરીનાં નર્સરીનાં એડમીશન માટે જવાનું હતુ. શારદાબા બૂમ પાડે છે. "પરી મારી દુલારી કયાં ગઈ? ચાલ, પ્રસાદ આપુ! " પરી દોડતી આવે છે અને દાદીને વહાલ કરી પ્રસાદ લે છે.
મંથન પણ તૈયાર થઈ પ્રસાદ લઈને શારદાબા અને પરીને લઈ એડમીશન માટે જાય છે. "ફૂલવારી" નર્સરીમાં પહોંચી પરી તો ખુશ થઈ ગઈ. નર્સરીમાં ગાર્ડનમાં લસરપટ્ટી, હિંચકાઓ અને સરસ મજાનું ડેકોરેશન કર્યુ હતું. મીકીમાઉસ અને ડૉરેમનનાં ચિત્રોથી શણગારાયેલી નર્સરીમાં ઘણા પરીની ઉંમરનાં બાળકો પોતાનાં માતા પિતા સાથે આવ્યા હતાં. પરી આ જોઈને મંથનને પુછયુ "પપ્પા, બધાને મમ્મી છે. મારી પાસે કેમ નથી? " પરીનાં આ સવાલનો મંથન પાસે કોઈ જવાબ ન હતો.
આંખોમાં આંસુ સાથે મંથન પરી અને શારદાબા સાથે " ફૂલવારી" નર્સરીમાં દાખલ થયા.
(મંથન,પરી અને તેની માતા સાથે રહે છે. શું મંથનનાં રણસમા જીવનમાં કોઈ સ્નેહની વીરડી બની આવશે? કોણ? એ જાણવા વાંચતા રહો "મમતા")
(ક્રમશ
🕉️
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
" મમતા " ભાગ : 2
******************
( આપણે જોયુ કે મંથન, શારદા બા અને નાની પરી. પરીની પાછળ મંથન પોતાનું દુઃખ ભૂલીને બાળક બની જતો હતો. શારદાબાની તો દુનિયા જ પરી હતી. હવે શું થશે આગળ એ વાંચવા તમારે બીજો ભાગ વાંચવો જ રહ્યો મિત્રો.)
સૂરજનાં કિરણોની લાલીમાં બાલ્કનીમાં પડતી હતી. મંદિરમાં શારદાબા મધુર ભજન ગાતા હતા. "ઓ કાના! ઓ મુરલીવાળા! દુઃખ દુર કર સઘળા મારાં"
રોજનાં નિત્યક્રમ મુજબ પૂજા-પાઠ કરીને શારદાબા મંથન અને પરીને પ્રસાદ આપે છે. આજે નર્સરીમાં જવાનો પરીનો પહેલો દિવસ હતો તો પરી ખુબ જ ખુશ હતી. મંથન પરીને મુકીને ઓફિસે જવા નીકળી ગયો.
આજે પરી વગર શારદાબાને ઘર સુનું સુનું લાગતું હતું. શારદાબા મૈત્રીનાં ફોટા સામે અપલક નજરે જોતાં વિચારતા હતાં. અરે! થોડા સમયનો મોહ આપી ચાલી ગઈ. પણ એક નાની એવી કળી "પરીને" આપતી ગઈ. જે શારદાબા અને મંથનનો એકમાત્ર જીવનનો આધાર હતી.
શારદાબાએ ઘણીવાર મંથનને બીજા લગ્ન માટે કહ્યું પણ મંથન પરીની બીજી મા લાવવા માંગતો ન હતો. શારદાબા ઘણુ સમજાવતા કે તારી સામે આવડી મોટી જીંદગી પડી છે. હમસફર વગર આવડી મોટી જીંદગી કાઢવી મુશ્કેલ છે. એ મારા સિવાય કોણ જાણે, કોણ સમજી શકે, એ વિચારી શારદાબા પોતાનાં જૂના દિવસો યાદ કરવા લાગ્યા.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
(શારદાબા પોતાના દિવસો યાદ કરે છે.)
કાઠિયાવાડનું નાનું એવું ગામ સામતેર. ચારેબાજુ હરિયાળી મન મુકીને વરસી હતી. શારદાબા નાની ઉંમરે લગ્ન કરી સુજોયભાઈનાં ઘરમાં આવ્યા. તે સમયમાં સંયુકત કુંટુબ. સુજોયભાઈ પેઢી પર મુનિમનું કામ કરતાં. અને બીજા બે ભાઈઓ ખેતીવાડી કરતાં. કયારેક કયારેક સુજોયભાઈ પણ વાડીએ જતાં. એક દિવસ વાડીએ હતા અને સુજોયભાઈને સાપે ડંખ દિધો. અને તરત દવાખાને લઈ ગયા. પણ ઝેર શરીરમાં ફેલાઈ જવાથી તેમનું મોત નીપજ્યું. શારદાબેન પર તો જાણે આભ તુટી પડયુ. આવી પડેલી મુસીબતથી તેઓ સાવ ભાંગી પડયા. મંથન ત્યારે માંડ પાંચ વર્ષનો હતો. બીજી બાજુ ભાઈઓએ પણ બધી જ વાડીઓ અને મકાન પોતાને નામે કરી લીધા. લાચાર શારદાબેન કશુ કરી શકયા નહી. સુજોયભાઈનાં મિત્ર રમણભાઈએ શારદાબેન અને મંથનને શહેરમાં લઈ આવ્યા. અને પોતાના જ ઘરમાં આશ્રય આપ્યો.
(મંથનની એકલતાની પીડા જોઈ શારદાબા પોતાનાં ભૂતકાળનાં દિવસો યાદ કરે છે. પોતે એકલે હાથે મંથનને કેવી રીતે મોટો કર્યો તે જાણવા વાંચો "મમતા " ભાગ :3)
ક્રમશ)
વર્ષા ભટ્ટ (વૃંદા)